સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

જો જો, ઘમંડથી ફૂલાઈ ન જતા!

જો જો, ઘમંડથી ફૂલાઈ ન જતા!

જો જો, ઘમંડથી ફૂલાઈ ન જતા!

“દેવ ગર્વિષ્ઠોની વિરૂદ્ધ છે.”—યાકૂબ ૪:૬.

૧. દાખલો આપો કે કેવી કેવી બાબતોમાં ગર્વ લેવો યોગ્ય છે?

 કોઈ કારણને લીધે શું તમને કદી ગર્વ થયો છે? જીવનમાં આપણે બધા કોઈને કોઈ બાબતમાં ગર્વ લઈએ છીએ. એમાં કંઈ ખોટું નથી. દાખલા તરીકે, જ્યારે માબાપ પોતાનાં બાળકની સ્કૂલનો રિપોર્ટ વાંચે કે તે બહુ તોફાની નથી, બહુ હોશિયાર છે, ત્યારે તેઓની છાતી કેવી ગર્વથી ફૂલાઈ જાય છે. ઈશ્વરભક્ત પાઊલ અને તેમના મિત્રોએ પણ નવું મંડળ શરૂ થયું એનો ગર્વ લીધો. શા માટે? ઘણી સતાવણી હોવા છતાં, એક નવું મંડળ શરૂ થયું હતું.—૧ થેસ્સાલોનીકી ૧:૧, ૬; ૨:૧૯, ૨૦; ૨ થેસ્સાલોનીકી ૧:૧,.

૨. શા માટે ઘમંડ કરવું ખોટું છે?

આમ, કોઈ સારું કામ કરવાને લીધે અથવા કોઈ સારી ચીજ-વસ્તુને લીધે ગર્વ થાય, એ જુદી વાત છે. એમાં કંઈ ખોટું નથી. પણ ઘણી વાર વ્યક્તિ પોતાની આવડત, દેખાવ, પૈસા કે પદવીને લીધે મોટી મોટી બડાઈ મારે અથવા માનવા લાગે કે પોતે જ કંઈક છે. એ બહુ ખોટું છે, કેમ કે એ તો અભિમાન કહેવાય, ઘમંડ કહેવાય. આપણે એવા વલણથી બહુ ચેતીને ચાલવું જોઈએ. કેમ? એક કારણ એ કે આદમના લીધે આપણે જન્મથી જ સ્વાર્થી છીએ. (ઉત્પત્તિ ૮:૨૧) આપણું દિલ સહેલાઈથી આવા માર્ગે ચડી જાય છે. આપણને ઘમંડી બનતા જરાય વાર લાગતી નથી. જાતિ, પૈસા, ભણતર અને આવડતને કારણે, આપણે પોતાને બીજા કરતાં ઊંચા માનતા હોય શકીએ. એવી બડાઈ મારવી ખોટી છે. યહોવાહને એ જરાય પસંદ નથી.—યિર્મેયાહ ૯:૨૩; પ્રેરિતોનાં કૃત્યો ૧૦:૩૪, ૩૫; ૧ કોરીંથી ૪:૭; ગલાતી ૫:૨૬; ૬:૩, ૪.

૩. અભિમાની વ્યક્તિ કેવી હોય છે? ઈસુએ એના વિષે શું કહ્યું?

ઘમંડને કેમ આપણા દિલમાં પેસવા ન દેવું જોઈએ એનું બીજું કારણ વિચારો. ઘમંડી વ્યક્તિ માનવા લાગે કે ફક્ત પોતે જ કંઈક છે. સામેવાળા તો જાણે મામૂલી છે. (લુક ૧૮:૯; યોહાન ૭:૪૭-૪૯) ઈસુએ કહ્યું કે ‘માણસના હૃદયમાંથી નીકળતું અભિમાન માણસને વટાળે છે,’ બગાડે છે. (માર્ક ૭:૨૦-૨૩) એટલે જ આપણે ઘમંડને દિલમાં જરાય પેસવા ન દઈએ. *

૪. બાઇબલ અમુક અભિમાની વ્યક્તિ વિષે જણાવે છે, એનાથી આપણને કેવી મદદ મળશે?

બાઇબલ અમુક અભિમાની વ્યક્તિઓ વિષે જણાવે છે. બાઇબલના એ ઉદાહરણથી આપણે શીખીશું કે આપણામાં અભિમાન છે કે નહિ. જો હોય તો એને જડમૂળથી કાઢી નાખીએ, નહિ તો પછીથી એ હેરાન કરી નાખશે. ઈશ્વરે ચેતવણી આપી છે, “હું તારામાંથી અભિમાની તથા ગર્વિષ્ઠ માણસોને દૂર કરીશ, ને હવે પછી તું મારા પવિત્ર પર્વત પર મગરૂરી કરશે નહિ.” (સફાન્યાહ ૩:૧૧) એટલે જો આપણે ઈશ્વરના આશીર્વાદ મેળવવા હોય, તો હમણાંથી જ જીવનમાં ફેરફાર કરીએ.

ઈશ્વર ઘમંડી લોકોને સજા કરે છે

૫, ૬. ફારૂનનું ઘમંડ કઈ રીતે દેખાયું, તેની શું હાલત થઈ?

ચાલો આપણે જોઈએ કે ઈશ્વરની નજરમાં અભિમાની લોકો કેવા છે. પહેલા તો મિસરના રાજા ફારૂન વિષે જોઈએ. ફારૂનને બહુ અભિમાન. એને એવો ઘમંડ કે તે ઈશ્વર સમાન છે. લોકોએ તેની પણ ભક્તિ કરવી જોઈએ. તેને ઈસ્રાએલીઓ પર સખત નફરત. એક તો તેઓ ફારૂનના ગુલામ હતા. એમાંય વળી એ ગુલામો માટે ઈસ્રાએલી મુસાએ માંગણી કરી કે ઈસ્રાએલના ઈશ્વર યહોવાહનું “પર્વ પાળવા માટે” તેઓને અરણ્યમાં જવા દે. ફારૂને ઘમંડથી છાતી ફૂલાવીને કહ્યું કે “યહોવાહ કોણ છે, કે હું તેની વાણી માનીને ઈસ્રાએલપુત્રોને જવા દઉં?”—નિર્ગમન ૫:૧, ૨.

યહોવાહ ફારૂન પર છ આફતો લઈ આવ્યા. પછી યહોવાહે મુસાને કહ્યું, ફારૂનની પાસે જઈને કહે કે ‘શું હજી પણ તું ગર્વ કરીને મારા લોકોને જવા દેતો નથી?’ (નિર્ગમન ૯:૧૭) યહોવાહે મુસા દ્વારા સાતમી આફત જાહેર કરી. ભારે કરાનો વરસાદ! એનાથી દેશ ઉજ્જડ થઈ જવાનો હતો. ફારૂનના મિસર દેશ પર દસ દસ આફતો આવી ત્યાર પછી, તેણે ઈસ્રાએલીઓને જવા દીધા. અરે, એ પછી પણ તેનો વિચાર બદલાયો. ફારૂન તેઓની પાછળ પડ્યો. છેવટે, ફારૂન અને તેની ફોજ લાલ સમુદ્રમાં ફસાઈ ગયા. કલ્પના કરો કે સમુદ્રના પાણી તેઓ પર ફરી વળ્યા ત્યારે, તેઓને કેવું લાગ્યું હશે. તેના ખાસ સિપાઈઓએ કહ્યું કે “આપણે ઈસ્રાએલની સંમુખથી નાસીએ; કેમ કે યહોવાહ તેઓના પક્ષમાં રહીને મિસરીઓની વિરૂદ્ધ લડે છે.” (નિર્ગમન ૧૪:૨૫) ઘમંડી ફારૂનની કેવી ખરાબ હાલત થઈ!

૭. બાબેલોનના રાજાઓએ કેવું ઘમંડ કર્યું?

યહોવાહે બીજા અભિમાની રાજાઓને પણ પાઠ ભણાવ્યો છે. જેમ કે, આશ્શૂરનો ઘમંડી રાજા સાન્હેરીબ. (યશાયાહ ૩૬:૧-૪, ૨૦; ૩૭:૩૬-૩૮) બાબેલોનીઓએ તેના પર જીત મેળવી. બાબેલોનના બે રાજાઓ પણ ઘમંડી બન્યા. તેઓને પણ પાઠ ભણાવવાની જરૂર પડી. બાબેલોનનો રાજા બેલ્શાસ્સાર. તેણે એક મોટી મિજબાની કરી. મોટા મોટા મહેમાનોને એમાં બોલાવ્યા. પછી યહોવાહના મંદિરના વાસણો મંગાવીને, સોનાના પ્યાલામાં શરાબ પીવા લાગ્યા. બીજા દેવ-દેવીઓને ભજવા લાગ્યા. ઓચિંતા તેઓએ દીવાલ પર જોયું, તો જુઓ, કોઈ માણસના હાથથી સંદેશો લખાતો હતો! રાજા ગભરાયો. તેણે ઈશ્વરભક્ત દાનીયેલને એ સંદેશો સમજાવવા કહ્યું. દાનીયેલે બેલ્શાસ્સારને કહ્યું કે ‘પરાત્પર દેવે આપના પિતા નબૂખાદનેસ્સારને રાજ્ય આપ્યું હતું, પણ જ્યારે તેમનું મન ગર્વિષ્ઠ થયું, ત્યારે તેમને પોતાના રાજ્યાસન પરથી પદભ્રષ્ટ કરવામાં આવ્યા, ને બધો માનમરતબો તેમની પાસેથી લઈ લેવામાં આવ્યો; હવે, હે બેલ્શાસ્સાર તેમના પુત્ર, જો કે આ સઘળું આપ જાણતા હતા તોપણ આપ નમ્ર થયા નથી.’ (દાનીયેલ ૫:૩, ૧૮, ૨૦, ૨૨) એ જ રાતે, માદાય-ઈરાનની ફોજે બાબેલોન પર જીત મેળવી. તેઓએ બેલ્શાસ્સારને મારી નાખ્યો.—દાનીયેલ ૫:૩૦, ૩૧.

૮. યહોવાહે બીજા અભિમાની માણસોના કેવા હાલ કર્યા?

પલિસ્તી રાક્ષસ ગોલ્યાથ, ઈરાનનો મંત્રી હામાન અને યહૂદાનો રાજા હેરોદ આગ્રીપા પણ ખૂબ અભિમાની હતા. તેઓ યહોવાહના ભક્તોને સખત નફરત કરતા હતા. યહોવાહે આ ત્રણેય અભિમાની માણસોના બેહાલ કર્યા અને તેઓ તેમના હાથે માર્યા ગયા. (૧ શમૂએલ ૧૭:૪૨-૫૧; એસ્તેર ૩:૫, ૬; ૭:૧૦; પ્રેરિતોનાં કૃત્યો ૧૨:૧-૩, ૨૧-૨૩) યહોવાહે તેઓને કરેલી સજા આ સત્ય સાબિત કરે છે: “અભિમાનનું પરિણામ નાશ છે, અને ગર્વિષ્ઠ સ્વભાવનું છેવટ પાયમાલી છે.” (નીતિવચનો ૧૬:૧૮) કોઈ શંકા નથી કે “દેવ ગર્વિષ્ઠોની વિરૂદ્ધ” છે.—યાકૂબ ૪:૬.

૯. તૂરના રાજાઓ શાના લીધે દગાખોર બની ગયા?

મિસર, આશ્શૂર અને બાબેલોનના ઘમંડી રાજાઓથી તૂરના રાજાનો સ્વભાવ એકદમ જુદો હતો. તેણે એક વખત યહોવાહના ભક્તોને ખૂબ મદદ કરી. એ વખતે દાઊદ અને સુલેમાનનું રાજ હતું. તૂરના રાજાએ મહેલ અને મંદિરના બાંધકામ માટે તેઓને ઘણી મિલકત અને કુશળ કારીગરો આપ્યા. (૨ શમૂએલ ૫:૧૧; ૨ કાળવૃત્તાંત ૨:૧૧-૧૬) અફસોસ કે અમુક સમય બાદ, તૂરના લોકોએ યહોવાહના લોકોનો વિરોધ કર્યો. પણ વિચાર કરો કે શાના લીધે તેઓ એવા બન્યા.—ગીતશાસ્ત્ર ૮૩:૩-૭; યોએલ ૩:૪-૬; આમોસ ૧:૯, ૧૦.

‘તારું હૃદય અભિમાની બન્યું’

૧૦, ૧૧. (ક) કોને તૂરના રાજાઓ સાથે સરખાવી શકાય? (ખ) તૂરના લોકો કેમ ઈસ્રાએલીઓને નફરત કરવા લાગ્યા?

૧૦ યહોવાહે હઝકીએલને સંદેશો આપ્યો કે તે તૂરના રાજાઓનો દોષ બતાવે અને સજા સંભળાવે. એ સંદેશો “તૂરના રાજા” માટે હતો, પણ એ તૂરના સર્વ રાજાઓ માટે હતો. એ સંદેશો શેતાન માટે પણ હતો, કેમ કે તે “સત્યમાં સ્થિર રહ્યો નહિ.” તેણે પણ ઈશ્વર સાથે દગો કર્યો. (હઝકીએલ ૨૮:૧૨; યોહાન ૮:૪૪) શેતાન એક વખત સ્વર્ગમાં યહોવાહના લાખો દીકરા, એટલે કે દૂતોમાંનો એક હતો. ત્યારે તે ઈશ્વરને વળગી રહેતો હતો. પણ યહોવાહે હઝકીએલને સંદેશામાં જણાવ્યું કે તૂરના રાજાઓ અને શેતાન કેમ દગાખોર બન્યા.

૧૧ ‘તું ઈશ્વરની વાડી એદનમાં હતો. તારાં વસ્ત્રોમાં સર્વ પ્રકારનાં મૂલ્યવાન કીમતી રત્નો હતાં. મેં તને અભિષિક્ત રક્ષકદૂત-કરુબ તરીકે નીમ્યો હતો. તારા જન્મના દિવસથી માંડીને તારામાં દોષ માલૂમ પડ્યો ત્યાં સુધી તારું આચરણ સત્ય અને સંપૂર્ણ હતું. તારા પુષ્કળ વેપારને લીધે તારું અંતઃકરણ અન્યાયી થયું અને તેં પાપ કર્યું. હે રક્ષકદૂત - કરુબ મેં તને દૂર કર્યો. તારી સર્વ સુંદરતાને લીધે તારું હૃદય અભિમાની બન્યું હતું. તારા મહાવૈભવને લીધે તારું ડહાપણ ભ્રષ્ટ થયું.’ (હઝકિયેલ ૨૮:૧૩-૧૭, IBSI) આમ, અહંકારના લીધે તૂરના રાજાઓએ યહોવાહના લોકોનો વિરોધ કર્યો. તૂરના દેશમાં અને ખાસ કરીને એના પાટનગરમાં ધમધોકાર ધંધો ચાલતો. સુંદર ચીજ-વસ્તુઓ બનાવતી નગરી તરીકે તૂર જાણીતું હતું. (યશાયાહ ૨૩:૮, ૯) આથી એના રાજાઓ છાતી ફૂલાવીને બડાઈ મારવા અને યહોવાહના ભક્તોને સતાવવા લાગ્યા.

૧૨. શેતાન કેમ દુષ્ટ બન્યો અને તે આજે પણ શું કરી રહ્યો છે?

૧૨ તૂરના રાજાઓની જેમ જ એક સ્વર્ગદૂતના કિસ્સામાં પણ બન્યું. ઈશ્વરે તેને ખૂબ ડહાપણ આપ્યું હતું. તેને ઘણી જવાબદારીઓ પણ સોંપી હતી. એટલે તે સ્વર્ગદૂત ‘ગર્વિષ્ઠ થયો.’ ઈશ્વરનો આભાર માનવાને બદલે, તે ઈશ્વરના રાજને સખત નફરત કરવા લાગ્યો. (૧ તીમોથી ૩:૬) તેના અભિમાનની કોઈ હદ ન હતી. તેની ઇચ્છા હતી કે આદમ અને હવા ઈશ્વરની નહિ, પણ પોતાની પૂજા કરે. એ લાલસાએ પાપને જન્મ આપ્યો. (યાકૂબ ૧:૧૪, ૧૫) ઈશ્વરે પ્રથમ યુગલને એક ઝાડનું ફળ ખાવાની મનાઈ કરી હતી. પણ શેતાને હવાને ચાલાકીથી એ ફળ ખાવા અને આદમને ખવડાવવા રાજી કરી લીધી. (ઉત્પત્તિ ૩:૧-૬) આમ, આદમ અને હવા યહોવાહને છોડીને, જાણે શેતાનના ભક્તો બન્યા. શેતાનના ઘમંડનો કોઈ પાર ન રહ્યો. તેણે સ્વર્ગદૂતોને પણ ગેરમાર્ગે દોરવાની કોશિશ કરી. અરે, તેણે તો ઈસુ ખ્રિસ્તને પણ યહોવાહનો સાથ છોડી દઈને, પોતાની પૂજા કરવા લાલચ આપી હતી. આજે પણ તે સર્વ માણસોને એમ જ કરે છે.—માત્થી ૪:૮-૧૦; પ્રકટીકરણ ૧૨:૩, ૪,.

૧૩. ઘમંડને લીધે શું થયું છે?

૧૩ આ દાખલામાંથી આપણે જોઈ શકીએ કે અભિમાનનું મૂળ શેતાનમાંથી જ આવે છે. એ મૂળમાંથી દુનિયામાં પાપ, દુઃખ અને ભ્રષ્ટાચારના ખરાબ ફળ પેદા થયા છે. શેતાન ‘આ જગતનો દેવ’ છે. તે લોકોમાં ઘમંડ જેવી ખરાબ લાગણીઓ ઉશ્કેરે છે. (૨ કોરીંથી ૪:૪) તે જાણે છે કે જલદી જ તેને મોતની સજા થવાની છે. એટલે તે ઈશ્વર ભક્તોને હેરાન કરે છે. તે આપણને પણ સ્વાર્થી અને ઘમંડી બનાવવા માંગે છે, જેથી આપણે યહોવાહને છોડી દઈએ. વર્ષો પહેલાંથી બાઇબલમાં લખાયું છે કે દુનિયાના અંતના “છેલ્લા સમયમાં” માણસો સ્વાર્થી અને અભિમાની બનશે.—૨ તીમોથી ૩:૧, ૨; પ્રકટીકરણ ૧૨:૧૨, ૧૭.

૧૪. યહોવાહ કયા નિયમથી આપણો ન્યાય કરે છે?

૧૪ ઈસુએ લોકોને જાહેરમાં જણાવ્યું કે દુષ્ટતા શેતાનના ઘમંડમાંથી જ આવી છે. કમ-સે-કમ ત્રણ કિસ્સામાં ઈસુએ લોકો અને ખાસ કરીને તેમના અહંકારી દુશ્મનો સાથે વાત કરી. તેઓને યહોવાહનો નિયમ સાફ સાફ જણાવતા કહ્યું: “જે કોઈ પોતાને ઊંચો કરે છે તેને નીચો કરવામાં આવશે; અને જે પોતાને નીચો કરે છે તેને ઊંચો કરવામાં આવશે.”—લુક ૧૪:૧૧; ૧૮:૧૪; માત્થી ૨૩:૧૨.

દિલમાં ઘમંડને પેસવા ન દો

૧૫, ૧૬. હાગાર શા માટે ઘમંડી બની?

૧૫ ઉપરના દાખલાઓમાં દરેક ઘમંડી વ્યક્તિ ઊંચી પદવી પર હતી. શું એનો અર્થ એમ થાય કે આપણા જેવા સામાન્ય લોકો ઘમંડી ન બને? એવું ન માનશો. ઈબ્રાહીમના કુટુંબનો વિચાર કરો. ઈબ્રાહીમનો કોઈ વારસદાર ન હતો. તેમની પત્ની સારાહ મા બનવાની ઉંમર વટાવી ચૂકી હતી. એ જમાનામાં રિવાજ હતો કે એવા સંજોગમાં માણસ બીજી વાર પરણી શકતો, જેથી તેને સંતાન થાય. ઈશ્વરે એ રિવાજ ચાલવા દીધો હતો, કેમ કે લગ્‍નનો મૂળ નિયમ સ્થાપવાનો સમય હજુ આવ્યો ન હતો.—માત્થી ૧૯:૩-૯.

૧૬ સારાહના કહેવાથી, ઈબ્રાહીમે બીજી વાર લગ્‍ન કર્યા. એ સ્ત્રી મિસરથી આવેલી સારાહની દાસી હાગાર હતી. પછી હાગારને ખબર પડી કે પોતે મા બનવાની છે. આ આશીર્વાદ માટે આભારી થવાને બદલે, હાગાર ઘમંડી બની. બાઇબલ કહે છે, “જ્યારે તેણે જાણ્યું કે હું ગર્ભવતી થઈ છું, ત્યારે તેની દૃષ્ટિમાં તેની શેઠાણી તુચ્છ ગણાઈ.” પછી હાગારને લીધે ઘરમાં ઝઘડા થયા. સારાહે હાગારને ઘરમાંથી કાઢી મૂકી. પણ તેઓમાં શાંતિ રાખવા માટે, ઈશ્વરના દૂતે હાગારને કહ્યું કે “તું તારી શેઠાણી પાસે પાછી જા, ને તેને આધીન રહે.” (ઉત્પત્તિ ૧૬:૪,) એવું લાગે છે કે હાગારે એ સલાહ સ્વીકારી. પોતાનો સ્વભાવ બદલ્યો. આખરે તે એક મોટી પ્રજાની મા બની.

૧૭, ૧૮. આપણે કેમ ઘમંડથી ચેતીને ચાલવું જોઈએ?

૧૭ હાગારનો દાખલો બતાવે છે કે વ્યક્તિના સંજોગો બદલાય, તેને વધુ માન-મોભો મળે ત્યારે, તે અભિમાની બની જઈ શકે. આપણે એ શીખીએ છીએ કે ભલે કોઈ યહોવાહની ખરા દિલથી સેવા કરતું હોય, પણ તેને પૈસા કે વધારે જવાબદારી મળે ત્યારે, તે ઘમંડી બની જઈ શકે. જ્ઞાન, આવડત કે સફળતાને લીધે કોઈની વાહ વાહ કરવાથી પણ તે ઘમંડી બની જઈ શકે. આપણે બધાએ ધ્યાન રાખવું જોઈએ કે આપણે અભિમાની ન બનીએ. જ્યારે આપણે કોઈ કામમાં સફળ થઈએ કે વધારે જવાબદારી મળે, ત્યારે તો ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ.

૧૮ આપણે ઘમંડી ન બનીએ, કેમ કે યહોવાહ એવો સ્વભાવ ધિક્કારે છે. બાઇબલ કહે છે, “અભિમાની આંખ તથા ગર્વિષ્ઠ હૃદય, તે દુષ્ટોને દીવારૂપ છે, પણ તે પાપ છે.” (નીતિવચનો ૨૧:૪) ખાસ કરીને ‘આ સમયના ધનવાન’ ભાઈ-બહેનોને બાઇબલ કહે છે કે તમે ડંફાસ ન મારો કે ‘અહંકાર ન કરો.’ (૧ તીમોથી ૬:૧૭; પુનર્નિયમ ૮:૧૧-૧૭) જે ભાઈ-બહેનો બહુ પૈસાવાળા નથી, તેઓને પણ કહેવામાં આવે છે કે તેઓ બીજાની “અદેખાઈ” ન કરે. યાદ રાખીએ કે અમીર હોય કે ગરીબ, કોઈ પણ ઘમંડી બની શકે છે.—માર્ક ૭:૨૧-૨૩; યાકૂબ ૪:૫.

૧૯. ઉઝ્ઝીયાહે કઈ રીતે ઈશ્વર સાથેનો સંબંધ તોડી નાખ્યો?

૧૯ જો વ્યક્તિમાં અભિમાન અને એના જેવા બીજા ખરાબ ગુણો હોય, તો યહોવાહ સાથેનો તેનો સંબંધ બગડી જઈ શકે. રાજા ઉઝ્ઝીયાહનો વિચાર કરો. શરૂઆતમાં તો તેણે ‘યહોવાહની દૃષ્ટિમાં જે સારૂં હતું તે કર્યું. અને જ્યાં સુધી તેણે યહોવાહની ઉપાસના કરી ત્યાં સુધી દેવે તેને આબાદાની બક્ષી,’ આશીર્વાદ આપ્યા. (૨ કાળવૃત્તાંત ૨૬:૪, ૫) પણ છેવટે રાજા ઉઝ્ઝીયાહે ઈશ્વર સાથેનો સંબંધ તોડી નાખ્યો. એનું કારણ? “તેનું અંતઃકરણ ઉન્મત્ત [ગર્વિષ્ઠ] થયું, તેથી તેનો નાશ થયો.” તે પોતાને એટલો મહાન ગણવા લાગ્યો કે મંદિરમાં ધૂપ ચડાવવા ધસી ગયો. મંદિરના યાજકોએ તેને ના પાડી ત્યારે, “ઉઝ્ઝીયાહને ક્રોધ ચઢ્યો.” પરિણામે યહોવાહે તેને કોઢનો રોગ લગાડ્યો. આખરે તે ઈશ્વર સાથેનો સંબંધ સુધાર્યા વગર મરી ગયો.—૨ કાળવૃત્તાંત ૨૬:૧૬-૨૧.

૨૦. (ક) ઈશ્વર સાથે હિઝકીયાહનો સંબંધ શા માટે તૂટવાની અણી પર હતો? (ખ) હવે પછીના લેખમાં આપણે શું શીખીશું?

૨૦ હવે રાજા હિઝકીયાહનો વિચાર કરો. ઈશ્વર સાથે તેનો પાક્કો નાતો હતો. જોકે એક વખત ‘તે પણ ઉન્મત્ત,’ અભિમાની બની ગયો હતો. યહોવાહ સાથેનો તેનો નાતો તૂટવાની અણી પર હતો. પણ ‘હિઝકીયાહ પોતાનું અભિમાન છોડીને છેક દિન બની ગયો.’ એટલે તેણે ફરીથી ઈશ્વરનો આશીર્વાદ મેળવ્યો. (૨ કાળવૃત્તાંત ૩૨:૨૫, ૨૬) હિઝકીયાહે અભિમાન કાઢી નાખવા નમ્ર બનવું પડ્યું. એક બાજુ અભિમાન છે, તો બીજી બાજુ નમ્રતા. એટલે હવે પછીના લેખમાં શીખીશું કે આપણે કેવી રીતે નમ્ર સ્વભાવના બની શકીએ.

૨૧. નમ્ર લોકો માટે કઈ આશા છે?

૨૧ આપણે કદી ન ભૂલીએ કે અભિમાનને લીધે દુનિયાની કેવી હાલત થઈ છે. ખાસ તો “દેવ ગર્વિષ્ઠોની વિરૂદ્ધ છે.” તેથી ચાલો આપણે ફેંસલો કરીએ કે આપણે કદી એવા ન બનીએ. નમ્ર બનવા બનતું બધું કરીએ. પછી, આપણે ઈશ્વરના મહાન દિવસમાંથી બચી જવાની આશા રાખી શકીએ. ત્યારે પૃથ્વી પર ન તો કોઈ અભિમાની બચશે કે ન તેઓની અસર. એ દિવસે “માણસનો ગર્વ ઉતારવામાં આવશે, અને પુરુષોનું અભિમાન જતું રહેશે; અને એકલો યહોવાહ તે દિવસે શ્રેષ્ઠ મનાશે.”—યશાયાહ ૨:૧૭.

વિચાર કરવાના સવાલો

• ઘમંડી વ્યક્તિ કેવી હોય છે?

• ઘમંડની શરૂઆત કોનાથી થઈ?

• કયાં કારણો કોઈને ઘમંડી બનાવી શકે?

• આપણે શા માટે ઘમંડી ન બનીએ?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૨૩ પર ચિત્ર]

ફારૂન પોતાના ઘમંડને લીધે કમોત મર્યો

[પાન ૨૪ પર ચિત્ર]

હાગારના સંજોગ બદલાયા, એટલે તે ઘમંડી બની ગઈ!

[પાન ૨૫ પર ચિત્ર]

હિઝકીયાહ નમ્ર બન્યો, ફરીથી ઈશ્વરે આશીર્વાદ આપ્યા

[ફુટનોટ]

^ “અભિમાન” માટેના બાઇબલની મૂળ ભાષાના શબ્દનું ગુજરાતી બાઇબલમાં અહંકાર, ગર્વિષ્ઠ, ગર્વ, ઉદ્ધત, મગરૂર, અને ઘમંડ વગેરે ભાષાંતર થયું છે.