આ દુનિયાને શું કોઈ બદલી શકશે?
આ દુનિયાને શું કોઈ બદલી શકશે?
“ગરીબ લોકોનું કહેવું છે કે પહેલા તો તેઓને મનની શાંતિ જોઈએ. સલામતી જોઈએ. પછી જીવનમાં સુધારો લાવવાની તક. તેઓને એવી દુનિયા જોઈએ, જેમાં અદલ ઇન્સાફ મળે. જેથી ધનવાન દેશો કે કંપનીઓને કારણે, તેઓની મહેનત પર પાણી ન ફરી વળે.”
દુનિયાભરમાં દુખિયારાઓને મદદ કરતી એક એજન્સીની ડાયરેક્ટરે આમ જણાવ્યું. એ ગરીબ લોકોની આશા છે, તેઓનાં સપનાં છે. આમ જોઈએ તો દુનિયામાં આફતો અને અન્યાયનો શિકાર બનેલા બધા જ એમાં સૂર પુરાવશે. બધા જ શાંતિ અને સલામતીની તમન્ના રાખે છે. શું એ સપનું એક દિવસ હકીકતમાં બદલાશે? શું કોઈનામાં એટલી તાકાત છે, જે આ દુનિયામાંથી અન્યાયનું નામનિશાન મિટાવી શકે?
ફેરફારો લાવવા થતા પ્રયત્નો
ઘણા લોકોએ પ્રયત્નો તો કર્યા છે. જેમ કે ફ્લોરેન્સ નાઈટીંગેલ, ૧૯મી સદીની એક અંગ્રેજ સ્ત્રી. તેણે નર્સ બનીને બીમાર લોકોને ચોખ્ખાઈમાં રાખીને, પ્રેમથી સારવાર આપવાનું કામ હાથમાં લીધું. તેના જમાનામાં આજના જેવી હૉસ્પિટલો ને દવાદારૂ ન હતા. એક લખાણ પ્રમાણે, ‘નર્સોને કોઈ ટ્રેનિંગ અપાતી નહિ, તેઓ ગંદી રહેતી. દારૂ પીવામાં ઉસ્તાદ અને ખરાબ કામો માટે પંકાયેલી હતી.’ શું ફ્લોરેન્સ નાઈટીંગેલ નર્સોની દુનિયામાં કોઈ સુધારો લાવી શકી? હા, ચોક્કસ. તેના જેવા બીજા ઘણા ભલા લોકો છે. તેઓએ કોઈ સ્વાર્થ વિના ઘણી રીતે સુધારો કર્યો છે. જેમ કે, ભણતર, દવાદારૂ, ઘરો, ખોરાક વગેરેમાં ઘણું કર્યું છે. એના લીધે લાખો લાચાર અને નિરાધાર લોકોના જીવનમાં સુધારો થયો છે.
તોપણ, આપણે આ કડવું સત્ય છુપાવી શકતા નથી કે, લાખો લોકો યુદ્ધો, ગુના, બીમારી, દુકાળ કે બીજી કોઈ આફતોને લીધે દુઃખી છે. કન્સર્ન નામની એક આઇરિશ એજન્સી કહે છે કે “ગરીબી દરરોજ લગભગ ૩૦,૦૦૦ લોકોને મોતના મોંમાં ધકેલે છે.” અરે, સદીઓથી જેનો સખત વિરોધ થયો છે, એ માણસને ગુલામ બનાવીને વેચવાનો વેપાર હજુયે ચાલે છે. નકામા લોકો—દુનિયાના બજારમાં નવા પ્રકારની ગુલામી (અંગ્રેજી) પુસ્તક આમ કહે છે: “આફ્રિકામાંથી જેટલા લોકોને ઉઠાવી લાવીને એટલાન્ટિક મહાસાગર પાર ગુલામોનો વેપાર થયો, એના કરતાં આજે વધારે લોકો ગુલામ તરીકે જીવે છે.”
આજ સુધી લોકો કેમ દુનિયામાં કાયમ માટે સુધારો લાવી શક્યા નથી? શું એના માટે ફક્ત જોરાવર અને ધનવાન લોકો જ જવાબદાર છે? કે પછી બીજું કંઈ?
કોણ આડું આવે છે?
બાઇબલ જણાવે છે તેમ, આજ સુધી માનવ દુનિયામાં અદલ ઇન્સાફ લાવી નથી શક્યો એનું એક કારણ શેતાન છે. ઈશ્વર ભક્ત યોહાન જણાવે છે કે “આખું જગત તે દુષ્ટની સત્તામાં રહે છે.” (૧ યોહાન ૫:૧૯) હમણાં પણ શેતાન “આખા જગતને ભમાવે છે.” (પ્રકટીકરણ ૧૨:૯) જ્યાં સુધી તેની ઝેરી અસર રહેશે, ત્યાં સુધી દુષ્ટતા અને અન્યાય ચાલ્યા જ કરશે. આપણે આવી હાલતમાં કઈ રીતે આવી પડ્યા?
ઈશ્વરે સૌથી પહેલો માણસ આદમ અને તેની પત્ની હવાને બનાવ્યા ત્યારે તો દુનિયા ‘ખૂબ જ સારી’ હતી. ઈશ્વરે તેઓને અને તેઓના કુટુંબને સુખ-ચેનથી રહેવા માટે ધરતીની ભેટ આપી. (ઉત્પત્તિ ૧:૩૧, સંપૂર્ણ) તો પછી આજે કેમ હાલત આટલી ખરાબ છે? એની પાછળ શેતાનનો હાથ છે. તેણે વાંધો ઉઠાવ્યો હતો કે મનુષ્યોને નીતિ-નિયમો આપવાનો ઈશ્વરને કોઈ અધિકાર નથી. શેતાને દાવો કર્યો કે ઈશ્વર અન્યાયી છે, મનુષ્ય મન ફાવે તેમ જીવીને પણ સુખી થઈ શકે છે. તેણે આદમ અને હવાને છેતરીને મનાવી લીધા કે તેઓ ખરું-ખોટું પોતે નક્કી કરે, મન ફાવે તેમ કરે. (ઉત્પત્તિ ૩:૧-૬) મનુષ્યે ઈશ્વરનું કહેવું માન્યું નહિ અને તેમની સાથેનો નાતો તોડી નાખ્યો. તેઓ પાપી બન્યા. એ બીજું કારણ છે, જેથી હવે ઈશ્વરથી દૂર જઈને, મનુષ્ય અદલ ઇન્સાફ કરી શકતો નથી.—રૂમી ૫:૧૨.
એમ કેમ થવા દીધું?
કોઈ કહેશે, ‘ઈશ્વરે એવું બધું થવા જ શું કામ દીધું? કેમ તેમણે શેતાન, આદમ અને હવાને ત્યાં ને ત્યાં જ પતાવી દીધા નહિ? પછી ફરીથી શરૂઆત કરી શક્યા હોત.’ એમ કહેવું ભલે સહેલું લાગે, પણ એનાથી ઘણા
સવાલ ઊભા થાત. શું દુનિયાના ગરીબ અને જુલમ સહેતા લોકોનો પોકાર નથી કે લોકો મન ફાવે એમ પોતાની સત્તા વાપરે છે? જ્યારે કોઈ જુલમી પોતાની સત્તાને જોરે પોતાનું કહેવું ન કરનારાનો નાશ કરે, ત્યારે શું ભલા લોકોના મનમાં સવાલો નથી થતા?ઈશ્વર ભલા લોકોને ખાતરી કરાવે છે કે પોતે કંઈ જુલમી નથી. તે કદીયે ખોટી રીતે સત્તા ચલાવતા નથી. એટલા માટે તેમણે શેતાનને રહેવા દીધો છે. મનુષ્યને મન ફાવે તેમ સત્તા ચલાવવા દીધી છે. પણ કાયમ માટે નહિ, થોડાક જ સમય માટે. આખરે સમય બતાવી આપશે કે ઈશ્વર જ જાણે છે કે કઈ રીતે દુનિયા ચલાવવી. તે જ દુનિયામાં અદલ ઇન્સાફ લાવશે. તેમના કાયદા-કાનૂન આપણા ભલા માટે જ છે. ઈશ્વરના કાયદા-કાનૂન તોડીને મનુષ્યોએ જે ભોગવ્યું છે, એનાથી એ સાબિત થઈ ગયું છે. એટલે જ ઈશ્વર દુનિયામાંથી દુષ્ટતા દૂર કરવા જે કોઈ પગલાં ભરશે, એ ચોક્કસ ન્યાયી કહેવાશે. ઈશ્વર જલદી જ એમ કરશે.—ઉત્પત્તિ ૧૮:૨૩-૩૨; પુનર્નિયમ ૩૨:૪; ગીતશાસ્ત્ર ૩૭:૯, ૧૦, ૩૮.
ઈશ્વર એમ કરે ત્યાં સુધી, આ અન્યાયી દુનિયાની જાળમાં ફસાઈને આપણે ‘નિસાસા નાખીને વેદનાથી કષ્ટ’ સહીએ છીએ. (રૂમી ૮:૨૨) આપણે સુધારો લાવવા ભલે ગમે એ કરીએ, આપણે શેતાનનો નાશ કરી શકતા નથી. આદમથી વારસામાં મળેલું પાપ બધાં દુઃખોનું મૂળ છે. એની અસર પણ આપણે જડમૂળથી કાઢી શકતા નથી.—ગીતશાસ્ત્ર ૪૯:૭-૯.
ઈસુ કાયમ માટે સુધારો લાવશે
શું એનો અર્થ એમ થયો કે હવે કોઈ જ આશા નથી? એવું નથી. મનુષ્ય કરતાં પણ શક્તિશાળી એવા કોઈકને કાયમ માટે સુધારો લાવવાની જવાબદારી સોંપવામાં આવી છે. એ કોણ છે? એ તો ઈસુ છે. બાઇબલ જણાવે છે કે ઈશ્વરે તેમને રાજા તરીકે પસંદ કર્યા છે, જેથી તે મનુષ્યોનું જીવન બચાવી લે.—પ્રેરિતોનાં કૃત્યો ૫:૩૧.
ઈસુ હવે ઈશ્વરે નક્કી કરેલા ‘સમયની’ રાહ જુએ છે. ત્યારે તે પોતે પગલાં ભરશે. (પ્રકટીકરણ ૧૧:૧૮) ઈસુ શું કરશે? “દેવે જગતના આરંભથી પોતાના પવિત્ર પ્રબોધકોનાં મુખ દ્વારા જે વિષે કહ્યું છે તે સઘળાની પુનઃસ્થાપના” કરશે. એટલે કે ઘણો સુધારો કરશે. (પ્રેરિતોનાં કૃત્યો ૩:૨૧) દાખલા તરીકે, ‘દરિદ્રી તથા લાચાર ઈસુને વિનંતી કરશે અને તે તેઓની કાળજી લેશે; કેમ કે તેઓનો બચાવ કરનાર બીજો કોઈ નથી. તે તેઓને જુલમ તથા હિંસાથી બચાવશે કેમ કે તેઓનાં જીવન તેની નજરમાં મૂલ્યવાન છે.’ (ગીતશાસ્ત્ર ૭૨:૧૨-૧૬, IBSI) યહોવાહે વચન આપ્યું છે કે તે ઈસુ દ્વારા ‘પૃથ્વીના છેડા સુધી લડાઈઓ બંધ કરી દેશે.’ (ગીતશાસ્ત્ર ૪૬:૯) યહોવાહે એ પણ વચન આપ્યું છે કે “હું માંદો છું, એવું [નવી દુનિયાનો] કોઈ પણ રહેવાસી કહેશે નહિ.” આંધળા, બહેરા, લંગડા, લૂલા, બધા જ પોતપોતાની બીમારીથી સાજા થશે. ત્યાર પછી કદી બીમાર નહિ પડે. (યશાયાહ ૩૩:૨૪; ૩૫:૫, ૬; પ્રકટીકરણ ૨૧:૩, ૪) અરે, સદીઓથી ગુજરી ગયેલાઓ પણ આશીર્વાદ પામશે. યહોવાહ વચન આપે છે કે તે અન્યાય અને જુલમનો ભોગ બનેલાને સજીવન કરશે.—યોહાન ૫:૨૮, ૨૯.
ઈસુ ખ્રિસ્ત કંઈ અમુક સમય માટે જ સુધારો નહિ કરે. તે દુનિયામાં કાયમ માટે અદલ ઇન્સાફ લાવવા, જે કંઈ આડું આવશે એનો નાશ કરશે. તે આપણામાંથી હરેક પ્રકારની ખોટ કાઢી નાખશે. શેતાન અને તેના ચેલાઓનો પણ ઈસુ નાશ કરશે. (પ્રકટીકરણ ૧૯:૧૯, ૨૦; ૨૦:૧-૩, ૧૦) જે દુઃખ-તકલીફો યહોવાહે થોડો સમય ચાલવા દીધી છે, એ ‘બીજી વાર ઊભી થશે નહિ.’ (નાહૂમ ૧:૯) ઈસુએ એવી પ્રાર્થના કરતા શીખવ્યું કે યહોવાહનું રાજ્ય આવે અને “આકાશમાં તેમ પૃથ્વી પર” તેમની ઇચ્છા પૂરી થાય. એમ શીખવીને ઈસુ આવા આશીર્વાદો માટે જ પ્રાર્થના કરવાનું કહેતા હતા.—માત્થી ૬:૧૦.
તમે કહેશો, ‘શું ઈસુએ જ શીખવ્યું ન હતું કે “ગરીબ તો સદા આપણી સાથે હશે”? શું એનો અર્થ એમ ન થાય કે અન્યાય અને ગરીબી તો કાયમ રહેવાના જ?’ (માત્થી ૨૬:૧૧) ખરું કે ઈસુએ કહ્યું હતું કે ગરીબ લોકો કાયમ હશે. પણ તેમના એ વાક્યની આગળ-પાછળના વાક્યો અને ઈશ્વરનાં વચનો પર વિચાર કરો. એના પરથી સમજી શકાય કે ઈસુના કહેવાનો અર્થ શું હતો: અત્યારની દુનિયા ચાલે છે ત્યાં સુધી, ગરીબી તો રહેવાની જ. ઈસુ જાણતા હતા કે કોઈ પણ મનુષ્ય દુનિયામાંથી ગરીબી અને અન્યાય દૂર કરી શકે એમ નથી. ઈસુને ખબર હતી કે પોતે એમ ચોક્કસ કરશે. હવે તે જલદી જ “નવાં આકાશ તથા નવી પૃથ્વી” લાવશે. એમાં કોઈ પણ દુઃખ, બીમારી, ગરીબી કે મરણ નહિ હોય.—૨ પીતર ૩:૧૩; પ્રકટીકરણ ૨૧:૧.
‘ભલું કરવાનું ભૂલશો નહિ’
એનો અર્થ એવો થયો કે હમણાં કોઈને મદદ કરીએ, એ નકામી છે? એવું જરાય નથી. બાઇબલ તો જણાવે છે કે જેઓ દુઃખ-તકલીફમાં હોય તેઓને સાથ આપો. જૂના જમાનાના રાજા સુલેમાને લખ્યું હતું કે “કોઈને તારી મદદની જરૂર હોય અને તારી પાસે શક્તિ હોય, તો તું ના ન પાડતો.” (સુભાષિતો [નીતિવચનો] ૩:૨૭, સંપૂર્ણ) ઈશ્વર ભક્ત પાઊલે અરજ કરી કે “ભલું કરવાનું અને તમારી પાસે જે હોય તે વહેંચીને વાપરવાનું ભૂલશો નહિ.”—હિબ્રૂઓ ૧૩:૧૬, સંપૂર્ણ.
ઈસુએ પોતે જણાવ્યું કે બીજાઓને મદદ કરવા બનતું બધું જ કરવું જોઈએ. તેમણે ભલા સમરૂનીની વાર્તા કહી. સમરૂનીએ એક માણસને જોયો, જેને કોઈએ લૂંટીને, માર મારીને રસ્તાની એક બાજુએ ફેંકી દીધો હતો. ઈસુની વાર્તા પ્રમાણે, સમરૂનીને એ માણસને ‘જોઈને કરૂણા આવી.’ તેણે પોતાના ખર્ચે પેલા માણસને દવાદારૂ કરાવ્યા. તેને એ હુમલામાંથી બચી જવા મદદ કરી. (લુક ૧૦:૨૯-૩૭) ખરું કે એ ભલા સમરૂનીએ આખી દુનિયા બદલી નાખી નહિ. એક માણસની જિંદગી તો બચાવી ને! આપણે પણ એવી જ મદદ કરી શકીએ.
ઈસુ લોકોને ફક્ત મદદ કરવા કરતાં ઘણું વધારે કરી શકે છે. તે ઘણા ફેરફારો કરી શકે, તે જલદી જ એમ કરશે પણ ખરા. ઈસુ એમ કરશે ત્યારે, આજની અન્યાયી દુનિયાનો ભોગ બનેલા, જીવનનો ખરો આનંદ લઈ શકશે. સુખ-ચેનથી જીવી શકશે.—ગીતશાસ્ત્ર ૪:૮; ૩૭:૧૦, ૧૧.
ખરું કે આપણે એ સમયની રાહ જોઈએ છીએ. ત્યાં સુધી આપણે લોકોને ઈશ્વરની ભક્તિ કરવા મદદ કરીએ. જોઈતી ચીજ-વસ્તુઓની મદદ કરીએ. આ દુનિયામાં અન્યાયનો ભોગ બનેલા બધાને મદદ કરવા પોતાનાથી બનતું બધું જ “સારૂં કરીએ.”—ગલાતી ૬:૧૦.
[પાન ૫ પર ચિત્રો]
ફ્લોરેન્સ નાઈટીંગેલે નર્સોની દુનિયામાં મોટા ફેરફારો કર્યા
[ક્રેડીટ લાઈન]
Courtesy National Library of Medicine
[પાન ૭ પર ચિત્રો]
ઈસુને પગલે ચાલનારા બીજાઓનું ભલું કરે છે
[પાન ૪ પર ચિત્રની ક્રેડીટ લાઈન]
The Star, Johannesburg, S.A.