ક્રિસમસમાં લોકોનું ધ્યાન શામાં હોય છે?
ક્રિસમસમાં લોકોનું ધ્યાન શામાં હોય છે?
કરોડો લોકો માટે ક્રિસમસ કે નાતાલનો સમય, સગાં-વહાલાં સાથે ભેગા મળવાનો હોય છે. ઘણાનું માનવું છે કે એ સમય તો ઈસુ ખ્રિસ્તના જન્મનો વિચાર કરવાનો છે. મનુષ્યને જીવન મળે, એ માટે ઈસુએ જે કર્યું એ વિચારવાનો સમય છે. બીજા દેશોની જેમ, રશિયામાં કાયમ ક્રિસમસની ઉજવણી થતી નહિ. ખરું કે ફક્ત રશિયાના રૂઢિચુસ્ત ખ્રિસ્તીઓ જ સદીઓથી ક્રિસમસ ઊજવતા આવ્યા છે. પણ ૨૦મી સદીમાં મોટા ભાગના લોકોને ક્રિસમસ ઊજવવાની છૂટ ન હતી. શા માટે?
વર્ષ ૧૯૧૭ના બોલ્શવીક સામ્યવાદી બંડ પછી તરત, સોવિયેત સત્તાએ ચારે બાજુ નાસ્તિક માન્યતા ફેલાવી. તેઓને ક્રિસમસની રજા પણ ખૂંચવા લાગી. સરકાર ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણીનો વિરોધ કરવા લાગી. અરે, એ સમયે શણગારવાની ચીજો તરફ પણ તેઓ આંગળી ચીંધવા લાગ્યા. જેમ કે ક્રિસમસ ટ્રી કે ઝાડ અને ડાઈડ મોરોઝ, સાન્તા ક્લોઝની જેમ રશિયામાં મનાતા ગ્રાન્ડફાધર ફ્રોસ્ટ.
પછી ૧૯૩૫માં મોટો ફેરફાર આવ્યો. તેથી રશિયાની ઉજવણીના રંગરૂપ સાવ બદલાઈ ગયા. સોવિયેતમાં ગ્રાન્ડફાધર ફ્રોસ્ટ, ઝાડ અને નવા વર્ષની ઉજવણી પાછી શરૂ થઈ. એમ કહેવાયું કે ગ્રાન્ડફાધર ફ્રોસ્ટ ફરીથી ભેટો લઈને આવશે, પણ ક્રિસમસના દિવસે નહિ, નવા વર્ષના દિવસે! ક્રિસમસ ટ્રી પણ નહિ હોય. એના બદલે, નવા વર્ષનું ઝાડ હશે! આ રીતે સોવિયેત યુનિયનમાં મોટો ફેરફાર આવી ગયો. ક્રિસમસની ઉજવણી, નવા વર્ષની ઉજવણી બની ગઈ.
ક્રિસમસના તહેવારની રજાઓ હવે સામાન્ય રજાઓ બની ગઈ. સરકારે કોઈ પણ ધાર્મિક ઉજવણી કરવાની સખત મનાઈ કરી હતી. નવા વર્ષના ઝાડનો શણગાર કોઈ ધાર્મિક ચીજ-વસ્તુઓથી થતો નહિ. પણ સોવિયેત યુનિયનની પ્રગતિ બતાવતી ચીજ-વસ્તુઓ વાપરવામાં આવતી. વાક્રુગ શ્વેઈતા (દુનિયાની ખબર) નામનું રશિયન પેપર સમજાવે છે કે ‘નવા વર્ષના ઝાડના જુદા જુદા શણગાર પરથી સોવિયેત યુગનો ઇતિહાસ અને સામ્યવાદ સમાજની શરૂઆત શોધી શકાય છે. એ ઝાડના શણગારમાં નાનાં નાનાં સસલાં, નેવે લટકતા બરફના લોલક જેવા ટુકડા અને બ્રેડ તો હતા જ. એની સાથે સાથે દાતરડાં, હથોડી અને ટ્રેક્ટર પણ વપરાતા. પછીથી ખાણના મજૂરોનાં અને અવકાશમાં જનારાનાં પૂતળાં, તેલ કાઢવાના સાધન, રોકેટ અને ચંદ્ર પર વપરાતી ટ્રોલીના રમકડાં પણ વપરાવા લાગ્યા.’
ક્રિસમસના દિવસનું શું થયું? એ ઊજવાતો નહિ. સોવિયેત સત્તાએ એને કામ કરવાના સામાન્ય દિવસ જેવો બનાવી દીધો. તોપણ જો કોઈને ક્રિસમસનો તહેવાર ઊજવવો હોય, તો છૂપી રીતે ઊજવતા. જોકે એમાં જોખમ હતું, કેમ કે ખબર પડી જાય તો સરકાર તેઓ સામે પગલાં લઈ શકે. આ રીતે વીસમી સદીના રશિયામાં, ક્રિસમસની ઉજવણીમાં મોટો ફેરફાર થઈ ગયો. એ ધાર્મિકને બદલે સરકારી ઉજવણી થઈ ગઈ.
હાલમાં થયેલો ફેરફાર
સોવિયેત યુનિયન ૧૯૯૧માં પડી ભાંગ્યું. લોકોને વધારે આઝાદી મળી. સરકારની નાસ્તિક માન્યતા ગઈ. અમુક નવાં નવાં રાજ્યોમાં ચર્ચ અને સરકાર જુદા પડતા હતા. ઘણા ધાર્મિક
લોકોને લાગ્યું કે હવે તેઓ કોઈ જાતની રોક-ટોક વિના પોતાની માન્યતાઓ પાળી શકે. તેઓને થયું કે ક્રિસમસ ધાર્મિક તહેવાર હોવાથી એને જ ઊજવશે. પણ અફસોસ, એવા ઘણા લોકોને નિરાશ થવું પડ્યું! કેમ એવું શું બન્યું?વર્ષો પસાર થતાં ગયાં તેમ, ક્રિસમસના સમયમાં વધારે ને વધારે વેપાર-ધંધો થતો ગયો. યુરોપ અને અમેરિકાના દેશોની જેમ, ત્યાં પણ ક્રિસમસનો સમય ફેક્ટરીઓ, સુપર-માર્કેટો અને વેપારીઓ માટે પૈસા કમાવાનો સૌથી સારો સમય બનતો ગયો. એ સમયે દુકાનોમાં બીજું કંઈ જ નહિ, બસ ક્રિસમસની જ ચીજ-વસ્તુઓ જોવા મળે. રશિયામાં પહેલા જ્યાં ક્રિસમસ જેવું ન હતું, ત્યાં હવે યુરોપ-અમેરિકાની સ્ટાઈલનું ગીત-સંગીત દુકાનોમાં સાંભળવા મળે. બસો, ટ્રેનોમાં ફેરિયાઓ મોટી મોટી બેગોમાં ક્રિસમસની ચીજો ભરીને વેચવા નીકળી પડે. હજુ પણ એ બધું તમને જોવા મળશે.
આવા વેપાર-ધંધામાં કંઈ ખોટું નથી, એવું માનનારા પણ કદાચ બીજી એક બાબતથી નારાજ થઈ જતા હોય છે. એ છે ક્રિસમસ સમયે પીવાતો દારૂ. લોકો પીએ છે, ખૂબ પીએ છે અને પછી થાય ધમાલ. મૉસ્કોમાં ઇમરજન્સી કેસો સંભાળતા એક ડૉક્ટર સમજાવે છે કે “ડૉક્ટરો તો જાણે જ છે કે નવા વર્ષની મજા પછી મારા-મારી વગેરેના કેસો આવવાના જ. પછી એ ભલે જરાક વાગ્યું હોય કે ચપ્પું કે ગોળીબારનો ઘા હોય. મોટા ભાગે એનું કારણ ઘર-ઘરના ઝઘડા, દારૂ પીને થયેલી ધમાલ કે પછી કાર એક્સિડન્ટ હોય છે.” રશિયન એકેડેમી ઑફ સાયન્સીસની એક બ્રાંચના વૈજ્ઞાનિકે કહ્યું, “દારૂને લીધે થતાં મોતની સંખ્યા વધતી જાય છે. ખાસ કરીને ૨૦૦૦માં આ સંખ્યામાં ઘણો વધારો થયો હતો. આપઘાત અને ખૂનની સંખ્યામાં પણ ઘણો વધારો થયો છે.”
અફસોસની વાત છે કે રશિયામાં તહેવારોને લગતી મુશ્કેલીઓ બીજા એક કારણથી વધી જાય છે. “રશિયાના લોકો બે વાર ક્રિસમસ ઊજવે છે” એ વિષય પર ઈઝવેસ્ટ્યા નામનું છાપું જણાવે છે: ‘રશિયામાં લગભગ ૧૦માંથી ૧ વ્યક્તિ બે વાર ક્રિસમસ ઊજવે છે. રશિયાના લોકોના વિચારો અને માર્કેટ રીસર્ચ સેન્ટરે એક સર્વે કર્યો. એ સર્વેમાં ૮ ટકા લોકોએ જણાવ્યું કે કૅથલિક કૅલેન્ડર પ્રમાણે તેઓ ડિસેમ્બર ૨૫ના રોજ ક્રિસમસ ઊજવે છે. પછી જાન્યુઆરી ૭ના રોજ બધા ઊજવે ત્યારે પણ તેઓ ક્રિસમસ ઊજવે છે. જોકે અમુકને તો ક્રિસમસ ધાર્મિક તહેવાર છે કે નહિ, એની કંઈ પડી નથી. બસ, તેઓને મોજમજા કરવા મળે, એટલું જ જોઈએ.’ *
શું એ તહેવારો ઈસુને માન આપે છે?
અફસોસની વાત છે કે એ તહેવારોની સાથે સાથે ઘણા શરમ ભરેલાં કામો કરે છે. છતાં અમુકને લાગશે કે ઈશ્વરને ભજવા અને ઈસુને માન આપવા આપણે
આ તહેવારો ઊજવવા જોઈએ. ઈશ્વરને ભજવાની લાગણીને શાબાશી આપવી જોઈએ. પણ શું ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણીથી ઈશ્વર ખુશ થાય છે? ઈસુ રાજી થાય છે? એ તહેવારોની શરૂઆત ક્યાંથી થઈ?ભલેને સોવિયેતમાં ગમે એ કારણે ક્રિસમસની ઉજવણી થતી હોય, પણ એ વિષે ગ્રેટ સોવિયેત એન્સાયક્લોપેડિયા જે હકીકતો જણાવે છે, એની સામે શું દલીલ કરી શકાય? એ કહે છે કે ‘ક્રિસમસ તો એવી ઉજવણી છે, જે ખ્રિસ્તી યુગ પહેલાના લોકો પોતાના દેવોના “મરણ અને જીવનની” ખુશીમાં ઊજવતા. ખાસ કરીને ખેડૂતો દર વર્ષે શિયાળામાં ડિસેમ્બર ૨૧-૨૫ના સમયે, ટૂંકા દિવસો પછી, લાંબા દિવસોની શરૂઆત ઊજવતા. તેઓ માનતા કે કુદરતી ચીજોને બચાવવા જાણે કોઈ દેવે “જન્મ” લીધો હોય.’
એ એન્સાયક્લોપેડિયા નવાઈ લાગે એવું કહે છે: ‘પહેલી સદીમાં ખ્રિસ્તીઓ ક્રિસમસ વિષે કંઈ જાણતા ન હતા. લોકો મિથ્રા નામના સૂર્યદેવને ભજતા હતા. એના પરથી છેક ચોથી સદીમાં ખ્રિસ્તી ધર્મના લોકોએ લાંબા દિવસોની ઉજવણી કરી, જેને તેઓ ક્રિસમસ માનવા લાગ્યા. સૌથી પહેલાં ક્રિસમસની ઉજવણી રોમમાં થઈ. દસમી સદીમાં, ક્રિસમસ અને ખ્રિસ્તી ધર્મ બંને રશિયા સુધી ફેલાઈ ગયા. ત્યાંના સ્લાવિક લોકો ગુજરી ગયેલા બાપદાદાઓ માટે તહેવાર ઊજવતા, એની સાથે ક્રિસમસ પણ ભળી ગયો.’
હવે તમને કદાચ સવાલ થશે કે ‘ડિસેમ્બર ૨૫નો દિવસ ઈસુના જન્મદિવસ તરીકે ઊજવવો કે નહિ, એ વિષે બાઇબલ શું કહે છે?’ બાઇબલ ઈસુના જન્મની કોઈ તારીખ જણાવતું નથી. ઈસુએ પણ પોતાના જન્મ દિવસ વિષે કંઈ જણાવ્યું નથી. તો પછી એ તહેવાર તરીકે ઊજવવાની તો વાત જ બાજુએ રહી. બાઇબલ આપણને એ જાણવા મદદ કરે છે કે ઈસુનો જન્મ કયા સમયે થયો હતો.
માત્થીના પુસ્તકના ૨૬ અને ૨૭માં અધ્યાયો પ્રમાણે, ઈસુને નીસાન ૧૪ના દિવસે મારી નાખવામાં આવ્યા હતા. એ યહુદી પાસ્ખા પર્વનો દિવસ હતો, જે ૩૩ની સાલમાં માર્ચ ૩૧નો દિવસ હતો. લુકના પુસ્તકમાંથી આપણને જાણવા મળે છે કે ઈસુએ બાપ્તિસ્મા પામીને ઈશ્વરે સોંપેલું કામ શરૂ કર્યું ત્યારે, તે ૩૦ વર્ષના હતા. (લુક ૩:૨૧-૨૩) એ કામ સાડા ત્રણ વર્ષ ચાલ્યું. આમ ઈસુ સાડા તેત્રીસ વર્ષના હતા ત્યારે, તેમને મારી નાખવામાં આવ્યા. ઈસુ જીવતા હોત તો, લગભગ ૩૩ની સાલના ઑક્ટોબર ૧ના દિવસે ૩૪મું વર્ષ શરૂ થયું હોત. લુકના કહેવા પ્રમાણે ઈસુનો જન્મ થયો ત્યારે, “ઘેટાંપાળકો રાત્રે ખેતરમાં રહીને પોતાનાં ટોળાંને સાચવતા હતા.” (લુક ૨:૮) બેથલેહેમ બાજુ તો ડિસેમ્બરમાં કડકડતી ઠંડી પડતી હોય, અરે બરફ પણ પડે. એટલે એવામાં ઘેટાંપાળકો તેઓનાં ઘેટાં સાથે બહાર ખેતરમાં ન હોય. પણ લગભગ ઑક્ટોબર પહેલીના સમયે તેઓ બહાર ખેતરમાં હોય શકે. પુરાવા પણ બતાવે છે કે એ સમયે જ ઈસુનો જન્મ થયો હતો.
તો પછી, નવા વર્ષના તહેવાર વિષે શું? આપણે જોઈ ગયા તેમ, એ દિવસે લોકો બસ મન ફાવે એમ જલસા કરીને વધારે દુઃખી થતા હોય છે. ખરું કે એને ધર્મથી અલગ કરીને ગમે એ રીતે ઊજવવાના પ્રયત્નો થાય છે. તેમ છતાં એની શરૂઆત વિષે પણ ઘણા સવાલો ઊભા છે.
ક્રિસમસ અને નવા વર્ષના તહેવારો ઈસુને નામે થાય છે. જેમ કે, ઘણા કહેશે કે ‘આ સમયે ઈસુને યાદ કરો.’ પણ હકીકત કંઈ બીજું જ બતાવે છે. એ તહેવારો વખતે થતા વેપાર-ધંધાને લીધે કે એમાં જે રીતે લોકો વર્તે છે એના લીધે તમને દુઃખ થયું હશે. અથવા તો એ તહેવારોની શરૂઆત જૂઠા ધર્મોમાંથી છે એના લીધે તમને દુઃખ થયું હોય તો હિંમત ન હારો. એવી એક રીત છે જેનાથી તમે ઈશ્વરની સાચી ભક્તિ કરી શકો. ઈસુને સારી રીતે માન આપી શકો. સાથે સાથે તમારા કુટુંબને પણ સુખી બનાવી શકો.
યહોવાહ અને ઈસુને માન આપવાનો સૌથી સારો માર્ગ
બાઇબલ જણાવે છે કે ઈસુ તો “ઘણા લોકની ખંડણીને સારૂ પોતાનો જીવ આપવાને” આવ્યા હતા. (માત્થી ૨૦:૨૮) તેમણે પોતાનું બલિદાન આપ્યું, જેથી આપણાં પાપોની માફી મળે અને ઈશ્વર સાથે પાક્કો નાતો બંધાય. અમુક લોકો ઈસુને આદર આપવા માંગે છે. તેઓને લાગે છે કે ક્રિસમસના સમયે કંઈક કરીને ઈસુને આદર આપી શકાય. પરંતુ આપણે જોઈ ગયા તેમ, ક્રિસમસ કે નવા વર્ષની ઉજવણીને ઈસુ સાથે કંઈ લેવા-દેવા નથી. પાછું એની શરૂઆત તો જૂઠા ધર્મોની ઉજવણીમાંથી થઈ છે. સાથે સાથે ભલેને ક્રિસમસનો સમય બધાને લલચાવતો હોય, પણ એનો વેપારીઓ ભરપૂર ફાયદો ઉઠાવે છે. એ પણ માનવું જોઈએ કે ક્રિસમસના સમયે લોકો એવી બેશરમ રીતે વર્તે છે કે જેનાથી ખુદ ઈશ્વર અને ઈસુ નારાજ થાય છે.
જે કોઈ ઈશ્વરની સાચા દિલથી ભક્તિ કરવા માંગતા હોય, એ શું કરી શકે? ફક્ત ધાર્મિક હોવાનો દેખાડો કરવા માણસે બનાવેલા રીત-રિવાજોને વળગી રહેવું ન જોઈએ. એનાથી તો વ્યક્તિ બાઇબલની વિરુદ્ધ જાય છે. એના બદલે એ જાણવાની જરૂર છે કે ઈશ્વર પોતે શું ચાહે છે? ઈસુનું શું કહેવું છે? એ કઈ રીતે જાણી શકાય અને આપણે એ જાણીને શું કરવું જોઈએ?
ઈસુએ પોતે કહ્યું હતું કે “અનંતજીવન એ છે કે તેઓ તને એકલા ખરા દેવને તથા ઈસુ ખ્રિસ્ત જેને તેં મોકલ્યો છે તેને ઓળખે.” (યોહાન ૧૭:૩) જે કોઈ સાચા દિલથી ઈશ્વરની ભક્તિ કરવા ચાહે છે, એ ઈશ્વરને અને ઈસુ ખ્રિસ્તને માન આપવા માટે સત્ય શોધી કાઢે છે. પછી, એ પ્રમાણે જીવે છે. ફક્ત વર્ષના અમુક સમયે જ નહિ, પણ જિંદગીનો દરેક દિવસ. ઈશ્વર એવી ભક્તિથી બહુ જ રાજી થાય છે. એનાથી સાચા ભક્તો માટે કાયમ માટેના જીવનનો માર્ગ ખૂલે છે.
શું તમને શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે ઈશ્વરની ભક્તિ કરવાનું અને ઈસુને માન આપવાનું ગમશે? આખી દુનિયામાં યહોવાહના સાક્ષીઓએ લાખોને મદદ કરી છે, જેથી તેઓ બાઇબલમાંથી સત્ય જાણી શકે. તમે પણ યહોવાહના સાક્ષીઓને મળો અથવા આ મૅગેઝિનના બીજા પાન પર આપેલાં સરનામા પર લખો.
[ફુટનોટ]
^ ઑક્ટોબર ૧૯૧૭માં થયેલા બળવા પહેલાં, રશિયામાં જુલિયન કૅલેન્ડર વપરાતું. પણ મોટા ભાગના દેશો ગ્રેગોરિયન કૅલેન્ડર વાપરતા. વર્ષ ૧૯૧૭માં જુલિયન કૅલેન્ડર ગ્રેગોરિયન કરતાં ૧૩ દિવસ પાછળ હતું. બળવા પછી, સોવિયેતમાં ફરીથી ગ્રેગોરિયન કૅલેન્ડર વપરાવા લાગ્યું. એટલે રશિયા પણ બીજા દેશોની જેમ ગ્રેગોરિયન કૅલેન્ડર વાપરવા લાગ્યું. તોપણ ઑર્થોડોક્ષ ચર્ચ તહેવારો માટે જુલિયન કૅલેન્ડરને વળગી રહ્યું. તેઓએ એને “જૂની સ્ટાઈલના” કૅલેન્ડર તરીકે સ્વીકાર્યું. તમે કદાચ સાંભળ્યું હશે કે રશિયામાં તો જાન્યુઆરી ૭મીએ ક્રિસમસ ઉજવાય છે. જોકે ગણતરી કરો તો, ગ્રેગોરિયન કૅલેન્ડર પર જાન્યુઆરી ૭મી તારીખ, એટલે જુલિયન કૅલેન્ડર પર ડિસેમ્બર પચ્ચીસમી તારીખ. રશિયાના ઘણા લોકો આવી રીતે ક્રિસમસ મનાવે છે: ડિસેમ્બર ૨૫, યુરોપ-અમેરિકાની ક્રિસમસ; જાન્યુઆરી ૧, સરકારી નવું વર્ષ; જાન્યુઆરી ૭, ઑર્થોડોક્ષ ક્રિસમસ; જાન્યુઆરી ૧૪, જૂની સ્ટાઈલનું નવું વર્ષ.
[પાન ૭ પર બોક્સ/ચિત્ર]
નવા વર્ષની ઉજવણીની શરૂઆત
જ્યોર્જિયાનો એક સાધુ બોલી ઊઠે છે
“નવા વર્ષની ઉજવણીની શરૂઆત પહેલાના રોમના મૂર્તિપૂજક તહેવારોમાંથી થઈ છે. પહેલી જાન્યુઆરી જૂઠા દેવ જેનસના માનમાં હતી, જેના નામ પરથી એ મહિનાનું નામ આવ્યું છે. જેનસની મૂર્તિને એકબીજાથી વિરુદ્ધ દિશામાં બે ચહેરા છે. એનો અર્થ એ કે જે બની ગયું અને જે બને છે, એ બંને તે જુએ છે. એવું માનવામાં આવતું કે પહેલી જાન્યુઆરીએ જે મોજમજા કરે, હસે, ખાય-પીને જલસા કરે, એ આખું વર્ષ એ રીતે ગુજારશે. આજે પણ નવા વર્ષની ઉજવણી કરનારા ઘણા એવા જ વહેમમાં જીવે છે. . . . જૂઠા ધર્મોના અમુક તહેવારોમાં લોકો મૂર્તિને માનવ બલિદાનો ચડાવતાં. અમુક તો તેઓની બેશરમ જાતીયતા, વ્યભિચાર વગેરે માટે પંકાયેલા હતા. બીજા અમુક પ્રસંગોએ, જેવા કે જેનસ માટેના તહેવારે બેહદ ખાવા-પીવાનું ચાલતું. લિમિટ બહાર પીવાનું ને એની સાથે હરેક પ્રકારનાં કાળા કામો ચાલતાં. ખુદ આપણે પણ જ્યારે નવું વર્ષ ઊજવતા હતા, ત્યારે આપણે બધાએ જૂઠી ઉજવણીમાં ભાગ લીધો હતો.”—જ્યોર્જિયાનું એક છાપું.
[પાન ૬ પર ચિત્ર]
ચર્ચો મિથ્રા નામના દેવની ભક્તિ કરવામાં ભળી ગયાં
[ક્રેડીટ લાઈન]
Museum Wiesbaden
[પાન ૭ પર ચિત્ર]
ડિસેમ્બરની કડકડતી ઠંડીમાં ઘેટાંપાળકો પોતાનાં ઘેટાં સાથે બહાર ખેતરમાં ન હોય