સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઇટાલિઅન ભાષાનું બાઇબલ એની મુસીબતોનો ઇતિહાસ

ઇટાલિઅન ભાષાનું બાઇબલ એની મુસીબતોનો ઇતિહાસ

ઇટાલિઅન ભાષાનું બાઇબલ એની મુસીબતોનો ઇતિહાસ

“અમારા દેશમાં [ઇટલીમાં] આજે બીજાં પુસ્તકો કરતાં બાઇબલ સૌથી વધારે મળી આવે છે. તોપણ લોકો એ ઓછું વાંચે છે. અમુક લોકોને બાઇબલ વાંચવાનું કોઈ ઉત્તેજન પણ મળતું નથી. કોઈને કહેવામાં આવતું નથી કે બાઇબલ ઈશ્વરની વાણી છે. અમુકને તો બાઇબલમાંથી ખરેખર શીખવું છે, પણ શીખવનાર કોઈ નથી.”

ઉપરના શબ્દો ૧૯૯૫માં, ઇટલીના બિશપો કે ધર્મગુરુઓના સંમેલનમાં કહેવામાં આવ્યા હતા. એ કારણથી અનેક સવાલો ઊભા થયા. પાછલી સદીઓમાં ખરેખર કેટલા લોકો ઇટલીમાં બાઇબલ વાંચતા? બીજા દેશો કરતાં ઇટલીમાં બાઇબલ કેમ બહુ ઓછું જોવા મળતું હતું? આજે પણ ઇટલીમાં કેમ લોકો બાઇબલ સૌથી ઓછું વાંચે છે? ઇટલીની ભાષામાં બાઇબલ કેવી રીતે આવ્યું, એ જાણવાથી આપણને એના અમુક જવાબો મળશે.

લૅટિન ભાષામાંથી યુરોપની ભાષાઓમાં વિકાસ થવામાં ઘણો જ સમય લાગ્યો. લૅટિનમાંથી ફ્રેન્ચ, ઇટાલિઅન, પોર્ટુગીઝ અને સ્પૅનિશ જેવી બીજી અનેક ભાષાઓ આવી. ધીમે ધીમે આ દરેક ભાષાનું માન વધવા લાગ્યું. હવે ફક્ત લૅટિનમાં નહિ, પણ જુદી જુદી ભાષામાં સાહિત્ય બહાર પડવા લાગ્યું. ભાષાઓ વિકસતી ગઈ તેમ, બાઇબલ ભાષાંતર પર એની ઊંડી અસર થઈ. કઈ રીતે? એક સમયે અનેક દેશોના કૅથલિક ચર્ચના પાદરીઓ લૅટિન ભાષા જ વાપરતા. પણ લોકો એ ભાષા સમજતા નહિ, કારણ કે લોકો જુદા જુદા ઉચ્ચાર કરતા. એટલું જ નહિ, પણ જો કોઈ થોડું જ ભણ્યા હોય તો તેઓને એ ભાષા સમજાતી નહિ.

લગભગ આજથી ૧,૦૦૦ વર્ષ પહેલાં, મોટે ભાગે ઇટલીના લોકો લૅટિન વલ્ગેટ બાઇબલ વેચાતું લઈ શકતા ન હતા. અરે, જો લઈ શકે તો વાંચી પણ ન શકતા. સદીઓ સુધી ચર્ચના પાદરીઓ ભણતર ઉપર અધિકાર ચલાવતા હતા. જે થોડી યુનિવર્સિટી હતી એમાં પણ ફક્ત ઊંચા ખાનદાનના છોકરાઓ જ ભણી શકતા. એટલે ધીમે ધીમે લોકો ‘બાઇબલથી સાવ અજાણ થઈ ગયા હતા.’ તેમ છતાં ઘણાને પોતાની ભાષામાં બાઇબલ વાંચવું હતું.

પાદરીઓ ઇચ્છતા ન હતા કે બાઇબલનું ભાષાંતર કરવામાં આવે. ઘણાને ડર હતો કે જો એમ થશે તો અનેક પંથો ઊભા થશે. ઇતિહાસકાર માશિમો ફરિપોનું કહેવું છે કે ‘ફક્ત પાદરીઓ જ લૅટિન ભાષા સમજી શકતા. તેથી તેઓ સમાજ ઉપર અધિકાર ચલાવતા. હવે જુદી જુદી ભાષામાં બાઇબલ હોય તો બધા જ વાંચી શકશે. લોકો પાદરીઓના પંજામાંથી છટકી જશે.’ એવા અનેક કારણો સાથે સાથે સંસ્કાર, સંસ્કૃતિ, અને ધર્મને લીધે, આજે પણ ઇટલીના લોકોને બાઇબલનું એટલું જ્ઞાન નથી.

બાઇબલના અમુક ભાગોનું પહેલું ભાષાંતર

તેરમી સદીમાં પહેલી વાર બાઇબલના અમુક ભાગોનું લૅટિનમાંથી ઇટાલિઅન ભાષામાં ભાષાંતર થયું. એની કૉપી હાથેથી કરવી પડતી, એટલે બહુ મોંઘી હતી. પછી તો ચૌદમી સદીમાં ઘણા જુદા જુદા સમયે અને જગ્યાએ બાઇબલનું ભાષાંતર કરવા લાગ્યા. એટલે ભાષાંતર થયેલું લગભગ આખું બાઇબલ મળી શકતું. ભાષાંતર કરનારા એમાં પોતાનું નામ લખતા નહિ. એ બાઇબલો કોણ લેતું? ફક્ત ભણેલા-ગણેલા અને અમીર લોકો, કેમ કે તેઓ જે એ વાંચી શકતાં અને એ વેચાતાં લઈ શકતાં.

સદીઓથી ઇટલીમાં મોટા ભાગના લોકો અભણ હતા. વર્ષ ૧૮૬૧માં ઇટલીમાં એક જ સરકાર રાજ કરવા લાગી ત્યારે, ત્યાં ૭૪.૭ ટકા લોકો અભણ હતા. એ સરકારે કાયદો પસાર કર્યો કે સરકારી સ્કૂલમાં બધાને મફત ભણવા મળશે. એટલે પોપ પાયસ નવમાએ ૧૮૭૦માં રાજાને પત્રમાં કહ્યું કે ‘આ કાયદો રોકાવો. તમારાથી બનતું બધું કરો, એવી મારી વિનંતી છે. નહિતર રોગની જેમ એ કાયદો કૅથલિક સ્કૂલોનો નાશ કરશે.’

ઇટાલિઅન ભાષામાં પહેલું બાઇબલ

યુરોપમાં પ્રિન્ટિંગ પ્રેસ આવ્યું એના સોળેક વર્ષ પછી ૧૪૭૧માં ઇટલીના વેનિસ શહેરમાં, ઇટાલિઅન ભાષામાં આખું બાઇબલ છપાયું. કામાઅલડૉલીના મઠ સાધુ નિકૉલૉ માલર્બીએ ઇટાલિઅન ભાષામાં બાઇબલ ભાષાંતર કરવાનું કામ ઉપાડ્યું હતું. એ માટે તેમણે ભાષાંતર થએલા અનેક ભાગોમાંથી મદદ લીધી. લૅટિન બાઇબલને આધારે તેમણે એ કામ કર્યું. પોતાના વિસ્તાર, એટલે વેનેસિયા શહેરની બોલી પ્રમાણે, તેમણે થોડો સુધારો-વધારો કરીને આઠ મહિનામાં પોતાનું બાઇબલ પાડ્યું. એ સમયમાં તેમનું બાઇબલ સારું એવું ફેલાયું હતું.

એના પછી અન્ટૉનિયો બ્રુકૉલિએ વેનિસમાં બાઇબલનું ભાષાંતર કરીને બહાર પાડ્યું હતું. તે પોતે કૅથલિક હતો. માનવતામાં માનતો હતો. તેના વિચારો પ્રોટેસ્ટંટ શિક્ષણ પ્રમાણે હતા. તોપણ તેણે કૅથલિક ધર્મથી નાતો તોડ્યો ન હતો. વર્ષ ૧૫૩૨માં, તેણે મૂળ હિબ્રૂ અને ગ્રીક ભાષામાંથી ઇટાલિઅન ભાષામાં બાઇબલનું ભાષાંતર કર્યું અને બહાર પાડ્યું. ઇટલીમાં આ રીતે થયું હોય, એવું એ પહેલું બાઇબલ ભાષાંતર હતું. જોકે એ વાંચવું એટલું સરળ ન હતું. તોપણ એના વિચારો હિબ્રૂ અને ગ્રીક બાઇબલ પ્રમાણે હતા. એ જમાનામાં પ્રાચીન ભાષાના વિચારો બીજી ભાષામાં ઉતારવા, એ સહેલું કામ ન હતું. બ્રુકૉલિએ ભાષાંતર કરતી વખતે અમુક આવૃત્તિમાં, ઇટાલિઅન ભાષામાં ઈશ્વરનું નામ “ઈઑવા” પણ લખ્યું હતું. લગભગ એક સદી સુધી ઇટલીના પ્રોટેસ્ટંટ અને બીજા ખ્રિસ્તી પંથો માટે, એ બાઇબલ લોકપ્રિય બની ગયું.

એના પછી તો અમુક કૅથલિક ભાષાંતરકારોએ બ્રુકૉલિના બાઇબલમાં સુધારો કરીને, ઇટાલિઅન ભાષામાં બાઇબલો બહાર પાડ્યા. એમાંની એક પણ આવૃત્તિ એટલી બધી ફેલાઈ નહિ. જૉવાનિ ડિઑડાટિ કેલ્વિન પંથનો પાદરી હતો. તેનાં માબાપને ધાર્મિક સતાવણીનો ડર હતો. એટલે તેઓ ઇટલીમાંથી સ્વિટ્‌ઝર્લૅન્ડ નાસી છૂટ્યા હતા. એ પાદરીએ ૧૬૦૭માં જીનીવા શહેરમાં મૂળ હિબ્રૂ અને ગ્રીક ભાષામાંથી ઇટાલિઅન ભાષામાં બાઇબલ બહાર પાડ્યું. એની સદીઓ પછી પણ ઇટાલિઅન ભાષામાં વાંચતા પ્રોટેસ્ટંટ લોકોનું એ લોકપ્રિય બાઇબલ હતું. એ જમાનામાં તેમણે જે ભાષા વાપરી હતી, તે સૌથી ઉત્તમ હતી. એ કારણથી ઇટલીના લોકો બાઇબલનું ખરું સત્ય સમજવા લાગ્યા. એટલે કૅથલિક પાદરીઓ એ અને બીજાં બાઇબલો લોકોને આપવાની મનાઈ કરી.

‘બાઇબલથી અજાણ હતા’

‘પ્રિન્ટિંગ પ્રેસની શોધ થઈ એ પહેલાં, ચર્ચ હંમેશાં બધાં જ પુસ્તકો પર કડક નજર રાખતું. પરંતુ પ્રેસનો વપરાશ વધવા લાગ્યો, એટલે તેઓએ ખતરનાક પુસ્તકોનું લિસ્ટ બનાવવાની માથાકૂટ ન કરી, પણ એને તરત બાળી નાખવા લાગ્યા,’ એન્સાયક્લોપેડિયા કૅથોલિકા કહે છે. પ્રોટેસ્ટંટ ધર્મ સુધારકો ઊભા થયા પછી પણ, યુરોપના ઘણા દેશોના પાદરીઓ માનતા કે અમુક પુસ્તકો એટલે કે ભાષાંતર કરેલાં બાઇબલ ચર્ચ વિરોધી છે. એ પુસ્તકો લોકોના હાથમાં જતા અટકાવવા તેઓએ બનતું બધું જ કર્યું. પરંતુ ૧૫૪૬માં કાઉન્સિલ ઑફ ટ્રેન્ટની સભામાં મહત્ત્વના પ્રશ્નની ચર્ચા થઈ: ‘લૅટિન સિવાય બીજી કોઈ ભાષામાં બાઇબલ હોવું જોઈએ કે નહિ?’ એ સભામાં બે વિચારો ઊભા થયાં. એક તો જેઓને ઇટાલિઅન ભાષામાં બાઇબલ ગમતું ન હતું, તેઓ કહેતા કે લોકોની ભાષામાં બાઇબલ કાઢવું એ જ ‘ચર્ચના વિરોધનું મૂળ’ છે. ઇટાલિઅન ભાષામાં બાઇબલ જોઈતું હતું, તેઓ કહેતા કે “દુશ્મનો” એટલે પ્રોટેસ્ટંટ ચર્ચ એમ કહેશે કે કૅથલિક ચર્ચ એની મનાઈ કરે છે, કેમ કે તેઓનાં ‘કાવતરાં અને છેતરપિંડી’ ખુલ્લાં ન પડે.

તેઓમાં સંપ ન હોવાથી એ સભામાં એના વિષે કોઈ નિર્ણય આવ્યો નહિ. પણ તેઓએ કહ્યું કે ફક્ત લૅટિન વલ્ગેટ બાઇબલ જ સાચું. એટલે કૅથલિક ચર્ચ એનો જ ઉપયોગ કરવા લાગ્યું. તેમ છતાં રોમના પોન્ટીફીકલ સાલીશિઅનમ યુનિવર્સિટીના ટીચર કારલૉ બુઝેટીએ કહ્યું કે ‘વલ્ગેટ બાઇબલને “સાચું” કહેવાથી, ભાષાંતર કરેલાં બીજાં બાઇબલો ખોટાં છે એ વિચાર ફેલાયો.’ પછીથી જે બનાવો બન્યા, એના પરથી એ સાબિત થઈ ગયું.

વર્ષ ૧૫૫૯માં, પોપ પૉલ ચોથાએ પહેલી વાર એવાં પુસ્તકોની યાદી બનાવી, જે કૅથલિકોએ ન તો રાખવાં, વાંચવાં કે ભાષાંતર કરવું જોઈએ. એ છાપવાં કે વહેંચવાં પણ ન જોઈએ. તેમનું કહેવું હતું કે યાદીમાં આપેલાં પુસ્તકો બહુ જ ખરાબ છે. એનાથી કૅથલિક ધર્મ અને સંસ્કારનો નાશ થઈ શકે છે. એ યાદીમાં તેમણે લખ્યું કે બીજી કોઈ પણ ભાષામાં બાઇબલ વાંચવું નહિ. ખાસ કરીને બ્રુકૉલિનું બાઇબલ તો ન જ વાંચવું. જે વાંચશે તેઓને ચર્ચમાંથી અને સમાજમાંથી કાઢી મૂકવામાં આવશે. વર્ષ ૧૫૯૬માં જે યાદી બહાર પડી, એ તો વળી પહેલાથી પણ કડક હતી. કોઈ પણ ભાષામાં બાઇબલ ભાષાંતર કરવાનો કે છાપવાનો કોઈને હક્ક ન હતો. એવાં બાઇબલો બાળી નાખવામાં આવતાં.

એ કારણથી ૧૬મી સદીના અંત સુધી તો ચર્ચોના ચોકમાં વારંવાર બાઇબલો બાળવામાં આવતાં. સામાન્ય લોકોના મનમાં એ જ ઠસી ગયું કે બાઇબલ કૅથલિક ચર્ચના વિરોધીઓનું છે. આજે પણ લોકો એવું જ માને છે. એ કારણથી મોટા ભાગનાં બધાં જ બાઇબલ, બાઇબલ સમજાવતાં પુસ્તકો લાઇબ્રેરીમાંથી અને લોકો પાસેથી લઈને બાળી નાખવામાં આવ્યાં. એ પછીનાં ૨૦૦ વર્ષ સુધી કોઈએ લૅટિન બાઇબલમાંથી ભાષાંતર કરવાનું વિચાર્યું પણ નહિ. તોપણ પ્રોટેસ્ટંટ પંડિતોએ ભાષાંતર કરેલાં બાઇબલો ઇટલીમાં ચોરી-છૂપીથી રાખવામાં આવતાં હતાં. જેથી લોકો પાસેથી છીનવી લેવામાં ન આવે. એના વિષે ઇતિહાસકાર મારિઑ ચિનયૉહિએ કહ્યું: “હકીકતમાં સામાન્ય લોકોએ સદીઓથી બાઇબલ વાંચવાનું છોડી દીધું હતું. એ કારણથી તેઓ બાઇબલથી સાવ અજાણ હતા. એ કારણથી ઇટલીના લાખો લોકો બાઇબલનું એકેય પાન વાંચ્યા વિના મરણ પામ્યા.”

કાયદામાં થોડી છૂટ મૂકવામાં આવી

સમય જતાં જૂન ૧૩, ૧૭૫૭માં મના કરેલાં પુસ્તકોની યાદીમાં પોપ બેનેડિક્ટ ૧૪માએ થોડી છૂટ આપી. એ પ્રમાણે ‘પોપની પસંદગી અને બિશપ કમિટીના હાથ નીચે છપાયેલા અનુવાદો વાંચવાની જ રજા હતી.’ એના વર્ષો પછી એન્ટોનીઓ માર્ટિનિ ફલોરેન્સના આર્ચબિશપ બન્યા. તેમણે લૅટિન વલ્ગેટ બાઇબલ ભાષાંતર કરવાનું કામ ઉપાડ્યું હતું. પહેલો ભાગ ૧૭૬૯માં ઇટાલિઅન ભાષામાં બહાર પાડ્યો. પછી આખું બાઇબલ ૧૭૮૧માં બહાર પાડ્યું. કૅથલિકોનું પુસ્તક કહે છે કે માર્ટિનિના બાઇબલ “જેવું બીજું કોઈ બાઇબલ નથી.” આ બાઇબલ થયું ત્યાં સુધી, જે કૅથલિકો લૅટિન સમજતા ન હતા, તેઓ વલ્ગેટ બાઇબલ વાંચી શકતા નહિ. બીજાં ૧૫૦ વર્ષો સુધી કૅથલિક લોકો પાસે ફક્ત માર્ટિનિનું બાઇબલ જ હતું.

એક્યુમેનિકલ કાઉન્સિલ વેટીકન બેની, મોટી ધાર્મિક સભા ભરાઈ ત્યારે બીજા મોટા ફેરફાર આવ્યા. ૧૯૬૫માં ડીઇ વર્બમમાં લખાણમાં પહેલી વાર ઉત્તેજન આપવામાં આવ્યું: ‘બાઇબલનાં અસલ લખાણોમાંથી જુદી જુદી ભાષાઓમાં ચોકસાઈભર્યું અને યોગ્ય ભાષાંતર કરવામાં આવે.’ એના થોડા સમય પહેલાં જ, ૧૯૫૮માં પૉટિફીકો ઇન્સિટ્ટો બિબ્લીકૉએ (પોન્ટીફીકલ બિબ્લીકલ ઇન્સ્ટિટ્યૂટે) “મૂળ હિબ્રૂ અને ગ્રીક ભાષામાંથી કૅથલિકો માટે પહેલું બાઇબલ બહાર પાડ્યું.” આ બાઇબલમાં અમુક જગ્યાએ ઈશ્વરનું નામ “જાહવૅ” લખવામાં આવ્યું હતું.

સદીઓથી વિરોધ થયો હતો કે બાઇબલ લોકોની ભાષામાં ભાષાંતર ન કરવું જોઈએ. એની આજ સુધી લોકોનાં મન પર ઊંડી અસર પડી છે. ગિગ્લિલા ફ્રાગનિટૉના કહેવા પ્રમાણે ‘કૅથલિક લોકોને એવું શીખવી દેવામાં આવ્યું છે કે તેઓને પોતાની જાતે નિર્ણય લેવાનો હક્ક નથી. વળી તેઓ લઈ શકે એમ પણ નથી.’ એ ઉપરાંત કૅથલિકોને એવા રિવાજો અને તહેવારો શીખવ્યા છે, જે તેઓ માટે બાઇબલ કરતાં વધારે મહત્ત્વના છે. આજે તો મોટે ભાગે બધા જ લોકો ભણેલા છે. તોપણ તેઓ આવાં કારણોને લીધે બાઇબલથી અજાણ છે.

યહોવાહના સાક્ષીઓ ઇટલીમાં બાઇબલમાંથી પ્રચાર કરે છે. એટલે ઘણાને હવે ઇટાલિઅન ભાષામાં બાઇબલ વાંચવાનો રસ જાગ્યો છે. વર્ષ ૧૯૬૩માં સાક્ષીઓએ ન્યૂ વર્લ્ડ ટ્રાન્સલેશન ઑફ ધ ખ્રિશ્ચિયન ગ્રીક સ્ક્રિપ્ચર્સ ઇટલીની ભાષામાં બહાર પાડ્યું. પછી ૧૯૬૭માં આખું બાઇબલ બહાર પાડ્યું. આજની તારીખ સુધી, ફક્ત ઇટલીમાં જ તેઓએ આ બાઇબલની ૪૦,૦૦,૦૦૦ કૉપીઓ લોકોને આપી છે. ન્યૂ વર્લ્ડ ટ્રાન્સલેશનમાં યહોવાહનું નામ જ્યાં હોવું જોઈએ એ દરેક જગ્યાએ જોવા મળે છે. મૂળ હિબ્રૂ અને ગ્રીકમાંથી ઇટલીની ભાષામાં ભાષાંતર કરતી વખતે ખૂબ જ ધ્યાન રાખવામાં આવ્યું છે.

યહોવાહના સાક્ષીઓ એકથી બીજા ઘરે બાઇબલનો પ્રચાર કરવા જાય છે. જે કોઈ ચાહે તેને જીવનની આશા આપતો સંદેશો, તેઓ બાઇબલમાંથી વાંચીને સમજાવે છે. (પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૨૦) અમારી વિનંતી છે કે યહોવાહના સાક્ષીઓને તમે ફરી મળો ત્યારે તેઓ સાથે વાત કરજો. તેઓને તમારા બાઇબલમાંથી બતાવવા કહેજો કે એવું ક્યાં લખ્યું છે કે ‘ઈશ્વર જલદી જ નવી પૃથ્વી લાવશે, જેમાં ન્યાયી લોકો રહેશે?’—૨ પીતર ૩:૧૩.

[પાન ૧૩ પર નકશા]

(લેખને છપાયો છે એવો જોવા એ પ્રકાશનમાં જુઓ)

વેનિસ

રોમ

[પાન ૧૫ પર ચિત્ર]

બ્રુકૉલિએ તેમના બાઇબલમાં ઈશ્વરનું નામ “ઈઑવા” લખ્યું

[પાન ૧૫ પર ચિત્ર]

વાંચવાની મના કરેલાં પુસ્તકોની યાદીમાં, ભાષાંતર કરેલાં બાઇબલો પણ છે

[પાન ૧૩ પર ચિત્રની ક્રેડીટ લાઈન]

Bible title page: Biblioteca Nazionale Centrale di Roma

[પાન ૧૫ પર ચિત્રની ક્રેડીટ લાઈન્સ]

બ્રુકૉલિનું બાઇબલ: Biblioteca Nazionale Centrale di Roma; Index: Su concessione del Ministero per i Beni e le Attività Culturali