“યહોવાહના માર્ગો ન્યાયી છે”
“યહોવાહના માર્ગો ન્યાયી છે”
“યહોવાહના માર્ગો ન્યાયી છે, ને નેક માણસો તે માર્ગે ચાલશે.”—હોશીઆ ૧૪:૯.
૧, ૨. યહોવાહે શરૂઆતથી જ ઈસ્રાએલીઓને કેવા માર્ગે ચલાવ્યા? પણ તેઓ કેવા બન્યા?
યહોવાહે મુસાના જમાનાથી જ ઈસ્રાએલી લોકોને ન્યાયના માર્ગમાં ચલાવ્યા હતા. તોપણ, ઈસવીસન પૂર્વે આઠમી સદીની શરૂઆત થઈ ત્યાં સુધીમાં તો તેઓ બહુ જ બગડી ગયા હતા. અરે, યહોવાહે તેઓમાં ઘોર પાપ થતાં જોયાં. હોશીઆના ૧૦થી ૧૪ અધ્યાયો પરથી એ જોવા મળે છે.
૨ ઈસ્રાએલના લોકો સાવ ઢોંગી બની ગયા હતા. દસ કુળના એ રાજ્યના લોકોએ “દુષ્ટતા ખેડી” હતી. એટલે બસ અન્યાયની કાપણી કરી હતી. (હોશીઆ ૧૦:૧, ૧૩) યહોવાહે કહ્યું કે “ઈસ્રાએલ બાળક હતો ત્યારે હું તેના પર પ્રીતિ રાખતો હતો, ને મારા પુત્રને મેં મિસરમાંથી [ઇજિપ્તમાંથી] બોલાવ્યો.” (હોશીઆ ૧૧:૧) ઈશ્વરે ઈસ્રાએલી લોકોને ઇજિપ્તની ગુલામીમાંથી આઝાદ કર્યા. એના બદલામાં તેઓ ઈશ્વર સાથે જૂઠ-કપટથી વર્ત્યા. (હોશીઆ ૧૧:૧૨) હવે યહોવાહ તેઓને આ સલાહ આપે છે કે “તું તારા દેવની પાસે પાછો આવ; કૃપાળુ થા, ને ન્યાયને માર્ગે ચાલ.”—હોશીઆ ૧૨:૬.
૩. સામે થનાર સમરૂનના કેવા હાલ થવાના હતા? ઈસ્રાએલી લોકો કેવી રીતે દયા પામી શકે?
૩ સમરૂન પણ યહોવાહની સામે થયું. એનો અને એના રાજાનો બહુ જ ખરાબ અંત આવશે. (હોશીઆ ૧૩:૧૧, ૧૬) હોશીઆનો છેલ્લો અધ્યાય આ વિનંતીથી શરૂ થાય છે: “હે ઈસ્રાએલ, તારા દેવ યહોવાહની પાસે પાછો આવ.” જો ઈસ્રાએલ પસ્તાવો કરે, માફી માંગે, તો યહોવાહ જરૂર દયા બતાવશે. તેઓએ એ પણ માનવું પડશે કે “યહોવાહના માર્ગો ન્યાયી છે.” તેઓએ એના પર ચાલવું જોઈએ.—હોશીઆ ૧૪:૧-૬, ૯.
૪. હોશીઆમાંથી આપણે કયા સિદ્ધાંતો પર વિચાર કરીશું?
૪ હોશીઆના પુસ્તકનો આ ભાગ ઘણા સિદ્ધાંતો જણાવે છે. એ સિદ્ધાંતો આપણને યહોવાહના માર્ગમાં ચાલવા મદદ કરી શકે છે. આપણે આનો વિચાર કરીશું: (૧) યહોવાહને ઢોંગ વગરની ભક્તિ ગમે છે. (૨) યહોવાહ પોતાના લોકો પર અતૂટ પ્રેમ વરસાવે છે. (૩) આપણે હંમેશાં યહોવાહમાં જ આશા રાખવી જોઈએ. (૪) યહોવાહના માર્ગો હંમેશાં ન્યાયી છે. (૫) પાપીઓ ફરીથી યહોવાહને ભજી શકે છે.
યહોવાહને ઢોંગ વગરની ભક્તિ ગમે છે
૫. યહોવાહ આપણી પાસેથી કેવી ભક્તિ ચાહે છે?
૫ યહોવાહ ચાહે છે કે આપણે તેમની ભક્તિ કોઈ ઢોંગ વગર કરીએ. જ્યારે ઈસ્રાએલ તો નકામા ફળનો ‘ફાલેલો દ્રાક્ષાવેલો’ બની ગયું હતું. ઈસ્રાએલી લોકોએ જૂઠા દેવ-દેવીઓની ભક્તિ કરવા “વેદીઓ વધારી” હતી. અરે, આ લોકોએ તો ધર્મને નામે પોતાની વાસના સંતોષવા થાંભલા ઊભા કર્યા હતા. યહોવાહ એ વેદીઓ, એ થાંભલાનું નામનિશાન મિટાવી દેવાના હતા.—હોશીઆ ૧૦:૧, ૨.
૬. યહોવાહના માર્ગમાં ચાલવા આપણે કેવા ન હોવા જોઈએ?
૬ યહોવાહના ભક્તોમાં ઢોંગ હોવો જ ન જોઈએ. તોપણ ઈસ્રાએલી લોકો કેવા બની ગયા હતા? “તેઓનું હૃદય ઠગારૂં” બન્યું હતું. એક વખતે તેઓએ ફક્ત યહોવાહની જ ભક્તિ કરવાનો કરાર કર્યો હતો. પછી યહોવાહે જોયું કે તેઓ ઢોંગી બની ગયા હતા. આમાંથી આપણે શું શીખી શકીએ? એક વાર આપણે યહોવાહને ભજવાનો એકરાર કરીએ, પછી ઢોંગી ન બનીએ. નીતિવચનો ૩:૩૨ ચેતવણી આપે છે કે “આડા [ઢોંગી] માણસોથી યહોવાહ કંટાળે છે; પણ પ્રામાણિક જનો તેનો મર્મ સમજે છે.” યહોવાહના માર્ગે ચાલવા, આપણે “શુદ્ધ હૃદયથી તથા સારા અંતઃકરણથી તથા ઢોંગ વગરના વિશ્વાસથી પ્રીતિ રાખવી” જોઈએ.—૧ તીમોથી ૧:૫.
યહોવાહ પોતાના લોકો પર અતૂટ પ્રેમ વરસાવે છે
૭, ૮. (ક) યહોવાહનો પ્રેમ મેળવવા આપણે શું કરવું જોઈએ? (ખ) આપણે કોઈ પાપ કર્યું હોય તો શું કરવું જોઈએ?
૭ યહોવાહની ભક્તિ ઢોંગ વગર અને સચ્ચાઈથી કરીશું તો, આપણને યહોવાહનો અતૂટ પ્રેમ મળશે. આડે રસ્તે ચડી ગયેલા ઈસ્રાએલી લોકોને કહેવામાં આવ્યું કે “પોતાને સારૂ નેકી વાવો, ને તેના પરિણામમાં કૃપા લણશો; તમારી પડતર જમીન ચાસી નાખો; કેમ કે તે આવીને તમારા પર નેકી વરસાવે ત્યાં સુધી યહોવાહને શોધવાનો વખત છે.”—હોશીઆ ૧૦:૧૨.
૮ ઈસ્રાએલી લોકો પસ્તાવો કરીને, યહોવાહ પાસે પાછા જાય તો કેવું સારું! ત્યારે તો યહોવાહ ખુશીથી તેઓને “નેકી” શીખવશે, સચ્ચાઈ શીખવશે. આપણે કોઈ પાપ કરી બેસીએ તો શું કરવું જોઈએ? યહોવાહની મદદ માગીએ. પ્રાર્થના કરીને માફી માગીએ. ફરીથી યહોવાહ સાથેનો નાતો બાંધવા વડીલોની મદદ લઈએ. (યાકૂબ ૫:૧૩-૧૬) આપણે યહોવાહની શક્તિ કે પવિત્ર આત્મા પણ માગીએ. બાઇબલ કહે છે કે ‘જો તે માનવી સ્વભાવ પ્રમાણે વાવે, તો તે વિનાશ લણશે. પણ જો તે પવિત્ર આત્મા પ્રમાણે વાવે, તો તેમાંથી તે પવિત્ર આત્માથી હંમેશ માટેનું જીવન લણશે.’ (ગલાતી ૬:૮, કોમન લેંગ્વેજ) જો ‘પવિત્ર આત્મા પ્રમાણે વાવીશું,’ તો આપણા પર યહોવાહનો પ્રેમ વરસતો રહેશે.
૯, ૧૦. હોશીઆ ૧૧:૧-૪ ઈસ્રાએલને કઈ રીતે લાગુ પડે છે?
૯ આપણે પૂરો ભરોસો રાખીએ કે યહોવાહ પોતાના ભક્તો પર પ્રેમ રાખે જ છે. હોશીઆ ૧૧:૧-૪ એની સાબિતી આપે છે: “ઈસ્રાએલ બાળક હતો ત્યારે હું તેના પર પ્રીતિ રાખતો હતો, ને મારા પુત્રને મેં મિસરમાંથી બોલાવ્યો. . . . તેઓએ બઆલીમને બલિદાન આપ્યાં, ને ઘડેલી મૂર્તિઓની આગળ ધૂપ બાળ્યો. તોપણ મેં એફ્રાઈમને [ઈસ્રાએલને] ચાલતાં શીખવ્યો; મેં તેઓને બાથમાં લીધા; મેં તેઓને સાજા કર્યા, પણ તેઓએ તે ધ્યાનમાં લીધું નહિ. મેં તેઓને માનવી બંધનોથી, પ્રીતિની દોરીઓથી ખેંચ્યા; હું તેમના પ્રત્યે તેમની ગરદન પરથી ઝૂંસરી ઉઠાવી લેનારના જેવો હતો, ને મેં તેઓની આગળ ખાવાનું મૂક્યું.”
૧૦ અહીં ઈસ્રાએલ જાણે નાનું બાળક છે. યહોવાહે જાણે ઈસ્રાએલનો હાથ પકડીને ચાલતા શીખવ્યું. યહોવાહ જાણે તેઓને ‘પ્રીતિની દોરીથી’ દોરતા રહ્યા. આ સુંદર દૃશ્યની કલ્પના કરો. તમે તમારા બાળકને પા પા પગલી માંડતા શીખવો છો. તમે એનો હાથ પકડીને તેને ચાલતા શીખવો છો. ઈસ્રાએલના જમાનામાં ઘણાં માબાપ એવી દોરી વાપરતા, જે પકડીને બાળક ચાલતા શીખતું. યહોવાહને પણ આપણા પર એવો જ પ્રેમ છે. તે જાણે કે આપણને ‘પ્રીતિની દોરીથી’ દોરી રહ્યા છે.
૧૧. યહોવાહ કઈ રીતે ‘ઝૂંસરી ઉઠાવી લેનાર’ બન્યા?
૧૧ યહોવાહે ઈસ્રાએલ સાથે એવો વર્તાવ કર્યો કે જાણે પોતે ‘તેઓની ગરદન પરથી ઝૂંસરી ઉઠાવી લઈને તેઓની આગળ ખાવાનું મૂક્યું.’ યહોવાહ એટલા પ્રેમથી વર્ત્યા કે જાણે જાનવર ખાય શકે એ માટે એની ગરદન પરથી ઝૂંસરીનો ભાર ઉતારી લીધો. જ્યારે ઈસ્રાએલે યહોવાહનું કહેવું માન્યું નહિ, ત્યારે જ તેઓએ દુશ્મનોના જુલમની ઝૂંસરીનો ભાર ઊંચકવો પડ્યો. (પુનર્નિયમ ૨૮:૪૫, ૪૮; યિર્મેયાહ ૨૮:૧૪) ચાલો આપણે કદી પણ કટ્ટર દુશ્મન શેતાનના હાથમાં પડીએ નહિ, જેથી તેની જુલમી ઝૂંસરી ઉપાડવી ન પડે. એના બદલે ચાલો આપણે યહોવાહના પ્રેમમાં તેમની સાથે ચાલતા રહીએ.
હંમેશાં યહોવાહમાં જ આશા રાખીએ
૧૨. હોશીઆ ૧૨:૭ પ્રમાણે યહોવાહના માર્ગમાં ચાલવા આપણે શું કરવું જોઈએ?
૧૨ યહોવાહના માર્ગે ચાલવા માટે આપણે હંમેશાં તેમનામાં આશા રાખીએ. ઈસ્રાએલી લોકોને કહેવામાં આવ્યું હતું કે “તમે તમારા ઈશ્વર તરફ પાછા ફરો, અને પ્રેમને અને ન્યાયને વળગી રહો, અને સતત તમારા ઈશ્વરની આશાએ જીવો.” (હોશિયા ૧૨:૭, સંપૂર્ણ) ઈસ્રાએલીઓ સાચો પસ્તાવો કઈ રીતે બતાવી શક્યા હોત? પ્રેમ, ન્યાયથી વર્તીને અને હંમેશાં ‘ઈશ્વરની આશાએ જીવીને.’ ભલેને યહોવાહના માર્ગમાં ઘણાં વર્ષોથી ચાલતા હોઈએ, છતાંયે આપણે પ્રેમ અને સચ્ચાઈથી ચાલીએ. હંમેશાં યહોવાહની આશાએ જીવીએ.—ગીતશાસ્ત્ર ૨૭:૧૪.
૧૩, ૧૪. પાઊલે હોશીઆ ૧૩:૧૪ કેવી રીતે લાગુ પાડી? એ આપણને યહોવાહની આશાએ જીવવા કઈ રીતે મદદ કરે છે?
૧૩ ઈસ્રાએલીઓ વિષે હોશીઆની ભવિષ્યવાણી આપણને ઈશ્વરમાં ભરોસો રાખવા ખાસ મદદ કરે છે. યહોવાહે કહ્યું હતું કે “હું મૂલ્ય આપીને તેઓને શેઓલના હાથમાંથી છોડાવી લઈશ; હું તેઓને મોતના પંજામાંથી છોડાવીશ; અરે મૃત્યુ, તારી પીડા ક્યાં છે? અરે શેઓલ, તારો વિનાશ ક્યાં છે?” (હોશીઆ ૧૩:૧૪) એ સમયે યહોવાહ ઈસ્રાએલી લોકોને મોતના પંજામાંથી છોડાવી લેવાના ન હતા. પણ એવો સમય આવશે જ્યારે તે મોતને હંમેશ માટે દફનાવી દેશે.
૧૪ પાઊલે પણ અભિષિક્ત ભાઈ-બહેનોને લખતી વખતે, હોશીઆના એ જ શબ્દો જણાવ્યા: “જ્યારે આ વિનાશી અવિનાશીપણું ધારણ કરશે, અને આ મર્ત્ય અમરપણું ધારણ કરશે, ત્યારે ‘મરણ જયમાં ગરક થઈ ગયું છે’ એ લખેલી વાત પૂર્ણ થશે. અરે મરણ, તારો જય ક્યાં? અરે મરણ, તારો ડંખ ક્યાં? મરણનો ડંખ તો પાપ છે; અને પાપનું સામર્થ્ય નિયમશાસ્ત્ર છે; પણ દેવ જે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા આપણને જય આપે છે, તેને ધન્યવાદ હો.” (૧ કોરીંથી ૧૫:૫૪-૫૭) યહોવાહે ઈસુને મોતની ઊંઘમાંથી પાછા ઉઠાડ્યા. યહોવાહે આપણને એ દિલાસો આપ્યો, ગેરંટી આપી કે ગુજરી ગયેલાને તે ચોક્કસ ઉઠાડશે. (યોહાન ૫:૨૮, ૨૯) યહોવાહની આશાએ જીવવાનો કેવો મોટો આશીર્વાદ! એ આશા સિવાય, બીજું શું છે જે આપણને યહોવાહના માર્ગે ચાલવા મદદ કરશે?
યહોવાહના માર્ગો હંમેશાં ન્યાયી છે
૧૫, ૧૬. સમરૂન વિષે અગાઉથી શું કહેવામાં આવ્યું હતું? એ કેવી રીતે પૂરું થયું?
૧૫ “યહોવાહના માર્ગો ન્યાયી છે,” એવી શ્રદ્ધા આપણને તેમના માર્ગોમાં ચાલવા મદદ કરે છે. સમરૂનના લોકો યહોવાહના ન્યાયી માર્ગોમાં ચાલ્યા નહિ. એટલે તેઓએ પોતાનાં પાપો માટે અને યહોવાહમાં શ્રદ્ધા ન રાખી એ માટે કિંમત ચૂકવવી પડશે. તેઓનું ભાવિ કેવું હતું? “સમરૂનને પોતાના દોષનું ફળ વેઠવું પડશે; કેમ કે તેણે પોતાના દેવની વિરૂદ્ધ બંડ કર્યું છે; તેઓ તરવારથી માર્યા જશે; તેઓનાં બાળકોને પછાડીને ટુકડેટુકડા કરવામાં આવશે, ને તેમની ગર્ભવતી સ્ત્રીઓને ચીરી નાખવામાં આવશે.” (હોશીઆ ૧૩:૧૬) ઇતિહાસ બતાવે છે કે સમરૂનને જીતી લેનાર આશ્શૂરીઓ એમ કરવામાં પાછા ન પડે, એવા કઠણ કાળજાના હતા.
૧૬ સમરૂન તો ઈસ્રાએલના દસ કુળના રાજ્યનું મુખ્ય શહેર હતું. અહીં સમરૂન નામથી એ આખા રાજ્યની વાત થતી હોય શકે. (૧ રાજાઓ ૨૧:૧) ઈ.સ. પૂર્વે ૭૪૨માં આશ્શૂરી રાજા શાલ્માનેસેર પાંચમાએ સમરૂન શહેરને ઘેરો ઘાલ્યો. આખરે ઈ.સ. પૂર્વે ૭૪૦માં સમરૂન હારી ગયું. એના મોટા મોટા લોકોને મેસોપોટેમિયા અને માદીઓના શહેરોમાં કેદ કરવામાં આવ્યા. શાલ્માનેસેર પાંચમાએ કે એના પછી આવનાર સાર્ગોન બીજાએ સમરૂન જીતી લીધું, એ ચોક્કસ નથી. (૨ રાજાઓ ૧૭:૧-૬, ૨૨, ૨૩; ૧૮:૯-૧૨) તોપણ, સાર્ગોનની માહિતી પ્રમાણે ૨૭,૨૯૦ ઈસ્રાએલી લોકોને યુફ્રેટિસ પાસેના અને માદીના શહેરોમાં કેદ કરવામાં આવ્યા હતા.
૧૭. યહોવાહના નીતિ-નિયમોનું અપમાન કરવાને બદલે આપણે શું કરવું જોઈએ?
૧૭ સમરૂનના લોકો યહોવાહના સચ્ચાઈના માર્ગે ન ચાલ્યા. એના કારણે તેઓ પર આફતો આવી પડી. જો આપણે યહોવાહના કહેવા પ્રમાણે ન ચાલીએ, જાણી જોઈને ખોટું કરતા રહીએ, તો આપણી પણ એવી જ હાલત થવાની. આપણે એવા ખોટા રસ્તે કદી પણ ન ચડી જઈએ. એના બદલે આપણે ઈશ્વર ભક્ત પીતરની આ સલાહ માનીએ: “ખૂની, દુષ્કર્મી, ચોર, અથવા બીજા માણસોના કામમાં ઘાલમેલ કરનાર તરીકે તમારામાંના કોઈને શિક્ષા ન થાય; પણ ખ્રિસ્તી હોવાને લીધે જો કોઈને સહેવું પડે છે, તો તેથી શરમાય નહિ; પણ તે નામમાં તે દેવની સ્તુતિ કરે.”—૧ પીતર ૪:૧૫, ૧૬.
૧૮. આપણે કઈ રીતે ‘યહોવાહની સ્તુતિ’ કરતા રહી શકીએ?
૧૮ આપણે મન ફાવે એમ જીવવાને બદલે, યહોવાહના સચ્ચાઈના માર્ગમાં જ ચાલીએ. આ રીતે આપણે ‘તેમની સ્તુતિ’ કરતા રહીશું. કાઈને સગા ભાઈનું ખૂન કર્યું. એના પહેલાં યહોવાહે તેને ચેતવણી આપી હતી કે પાપ તારે બારણે આવીને ઊભું છે. તોપણ તેણે સાંભળ્યું નહિ. (ઉત્પત્તિ ૪:૧-૮) બલઆમે ઈસ્રાએલને શાપ આપવા, મોઆબના રાજા પાસેથી પૈસા સ્વીકાર્યા. પણ તે સફળ થયો નહિ. (ગણના ૨૪:૧૦) લેવી કોરાહ અને બીજાઓ મુસા અને હારુનની સામે થયા. યહોવાહે એ લોકોને મોતને ઘાટ ઉતાર્યા. (ગણના ૧૬:૧-૩, ૩૧-૩૩) આપણામાંથી કોઈને ખૂની “કાઈનને માર્ગે” જવું નથી. ‘બલઆમની ભૂલ’ કરવા દોડી જવું નથી. “કોરાહના બંડમાં” માર્યા જવું નથી. (યહુદા ૧૧) પરંતુ, જો એવી કોઈ ભૂલ કરી બેસીએ, તો હોશીઆની ભવિષ્યવાણી આપણને દિલાસો આપે છે.
પાપીઓ ફરીથી યહોવાહને ભજી શકે
૧૯, ૨૦. ઈસ્રાએલી લોકો પસ્તાવો કરીને, યહોવાહને કેવાં અર્પણો ચડાવી શક્યાં?
૧૯ ઘોર પાપ કરનારા પણ યહોવાહને ફરીથી ભજી શકે છે. હોશીઆ ૧૪:૧, ૨માં આ વિનંતી કરવામાં આવી: “હે ઈસ્રાએલ, તારા દેવ યહોવાહની પાસે પાછો આવ; કેમ કે તું તારા અન્યાયને લીધે પડી ગયો છે. તમારી સાથે શબ્દો લઈને યહોવાહની પાસે પાછા આવો; તેને વિનંતી કરો, કે સર્વ પાપ નિવારણ [માફ] કર, અને જે સારૂં છે તેનો અંગીકાર કર; એમ અમે ગોધાની પેઠે [આખલાના અર્પણની જેમ] અમારા હોઠોનું અર્પણ ચઢાવીશું.”
૨૦ ઈસ્રાએલી લોકો પસ્તાવો કરીને તેઓના ‘આખલાના અર્પણની પેઠે હોઠોનાં અર્પણ’ ચઢાવી શક્યાં. એ અર્પણો દિલથી કરેલી ભક્તિનાં હતાં. ઈશ્વરભક્ત પાઊલે આ વિષે જણાવીને, ભાઈ-બહેનોને અરજ કરી કે “દેવને સ્તુતિરૂપ યજ્ઞ, એટલે તેનું નામ કબૂલ કરનારા હોઠોના ફળનું અર્પણ” કરો. (હેબ્રી ૧૩:૧૫) યહોવાહના માર્ગમાં ચાલવાનો આવો આશીર્વાદ અને આવાં અર્પણો આપવાનું માન આજે કોને મળે!
૨૧, ૨૨. પસ્તાવો કરનારા ઈસ્રાએલી લોકોને કેવા આશીર્વાદ મળ્યા?
૨૧ જે ઈસ્રાએલી લોકોએ ખોટો માર્ગ છોડી દીધો અને યહોવાહના માર્ગે પાછા ફર્યા, તેઓએ જાણે ‘આખલાના અર્પણની જેમ તેઓના હોઠોનું અર્પણ ચઢાવ્યું.’ યહોવાહે વચન આપ્યું હતું એમ જ, ફરીથી યહોવાહ સાથેનો તેઓનો પાક્કો નાતો બંધાયો. હોશીઆ ૧૪:૪-૭માં યહોવાહ કહે છે કે ‘તેઓના પાછા હઠવાથી તેઓ પર જે આપત્તિ આવી છે તેથી હું તેમને મુક્ત કરીશ, હું ઉદાર રીતે તેમના પર પ્રીતિ રાખીશ; કેમ કે મારો ક્રોધ તેમના પરથી ઊતર્યો છે. હું ઈસ્રાએલના હકમાં ઝાકળરૂપ થઈશ; તે કમળની પેઠે ખીલશે, ને લબાનોનની પેઠે પોતાનાં મૂળ ઊંડાં નાખશે. તેની ડાળીઓ ફેલાઈ જશે, તેની શોભા જૈતવૃક્ષના જેવી, ને તેની મહેક લબાનોનના જેવી થશે. તેની છાયા નીચે રહેનારા પાછા આવશે; તેઓ અનાજની પેઠે સજીવન થશે, ને દ્રાક્ષાવેલાની પેઠે ખીલશે; તેઓની મહેક લબાનોનના દ્રાક્ષારસ જેવી થશે.’
૨૨ પસ્તાવો કરનારા ઈસ્રાએલી લોકો ફરીથી યહોવાહની કૃપા પામ્યા, તેમનો પ્રેમ મેળવ્યો. યહોવાહ જાણે કે તેઓને તાજગી આપનાર ઝાકળ જેવા બન્યા, ઘણો આશીર્વાદ આપ્યો. તેઓની “શોભા જૈતવૃક્ષના જેવી” થઈ, તેઓ યહોવાહના માર્ગમાં ચાલ્યા. આપણે પણ યહોવાહના માર્ગમાં જ ચાલવા ચાહીએ છીએ, એટલે આપણે શું કરવું જોઈએ?
ન્યાયના માર્ગમાં ચાલતા રહો
૨૩, ૨૪. હોશીઆની છેલ્લી કલમ કયું ઉત્તેજન આપે છે? આપણે એ વિષે શું કરી શકીએ?
૨૩ જો યહોવાહના માર્ગમાં ચાલતા રહેવું હોય, તો આપણે “જે જ્ઞાન ઉપરથી છે” એ પ્રમાણે જીવવું જોઈએ. હંમેશાં યહોવાહના સચ્ચાઈના માર્ગે ચાલવું જોઈએ. (યાકૂબ ૩:૧૭, ૧૮) હોશીઆની છેલ્લી કડી આમ કહે છે: “કોણ જ્ઞાની હશે, કે તે આ વાતો સમજે? કોણ અક્કલવાન હશે, કે તેને એ બાબતનું જ્ઞાન થાય? કેમ કે યહોવાહના માર્ગો ન્યાયી છે, ને નેક માણસો તે માર્ગે ચાલશે; પણ પાપી માણસો તેમાં ઠોકર ખાશે.”—હોશીઆ ૧૪:૯.
૨૪ આ દુનિયાનું જ્ઞાન, સમજણ, નીતિ-નિયમોથી ચાલવાને બદલે, આપણે યહોવાહના સચ્ચાઈને માર્ગે ચાલવાની મનમાં ગાંઠ વાળીએ. (પુનર્નિયમ ૩૨:૪) હોશીઆએ લગભગ ૫૯ વર્ષો એમ જ કર્યું. તેમણે પૂરી શ્રદ્ધાથી યહોવાહનો સંદેશો જણાવ્યો. એ ભરોસાથી કે સમજુ લોકો ચોક્કસ સાંભળશે. આપણા વિષે શું? યહોવાહ આપણને પ્રચાર કરવાનું કહે ત્યાં સુધી, આપણે કરતા જ રહીશું. યહોવાહની કૃપા સ્વીકારે, એવા લોકોને શોધતા રહીશું. “વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર” સાથે એ કામ કરવા આપણે બહુ જ રાજી છીએ.—માત્થી ૨૪:૪૫-૪૭.
૨૫. આપણે હોશીઆની ભવિષ્યવાણીનો વિચાર કરી ગયા, એમાંથી કઈ મદદ મળશે?
૨૫ હોશીઆની ભવિષ્યવાણી આપણને યહોવાહના માર્ગમાં ચાલતા રહેવા મદદ કરશે. હમણાં જ નહિ, પણ કાયમ માટે મદદ કરી શકે. એનું કારણ એ કે આપણે યહોવાહની નવી દુનિયામાં હંમેશ માટે જીવી શકીએ છીએ. (૨ પીતર ૩:૧૩; યહુદા ૨૦, ૨૧) કેવી સરસ આશા! આપણી એ આશા હકીકતમાં બદલાઈ જશે! ક્યારે? જ્યારે આપણું જીવન બતાવી આપે કે આપણે પૂરા દિલથી માનીએ છીએ કે “યહોવાહના માર્ગો ન્યાયી છે.”
તમે શું કહેશો?
• આપણે સચ્ચાઈથી યહોવાહની ભક્તિ કરીશું તો, તે આપણી સાથે કેવો વહેવાર રાખશે?
• આપણે કેમ હંમેશાં યહોવાહની આશાએ જીવવું જોઈએ?
• તમે કેમ માનો છો કે યહોવાહના માર્ગો ન્યાયી છે?
• આપણે કઈ રીતે યહોવાહના ન્યાયી માર્ગે ચાલતા રહી શકીએ?
[અભ્યાસ પ્રશ્નો]
[પાન ૨૮ પર ચિત્ર]
યહોવાહના માર્ગે ચાલવા વડીલોની મદદ લો
[પાન ૨૯ પર ચિત્ર]
ગુજરી ગયેલા સજીવન થશે, યહોવાહના એવાં વચનમાં આશા રાખવા હોશીઆનું પુસ્તક મદદ કરે છે
[પાન ૩૧ પર ચિત્રો]
હંમેશ માટે જીવો અને યહોવાહના માર્ગમાં ચાલતા રહો