સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

સંજોગ પ્રમાણે જુદી જુદી રીતે પ્રચાર કરતા શીખીએ

સંજોગ પ્રમાણે જુદી જુદી રીતે પ્રચાર કરતા શીખીએ

સંજોગ પ્રમાણે જુદી જુદી રીતે પ્રચાર કરતા શીખીએ

હરકોઈ રીતે કેટલાએકને તારવા સારૂ હું સર્વેની સાથે સર્વેના જેવો થયો.”—૧ કોરીંથી ૯:૨૨.

૧, ૨. (ક) પ્રેષિત પાઊલ કઈ રીતે પ્રચારમાં સારી રીતે શીખવતા હતા? (ખ) પાઊલને પ્રચાર કામ વિષે કેવું લાગ્યું?

 પ્રેષિત પાઊલ યહોવાહના રાજ્ય વિષે ભણેલા-ગણેલા પંડિતો સાથે વાત કરી જાણતા હતા. તંબૂ બનાવતા અભણ માણસો સાથે પણ એ વિષે વાત કરી શકતા હતા. તે રોમના રાજાથી લઈને ફિજીઅન ખેડૂતના ગળે ઊતરે એવી રીતે વાત કરી જાણતા. પાઊલના પત્રોથી બધામાં જોશ આવી જતો. ભલે તેઓ ચુસ્ત યહુદીઓ હોય કે પછી સીધા-સાદા ગ્રીક હોય. પાઊલ લોકો સાથે એવી રીતે વાત કરતા કે તેઓએ માનવું જ પડતું. પાઊલની પાસે મીઠાશથી વાત કરવાની કળા હતી. લોકો જાણતા હોય એવા વિષય પર, પાઊલ તેઓ સાથે વાત કરતા. એનાથી લોકો સહેલાઈથી ઈસુ પર વિશ્વાસ મૂકી શકતા.—પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૨૧.

ખરેખર પાઊલ પાસે શીખવવાની સરસ કળા હતી. તે પોતાની શીખવવાની કળામાં હંમેશાં સુધારો કરતા રહેતા. (૧ તીમોથી ૧:૧૨) ઈસુએ તેમને મોટી જવાબદારી સોંપી હતી. પાઊલે ‘વિદેશીઓ, રાજાઓ તથા ઈસ્રાએલપુત્રોની આગળ ઈસુનું નામ પ્રગટ કરવાનું’ હતું. (પ્રેરિતોનાં કૃત્યો ૯:૧૫) એના વિષે પાઊલને કેવું લાગ્યું? તે કહે છે, “હરકોઈ રીતે કેટલાએકને તારવા સારૂ હું સર્વેની સાથે સર્વેના જેવો થયો. હું મારૂં સાંભળનારાઓનો તેમાં સહભાગી થાઉં, એ માટે હું સુવાર્તાની ખાતર સર્વ કરૂં છું.” (૧ કોરીંથી ૯:૧૯-૨૩) પાઊલ જે રીતે પ્રચાર કરતા અને લોકોને શીખવતા એમાંથી આપણે શું શીખી શકીએ?

પાઊલે પોતાનામાં મોટા ફેરફારો કર્યા

૩. પાઊલે પહેલાં ખ્રિસ્તીઓ પર કેવો જુલમ કર્યો હતો?

શું પાઊલ પહેલેથી જ નમ્ર હતા? પ્રેમાળ હતા? તેમને સોંપેલા કામ માટે શું તે પહેલેથી જ તૈયાર હતા? ના! પાઊલ તો પહેલાં શાઊલ નામે જાણીતા હતા, જેમણે પહેલી સદીના ખ્રિસ્તીઓ પર બહુ જ જુલમ કર્યો હતો. તેમણે ઈશ્વરભક્ત સ્તેફનનું ખૂન કરાવ્યું. તે ખ્રિસ્તીઓને શોધી શોધીને તેઓ પર જુલમ ગુજારતા હતા. (પ્રેરિતોનાં કૃત્યો ૭:૫૮; ૮:૧, ૩; ૧ તીમોથી ૧:૧૩) પાઊલ હંમેશાં ‘ઈસુના શિષ્યોની કતલ કરવાની ધમકી આપતા હતા.’ અરે, ફક્ત યરૂશાલેમ જ નહિ, પણ ઉત્તર દમસ્ક સુધી ઈસુના શિષ્યોની સતાવણી કરી.—પ્રેરિતોનાં કૃત્યો ૯:૧, ૨.

૪. પાઊલે યહોવાહની ઇચ્છા પ્રમાણે વર્તવા શું કરવું પડ્યું હશે?

પાઊલને શા માટે ખ્રિસ્તીઓથી આટલી બધી નફરત હતી? તેમનું માનવું હતું કે ફક્ત યહુદી ધર્મ જ સાચો છે. તેમને થયું કે આ ખ્રિસ્તીઓ યહુદી ધર્મમાં ભેળસેળ કરી નાખશે. પાઊલ “ફરોશી” હતા, જેનો અર્થ થાય ‘અલગ રહેનાર.’ (પ્રેરિતોનાં કૃત્યો ૨૩:૬) યહોવાહે પાઊલને પસંદ કર્યા, જેથી તે ઈસુ વિષે પ્રચાર કરે. ખાસ કરીને પાઊલે બીજા દેવ-દેવીઓને માનનારા લોકોને પ્રચાર કરવાનો હતો. જરા કલ્પના કરો કે પાઊલને કેવું લાગ્યું હશે! (પ્રેરિતોનાં કૃત્યો ૨૨:૧૪, ૧૫; ૨૬:૧૬-૧૮) ફરોશીઓ એવા લોકોને પાપી ગણતા. એવા લોકો સાથે કોઈ સંબંધ રાખતા નહિ. (લુક ૭:૩૬-૩૯) યહોવાહની ઇચ્છા પ્રમાણે કરવા પાઊલે પોતાના વિચારોમાં ઘણા ફેરફાર કરવા પડ્યા હશે, જેથી સર્વ લોકો તારણ પામી શકે.—ગલાતી ૧:૧૩-૧૭.

૫. આપણે પણ પાઊલની જેમ કઈ રીતે પ્રચાર કરી શકીએ?

આપણે પણ પાઊલ જેવા બનીએ. આપણા વિચારોમાં ફેરફાર કરીએ. પ્રચારમાં આપણને જુદા જુદા દેશોમાંથી આવતા ઘણા લોકો મળી શકે. તેઓ બીજી ભાષા બોલતા હોય શકે. તેઓ માટે આપણા દિલમાં કોઈ ભેદભાવ ન હોવો જોઈએ. (એફેસી ૪:૨૨-૨૪) આપણે જે વાતાવરણમાં મોટા થયા હોઈએ, એની અસર જાણે-અજાણે આપણા પર પડી શકે છે. કદાચ આપણા મનમાં જ બીજી ભાષાના લોકો માટે ભેદભાવ હોય શકે. આપણને એમાં ફેરફાર કરવાનું બહુ અઘરું લાગતું હોય. એવું હોય તો આપણા વિચારો અને લાગણીઓ પર કાબૂ રાખીએ. એમ કરવાથી આપણે નમ્ર લોકોને શોધીને મદદ કરી શકીશું. (રૂમી ૧૫:૭) પાઊલે પણ એમ જ કર્યું હતું. તે સર્વ લોકોને પ્રચાર કરવા બનતું બધું જ કરતા. લોકો પર તેમને બહુ પ્રેમ હતો. એટલે તેઓને શીખવવા અલગ અલગ રીતો વાપરતા. પાઊલના અનુભવમાંથી આપણે ઘણું શીખી શકીએ. તે લોકોના સંજોગો પ્રમાણે, સમજી વિચારીને વાત કરતા. પાઊલ ‘વિદેશીઓના પ્રેરિત’ કહેવાયા. *રૂમી ૧૧:૧૩.

સંજોગો પ્રમાણે પ્રચાર કરીએ

૬. પાઊલે કઈ રીતે વ્યક્તિની માન્યતા ધ્યાનમાં રાખીને વાત કરી અને પરિણામ શું આવ્યું?

પાઊલ લોકોનો ધર્મ અને રીતભાતને ધ્યાનમાં રાખીને વાત કરતા. દાખલા તરીકે, એક વાર પાઊલે રાજા આગ્રીપા બીજા સાથે વાત કરી. પાઊલે પહેલાં જાણી લીધું કે ‘જે રિવાજો તથા મતો યહુદીઓમાં ચાલે છે, એ સર્વ વિષે રાજા માહિતગાર છે.’ પછી પાઊલે એ ધ્યાનમાં રાખીને રાજા આગ્રીપા સાથે વાત કરી. પાઊલે સહેલાઈથી સમજી શકાય એવી રીતે અને પૂરી શ્રદ્ધાથી વાત કરી. એટલે રાજા આગ્રીપાએ કહ્યું હતું: ‘થોડા પ્રયાસથી તું મને ખ્રિસ્તી બનાવી દઈશ.’—પ્રેરિતોનાં કૃત્યો ૨૬:૨, ૩, ૨૭, ૨૮.

૭. પાઊલે લુસ્ત્રાના લોકોને કઈ રીતે પ્રચાર કર્યો?

પાઊલ હંમેશાં લોકોના સંજોગો જોઈને વાત કરતા. પાઊલ અને બાર્નાબાસ લુસ્ત્રા શહેર ગયા ત્યારે, પાઊલે કેટલી અલગ રીતે વાત કરી એ જુઓ. લુસ્ત્રામાં લુકોનિયા ભાષા બોલાતી હતી અને એના લોકો ઓછું ભણેલા હતા. તેઓ અંધશ્રદ્ધામાં માનતા હતા. પાઊલ અને બાર્નાબાસને તેઓ ઈશ્વર માનીને પૂજવા લાગ્યા. તેઓને રોકવા માટે પાઊલે અલગ જ રીત વાપરી. પ્રેરિતોનાં કૃત્યો ૧૪:૧૪-૧૮ પ્રમાણે, પાઊલે યહોવાહના હાથની કરામત વિષે વાત કરી. તેમણે સાબિત કરી આપ્યું કે યહોવાહ જ સાચા ઈશ્વર છે. પાઊલે સાદી રીતે જે સમજણ આપી, એ લોકો સહેલાઈથી સમજી ગયા. આમ, તેઓએ લોકોને ‘બલિદાન આપતા અટકાવ્યા.’

૮. પાઊલે કઈ રીતે લોકોના સંજોગો પ્રમાણે વાત કરી?

જોકે એનો અર્થ એવો નથી કે પાઊલ કદીયે ભૂલ ન કરતા. ઘણી વાર તેમને પણ પોતાની લાગણીઓ પર કાબૂ રાખવાનું અઘરું લાગતું. દાખલા તરીકે, એક વાર અનાન્યાએ ખોટી રીતે પાઊલનું અપમાન કર્યું. પાઊલ ગુસ્સે થયા, તેમની સામા થયા. પરંતુ પાઊલને ખબર પડી કે પોતે અજાણતા જ પ્રમુખ યાજક અનાન્યા સામે બોલ્યા છે. તરત જ પાઊલે તેમની માફી માંગી. (પ્રેરિતોનાં કૃત્યો ૨૩:૧-૫) આથેન્સ શહેરમાં ‘ઠેરઠેર મૂર્તિઓને જોઈને’ પાઊલ પહેલા તો ગુસ્સે થયા. તોપણ, તેમણે માર્સની ટેકરીઓ પર પ્રવચન આપ્યું ત્યારે, એવું ન દેખાયું કે મૂર્તિઓને જોઈને પોતે અકળાતા હતા. પાઊલે આથેન્સના લોકોને પ્રવચનમાં ‘અજાણ્યા દેવની’ વેદી વિષે વાત કરી. તેમણે એવા વિષય પર વાત કરી, જેના વિષે લોકો જાણકાર હતા.—પ્રેરિતોનાં કૃત્યો ૧૭:૧૬-૨૮.

૯. જુદા જુદા સંજોગોમાં રહેતા લોકોને પાઊલે કેવી રીતે સમજણ આપી?

પાઊલ પાસે જુદા જુદા સંજોગોમાં લોકો સાથે વાત કરવાની આવડત હતી. તે હંમેશાં લોકોના સમાજ, એના વાતાવરણને ધ્યાનમાં રાખીને વાત કરતા. એનાથી લોકો ફેરફાર કરવા તૈયાર થતા. દાખલા તરીકે, પાઊલે રોમમાં રહેતા ખ્રિસ્તીઓને પત્ર લખ્યો ત્યારે, તે જાણતા હતા કે તેઓ વિશ્વની મહાસત્તા, રોમની રાજધાનીમાં રહે છે. પાઊલે તેઓને ખાસ જણાવ્યું કે આદમે વારસામાં આપેલા પાપમાં ખૂબ જ શક્તિ છે. તોપણ ઈસુ ખ્રિસ્તના બલિદાનમાં એનાથી પણ વધારે શક્તિ છે. એ જ તેઓને પાપમાંથી છુટકારો આપી શકે છે. પાઊલે રોમ અને એની આજુબાજુનાં ગામોમાં રહેતા ખ્રિસ્તીઓને આ મહત્ત્વનું સત્ય એવા સાદા શબ્દોમાં જણાવ્યું કે એ તેઓના દિલમાં ઊતરી જાય.—રૂમી ૧:૪; ૫:૧૪, ૧૫.

૧૦, ૧૧. પાઊલે કઈ રીતે લોકોના સંજોગ જોઈને ઉદાહરણ વાપર્યાં? (ફૂટનોટ પણ જુઓ.)

૧૦ પાઊલે બાઇબલનું ઊંડું સત્ય લોકોને કઈ રીતે સમજાવ્યું? પાઊલ પાસે આવડત હતી કે તે સાદા શબ્દોમાં ઊંડું સત્ય સમજાવી શકે. દાખલા તરીકે, રોમમાં ગુલામો રહેતા હતા. પાઊલને ખબર હતી કે રોમના લોકો ગુલામી વિષે સારી રીતે જાણતા હતા. પાઊલે જેઓને પત્ર લખ્યો, તેઓમાંથી પણ ઘણા ગુલામ હોય શકે. પાઊલે ગુલામીનું જોરદાર ઉદાહરણ વાપર્યું. તેમણે સમજાવ્યું કે એ દરેકની પસંદગી છે કે પોતે પાપને આધીન થશે કે ન્યાયીપણા પ્રમાણે ચાલશે.—રૂમી ૬:૧૬-૨૦.

૧૧ એક પુસ્તક એ વિષે કહે છે કે “રોમમાં કોઈ માલિક ચાહે તો, કોઈ શરત વગર દાસને છૂટો કરી શકતો. જો કોઈ દાસ ચાહે, તો પોતાના માલિકનું દેવું ચૂકવીને આઝાદ થઈ શકતો. માલિક જો દાસને કોઈ દેવની સેવા કરવા અર્પણ કરે, તોપણ તે છૂટો થઈ શકતો.” છૂટો થયેલો દાસ હવે પસંદગી કરી શકે કે તેણે પોતાના માલિકના પાસે નોકરી કરવી છે કે નહિ. એટલે પાઊલે ગુલામીમાંથી છૂટવાના આ નિયમને ધ્યાનમાં રાખીને લખ્યું કે એ વ્યક્તિની પસંદગી છે કે કોના દાસ બનવું. રોમમાં રહેતા ખ્રિસ્તીઓ પાપથી મુક્ત થયા હતા. ઈશ્વરને પોતાના માલિક બનાવ્યા હતા. તેમની છૂટથી સેવા કરતા હતા. તોપણ તેઓ પાછા પાપના ગુલામ બનવાનું ચાહે તો, એ તેઓની પસંદગી હતી. આ સાદું અને જાણીતું ઉદાહરણ વાપરીને, પાઊલે રોમમાં રહેતા ખ્રિસ્તીઓને એ વિચારવા ઉત્તેજન આપ્યું કે તેઓ કયા માલિકની સેવા કરતા હતા? *

પાઊલ પાસેથી શીખીએ

૧૨, ૧૩. (ક) જુદા જુદા દેશમાંથી આવતા લોકોના દિલ સુધી પહોંચવા શું કરવું જોઈએ? (ખ) તમે પ્રચારમાં કેવી રીતો વાપરી છે અને સામેવાળા પર કેવી અસર થઈ છે?

૧૨ આપણે જુદી જુદી ભાષા અને જાતિના લોકોને પ્રચાર કરીએ ત્યારે, પાઊલની જેમ લોકોનો સમાજ, તેઓની માન્યતા વિષે જાણવું જોઈએ. તેઓ સાથે કેવી રીતે વાત કરવી એ વિચારવું જોઈએ. એમ કરીને, આપણે લોકોના દિલ સુધી પહોંચી શકીશું. આપણે ચાહીએ છીએ કે સર્વ લોકો યહોવાહના રાજ્યનો સંદેશો સારી રીતે સાંભળે અને સમજે. એ માટે આપણે તેઓને જાણે ગોખેલો સંદેશો ન આપીએ અથવા ફક્ત સાહિત્ય આપીને આવતા ન રહીએ. એના બદલે આપણે જાણવું જોઈએ કે તેઓને શામાં રસ છે. કેવી ચિંતા છે, શાનો ડર છે અને શાનાથી નફરત છે. એ બધું જાણવા મગજ કસવું પડશે, સમય કાઢવો પડશે. તોપણ આખી દુનિયાના ભાઈબહેનો રાજીખુશીથી એમ કરી રહ્યા છે. દાખલા તરીકે, હંગેરીમાં યહોવાહના સાક્ષીઓની બ્રાંચ ઑફિસે જણાવ્યું: “અહીંના ભાઈબહેનો બીજા દેશોમાંથી આવેલા લોકોની રહેણી-કરણી અને રીત-રિવાજોને માન આપે છે. તેઓ એવી આશા નથી રાખતા કે બીજા દેશમાંથી આવેલા લોકો અહીંના રીત-રિવાજો અપનાવી લે.” બીજા દેશના ભાઈબહેનો પણ એવું જ કરી રહ્યા છે.

૧૩ પૂર્વ એશિયાના એક દેશમાં મોટા ભાગના લોકો પોતાની તબિયત, બાળકોના ઉછેર અને ભણતર વિષે વધારે ચિંતા કરતા હોય છે. અહીંના ભાઈબહેનો લોકો સાથે આ વિષયો પર વાતચીત કરે છે, નહિ કે દુનિયામાં શાની મુશ્કેલીઓ છે અથવા સમાજમાં શું ચાલી રહ્યું છે. અમેરિકાના એક મોટા શહેરમાં રહેતા ભાઈબહેનોએ જોયું કે તેઓના પાડોશીઓ ભ્રષ્ટાચાર, ટ્રાફિક અને ગુનાઓની વધારે વાતો કરે છે. એટલે તેઓ લોકો સાથે આ વિષયો પર બાઇબલ શું કહે છે એની વાતચીત કરતા. આપણે પણ શીખવવાની કળા કેળવીશું તેમ, કોઈ પણ વિષય પર વાત કરી શકીશું. સામેની વ્યક્તિને ઉત્તેજન આપી શકીશું. આમ કરવાથી, આપણે બતાવી શકીશું કે બાઇબલ સિદ્ધાંતોથી તેઓને હમણાં કઈ રીતે લાભ થશે અને ભાવિમાં પણ કેવા આશીર્વાદો મેળવી શકે.—યશાયાહ ૪૮:૧૭, ૧૮; ૫૨:૭.

૧૪. લોકોના સંજોગો જોઈને આપણે કઈ રીતે રજૂઆતો બદલવી જોઈએ?

૧૪ આપણે યાદ રાખવું જોઈએ કે લોકો પર તેઓના સમાજની, શિક્ષણની અને ધર્મની ઘણી અસર પડી હોય શકે. તેથી આપણે જુદી જુદી રીતે સંદેશો રજૂ કરવો જોઈએ. અમુક લોકો ઈશ્વરમાં માને છે, પણ બાઇબલમાં માનતા નથી. તેઓ સાથે આપણે જે રીતે વાત કરીશું, એ જ રીતે નાસ્તિક સાથે નહિ કરીએ. કોઈક એમ માનતું હોય કે દરેક પોતાના ધર્મોનો પ્રચાર કરવા પોતાનાં પુસ્તકો વાપરે છે. એવા લોકો સાથે આપણે જે રીતે વાત કરીશું, એવી રીતે જેઓ બાઇબલમાં માને છે તેઓની સાથે નહિ કરીએ. લોકો સાથે વાત કરતી વખતે આપણે ધ્યાન રાખવું જોઈએ કે તેઓ કેટલું ભણેલા છે. અમુક લોકો વધારે તો અમુક ઓછું ભણેલા હોય શકે. આપણે લોકોના સંજોગોને ધ્યાનમાં રાખીને, તેઓ સહેલાઈથી સમજે એવાં ઉદાહરણો વાપરવાં જોઈએ.—૧ યોહાન ૫:૨૦.

પ્રચારમાં નવા ભાઈબહેનોને મદદ કરીએ

૧૫, ૧૬. નવા ભાઈબહેનોને કેમ મદદ કરવાની જરૂર છે?

૧૫ પાઊલ ફક્ત એ જ જોતા ન હતા કે પોતે કઈ રીતે સારા શીખવનાર બની શકે. તે બીજાઓને પણ મદદ કરતા હતા. જેમ કે તીમોથી અને તીતસ. તેઓના જેવા યુવાનોને પણ પાઊલે મદદ કરી, જેથી તેઓ પણ સારી રીતે શીખવનાર બની શકે. (૨ તીમોથી ૨:૨; ૩:૧૦, ૧૪; તીતસ ૧:૪) એવી જ રીતે, આપણે પણ બીજાઓને મદદ કરી શકીએ. તેમ જ બીજાઓ પાસેથી પણ આપણે વધારે શીખી શકીએ.

૧૬ વર્ષ ૧૯૧૪માં આખી દુનિયામાં લગભગ ૫,૦૦૦ ભાઈબહેનો હતા. પણ આજે દર અઠવાડિયે લગભગ ૫,૦૦૦ નવા લોકો બાપ્તિસ્મા પામે છે. (યશાયાહ ૫૪:૨, ૩; પ્રેરિતોનાં કૃત્યો ૧૧:૨૧) આ નવા ભાઈબહેનો મંડળમાં આવવાનું અને પ્રચાર કરવાનું શરૂ કરે ત્યારે, તેઓને મદદની જરૂર છે. (ગલાતી ૬:૬) તેઓને શીખવવા માટે આપણે ઈસુનો દાખલો ખાસ તપાસવો જોઈએ. *

૧૭, ૧૮. નવા ભાઈ-બહેનો જાતે પ્રચાર કરી શકે, એ માટે કેવી મદદ કરવી જોઈએ?

૧૭ ઈસુએ પોતાના શિષ્યોને કઈ રીતે મદદ કરી? ઈસુએ લોકોનું ટોળું જોયું કે તરત પોતાના શિષ્યોને એમ ન કહ્યું કે ‘જાવ, તેઓ સાથે વાત કરો.’ સૌથી પહેલાં તો તેમણે શિષ્યોને સમજાવ્યું કે શા માટે પ્રચાર કરવાની જરૂર છે. તેઓને એવું પણ ઉત્તેજન આપ્યું કે તેઓ પ્રચાર વિષે પ્રાર્થના કરતા રહે. પછી ઈસુએ આ ત્રણ રીતે ગોઠવણ કરી: એક, બે-બેની જોડી બનાવી. બીજું, ક્યાં પ્રચાર કરવો એ જણાવ્યું. ત્રીજું, લોકો સાથે શાની વાત કરવી, એ જણાવ્યું. (માત્થી ૯:૩૫-૩૮; ૧૦:૫-૭; માર્ક ૬:૭; લુક ૯:૨,) આપણે પણ એમ જ કરી શકીએ. આપણે પ્રચારમાં પોતાના બાળક સાથે હોઈએ કે નવા ભાઈબહેન સાથે હોઈએ, તેઓને મદદ આપવી જોઈએ. જે ભાઈબહેન ઘણા સમયથી પ્રચારમાં ન આવ્યા હોય, તેઓને પણ મદદ કરીને ઈસુને પગલે ચાલવું જોઈએ.

૧૮ નવા ભાઈ-બહેનો જાતે પ્રચાર કરી શકે એ પહેલાં, તેઓને મદદની ઘણી જરૂર છે. તમે તેઓને એવી રીતે પ્રચાર કરતા શીખવી શકો, જે રીત સહેલી હોય અને લોકોને રસ પડે એવી હોય. તમે તેઓ સાથે પ્રચારમાં જાવ. શરૂઆતમાં અમુક ઘરોએ તમે પોતે વાત કરો. એનાથી નવા ભાઈબહેન જોઈને શીખી શકે. આમ, તમે ગિદઓનને પગલે ચાલો છો, જેણે પોતાના સૈનિકોને કહ્યું: “તમે મારી તરફ નજર રાખીને હું કરૂં તેમ કરજો.” (ન્યાયાધીશો ૭:૧૭) પછી તમે નવા ભાઈબહેનને વાત કરવાનો મોકો આપો. તેઓ જે કોશિશ કરે, એના પ્રેમથી વખાણ કરો. યોગ્ય લાગે તેમ, સુધારો કરવા સૂચન આપી શકો.

૧૯. તમારું ‘સેવાકાર્ય પૂરું કરવા’ તમે કયો પાક્કો નિર્ણય કર્યો છે?

૧૯ ‘આપણું સેવાકાર્ય પૂરું કરવા’ પ્રચારમાં આપણે ફેરફાર કરતા રહેવું જોઈએ. નવા ભાઈબહેનોને પણ એ જ રીતે મદદ આપીએ. આપણો ધ્યેય છે કે લોકોને ઈશ્વરનું સત્ય શીખવીએ, જેથી તેઓનો બચાવ થઈ શકે. આપણને ખાતરી છે કે પ્રચાર કામથી ઘણા લોકોને લાભ થશે. એટલે જ આપણે ‘હરકોઈ રીતે કેટલાએકને તારવા સારૂ સર્વેની સાથે સર્વેના જેવા થઈએ.’—૨ તીમોથી ૪:૫; ૧ કોરીંથી ૯:૨૨.

[ફુટનોટ્‌સ]

^ એવી જ રીતે, પાઊલે રોમમાં રહેતા ખ્રિસ્તીઓને દત્તક લેવાના નિયમ પરથી બીજો એક દાખલો આપ્યો. એ વિષે રોમમાં રહેતા લોકો સારી રીતે જાણકાર હતા. એના પરથી પાઊલે સમજાવ્યું કે કઈ રીતે યહોવાહે એ ખ્રિસ્તીઓને પસંદ કર્યા છે અને શા માટે તેઓ ‘યહોવાહના દીકરા’ કહેવાય છે. (રૂમી ૮:૧૪-૧૭) રોમમાં સંત પાઊલ અંગ્રેજી પુસ્તક કહે છે, ‘રોમમાં દત્તક લેવાનો રિવાજ હોવાથી રોમન પરિવારો માટે આ બહુ સામાન્ય વાત હતી.’

^ યહોવાહના સાક્ષીઓનાં સર્વ મંડળમાં એકબીજાને મદદ કરવાનો પ્રોગ્રામ ચાલે છે. એમાં પાયોનિયરો પોતાના અનુભવ અને આવડતથી બીજા ભાઈબહેનોને મદદ આપે છે.

શું તમને યાદ છે?

• આપણે પ્રચારમાં કઈ રીતે પાઊલ જેવા બની શકીએ?

• આપણે પોતે કેવા ફેરફારો કરવાની જરૂર પડી શકે?

• આપણો સંદેશો કઈ રીતે ઉત્તેજન આપનારો બનાવી શકીએ?

• નવા ભાઈ-બહેનો જાતે પ્રચાર કરી શકે, એ માટે શાની જરૂર છે?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૨૯ પર બ્લર્બ]

પ્રેષિત પાઊલે સંજોગો પ્રમાણે લોકોને જુદી જુદી રીતે પ્રચાર કર્યો અને શીખવ્યું

[પાન ૩૧ પર બ્લર્બ]

ઈસુએ શિષ્યો માટે ત્રણ રીતે ગોઠવણ કરી: બે-બેની જોડી, પ્રચારની જગ્યા અને સંદેશો

[પાન ૨૮ પર ચિત્રો]

પાઊલે સંજોગો પ્રમાણે શીખવ્યું, તે અનેક લોકોના દિલ સુધી પહોંચી શક્યા

[પાન ૩૦ પર ચિત્ર]

સારી રીતે શીખવનાર, વ્યક્તિના રીત-રિવાજો ધ્યાનમાં રાખશે

[પાન ૩૧ પર ચિત્ર]

સારી રીતે શીખવનાર, નવા ભાઈબહેનને પણ મદદ કરશે