સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

કેવું શિક્ષણ તમને સફળ બનાવી શકે?

કેવું શિક્ષણ તમને સફળ બનાવી શકે?

કેવું શિક્ષણ તમને સફળ બનાવી શકે?

શું તમારા પર એક સાથે ઘણી મુશ્કેલીઓ આવી પડી છે? જો આવી પડે, તો જાણે તમે એમાં ડૂબી જતા હોય એવું લાગે, ખરું ને? એવા સમયે જો આપણે ખોટા નિર્ણયો લઈ બેસીએ, તો કેવી તકલીફો આવી પડે! મુશ્કેલીઓ કેવી રીતે દૂર કરવી, એ કંઈ જન્મથી આપણે શીખ્યા નથી. પરંતુ, યોગ્ય નિર્ણય લેવા સારા શિક્ષણની જરૂર છે. તો પછી ‘મુશ્કેલીઓમાં ખરા નિર્ણય લેવા મદદ કરે, એવું શિક્ષણ ક્યાંથી મળી શકે?’

ઘણા માને છે કે આજે તો સારી ડિગ્રી હોય તો કામ આવે. અમુક ડિપ્લોમા મેળવેલા હોવા જ જોઈએ. અરે, ઘણા નિષ્ણાતો પણ કહે છે કે ‘તમારી પાસે ડિગ્રી કે ડિપ્લોમા ન હોય તો અમને નથી લાગતું કે તમને સારી નોકરી મળી શકે.’ એનો એવો અર્થ નથી કે ગ્રેજ્યુએટ થવાથી, ડિગ્રી કે ડિપ્લોમા મેળવીને જ આપણે જીવનની જવાબદારીઓ સારી રીતે ઉપાડીશું. દાખલા તરીકે, શું ડિગ્રી કે ડિપ્લોમા મેળવવાથી કોઈ સારાં માબાપ, લગ્‍નસાથી કે મિત્ર બની શકે? અમુક ભણેલા-ગણેલા લોકોને સમાજ માનથી જોતો હોય. તોપણ તેઓમાં ખરાબ ગુણો આવી શકે છે. તેઓમાંના કોઈ પોતાના કુટુંબની સંભાળ પણ રાખતા ન હોય. અરે, કોઈ તો આપઘાત પણ કરી લે છે.

અમુક જણ માને છે કે જીવનમાં માર્ગદર્શન મેળવવા ધર્મ સારું શિક્ષણ આપે છે. પરંતુ, ઘણા લોકો ધર્મની મદદ લીધા પછી પણ હતાશ થઈ ગયા છે. જીવનની મુશ્કેલીઓ દૂર કરવા ધર્મ તેઓને કંઈ મદદ આપી શક્યો નથી. ચાલો આપણે મૅક્સિકોમાં રહેતી ઈમિલીઆનો દાખલો લઈએ. * તે કહે છે: “પંદર વર્ષ પહેલાં મને એમ થતું હતું કે હવે હું મારા પતિ સાથે નહિ રહી શકું. અમે કાયમ ઝઘડતા. તે બહુ જ પીતા. હું કોઈ પણ રીતે તેમને પીવાની આદત છોડાવી શકી નહિ. અરે ઘણી વાર તો મારે અમારાં નાનાં બાળકોને ઘરે મૂકીને તેમને શોધવા જવું પડતું. હું બહુ કંટાળી ગઈ હતી. મને થયું કે ચાલ, મને ચર્ચમાંથી કંઈ મદદ મળશે. એટલે ચર્ચમાં જવા લાગી. ત્યાં કોઈ કોઈ વાર બાઇબલ વાંચવામાં આવતું. પરંતુ એમાંથી કોઈ સલાહ આપવામાં આવતી ન હતી. હું મુશ્કેલીઓ કેવી રીતે સહન કરી શકું, એના વિષે પણ મને કોઈએ બાઇબલમાંથી સલાહ આપી નહિ. હું ચર્ચમાં બેસીને મંત્રની જેમ પ્રાર્થના કરીને ચાલી આવતી, પણ નારાજ રહેતી.” એ જ રીતે આજે પણ લોકો ગુરુઓથી મૂંઝાઈ જાય છે. એનું કારણ કે તેઓ પોતાની જવાબદારી સારી રીતે ઉપાડતા નથી. એના લીધે લોકોને ધર્મ પરથી શ્રદ્ધા ઊઠી જાય છે. તેઓ એવું માનવા લાગે છે કે જીવનની મુશ્કેલીઓ દૂર કરવા ધર્મ પાસે કંઈ જ્ઞાન નથી.

આવું જોઈને તમારા મનમાં સવાલ થઈ શકે કે ‘જીવનમાં સફળ થવા મારે કેવું શિક્ષણ લેવું જોઈએ?’ શું સાચા ખ્રિસ્તીઓ પાસે આ મહત્ત્વના પ્રશ્નનો જવાબ છે? હવે પછીના લેખમાં એની ચર્ચા કરવામાં આવશે.

[ફુટનોટ]

^ અમુક નામ બદલવામાં આવ્યાં છે.