સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

‘ગરુડના દેશમાં’ યહોવાહના લોકો વધતા જ જાય છે

‘ગરુડના દેશમાં’ યહોવાહના લોકો વધતા જ જાય છે

‘ગરુડના દેશમાં’ યહોવાહના લોકો વધતા જ જાય છે

આલ્બેનિયાના લોકો તેમની ભાષામાં પોતાના દેશને “ગરુડનો દેશ” કહે છે. આ દેશ એડ્રિયાટિક સમુદ્ર કિનારે આવેલો છે. ગ્રીસ અને અગાઉના યુગોસ્લાવિયાની વચ્ચે આવેલો બાલ્કન દેશ છે. આલ્બેનિયાના લોકો ક્યાંથી આવ્યા? એના વિષે ઘણી માન્યતાઓ છે, પણ મોટા ભાગના ઇતિહાસકારોનું માનવું છે કે તેઓની ભાષા ઈલેરિઅન નામે ઓળખાતી પ્રજામાંથી આવે છે. ધી એન્સાયક્લોપીડિયા બ્રિટાનિકા પ્રમાણે, એ પ્રજાની સંસ્કૃતિ ઈસવીસન પૂર્વે ૨૦૦૦થી હતી.

આલ્બેનિયા સુંદર દેશ છે. ઉત્તરે ઊંચા ઊંચા પર્વતો છે, તો દક્ષિણે સુંવાળી રેતીથી પથરાયેલા એડ્રિયાટિક સમુદ્રના લાંબા લાંબા કિનારા છે. જોકે, લોકોમાં જે ખૂબી છે એ બીજે ક્યાંય નથી! લોકો પ્રેમાળ અને ખૂબ વાતોડિયા છે. તેઓ બધાને પ્રેમથી આવકાર આપે. તેઓ કંઈ પણ ઝડપથી શીખે છે અને સહેલાઈથી પોતાના મનની વાત જણાવે છે.

જાણીતા મિશનરિની મુલાકાત

લોકોનો આવો સ્વભાવ અને દેશની આવી સુંદરતાને લીધે જ, સદીઓ અગાઉ, એક જાણીતા મિશનરિનું ધ્યાન એ તરફ ખેંચાયું હોય શકે. પ્રેષિત પાઊલે ૫૬ની સાલમાં લખ્યું કે “છેક ઈલુરીકમ સુધી મેં ખ્રિસ્તની સુવાર્તા સંપૂર્ણ રીતે પ્રગટ કરી છે.” (રૂમી ૧૫:૧૯) ઈલુરીકમનો દક્ષિણ ભાગ આજનું મધ્ય અને ઉત્તર આલ્બેનિયા છે. પાઊલ ઈલુરીકમની દક્ષિણે આવેલા કોરીંથ, ગ્રીસથી લખી રહ્યા હતા. તે કહેતા હતા કે “છેક ઈલુરીકમ સુધી” તેમણે પ્રચાર કર્યો હતો. એનો અર્થ કે તે એની હદ સુધી ગયા હોય કે પછી એ દેશમાં ગયા હોય. બેમાંથી કોઈ પણ રીતે, તેમણે આજના દક્ષિણ આલ્બેનિયામાં પ્રચાર કર્યો હશે. એટલે આલ્બેનિયામાં પ્રચાર કરવાની શરૂઆત પાઊલે કરી એમ કહી શકાય.

એ પછી સદીઓ વીતી ગઈ. દેશ-પરદેશના રાજાઓનું રાજ આવ્યું ને ગયું. આખરે ૧૯૧૨માં યુરોપનો આ નાનકડો દેશ આલ્બેનિયા, સ્વતંત્ર દેશ બન્યો. એના લગભગ દસેક વર્ષ પછી, યહોવાહનાં વચનો ફરીથી આલ્બેનિયામાં સંભળાવા લાગ્યાં.

જોરદાર શરૂઆત

એ જમાનામાં યહોવાહના સાક્ષીઓ ઇન્ટરનેશનલ બાઇબલ સ્ટુડન્ટ્‌સ તરીકે ઓળખાતા. અમેરિકા ગયેલા આલ્બેનિયાના અમુક લોકો તેઓ પાસેથી સત્ય શીખતા હતા. એ લોકો ૧૯૨૦ પછીનાં વર્ષોમાં પાછા આલ્બેનિયા આવ્યા, જેથી પોતાના મિત્રોને એ વિષે જણાવી શકે. તેઓમાં એક નાશો ઈડ્રીઝી હતા. અમુકે તેમનું ધ્યાનથી સાંભળ્યું. એટલે ૧૯૨૪માં રોમેનિયાની બ્રાંચને જવાબદારી સોંપવામાં આવી કે આલ્બેનિયામાં સત્યનો પ્રચાર કરવા મદદ કરે.

આલ્બેનિયામાં એ વર્ષોમાં યહોવાહ વિષે શીખનારામાં થાનાસ દુલી (એથાન દુલીસ) પણ હતા. તે યાદ કરતા કહે છે કે “આલ્બેનિયામાં ૧૯૨૫માં કુલ ત્રણ મંડળ હતા. વળી, અહીં-તહીં ભાઈ-બહેનો હતા અને વધારે જાણવા માગતા લોકો પણ હતા. તેઓમાં એટલો પ્રેમ હતો કે . . . તેઓ બીજા લોકોથી એકદમ જુદા દેખાઈ આવતા!” *

ત્યાં રોડ જેવું તો કંઈ નથી, એટલે મુસાફરી કરવી બહુ મુશ્કેલ બનતું. પણ ભાઈ-બહેનો એટલા હોંશીલા કે બધે પહોંચી વળે. દાખલા તરીકે, દક્ષિણ દરિયા કિનારે વ્લોરા નામનું શહેર છે. ત્યાં રહેનાર એરતી પીના નામની બહેન ૧૮ વર્ષની ઉંમરે ૧૯૨૮માં બાપ્તિસ્મા પામી. તે હાથમાં બાઇબલ લઈને નીકળી પડતી. ઊંચા ઊંચા પહાડો પર જઈ પ્રચાર કરતી. ઓગણીસો ત્રીસ પછીનાં વર્ષોમાં તે વ્લોરા નામના ઉત્સાહી મંડળમાં જવા માંડી.

આલ્બેનિયામાં પ્રચાર કામની જવાબદારી ૧૯૩૦માં એથેન્સ, ગ્રીસ બ્રાંચ ઑફિસના હાથમાં હતી. ગ્રીસથી ૧૯૩૨માં એક ટ્રાવેલીંગ ઓવરસિયર આલ્બેનિયા આવ્યા. તેમણે ત્યાંના ભાઈઓને હિંમત અને ઉત્તેજન આપ્યું. એ સમયે સત્ય શીખેલા મોટા ભાગનાને સ્વર્ગમાં જવાની આશા હતી. લોકોમાં તેઓની છાપ બહુ જ સારી હતી. આ વિશ્વાસુ ભાઈબહેનોની મહેનતનાં ફળ મીઠાં હતાં. આલ્બેનિયામાં ૧૯૩૫ અને ૧૯૩૬માં લગભગ ૬,૫૦૦ બાઇબલ સાહિત્ય લોકોને આપવામાં આવ્યા!

એક દિવસે વ્લોરા શહેરમાં નાશો ઈડ્રીઝીએ જે. એફ. રધરફર્ડનું એક પ્રવચન ગ્રામોફોન પર વગાડ્યું. ભાઈ ઈડ્રીઝી આલ્બેનિયન ભાષામાં એનું ભાષાંતર કરવા લાગ્યા તેમ, લોકો પોતપોતાનો ધંધો બંધ કરીને એ સાંભળવા આવ્યા. એ જમાનામાં હોંશીલા ભાઈ-બહેનોને પોતાની મહેનતના આશીર્વાદ મળ્યા. આલ્બેનિયામાં ૧૯૪૦ સુધીમાં યહોવાહના ૫૦ ભક્તો હતા.

નાસ્તિક દેશ

આલ્બેનિયા પર ૧૯૩૯માં ઇટાલીના ફાસીવાદીઓએ અડ્ડો જમાવી દીધો. યહોવાહના લોકોની કાયદેસર ઓળખ રદ કરવામાં આવી. થોડા જ સમયમાં જર્મન લશ્કર દેશ પર ચડી આવ્યું. બીજા વિશ્વયુદ્ધ પછી, ૧૯૪૬માં અનવર હોક્ઝાની સામ્યવાદી સરકાર ચૂંટણી જીતી ગઈ. એટલે તે વડાપ્રધાન બની ગયો. એ પછીનાં વર્ષો આઝાદીનાં વર્ષો કહેવાતા. પણ યહોવાહના લોકો માટે એ જુલમનો સમય હતો.

ધીમે ધીમે સરકારને ધર્મ ખૂંચવા લાગ્યો. યહોવાહના સાક્ષીઓ બાઇબલ પ્રમાણે જીવતા હોવાથી, હથિયારો ઉપાડવાની કે રાજનીતિમાં જોડાવાની ના પડી. (યશાયાહ ૨:૨-૪; યોહાન ૧૫:૧૭-૧૯) ઘણાને જેલમાં પૂરી દેવાયા. તેઓને ખાવા-પીવાનું કે કોઈ બીજી ચીજ પૂરી પાડવામાં આવી નહિ! જેલ બહાર હતા એવા યહોવાહના સાક્ષીઓમાંથી બહેનોએ મોટે ભાગે તેઓ માટે ખાવાનું મોકલ્યું અને કપડાં ધોયાં.

સતાવણી સહી, પણ ડરી ગયા નહિ

ફ્રોસીના જાકાહ નામની છોકરી, પરમીટ નામના જિલ્લાના એક ગામડામાં રહેતી હતી. તેણે ૧૯૪૦ પછી સાંભળ્યું કે તેના મોટા ભાઈઓ યહોવાહના એક સાક્ષી નાશો ડોરી પાસેથી સત્ય શીખતા હતા. નાશો ડોરી મોચીનું કામ કરતા હતા. * સરકાર યહોવાહના સાક્ષીઓ સાથે કડકાઈથી વર્તતી હતી. ફ્રોસીનાનાં માબાપ પણ નારાજ હતા, છતાંયે તેની શ્રદ્ધા ડગી નહિ. ફ્રોસીના કહે છે, “તેઓ મારા બૂટ સંતાડી દેતા. હું મિટિંગમાં જાઉં તો મને મારતા. તેઓએ મારા માટે કોઈ મુરતિયો શોધી કાઢ્યો હતો. મેં ના પાડી તો મને ઘરમાંથી કાઢી મૂકી. એ દિવસે સ્નો [બરફ] પડતો હતો. નાશો ડોરીએ જાયરોકાસ્તરમાં રહેતા ભાઈ ગોલ ફ્લોકોને મારી મદદ કરવા જણાવ્યું. હું તેમના કુટુંબ સાથે રહી. મારા ભાઈઓએ હથિયાર ઉપાડવાની ના પાડી હોવાને લીધે, તેઓને બે વર્ષ જેલ થઈ. તેઓ જેલમાંથી છૂટ્યા પછી, હું તેઓ સાથે રહેવા વ્લોરા ગઈ.”

“પોલીસે મને રાજકારણમાં ભાગ લેવા બળજબરી કરી. મેં ઘસીને ના પાડી દીધી. તેઓ મને પકડીને એક રૂમમાં લઈ ગયા અને મને ઘેરી લીધી. એક પોલીસે મને કહ્યું, ‘તને ખબર છે કે અમે તને શું કરી શકીએ?’ મેં જવાબ આપ્યો, ‘યહોવાહ જે કંઈ કરવા દે, એ જ તમે કરી શકશો.’ તે બરાડી ઊઠ્યો, ‘પાગલ! ચાલી જા અહીંથી.’”

આવી જ શ્રદ્ધા આલ્બેનિયાના બીજા ભાઈ-બહેનોએ પણ બતાવી. વર્ષ ૧૯૫૭માં ભાઈ-બહેનોની સંખ્યા વધીને ૭૫ થઈ ગઈ. યહોવાહના સાક્ષીઓની મુખ્ય બ્રાંચથી ૧૯૬૦ પછી, જોન માર્ક્સને તિરાની શહેરમાં મદદ કરવા મોકલવામાં આવ્યા. તે મૂળ આલ્બેનિયાના વતની હતા, પણ અમેરિકામાં રહેતા હતા. * જોકે જલદી જ લુસી ક્ષેકા, મિહાલ સ્વેઝી, લાઓનિથા પોપ અને બીજા જવાબદાર ભાઈઓને કાળી મજૂરી કરવા જેલમાં ધકેલી દેવામાં આવ્યા.

લાખો નિરાશામાં આશા

આલ્બેનિયામાં ૧૯૬૭ સુધી બધા જ ધર્મો પર નજર રાખવામાં આવતી. પછી ધર્મ પાળવાની સાવ મનાઈ થઈ. કૅથલિક, ઑર્થોડૉક્સ કે મુસ્લિમ ધર્મગુરુઓ કોઈ વિધિ ન કરી શકે. ચર્ચો અને મસ્જિદો બંધ કરવામાં આવ્યા. અથવા એને બદલે અખાડા, મ્યુઝિયમ કે બજાર બનાવવામાં આવ્યા. કોઈ પણ બાઇબલ રાખી શકતું ન હતું. ઈશ્વરમાં માનવા વિષે તો કોઈ વાત પણ ન કરી શકે.

યહોવાહના સાક્ષીઓ માટે મિટિંગ ભરવી અને પ્રચાર કરવો બહુ મુશ્કેલ થઈ પડ્યું. ભાઈ-બહેનો છૂટા પડી ગયા હોવા છતાં, તેઓ યહોવાહની ભક્તિમાં બનતું બધું જ કરતા. લગભગ ૧૯૬૦-૮૦નાં વર્ષોમાં તેઓની સંખ્યા ઓછી થઈ ગઈ. તોપણ, તેઓની શ્રદ્ધા મજબૂત હતી.

આલ્બેનિયામાં ૧૯૮૦-૯૦નાં વર્ષોમાં ધીમે ધીમે રાજકીય હાલત બદલવા લાગી. લોકો રોટી ને કપડાં માટે ફાંફાં મારતા હતા. તેઓ ખુશ ન હતા. પૂર્વ યુરોપમાં શરૂ થયેલા ફેરફારો ૧૯૯૦ પછીનાં વર્ષોમાં આલ્બેનિયા પહોંચ્યા. એકતંત્રી રાજના હાથ નીચે ૪૫ વર્ષો કાઢ્યાં બાદ, આલ્બેનિયાની નવી સરકારે ફરીથી ધર્મને છૂટ આપી.

યહોવાહના સાક્ષીઓની ગવર્નિંગ બોડીના કહેવાથી, ઑસ્ટ્રિયા અને ગ્રીસની બ્રાંચ ઑફિસો તરત જ આલ્બેનિયામાં ભાઈઓની શોધ કરવા માંડી. જે ગ્રીક ભાઈઓ આલ્બેનિયન ભાષા જાણતા હતા, તેઓ ભાષાંતર થયેલાં નવાં સાહિત્યો તિરાની અને બેરેટ શહેરોમાં લઈ આવ્યા. વર્ષો પછી, પરદેશથી પોતાને મળવા આવેલા ભાઈઓને જોઈને, આલ્બેનિયાના ભાઈઓનો આનંદ સમાતો ન હતો.

પરદેશના હોંશીલા પાયોનિયરો

ગવર્નિંગ બોડીએ ૧૯૯૨માં મિખાએલ અને લીન્ડા ડીગ્રેગોરીયો નામના મિશનરિ યુગલને આલ્બેનિયા મોકલ્યું. તેઓ મૂળ આલ્બેનિયાના જ હતા. તેઓએ મોટી ઉંમરના ભાઈ-બહેનોને પણ શોધી કાઢ્યા, જેથી તેઓ યહોવાહના લોકોના કુટુંબ સાથે ફરીથી ભેગા થઈને હિંમત મેળવે. ઈટાલીથી ૧૬ સ્પેશિયલ પાયોનિયરો અને ચાર ગ્રીક પાયોનિયરો નવેમ્બરમાં આવ્યા. તેઓને મદદ કરવા માટે આલ્બેનિયન ભાષા શીખવાનો કોર્સ રાખવામાં આવ્યો.

આ પાયોનિયરો માટે જીવન બહુ મુશ્કેલ હતું. વારંવાર પાવર કટ થાય. શિયાળામાં બહુ જ ઠંડી અને ભેજ હોય. લોકોએ ખોરાક અને બીજી જરૂરી ચીજો લેવા કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવું પડતું. તોપણ, ભાઈઓની મોટી સમસ્યા એ હતી કે સત્ય શીખનારા કીડીઓની જેમ ઊભરાતા હતા. તેથી તેઓ માટે મોટી જગ્યા શોધવી ક્યાં?

પાયોનિયરોને નવી ભાષા બહુ અઘરી લાગતી હતી. તોપણ, તેઓ જાણતા હતા કે ભાષા જ કંઈ બધું નથી. એક અનુભવી ભાઈએ તેઓને જણાવ્યું, “આપણા ભાઈ-બહેનોને સ્માઈલ આપવામાં કે ભેટવામાં વ્યાકરણ જરૂરી નથી. આલ્બેનિયાના લોકોને પ્રેમથી જીતી લેવાશે, વ્યાકરણથી નહિ. ચિંતા ન કરો, તેઓ સમજી જશે.”

ભાષાનો પહેલો કોર્સ પૂરો થયો, એટલે પાયોનિયરોએ બીરેટ, ડ્યુરેસ, જાયરોકાસ્તર, સ્કોડર, તિરાની અને વ્લોરા શહેરોમાં પ્રચાર શરૂ કર્યો. એ શહેરોમાં એક પછી એક ફટાફટ મંડળો શરૂ થયાં. બહેન એરતી પીનાની ઉંમર હવે ૮૦થી વધારે થઈ હતી. તેમની તબિયત પણ નરમ-ગરમ રહેતી. એરતી સાથે પ્રચાર કરવા બે સ્પેશિયલ પાયોનિયરોને મોકલવામાં આવ્યા. પરદેશીને પોતાની ભાષામાં બોલતા સાંભળીને, આલ્બેનિયાના લોકોને બહુ નવાઈ લાગે છે: “બીજા ધર્મના મિશનરિઓ કહેતા કે અમારે કંઈ શીખવું હોય તો પહેલા અંગ્રેજી કે ઇટાલિયન ભાષા શીખવી પડે. જ્યારે કે તમે તો આલ્બેનિયન ભાષા શીખ્યા. નક્કી તમને અમારા પર બહુ પ્રેમ છે અને તમારી પાસે બહુ જરૂરી સંદેશો હોવો જોઈએ!” એરતી બહેન જાન્યુઆરી ૧૯૯૪માં ગુજરી ગયા. તેમને સ્વર્ગમાં જીવનની આશા છે. તેમણે છેલ્લા મહિના સુધી પ્રચાર ચાલુ રાખ્યો હતો. તેમની અને બીજા પાયોનિયરોની ધગશ પર યહોવાહનો આશીર્વાદ હતો. વ્લોરાનું મંડળ ૧૯૯૫માં ફરીથી શરૂ થયું. આજે એ દરિયા કિનારે હવે ત્રણ મંડળો પ્રચાર કામમાં ડૂબી ગયા છે.

આખા દેશમાં લોકોના દિલમાં ધર્મ જાગી ઊઠ્યો હતો. હવે તેઓને ધર્મ વિષે જાણવું હતું. યહોવાહના સાક્ષીઓ પાસેથી બાઇબલના કોઈ પણ પુસ્તક-પુસ્તિકાઓ તેઓ તરત જ વાંચી નાખતા. ઘણા યુવાનિયાઓ બાઇબલ સ્ટડી કરીને સત્યમાં આગળ વધવા લાગ્યા.

આખા દેશમાં લગભગ ૯૦ મંડળો અને ગ્રૂપોનો ‘વિશ્વાસ દૃઢ થતો જાય છે, અને તેઓની સંખ્યા રોજ રોજ વધતી જાય છે.’ (પ્રેરિતોનાં કૃત્યો ૧૬:૫) આલ્બેનિયામાં ૩,૫૧૩ ભાઈ-બહેનો માટે યહોવાહની સેવામાં હજુ ઘણું કામ બાકી છે. માર્ચ ૨૦૦૫માં ખ્રિસ્તના મરણના મેમોરિયલમાં ૧૦,૧૪૪ લોકો આવ્યા હતા. પ્રચારમાં પણ લોકોને સત્ય જાણવાની એટલી હોંશ છે કે ૬,૦૦૦ કરતાં વધારે બાઇબલ સ્ટડી ચાલે છે. હવે તો આલ્બેનિયન ભાષામાં ન્યૂ વર્લ્ડ ટ્રાંસલેશન પણ બહાર પડ્યું છે, જેનાથી હજારો લોકોને ફાયદો થશે. ખરેખર, ‘ગરુડના દેશમાં’ યહોવાહનાં વચનો ફેલાતાં જાય છે. યહોવાહનો જયજયકાર થતો જાય છે!

[ફુટનોટ્‌સ]

^ થાનાસ દુલીનો અનુભવ ધ વોચટાવર ડિસેમ્બર ૧, ૧૯૬૮માં છે.

^ નાશો ડોરીનો અનુભવ જાન્યુઆરી ૧, ૧૯૯૬ના ચોકીબુરજમાં આવ્યો છે.

^ જોન માર્ક્સની પત્ની હેલનનો અનુભવ જાન્યુઆરી ૧, ૨૦૦૨ના ચોકીબુરજમાં છે.

[પાન ૨૦ પર બોક્સ]

કોસવોમાં નાત-જાતના ભેદભાવ ઓગળી જાય છે

કોસવોનું નામ ૧૯૯૫ પછીનાં વર્ષોમાં જગજાહેર થયું. શા માટે? એ સમયે નાત-જાતના ભેદભાવને લીધે ત્યાં લડાઈ ફાટી નીકળી. દુનિયાના બીજા દેશો પણ વચમાં પડ્યા.

બાલ્કનના દેશોમાં થયેલી લડાઈ વખતે ઘણા યહોવાહના સાક્ષીઓએ આજુબાજુના દેશોમાં નાસી છૂટવું પડ્યું. લડાઈ પૂરી થયા પછી, તેઓમાંના થોડા પાછા કોસવો આવ્યા અને પ્રચાર કામ શરૂ કરી દીધું. આલ્બેનિયા અને ઈટાલીના સ્પેશિયલ પાયોનિયરો કોસવો આવીને ૨૩,૫૦,૦૦૦ લોકોને પ્રચાર કરવા તૈયાર થઈ ગયા. હવે ચાર મંડળ અને છ ગ્રૂપ મળીને લગભગ ૧૩૦ ભાઈ-બહેનો ત્યાં યહોવાહની ભક્તિ કરે છે.

પ્રેસ્તીના શહેરમાં ૨૦૦૩માં ખાસ સંમેલન દિવસ રાખવામાં આવ્યો હતો. ત્યાં ૨૫૨ લોકો આવ્યા હતા. એમાં આલ્બેનિયા, ઈટાલી, જર્મની, જીપ્સી અને સર્બિયાના લોકો પણ હતા. બાપ્તિસ્માની ટૉકને અંતે ભાઈએ બે સવાલ પૂછ્યા. બાપ્તિસ્મા લેનારા ત્રણ ભાઈ-બહેન જવાબ આપવા ઊભા થયા: ત્રણમાંથી એક આલ્બેનિયન, એક જીપ્સી અને એક સર્બિયાના હતા.

“વા!” “દા!” અને “પા!” એમ તેઓએ પોતપોતાની ભાષામાં જોરથી જવાબ આપ્યા. બીજા ભાઈ-બહેનોએ તાળીઓના ગડગડાટથી તેઓને વધાવી લીધા. પેલા ત્રણેય ભાઈ-બહેનો પણ એકબીજાને ભેટી પડ્યા. દેશમાં ચાલતો નાત-જાતનો ભેદભાવ તેઓમાંથી ઓગળી ગયો હતો.

[પાન ૧૭ પર નકશા]

(લેખને છપાયો છે એવો જોવા એ પ્રકાશનમાં જુઓ)

મધ્ય સમુદ્ર

ઈટાલી

આલ્બેનિયા

ગ્રીસ

[પાન ૧૮ પર ચિત્ર]

ઉંમરવાળા ભાઈ-બહેનોની જેમ યુવાનો હોંશીલા છે

[પાન ૧૮ પર ચિત્ર]

૧૯૨૮થી વિશ્વાસુ એરતી પીના, ૧૯૯૪માં મરણ પામ્યા

[પાન ૧૯ પર ચિત્ર]

ભાષાના કોર્સમાં પરદેશી પાયોનિયરોનું પહેલું ગ્રૂપ

[પાન ૧૬ પર ચિત્રની ક્રેડીટ લાઈન]

ગરુડ: © Brian K. Wheeler/VIREO