સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવાહ સાથે ચાલો, આશીર્વાદ મેળવો

યહોવાહ સાથે ચાલો, આશીર્વાદ મેળવો

યહોવાહ સાથે ચાલો, આશીર્વાદ મેળવો

“તેઓ પવન વાવે છે, ને તેઓ વંટોળિયો લણશે.”—હોશીઆ ૮:૭.

૧. આપણે યહોવાહ સાથે કેવી રીતે ચાલી શકીએ?

 આપણે કોઈ જોખમી સફરે ગયા હોઈએ. જો કોઈ અનુભવી ગાઈડ મળી જાય, તો કોઈ જ બીક નહિ. એકલા એકલા નીકળી પડવાને બદલે, એવા ગાઈડ સાથે ચાલવાથી આપણું જ ભલું થશે. આજે આપણે એવા જ સંજોગોમાં છીએ. આપણે જાણે આ દુષ્ટ જગતના રણમાં સફર કરીએ છીએ. યહોવાહ આપણા ગાઈડ બનવા તૈયાર છે. આપણે એકલા એકલા નીકળી પડવાને બદલે, તેમની સાથે ચાલીએ. એમાં આપણું જ ભલું છે. પરંતુ, સવાલ થાય કે આપણે કેવી રીતે ઈશ્વર સાથે ચાલી શકીએ? યહોવાહ ઈશ્વરે બાઇબલમાં આપેલી સલાહ પ્રમાણે જીવીને, આપણે તેમની સાથે ચાલી શકીએ.

૨. આ લેખમાં આપણે શાની ચર્ચા કરીશું?

ગયા લેખમાં આપણે હોશીઆ એકથી પાંચ અધ્યાયો જોઈ ગયા. એમાં આપણે એક સાચા બનાવ પરથી ઘણું શીખ્યા. આપણે જોઈ ગયા તેમ, એનાથી આપણને યહોવાહ સાથે ચાલવા ઘણી મદદ મળી શકે. ચાલો હવે હોશીઆના ૬થી ૯ અધ્યાયોના અમુક મુખ્ય વિચારોની ચર્ચા કરીએ. પહેલા તો જોઈએ કે એ ચાર અધ્યાયો શાના વિષે છે.

ટૂંકમાં મુખ્ય વિચારો

૩. હોશીઆના ૬થી ૯ અધ્યાયો વિષે ટૂંકમાં જણાવો.

યહોવાહ હોશીઆને સંદેશો આપવા મોકલે છે. ખાસ તો ઈસ્રાએલના દસ કુળના ઉત્તરના રાજ્ય માટે એ સંદેશો હતો. એ રાજ્ય એફ્રાઈમ તરીકે પણ જાણીતું હતું, કેમ કે એફ્રાઈમ મુખ્ય કુળ હતું. એ રાજ્યના લોકોએ યહોવાહને માર્ગે ચાલવાનું છોડી દીધું હતું. હોશીઆના ૬થી ૯ અધ્યાયો બતાવે છે કે લોકોએ યહોવાહ સાથેનો કરાર તોડ્યો હતો. બેવફા બન્યા હતા. ખોટાં કામોમાં ડૂબી ગયા હતા. (હોશીઆ ૬:૭) તેઓએ યહોવાહમાં ભરોસો મૂકવાને બદલે દુનિયાના રાજાઓમાં ભરોસો મૂક્યો હતો. તેઓએ જે ખરાબ હતું, એ વાવ્યું. તો પછી એનાં ફળ પણ ખરાબ જ આવવાનાં. એટલે કે યહોવાહ તરફથી ભારે સજા આવી રહી હતી. હોશીઆની ભવિષ્યવાણીમાં દિલને ઠંડક આપતો સંદેશ પણ છે. લોકોને એવી ખાતરી પણ આપવામાં આવી કે જો તેઓ દિલથી પસ્તાવો કરે, યહોવાહ પાસે પાછા આવે, તો તે તેઓને ચોક્કસ દયા બતાવશે.

૪. હોશીઆમાંથી આપણે હવે શાનો વિચાર કરીશું?

હોશીઆના આ ચાર અધ્યાયોમાંથી આપણને યહોવાહ સાથે ચાલવા હજુ વધારે મદદ મળી શકે છે. ચાલો આપણે ચાર બાબતોનો વિચાર કરીએ: (૧) સાચો પસ્તાવો ફક્ત શબ્દોથી નહિ, કામોથી દેખાઈ આવે છે; (૨) કશાનો ભોગ આપીને કે કંઈક જતું કરીને જ યહોવાહને જીતી શકાતા નથી; (૩) યહોવાહના ભક્તો તેમને છોડી દે છે ત્યારે તેમને ખૂબ દુઃખ થાય છે; (૪) જો સારું વાવીશું તો સારું લણીશું.

સાચો પસ્તાવો કઈ રીતે દેખાય છે

૫. હોશીઆ ૬:૧-૩માં કયા મુખ્ય વિચારો છે?

હોશીઆની ભવિષ્યવાણી આપણને પસ્તાવો કરવા વિષે અને દયા વિષે ઘણું શીખવે છે. હોશીઆ ૬:૧-૩માં આપણે વાંચીએ છીએ: “ચાલો, આપણે યહોવાહની પાસે પાછા જઈએ; કેમ કે તેણે ચીરી નાખ્યા છે, ને તે જ આપણને સાજા કરશે; તેણે જખમ કર્યો છે, ને તે આપણને પાટો બાંધશે. બે દિવસ પછી તે આપણને સચેત કરશે; ત્રીજે દિવસે તે આપણને ઉઠાડશે, ને આપણે તેની આગળ જીવીશું. આપણે જ્ઞાન પ્રાપ્ત કરીએ, યહોવાહનું જ્ઞાન પ્રાપ્ત કરવાને ખંતથી મહેનત કરીએ; તેની પધરામણી પ્રાતઃકાળની [સૂર્યોદયની] પેઠે ખાતરીપૂર્વક છે; તે વરસાદની પેઠે, પૃથ્વીને સિંચનાર પાછલા વરસાદની પેઠે, આપણી પાસે આવશે.”

૬-૮. ઈસ્રાએલી લોકોના પસ્તાવામાં શું ખોટ હતી?

એ કલમોના શબ્દો કોણ બોલ્યું હતું? કોઈ કહે છે કે એ બેવફા ઈસ્રાએલી લોકો બોલ્યા હતા. એ બેવફા લોકો પસ્તાવાનો ઢોંગ કરીને, ઈશ્વરની કૃપાનો લાભ ઉઠાવવા ચાહતા હતા. જ્યારે કે કોઈ એમ પણ કહે છે કે એ શબ્દો હોશીઆના છે. હોશીઆ લોકોને કાલાવાલા કરે છે કે યહોવાહ પાસે પાછા ફરો. ભલે ગમે તે એ શબ્દો બોલ્યું હોય, પણ એક સવાલ મહત્ત્વનો છે: શું દસ કુળનું ઈસ્રાએલ રાજ્ય યહોવાહ પાસે પાછું ફરે છે, સાચો પસ્તાવો કરે છે? ના! યહોવાહે હોશીઆ દ્વારા સંદેશો મોકલ્યો કે “હે એફ્રાઈમ, હું તને શું કરૂં? હે યહુદાહ, હું તને શું કરૂં? કેમ કે તમારી ભલાઈ સવારના વાદળના જેવી, ને જલદીથી ઊડી જનાર ઝાકળના જેવી છે.” (હોશીઆ ૬:૪) એ શબ્દો ખરેખર બતાવે છે કે યહોવાહના લોકો કેવી ભક્તિ કરતા હતા! જેમ સૂરજ ઊગતા જ ઝાકળ ઊડી જાય, એમ ભલાઈ અને પ્રેમનું તો નામનિશાન રહ્યું ન હતું. ખરું કે લોકોએ પસ્તાવો કરવાનો ઢોંગ કર્યો, પણ યહોવાહને તેઓ પર દયા આવી નહિ. કેમ નહિ?

ઈસ્રાએલના લોકો દિલથી પસ્તાવો કરતા ન હતા. હોશીઆ ૭:૧૪ જણાવે છે કે યહોવાહ કેટલા નારાજ હતા: “તેઓએ પોતાના અંતઃકરણથી [દિલથી] મને હાંક મારી નથી, પણ તેઓ પોતાના બિછાનામાં સૂતા સૂતા બૂમરાણ કરે છે.” કલમ ૧૬ ઉમેરે છે કે ‘તેઓ મહાન ઈશ્વર તરફ, જોવાને બદલે આમતેમ જુએ છે.’ ( IBSI) યહોવાહની ભક્તિ કરવા લોકોએ બદલાવું પડે, જેથી તેમની સાથે પાછો પાક્કો નાતો બાંધી શકે. એમ કરવાનું તેઓને જરાય મન ન હતું. આમ જોઈએ તો, તેઓને યહોવાહના માર્ગમાં ચાલવું જ ન હતું.

ઈસ્રાએલના પસ્તાવામાં એક બીજી ખોટ હતી. તેઓએ પાપ કરવાનું બંધ કર્યું ન હતું. કપટ, ખૂન, ચોરી, મૂર્તિપૂજા, બીજા દેશોના રાજાઓ સાથે દોસ્તી જેવા એક એકથી ચડિયાતાં પાપ કર્યે જ જતા હતા. હોશીઆ ૭:૪માં એ લોકોને “ભઠિયારાએ તપાવેલી ભઠ્ઠી” જેવા કહેવામાં આવે છે. એનું કારણ એ કે તેઓમાં ખોટા ઇરાદા જાણે સળગતા જ હોય છે. લોકો જ્યારે આટલે સુધી બગડી ગયા હોય, ત્યારે શું તેઓને દયા બતાવવી જોઈએ? ના! હોશીઆ એ હઠીલા લોકોને જણાવે છે કે યહોવાહ તેઓના અપરાધો, “દુરાચરણનું સ્મરણ” કરશે. “તે તેઓનાં પાપની શિક્ષા કરશે.” (હોશીઆ ૯:૯) તેઓને જરાય દયા બતાવશે નહિ!

૯. હોશીઆ શબ્દો આપણને પસ્તાવો અને દયા વિષે શું શીખવે છે?

હોશીઆના શબ્દોમાંથી પસ્તાવો અને દયા વિષે આપણે શું શીખી શકીએ છીએ? બેવફા ઈસ્રાએલી લોકોનો દાખલો શીખવે છે કે યહોવાહની દયા પામવા, દિલથી પસ્તાવો કરવો જોઈએ. એવો પસ્તાવો કેવી રીતે કરી શકાય? આંસુ સારવાથી કે મીઠા મીઠા શબ્દોથી યહોવાહ છેતરાઈ જતા નથી. સાચો પસ્તાવો કામો પરથી દેખાઈ આવશે. યહોવાહની દયા પામવી હોય, તો આપણે દરેક ખોટાં કામ છોડી દેવા જોઈએ. યહોવાહના કહેવા પ્રમાણે જીવવું જોઈએ. એ જ પ્રમાણે તેમની ભક્તિ કરવી જોઈએ.

ફક્ત અર્પણથી યહોવાહ રાજી થતા નથી

૧૦, ૧૧. યહોવાહનું દિલ ફક્ત અર્પણોથી જીતી શકાતું નથી, એમ ઈસ્રાએલનો દાખલો કેવી રીતે બતાવે છે?

૧૦ યહોવાહના માર્ગમાં ચાલતા રહેવા બીજી કઈ બાબત મદદ કરી શકે? એ જ કે ફક્ત અર્પણોથી યહોવાહનું દિલ જીતી શકાતું નથી. હોશિયા ૬:૬ કહે છે કે “તારાં બલિદાનો નહિ, પણ તારો પ્રેમ હું [યહોવાહ] ચાહું છું. તારાં અર્પણો નહિ, પણ તું મને ઓળખે તેવું હું ઇચ્છું છું.” ( IBSI) યહોવાહ તો આપણો પ્રેમ, દિલથી કરેલી ભક્તિ ચાહે છે. લોકો તેમને ઓળખે એવું તે ચાહે છે. તોપણ કલમ પ્રમાણે, યહોવાહ કેમ “બલિદાનો” અને “અર્પણો” નથી ચાહતા? શું મુસાના નિયમ પ્રમાણે અર્પણો ચડાવવાનાં ન હતાં?

૧૧ હા, નિયમકરાર પ્રમાણે અર્પણો ચડાવવાનાં હતાં. પણ હોશીઆના જમાનાના લોકોની તકલીફ બીજી જ કંઈક હતી. એવા ઈસ્રાએલીઓ હતા, જેઓ ભક્તિનો દેખાડો કરીને, અર્પણો ચડાવતા હતા. એ જ સમયે, તેઓ એક પછી બીજાં પાપ કર્યે જતા હતા. એવાં કામોથી તેઓ બતાવી આપતા હતા કે તેઓના દિલમાં ઈશ્વર માટે પ્રેમનો છાંટોય ન હતો. તેઓ ઈશ્વરના જ્ઞાનને પણ ઠોકર મારતા હતા, કેમ કે તેઓ એ પ્રમાણે જીવતા ન હતા. જો લોકો દિલથી ભક્તિ કરતા ન હોય, યહોવાહના માર્ગે ચાલતા ન હોય, તો પછી તેઓનાં અર્પણ શું કામનાં? આમ જોઈએ તો, અર્પણો ચઢાવીને તેઓ યહોવાહનું અપમાન કરતા હતા.

૧૨. હોશીઆ ૬:૬માં આજે લોકો માટે કઈ ચેતવણી છે?

૧૨ હોશીઆના શબ્દો આજે ચર્ચમાં જનારા ઘણા લોકોને ચેતવણી આપે છે. તેઓ ઈશ્વરને ભજવા જાણે કે મનગમતા અર્પણો ચડાવે છે. શું તેઓના જીવન પર એની જરા પણ અસર પડે છે? શું તેઓ ખરેખર ઈશ્વરને ભજે છે, કેમ કે તેઓ ઈશ્વરનું સાચું જ્ઞાન તો લેતા નથી? એ જ્ઞાન પ્રમાણે જીવતા પણ નથી, કેમ કે તેઓ ખોટાં કામો છોડવા માંગતા નથી. કોઈએ પણ એમ ન માનવું કે ફક્ત ધર્મને નામે કંઈક કરવાથી ઈશ્વર રાજી થઈ જશે. જે લોકો ભક્તિનો દેખાડો તો બહુ કરે, પણ યહોવાહનું કહેવું માને નહિ, એવા લોકો તેમને જરાય પસંદ નથી.—૨ તીમોથી ૩:૫.

૧૩. આપણે કેવાં અર્પણો ચડાવીએ છીએ, પણ એના વિષે શું યાદ રાખવું જોઈએ?

૧૩ યહોવાહના ભક્તો ધ્યાનમાં રાખે છે કે ફક્ત અર્પણોથી યહોવાહનું દિલ જીતી શકાતું નથી. ખરું કે આજે આપણે પ્રાણીઓનાં બલિદાન ચડાવતાં નથી. તોયે આપણે “દેવને સ્તુતિરૂપ યજ્ઞ, એટલે તેનું નામ કબૂલ કરનારા હોઠોના ફળનું અર્પણ” ચડાવીએ છીએ. (હેબ્રી ૧૩:૧૫) હોશીઆના દિવસોના પાપી ઈસ્રાએલીઓ જેવા આપણે ન બનીએ. એવું કદીયે ન વિચારીએ કે કોઈ પાપ થાય તો યહોવાહની થોડી વધારે ભક્તિ કરી લઈએ. એનાથી બધું બરાબર થઈ જશે. એક યુવાન બહેનનો દાખલો લો. તેણે ચોરી-છૂપીથી વ્યભિચાર કર્યો. તેણે કબૂલ કર્યું કે “હું પ્રચારમાં વધારે જવા માંડી. મને લાગ્યું કે એનાથી કોઈક રીતે મારી ભૂલ સંતાડી શકીશ.” ખોટે માર્ગે ચડી ગયેલા ઈસ્રાએલી લોકો પણ એવું જ કરવા માગતા હતા. આપણાં અર્પણો યહોવાહનું દિલ ત્યારે જ જીતી શકે, જ્યારે એ દિલથી કરેલાં હોય, જ્યારે એ આપણાં કામોથી દેખાઈ આવતા હોય.

કોઈ ભક્ત યહોવાહને છોડી દે ત્યારે તે દુઃખી થાય છે

૧૪. હોશીઆની ભવિષ્યવાણી આપણને યહોવાહની લાગણીઓ વિષે શું શીખવે છે?

૧૪ હોશીઆના ૬થી ૯ અધ્યાયોમાં આપણે કઈ ત્રીજી બાબત શીખીએ છીએ? એ જ કે જ્યારે યહોવાહના ભક્તો તેમને છોડી દે, ત્યારે યહોવાહને કેવું લાગે છે. યહોવાહ કંઈ ઢીલા-પોચા નથી. તોપણ, તેમને જુદી જુદી લાગણીઓ છે. જ્યારે કોઈ પોતાનાં પાપોનો પસ્તાવો કરી પાછો ફરે, ત્યારે યહોવાહને ખૂબ જ ખુશી થાય છે. જ્યારે લોકો હઠીલા બને, ત્યારે યહોવાહ તેઓને સજા પણ કરે છે. જો કે યહોવાહ એમ જ ચાહે છે કે આપણું ભલું થાય. એટલે આપણે તેમના માર્ગે ચાલીએ ત્યારે, તેમના દિલને બહુ ખુશી થાય છે. ગીતશાસ્ત્ર ૧૪૯:૪ કહે છે કે “યહોવાહ પોતાના લોકથી રીઝે [રાજી થાય] છે.” જો પોતાના ભક્તો બેવફાઈ કરે, તો યહોવાહને કેવું લાગે છે?

૧૫. હોશીઆ ૬:૭ પ્રમાણે, અમુક ઈસ્રાએલી લોકોએ શું કર્યું?

૧૫ બેવફા ઈસ્રાએલી લોકો વિષે યહોવાહ કહે છે: “તેઓએ આદમની પેઠે કરારનું ઉલ્લંઘન કર્યું છે; તેમાં તેઓએ મારી વિરૂદ્ધ કપટ કર્યું છે.” (હોશીઆ ૬:૭) “કપટ કર્યું છે” ભાષાંતર થયેલા હેબ્રી શબ્દનો અર્થ “દગો કરવો, વિશ્વાસઘાત કરવો” પણ થાય છે. માલાખી ૨:૧૦-૧૬માં એ જ હેબ્રી શબ્દ વપરાયો છે. એમાં એવા ઈસ્રાએલી લોકોની બેવફાઈ બતાવાઈ છે, જેઓએ પોતાના જીવનસાથીને દગો દીધો હતો. કપટ કર્યું હતું. હોશીઆ ૬:૭માં વપરાયેલા એ હેબ્રી શબ્દ વિષે એક પુસ્તક આમ કહે છે: ‘એ લગ્‍નના પાક્કા નાતાને લગતો શબ્દ છે. એમાં બે વ્યક્તિ વચ્ચેની લાગણીનો સવાલ છે. આ એવો સંજોગ છે, જેમાં પ્રેમનું બંધન તૂટી જાય છે.’

૧૬, ૧૭. (ક) ઈસ્રાએલ પ્રજાએ યહોવાહ સાથે કરેલા કરારનું શું કર્યું? (ખ) આપણે જીવનમાં જે કંઈ કરીએ, એમાં શું યાદ રાખવું જોઈએ?

૧૬ યહોવાહે ઈસ્રાએલ પ્રજા સાથે કરાર કર્યો ત્યારે, જાણે એ પતિ-પત્ની જેવો સંબંધ બંધાયો. એટલે જ્યારે ઈસ્રાએલી પ્રજાએ કરાર તોડ્યો, ત્યારે જાણે તેઓ બેવફા બન્યા, વ્યભિચાર કર્યો. યહોવાહે પોતાના લોકોને છોડી ન દીધા, પણ લોકોએ ઈશ્વરને દગો દીધો!

૧૭ આપણા વિષે શું? યહોવાહ આપણી પણ ચિંતા કરે છે. આપણે તેમના માર્ગમાં ચાલીએ, એવું તે ચાહે છે. ભૂલીએ નહિ કે “દેવ પ્રેમ છે.” આપણે જે કંઈ કરીએ, એની તેમના દિલ પર અસર થાય છે. (૧ યોહાન ૪:૧૬) આપણે ખોટા માર્ગે ચડી જઈએ તો, યહોવાહને બહુ દુઃખ થાય છે. તે નારાજ થઈ જાય છે. આપણે એ કાયમ યાદ રાખીએ તો, ગમે એવી લાલચ સામે લડી શકીશું.

આપણે કઈ રીતે આશીર્વાદો મેળવી શકીએ?

૧૮, ૧૯. હોશીઆ ૮:૭માંથી આપણે કયો સિદ્ધાંત શીખીએ છીએ? ઈસ્રાએલી પ્રજાના કિસ્સામાં એ સિદ્ધાંત કઈ રીતે સાચો પડ્યો?

૧૮ હોશીઆની ભવિષ્યવાણી આ ચોથી બાબત શીખવે છે કે યહોવાહના આશીર્વાદો પામવા શું કરવું જોઈએ. ઈસ્રાએલી લોકોની મૂર્ખતા વિષે, તેઓની બેવફાઈ વિષે હોશીઆ લખે છે કે “તેઓ પવન વાવે છે, ને તેઓ વંટોળિયો લણશે.” (હોશીઆ ૮:૭) એમાંથી આપણે એક સિદ્ધાંત શીખીએ છીએ: આપણે હમણાં જે કંઈ કરીએ, એનાં ફળ પછી આપણે જ ભોગવવા પડશે. બેવફા ઈસ્રાએલીઓના કિસ્સામાં એ કઈ રીતે સાચું પડ્યું?

૧૯ એ ઈસ્રાએલી લોકો પાપ કરીને, જાણે જે ખોટું હતું એ વાવતા હતા. શું એના લીધે તેઓને કંઈ નહિ થાય? તેઓ સજામાંથી છટકી શકવાના ન હતા. હોશીઆ ૮:૧૩ જણાવે છે કે “તે [યહોવાહ] તેઓની દુષ્ટતાનું સ્મરણ કરીને તેમનાં પાપની શિક્ષા કરશે.” હોશીઆ ૯:૧૭માં આપણે વાંચીએ છીએ કે “મારો દેવ તેમને તરછોડી નાખશે, કેમ કે તેઓએ તેનું સાંભળ્યું નહિ; અને તેઓ વિદેશીઓમાં ભટકનારા થશે.” યહોવાહ ઈસ્રાએલીઓ પાસેથી તેઓનાં પાપોનો જવાબ માંગશે. તેઓએ જે ખરાબ છે એ વાવ્યું, તો તેઓ જે ખરાબ છે એ જ લણશે. યહોવાહે તેઓને ઈ.સ. પૂર્વે ૭૪૦માં સજા કરી. આશ્શૂરીઓએ ઈસ્રાએલના દસ કુળના રાજ્યને જીતી લીધું. એના લોકોને ગુલામ બનાવી લઈ ગયા.

૨૦. ઈસ્રાએલી લોકોનો અનુભવ આપણને શું શીખવે છે?

૨૦ એ ઈસ્રાએલી લોકોનો અનુભવ આ સનાતન સત્ય શીખવે છે: જેવું વાવો, તેવું લણો. બાઇબલ આપણને ચેતવણી આપે છે કે “ભૂલો મા; દેવની મશ્કરી કરાય નહિ: કોઈ માણસ જે કંઈ વાવે તે જ તે લણશે.” (ગલાતી ૬:૭) દાખલા તરીકે, જો કોઈ મન ફાવે એમ, જેની-તેની સાથે જાતીય સંબંધ બાંધે, તો તેને એનાં કડવાં ફળ ચોક્કસ ભોગવવા પડશે. તે પસ્તાવો કરીને સુધરે નહિ તો તેનું જીવન દુઃખી દુઃખી થઈ જશે.

૨૧. આપણે કઈ રીતે આશીર્વાદ પામી શકીએ?

૨૧ આપણે સુખી થવું હોય, આશીર્વાદ પામવા હોય તો શું કરીશું? એનો જવાબ આ દાખલો આપી શકે. કોઈ ખેડૂતને ઘઉં ઉગાડવા હોય તો, શું તે જવ વાવશે? ના! તેણે જે લણવું હોય, એ જ વાવવું પડે. એ જ પ્રમાણે, આપણે જે સારું છે એ પામવું હોય, તો સારું વાવવું પડે. શું તમને સારું પામવું છે, હમણાં સુખી થવું છે? શું તમને યહોવાહની નવી દુનિયામાં કાયમ માટે જીવવું છે? જો એમ હોય, તો યહોવાહના માર્ગે ચાલતા રહો. તેમણે આપેલા નીતિ-નિયમો પ્રમાણે જીવો.

૨૨. હોશીઆના ૬થી ૯ અધ્યાયોમાંથી આપણે શું શીખ્યા?

૨૨ હોશીઆના ૬થી ૯ અધ્યાયોમાં આપણે શું શીખ્યા? આપણે ચાર બાબતો શીખ્યા, જે આપણને યહોવાહના માર્ગે ચાલવા મદદ કરી શકે: (૧) સાચો પસ્તાવો કામોથી દેખાઈ આવે છે; (૨) ફક્ત અર્પણોથી યહોવાહને જીતી શકાતા નથી; (૩) યહોવાહના ભક્તો તેમને છોડી દે ત્યારે તેમને ખૂબ દુઃખ થાય છે; (૪) જે સારું છે એ પામવા, સારું કરીએ. યહોવાહના માર્ગે ચાલવા, હોશીઆના છેલ્લા પાંચ અધ્યાયો કઈ રીતે મદદ કરી શકે?

તમે શું કહેશો?

• સાચો પસ્તાવો કઈ રીતે દેખાઈ આવે છે?

• ફક્ત અર્પણોથી જ યહોવાહને કેમ જીતી શકાતા નથી?

• યહોવાહના ભક્તો તેમને છોડી દે ત્યારે તેમને કેવું લાગે છે?

• આપણે આશીર્વાદ પામવા શું કરવું જોઈએ?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૨૩ પર ચિત્ર]

સવારના વાદળની જેમ, ઈસ્રાએલનો પ્રેમ જાણે ઊડી ગયો હતો

[પાન ૨૩ પર ચિત્ર]

ઈસ્રાએલના ખોટા ઇરાદા ભઠ્ઠીની જેમ બળતા હતા

[પાન ૨૪ પર ચિત્ર]

યહોવાહ પોતાના લોકોનાં અર્પણોથી કેમ રાજી ન થયા?

[પાન ૨૫ પર ચિત્ર]

સારું ફળ પામવા, સારું વાવીએ