સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું તમે ઈશ્વર સાથે ચાલશો?

શું તમે ઈશ્વર સાથે ચાલશો?

શું તમે ઈશ્વર સાથે ચાલશો?

‘તારા દેવની સાથે નમ્રતાથી ચાલ.’—મીખાહ ૬:૮.

૧, ૨. માબાપને પોતાના લાડલા પ્રત્યે જેવી લાગણીઓ હોય છે એવી જ યહોવાહને આપણા પર છે, એમ કેવી રીતે કહી શકીએ?

 એક નાનું ભૂલકું પા-પા-પગલી કરતા શીખે છે. તેના મમ્મી કે પપ્પા હાથ લંબાવીને તેને બોલાવે છે. તેઓનું લાડલું ડોલતું ડોલતું તેઓની ગોદમાં દોડી જવાનો પ્રયત્ન કરે છે. એનાથી આપણને નવાઈ નહિ લાગે. પણ તેના મમ્મી-પપ્પા માટે તો એ ગજબની વાત કહેવાય! તેઓ સપના જોવા લાગશે કે હવે તેઓ તેનો હાથ પકડીને ફરવા જશે. જોતજોતામાં દિવસો વીતશે. મહિનાઓ વીતશે. વર્ષો વીતી જશે. તેઓ પોતાના લાડલાને જીવનભર પાળી-પોષીને મોટા કરવા ઝંખે છે.

માબાપની જેમ જ યહોવાહને આપણા પ્રત્યે લાગણી છે. તેમણે એક વાર પોતાના ભક્તોને, ઈસ્રાએલ અથવા એફ્રાઈમને કહ્યું: ‘મેં એફ્રાઈમને ચાલતાં શીખવ્યું; મેં તેઓને બાથમાં લીધા; હું તેઓને માનવી બંધનોથી, પ્રીતિની દોરીઓથી ખેંચતો રહ્યો.’ (હોશીઆ ૧૧:૩, ૪) અહીં યહોવાહ પોતાને પ્રેમાળ પિતાની સાથે સરખાવતા હતા. તે પોતાના ભક્તોને બાળકની જેમ, ધીરજથી પોતાના માર્ગે ચાલતા શીખવતા હતા. જો ચાલતા ચાલતા પોતાના ભક્તો ગબડી પડે, તોપણ તે તરત જ તેઓને ઉપાડી લેતા. યહોવાહ જેવા કોઈ જ પિતા નથી. યહોવાહ આપણી સાથે જ રહીને આપણને પોતાની ભક્તિમાં આગળ વધવા મદદ કરે છે. આ લેખની મુખ્ય કલમ કહે છે કે આપણે ઈશ્વરની સાથે ચાલી શકીએ છીએ! (મીખાહ ૬:૮) ઈશ્વર સાથે ચાલવાનો શું અર્થ થાય? આપણે કેમ ઈશ્વરની સાથે ચાલવું જોઈએ? આપણે ઈશ્વરની સાથે કઈ રીતે ચાલી શકીએ? ઈશ્વરની સાથે ચાલવાના કયા આશીર્વાદો છે? ચાલો આપણે આ ચાર પ્રશ્નોની એક પછી એક ચર્ચા કરીએ.

ઈશ્વર સાથે ચાલવાનો શું અર્થ થાય?

૩, ૪. (ક) યહોવાહ સાથે ચાલવાના શબ્દ ચિત્ર વિષે ખાસ શું જોવા મળે છે? (ખ) ઈશ્વર સાથે ચાલવાનો શું અર્થ થાય?

યહોવાહ સ્વર્ગમાં છે. એટલે આપણે તેમની સાથે ખરેખર ચાલી શકતા નથી. (નિર્ગમન ૩૩:૨૦; યોહાન ૪:૨૪) જ્યારે બાઇબલ જણાવે કે માણસો ઈશ્વરની સાથે ચાલતા હતા, ત્યારે એ ફક્ત સુંદર શબ્દ ચિત્ર આપે છે. એ બતાવે છે કે ગમે એ સમયે બધી જ નાત-જાતના લોકો યહોવાહના માર્ગમાં ચાલી શકે છે. આપણને દરેકને બેનપણી કે દોસ્તોની કંપનીમાં ચાલવાનું ગમે છે, ખરું ને? એ બતાવે છે કે આપણને એકબીજા માટે પ્રેમ છે. એના પરથી આપણે અમુક અંશે સમજી શકીએ છીએ કે ઈશ્વર સાથે ચાલવાનો શું અર્થ થાય છે. એના વિષે ચાલો આપણે વધારે જોઈએ.

તમને હનોખ અને નુહ યાદ હશે. બાઇબલ કહે છે કે તેઓ ઈશ્વર સાથે ચાલ્યા. બાઇબલ એવું કેમ કહે છે? (ઉત્પત્તિ ૫:૨૪; ૬:૯) બાઇબલમાં મોટે ભાગે “ચાલવું” શબ્દ બતાવે છે કે વ્યક્તિ કયો માર્ગ પસંદ કરે છે. હનોખ અને નુહને યહોવાહમાં અતૂટ શ્રદ્ધા હતી. તેઓ યહોવાહનું કહેવું માનતા અને તેમના માર્ગે ચાલતા. જ્યારે કે તેઓના જમાનાના લોકો યહોવાહની સલાહ લેતા નહિ કે તેમના માર્ગે પણ ચાલતા નહિ. એનો શું એવો અર્થ થાય કે યહોવાહ હનોખ અને નુહ માટે બધા જ નિર્ણયો લેતા? જરાય નહિ. યહોવાહે દરેક મનુષ્યને ખરું-ખોટું પારખવાની શક્તિ ને બુદ્ધિ આપી છે. તે ચાહે છે કે એનો ઉપયોગ કરીને તેઓ નિર્ણય લે. (રૂમી ૧૨:૧) ખરું-ખોટું પારખવાની શક્તિ ને બુદ્ધિનો ઉપયોગ કરતી વખતે પોતાને નમ્રભાવે પૂછવું જોઈએ કે એના વિષે યહોવાહ શું કહે છે? આમ યહોવાહની અપાર બુદ્ધિથી આપણે સૌથી સારા નિર્ણય લઈ શકીશું. કેમ કે તેમની બુદ્ધિનો કોઈ પાર જ નથી. (નીતિવચનો ૩:૫, ૬; યશાયાહ ૫૫:૮, ૯) એમ કરીશું તો યહોવાહ જાણે કે કાયમ આપણી સાથે ને સાથે જ ચાલશે.

૫. ઈસુએ કેમ જીવનમાં એક હાથભર વધારવાની વાત કરી?

બાઇબલમાં ઘણી વાર જીવનને એક સફર સાથે સરખાવવામાં આવે છે. અમુક કિસ્સામાં એ સરખામણી સીધેસીધી આપવામાં આવે છે. જ્યારે કે બીજા કિસ્સામાં એ સીધેસીધી આપવામાં આવતી નથી. દાખલા તરીકે, ઈસુએ કહ્યું: “ચિંતા કરવાથી તમારામાંનો કોણ પોતાના કદને [જીવનને] એક હાથભર વધારી શકે છે?” (માત્થી ૬:૨૭) ઈસુનો કહેવાનો શું અર્થ હતો? જીવન તો સમયથી મપાય છે. “એક હાથભર” તો અંતર માપવા માટે વપરાતું માપ છે. * તો પછી ઈસુએ જીવન સાથે “એક હાથભર” માપ કેમ વાપર્યું? અહીં ઈસુ જીવનને એક સફર સાથે સરખાવતા હતા. તે શીખવતા હતા કે ચિંતા કરવાથી જીવનની સફરમાં આપણે એક પગલું પણ વધારે ચાલી શકતા નથી. એનો શું એવો અર્થ થાય કે આપણે કંઈ કરી શકીએ એમ નથી? જરાય નહિ! એ આપણને બીજા સવાલ પર લાવે છે કે આપણે કેમ ઈશ્વરની સાથે ચાલવું જોઈએ?

આપણે ઈશ્વરની સાથે કેમ ચાલવું જોઈએ?

૬, ૭. મનુષ્યને ખાસ શાની જરૂર છે? એના માટે આપણે કેમ યહોવાહની મદદ લેવી જોઈએ?

ઈશ્વરની સાથે ચાલવાનું એક કારણ યિર્મેયાહ ૧૦:૨૩ સમજાવે છે: “હે યહોવાહ, હું જાણું છું કે મનુષ્યનો માર્ગ પોતાના હાથમાં નથી; પોતાનાં પગલાં ગોઠવવાં એ ચાલનાર મનુષ્યનું કામ નથી.” આ કલમ બતાવે છે કે મનુષ્યને મન ફાવે એમ જીવવાનો હક્ક નથી. તેની પાસે જીવનનો માર્ગ નક્કી કરવાની આવડત પણ નથી. એ કારણથી મનુષ્યને માર્ગદર્શનની ખાસ જરૂર છે. જેઓ મન ફાવે તેમ કરે છે તેઓ આદમ ને હવા જેવા છે. આદમ અને હવા મન ફાવે એમ જીવ્યા. (ઉત્પત્તિ ૩:૧-૬) ખરેખર ‘પોતાનો માર્ગ નક્કી કરવાનો’ હક્ક આપણી પાસે નથી.

એ કારણથી જીવનમાં આપણને માર્ગદર્શનની જરૂર છે, ખરું ને? આપણે રોજ નાના-મોટા નિર્ણયો લેવા પડે છે. કોઈ કોઈ તો ઘણા મુશ્કેલ હોય છે. એનાં ફળો આપણને અને કુટુંબને જ ભોગવવા પડશે. એટલા માટે ખરા નિર્ણયો લેવા આપણને એવા કોઈક પાસેથી માર્ગદર્શન મળી શકે છે, જે અનંતકાળથી જીવે છે! તેમની પાસે પાર વગરની બુદ્ધિ છે. ખરા નિર્ણયો લેવા તે રાજીખુશીથી આપણને માર્ગદર્શન આપવા તૈયાર છે! દુઃખની વાત છે કે આજે મોટા ભાગના લોકો મન ફાવે તેમ નિર્ણયો લે છે. તેઓ નીતિવચનો ૨૮:૨૬ની સલાહને ભૂલી જાય છે: “જે માણસ પોતાના હૃદય પર ભરોસો રાખે છે તે મૂર્ખ છે; પણ જે કોઈ ડહાપણથી વર્તે છે તેનો બચાવ થશે.” આપણું દિલ અતિશય ભૂંડું છે. એટલે એના પર ભરોસો રાખીને આપણે છેતરાઈ જઈશું. યહોવાહ ચાહતા નથી કે આપણે ખોટા નિર્ણયો લઈને દુઃખી થઈએ. (યિર્મેયાહ ૧૭:૯) યહોવાહ ચાહે છે કે આપણે ડહાપણથી વર્તીએ. તેમનામાં એવો ભરોસો રાખીએ કે તેમના જેવું માર્ગદર્શન અને શિક્ષણ આપનાર કોઈ નથી. એમ કરીશું તો આપણું ભલું થશે. આપણે સુખ-ચેનમાં જીવીશું.

૮. પાપને કારણે બધાનું શું થાય છે? તોપણ યહોવાહ આપણી માટે શું ચાહે છે?

યહોવાહ સાથે ચાલવાનું બીજું કારણ આપણા જીવન માર્ગની લંબાઈ છે. બાઇબલ એ કડવું સત્ય જણાવે છે. બધા જ મનુષ્યોની મંજિલ એક જ છે. ઘડપણની તકલીફો વિષે જણાવતા બાઇબલ કહે છે: “માણસ પોતાના દીર્ઘકાળી ઘેર જાય છે, અને વિલાપ કરનારાઓ મહોલ્લાઓમાં ફરે છે.” (સભાશિક્ષક ૧૨:૫) ‘દીર્ઘકાળી ઘર’ શું છે? દીર્ઘકાળી ઘર એ કબર છે. આપણે બધા જ પાપી છીએ, એટલે બધાય મરણ પામીએ છીએ. (રૂમી ૬:૨૩) યહોવાહ એવું નથી ચાહતા કે જન્મથી આપણે દુઃખ ભોગવીને ઘરડા થઈએ અને મરણ પામીએ. (અયૂબ ૧૪:૧) યહોવાહના કહેવા પ્રમાણે ચાલીશું તો, આપણે કાયમ જીવવાની આશા રાખી શકીશું. મનુષ્યને કાયમ જીવવા માટે જ બનાવવામાં આવ્યો હતો. શું તમને એવું નહિ ગમે? તો પછી આપણે યહોવાહ પિતા સાથે ચાલતા જ રહેવું જોઈએ.

આપણે ઈશ્વરની સાથે કઈ રીતે ચાલી શકીએ?

૯. શા માટે યહોવાહે પોતાના લોકોથી અમુક વાર મોં ફેરવી લીધું હતું? યશાયાહ ૩૦:૨૦માં યહોવાહે કઈ ખાતરી આપી?

આપણે હવે ત્રીજા પ્રશ્નની ચર્ચા કરીએ, જે ખૂબ જ મહત્ત્વનો છે. આપણે ઈશ્વરની સાથે કઈ રીતે ચાલી શકીએ? યશાયાહ ૩૦:૨૦, ૨૧ એનો જવાબ આપે છે: “તારો શિક્ષક ફરી સંતાશે નહિ, પણ તારી આંખો તારા શિક્ષકને જોશે. જ્યારે તમે જમણી તરફ કે ડાબી તરફ ફરો, ત્યારે તમારા કાનો તમારી પછવાડેથી એવી વાત આવતી સાંભળશે, કે માર્ગ આ છે, તે પર તમે ચાલો.” આ કેટલા ઉત્તેજન આપતા શબ્દો છે! વીસમી કલમથી યહોવાહના ભક્તોને યાદ આવ્યું હોય શકે કે, તેઓ બેવફા બન્યા ત્યારે જાણે કે યહોવાહે તેઓથી પોતાનું મોં ફેરવી લીધું હતું. (યશાયાહ ૧:૧૫; ૫૯:૨) પણ હવે તે પોતાના ભક્તોથી મોં ફેરવી લેશે નહિ. જેવી રીતે શિક્ષક બાળકોને શીખવવા ક્લાસની આગળ ઊભા રહે છે, તેમ યહોવાહ પોતાના ભક્તોને શીખવવા તૈયાર છે.

૧૦. કયા અર્થમાં તમે યહોવાહની ‘વાત તમારા કાનો પાછળથી સાંભળશો’?

૧૦ યશાયાહ ૩૦:૨૧માં યહોવાહ વિષે બીજું એક શબ્દ ચિત્ર વાપરવામાં આવ્યું છે. યહોવાહ જાણે પોતાના ભક્તોની પાછળ પાછળ ચાલીને તેઓને માર્ગદર્શન આપે છે. એકવીસમી કલમ કેમ એમ કહે છે, એના વિષે બાઇબલ વિદ્વાનો સમજાવે છે. ઘેટાંપાળક ઘણી વાર ઘેટાંની પાછળ પાછળ ચાલતા જઈને તેઓને ખરું માર્ગદર્શન આપતા. તો પછી આપણને આ શબ્દ ચિત્ર કેવી રીતે લાગુ પડે છે? આપણે જ્યારે બાઇબલમાંથી માર્ગદર્શન મેળવીએ છીએ, ત્યારે હજારો વર્ષો પહેલાં લખાએલા શબ્દો વાંચીએ છીએ. એમ માનો કે જાણે સમયના વહેણમાં પાછળથી આવતા શબ્દો સાંભળીએ છીએ. એ લખાયા ત્યારે જેટલા લાગુ પડતા હતા, એટલા જ આજે પણ લાગુ પડે છે. બાઇબલમાં જે લખાયું એ રોજ નાના-મોટા નિર્ણયો લેવા મદદ કરે છે. એનાથી જીવન માર્ગ પર આગળ વધવા માર્ગદર્શન મળશે. (ગીતશાસ્ત્ર ૧૧૯:૧૦૫) આપણે જ્યારે પૂરા દિલથી યહોવાહની સલાહ શોધીએ અને એ પ્રમાણે ચાલીએ તો તે ગાઈડની જેમ આપણને તેમના માર્ગમાં દોરશે.

૧૧. યિર્મેયાહ ૬:૧૬માં યહોવાહ કેવું શબ્દ ચિત્ર દોરે છે? પણ ઈસ્રાએલીઓએ શું કર્યું?

૧૧ સમયથી સમય પોતાને પૂછવું જોઈએ કે શું આપણે બાઇબલની દોરવણી પ્રમાણે ચાલી રહ્યા છીએ? એનો સચ્ચાઈથી જવાબ આપીએ. એ માટે આ કલમનો વિચાર કરો: “યહોવાહ આમ બોલે છે, કે માર્ગોમાં ઊભા રહીને જુઓ, ને પુરાતન માર્ગોમાં જે ઉત્તમ માર્ગ છે તેની શોધ કરીને તેમાં ચાલો, એટલે તમારા જીવને વિશ્રાંતિ મળશે; પણ તેઓએ કહ્યું, કે અમે તે માર્ગમાં ચાલીશું નહિ.” (યિર્મેયાહ ૬:૧૬) આ શબ્દો આપણને મુસાફરની યાદ અપાવે છે. તે ચાર રસ્તાએ આવીને અટકી જાય છે ને કોઈને રસ્તો પૂછે છે. ઈસ્રાએલીઓએ પણ એમ જ કરવાની જરૂર હતી. યહોવાહને માર્ગે ચાલવાનું છોડી દીધા પછી, તેઓએ શોધી કાઢવાની જરૂર હતી કે “પુરાતન માર્ગો” કયા હતા. એક સમયે તેઓના બાપદાદાઓ એ ‘ઉત્તમ માર્ગમાં’ બરાબર ચાલ્યા હતા. એમાંથી ઈસ્રાએલીઓ પોતાની મૂર્ખાઈને લીધે ખોટે માર્ગે ચડી ગયા હતા. જ્યારે યહોવાહે તેઓને પ્રેમથી સાચો માર્ગ બતાવ્યો ત્યારે તેઓએ નાક ચડાવ્યું. એ જ કલમ કહે છે: “તેઓએ કહ્યું, કે અમે તે માર્ગમાં ચાલીશું નહિ.” પણ આજે યહોવાહના ભક્તો એવા નથી, તેઓ યહોવાહનું કહેવું માને છે.

૧૨, ૧૩. (ક) યિર્મેયાહ ૬:૧૬ની સલાહ શીખ્યા પછી અભિષિક્ત ભાઈ-બહેનોએ શું કર્યું છે? (ખ) આપણે કઈ રીતે ચાલીએ છીએ એ પારખવા શું કરવું જોઈએ?

૧૨ અભિષિક્ત ભાઈ-બહેનો ૧૯મી સદીના અંતથી યિર્મેયાહ ૬:૧૬ની સલાહ પાળે છે. તેઓ એક વર્ગ તરીકે પૂરા દિલથી “પુરાતન માર્ગોમાં” ફરીથી ચાલે છે. પહેલી સદીમાં ઈસુએ તેમના શિષ્યોને સત્ય શીખવ્યું. શિષ્યોએ એ પાળ્યું. એ ‘સાચા શિક્ષણને તેઓએ નમૂનારૂપ ગણીને પકડી રાખ્યું’ છે. જ્યારે કે ચર્ચના ખ્રિસ્તીઓએ એમ કર્યું નથી. (૨ તીમોથી ૧:૧૩) એ સત્યને વળગી રહેવા, આજે અભિષિક્ત ભાઈ-બહેનો એકબીજાને મદદ કરે છે. તેઓ ‘બીજાં ઘેટાંને’ પણ એવી જ મદદ કરે છે. જ્યારે કે ચર્ચના ખ્રિસ્તીઓએ એ સત્યને સાવ જ તજી દીધું છે.—યોહાન ૧૦:૧૬.

૧૩ વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર ‘પુરાતન માર્ગો’ બતાવતા અનેક પુસ્તકો ખરા સમયે બહાર પાડે છે. એનાથી લાખો લોકોને જીવનના માર્ગમાં ચાલવા ખૂબ જ મદદ મળી છે. (માત્થી ૨૪:૪૫-૪૭) શું તમે પણ એમાંના એક છો? જો એમ હોય, તો તમે એ માર્ગથી ભટકી ન જાવ એ માટે શું કરી શકો? પોતાને તપાસતા રહેવું જોઈએ કે હું જીવનના માર્ગથી ભટકી તો નથી જતો ને? આપણે એ માર્ગમાં ચાલતા રહીએ એ માટે વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકરે અનેક ગોઠવણો કરી છે. જેમ કે બાઇબલ અને એ સમજાવતા પુસ્તકો. એ ચોક્કસ વાંચવા જોઈએ. મિટિંગોમાં જવું જ જોઈએ. આ રીતે આપણે જીવનના માર્ગમાં ચાલતા શીખીશું. એમાંથી આપણને જે કંઈ સલાહ મળે એ નમ્રતાથી પાળતા રહીએ. એમ કરવાથી કહી શકીશું કે આપણે યહોવાહના “પુરાતન માર્ગોમાં” તેમની સાથે ચાલી રહ્યા છીએ.

‘અદૃશ્ય ઈશ્વરને જોતા હોવ’ એમ ચાલો

૧૪. યહોવાહમાં આપણને અતૂટ શ્રદ્ધા હશે તો એ આપણા નિર્ણયો પરથી કેવી રીતે દેખાઈ આવશે?

૧૪ યહોવાહમાં આપણને અતૂટ શ્રદ્ધા હશે તો જ આપણે તેમના માર્ગમાં ચાલી શકીશું. યાદ કરો, યહોવાહે ઈસ્રાએલના વફાદાર ભક્તોને ખાતરી અપાવી હતી કે તે તેઓને સત્ય શીખવવા તૈયાર છે. આજે પણ યહોવાહ પોતાના ભક્તોને શીખવવા તૈયાર છે. શું તમને યહોવાહમાં અતૂટ શ્રદ્ધા છે કે તે તમને શીખવવા તમારી આગળ ઊભા છે? તેમના માર્ગમાં ચાલવા માટે આપણને એવી શ્રદ્ધા હોવી જ જોઈએ. મુસાને એવી જ શ્રદ્ધા હતી. તેથી પોતે ‘અદૃશ્ય ઈશ્વરને જોતા હોય’ એમ તે ચાલતા હતા. (હિબ્રૂ ૧૧:૨૭, પ્રેમસંદેશ) યહોવાહમાં એવી જ શ્રદ્ધા હશે તો આપણે એવા નિર્ણય લઈશું, જેથી તેમનું નામ બદનામ ન થાય. આપણે જાણીએ છીએ કે ખોટાં કામો ન કરવા જોઈએ. જો કરી બેસીએ તો મંડળના વડીલો કે આપણા કુટુંબથી એ સંતાડવા ન જોઈએ. ભાઈ-બહેનો આપણને એમ કરતા જુએ કે ન જુએ, આપણે ઈશ્વર સાથે ચાલવાનો પ્રયત્ન કરવો જોઈએ. દાઊદ રાજાની જેમ આપણે મનમાં ગાંઠ વાળીએ: “હું ખરા [શુદ્ધ] અંતઃકરણથી મારા ઘરમાં વર્તીશ.”—ગીતશાસ્ત્ર ૧૦૧:૨.

૧૫. યહોવાહમાં અતૂટ શ્રદ્ધા રાખવા ભાઈ-બહેનોની સંગત કેવી રીતે મદદ કરશે?

૧૫ યહોવાહ જાણે છે કે આપણે પાપી છીએ. આપણે ધૂળના છીએ. એટલે આપણે જેને જોઈ શકતા નથી તેમનામાં શ્રદ્ધા મૂકવી અઘરું લાગે છે. (ગીતશાસ્ત્ર ૧૦૩:૧૪) તોપણ તે આપણને મદદ કરે છે. જરા વિચારો કે આખી દુનિયામાંથી તેમણે ‘પોતાના નામની ખાતર એક પ્રજાને પસંદ કરી છે.’ (પ્રેરિતોનાં કૃત્યો ૧૫:૧૪) આપણે સંપથી તેમની ભક્તિ કરીએ છીએ અને એકબીજા પાસેથી હિંમત મેળવીએ છીએ. ભાઈ-બહેનોને કસોટીમાં ટકી રહેવા યહોવાહે કેવી રીતે મદદ કરી, એ જાણવાથી આપણી શ્રદ્ધા હજુ પણ વધે છે.—૧ પીતર ૫:૯.

૧૬. યહોવાહના માર્ગમાં ચાલવા માટે આપણે ઈસુ વિષે કેમ શીખવું જોઈએ?

૧૬ ખાસ તો યહોવાહે આપણને ઈસુનો દાખલો આપ્યો છે. ઈસુએ કહ્યું: “માર્ગ તથા સત્ય તથા જીવન હું છું; મારા આશ્રય વિના બાપની પાસે કોઈ આવતું નથી.” (યોહાન ૧૪:૬) ઈસુ વિષે શીખવાથી આપણને યહોવાહમાં અતૂટ શ્રદ્ધા રાખવા સૌથી સારી મદદ મળે છે. ઈસુનો સ્વભાવ યહોવાહ જેવો જ હતો. ઈસુએ જે કંઈ કર્યું અને શીખવ્યું એમાં યહોવાહના જ વિચારો હતા. (યોહાન ૧૪:૯) નિર્ણય લેતી વખતે આપણે પોતાને પૂછીએ કે ઈસુ આવા સંજોગોમાં કેવો નિર્ણય લેત? નિર્ણયો લેતા પહેલાં યહોવાહની મદદ માટે પ્રાર્થના કરીએ. આમ આપણે ઈસુના પગલે ચાલીશું. (૧ પીતર ૨:૨૧) આ રીતે આપણે યહોવાહ સાથે ચાલતા રહીશું.

ઈશ્વરની સાથે ચાલવાના કયા આશીર્વાદો છે?

૧૭. યહોવાહના માર્ગમાં ચાલતા રહેવાથી કેવી “વિશ્રાંતિ મળશે”?

૧૭ યહોવાહના માર્ગે ચાલવાથી આપણને આશીર્વાદો મળશે. યહોવાહે ઈસ્રાએલીઓને વરદાન આપ્યું હતું કે ‘ઉત્તમ માર્ગ શોધીને એમાં ચાલશે’ તો તેઓને “વિશ્રાંતિ મળશે.” (યિર્મેયાહ ૬:૧૬) ‘વિશ્રાંતિનો’ શું અર્થ થાય? એનો એવો અર્થ થતો નથી કે આપણે ધનદોલતથી જલસા કરીશું. એના બદલે યહોવાહ આપણને એવું કંઈક આપશે, જે દુનિયાના અમીરો પણ પૈસાથી ખરીદી શકતા નથી. એ શું છે? યહોવાહ એવું કંઈક આપશે જેનાથી આપણને આનંદ, સંતોષ અને મનની શાંતિ મળશે. તેમના જ્ઞાનની તરસ છિપાશે. તમે સાચો માર્ગ પસંદ કરશો તો આવા આશીર્વાદો મળશે. આ દુઃખી જગતમાં ભાગ્યે જ મનની શાંતિ મળે છે!

૧૮. યહોવાહ તમને કેવો આશીર્વાદ આપવા ચાહે છે? તમે શું કરશો?

૧૮ જીવન એ સૌથી મોટો આશીર્વાદ છે. પછી ભલેને આપણે એક પલ જીવીએ કે ઘણાં વર્ષો જીવીએ. જોકે યહોવાહ એવું ચાહતા ન હતા કે આપણે યુવાન થઈએ અને પછી થોડાં વર્ષોમાં ઘરડા થઈને મરી જઈએ. તે તો આપણને બહુ જ મોટો આશીર્વાદ આપવા ચાહે છે. આપણે સદા તેમના માર્ગમાં ચાલતા જ રહીએ એવું તે ચાહે છે! મીખાહ ૪:૫ એના વિષે સુંદર શબ્દોમાં કહે છે: “સર્વ પ્રજાઓ પોતપોતાના દેવના નામ પર શ્રદ્ધા રાખીને ચાલે છે, અને અમે સદાસર્વકાળ અમારા દેવ યહોવાહના નામ પર શ્રદ્ધા રાખીને ચાલીશું.” તમે પણ એ આશીર્વાદ ગુમાવશો નહિ! યહોવાહ દિલથી આપણને આગ્રહ કરે છે કે “જીવન” તરફ લઈ જતા માર્ગમાં ચાલો. શું તમે એમ કરશો? (૧ તીમોથી ૬:૧૯) જો એમ હોય તો દિલથી નક્કી કરો કે તમે આજે, કાલે અને કાયમ માટે યહોવાહના માર્ગમાં ચાલતા જ રહેશો!

[ફુટનોટ]

^ અમુક બાઇબલો ગુજરાતી બાઇબલની જેમ, આ કલમ સમજાવવા “એક હાથભર” વાપરવાને બદલે, “વધુ ક્ષણો” (પ્રેમસંદેશ) “થોડીક વધુ ક્ષણો” (કોમન લેંગ્વેજ) વાપરે છે. મૂળ હેબ્રીમાં હાથભર વાપરવામાં આવે છે. એટલે કે આશરે ૧૮ ઇંચ.

તમે કેવો જવાબ આપશો?

• ઈશ્વર સાથે ચાલવાનો શું અર્થ થાય છે?

• ઈશ્વરની સાથે ચાલવું તમને કેમ મહત્ત્વનું લાગે છે?

• ઈશ્વરના માર્ગમાં ચાલવા તમને શામાંથી મદદ મળશે?

• યહોવાહના માર્ગમાં ચાલનારાને કેવા આશીર્વાદો મળશે?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૨૩ પર ચિત્રો]

બાઇબલ વાંચવાથી આપણે યહોવાહનો સાદ સાંભળીશું કે “માર્ગ આ છે”

[પાન ૨૫ પર ચિત્ર]

મિટિંગોમાં આપણને ખરા સમયે યહોવાહનું શિક્ષણ મળે છે