સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

‘બંદીવાનોને છુટકારો જાહેર કરો’

‘બંદીવાનોને છુટકારો જાહેર કરો’

બંદીવાનોને છુટકારો જાહેર કરો’

ઈસુએ પ્રચાર કાર્યની શરૂઆત કરી ત્યારે, તેમણે કહ્યું કે ‘બંદીવાનોને છુટકારો જાહેર કરવાનું’ કામ તેમને સોંપવામાં આવ્યું હતું. (લુક ૪:૧૮) આજે યહોવાહના સાક્ષીઓ ઈસુના પગલે ચાલીને “સઘળા માણસોને” ઈશ્વરના રાજ્યનો પ્રચાર કરે છે. તેઓ જૂઠા ધર્મની પકડમાંથી છૂટવા અને જીવન સુધારવા લોકોને મદદ કરે છે.—૧ તીમોથી ૨:૪.

ઘણા લોકોએ નાના-મોટા ગુના કર્યા હોવાથી, તેઓ જેલની સજા ભોગવે છે. અરે, એવા લોકો પણ ઈશ્વરનું જ્ઞાન લઈને જૂઠા ધર્મની જેલમાંથી છૂટવા ચાહે છે. તેથી આજે જેલમાં પણ કેદીઓને પ્રચાર કરવામાં આવે છે. યૂક્રેઇન અને યુરોપની જેલોમાં યહોવાહના સાક્ષીઓને પ્રચારમાં થયેલા સરસ અનુભવોમાંથી અમુક વાંચો.

ડ્રગ્સના બંધાણી સાચા ખ્રિસ્તી બન્યા

આડત્રીસ વર્ષના સેરહીનો વિચાર કરો. તેણે ૨૦ વર્ષ જેલમાં કાઢ્યાં છે. * તેણે સ્કૂલનું ભણતર પણ જેલમાંથી પૂરું કર્યું. તે કહે છે: “મેં ખૂન કર્યું હોવાથી જેલ ભોગવું છું. મારી સજા હજુ પૂરી થઈ નથી. હું કેદીઓ પર એટલો જુલમ કરતો કે મને જોઈને જ તેઓ ડરી જતા.” શું આવા વલણથી તે આઝાદ થયો? ના! તે વર્ષોથી ડ્રગ્સ, દારૂ અને તમાકુનો ગુલામ હતો.

પછી એક કેદીએ સેરહીને બાઇબલમાંથી સત્ય શીખવ્યું. સેરહીને જાણે અંધારામાં પ્રકાશનું કિરણ દેખાયું. થોડા જ મહિનામાં તેણે બધી ખરાબ આદતો છોડી દીધી. તે જેલમાં બાઇબલનો પ્રચાર કરવા લાગ્યો અને બાપ્તિસ્મા લીધું. હવે સેરહી જેલમાં પૂરો સમય યહોવાહનો પ્રચાર કરી રહ્યો છે. તેણે સાત ગુનેગારોને યહોવાહનું સત્ય શીખવા મદદ કરી છે. એનાથી તેઓનો સ્વભાવ સાવ જ બદલાઈ ગયો. હવે તેઓ પણ યહોવાહની ભક્તિ કરે છે. એમાંથી છ જણ તેઓની સજા ભોગવીને છૂટા થયા છે. જોકે સેરહી હજુ જેલમાં છે એટલે તે નિરાશ નથી. એના બદલે તે ખુશીથી બીજાઓને જૂઠા ધર્મની જેલમાંથી છૂટવા મદદ કરે છે.—પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૩૫.

હવે વિક્ટરનો દાખલો લો. વિક્ટર પોતે ડ્રગ્સ વેચતો અને એનો બંધાણી હતો. વિક્ટર જેલમાંથી છૂટ્યા પછી પણ, યહોવાહ વિષે શીખતો રહ્યો. તેમની સાથે નાતો બાંધતો રહ્યો. સમય જતાં તે યૂક્રેઇનની સેવકાઈ તાલીમ શાળામાંથી ગ્રેજ્યુએટ થયો. હવે તે મોલ્ડોવામાં સ્પેશિયલ પાયોનિયર તરીકે સેવા આપે છે. વિક્ટર કહે છે: “હું આઠ વર્ષનો હતો ત્યારે બીડી-સિગારેટ પીવાનું શરૂ કર્યું. બાર વર્ષનો થયો ત્યારે દારૂ પીવાનું અને ૧૪ વર્ષે ડ્રગ્સ લેવાનું શરૂ કર્યું. મેં મારું જીવન બદલવા ઘણી મહેનત કરી હતી. પણ બધું નકામું ગયું. પછી, ૧૯૯૫માં મેં અને મારી પત્નીએ મારા ખરાબ મિત્રોની સંગત છોડીને, બીજી જગ્યાએ જતા રહેવાનું નક્કી કર્યું. એ વખતે એક પાગલે મારી પત્નીનું છરાથી ખૂન કર્યું. મારું જીવન વેરાન થઈ ગયું. મને થતું કે ‘મારી પત્ની ક્યાં છે? મરણ પછી વ્યક્તિનું શું થાય છે?’ મને આનો કોઈ જવાબ મળ્યો નહિ. મને જીવન ખાલી ખાલી લાગવા માંડ્યું. મેં ડ્રગ્સનો સહારો લીધો. ડ્રગ્સ વેચવાના કારણે હું પકડાઈ ગયો અને પાંચ વર્ષની સજા મળી. જેલમાં સેરહીએ મારા સવાલોના જવાબ મેળવવા મદદ કરી. પહેલાં મેં ઘણી વાર ડ્રગ્સ છોડવાની કોશિશ કરી હતી, પણ નિષ્ફળ ગયો હતો. બાઇબલની મદદથી હું ડ્રગ્સ છોડી શક્યો છું. ખરેખર ઈશ્વરના વચનમાં કેટલી તાકાત છે!”—હેબ્રી ૪:૧૨.

ખતરનાક ગુનેગારો બદલાયા

હવે વાસિલનો દાખલો લઈએ. ના, તે ડ્રગ્સનો બંધાણી ન હતો. તોપણ વાસિલ જેલમાં હતો. શા માટે? તે જણાવે છે: “મને કિકબૉક્સિંગ એટલે કે મુક્કા અને લાતો મારીને બૉક્સિંગ કરવાનું બહુ જ ગમતું. હું લોકોને એવી રીતે મારતો કે તેઓના શરીર પર એક નિશાન પણ ન દેખાતું.” વાસિલ લોકોને માર-પીટ કરીને લૂંટતો. તે કહે છે: “મને ત્રણ વાર જેલ થઈ. એ કારણે મારી પત્નીએ મને છૂટાછેડા આપ્યા. છેલ્લી વાર પાંચ વર્ષની સજા થઈ. એ વખતે પહેલી વાર મેં યહોવાહના સાક્ષીઓનું સાહિત્ય વાંચ્યું. એનાથી બાઇબલ વાંચવાની મને હોંશ જાગી. પણ કિકબૉક્સિંગ હજી ચાલુ જ હતું.

“છ મહિના સુધી બાઇબલ વાંચ્યા પછી, મારા સ્વભાવમાં સુધારો થવા લાગ્યો! મારામારી કર્યા પછી મને પહેલાંના જેવી મજા આવતી ન હતી. યશાયાહ ૨:૪ વાંચ્યા પછી, મને ભાન થયું કે હું આ કલમ પ્રમાણે લોકો સાથે હળીમળીને રહેતો નથી. મને સમજાયું કે જો હું મારો સ્વભાવ નહિ બદલું, તો આખી જિંદગી જેલમાં સડીશ. મેં બૉક્સિંગનાં બધાં સાધનો ફેંકી દીધાં. મારો સ્વભાવ અને વાણી-વર્તન સુધારવા બહુ મહેનત કરવા લાગ્યો. આ કંઈ સહેલી વાત ન હતી. યહોવાહનાં વચન પર મનન કરવાથી અને પ્રાર્થના કરવાથી મને ધીરે ધીરે ખરાબ આદતો છોડવામાં મદદ મળી. હું ઘણી વાર રડતા રડતા યહોવાહને પ્રાર્થના કરતો કે મને આ ખોટી લતમાંથી છોડાવો. મને છુટકારો મેળવવા શક્તિ આપો. આખરે, હું સફળ થયો!

“જેલમાંથી છૂટ્યા પછી મેં ફરીથી મારી પત્ની સાથે લગ્‍ન કર્યાં. હવે હું કોલસાની ખાણમાં કામ કરું છું. મને મારી પત્ની સાથે પ્રચારમાં જવા અને મંડળની જવાબદારી ઉપાડવાનો પૂરતો સમય મળે છે.”

મિકોલાનો વિચાર કરો. તેણે પોતાના દોસ્તો સાથે મળીને, યૂક્રેઇનની ઘણી બૅંકો લૂંટી હતી. એટલે તેને દસ વર્ષની સજા થઈ. તે એક જ વાર ચર્ચમાં ગયો હતો, એ પણ ચર્ચ લૂંટવાના ઇરાદાથી. જોકે તેનો પ્લાન નકામો ગયો. ચર્ચમાં ગયા પછી મિકોલાને લાગ્યું કે બાઇબલ ફક્ત કંટાળો આવે એવી વાર્તાઓથી ભરેલું છે. જેમ કે મીણબત્તીઓ, તહેવારો અને પાદરીઓની વાર્તાઓ. તે કહે છે: “મને ખબર નથી શા માટે પણ મેં બાઇબલ વાંચવાનું શરૂ કર્યું. મને નવાઈ લાગી કે બાઇબલ વિષે મેં ધાર્યું હતું, એ સાવ ખોટું હતું!” મિકોલા યહોવાહના સાક્ષીઓ સાથે બાઇબલની ચર્ચા કરવા લાગ્યો. પછી, ૧૯૯૯માં તે બાપ્તિસ્મા પામ્યો. આજે તે યહોવાહના સાક્ષીઓના મંડળમાં સેવકાઈ ચાકર છે. તે યહોવાહનો સાક્ષી બન્યો એ પહેલાં ખતરનાક ગુનેગાર હતો. પણ આજે આ સાવ નરમ સ્વભાવના માણસને જોઈને, કોઈને લાગે નહિ કે તે બૅંકનો લુટારો હતો!

વાડામિયરનો દાખલો લો. તેને મોતની સજા થઈ હતી. મોતના દિવસો ગણતો તે જેલની હવા ખાતો હતો. તેણે ઈશ્વરને પ્રાર્થના કરી કે ‘જો મને સજા માફ કરવામાં આવે, તો હું આખી જિંદગી તમારી સેવા કરીશ.’ એ સમયમાં કાયદા બદલાયા. વાડામિયરને મોતની સજાને બદલે, ઉંમરકેદ થઈ. વાડામિયર પોતાનું વચન પૂરું કરવા સાચો ધર્મ શોધવા લાગ્યો. તેણે પત્ર દ્વારા એડવાન્ટિસ્ટ ચર્ચનો કોર્સ કર્યો. ડિપ્લોમા પણ મેળવ્યું. તોપણ તેના મનને શાંતિ ન મળી.

એક વાર તેણે જેલની લાઇબ્રેરીમાં ચોકીબુરજ અને સજાગ બનો! મૅગેઝિનો વાંચ્યાં. તેણે યૂક્રેઇનની યહોવાહના સાક્ષીઓની બ્રાંચ ઑફિસને લખીને વિનંતી કરી કે ‘કોઈને મોકલો.’ એ જેલની નજીકના મંડળમાંથી ભાઈઓ વાડામિયરને મળ્યા. તેઓએ જોયું કે તે પોતાને યહોવાહનો સાક્ષી માનતો હતો. જેલમાં પ્રચાર પણ કરતો હતો. ભાઈઓએ તેને એ કામ માટે લાયક બનવા મદદ કરી. આ લેખ લખાઈ રહ્યો હતો ત્યારે, વાડામિયર અને બીજા સાત કેદીઓ બાપ્તિસ્મા લેવાની રાહ જોઈ રહ્યા છે. પણ તેઓને એક મુશ્કેલી નડતી હતી. ઉંમરકેદ થઈ હોય તેઓને પોતાના ધર્મના લોકો સાથે જ એક કોટડીમાં પૂરવામાં આવતા. એ કારણથી હવે પ્રચાર કોને કરવો? તેઓ જેલના ચોકીદારોને અને બીજાઓને પત્રો લખી લખીને પ્રચાર કરવા લાગ્યા!

હવે નાઝારનો દાખલો લઈએ. તે યૂક્રેઇનથી ચૅક પ્રજાસત્તાકમાં રહેવા ગયો. ત્યાં તે ચોરોની ટોળીમાં જોડાયો. તેને સાડાત્રણ વર્ષની જેલ થઈ. કારલૉવી વારી શહેરના યહોવાહના સાક્ષીઓ તેને જેલમાં મળ્યા. નાઝાર બાઇબલમાંથી સત્ય શીખવા લાગ્યો. તે જે શીખતો એ જીવનમાં ઉતારતો હોવાથી, તેણે સ્વભાવમાં મોટા ફેરફારો કર્યા. એ જોઈને એક ગાર્ડે કહ્યું: “જેલના બધા લોકો નાઝાર જેવા થઈ જાય તો, મને આ નોકરી કરવાની કોઈ જરૂર નથી.” બીજા એકે કહ્યું: “યહોવાહના સાક્ષીઓ બહુ હોશિયાર છે. વ્યક્તિ જેલમાં ગુનેગાર થઈને આવે છે, પછી એક શરીફ ઇન્સાન બનીને જાય છે.” હવે નાઝાર સજા ભોગવીને જેલમાંથી છૂટ્યો છે. તેણે સુથારી કામ શીખીને લગ્‍ન કર્યાં. હવે તે પોતાની પત્ની સાથે યહોવાહની પૂરો સમય સેવા કરે છે. સાક્ષીઓ નાઝારને જેલમાં મળવા આવતા એનો તે ખૂબ જ ઉપકાર માને છે!

કર્મચારીઓ કદર કરે છે

શું એકલા કેદીઓ યહોવાહના સાક્ષીઓની કદર કરે છે? બિલકુલ નહિ! પોલૅન્ડની જેલના એક કર્મચારી મીરોસ્લાવ કૉસ્વાલ્સકી કહે છે: ‘અમુક કેદીઓની કહાની ખૂબ કરુણ છે. એવું લાગે છે કે તેઓને કદી પ્રેમ બતાવવામાં આવ્યો નહિ હોય. પણ જે રીતે સાક્ષીઓ આવીને તેઓને મદદ કરે છે, એ માટે અમે તેઓની બહુ જ કદર કરીએ છીએ. તેઓ અમારા માટે મોટી મદદ સાબિત થયા, કેમ કે અમારી પાસે પૂરતા કર્મચારીઓ અને શિક્ષકો નથી.’

પોલૅન્ડની જેલના એક અધિકારીએ ત્યાંના યહોવાહના સાક્ષીઓની બ્રાંચ ઑફિસને પત્ર લખ્યો. તેણે વિનંતી કરી કે ‘સાક્ષીઓ જેલમાં આવીને વધારે પ્રચાર કરે તો સારું.’ શા માટે? તે સમજાવે છે: “યહોવાહના સાક્ષીઓ કેદીઓને સારા ગુણો કેળવવા મદદ કરે છે. કેદીઓ ક્રોધ અને હિંસાને બદલે, સમાજમાં શાંતિથી રહેતાં શીખે છે.”

યૂક્રેઇનના એક પેપરમાં એવા સમાચાર આવ્યા કે નિરાશ થઈ ગયેલા એક કેદીએ આપઘાત કરવાની કોશિશ કરી. યહોવાહના સાક્ષીઓએ તેને મદદ કરી. રિપોર્ટ કહે છે: ‘હવે તે સાજો થઈ રહ્યો છે. તે જેલના બધા નિયમોનું પાલન કરે છે. બીજાઓ માટે સારો દાખલો બેસાડે છે.’

જેલની બહાર મળતા લાભો

યહોવાહના સાક્ષીઓના શિક્ષણથી કેદીઓને શું જેલમાં જ લાભ થાય છે? ના. તેઓને જેલમાંથી છૂટ્યા પછી પણ એનો લાભ થાય છે. હવે બ્રિજીટ અને રેનેટ નામની બહેનોનો વિચાર કરો. તેઓ યહોવાહની સાક્ષીઓ છે. તેઓ અમુક વર્ષોથી કેદીઓને આ રીતે મદદ કરે છે. તેઓ વિષે માઈન ઈખો આશાફનબુર્ક નામનું જર્મનીનું એક પેપર કહે છે: ‘કેદી સ્ત્રીઓ સજા ભોગવીને જેલમાંથી છૂટે છે ત્યારે આ બે યહોવાહની સાક્ષીઓ તેઓની ત્રણથી પાંચ મહિના સુધી સંભાળ રાખે છે. તેઓને જીવનનો હેતુ શોધવા મદદ કરે છે. સરકારે એ બંને યહોવાહની સાક્ષીઓને, છૂટેલા કેદીઓ પર નજર રાખનાર અધિકારીઓ તરીકે સેવા આપવા પસંદ કરી છે. જેલના અધિકારીઓ સાથે પણ તેઓનું વર્તન બહુ સારું છે.’ સાક્ષીઓની મદદથી હવે ઘણી કેદી સ્ત્રીઓ યહોવાહની ભક્તિ કરી રહી છે.

યહોવાહના સાક્ષીઓ બાઇબલમાંથી શીખવે છે, એનાથી જેલના અધિકારીઓને પણ ફાયદો થયો છે. દાખલા તરીકે, યૂક્રેઇનની જેલમાં લશ્કરી અધિકારી અને મનોવિજ્ઞાની તરીકે રૉમન નામે એક માણસ કામ કરતો હતો. સાક્ષીઓ પ્રચાર કરતા કરતા તેમના ઘરે ગયા ત્યારે, તે બાઇબલની ચર્ચા કરવા તૈયાર થયા. તેમને ખબર પડી કે સાક્ષીઓને જેલના કેદીઓને પ્રચાર કરવાની મનાઈ છે. તેમણે જેલના વોર્ડન પાસે રજા માંગી કે ‘કેદીઓને મદદ કરવા હું બાઇબલ વાપરી શકું?’ વોર્ડને તેમને રજા આપી. એમ કરવાથી લગભગ દસ કેદીઓએ બાઇબલમાં રસ બતાવ્યો. રૉમન પોતે સાક્ષીઓ પાસેથી જે કંઈ શીખતા એ કેદીઓ સાથે વાત કરતા. તેમને એનાં સારાં ફળ મળ્યાં. અમુક કેદીઓ છૂટ્યા પછી પણ યહોવાહ વિષે શીખતા રહ્યા અને બાપ્તિસ્મા લીધું. બાઇબલના શિક્ષણથી લોકો પર કેવી અસર થાય છે, એ જોઈને રૉમન એમાંથી વધુને વધુ શીખવા લાગ્યા. આખરે તેમણે લશ્કરી અધિકારીની નોકરી છોડી દીધી. હવે તે લોકોને બાઇબલમાંથી શીખવે છે. તે અગાઉના એક કેદી સાથે પ્રચારમાં જાય છે.

એક કેદીએ લખ્યું: “બાઇબલ અને એનાં સાહિત્યમાંથી શીખીને અમે જીવીએ છીએ.” આ બતાવે છે કે અમુક જેલમાં બાઇબલનાં સાહિત્યની કેટલી જરૂર છે! યૂક્રેઇનના એક મંડળે જણાવ્યું કે તેઓના વિસ્તારની જેલમાં બાઇબલમાંથી શીખવવાનું કામ કેવું ચાલે છે: “જેલના અધિકારીઓ આપણાં સાહિત્યની બહુ કદર કરે છે. અમે તેઓને ચોકીબુરજ અને સજાગ બનો!ના દરેક અંકની ૬૦ કોપી આપીએ છીએ.” બીજા એક મંડળે લખ્યું: “અમે એવી જેલમાં કામ કરીએ છીએ, જ્યાં ૨૦ નાની નાની લાઇબ્રેરી છે. અમે દરેક લાઇબ્રેરીમાં આપણું સાહિત્ય આપીએ છીએ. બધું મળીને સાહિત્યનાં ૨૦ બૉક્સ આપ્યાં છે.” જેલનો એક ગાર્ડ તો પોતાની લાઇબ્રેરીમાં આપણા મૅગેઝિનનો રેકૉર્ડ રાખે છે, જેથી દરેક કેદીઓ એ વાંચી શકે.

યૂક્રેઇનની બ્રાંચ ઑફિસે ૨૦૦૨માં કેદીઓની માહિતી વિષે એક ડિપાર્ટમેન્ટ બનાવ્યું છે. તેઓ લગભગ ૧૨૦ જેલની મુલાકાતે ગયા છે. તેઓને મદદ આપવા જેલની નજીકના મંડળને જવાબદારી સોંપવામાં આવે છે. દર મહિને કેદીઓ પાસેથી ૫૦ જેટલા પત્રો આવે છે. મોટાભાગના કેદીઓ આપણું સાહિત્ય માંગતા હોય છે. તેઓ લખતા હોય છે કે ‘કોઈને મોકલો, જેથી અમને બાઇબલમાંથી શીખવે.’ સાક્ષીઓ તેઓને જઈને મળે નહિ ત્યાં સુધી, બ્રાંચ ઑફિસ કેદીઓને પુસ્તકો, મેગેઝિન અને બ્રોશર મોકલતા રહે છે.

પ્રેષિત પાઊલે ખ્રિસ્તી ભાઈબહેનોને એક પત્રમાં લખ્યું: ‘જેલમાં છે તેઓને પણ યાદ રાખો.’ (હેબ્રી ૧૩:૩) પાઊલ એવા લોકોની વાત કરતા હતા, જેઓ પોતાના ધર્મને લીધે જેલમાં છે. આજે યહોવાહના સાક્ષીઓ કેદીઓને પણ મદદ કરવા જાય છે. તેઓ ‘બંદીવાનોને છુટકારો જાહેર કરવા’ જાય છે.—લુક ૪:૧૮.

[ફુટનોટ]

^ નામો બદલ્યાં છે.

[પાન ૯ પર ચિત્ર]

યૂક્રેઇનના લવીવ શહેરમાં જેલની દીવાલ

[પાન ૧૦ પર ચિત્ર]

મિકોલા

[પાન ૧૦ પર ચિત્ર]

વાસિલ, પત્ની આઇરીન સાથે

[પાન ૧૦ પર ચિત્ર]

વિક્ટર