સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

આર્માગેદન પછી સુખનો સૂરજ ઊગશે

આર્માગેદન પછી સુખનો સૂરજ ઊગશે

આર્માગેદન પછી સુખનો સૂરજ ઊગશે

આર્માગેદન શબ્દ મૂળ હેબ્રી ભાષામાંથી આવે છે. આ શબ્દ “હાર-માગેદોન” અથવા “મગિદ્દો પર્વત” પરથી આવે છે. આ નામ બાઇબલના એક પુસ્તક પ્રકટીકરણ ૧૬:૧૬માં જોવા મળે છે: “હેબ્રી ભાષામાં જેને હાર-માગેદોન કહે છે તે ઠેકાણે તેઓએ તેઓને એકઠા કર્યા.” ‘હાર-માગેદોનની’ જગ્યાએ કોને એકઠા કરવામાં આવ્યા અને શા માટે? સંદર્શન (પ્રકટીકરણ) ૧૬:૧૪ કહે છે: ‘સર્વસમર્થ ઈશ્વરના મહાન દિવસે તેમની સામે યુદ્ધે ચડવા આખી પૃથ્વીના રાજાઓ નીકળી પડ્યા.’ (કોમન લેંગ્વેજ) આ કલમથી અનેક સવાલો ઊભા થાય છે: આ “રાજાઓ” ક્યાં લડશે? શા માટે અને કોની સાથે લડશે? ઘણા લોકો માને છે કે એ લડાઈમાં એવાં હથિયારો વાપરવામાં આવશે, જેનાથી સર્વ મનુષ્યનો નાશ થશે. ઘણા લોકો માને છે તેમ શું તેઓ સર્વ મનુષ્યનો નાશ કરશે? શું એ લડાઈમાંથી કોઈ બચશે? એના વિષે બાઇબલ શું કહે છે? ચાલો આપણે જોઈએ.

આપણે જોયું તેમ આર્માગેદન નામ “મગિદ્દો પર્વત” પરથી આવે છે. શું એનો અર્થ એમ થાય કે આર્માગેદનનું યુદ્ધ મધ્ય પૂર્વના આ પર્વત પર થશે? ના. આજે એ નામનો કોઈ પર્વત જ નથી. પહેલાં જ્યાં મગિદ્દો પર્વત હતો ત્યાં આજે એક ખીણ છે. એની સામે ખીણથી ૭૦ ફૂટ ઊંચો ટેકરો છે. એ ટેકરા પર ‘પૃથ્વીના રાજાઓ તથા તેઓનું સૈન્ય’ સમાઈ જ ન શકે. (પ્રકટીકરણ ૧૯:૧૯) જોકે, પહેલાંના જમાનામાં “મગિદ્દો પર્વત” પર મોટી લડાઈઓ થતી હતી. એ લડાઈમાં કોઈની કારમી હાર થતી, તો કોઈની ભવ્ય જીત. એટલે જ આર્માગેદન એક એવી ભયંકર લડાઈ છે, જેનાથી આખો ઇતિહાસ બદલાઈ જશે. એ લડાઈમાં કોઈ એકની ભવ્ય જીત નક્કી છે.—પાંચમા પાન પર આપેલું બૉક્સ ‘મગિદ્દો—એક યોગ્ય નિશાની’ જુઓ.

આર્માગેદનની લડાઈ ફક્ત જગતના રાજાઓ વચ્ચે નથી. સંદર્શન (પ્રકટીકરણ) ૧૬:૧૪ કહે છે: ‘સર્વસમર્થ ઈશ્વરના મહાન દિવસે તેમની સામે યુદ્ધે ચડવા આખી પૃથ્વીના રાજાઓ નીકળી પડ્યા.’ (કોમન લેંગ્વેજ) યહોવાહના કહેવાથી ઈશ્વરભક્ત યિર્મેયાહે ભાખ્યું કે “પ્રભુએ [યહોવાહે] કતલ કરેલા લોકોથી પૃથ્વી એક છેડાથી બીજા છેડા સુધી ભરાઈ જશે.” (યર્મિયા ૨૫:૩૩, IBSI) એ બતાવે છે કે આર્માગેદનમાં કોઈ મનુષ્ય ભાગ લેશે નહિ. તેમ જ એ મધ્ય પૂર્વમાં ક્યાંય લડાશે નહિ. એ યહોવાહની લડાઈ છે, જે આખી દુનિયામાં લડાશે.

નોંધ કરો કે પ્રકટીકરણ ૧૬:૧૬માં આર્માગેદનને “તે ઠેકાણે” કહેવામાં આવે છે. બાઇબલમાં ‘તે ઠેકાણેનો’ અર્થ સંજોગો કે પરિસ્થિતિને લાગુ પડી શકે. આ કિસ્સામાં એવા સંજોગો ઊભા થશે કે આખી દુનિયા એક થઈને યહોવાહની સામે થશે. (પ્રકટીકરણ ૧૨:૬, ૧૪) આર્માગેદનની લડાઈમાં પૃથ્વીના સર્વ દેશો એક થઈને “આકાશમાંનાં સૈન્યો” એટલે “રાજાઓનો રાજા તથા પ્રભુઓનો પ્રભુ” ઈસુ ખ્રિસ્તની સામે લડાઈ કરવા ઊભા થશે.—પ્રકટીકરણ ૧૯:૧૪, ૧૬.

ઘણા માને છે કે અણુયુદ્ધથી અથવા પૃથ્વી સાથે કોઈ ધૂમકેતુ અથડાવાથી એનો તદ્દન નાશ થવાનો છે. શું એ ખરું છે? ઈશ્વર પ્રેમના સાગર છે. તો પછી શું તે પૃથ્વી અને સર્વ મનુષ્યનો એવી રીતે નાશ થવા દેશે? ના. યહોવાહ ઈશ્વર સ્પષ્ટ જણાવે છે કે તેમણે પૃથ્વીને ‘ઉજ્જડ રહેવા સારૂં ઉત્પન્‍ન કરી નથી. પણ વસ્તીને સારૂં બનાવી’ છે. (યશાયાહ ૪૫:૧૮; ગીતશાસ્ત્ર ૯૬:૧૦) યહોવાહ આર્માગેદનના યુદ્ધમાં પૃથ્વીને કદી અગ્‍નિથી ભસ્મ કરશે નહિ. પણ ‘જેઓ પૃથ્વીનો નાશ કરે છે તેઓનો નાશ કરશે.’—પ્રકટીકરણ ૧૧:૧૮.

આર્માગેદન ક્યારે આવશે?

આ વિષે લોકો સદીઓથી ઘણી કલ્પનાઓ કરે છે. બાઇબલનાં બીજાં પુસ્તકો સાથે પ્રકટીકરણનું પુસ્તક સરખાવવાથી આપણને જોવા મળે છે કે એ મહત્ત્વનું યુદ્ધ ક્યારે થશે. ઈસુએ કહ્યું હતું કે પોતે ચોરની જેમ પાછા આવશે, એની સાથે પ્રકટીકરણ ૧૬:૧૫નું આર્માગેદન સંકળાયેલું છે. ઈસુ એ શબ્દ ચિત્ર વાપરીને જણાવતા હતા કે પોતે આ દુષ્ટ જગતનો નાશ કરવા આવશે.—માત્થી ૨૪:૪૩, ૪૪; ૧ થેસ્સાલોનીકી ૫:૨.

બાઇબલની અનેક ભવિષ્યવાણી પૂરી થઈ, એ પુરાવા આપે છે કે આપણે ૧૯૧૪થી આ દુષ્ટ જગતના છેલ્લા દિવસોમાં જીવી રહ્યા છીએ. * ઈસુએ કહ્યું હતું કે છેલ્લા દિવસોમાં “મોટી વિપત્તિ” આવી પડશે. બાઇબલ જણાવતું નથી કે “મોટી વિપત્તિ” કેટલો સમય ચાલશે. એક વાત ચોક્કસ છે કે દુનિયાએ ક્યારેય અનુભવ્યાં નથી, એવાં દુઃખ-તકલીફો એ સમયે આવી પડશે. એ સમય દુઃખ-તકલીફોથી શરૂ થશે ને આર્માગેદનથી પૂરો થશે.—માત્થી ૨૪:૨૧, ૨૯.

આર્માગેદન તો “સર્વશક્તિમાન દેવના મહાન દિવસની લડાઈ” છે. એને કોઈ રોકી શકતું નથી. યહોવાહે એ લડાઈનો ચોક્કસ સમય ‘નીમ્યો’ છે. તે “વિલંબ કરશે નહિ.”—હબાક્કૂક ૨:૩.

ઇન્સાફ લાવતું ઈશ્વરનું યુદ્ધ

શા માટે ઈશ્વર આખી દુનિયા સાથે લડાઈ કરવા ચાહે છે? યહોવાહના ચાર મુખ્ય ગુણોમાંનો એક ગુણ છે, ન્યાય. યહોવાહ ન્યાયના કારણે આર્માગેદનનું યુદ્ધ લડવાના છે. એના વિષે બાઇબલ કહે છે કે ‘યહોવાહ ન્યાય ચાહે છે.’ (ગીતશાસ્ત્ર ૩૭:૨૮) સદીઓથી યહોવાહ જોતા આવ્યા છે કે એક ઇન્સાન બીજા ઇન્સાન પર કેવો જુલમ ગુજારે છે. એ જોઈને યહોવાહને ક્રોધ ચઢ્યો છે. એટલે જ યહોવાહે એ યુદ્ધ દ્વારા આ દુષ્ટ જગતનો નાશ લાવવાનું કામ ઈસુ ખ્રિસ્તને સોંપ્યું છે.

ફક્ત યહોવાહ જ એવી લડાઈ લડી શકે છે જેમાં તેમના સર્વ ભક્તો બચી જશે. ભલે તેઓ દુનિયાના કોઈ પણ ખૂણામાં રહેતા હોય તોપણ તેઓનો એકેય વાળ વાંકો નહિ થાય. (માત્થી ૨૪:૪૦, ૪૧; પ્રકટીકરણ ૭:૯, ૧૦, ૧૩, ૧૪) યહોવાહ વિશ્વના માલિક હોવાથી તેમને જ આખી પૃથ્વી પર રાજ કરવાનો હક્ક છે.—પ્રકટીકરણ ૪:૧૧.

યહોવાહ પોતાના દુશ્મનનો નાશ કરવા શું વાપરશે? એ વિષે આપણે કંઈ જાણતા નથી. પણ એ જરૂર જાણીએ છીએ કે ફક્ત દુષ્ટ લોકોનો જડમૂળથી નાશ કરવા માટે ઈશ્વર પાસે અનેક સાધનો છે. (અયૂબ ૩૮:૨૨, ૨૩; સફાન્યાહ ૧:૧૫-૧૮) જોકે પૃથ્વી પરના તેમના ભક્તોને એ લડાઈમાં લડવું નહિ પડે. પ્રકટીકરણના ૧૯મા અધ્યાયના દર્શનમાં જોવા મળે છે કે સ્વર્ગ દૂતો ઈસુ ખ્રિસ્તના પક્ષે એ લડાઈમાં ભાગ લેશે. એમાં યહોવાહના પૃથ્વી પરના એક પણ ભક્ત ભાગ લેશે નહિ.—૨ કાળવૃત્તાંત ૨૦:૧૫, ૧૭.

ઈશ્વર પુષ્કળ ચેતવણી આપે છે

આર્માગેદનની લડાઈમાંથી શું કોઈ બચશે? હા, જરૂર બચશે. એ લડાઈમાં કોઈ મરે નહિ, એવું યહોવાહ ચાહે છે. પ્રેષિત પીતરે નોંધ્યું: ‘કોઈનો નાશ થાય એવું યહોવાહ ઇચ્છતા નથી. પણ બધા પોતાનાં પાપથી પાછાં ફરે એવું તે ઇચ્છે છે.’ (૨ પિતર ૩:૯, કોમન લેંગ્વેજ) એ જ રીતે પ્રેષિત પાઊલે પણ લખ્યું કે “સઘળાં માણસો તારણ પામે, ને તેમને સત્યનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થાય એવી તેની [ઈશ્વરની] ઇચ્છા છે.”—૧ તીમોથી ૨:૪.

સર્વ લોકો આર્માગેદનમાંથી બચી જાય માટે યહોવાહે ગોઠવણ કરી છે. એ માટે આજે આખી દુનિયામાં અનેક ભાષામાં ‘તેમના રાજ્યના શુભસંદેશાનો’ પ્રચાર કરવામાં આવે છે. આમ સર્વ લોકોને દુષ્ટ જગતમાંથી બચવાની ને કાયમ માટેનું જીવન પસંદ કરવાની તક મળે છે. (માત્થી ૨૪:૧૪; ગીતશાસ્ત્ર ૩૭:૩૪; ફિલિપી ૨:૧૨) શુભસંદેશો સાંભળીને ઈશ્વરના માર્ગે ચાલશે તેઓ આર્માગેદનની લડાઈમાંથી બચી જશે. તેઓ સ્વર્ગ જેવી દુનિયામાં રહેશે. ત્યાં કોઈ બીમાર અને ઘરડા નહિ થાય. તેમ જ, કોઈ મરણ પણ નહિ પામે. (હઝકીએલ ૧૮:૨૩, ૩૨; સફાન્યાહ ૨:૩; રૂમી ૧૦:૧૩) આપણે ઈશ્વર પાસેથી એવી જ આશા રાખીએ છીએ, કેમ કે તે પ્રેમ છે.—૧ યોહાન ૪:૮.

શું પ્રેમાળ ઈશ્વર લડી શકે?

ઘણા લોકો વિચારે છે કે ઈશ્વર તો પ્રેમના સાગર છે. તો પછી કેમ તે મોટા ભાગના મનુષ્યનો આ રીતે નાશ કરવાના છે? કલ્પના કરો કે, તમારા ઘરમાં બહુ વંદા કે ઉંદર થઈ ગયા છે. તમને તમારા કુટુંબ પ્રત્યે બહુ પ્રેમ છે. તો પછી, શું તમે તેઓની તંદુરસ્તી માટે ઉંદર કે વંદાને મારવાની દવા નહિ વાપરો? ચોક્કસ! આ દુનિયાની હાલત પણ એવી જ છે.

યહોવાહ મનુષ્યોને ખૂબ જ પ્રેમ કરે છે. તેથી ઇન્સાફ લાવવા તે આર્માગેદનની લડાઈ કરશે. એ પછી યહોવાહ આખી પૃથ્વીને સ્વર્ગ જેવી બનાવશે. ત્યારે કોઈ બીમાર અને ઘરડા નહિ થાય. તેમ જ, કોઈ મરણ પણ નહિ પામે. ત્યારે લોકો ખરી સુખ-શાંતિમાં રહી શકશે. ‘તેઓને કોઈ બીવડાવશે નહિ.’ (મીખાહ ૪:૩, ૪; પ્રકટીકરણ ૨૧:૪) જેઓ લોકોને શાંતિથી જીવવા દેતા નથી તેઓનું શું થશે? જેવી રીતે વ્યક્તિ કુટુંબના રક્ષણ માટે ઉંદર ને વંદા દૂર કરવા પગલાં ભરે છે, એ જ રીતે ઈશ્વર પણ ન્યાયી લોકોનું રક્ષણ કરવા પગલાં ભરશે.—૨ થેસ્સાલોનીકી ૧:૮, ૯; પ્રકટીકરણ ૨૧:૮.

આજે માણસ માણસ પર રાજ કરે છે. દરેક દેશ પોતાના જ ફાયદા વિષે વિચારે છે. એ કારણે દુનિયામાં ચારે બાજુ ઝઘડા થાય છે અને લોહીની નદીઓ વહે છે. (સભાશિક્ષક ૮:૯) સરકાર ને નેતાઓ પોતાની સત્તા વધારવાની કોશિશ કરે છે. એનાથી તેઓ ઈશ્વરના રાજ્યથી પોતાનું મોં ફેરવી લે છે. તેઓના વર્તનથી જરાય દેખાતું નથી કે તેઓ યહોવાહ અને ઈસુ ખ્રિસ્તની આગળ નમવા તૈયાર હોય. (ગીતશાસ્ત્ર ૨:૧-૯) ખરેખર, એવી સરકારોને હટાવવી જ જોઈએ. ત્યારે જ ઈસુ દ્વારા યહોવાહની સરકાર ન્યાયી રીતે રાજ કરી શકશે. (દાનીયેલ ૨:૪૪) આર્માગેદનની લડાઈથી એ પણ સાબિત થશે કે આ પૃથ્વી પર રાજ કરવાનો હક્ક કોને છે.

આર્માગેદનમાં યહોવાહ મનુષ્યનું ભલું થાય માટે પગલાં ભરશે. આજે દુનિયાની હાલત દિવસે દિવસે બગડતી જાય છે. ઈશ્વરના રાજ્યથી જ હાલાત સુધારી શકાશે. માણસોને ખરો ઇન્સાફ મળશે. ત્યારે જ પૃથ્વી પર ચારેબાજુ સાચી સુખ-શાંતિ આવશે. જો ઈશ્વર કંઈ જ ન કરે તો વર્ષો પછી દુનિયાની કેવી હાલત હશે? સદીઓથી દુનિયામાં જે રીતે ધિક્કાર, ખૂન-ખરાબી ને યુદ્ધો થાય છે શું એવું જ કાયમ ચાલ્યા નહિ કરે? ખરેખર, આર્માગેદનની લડાઈથી આપણું જ ભલું થશે!—લુક ૧૮:૭, ૮; ૨ પીતર ૩:૧૩.

યુદ્ધોનો અંત લાવતું યુદ્ધ

આજ સુધી યુદ્ધો જે કરી શક્યા નથી એ આર્માગેદનનું યુદ્ધ કરશે. યુદ્ધોનો કાયમ માટે અંત આવે તો એ બધાને ગમશે ખરું ને? ઇન્સાન આજ સુધી યુદ્ધોનો અંત લાવવામાં નિષ્ફળ ગયો છે. યિર્મેયાહના શબ્દો પ્રમાણે તેઓ વારંવાર નિષ્ફળ ગયા છે: “ઓ પ્રભુ [યહોવાહ], હું જાણું છું કે માણસ પાસે એવી શક્તિ નથી કે તે પોતા માટે સાચો માર્ગ નક્કી કરે અને તે પ્રમાણે જીવનનું આયોજન કરે.” (યર્મિયા ૧૦:૨૩, IBSI) યહોવાહ જે કરવાના છે એ વિષે બાઇબલ ખાતરી આપે છે કે “તે ધનુષ્યને ભાંગી નાખે છે, ભાલાને કાપી નાખે છે; અને રથોને અગ્‍નિથી બાળી નાખે છે.”—ગીતશાસ્ત્ર ૪૬:૮, ૯.

આ દુનિયાના દેશો એકબીજા સામે ખતરનાક બૉમ્બ વાપરતા જશે તેમ પૃથ્વીનું વાતાવરણ દિવસે દિવસે બગડતું જશે. તેથી પૃથ્વીના સર્જનહાર તેઓ પાસેથી આર્માગેદનમાં હિસાબ લેશે! (પ્રકટીકરણ ૧૧:૧૮) આ યુદ્ધથી એ કાર્યો પણ પૂરાં થશે જેની સદીઓથી ઈશ્વર ભક્તો આશા રાખતા હતા. વળી આ યુદ્ધથી સાબિત થશે કે યહોવાહ પરમેશ્વર જ સૃષ્ટિના રાજા ને પૃથ્વીના માલિક છે.

તેથી ધાર્મિક લોકોએ આર્માગેદનના યુદ્ધથી જરાય ડરવું ન જોઈએ. એ યુદ્ધથી તો મનુષ્ય માટે સુખનો સૂરજ ઊગશે. આર્માગેદનનું યુદ્ધ સર્વ બૂરાઈ અને દુષ્ટ લોકોનો નાશ કરશે. એનાથી ન્યાયી નવી દુનિયાનો માર્ગ ખૂલશે. એ દુનિયા પર ઈશ્વરના મસીહી રાજ્યની હકૂમત હશે. (યશાયાહ ૧૧:૪, ૫) આર્માગેદનમાં દુષ્ટ જગતનો અંત આવશે એનાથી ડરવાની જરૂર નથી. એ પછી સર્વ ન્યાયી લોકો માટે નવી શરૂઆત થશે. તેમ જ, તેઓ સ્વર્ગ જેવી પૃથ્વી પર કાયમ માટે જીવશે.—ગીતશાસ્ત્ર ૩૭:૨૯.

[ફુટનોટ]

^ જ્ઞાન જે અનંતજીવન તરફ દોરી જાય છે પુસ્તકનું પ્રકરણ ૧૧ જુઓ. આ પુસ્તક યહોવાહના સાક્ષીઓએ બહાર પાડ્યું છે.

[પાન ૫ પર બોક્સ/ચિત્ર]

મગિદ્દો—એક યોગ્ય નિશાની

પહેલાંના સમયમાં મગિદ્દો પર્વત બહુ સારી જગ્યાએ હતો. એના પરથી ઉત્તર ઇઝરાએલના યિઝ્રએલ ખીણના પશ્ચિમ ભાગોના લીલાછમ વિસ્તાર જોવા મળતા. વેપારીઓ અને સૈનિકો ત્યાંથી જ આવ-જાવ કરતા. તેમ જ મગિદ્દો પર્વત પર સૌથી મહત્ત્વની લડાઈઓ લડાતી. પ્રોફેસર ગ્રેહામ ડેવીસે પોતાના પુસ્તક બાઇબલ જમાનાના શહેરો, મગિદ્દો (અંગ્રેજી) વિષે લખ્યું: ‘બધી જ બાજુથી વેપારીઓ અને કામની શોધમાં જતા લોકો મગિદ્દો શહેરમાં સહેલાઈથી જઈ શકતા. એ જ સમયે જો આ શહેર એટલું શક્તિશાળી હોત, તો શહેરમાં જતા રસ્તાઓ પર ચોકી રાખી શકત. એનાથી સૈનિકો અને વેપારીઓના આવવા-જવા પર ભારે અસર પડી હોત. એમાં કોઈ નવાઈ નથી કે એ શહેરનો કબજો મેળવવા માટે ઘણી લડાઈઓ થઈ હતી. જો કોઈ એ શહેર જીતી લે તો તેઓ માટે ગઢ જીત્યા બરાબર હતું.’

મગિદ્દોનો ૩,૫૦૦થી વધારે જૂનો ઇતિહાસ છે. ઇજિપ્તના રાજા થુટ્‌મોસ ત્રીજાએ કનાનના રાજાઓને હરાવ્યા ત્યારથી એ જોવા મળે છે. એ શહેરમાં ત્યારથી લઈને ૧૯૧૮ સુધી લડાઈઓ થતી આવી છે. એ વર્ષમાં બ્રિટિશ સેનાપતિ એડમન્ડ ઍલ્નબીએ, તુર્કીના લશ્કરને ખતરનાક રીતે હરાવ્યા. મગિદ્દો એ જગ્યા હતી જ્યાં યહોવાહે કનાનના રાજા યાબીનને મારી નાખવા ન્યાયાધીશ બારાકની મદદ કરી હતી. (ન્યાયાધીશો ૪:૧૨-૨૪; ૫:૧૯, ૨૦) એ જ વિસ્તારમાં ન્યાયાધીશ ગિદઓને મિદ્યાનીઓને ધૂળ ચાટતા કરી દીધા હતા. (ન્યાયાધીશો ૭:૧-૨૨) આ જગ્યાએ રાજા અહાઝ્યાહ અને યોશીયાહ મરણ પામ્યા હતા.—૨ રાજાઓ ૯:૨૭; ૨૩:૨૯, ૩૦.

તેથી, મગિદ્દોનું નામ આર્માગેદનની લડાઈ સાથે જોડવું યોગ્ય છે. મગિદ્દોમાં ઘણી મહત્ત્વની લડાઈઓ થઈ હતી, જેમાં કોઈની કારમી હાર તો કોઈની ભવ્ય જીત થઈ. એના પરથી આપણે કહી શકીએ કે આર્માગેદનની લડાઈમાં યહોવાહ તેમના સર્વ દુશ્મનોનો જડમૂળથી નાશ કરીને ભવ્ય જીત મેળવશે.

[ક્રેડીટ લાઈન]

Pictorial Archive (Near Eastern History) Est.

[પાન ૭ પર ચિત્રો]

આખી દુનિયામાં લોકોને આર્માગેદનની ચેતવણી આપવામાં આવે છે, જેથી તેઓ એમાંથી બચવા પગલાં લઈ શકે

[પાન ૭ પર ચિત્ર]

આર્માગેદનથી ન્યાયી દુનિયામાં રહેતા લોકો માટે સુખનો સૂરજ ઊગશે