સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

નમ્ર બનતા શીખો

નમ્ર બનતા શીખો

નમ્ર બનતા શીખો

“નમ્રજનોને તમે બચાવો છો.”—૨ શમુએલ ૨૨:૨૮, કોમન લેંગ્વેજ.

૧, ૨. જગતના મોટા ભાગના રાજાઓ કેવા હતા?

 ઇજિપ્તના પિરામિડો એક જમાનાના એના રાજાઓની યાદ અપાવે છે. આશ્શૂરનો રાજા સાન્હેરીબ, ગ્રીસનો મહાન સિકંદર અને રોમનો જુલીયસ સીઝર જેવા સમ્રાટો પણ ઇતિહાસમાં પોતાની છાપ છોડી ગયા છે. આ સર્વમાંથી કોઈ પણ પોતાની નમ્રતા માટે જાણીતા ન હતા.—માત્થી ૨૦:૨૫, ૨૬.

તમે કદી કલ્પના કરી શકો કે આ રાજાઓએ જઈને પોતાની પ્રજામાંથી ગરીબ અને લાચાર લોકોને દિલાસો આપ્યો હોય? ના, બિલકુલ નહિ! અથવા એવું પણ બન્યું નહિ હોય કે તેઓએ ઝૂંપડપટ્ટીમાં જઈને દુઃખી લોકોને ખુશ કર્યા હોય. લાચાર લોકોને મદદ કરવાની વાત આવે ત્યારે માનવી રાજાઓ અને વિશ્વના રાજા યહોવાહ વચ્ચે આભ-જમીનનો ફરક છે!

નમ્રતાનો સૌથી સારો દાખલો

૩. વિશ્વના રાજા યહોવાહ પોતાના ભક્તો માટે શું કરે છે?

યહોવાહ જેવું મહાન કોઈ જ નથી. “યહોવાહની નજર આખી પૃથ્વીનું નિરીક્ષણ કર્યા કરે છે, જેથી જેઓનું અંતઃકરણ તેની તરફ સંપૂર્ણ છે, તેઓને સહાય કરીને પોતે બળવાન છે એમ દેખાડી આપે.” (૨ કાળવૃત્તાંત ૧૬:૯) યહોવાહ પોતાના દુઃખી ભક્તોને શોધી કાઢીને, તેઓને કઈ રીતે મદદ કરે છે? એક તો યહોવાહની કૃપા તેઓ પર ‘રહે’ છે. એમ કરીને તે દુઃખી થયેલા ‘નમ્રોના આત્માને અને પશ્ચાત્તાપ કરનારાઓના હૃદયને ઉત્તેજન’ આપે છે. (યશાયાહ ૫૭:૧૫) આમ, તેમના ભક્તો દિલાસો મેળવે છે, શક્તિ મેળવે છે. પછી ખુશી ખુશી તેઓ યહોવાહની સેવા કરતા રહે છે. ઈશ્વર કેટલી નમ્રતા બતાવે છે!

૪, ૫. (ક) ઈશ્વરના રાજ કરવા વિષે ગીતશાસ્ત્રના એક કવિએ શું કહ્યું? (ખ) ઈશ્વર ‘પોતાને દીન કરીને દરિદ્રીને’ મદદ કરે છે, એનો અર્થ શું થાય?

વિશ્વના રાજા યહોવાહ જેવું નમ્ર કોઈ નથી. એટલે જ તેમણે પાપી માનવીઓને ઘણી મદદ કરી છે. ગીતશાસ્ત્રના એક કવિએ કહ્યું, “યહોવાહ બધી પ્રજાઓ પર સર્વોપરી અધિકારી છે, અને તેનું ગૌરવ આકાશો કરતાં મોટું છે. આપણા દેવ યહોવાહ જેવો કોણ છે? તે પોતાનું રહેઠાણ [સ્વર્ગમાં] રાખે છે. આકાશમાં તથા પૃથ્વીમાં જે છે તે જોવાને તે પોતાને દીન કરે છે. તે ધૂળમાંથી રાંકને ઉઠાવી લે છે, અને ઉકરડા ઉપરથી દરિદ્રીને ચઢતીમાં લાવે છે.”—ગીતશાસ્ત્ર ૧૧૩:૪-૭.

યહોવાહમાં જરાય “અભિમાન” નથી, કેમ કે તે તો બહુ પવિત્ર છે. (માર્ક ૭:૨૨, ૨૩) ‘દીન થવું’ એટલે કે નાત-જાતના ભેદ ભૂલીને મામૂલી માનવીઓ સાથે ભળી જવું. ગીતશાસ્ત્ર ૧૧૩:૬ કેટલી સારી રીતે સમજાવે છે કે યહોવાહ નમ્ર બનીને તેમના પાપી ભક્તોને પણ પ્રેમથી મદદ કરે છે!

ઈસુ શા માટે નમ્ર રહ્યા?

૬. ઈશ્વરે કઈ રીતે પોતાની નમ્રતાનો સૌથી મોટો પુરાવો આપ્યો?

ઈશ્વરે તેમના એકના એક પુત્ર, ઈસુને આપણા મુક્તિદાતા તરીકે પૃથ્વી પર મોકલ્યા. એ તેમના પ્રેમ અને નમ્રતાનો સૌથી મોટો પુરાવો હતો. (યોહાન ૩:૧૬) ઈસુએ સર્વને તેમના પિતા યહોવાહ વિષે સત્ય શીખવ્યું. તેમણે પોતાનું પાપ વગરનું જીવન અર્પણ કરીને, ‘જગતનાં પાપ’ દૂર કર્યાં. (યોહાન ૧:૨૯; ૧૮:૩૭) ઈસુ બધી બાબતોમાં તેમના પિતા જેવા જ હતા. તેમના જેવા જ નમ્ર પણ હતા. એટલે તે ઈશ્વરની ઇચ્છા મુજબ કંઈ પણ કરવા તૈયાર હતા. આમ, ઈશ્વરે સર્જેલા સર્વ દેવદૂતો કે મનુષ્યોમાં ઈસુએ પ્રેમ અને નમ્રતાનો સૌથી સારો દાખલો બેસાડ્યો છે. પણ બધા ઈસુની નમ્રતા જોઈને ખુશ થયા નહિ. અરે, ઘણાએ તો તેમને “કનિષ્ઠ” કે સૌથી નકામા માણસ ગણ્યા. (દાનીયેલ ૪:૧૭) આમ છતાં, પ્રેરિત પાઊલ જોઈ શક્યા કે ઈસુના સર્વ શિષ્યોએ ઈસુને પગલે ચાલવું જોઈએ, તેમની જેમ એકબીજા સાથે નમ્રતાથી વર્તવું જોઈએ.—૧ કોરીંથી ૧૧:૧; ફિલિપી ૨:૩, ૪.

૭, ૮. (ક) ઈસુ કઈ રીતે નમ્ર રહેતા શીખ્યા? (ખ) સર્વને ઈસુ કઈ વિનંતી કરે છે?

પાઊલે ઈસુના દાખલા વિષે લખ્યું: “ખ્રિસ્ત ઈસુનું મન જેવું હતું, તેવું તમે પણ રાખો: પોતે દેવના રૂપમાં છતાં, તેણે દેવ સમાન હોવાનું પકડી રાખવાને ઇચ્છ્યું નહિ, પણ તેણે દાસનું રૂપ ધારણ કરીને, એટલે માણસોના રૂપમાં આવીને પોતાને ખાલી કર્યો; અને માણસના આકારમાં પ્રગટ થઈને, મરણને, હા, વધસ્તંભના મરણને, આધીન થઈને, પોતાને નમ્ર કર્યો.”—ફિલિપી ૨:૫-૮.

અમુક કહી શકે કે ‘ઈસુ કઈ રીતે નમ્ર રહેતા શીખ્યા?’ તે લાખોને લાખો વર્ષો દરમિયાન વિશ્વની રચના વખતે “કુશળ કારીગર” તરીકે તેમના પિતા સાથે હતા. (નીતિવચનો ૮:૩૦) જ્યારે આદમ અને હવા યહોવાહ સામે થયા, ત્યારે પણ ઈસુએ જોયું કે તેમના પિતા માનવીઓ સાથે કેટલી નમ્રતાથી વર્ત્યા. આથી, ઈસુ પૃથ્વી પર આવ્યા ત્યારે પણ તેમના પિતાની જેમ નમ્ર રહ્યા. તેમણે લોકોને વિનંતી કરી કે “મારી ઝૂંસરી તમે પોતા પર લો, ને મારી પાસે શીખો; કેમ કે હું મનમાં નમ્ર તથા રાંકડો છું, ને તમે તમારા જીવમાં વિસામો પામશો.”—માત્થી ૧૧:૨૯; યોહાન ૧૪:૯.

૯. (ક) ઈસુને શા માટે બાળકો ખૂબ ગમતા? (ખ) બાળક પર ધ્યાન દોરીને ઈસુએ કયો પાઠ શીખવ્યો?

ઈસુ બહુ જ નમ્ર હતા, એટલે બાળકો તેમનાથી ડરતા નહિ. તરત જ તેમની પાસે આવી જતા. ઈસુએ બાળકો પર ખૂબ પ્રેમ વરસાવ્યો અને પૂરું ધ્યાન આપ્યું. (માર્ક ૧૦:૧૩-૧૬) ઈસુને કેમ બાળકો બેહદ ગમતા? આ બાળકોમાં અનેક સુંદર ગુણો હતા, જે તેમના શિષ્યોમાં અમુક વાર જોવા ન મળતા. બાળકો જાણે છે કે મોટા લોકોનું સાંભળવું જોઈએ. એટલે તેઓ મોટાઓ પાસેથી શીખે છે. પણ બાળકોને આ રીતે શીખવું કેમ વધારે સહેલું લાગે છે? બાળકો મોટાઓ જેવા અભિમાની નથી. એક વખત ઈસુએ એક બાળક પર ધ્યાન દોરીને તેમના શિષ્યોને કહ્યું: “હું તમને ખચીત કહું છું, કે જો તમે નહિ ફરો, ને બાળકોના જેવા નહિ થાઓ, તો આકાશના રાજ્યમાં તમે નહિ જ પેસશો. માટે જે કોઈ પોતાને આ બાળકના જેવું દીન કરશે, તે જ આકાશના રાજ્યમાં સૌથી મોટું છે.” (માત્થી ૧૮:૩, ૪) એના વિષે ઈસુએ નિયમ આપતા કહ્યું, “જે કોઈ પોતાને ઊંચો કરે છે તેને નીચો કરવામાં આવશે; અને જે પોતાને નીચો કરે છે તેને ઊંચો કરવામાં આવશે.”—લુક ૧૪:૧૧; ૧૮:૧૪; માત્થી ૨૩:૧૨.

૧૦. આપણે કયા સવાલો પર વિચાર કરીશું?

૧૦ આ નિયમ બહુ મહત્ત્વનો છે, કેમ કે સદા માટેનું જીવન તો અમુક હદ સુધી નમ્રતા પર નભે છે. પણ સવાલ ઊભા થાય છે કે નમ્ર બનવું કેમ આટલું મુશ્કેલ છે? કોઈ પણ મુશ્કેલીમાં નમ્ર બનવું અને ઘમંડ ન કરવો કેમ લોઢાના ચણા ચાવવા જેવું છે? નમ્ર બનવા આપણે ક્યાંથી મદદ મેળવી શકીએ?—યાકૂબ ૪:૬, ૧૦.

નમ્ર રહેવું કેમ અઘરું છે?

૧૧. નમ્ર રહેવું કેમ બહુ અઘરું છે?

૧૧ જો તમને નમ્ર બનવાનું અઘરું લાગતું હોય, તો ચિંતા ન કરો. ઘણાને એવું જ લાગે છે. ધ વૉચટાવર મૅગેઝિને છેક ૧૯૨૦માં બાઇબલમાંથી નમ્ર બનવા માટેની સલાહ આપી, જેમાં કહ્યું કે ‘આપણા પ્રભુએ નમ્રતાના ગુણ પર ખૂબ ભાર મૂક્યો. તેમના શિષ્યોએ પણ આ ગુણ બતાવવા રોજ કોશિશ કરવી જોઈએ.’ પછી મૅગેઝિને સીધેસીધું કહ્યું કે ‘બાઇબલ આપણને ઘણી સલાહ આપે છે. તોપણ આપણો સ્વભાવ જ એવો છે કે આપણે વારંવાર ભૂલો કરી બેસીએ છીએ. એટલે પ્રભુના પગલે ચાલવા, બીજા કોઈ ગુણ કરતાં નમ્રતાનો ગુણ કેળવવો વધારે અઘરો લાગે છે.’ આ બતાવે છે કે ‘આપણો સ્વભાવ જ’ એવો છે કે આપણને પોતાની તારીફ બહુ જ ગમે છે. આ ઇચ્છા આદમ અને હવાથી આવી છે, કેમ કે તેઓ સ્વાર્થી બનીને પાપમાં પડ્યા અને આપણ સર્વને એ વારસો આપ્યો. એટલે નમ્ર રહેવા આપણે બધાએ બહુ જ પ્રયત્ન કરવો પડે છે.—રૂમી ૫:૧૨.

૧૨, ૧૩. (ક) આજે દુનિયામાં નમ્ર રહેવું કેમ સહેલું નથી? (ખ) નમ્ર રહેવા કોશિશ કરીએ ત્યારે આપણી સામે કોણ લડે છે?

૧૨ નમ્ર રહેવું સહેલું નથી, એનું બીજું કારણ એ છે કે દુનિયા સર્વ લોકોને બીજાથી આગળ વધવા ઉશ્કેરે છે. દુનિયાના લોકો બસ “દૈહિક વાસના તથા આંખોની લાલસા તથા જીવનનો અહંકાર” સંતોષવા પાછળ પડ્યા હોય છે. (૧ યોહાન ૨:૧૬) પણ આપણે દુનિયાની આ લાલચો પાછળ ન પડીએ. જીવન સાદું રાખીએ અને યહોવાહની ભક્તિમાં મન પરોવીએ.—માત્થી ૬:૨૨-૨૪, ૩૧-૩૩; ૧ યોહાન ૨:૧૭.

૧૩ નમ્ર રહેવું બહુ અઘરું છે, એનું ત્રીજું કારણ એ છે કે ઘમંડનો બાપ શેતાન, આ દુનિયા પર રાજ ચલાવે છે. (૨ કોરીંથી ૪:૪; ૧ તીમોથી ૩:૬) શેતાન લોકોને તેના જેવા બનાવવા માંગે છે. તેણે ઈસુને પણ ફસાવવાની કોશિશ કરી. જો ઈસુ તેની ભક્તિ કરે, તો તે ઈસુને “જગતના સઘળાં રાજ્ય તથા તેઓનો મહિમા” આપવા તૈયાર હતો. પણ ઈસુ નમ્ર રહ્યા અને શેતાનને સીધી ‘ના’ પાડી. (માત્થી ૪:૮, ૧૦) આજે શેતાન આપણને પણ તારીફ મેળવવા લલચાવે છે. ચાલો આપણે ઈસુને પગલે જ ચાલીએ અને ફક્ત ઈશ્વરને જ તારીફ અને માન આપીએ.—માર્ક ૧૦:૧૭, ૧૮.

નમ્રતા કેળવો, નમ્રતાથી વર્તો

૧૪. “નમ્રતાનો દાવો” કરવો એટલે શું?

૧૪ પાઊલે કોલોસીના ભાઈ-બહેનોને કહ્યું કે એવા લોકોથી ચેતો, જેઓ દિલથી નહિ, પણ લોકોને બતાવવા માટે નમ્ર બને છે, તેઓ ફક્ત “નમ્રતાનો દાવો” કરે છે. એમ કરનારા ઢોંગી છે અને ઈશ્વરના ભક્તો નથી. તેઓ નમ્ર તો નહિ, પણ ‘અભિમાનથી’ ફૂલાઈ ગયેલા છે. (કલોસી ૨:૧૮, ૨૩, IBSI) ઈસુએ પોતાના સમયના આવા ઢોંગીઓને ખુલ્લા પાડ્યા. તેમણે ફરોશીઓને દોષ દીધો, કેમ કે તેઓ પોતાની પ્રાર્થના લોકોને બતાવવા માટે જ કરતા હતા. ઉપવાસ કરતા ત્યારે પણ ઊતરેલું મોં લઈને ફરતા, જેથી બધાને ખબર પડે. પરંતુ આપણે પોતાની પ્રાર્થના નમ્રતાથી અને દિલથી કરીએ તો જ યહોવાહ સાંભળશે.—માત્થી ૬:૫, ૬, ૧૬.

૧૫. (ક) નમ્ર રહેવા માટે આપણે શું કરવું જોઈએ? (ખ) નમ્રતાના દાખલાઓ જણાવો.

૧૫ નમ્રતાનો ગુણ કેળવવા માટે સૌથી સારા દાખલાઓ કોના છે? યહોવાહ અને ઈસુ. તેઓ પાસેથી વધારે શીખવા આપણે બાઇબલ અને ‘વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકરથી’ આવેલા પુસ્તકો-પુસ્તિકાનો અભ્યાસ કરતા રહીએ. (માત્થી ૨૪:૪૫) ખાસ કરીને વડીલોએ તો એમ કરવું જ જોઈએ, જેથી “[તેઓનું] હૃદય ભાઈઓ પ્રત્યે ગર્વિષ્ઠ ન થઈ જાય.” (પુનર્નિયમ ૧૭:૧૯, ૨૦; ૧ પીતર ૫:૧-૩) વિચાર કરો કે નમ્ર રહેવાથી રૂથ, હાન્‍ના, એલીસાબેતને કેટલા આશીર્વાદો મળ્યા. તેઓના જેવા બીજા અનેક ઈશ્વર ભક્તોને પણ ઘણા આશીર્વાદો મળ્યા. (રૂથ ૧:૧૬, ૧૭; ૧ શમૂએલ ૧:૧૧, ૨૦; લુક ૧:૪૧-૪૩) દાઊદ, યોશીયાહ, બાપ્તિસ્મા કરનાર યોહાન અને પાઊલનો વિચાર કરો. તેઓ નમ્રતાથી યહોવાહની સેવા કરતા રહ્યા. (૨ કાળવૃત્તાંત ૩૪:૧, ૨, ૧૯, ૨૬-૨૮; ગીતશાસ્ત્ર ૧૩૧:૧; યોહાન ૧:૨૬, ૨૭; ૩:૨૬-૩૦; પ્રેરિતોનાં કૃત્યો ૨૧:૨૦-૨૬; ૧ કોરીંથી ૧૫:૯) આપણા મંડળમાં પણ નમ્રતાના કેટલા સારા દાખલાઓ છે. તેઓના દાખલા પર વિચાર કરવાથી આપણને ‘એકબીજાની નમ્રતાથી સેવા કરવામાં’ મદદ મળશે.—૧ પીતર ૫:૫.

૧૬. પ્રચાર કામ કઈ રીતે આપણને નમ્ર બનાવે છે?

૧૬ પ્રચાર કામ પણ આપણને નમ્ર બનાવી શકે છે. નમ્ર રહેવાથી આપણે ઘરે ઘરે કે કોઈ પણ જગ્યાએ લોકોને સારી રીતે શીખવી શકીશું. જ્યારે કોઈ આપણું ન સાંભળે કે આપણને તોડી પાડે, ત્યારે નમ્રતા આપણને મદદ કરશે. ઘણી વખત લોકો આપણી માન્યતા સામે વાંધો ઉઠાવે છે. આપણે ‘નમ્રતાથી અને આદરભાવથી તેઓને જવાબ’ આપીએ. (૧ પીતર ૩:૧૫, પ્રેમસંદેશ) અનેક ભાઈ-બહેનો પોતાનું ઘર છોડીને બીજી જગ્યાએ કે બીજા દેશમાં રહેવા ગયા છે જ્યાંના લોકોની રહેણી-કરણી સાવ અલગ છે. તેઓએ ત્યાંના જુદી જુદી નાત-જાતના લોકોને સત્ય શીખવવા મદદ કરી છે. એ માટે અમુક ભાઈ-બહેનોને બીજી ભાષા શીખવી પડી છે. નવી ભાષા શીખવા તેઓ બહુ જ નમ્ર બન્યા છે. ખરેખર, તેઓને ખૂબ શાબાશી આપવાની જરૂર છે!—માત્થી ૨૮:૧૯, ૨૦.

૧૭. કઈ જવાબદારીઓમાં આપણે નમ્ર રહેવાની જરૂર છે?

૧૭ મંડળના ભાઈ-બહેનો બહુ નમ્ર છે. એટલે તેઓ અનેક જવાબદારીઓ ઉપાડે છે. તેઓ પોતાના કરતાં, બીજાઓનો વિચાર પહેલા કરે છે. દાખલા તરીકે, કુટુંબમાં પિતા પોતાને જે ગમે એ જ નથી કરતા. નમ્ર હોવાને લીધે તે પોતાના મોજશોખનો ભોગ આપીને બાળકોને બાઇબલમાંથી શીખવવા સમય કાઢે છે. બાળકો પણ નમ્ર હશે, તો ભલેને માબાપ ભૂલ કરે, તોપણ તેઓને માન આપશે. તેઓનું સાંભળશે. (એફેસી ૬:૧-૪) જે બહેનના પતિ સત્યમાં ન હોય, તેને અમુક સંજોગોમાં બહુ જ નમ્ર બનવું પડે. તેઓ ‘શુદ્ધ વર્તન અને આદરથી’ પતિને જીતી લઈ શકે, જેથી એક દિવસ પતિ કદાચ સત્યમાં આવે. (૧ પીતર ૩:૧, ૨, પ્રેમસંદેશ) નમ્રતા આપણા વહાલા માબાપ માટે કોઈ પણ ભોગ આપવા અને ઘડપણ કે બીમારીમાં તેઓને પૂરો સાથ આપવા મદદ કરશે.—૧ તીમોથી ૫:૪.

કોઈ પણ સંજોગોમાં નમ્ર રહો

૧૮. નમ્રતા કઈ રીતે હળી-મળીને રહેવા આપણને મદદ કરી શકે?

૧૮ ઈશ્વરના સર્વ ભક્તો માનવ માત્ર ભૂલને પાત્ર છે. (યાકૂબ ૩:૨) આથી, એકબીજા વચ્ચે મનદુઃખ કે ગેરસમજ થઈ શકે. કદાચ એક વ્યક્તિને સો ટકા ખાતરી છે કે ભૂલ સામેવાળાની છે. આવા સંજોગોમાં હળી-મળીને રહેવા માટે આ સલાહ મદદ કરશે, “એકબીજાને મદદ કરો અને જ્યારે તમારામાંથી કોઈને બીજાની વિરૂદ્ધ કંઈ ફરિયાદ હોય તો ક્ષમા કરો. પ્રભુએ [યહોવાહે] જે રીતે તમને માફ કર્યું છે તે રીતે તમારે માફી આપવી જ જોઈએ.” (કોલોસી ૩:૧૩, પ્રેમસંદેશ) આ સલાહ પાળવી સહેલી નથી. પણ જો આપણે નમ્ર રહીશું તો એ સહેલું બનશે.

૧૯. કોઈ આપણને મનદુઃખ કરે, તો તેની સાથે વાત કરતી વખતે આપણે શું યાદ રાખવું જોઈએ?

૧૯ અમુક વાર કોઈને લાગે કે સામેવાળાની એટલી મોટી ભૂલ છે કે કંઈક કરવું જ જોઈએ. એમ હોય તો, તમારામાં સંપ રાખવા માટે નમ્રતાથી એ ભાઈ કે બહેન પાસે જઈને વાત કરો. તમારું મનદુઃખ દૂર કરો. (માત્થી ૧૮:૧૫) કોઈ વાર ભાઈ-બહેનો વચ્ચે અબોલા રહે છે, મનદુઃખ દૂર થતું નથી. તો એનું કારણ કોઈ એક કે બંને વ્યક્તિઓ ઘમંડી હોય શકે. તેઓ ઘમંડને લીધે પોતાની ભૂલ સ્વીકારવા તૈયાર હોતા નથી. અથવા જો સામેની વ્યક્તિ સાથે વાત કરવા જાય, ત્યારે તેને તોડી પાડે કે એવી રીતે વર્તે કે જાણે પોતે કંઈ ભૂલ કરી જ નથી. એને બદલે, જો આપણે દિલથી નમ્ર હોઈશું તો, મનદુઃખને દૂર કરી શકીશું ને હળી-મળીને રહી શકીશું.

૨૦, ૨૧. નમ્ર બનવા આપણને સૌથી વધારે મદદ ક્યાંથી મળે છે?

૨૦ નમ્ર બનવા આપણે ઈશ્વરની શક્તિ અને માર્ગદર્શન માટે પ્રાર્થના કરવાની બહુ જ જરૂર છે. ઈશ્વર “નમ્ર માણસો પર કૃપા રાખે છે” અને તેઓને સારું કરવા માટે શક્તિ આપે છે. (યાકૂબ ૪:૬) જો કોઈ ભાઈ-બહેન સાથે તમારું બનતું ન હોય, તો યહોવાહને પ્રાર્થના કરો કે તે તમને નમ્ર બનવા મદદ કરે. પછી તમે નમ્રતાથી તમારી કોઈ નાની-મોટી ભૂલ કબૂલ કરી શકશો. જે કોઈ ભાઈ કે બહેને તમને ખોટું લગાડ્યું હોય, તે દિલથી “સોરી” કહે, તો નમ્ર થઈને તેમને માફ કરો. એમ કરવું અઘરું લાગે તો, યહોવાહને પ્રાર્થના કરો. જેથી તે તમને દિલમાંથી ઘમંડ કાઢવા મદદ કરે.

૨૧ નમ્ર બનવાથી આપણને ઘણા લાભ થાય છે. એનો વિચાર કરવાથી આપણને કાયમ એ ગુણ કેળવતા રહેવા મદદ મળશે. આપણે યહોવાહ અને ઈસુ ખ્રિસ્ત પાસેથી પણ કેટલું બધું શીખી શકીએ છીએ! યહોવાહનું આ વચન કદી ન ભૂલો, “ધન, આબરૂ તથા જીવન એ નમ્રતાનાં અને યહોવાહના ભયનાં ફળ છે.”—નીતિવચનો ૨૨:૪.

વિચાર કરવાના સવાલો

• નમ્રતાના સૌથી સારા દાખલા કોના છે?

• નમ્ર બનવું કેમ અઘરું છે?

• નમ્ર બનવા માટે ક્યાંથી મદદ મળે છે?

• નમ્રતા કેળવવી કેમ જરૂરી છે?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૨૬ પર ચિત્ર]

ઈસુ ખરેખર નમ્ર હતા

[પાન ૨૮ પર ચિત્ર]

દુનિયા સર્વ લોકોને બીજાથી આગળ વધવા ઉશ્કેરે છે

[ક્રેડીટ લાઈન]

WHO photo by L. Almasi/K. Hemzǒ

[પાન ૨૯ પર ચિત્ર]

નમ્ર બનીશું તો, અજાણી વ્યક્તિને પણ પ્રચાર કરી શકીશું

[પાન ૩૦ પર ચિત્રો]

નમ્રતા અને પ્રેમથી એકબીજા વચ્ચેનું મનદુઃખ ઓછું કરી શકીએ

[પાન ૩૧ પર ચિત્રો]

અનેક સંજોગોમાં આપણે નમ્ર રહી શકીએ