સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બીજા કાળવૃત્તાંતના મુખ્ય વિચારો

બીજા કાળવૃત્તાંતના મુખ્ય વિચારો

યહોવાહનો શબ્દ જીવંત છે

બીજા કાળવૃત્તાંતના મુખ્ય વિચારો

બીજા કાળવૃત્તાંતના શરૂઆતના શબ્દો જણાવે છે કે ઈસ્રાએલના રાજા સુલેમાન હતા. યહુદીઓ બાબેલોનમાં ગુલામ હતા. એ પુસ્તકના અંતે ઈરાનના રાજા કોરેશે તેઓને કહ્યું કે, “આકાશના દેવ યહોવાહે મને પૃથ્વીનાં સર્વ રાજ્યો આપ્યાં છે; અને યહુદાહમાંના યરૂશાલેમમાં તેને સારૂ એક મંદિર બાંધવાની તેણે મને આજ્ઞા આપી છે. તેના લોકમાંનો જે કોઈ તમારામાં હોય, તે ત્યાં જાય. તેનો દેવ યહોવાહ તેની સાથે હોજો.” (૨ કાળવૃત્તાંત ૩૬:૨૩) એઝરા યાજક હતા. તેમણે ઈસવીસન પૂર્વે ૪૬૦માં આ પુસ્તક લખવાનું પૂરું કર્યું. એમાં ઈ.સ. પૂર્વે ૧૦૩૭-૫૩૭નો, એટલે ૫૦૦ વર્ષનો ઇતિહાસ લખવામાં આવ્યો.

કોરેશ રાજાના હુકમના કારણે યહુદીઓ યરૂશાલેમ પાછા જઈ શક્યા. ત્યાં તેઓ યહોવાહને ફરીથી ભજવા લાગ્યા. બાબેલોનમાં ઘણાં વર્ષોની ગુલામીની તેઓ પર અસર થઈ હતી. તેઓ પોતાનો ઇતિહાસ જાણતા ન હતા. બીજો કાળવૃત્તાંત સારી રીતે ટૂંકમાં જણાવે છે કે દાઊદ રાજાના વંશમાંથી કોણ રાજા બન્યા ને તેઓના રાજમાં શું બન્યું. એ અહેવાલમાંથી આપણને ઘણું શીખવા મળે છે. એ બતાવે છે કે યહોવાહના કહેવા પ્રમાણે કરવાથી કેવા કેવા આશીર્વાદો આવે છે. તેમ જ, એમ ન કરવાથી શું થઈ શકે છે.

સુલેમાન યહોવાહનું મંદિર બાંધે છે

(૨ કાળવૃત્તાંત ૧:૧–૯:૩૧)

યહોવાહે સુલેમાન રાજાની પ્રાર્થના પ્રમાણે તેને સૂઝસમજ અને જ્ઞાન આપ્યા. એટલું જ નહિ, તેને ધનદોલત અને માન-મોભ્ભો પણ આપ્યા. સુલેમાને યરૂશાલેમમાં યહોવાહનું એકદમ ભવ્ય મંદિર બાંધ્યું. એનાથી લોકો “આનંદ કરતા તથા મનમાં હરખાતા” હતા. (૨ કાળવૃત્તાંત ૭:૧૦) “દ્રવ્ય તથા જ્ઞાનમાં પૃથ્વીના સર્વ રાજાઓ કરતાં સુલેમાન રાજા શ્રેષ્ઠ હતો.”—૨ કાળવૃત્તાંત ૯:૨૨.

સુલેમાને ઈસ્રાએલમાં ચાલીસેક વર્ષ રાજ કર્યું. પછી તે “પોતાના પિતૃઓની સાથે ઊંઘી ગયો, ને તેને તેના પિતાના દાઊદનગરમાં દાટયો. તેની જગાએ તેનો પુત્ર રહાબઆમ રાજા થયો.” (૨ કાળવૃત્તાંત ૯:૩૧) સુલેમાન યહોવાહની ભક્તિથી ભટકી ગયા, એના વિષે એઝરાએ લખ્યું નથી. તેમણે સુલેમાનની એ જ ભૂલ વિષે લખ્યું કે તેમણે ઇજિપ્તના ફારૂન પાસેથી ઘણા ઘોડા લીધા. ફારૂનની દીકરી સાથે લગ્‍ન કર્યું. એ સિવાય એઝરાએ ઉત્તેજન આપતો અહેવાલ જ લખ્યો છે.

સવાલ-જવાબ:

૨:૧૪—અહીં અને ૧ રાજાઓ ૭:૧૪માં કારીગરની વંશાવળી આપી છે, એ બંનેમાં ફરક કેમ છે? પહેલા રાજાઓમાં કહે છે કારીગરની મા ‘નાફતાલી કુળની વિધવા હતી.’ એનું કારણ કે એ કુળના પુરુષને તે પરણી હતી. તે પોતે દાનના કુળની હતી. તેમનો પહેલો પતિ ગુજરી ગયો, પછી તેણે તૂરના કારીગર સાથે ફરી લગ્‍ન કર્યાં. એનાથી આ કારીગર જનમ્યો હતો.

૨:૧૮; ૮:૧૦—આ કલમો કહે છે કે મંદિરના બાંધકામની દેખરેખ રાખવા ૩,૬૦૦ મુકાદમો અને ૨૫૦ અમલદારો હતા. જ્યારે કે ૧ રાજાઓ ૫:૧૬; ૯:૨૩માં કહે છે ૩,૩૦૦ મુકાદમો અને ૫૫૦ અમલદારો હતા. આ ફરક કેમ? અમલદારોના જે રીતે વર્ગ પાળવામાં આવ્યા છે, એટલે ફરક હોય શકે. બીજો કાળવૃત્તાંત સ્પષ્ટ જણાવતું હોય શકે કે ફક્ત ૨૫૦ ઈસ્રાએલી મુકાદમો હતા અને ૩,૬૦૦ બીજી પ્રજાના હતા. જ્યારે કે પહેલા રાજાઓ એ જણાવતું હોય શકે કે ૩,૩૦૦ મુકાદમો કે ઉપરીઓમાંથી ૫૫૦ રાજાના મુખ્ય અમલદારો હતા. ગમે એ હોય, પણ એક વાત ચોક્કસ છે કે બધા થઈને ૩,૮૫૦ ઉપરીઓ હતા.

૪:૨-૪—ઢાળેલો જળકુંડ કે સમુદ્ર અદ્ધર રાખવા કેમ પિત્તળના બળદ વાપરવામાં આવ્યા હતા? બાઇબલમાં બળદ શક્તિનું ચિહ્‍ન છે. (હઝકીએલ ૧:૧૦; પ્રકટીકરણ ૪:૬, ૭) એટલે જ એ ‘સમુદ્રને’ કે કુંડને અદ્ધર રાખવા પિત્તળના ૧૨ બળદો વાપર્યા હતા. ખાલી કુંડનું વજન જ ૩૦,૦૦૦ કિલો હતું. પિત્તળના બળદો ફક્ત કુંડને અદ્ધર રાખવા બનાવવામાં આવ્યા હતા. એનાથી નિર્ગમન ૨૦:૪, ૫માંના નિયમનો ભંગ થયો ન હતો. આ કલમો મૂર્તિ બનાવીને એની ભક્તિ કરવાની મનાઈ કરતી હતી.

૪:૫—એ ઢાળેલા કુંડમાં કે સમુદ્રમાં કેટલું પાણી ભરી શકાતું? એમાં ત્રણ હજાર બાથ એટલે આશરે છ હજાર બેડાં કે ૬૬,૦૦૦ લિટર પાણી ભરી શકાતું. એમાં લગભગ ૪૪,૦૦૦ લિટર જેટલું પાણી ભરવામાં આવતું. પહેલો રાજાઓ ૭:૨૬ કહે છે કે એ કુંડમાં “બે હજાર બાથ [૬૬,૦૦૦ લિટર] માતાં હતાં.”

૫:૪, ૫, ૧૦—મૂળ મુલાકાત મંડપમાંથી સુલેમાને બાંધેલા મંદિરમાં શું લાવવામાં આવ્યું? મૂળ મુલાકાત મંડપમાંથી ફક્ત કરાર કોશને મંદિરમાં લાવવામાં આવ્યો. મંદિર તૈયાર થયું પછી, મુલાકાત મંડપ ગિબઓનથી યરૂશાલેમ લાવ્યા ત્યારથી એ ત્યાં જ હતો.—૨ કાળવૃત્તાંત ૧:૩, ૪.

આપણે શું શીખી શકીએ?

૧:૧૧, ૧૨. સુલેમાને યહોવાહને ફક્ત જ્ઞાન અને સૂઝસમજ માટે જ દિલથી વિનંતી કરી. પ્રાર્થનાઓ બતાવશે કે આપણા દિલમાં શું છે. તેથી, વિચારો કે ‘મારી પ્રાર્થનાઓ કેવી હોય છે?’

૬:૪. આપણને યહોવાહની ભલાઈ ને અપાર કૃપાની કદર હશે તો, પૂરા દિલથી ને પ્રેમથી તેમના ગુણ ગાઈશું.

૬:૧૮-૨૧. યહોવાહ કોઈ પણ મંદિરમાં સમાતા નથી. તોપણ યહોવાહની ભક્તિ કરવા એ મંદિર સૌથી મહત્ત્વનું હતું. આજે સમાજમાં યહોવાહના સાક્ષીઓના કિંગ્ડમ હૉલમાં શુદ્ધ ભક્તિ કરવામાં આવે છે.

૬:૧૯, ૨૨, ૩૨. યહોવાહ સર્વની પ્રાર્થના સાંભળતા. પછી ભલે એ રાજા હોય, ઈસ્રાએલનો કોઈ મામૂલી ઈન્સાન કે કોઈ પરદેશી હોય. જે કોઈ સાચા દિલથી તેમને પ્રાર્થના કરે એ યહોવાહ સાંભળતા. *ગીતશાસ્ત્ર ૬૫:૨.

દાઊદની વંશાવળીમાંથી આવતા રાજાઓ

(૨ કાળવૃત્તાંત ૧૦:૧–૩૬:૨૩)

આખું ઈસ્રાએલ બાર કુળોનું બનેલું હતું. એના બે ભાગ પડી ગયા. ઉત્તરનું રાજ્ય દસ કુળોનું. દક્ષિણનું રાજ્ય યહુદા ને બિન્યામીનનાં બે કુળોનું. તોપણ આખા ઈસ્રાએલના યાજકો અને લેવીઓએ દક્ષિણનાં બે કુળોના રાજ્યને ટેકો આપ્યો. એટલે કે સુલેમાનના દીકરા રહાબઆમને ટેકો આપ્યો. યહોવાહે દાઊદને વચન આપ્યું હતું કે તેમના વંશજોના રાજ્યને આશીર્વાદ આપશે. મંદિર યહોવાહને અર્પણ થયું, એના ત્રીસેક વર્ષ પછી એનો ખજાનો લુટાઈ ગયો.

રહાબઆમ પછી ૧૯ રાજાઓ થયા, એમાંના પાંચ યહોવાહને વફાદાર રહ્યા. ત્રણ રાજાઓ શરૂઆતમાં યહોવાહને વફાદાર હતા, પછી તેઓ બેવફા બન્યા. એક રાજા ખોટા માર્ગમાંથી ફરીને યહોવાહના માર્ગે ચાલવા લાગ્યો. બાકીના રાજાઓએ યહોવાહની નજરમાં જે ભૂડું હતું એ જ કર્યું. * પાંચ રાજાઓનાં કામો અને તેઓએ યહોવાહમાં જે અતૂટ શ્રદ્ધા બતાવી એ ખાસ આ પુસ્તકમાં બતાવવામાં આવ્યું છે. હિઝકીયાહે મંદિરમાં જે રીતે ફરીથી યહોવાહની ભક્તિ શરૂ કરાવી અને યોશીયાહે જે જોરદાર રીતે પાસ્ખાપર્વ ઉજવ્યો એનાથી યરૂશાલેમમાં ભક્તોને ખૂબ જ ઉત્તેજન મળ્યું હશે.

સવાલ-જવાબ:

૧૩:૫—‘લૂણનો (નિમકનો) કરાર’ શું હતો? ખોરાક લાંબો સમય સાચવી રાખવા, એમાં નિમક ઉમેરવામાં આવતું. એ કારણે જ્યારે કોઈ પાક્કો કરાર કરવાની વાત કરે ત્યારે નિમકનો દાખલો વાપરતા. એટલે ‘લૂણના કરારનો’ અર્થ થાય કે અતૂટ કરાર.

૧૪:૨-૫; ૧૫:૧૭—શું આસાએ બધા જ “ઉચ્ચસ્થાનો” કાઢી નાખ્યાં હતાં? ના. તેમણે ખોટા દેવ-દેવીઓનાં ઉચ્ચસ્થાનો કાઢી નાખ્યાં હોય શકે. પણ જ્યાં લોકો યહોવાહને ભજતા હતા, એ રાખ્યાં હોય શકે. એવું પણ બન્યું હોય કે તેમના રાજના પાછલા સમયમાં ફરીથી એ ઉચ્ચસ્થાનો બાંધવામાં આવ્યાં હોય શકે. આસા પછી તેમનો દિકરો યહોશાફાટ રાજા બન્યો ત્યારે, તેમણે એ કાઢી નાખવાનો પ્રયત્ન કર્યો. તોપણ તે બધાં જ કાઢી શક્યો ન હતો.—૨ કાળવૃત્તાંત ૧૭:૫, ૬; ૨૦:૩૧-૩૩.

૧૫:૯; ૩૪:૬—ઈસ્રાએલનાં બાર કુળના ભાગલા પડ્યા ત્યારે શિમઓનના કુળનું શું મહત્ત્વ હતું? શિમઓનના કુળને વારસામાં યહુદાહના વિસ્તારમાં રહેવા જમીન મળી હતી. તેથી તેઓ યહુદાહના અને બિન્યામીનના વિસ્તારમાં રહેતા હતા. (યહોશુઆ ૧૯:૧) તોપણ ઉત્તર ઈસ્રાએલનાં દસ કુળોના રાજ્ય સાથે શિમઓનનું કુળ જોડાઈને ભક્તિ કરવા લાગ્યું. (૧ રાજાઓ ૧૧:૩૦-૩૩; ૧૨:૨૦-૨૪) આમ, ઈસ્રાએલનાં દસ કુળોના રાજ્યમાં શિમઓનનું કુળ પણ એક હતું.

૧૬:૧૩, ૧૪—શું આસાનો અગ્‍નિસંસ્કાર થયો હતો? ના. ‘બહુ મોટું દહન’ એનો એવો અર્થ નથી કે આસાનો અગ્‍નિસંસ્કાર કરવામાં આવ્યો હતો. પણ સુગંધી દ્રવ્યો બાળવામાં આવ્યાં હતાં.

૩૫:૩—યોશીયાહે મંદિરમાં જે કરારકોશ મૂક્યો, એ ક્યાંથી લાવ્યા હતા? બાઇબલ જણાવતું નથી કે કોઈ દુષ્ટ રાજાએ કરારકોશ ખસેડ્યો હતો કે પછી મંદિરમાં ઘણું રિપેર કામ થતું હોવાથી, યોશીયાહે એને સલામત જગ્યાએ રાખ્યો હતો. ઇતિહાસ પ્રમાણે સુલેમાનના દિવસો પછી, આ પહેલી વાર વાંચવા મળે છે કે યોશીયાહ એ કરારકોશને મંદિરમાં લાવ્યા.

આપણે શું શીખી શકીએ?

૧૩:૧૩-૧૮; ૧૪:૧૧, ૧૨; ૩૨:૯-૨૩. આપણે હંમેશાં યહોવાહનું માર્ગદર્શન લેવું જોઈએ!

૧૬:૧-૫, ૭; ૧૮:૧-૩, ૨૮-૩૨; ૨૧:૪-૬; ૨૨:૧૦-૧૨; ૨૮:૧૬-૨૨. જેઓ યહોવાહને ભજતા નથી, તેઓ સાથે દોસ્તી રાખવાથી ખરાબ પરિણામો આવી શકે છે. દુનિયાના લોકો સાથે કામ પૂરતો જ સંબંધ રાખવો જોઈએ.—યોહાન ૧૭:૧૪, ૧૬; યાકૂબ ૪:૪.

૧૬:૭-૧૨; ૨૬:૧૬-૨૧; ૩૨:૨૫, ૨૬. આસા રાજા બહુ અભિમાની બન્યો. તેના છેલ્લા વર્ષમાં તે ખરાબ રીતે વર્ત્યો. ઉઝ્ઝીયાહમાં અભિમાન આવ્યું, એટલે તેની પડતી થઈ. બાબેલોનનો રાજદૂત હિઝકીયાહને મળવા આવ્યો. હિઝકીયાહે વગર વિચાર્યે અથવા બડાઈ મારવા મંદિરના પાત્રો દેખાડ્યાં. (યશાયાહ ૩૯:૧-૭) બાઇબલ કહે છે કે “અભિમાનનું પરિણામ નાશ છે, અને ગર્વિષ્ટ સ્વભાવનું છેવટ પાયમાલી છે.”—નીતિવચનો ૧૬:૧૮.

૧૬:૯. યહોવાહને તન-મનથી ભજનારાને તે મદદ કરશે. યહોવાહ પોતાના ભક્તોને મદદ કરવા જાણે તૈયાર જ છે.

૧૮:૧૨, ૧૩, ૨૩, ૨૪, ૨૭. આપણે પણ યહોવાહ અને તેમના હેતુ વિષે પ્રચાર કરવા, મીખાયાહની જેમ હિંમતવાન બનવું જોઈએ.

૧૯:૧-૩. આપણે યહોવાહને નારાજ કરીએ છીએ ત્યારે પણ, તે આપણામાં સારી બાબતો શોધે છે.

૨૦:૧-૨૮. નમ્રભાવે આપણે યહોવાહનું માર્ગદર્શન શોધીશું તો, તે ચોક્કસ આપણને માર્ગદર્શન આપશે!—નીતિવચનો ૧૫:૨૯.

૨૦:૧૭. યહુદાહના લોકોએ બાબતો પોતાના હાથમાં લેવાને બદલે, યહોવાહમાં પૂરી શ્રદ્ધા રાખી. એ જ પ્રમાણે આપણે પણ પોતાનામાં ભરોસો રાખવાને બદલે, યહોવાહમાં પૂરી શ્રદ્ધા રાખીએ. તેમના રાજ્યને પૂરો ટેકો આપીએ. પછી જ યહોવાહ આપણને બચાવશે.

૨૪:૧૭-૧૯; ૨૫:૧૪. યોઆશ અને તેમના દીકરા અમાસ્યાહ માટે મૂર્તિપૂજા ફાંદારૂપ બની હતી. લાલચ કે દેશપ્રેમના ફાંદામાં પડીને, આપણે પણ જાણે-અજાણે મૂર્તિપૂજામાં ફસાઈ શકીએ છીએ.—કોલોસી ૩:૫; પ્રકટીકરણ ૧૩:૪.

૩૨:૬, ૭. આપણે પણ હિંમતવાન બનીને ‘દેવનાં સર્વ હથિયારો સજી’ લેવા જોઈએ. એમ કરીશું તો શેતાનની લાલચો અને સતાવણી સામે લડી શકીશું.—એફેસી ૬:૧૧-૧૮.

૩૩:૨-૯, ૧૨, ૧૩, ૧૫, ૧૬. વ્યક્તિ જો સાચા દિલથી પસ્તાવો કરે, ખોટો માર્ગ છોડીને સારું કરવા બનતું બધું જ કરે, તો યહોવાહ તેને માફ કરશે. યહોવાહે દુષ્ટ રાજા મનાશ્શેહને પણ માફ કર્યા જ્યારે તેણે પસ્તાવો કર્યો.

૩૪:૧-૩. બચપણમાં બહુ મદદ મળી ન હોય તોપણ, આપણે યહોવાહનું સત્ય શીખી શકીએ અને તેમની સેવા કરી શકીએ. યોશીયાહના દાદા મનાશ્શેહ પસ્તાવો કરીને, યહોવાહને ફરી ભજવા લાગ્યા. એની યોશીયાહના બચપણ પર ઊંડી અસર પડી હોય શકે. એ કે કોઈ બીજા દાખલાઓમાંથી તેના પર સારી અસર પડી. આપણા કિસ્સામાં પણ એમ બની શકે.

૩૬:૧૫-૧૭. યહોવાહ આપણી સાથે પ્રેમ અને ધીરજથી વર્તે છે. એનો એવો અર્થ નથી કે આપણે ગમે એ કરીએ, યહોવાહ પ્રેમ અને ધીરજ બતાવશે. યહોવાહ આ દુષ્ટ જગતનો જલદી જ નાશ લાવવાના છે. એમાંથી લોકોને બચવું હોય તો, તેઓએ યહોવાહના માર્ગમાં ચાલવું જ જોઈએ.

૩૬:૧૭, ૨૨, ૨૩. યહોવાહનું વચન હંમેશાં સાચું જ પડે છે.—૧ રાજાઓ ૯:૭, ૮; યિર્મેયાહ ૨૫:૯-૧૧.

પુસ્તક વાંચીને તેમણે પગલાં લીધાં

બીજો કાળવૃત્તાંત ૩૪:૩૩ કહે છે: “યોશીયાહે ઇસ્રાએલપુત્રોના તાબાના સર્વ દેશમાંથી સર્વ અમંગળ વસ્તુઓ દૂર કરી; અને ઈસ્રાએલમાંના જે મળી આવ્યા તેઓની પાસે તેણે યહોવાહની સેવા કરાવી. તેની કારકિર્દીમાં તેઓ પોતાના પિતૃઓના દેવ યહોવાહને અનુસરતા રહ્યા.” યોશીયાહે શા માટે એમ કર્યું? શાફાન ચિટણીસને મંદિરમાંથી યહોવાહના નિયમનું પુસ્તક મળ્યું. એ તેણે યોશીયાહ રાજાને મોટેથી વાંચી સંભળાવ્યું. યોશીયાહે જે સાંભળ્યું, એનાથી તેમના પર ઊંડી અસર થઈ. તેથી મરણ સુધી તે યહોવાહની ભક્તિમાં બહુ ઉત્સાહી હતા.

આપણે બાઇબલ વાંચીને એના પર વિચાર કરીશું તો, એની આપણા પર ઊંડી અસર પડશે. દાઊદની વંશાવળીમાંથી આવતા અમુક રાજાઓએ યહોવાહમાં અતૂટ શ્રદ્ધા બતાવી. ખરાબ વર્તનથી દૂર રહ્યા. શું તેઓ વિષે વાંચીને આપણને ઉત્તેજન મળતું નથી? બીજો કાળવૃત્તાંત આપણને ફક્ત યહોવાહની તન-મનથી ભક્તિ કરવા ને તેમને વફાદાર રહેવા ઉત્તેજન આપે છે. એમાં લખેલો સંદેશો ખરેખર બહુ જ હિંમત આપે છે.—હેબ્રી ૪:૧૨.

[ફુટનોટ્‌સ]

^ મંદિર અર્પણ કરવામાં આવ્યું ત્યારે સુલેમાને જે રીતે પ્રાર્થના કરી, એમાંથી પણ આપણે ઘણું શીખી શકીએ. એના વિષે જુલાઈ ૧, ૨૦૦૫, ચોકીબુરજ પાન ૨૮-૩૧ જુઓ.

^ યહુદાહના રાજાઓ કયા ક્રમમાં આવ્યા એ માટે ચોકીબુરજ, ઑગસ્ટ ૧, ૨૦૦૫ પાન ૧૨ જુઓ.

[પાન ૧૮ પર ચિત્ર]

શું તમે જાણો છો કે જળકુંડને અદ્ધર રાખવા કેમ પિત્તળના બળદ વાપરવામાં આવ્યા હતા?

[પાન ૨૧ પર ચિત્રો]

ખરું કે યોશીયાહને બાળપણમાં બહુ મદદ મળી ન હતી, તોપણ મરણ સુધી તે યહોવાહને વળગી રહ્યા