મૅક્સિકોમાં ચીની લોકોને મદદ કરવી
મૅક્સિકોમાં ચીની લોકોને મદદ કરવી
“દરેક ભાષા બોલનારી પ્રજાઓમાંથી દસ માણસો કોઈ એક યહુદી માણસની ચાળ [ઝભ્ભો] પકડીને કહેશે, કે અમે તારી સાથે આવીશું, કેમ કે અમે સાંભળ્યું છે કે દેવ તમારી સાથે છે.” (ઝખાર્યાહ ૮:૨૩) આજે આ ભવિષ્યવાણી આખી દુનિયામાં પૂરી થઈ રહી છે. ‘દરેક ભાષા બોલનારી પ્રજાઓ’ અભિષિક્ત ભાઈ-બહેનો સાથે યહોવાહની ભક્તિ કરે છે. દરેક યહોવાહના સાક્ષીઓ જુએ છે કે ભવિષ્યવાણી કેવી રીતે પૂરી થાય છે. ભવિષ્યવાણી પૂરી કરવા માટે તેઓ હોંશથી આખી દુનિયામાં પ્રચાર કરે છે. ઘણા લોકો બીજી ભાષા શીખે છે, જેથી તેઓ પ્રચારમાં વધારે ભાગ લઈ શકે.
મૅક્સિકોમાં ઘણા ભાઈ-બહેનો એમ કરે છે. કેવી રીતે? ચાલો આપણે જોઈએ. મૅક્સિકોમાં લગભગ ૩૦,૦૦૦ લોકોની માતૃભાષા ચીની છે. વર્ષ ૨૦૦૩માં મૅક્સિકો શહેરમાં પંદર ચીનીઓ મેમોરિયલમાં આવ્યા હતા. ભાઈ-બહેનોએ જોયું કે એવા ઘણા ચીની હશે જેઓને બાઇબલમાં રસ હશે. તેઓ વિચારવા લાગ્યા કે કઈ રીતે ચીનીઓને સત્યમાં આવવા મદદ કરી શકાય. તેથી, તેઓએ ત્રણ મહિનાનો કોર્સ રાખ્યો, જેનાથી મૅક્સિકોના ભાઈ-બહેનો ચીની ભાષામાં સાદી રજૂઆત શીખી શકે. કોર્સમાં લગભગ ૨૫ ભાઈ-બહેનો હતા. કોર્સ પૂરો થયો ત્યારે ગ્રેજ્યુએશન રાખ્યું હતું. ગ્રેજ્યુએશનમાં મૅક્સિકો શહેરના ચીની સમાજમાંથી એક નેતા પણ આવ્યા હતા. આ બતાવે છે કે ભાઈબહેનોની ભાષા શીખવાની મહેનત વિષે ચીની સમાજ કેટલી કદર કરતો હતો. વળી એક સ્કૂલે તો ત્રણ ભાઈ-બહેનોને સ્કૉલરશિપ આપી, જેથી તેઓ બીજા દેશમાં જઈને ચીની ભાષા વધારે શીખી શકે.
પણ જે કોર્સ મૅક્સિકોમાં રાખવામાં આવ્યો, એમાંથી ભાઈ-બહેનોને ઘણી મદદ મળી. એમાં તેઓ ચીની ભાષામાં ટૂંકા વાક્યો શીખ્યા. પછી તેઓ મૅક્સિકો શહેરના મોટા બજારમાં ચીની બોલનારાઓ સાથે વાત કરવા માંડ્યા. ભાઈ-બહેનો બહુ જ હોંશથી ચીની ભાષામાં બોલતા હતા. તેઓએ ૨૧ બાઇબલ સ્ટડી શરૂ કરી. દેવ આપણી પાસે શું માંગે છે પુસ્તિકા વાપરીને તેઓએ ઘણા લોકોને મદદ કરી હતી. એ પુસ્તિકા ચીની ભાષામાં છે, પણ અક્ષરો રોમન લિપિમાં છે. એને પીનયીન બોલી કહેવાય છે.
કોર્સ શરૂ થયો ત્યારે પણ અમુક ભાઈ-બહેનો પાસે બાઇબલ સ્ટડી હતી. તેઓ કેવી રીતે સ્ટડી ચલાવતા? બાઇબલ સ્ટડીની શરૂમાં ભાઈ-બહેનો ફક્ત આમ જ કહેતા, “ચીન દૂ [આ તમે વાંચશો?]” તેઓ ફકરો અને ફકરાનો સવાલ વ્યક્તિને બતાવતા. એટલે વ્યક્તિ ચીની ભાષામાં ફકરો વાંચે અને સવાલનો જવાબ આપે. પછી ભાઈ-બહેનો કહેતા, “શી શી [આભાર]” અને “હીન હાઊ [બહુ જ સારું].”
એક બહેને ચીની સ્ત્રી સાથે સ્ટડી શરૂ કરી. તે ખ્રિસ્તી હતી. સમય જતાં બહેનને થયું કે શું આ સ્ત્રીને ખરેખર સ્ટડીમાંથી સમજણ પડે છે. એના લીધે બહેને એ સ્ત્રીની સ્ટડીમાં એક ચીની ભાઈને બોલાવ્યા. ભાઈએ સ્ત્રીને પૂછ્યું ‘તમને સત્ય વિષે કોઈ સવાલ છે?’ સ્ત્રીએ કહ્યું,
‘શું એ જરૂરી છે કે બાપ્તિસ્મા પામવા માટે મને તરતા આવડવું જોઈએ?’અમુક સમય પછી, ચીની ભાષામાં મંડળ પુસ્તક અભ્યાસ શરૂ થયું. દર અઠવાડિયે લગભગ ૨૩ ભાઈ-બહેનો અને ૯ ચીની ભાષા બોલનારાઓ એમાં આવે છે. એમાંથી એક ડૉક્ટર છે. આ ડૉક્ટરને એક દરદી બહેને સ્પૅનિશ ભાષામાં ચોકીબુરજ અને સજાગ બનો! આપ્યા હતા. પણ તેમને સ્પૅનિશ વાંચતા આવડતું ન હતું. એના લીધે એક વ્યક્તિએ અમુક વાક્યોનું સ્પૅનિશમાંથી ચીની ભાષામાં ભાષાંતર કર્યું. ડૉક્ટરને ખબર પડી કે મૅગેઝિનો બાઇબલ વિષે છે. ડૉક્ટરે બહેનને પૂછ્યું કે ‘મૅગેઝિનો ચીની ભાષામાં છે?’ બહેને ચીની ભાષામાં મૅગેઝિનો ડૉક્ટરને આપ્યાં. મૅક્સિકોમાં યહોવાહના સાક્ષીઓની બ્રાંચ ઑફિસે ગોઠવણ કરી કે ચીની આવડતું હોય એવા ભાઈ-બહેન તેમની સાથે વધારે ચર્ચા કરે. ડૉક્ટરને શા માટે બાઇબલની તરસ છે? તે ચીનમાં રહેતા હતા ત્યારે તેમના મમ્મી પાસે બાઇબલ હતું. ડૉક્ટરને પણ બાઇબલ વાંચવું ખૂબ ગમતું હતું. મૅક્સિકો આવ્યા ત્યારે તેમના મમ્મીએ તેમને કહ્યું, ‘બાઇબલ વાંચવાનું ચાલુ રાખજે.’ મૅક્સિકો આવીને તેમણે પ્રાર્થના કરી કે કોઈ તેમને સાચા પરમેશ્વર વિષે શીખવે. બહેને તેમને મદદ કરી ત્યારે, ડૉક્ટરે દિલથી કહ્યું, ‘ઈશ્વરે મારી પ્રાર્થના સાંભળી છે.’
ચીની ભાષામાં મંડળ પુસ્તક અભ્યાસમાં એક ચીની કુટુંબ પણ આવે છે. આ કુટુંબે તેઓનો ફ્લૅટ એક મૅક્સિકન સ્ત્રીને ભાડેથી આપ્યો હતો. એ કુટુંબ અને સ્ત્રી એક જ બિલ્ડિંગમાં રહેતા હતા. મૅક્સિકન સ્ત્રી એક બહેન સાથે બાઇબલમાંથી સ્ટડી કરતી હતી. એ સ્ત્રી સ્ટડી કરે ત્યારે ચીની કુટુંબ પણ સ્ટડીમાં બેસતું હતું. પણ તકલીફ એ હતી કે ચીની કુટુંબને બહુ સ્પૅનિશ આવડતું ન હતું. તેથી, કુટુંબે બહેનને પૂછ્યું કે ‘તમારી પાસે ચીની ભાષામાં સાહિત્ય છે?’ અમુક સમય પછી, આખું કુટુંબ ચીની ભાષામાં બાઇબલ સ્ટડી કરવા લાગ્યું. થોડા વખત પછી, ચીની કુટુંબે કહ્યું કે ‘અમારે યહોવાહ વિષે ચીની લોકોને પ્રચાર કરવો છે અને બાપ્તિસ્મા પણ લેવું છે.’
ચીની ભાષા શીખવી સહેલી નથી. પણ મૅક્સિકોના અનુભવો પરથી જોઈ શકીએ કે યહોવાહ લોકોને આશીર્વાદ આપે છે. એટલે જ જુદી જુદી ભાષા બોલનારા લોકો પોતાની ભાષામાં યહોવાહ વિષે શીખી રહ્યા છે. મૅક્સિકો અને બીજા દેશોમાં પણ એમ જ થઈ રહ્યું છે.
[પાન ૧૭ પર ચિત્ર]
મૅક્સિકોમાં ચીની ભાષાનો કોર્સ
[પાન ૧૮ પર ચિત્ર]
મૅક્સિકોની આપણી એક બહેન ચીની ભાષામાં બાઇબલમાંથી શીખવે છે
[પાન ૧૮ પર ચિત્ર]
મૅક્સિકો શહેરમાં ચીની લોકોને પ્રચાર કરવો