સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

‘સર્વ ભાષાના લોકો’ ખુશખબર સાંભળે છે

‘સર્વ ભાષાના લોકો’ ખુશખબર સાંભળે છે

‘સર્વ ભાષાના લોકો’ ખુશખબર સાંભળે છે

“દરેક ભાષા બોલનારી પ્રજાઓમાંથી દશ માણસો કહેશે, કે અમે તારી સાથે આવીશું, કેમકે અમે સાંભળ્યું છે કે દેવ તમારી સાથે છે.”—ઝખાર્યાહ ૮:૨૩.

૧. યહોવાહે કઈ રીતે જુદી જુદી ભાષામાં પ્રચાર કરવાનું કામ શરૂ કર્યું?

 એ ૩૩ની સાલનો સમય હતો. યહુદીઓના પાસ્ખા પર્વના તહેવારનો સમય હતો. એ ઉજવવા રોમ અને એની આસપાસની જુદી જુદી પંદરેક જગ્યાએથી લોકો યરૂશાલેમ આવ્યા હતા. અઠવાડિયા પહેલાંથી યહુદીઓ અને બીજા ધર્મોમાંથી બનેલા યહુદીઓ ત્યાં ઊભરાતા હતા. પેન્તેકોસ્તના દિવસે એક ખાસ બનાવ બન્યો. એ દિવસે યહોવાહ ઈશ્વરે અમુક લોકો પર પવિત્ર આત્મા રેડ્યો, એટલે કે પોતાની શક્તિ રેડી. એ ચમત્કારને લીધે હજારો લોકો પોતપોતાની ભાષામાં ઈશ્વરના રાજ્યની ખુશખબર સાંભળી શક્યા. જોકે સદીઓ પહેલાં બાબેલોનમાં યહોવાહે જે રીતે ભાષા ગૂંચવી નાખી હતી, એનાથી આ એકદમ અલગ જ બનાવ હતો. બાબેલોનમાંના એ ચમત્કારને લીધે લોકો જુદી જુદી ભાષા બોલવા લાગ્યા. પણ તેઓ એકબીજાને સમજી શકતા ન હતા. તેઓમાં ગૂંચવણ ઊભી થઈ હતી. જ્યારે કે પેન્તેકોસ્તના દિવસે શિષ્યો જુદી જુદી ભાષામાં બોલવા લાગ્યા તોપણ, લોકો એ સમજી શક્યા. દરેક પોતાની ભાષામાં ઈશ્વરના રાજ્ય વિષે જાણી શક્યા. (પ્રેરિતોનાં કૃત્યો ૨:૧-૧૨) ત્યારથી જુદી જુદી ભાષાનાં મંડળ શરૂ થયાં. લોકોને પોતાની ભાષામાં ઈશ્વરનું સત્ય શીખવવાનું એ કામ આજ સુધી ચાલુ છે.

૨. પેન્તેકોસ્તના દિવસે ઈસુના શિષ્યો જુદી જુદી ભાષામાં બોલ્યા, એ સાંભળીને લોકોને કેમ ‘આશ્ચર્ય’ થયું?

ઈસુના શિષ્યો કદાચ ગ્રીક ભાષા બોલતા હોય શકે, જે એ જમાનામાં જાણીતી હતી. મંદિરમાં તો હિબ્રૂ ભાષા બોલાતી. શિષ્યો એ પણ વાપરતા. યરૂશાલેમમાં અલગ અલગ દેશોમાંથી લોકો તહેવાર ઉજવવા આવ્યા હતા. ત્યાં પોતાની ભાષામાં થતી વાતો સાંભળીને તેઓ “આશ્ચર્ય” પામ્યા. પછી શું થયું? લોકોએ પોતાની ભાષામાં સંદેશો સાંભળ્યો, એ તેઓના દિલમાં ઊતરી ગયો. એ જ દિવસે ૩,૦૦૦ લોકોએ બાપ્તિસ્મા લીધું.—પ્રેરિતોનાં કૃત્યો ૨:૩૭-૪૨.

૩, ૪. અમુક શિષ્યો યરૂશાલેમ, યહુદાહ અને ગાલીલમાંથી બીજે રહેવા ગયા ત્યારે પ્રચાર કાર્ય કઈ રીતે ફેલાયું?

એ બનાવના થોડા દિવસો પછી, યરૂશાલેમમાં સખત સતાવણી શરૂ થઈ. “જેઓ વિખેરાઈ ગયા હતા તેઓ સુવાર્તા પ્રગટ કરતા ચારેગમ ફર્યા.” (પ્રેરિતોનાં કૃત્યો ૮:૧-૪) દાખલા તરીકે, પ્રેરિતોનાં કૃત્યોના આઠમા અધ્યાયમાં આપણને ફિલિપ વિષે જોવા મળે છે. ફિલિપ ગ્રીક ભાષા બોલતા. તે ઉત્સાહથી યહોવાહનો પ્રચાર કરતા હતા. તેમણે સમરૂનના લોકોને પ્રચાર કર્યો. ફિલિપે ઇથિયોપિયાના એક મંત્રી, હબસી ખોજાને પ્રચાર કર્યો. પછી તેણે પણ ઈસુના પગલે ચાલવાનું શરૂ કર્યું.—પ્રેરિતોનાં કૃત્યો ૬:૧-૫; ૮:૫-૧૩, ૨૬-૪૦; ૨૧:૮, ૯.

એક સમયે ખ્રિસ્તીઓ ફક્ત યરૂશાલેમ, યહુદાહ અને ગાલીલમાં રહેતા હતા. સમય જતાં તેઓ બીજાં શહેરોમાં રહેવા ગયા ત્યારે, તેઓ બીજી નાત-જાત અને ભાષાના લોકો મળ્યા. એ ખ્રિસ્તીઓમાંથી અમુકે ફક્ત યહુદીઓને જ પ્રચાર કર્યો હોય શકે. પણ શિષ્ય લુકે લખ્યું: “તેઓમાંના કેટલાએક સૈપ્રસના તથા કુરેનીના માણસો હતા, તેઓએ અંત્યોખ આવીને ગ્રીક લોકને પણ પ્રભુ ઈસુ વિષેની સુવાર્તા કહી સંભળાવી.”—પ્રેરિતોનાં કૃત્યો ૧૧:૧૯-૨૧.

ઈશ્વરે બધા માટે સંદેશો આપ્યો છે

૫. પ્રચાર કાર્ય કઈ રીતે પુરાવો આપે છે કે યહોવાહની નજરમાં આપણે સર્વ સરખા છીએ?

યહોવાહ ચાહે છે કે સર્વ તેમના રાજ્ય વિષે જાણે. તેમને ફક્ત કોઈ એક જાતિ કે ભાષાના લોકો જ વહાલા છે, એવું નથી. યહોવાહે પીતરને મદદ કરી, જેથી તે બીજા ધર્મોના લોકો માટે પોતાના વિચારોમાં ફેરફાર કરી શકે. એની કદર કરતા પીતરે કહ્યું કે “હવે હું ખચીત સમજું છું કે દેવ પક્ષપાતી નથી; પણ દરેક દેશમાં જે કોઈ તેની બીક રાખે છે, ને ન્યાયીપણું કરે છે, તે તેને માન્ય છે.” (પ્રેરિતોનાં કૃત્યો ૧૦:૩૪, ૩૫; ગીતશાસ્ત્ર ૧૪૫:૯) શાઊલ પહેલાં ખ્રિસ્તીઓની સતાવણી કરતા હતા. પછી તે પોતે ખ્રિસ્તી બન્યા. તેમણે જણાવ્યું કે ઈશ્વર ચાહે છે કે “સઘળાં માણસો તારણ પામે.” તેમણે ભાર મૂકતા કહ્યું કે ઈશ્વર કોઈનો પક્ષ લેતા નથી. (૧ તીમોથી ૨:૪) યહોવાહ આપણા સરજનહાર છે. તેમની નજરમાં બધાય સરખા. તે સર્વ નાત-જાત, ભાષા, દેશના સ્ત્રી-પુરુષોને પોતાના રાજ્યની ખુશખબર સાંભળવાનો મોકો આપે છે.

૬, ૭. બાઇબલ અગાઉથી કઈ રીતે જણાવે છે કે જુદી જુદી ભાષામાં યહોવાહના રાજ્યનો પ્રચાર કરવામાં આવશે?

સદીઓ પહેલાંથી કહેવામાં આવ્યું હતું કે આખી દુનિયામાં યહોવાહની ભક્તિ થશે. દાનીયેલે યહોવાહની પ્રેરણાથી લખ્યું કે “તેને [ઈસુને] સત્તા, માન અને અધિકાર આપવામાં આવ્યા, જેથી સર્વ રાષ્ટ્રો, પ્રજાઓ અને ભાષાઓના લોક તેની સેવા કરે.” (દાનિયેલ ૭:૧૪, કોમન લેંગ્વેજ) એ કલમ પ્રમાણે આ મૅગેઝિન આજે ૧૫૧ ભાષાઓમાં છાપવામાં આવે છે. આખી દુનિયામાં એ વહેંચવામાં આવે છે. તમે પણ આ મૅગેઝિનમાં યહોવાહના રાજ્ય વિષે વાંચી શકો છો. આપણા દિવસો વિષે બાઇબલ શું કહે છે, એ પણ વાંચી શકો. એના પર મનન કરી શકો છો.

બાઇબલમાં લખવામાં આવ્યું છે કે જુદી જુદી ભાષાના લોકો જીવન આપનાર સંદેશો સાંભળશે. ઈશ્વરભક્ત ઝખાર્યાહે લખ્યું કે લોકો કઈ રીતે રાજી-ખુશીથી સાચી ભક્તિ કરશે: “તે સમયે દરેક ભાષા બોલનારી પ્રજાઓમાંથી દશ માણસો કોઈ એક યહુદી માણસની ચાળ પકડીને કહેશે, કે અમે તારી સાથે આવીશું, કેમકે અમે સાંભળ્યું છે કે દેવ તમારી સાથે છે.” (ઝખાર્યાહ ૮:૨૩; ગલાતી ૬:૧૬) પ્રેષિત યોહાને એક દર્શન જોયું હતું. એના વિષે તે કહે છે: “જુઓ, સર્વ દેશોમાંથી આવેલા, સર્વ કુળના, લોકના તથા ભાષાના, કોઈથી ગણી શકાય નહિ એટલા માણસોની એક મોટી સભા! તેઓ રાજ્યાસનની આગળ તથા હલવાનની આગળ ઊભેલા હતા.” (પ્રકટીકરણ ૭:૯) ખરેખર, એ આજે આપણી નજર આગળ સાચું પડે છે!

સર્વ લોકોને પ્રચાર કરીએ

૮. શા માટે આપણે પ્રચારમાં ફેરફાર કરવો પડે છે?

આજે વધારે ને વધારે લોકો પોતાનો દેશ છોડીને બીજા દેશોમાં રહેવા જાય છે. વિશ્વને એક કરવાના પ્રયત્નોને કારણે લોકો આસાનીથી એકથી બીજા દેશમાં જઈ શકે છે. ઘણા દેશોમાં યુદ્ધોને કારણે લાખો લોકોને બીજા દેશોમાં નાસી જવું પડે છે. ગરીબ દેશોમાંથી લાખો લોકો પૈસા કમાવા ધનવાન દેશોમાં જાય છે. ઘણા દેશોમાં પરદેશીઓ અને રેફ્યુજી રહેતા હોવાથી, અમુક શહેરોમાં ઘણી ભાષાઓ બોલાય છે. દાખલા તરીકે, ફિનલૅન્ડમાં ૧૨૦થી વધારે ભાષાઓ બોલાય છે. ઑસ્ટ્રેલિયામાં ૨૦૦થી વધારે ભાષાઓ છે. અમેરિકાના સૅન ડિએગો શહેરમાં ૧૦૦થી વધારે ભાષાઓ બોલાય છે!

૯. પ્રચારમાં જુદી જુદી ભાષાના લોકો મળે ત્યારે, આપણને કેવું લાગવું જોઈએ?

આપણને પ્રચારમાં જુદી જુદી ભાષાના લોકો મળે તો, એને શું નડતર ગણીએ છીએ? બિલકુલ નહિ! અનેક ભાષા બોલતા લોકોને મળીએ, એનાથી આપણને હજુ વધારે લોકોને પ્રચાર કરવાનો મોકો મળે છે. જાણે કે ‘ખેતરો કાપણીને માટે તૈયાર થઈ ગયા હોય.’ (યોહાન ૪:૩૫) જેઓને સાચા ઈશ્વરની ભક્તિની ભૂખ છે, તેઓને આપણે ચોક્કસ મદદ કરવી જોઈએ. પછી ભલેને તેઓ ગમે તે નાત-જાતના હોય કે ગમે તે ભાષા બોલતા હોય. એમ કરવાને લીધે ‘સર્વ ભાષામાંથી’ આવતા ઘણા લોકો દર વર્ષે ઈસુના શિષ્યો બને છે. (પ્રકટીકરણ ૧૪:૬) દાખલા તરીકે, ઑગસ્ટ ૨૦૦૪થી જર્મનીમાં ૪૦ જેટલી ભાષાઓમાં પ્રચાર કરવામાં આવે છે. ઑસ્ટ્રેલિયામાં દસ વર્ષ પહેલાં ૧૮ ભાષાઓમાં પ્રચાર કરવામાં આવતો હતો. આજે ત્યાં લગભગ ૩૦ ભાષાઓમાં પ્રચાર કરવામાં આવે છે. યહોવાહના સાક્ષીઓ ગ્રીસમાં લગભગ ૨૦ ભાષાઓમાં પ્રચાર કરે છે. આખી દુનિયામાં યહોવાહના સાક્ષીઓમાંથી લગભગ ૨૦ ટકા જ અંગ્રેજી બોલે છે. બાકીના ૮૦ ટકા બીજી કોઈ ભાષા બોલે છે.

૧૦. ‘સર્વને’ શિષ્ય બનાવવા માટે આપણે શું કરીએ છીએ?

૧૦ ‘સર્વ દેશનાઓને શિષ્ય કરવાની’ ઈસુએ આપેલી આજ્ઞા આજે પાળવામાં આવે છે! (માત્થી ૨૮:૧૯) એ માટે આજે યહોવાહના સાક્ષીઓ ૨૩૫ દેશોમાં ૪૦૦થી વધારે ભાષાઓમાં સાહિત્ય આપે છે. યહોવાહની સંસ્થા લોકોના દિલ સુધી પહોંચવા સાહિત્ય છાપે છે. તો પછી આપણી એ જવાબદારી છે કે “સર્વ” લોકો જે ભાષામાં સમજે, એમાં તેઓને બાઇબલનો સંદેશો જણાવીએ. (યોહાન ૧:૭) એનાથી જુદી જુદી ભાષા બોલતા લાખો લોકો યહોવાહના રાજ્યની ખુશખબરથી લાભ મેળવે છે. (રૂમી ૧૦:૧૪, ૧૫) આપણે દરેક એમાં ખુશીથી ભાગ લઈએ છીએ!

નવી ભાષા શીખવી કંઈ સહેલી નથી

૧૧, ૧૨. (ક) પ્રચારમાં આપણે કઈ ચેલેંજ ઉપાડવી પણ પડે? યહોવાહ આપણને કઈ રીતે મદદ કરશે? (ખ) લોકોને તેઓની ભાષામાં પ્રચાર કરવાથી શું ફાયદો થશે?

૧૧ આજે ઘણા ભાઈબહેનો બીજી ભાષા શીખવા ચાહે છે. પણ તેઓ જાણે છે કે તેઓએ પોતે મહેનત કરવી પડશે. યહોવાહ ચમત્કાર કરીને કંઈ નવી ભાષા શીખવી દેશે નહિ. (૧ કોરીંથી ૧૩:૮) નવી ભાષા શીખવી એ જેવી તેવી વાત નથી. જેઓ બીજી ભાષા જાણે છે તેઓ પણ પોતાના વિચારો અને પ્રચાર કરવાની રીતમાં ફેરફાર કરે છે. શા માટે? જેથી તેઓ જુદા દેશ અને સમાજમાંથી આવતા લોકોના દિલ સુધી બાઇબલનો સંદેશો પહોંચાડી શકે. ઘણીવાર, બીજા દેશમાંથી આવેલા લોકો શરમાળ હોય છે. તેઓને સારી રીતે સમજતા વાર લાગે છે.

૧૨ તોપણ બીજી ભાષા બોલતા લોકો સાથે વાત કરવા યહોવાહ આપણને તેમની શક્તિથી હિંમત આપે છે. (લુક ૧૧:૧૩) એવું નથી કે યહોવાહ ચમત્કાર કરીને પોતાના પવિત્ર આત્મા કે શક્તિ દ્વારા બીજી ભાષા બોલવા મદદ કરશે. ના, પણ બીજી ભાષાના લોકો સાથે વાતચીત કરવા એ આપણને ઉત્તેજન આપે છે. (ગીતશાસ્ત્ર ૧૪૩:૧૦) લોકોને કોઈ બીજી જ ભાષામાં બાઇબલ વિષે જણાવવાથી, ફક્ત તેઓના મન સુધી જ પહોંચી શકાય છે. પણ તેઓની પોતાની ભાષામાં વાત કરવાથી, તેઓના દિલ સુધી પહોંચી શકાય છે. તેઓ એ જ ભાષામાં વિચારે છે, બોલે છે, ચાલે છે, જીવે છે, આશા રાખે છે.—લુક ૨૪:૩૨.

૧૩, ૧૪. (ક) શા માટે અમુક ભાઈબહેનો બીજી ભાષા બોલતા લોકોને પ્રચાર કરે છે? (ખ) અમુક ભાઈબહેનો બીજી ભાષા બોલતા લોકોને બાઇબલમાંથી કેવી રીતે શીખવે છે?

૧૩ ઘણા ભાઈબહેનો જુએ છે કે બીજી ભાષા બોલતા લોકો બાઇબલનો સંદેશો સારી રીતે સાંભળે છે. સત્ય સ્વીકારે છે. એટલે તેઓ પણ એવી જગ્યાએ પ્રચાર કામ શરૂ કરે છે. નવા નવા સંજોગોમાં પ્રચાર કરવાથી ઘણા ભાઈબહેનોની હોંશ વધે છે. દક્ષિણ યુરોપમાં યહોવાહના સાક્ષીઓની બ્રાંચ ઑફિસે જણાવ્યું, “પૂર્વ યુરોપમાંથી આવતા ઘણા લોકો ઈશ્વરનું સત્ય જાણવા તરસે છે.” યહોવાહ વિષે શીખવા તૈયાર હોય, એવા લોકોને મદદ કરીને આપણને કેટલો સંતોષ મળે છે!—યશાયાહ ૫૫:૧, ૨.

૧૪ આપણે પ્રચારમાં ઘણા લોકોને મદદ કરવા ચાહતા હોઈએ તો શું કરી શકીએ? એક તો સુખ-સગવડિયું જીવન છોડવા મનમાં પાક્કો નિર્ણય કરવો જોઈએ. (ગીતશાસ્ત્ર ૧૧૦:૩) દાખલા તરીકે, કેટલાક જાપાનીઝ ભાઈબહેનો પરિવાર સાથે મોટાં શહેરોમાં આરામથી રહેતા હતા. તોપણ તેઓ દૂર દૂરનાં ગામડાંમાં રહેવા ગયા. શા માટે? જેથી એ ગામડાઓમાં રહેતા ચાઈનીસ લોકોને બાઇબલનું સત્ય શીખવી શકે. પશ્ચિમ અમેરિકામાં ભાઈ-બહેનો નિયમિત એકથી બે કલાક કારમાં મુસાફરી કરીને ફિલિપીનો લોકોને બાઇબલમાંથી શીખવવા જાય છે. નૉર્વેમાં એક યુગલ અફઘાનિસ્તાનથી આવેલા પરિવારને સત્ય શીખવે છે. પરિવારની ભાષા તો ડારી છે. પણ આ યુગલ તેઓની સાથે અંગ્રેજી અને નૉર્વેજીઅન ભાષામાં દેવ આપણી પાસે શું માંગે છે? પુસ્તિકા વાપરે છે. * આ પરિવાર અંગ્રેજી કે નૉર્વેજીઅનની ભાષા બરાબર સમજતા ન હોવાથી, તેઓ પર્સિઅન ભાષામાં ફકરો વાંચે છે. પર્સિઅન ને ડારી ભાષા એકબીજા સાથે મળતી આવે છે. પછી તેઓ અંગ્રેજી અથવા નૉર્વેજીઅનમાં જવાબ આપે છે. આ રીતે બીજી ભાષા બોલતા લોકો બાઇબલમાંથી યહોવાહનું સત્ય શીખે છે ત્યારે, આપણને કેટલો આનંદ થાય છે! *

૧૫. આપણે કઈ રીતે જુદી જુદી ભાષામાં પ્રચાર કરી શકીએ?

૧૫ શું તમે જુદી જુદી ભાષામાં પ્રચાર કરી શકો? તમે પ્રચાર કરો છો ત્યાં કઈ કઈ ભાષાઓ બોલાય છે, એ શોધી કાઢો. પછી તમે એ ભાષાઓમાં અમુક પત્રિકા અને બ્રોશર લઈ જઈ શકો. ગુડ ન્યૂઝ ફૉર પીપલ ઓફ ઑલ નેશન્સ પુસ્તિકા ૨૦૦૪માં બહાર પડી છે. આ પુસ્તિકામાં ઘણી ભાષાઓમાં સાદી રીતે યહોવાહના રાજ્યનો સંદેશો આપવામાં આવ્યો છે. પ્રચારમાં એ પુસ્તિકા વાપરો. એનાથી તમને ઘણી મદદ મળશે.—પાન ૩૨ પર “ગુડ ન્યૂઝ ફૉર પીપલ ઑફ ઑલ નેશન્સ” લેખ જુઓ.

‘પરદેશી પર પ્રીતિ રાખીએ’

૧૬. કઈ રીતે મંડળના વડીલોએ બીજી ભાષા બોલતા ભાઈબહેનોને સાચો પ્રેમ બતાવીને મદદ કરી?

૧૬ આપણે બીજી ભાષા શીખીએ કે ન શીખીએ, પણ બીજી ભાષા બોલતા અડોશી-પડોશીને ઈશ્વર વિષે જાણવા મદદ કરીએ. યહોવાહે પોતાના લોકોને સલાહ આપી, ‘પરદેશી પર પ્રીતિ રાખો.’ (પુનર્નિયમ ૧૦:૧૮, ૧૯) દાખલા તરીકે, ઉત્તર અમેરિકાના એક શહેરમાં યહોવાહના સાક્ષીઓનો એક હૉલ છે. આ હૉલમાં પાંચ મંડળ સભાઓ ભરે છે. બીજા હૉલમાં થાય છે તેમ, અહીં પણ દર વર્ષે વારા પ્રમાણે મિટિંગના સમય બદલાય છે. એવું બન્યું કે ચાઈનીસ મિટિંગનો સમય રવિવારે સાંજે રાખવાનો વારો આવ્યો. પણ ચાઈનીસ મંડળ માટે એ સારો સમય ન હતો. એ શહેરના ચીની લોકો સાંજે રેસ્ટોરન્ટમાં નોકરી કરતા હોવાથી, સાંજની મિટિંગમાં ન જઈ શકે. બીજા મંડળના વડીલોએ તેઓના સંજોગો જોયા. એટલે પોતાની મિટિંગનો સમય બદલ્યો, જેથી ચાઈનીસ મંડળ દિવસે સભાઓ રાખી શકે.

૧૭. કોઈ ભાઈબહેન બીજી ભાષાના ગ્રૂપમાં જવાનો નિર્ણય કરે, એ શું ખોટું કહેવાય?

૧૭ માનો કે કોઈ ભાઈબહેન બીજી ભાષામાં સારી રીતે પ્રચાર કરી શકે છે. તેઓ એ ભાષાના ગ્રૂપને મદદ કરવા એની ટેરેટરીમાં જવા ચાહતા હોય તો શું? એમ હોય તો, પ્રેમાળ વડીલોએ ખુશ થવું જોઈએ. ખરું કે એવા ભાઈબહેનોને છોડવાનું ગમશે નહિ. પણ તેઓએ લુસ્રા અને ઈકોનિઆના વડીલો જેવું બનવું જોઈએ. તીમોથી પોતાના મંડળમાં બહુ સારું કરતા હતા. તોપણ વડીલોએ તીમોથીને પાઊલ સાથે જતા રોક્યા નહિ. (પ્રેરિતોનાં કૃત્યો ૧૬:૧-૪) પ્રચાર કામમાં સારું કરી રહ્યા છે તેઓ માટે બીજી ભાષાના લોકોના વિચારો, રીત-રિવાજો કોઈ નડતર નથી. તેઓ યહોવાહના રાજ્યની ખુશખબર ફેલાવવા પરદેશીઓના રીત-રિવાજો સમજીને, તેઓ સાથે સારો સંબંધ બાંધવાની કોશિશ કરે છે.—૧ કોરીંથી ૯:૨૨, ૨૩.

૧૮. આપણી આગળ કયા મહાન કાર્યનું દ્વાર ખુલ્લું છે?

૧૮ અગાઉથી જણાવ્યું હતું તેમ, ‘સર્વ પ્રજા અને ભાષાના લોકોને’ યહોવાહના રાજ્યનો પ્રચાર થાય છે. બીજી ભાષાઓ બોલતા ઘણાને હજી પ્રચાર કરવાનો છે. હજારો ભાઈબહેનો ‘આ મહાન કાર્યના દ્વારમાં’ પ્રવેશે છે, જેથી તેઓ બીજી ભાષા બોલતા લોકોને મદદ કરી શકે. (૧ કોરીંથી ૧૬:૯) બીજી ભાષા બોલતા લોકોને પ્રચાર કરવા અને તેઓમાં સત્યની ભૂખ જગાડવા માટે હજી ઘણું કરવાની જરૂર છે. એ આપણે હવે પછીના લેખમાં જોઈશું.

[ફુટનોટ્‌સ]

^ યહોવાહના સાક્ષીઓ દ્વારા પ્રકાશિત.

^ વધારે અનુભવો માટે એપ્રિલ ૧, ૨૦૦૪નું ચોકીબુરજ, પાન ૨૪-૮ “અમારા પર યહોવાહના આશીર્વાદોનો વરસાદ” લેખ જુઓ.

શું તમે સમજાવી શકો?

• ભેદભાવ ન રાખવાની બાબતે, આપણે કેવી રીતે યહોવાહને પગલે ચાલી શકીએ?

• પ્રચારમાં બીજી ભાષાના લોકોને મળીએ ત્યારે, આપણે કેવું લાગવું જોઈએ?

• લોકોને તેઓની ભાષામાં પ્રચાર કરવાથી શું ફાયદો થશે?

• આપણે બીજી ભાષા બોલનારાને કઈ રીતે મદદ કરી શકીએ?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૨૩ પર નકશા/ચિત્ર]

(લેખને છપાયો છે એવો જોવા એ પ્રકાશનમાં જુઓ)

રોમ

ક્રીટ

એશિયા

ફ્રુગિયા

પાંફુલ્યા

પંતસ

કાપાદોકિયા

મેસોપોટામ્યા

માદાય

પારથિયા

એલામ

અરબ

લિબિયા

ઇજિપ્ત

હુદાહ

યરૂશાલેમ

[Bodies of water]

ભૂમધ્ય સમુદ્ર

કાળો સમુદ્ર

રાતો સમુદ્ર

ઈરાનનો અખાત

[ચિત્ર]

પેન્તેકોસ્તનો દિવસ, ૩૩ની સાલ. એ દિવસે રોમ અને એની આસપાસની ૧૫ જગ્યાએથી લોકોએ પોતાની ભાષામાં ખુશખબર સાંભળી

[પાન ૨૪ પર ચિત્રો]

ઘણા બીજી ભાષા બોલનારા બાઇબલનો સંદેશો સાંભળે છે

[પાન ૨૫ પર ચિત્ર]

પાંચ ભાષાઓમાં કિંગ્ડમ હૉલની સાઇન