સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવાહને ભજવાનું હમણાં જ નક્કી કરો!

યહોવાહને ભજવાનું હમણાં જ નક્કી કરો!

યહોવાહને ભજવાનું હમણાં જ નક્કી કરો!

“તમે ક્યાં સુધી બે મતની વચ્ચે ઢચુપચુ રહેશો?”—૧ રાજાઓ ૧૮:૨૧.

૧. પહેલાનાં કરતાં આપણો સમય કઈ રીતે અલગ છે?

 શું તમે સાચે જ માનો છો કે યહોવાહ એકલા જ સાચા ઈશ્વર છે? શું તમે એમ પણ માનો છે કે બાઇબલના કહેવા પ્રમાણે, આપણે શેતાનના રાજના “છેલ્લા સમયમાં” જીવીએ છીએ? (૨ તીમોથી ૩:૧) જો એમ હોય તો તમે કોની ભક્તિ કરશો એ હમણાં જ નક્કી કરવાનો સમય આવી ગયો છે. પહેલાં કદીયે ન હતું એટલું આજે લોકોનું જીવન જોખમમાં છે.

૨. આહાબના રાજમાં ઇઝરાયલના દસ કુળના રાજ્યમાં શું બન્યું?

ઈસવીસન પૂર્વે દસમી સદીમાં, ઇઝરાયલી લોકોએ સૌથી મહત્ત્વનો નિર્ણય લેવાનો હતો. એ હતો, તેઓ કોને ભજશે? આહાબ ઇઝરાયલના દસ કુળનો રાજા હતો. તેના રાજમાં તેની પત્ની ઇઝેબેલને લીધે બઆલની ભક્તિ ફૂલીફાલી હતી. તેઓની માન્યતા પ્રમાણે બઆલ ફળદ્રુપતાનો દેવ હતો, જે વરસાદ વરસાવતો. ફસલને આશીર્વાદ આપતો. બઆલના ભક્તો તેને ફ્લાઈંગ કીસ કે ચુંબન પણ આપતા હોય શકે. તેઓ બઆલની મૂર્તિને પગે લાગતા હોય શકે. પોતાના ઢોરઢાંક અને પાક પર આશીર્વાદ પામવા, તેઓ બઆલના મંદિરમાં વેશ્યાઓ સાથે મન ફાવે તેમ વ્યભિચાર પણ કરતા હોય શકે. માન્યતા પ્રમાણે તેઓ તરવાર કે ભાલાથી પોતાના શરીર પર ઘા કરતા, એને લોહીલુહાણ કરી દેતા.—૧ રાજાઓ ૧૮:૨૮.

૩. બઆલની ભક્તિથી ઇઝરાયલીઓ પર કેવી અસર પડી?

એ સમયે લગભગ ૭,૦૦૦ ઇઝરાયલીઓ બઆલની ભક્તિ કરતા ન હતા. તેથી, તેઓ ન તો વ્યભિચાર કરતા, ન તો પોતાના શરીરમાંથી લોહી વહેવડાવતા કે શરીરે કોઈ ઘા કરતા. (૧ રાજાઓ ૧૯:૧૮) તેઓ યહોવાહ સાથેના કરારને વફાદાર હતા. તેથી તેઓની સતાવણી થતી. દાખલા તરીકે ઈઝેબેલ રાણીએ યહોવાહના ઘણા પ્રબોધકોને મારી નંખાવ્યા હતા. (૧ રાજાઓ ૧૮:૪, ૧૩) ઇઝરાયલમાં આવી હાલત હોવાથી ઘણા લોકો યહોવાહની સાથે સાથે બઆલને ભજતા. યહોવાહને છોડીને માણસોએ બનાવેલા દેવ-દેવીઓને ભજવું, એ યહોવાહની નજરમાં મોટું પાપ હતું. યહોવાહે ઇઝરાયલી લોકોને આશીર્વાદનું વચન આપ્યું હતું. એ માટે તેઓએ યહોવાહના કહેવા પ્રમાણે જ ચાલવાનું અને તેમને પ્રેમ કરવાનું હતું. યહોવાહે તેઓને ચેતવણી પણ આપી હતી કે ‘પોતે આવેશી ઈશ્વર’ છે. એટલે કે જો ઇઝરાયલીઓ ફક્ત યહોવાહની જ ભક્તિ નહિ કરે તો તેઓનો નાશ કરશે.—પુનર્નિયમ ૫:૬-૧૦; ૨૮:૧૫, ૬૩.

૪. ઈસુ અને તેમના શિષ્યોના કહેવા પ્રમાણે, કેવા ઠગભગતો ઊભા થશે? આજે કઈ રીતે એમ જ થાય છે?

આજે ચર્ચના ખ્રિસ્તીઓની એવી જ હાલત છે. ચર્ચમાં જતા લોકો દાવો કરે છે કે તેઓ ઈસુના પગલે ચાલે છે. પણ તેઓના તહેવારો, વાણી-વર્તન અને માન્યતાઓ બાઇબલની વિરોધમાં છે. ઈઝેબેલની જેમ ચર્ચના પાદરીઓ પણ યહોવાહના સાક્ષીઓની પાછળ પડી ગયા છે. તેઓની બહુ સતાવણી કરે છે. સદીઓથી પાદરીઓ લડાઈઓ પર આશીર્વાદ આપે છે. તેઓએ ચર્ચોના અગણિત સભ્યોને લડાઈમાં મારી નાખવામાં ભાગ લીધો છે. જે ધર્મો ખૂન-ખરાબીમાં સરકારોને સાથ આપીને રાજનીતિ રમે છે, તેઓએ યહોવાહની નજરમાં જાણે વ્યભિચાર કર્યો છે. (પ્રકટીકરણ ૧૮:૨, ૩) એટલું જ નહિ, પણ ચર્ચના લોકો કોઈ ખોટાં કામો કે વ્યભિચાર કરે તો પાદરીઓ એને ચલાવી લે છે. અરે તેઓ પોતે પણ એવાં જ કામો કરે છે. ઈસુ ખ્રિસ્તે અને તેમના શિષ્યોએ કહ્યું હતું કે યહોવાહના ભક્તોમાંથી પણ આવા ઠગભગત ઊભા થશે. (માત્થી ૧૩:૩૬-૪૩; પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૨૯, ૩૦; ૨ પીતર ૨:૧, ૨) આજે એક અબજથી વધારે લોકો પોતાને ખ્રિસ્તી ગણાવે છે. એવા લોકોનું છેવટે શું થશે? જૂઠા ધર્મોમાં ફસાઈ જનારા લોકો પ્રત્યે, યહોવાહના ભક્તો તરીકે આપણી શું જવાબદારી છે? એના જવાબ માટે ચાલો આપણે જોઈએ કે કઈ રીતે ‘જૂઠા દેવ બઆલની ભક્તિનો ઇઝરાયલમાંથી’ નાશ કરવામાં આવ્યો.—૨ રાજાઓ ૧૦:૨૮.

ઈશ્વર પોતાના બેવફા લોકોને ચાહે છે

૫. યહોવાહે પોતાના બેવફા લોકોને કઈ રીતે પ્રેમ બતાવ્યો?

યહોવાહના ભક્તો બેવફા બને છે ત્યારે, તેઓને સજા કરવામાં તેમને જરાય આનંદ થતો નથી. તે ચાહે છે કે દુષ્ટો પસ્તાવો કરે, પાછા ફરે અને સાચા દિલથી તેમની ભક્તિ કરે. (હઝકીએલ ૧૮:૩૨; ૨ પીતર ૩:૯) ચાલો એનો એક પુરાવો જોઈએ. યહોવાહે આહાબ અને ઈઝેબેલ પાસે અનેક પ્રબોધકો મોકલ્યા. લોકોને ચેતવણી આપી કે બઆલની ભક્તિ કરવાના કેવા પરિણામો આવશે. એ પ્રબોધકોમાંના એક એલીયાહ હતા. ઇઝરાયલમાં પડેલા ભારે દુકાળ વિષે પણ આહાબ રાજાને પહેલેથી કહેવામાં આવ્યું હતું. પછી એલીયાહે આહાબને કહ્યું કે ‘ઇઝરાયલ અને બઆલના પ્રબોધકોને કાર્મેલ પર્વત પર બોલાવ.’—૧ રાજાઓ ૧૮:૧, ૧૯.

૬, ૭. (ક) એલીયાહે કઈ રીતે બતાવ્યું કે ઇઝરાયલીઓ જૂઠા દેવને ભજે છે? (ખ) બઆલના પ્રબોધકોએ શું કર્યું? (ગ) એલીયાહે શું કર્યું?

એવું લાગે છે કે ઈઝેબેલને ખુશ રાખવા ‘યહોવાહની વેદી પાડી નાખવામાં આવી હતી,’ ત્યાં તેઓ ભેગા થયા. (૧ રાજાઓ ૧૮:૩૦) અફસોસની વાત છે કે ઇઝરાયલીઓ ત્યાં આવ્યા ત્યારે, તેઓને શ્રદ્ધા ન હતી કે કોણ વરસાદ વરસાવશે, યહોવાહ કે બઆલ? બઆલના ૪૫૦ પ્રબોધકો ત્યાં આવ્યા હતા. જ્યારે કે યહોવાહના પ્રબોધક ફક્ત એલીયાહ જ હતા. એલીયાહે લોકોને નિર્ણય કરવા કહ્યું: “તમે ક્યાં સુધી બે મતની વચ્ચે ઢચુપચુ રહેશો?” પછી તેમણે સાદા શબ્દોમાં કહ્યું કે ‘જો યહોવાહ ઈશ્વર હોય, તો તેને અનુસરો; પણ જો બઆલ ઈશ્વર હોય, તો તેને અનુસરો.’ યહોવાહ અને બઆલમાંથી કોણ સાચો ઈશ્વર છે, એ સાબિત કરવા એલીયાહે એક કસોટી સૂચવી. એનાથી બે મનવાળા ઇઝરાયલીઓ સાબિતી જોઈને ફરીથી ફક્ત યહોવાહની ભક્તિ કરે. એ કસોટી માટે બે બળદ કુરબાન કરવાના હતા. એક યહોવાહ માટે અને બીજો બઆલ માટે. બંનેમાંથી જે સાચા ઈશ્વર હશે, તે આકાશમાંથી અગ્‍નિ મોકલીને એ ભસ્મ કરે. બઆલના પ્રબોધકોએ બલિદાન તૈયાર કરીને કલાકો સુધી તેને બૂમાબૂમ કરી: ‘હે બઆલ, અમને ઉત્તર આપ!’ એટલે એલીયાહે તેઓની મશ્કરી કરી. ત્યારે તેઓએ પોતાના શરીરે જેમતેમ ઘા કર્યા, લોહી કાઢ્યું. મોટે અવાજે બઆલને વિનંતી કરતા રહ્યા. બઆલે તેઓને કોઈ જવાબ આપ્યો નહિ!—૧ રાજાઓ ૧૮:૨૧, ૨૬-૨૯.

હવે એલીયાહનો વારો આવ્યો. પહેલા તો તેમણે યહોવાહની વેદી બાંધી. બળદ કાપીને એના પર મૂક્યો. પછી લોકોને કહ્યું કે ‘અર્પણો પર ચાર માટલાં પાણી નાખો.’ એવું તો ત્રણ વાર કરાવ્યું. વેદીની આસપાસ પાણી પાણી થઈ ગયું, જાણે નાની ખાઈ ભરાઈ ગઈ. એલીયાહે યહોવાહને દિલથી પ્રાર્થના કરી: ‘હે ઇબ્રાહીમ, ઇસ્હાક તથા ઇઝરાયલના ઈશ્વર યહોવાહ, તું જ ઇઝરાયલમાં ઈશ્વર છે, ને હું તારો સેવક છું, ને મેં તારા કહેવાથી આ સઘળું કર્યું છે, એમ આજે જણાવા દે. હે યહોવાહ, મારૂં સાંભળ, મારૂં સાંભળ, કે આ લોક જાણે, કે હે યહોવાહ, તું ઈશ્વર છે, અને તેં તેઓનાં હૃદય પાછાં ફેરવ્યાં છે.’—૧ રાજાઓ ૧૮:૩૦-૩૭.

૮. એલીયાહની પ્રાર્થના સાંભળીને યહોવાહે શું કર્યું? પછી એલીયાહે શું કર્યું?

યહોવાહ સાચા ઈશ્વર હોવાથી તેમણે આકાશમાંથી અગ્‍નિ મોકલ્યો. અગ્‍નિએ અર્પણ ભસ્મ કર્યું. વેદીની ફરતે જે પાણી હતું એ શોષી લીધું! હવે ઇઝરાયલી લોકોએ શું કર્યું? ‘સર્વ લોકોએ તે જોયું ત્યારે તેઓ ઊંધા પડ્યા, અને તેઓએ કહ્યું, કે યહોવાહ એ જ ઈશ્વર છે; યહોવાહ એ જ ઈશ્વર છે.’ એલીયાહે તરત જ જરૂરી પગલાં લીધાં. તેમણે ઇઝરાયલીઓને કહ્યું કે “બઆલના પ્રબોધકોને પકડો; તેઓમાંથી એકેને નાસી જવા દેશો નહિ.” એલીયાહે બઆલના ૪૫૦ પ્રબોધકોને કીશોન નાળા પાસે મારી નાખ્યા.—૧ રાજાઓ ૧૮:૩૮-૪૦.

૯. યહોવાહના ભક્તો પર ફરીથી કઈ કસોટી આવી?

છેલ્લા સાડા ત્રણ વર્ષથી વરસાદ પડ્યો ન હતો. પણ એલીયાહે બઆલના પ્રબોધકોને મારી નાખ્યા, એ જ યાદગાર દિવસે યહોવાહે ઇઝરાયલમાં ફરીથી વરસાદ મોકલ્યો! (યાકૂબ ૫:૧૭, ૧૮) તમે કલ્પના કરી શકો કે ઇઝરાયલી લોકોએ પછી ઘરે પાછા ફરતા કેવી વાતો કરી હશે! છેવટે યહોવાહે સાબિત કરી આપ્યું કે તે જ વિશ્વના રાજા છે. જો કે એ પછી પણ બઆલના ઉપાસકો સુધર્યા નહિ. ઈઝેબેલ યહોવાહના ભક્તોનું નામનિશાન મિટાવવા પાછળ પડી ગઈ હતી. (૧ રાજાઓ ૧૯:૧, ૨; ૨૧:૧૧-૧૬) એટલે ફરી એક વાર યહોવાહના લોકોની કસોટી થઈ. તેઓ કોને ભજશે? યહોવાહને કે બઆલને? બઆલના ભક્તોનો યહોવાહ નાશ કરે ત્યારે, શું ઇઝરાયલીઓ તન-મનથી યહોવાહને જ ભજશે કે કેમ?

હમણાં જ નક્કી કરો!

૧૦. (ક) આપણા સમયમાં અભિષિક્ત ખ્રિસ્તીઓ શું કરી રહ્યા છે? (ખ) પ્રકટીકરણ ૧૮:૪માં આપેલી આજ્ઞા પાળવાનો શું અર્થ થાય છે?

૧૦ આપણા સમયમાં અભિષિક્ત ખ્રિસ્તીઓએ પણ એલીયાહ જેવું કામ કર્યું છે. તેઓએ દરેક દેશોમાં ચર્ચોના ખ્રિસ્તીઓને અને બીજા ધર્મના લોકોને સાહિત્ય આપ્યું છે. તેઓને પ્રચાર કર્યો છે અને ચેતવણી આપી છે કે જૂઠા ધર્મોમાં માનવાથી તેઓનું જીવન ખતરામાં છે. તેથી લાખો લોકોએ જૂઠા ધર્મો સાથેનો નાતો કાપી નાખ્યો છે. તેઓએ ઈસુ ખ્રિસ્તને પગલે ચાલવા માટે પોતાનું જીવન યહોવાહને અર્પીને બાપ્તિસ્મા લીધું છે. જૂઠા ધર્મો વિષે તેઓએ યહોવાહની આ ચેતવણી સાંભળીને જરૂરી પગલાં લીધાં: “ઓ મારા લોક, તમે તેનાં પાપના ભાગીદાર ન થાઓ, અને તેના પર આવનારા અનર્થોમાંનો કોઈ પણ તમારા પર ન આવે, માટે તેમાંથી નીકળી જાઓ.”—પ્રકટીકરણ ૧૮:૪.

૧૧. યહોવાહના આશીર્વાદો પામવા શું કરવું જ જોઈએ?

૧૧ યહોવાહના સાક્ષીઓ બાઇબલમાંથી જે શીખવે છે, એનાથી લાખો લોકોને ફાયદો થયો છે. તોપણ તેઓ નિર્ણય લેતા નથી કે શું કરવું જોઈએ. ઘણા મિટિંગોમાં આવે છે. દર વર્ષે મેમોરિયલમાં આવે છે. મોટાં સંમેલનોમાં અમુક ટૉક સાંભળવા પણ આવે છે. તેઓને અમે આગ્રહ કરીએ છીએ કે એલીયાહના આ શબ્દો પર વિચાર કરો: “તમે ક્યાં સુધી દૂધમાં અને દહીંમાં પગ રાખ્યા કરશો?” (૧ રાજાઓ ૧૮:૨૧, સંપૂર્ણ) તમારે યહોવાહની સેવા કરવાનો હમણાં જ નિર્ણય લેવો જોઈએ. યહોવાહની ભક્તિ જીવનભર કરવા, બાપ્તિસ્મા લેવા માટે હમણાં જ નિર્ણય લેવાની જરૂર છે. પૂરા જુસ્સાથી યહોવાહની સેવા કરવા બનતું બધું જ કરો. નહિતર કાયમ જીવવાની તક તમે ગુમાવી દેશો!—૨ થેસ્સાલોનીકી ૧:૬-૯.

૧૨. બાપ્તિસ્મા પામેલા અમુક ભાઈ-બહેનો કેવી હાલતમાં છે? તેઓએ શું કરવું જોઈએ?

૧૨ અફસોસની વાત છે કે યહોવાહના ભક્તો બન્યા પછી, અમુકે તેમની સેવા કરવાનું છોડી દીધું છે. યહોવાહની ભક્તિમાં ઠંડા પડી ગયા છે. (હેબ્રી ૧૦:૨૩-૨૫; ૧૩:૧૫, ૧૬) અમુક સતાવણીના ડરથી તો અમુક રોજી-રોટીની ચિંતાથી ધીમા પડી ગયા છે. કેટલાક ધનવાન બનવા પાછળ પડી ગયા છે. અમુક મોજમજામાં ડૂબી જવાને લીધે યહોવાહની ભક્તિમાં ઠંડા પડી ગયા છે. ઈસુએ ચેતવણી આપી હતી કે તેમના શિષ્યોમાંથી અમુક ઠોકર ખાશે, સંસારી ચિંતાથી અને ધનની મોહ-માયાથી દબાઈ જશે. (માત્થી ૧૦:૨૮-૩૩; ૧૩:૨૦-૨૨; લુક ૧૨:૨૨-૩૧; ૨૧:૩૪-૩૬) જેઓ ‘બે મત વચ્ચે ઢચુપચુ’ છે, તેઓએ પસ્તાવો કરવો જોઈએ. યહોવાહને પોતાનું જીવન અર્પીને, ઉત્સાહથી તેમની સેવા કરવાનું હમણાં જ નક્કી કરવું જોઈએ.—પ્રકટીકરણ ૩:૧૫-૧૯.

જૂઠા ધર્મોનો ઝડપથી અંત આવશે

૧૩. યેહૂને રાજા તરીકે અભિષિક્ત કરવામાં આવ્યો ત્યારે ઇઝરાયલની કેવી હાલત હતી?

૧૩ કાર્મેલ પર્વત પર એલીયાહે સાબિત કરી આપ્યું કે ફક્ત યહોવાહ જ વિશ્વના રાજા છે. એના અઢાર વર્ષ પછી શું થયું? એ જાણીને આપણે સમજી શકીશું કે કેમ યહોવાહને ભજવાનું હમણાં જ નક્કી કરવું જોઈએ. બઆલના ભક્તો પર યહોવાહનો ન્યાય ચુકાદો એકાએક અને ઝડપથી આવી પડ્યો હતો. એલીયાહ પછી આવનાર પ્રબોધક એલીશાના જીવનમાં એ બન્યું. એ સમયે આહાબનો દીકરો યોરામ ઇઝરાયલનો રાજા હતો. રાજમાતા ઈઝેબેલ હજી જીવતી હતી. એલીશાએ ઝડપથી એક પ્રબોધક મોકલ્યો. એ પ્રબોધકે જઈને ઇઝરાયલના સેનાપતિ યેહૂને રાજા તરીકે અભિષિક્ત કરવાનો હતો. યેહૂ ઇઝરાયલના દુશ્મનો સામે યરદન પૂર્વે રામોથ-ગિલઆદમાં લડી રહ્યો હતો. યહુદાહનો રાજા યહોરામ લડાઈમાં ઘાયલ થયો હોવાથી, તે યિઝ્રએલમાં એટલે મગિદ્દોની નજીક આવેલી ખીણમાં આરામ કરતો હતો.—૨ રાજાઓ ૮:૨૯–૯:૪.

૧૪, ૧૫. યેહૂને કયું કામ સોંપવામાં આવ્યું હતું અને તેણે શું કર્યું?

૧૪ યહોવાહે યેહૂને આજ્ઞા કરી: ‘તું તારા ધણી આહાબના કુટુંબનાંને મારશે, કે જેથી હું મારા સેવક પ્રબોધકોના ખૂનનું તથા યહોવાહના સર્વ સેવકોના ખૂનનું વેર ઇઝેબેલ પર વાળું. કેમકે આહાબનું આખું કુટુંબ નાશ પામશે. ઈઝેબેલને યિઝ્રએલના વાંટામાં કૂતરાં ખાશે, અને એને દાટનાર કોઇ નહિ હોય.’—૨ રાજાઓ ૯:૭-૧૦.

૧૫ યેહૂએ તરત જ યોગ્ય પગલાં લીધાં. તેણે જરાય સમય બગાડ્યો નહિ. તે રથમાં બેસીને વીજળી વેગે યિઝ્રએલ તરફ ગયો. યિઝ્રએલનો ચોકીદાર ઝડપથી આવતા રથને જોઈને ઓળખી ગયો કે એ તો યેહૂ છે. ચોકીદારે આવીને યોરામ રાજાને એ જણાવ્યું. એ સાંભળીને યોરામ રથ લઈને પોતાના સેનાપતિ યેહૂને મળવા ગયો. તેઓ મળ્યા ત્યારે યોરામે પૂછ્યું: “યેહૂ, શું સલાહશાંતિ છે?” યેહૂએ કહ્યું: “જ્યાં સુધી તારી મા ઇઝેબેલના વ્યભિચાર તથા એનાં જાદુકર્મ પુષ્કળ છે, ત્યાં સુધી શી શાંતિ હોય?” એ સાંભળીને યોરામ નાસી છૂટવા માંડ્યો. પણ યેહૂએ નિશાન તાકીને બાણ માર્યું. એ યોરામના હૃદયની આરપાર નીકળી ગયું.—૨ રાજાઓ ૯:૨૦-૨૪.

૧૬. (ક) ઇઝેબેલના ચોકીદારોએ તાત્કાલિક કયો નિર્ણય લેવાનો હતો? (ખ) ઇઝેબેલ વિષે યહોવાહે જે કહ્યું હતું એ કઈ રીતે સાચું પડ્યું?

૧૬ પછી મોડું કર્યા વગર યેહૂ પોતાનો રથ દોડાવતો ઝડપથી યિઝ્રએલ પહોંચી ગયો. બની-ઠનીને તૈયાર બેઠેલી ઇઝેબેલે ઉપરની બારીમાંથી નીચે જોયું. યેહૂને કડવાં વેણથી આવકાર આપ્યો. યેહૂએ તેને દાદ આપ્યા વગર કહ્યું: “મારા પક્ષનો કોણ છે? કોણ છે?” એ સાંભળીને ઇઝેબેલના ચોકીદારોએ તાત્કાલિક એક મોટો નિર્ણય લેવાનો હતો. તેઓ યેહૂનો પક્ષ લેશે કે ઈઝેબેલનો? બે ત્રણ ચોકીદારોએ બારીમાંથી નીચે ડોકિયું કર્યું. હવે તેઓની કસોટી થવાની હતી. યેહૂએ હુકમ કર્યો: “તેને નીચે નાખી દો.” તેઓએ ઇઝેબેલને નીચે રસ્તા પર ફેંકી. યેહૂના રથ અને ઘોડાના પગ નીચે તે કચડાઈ મરી. ઇઝરાયલમાં બઆલની ભક્તિનો અંત આવ્યો. ઇઝેબેલને દાટવામાં આવે એ પહેલાં, કૂતરાં તેનું બધું જ માંસ ખાઈ ગયા હતા. યહોવાહે કહ્યું હતું એમ જ થયું.—૨ રાજાઓ ૯:૩૦-૩૭.

૧૭. યહોવાહે ઇઝેબેલને જે સજા ફટકારી, એનાથી આપણને કઈ ખાતરી થાય છે?

૧૭ એ જ રીતે, બાઇબલમાં “મહાન બાબેલોન” નામની વેશ્યાના એકાએક આવનારા નાશ વિષે જણાવવામાં આવે છે. એ વેશ્યા કોણ છે? એ વેશ્યા શેતાનના જગતના બધા જૂઠા ધર્મો છે, જે વર્ષો પહેલાં બાબેલોન શહેરમાંથી ઊભા થયા હતા. સર્વ જૂઠા ધર્મોનો અંત આવ્યા પછી, યહોવાહ મનુષ્યોની સરકારો પાસેથી હિસાબ લેશે. એનું કારણ કે સરકારો પણ શેતાનના જગતનો એક ભાગ છે. તેઓનો પણ નાશ થયા પછી ન્યાયી દુનિયા આવશે.—પ્રકટીકરણ ૧૭:૩-૬; ૧૯:૧૯-૨૧; ૨૧:૧-૪.

૧૮. ઇઝેબેલના મરણ પછી ઇઝરાયલમાં રહેતા બઆલના ભક્તોનું શું થયું?

૧૮ ઇઝેબેલને મારી નાખ્યા પછી, યેહૂ જરાય મોડું કર્યા વગર આહાબના બાકીના પરિવારને અને તેના સાથીદારોને ખતમ કરવા દોડી ગયો. (૨ રાજાઓ ૧૦:૧૧) ઇઝરાયલમાં ઘણા લોકો બઆલની ભક્તિ કરતા હતા. તેઓનું નામનિશાન મિટાવવા યેહૂ એક ચાલ રમ્યો. તે ચાહતો હતો કે ઇઝરાયલમાં યહોવાહ સિવાય બીજા કોઈ દેવોની ભક્તિ ન થાય. (૨ રાજાઓ ૧૦:૧૬) યેહૂએ ઢોંગ કર્યો કે જાણે પોતે બઆલનો ભક્ત હોય. આહાબે સમરૂનમાં બઆલનું જે મંદિર બાંધ્યું હતું, એમાં યેહૂએ મોટો ઉત્સવ રાખ્યો. તેણે ઇઝરાયલમાંથી બઆલના સર્વ ભક્તોને ત્યાં બોલાવ્યા. તેઓ મંદિરમાં ભેગા થયા પછી, યેહૂના માણસોએ તેઓને મારી નાખ્યા. તેઓના અહેવાલને અંતે બાઇબલ કહે છે: “આ પ્રમાણે યેહૂએ ઇઝરાયલમાંથી બઆલનો નાશ કર્યો.”—૨ રાજાઓ ૧૦:૧૮-૨૮.

૧૯. ‘મોટી સભા’ માટે કેવું ભાવિ છે?

૧૯ ઇઝરાયલમાંથી બઆલના ભક્તોનું નામનિશાન મટી ગયું. એ જ રીતે દુનિયાના સર્વ જૂઠા ધર્મોનો અચાનક અંત આવશે. સર્વ જૂઠા ધર્મો પર યહોવાહનો ન્યાય કરવાનો દિવસ ઓચિંતો આવી પડશે. એ સમયે તમે કોને ભજતા હશો, યહોવાહને કે જૂઠા દેવ-દેવીઓને? યહોવાહને ભજવાનું હમણાં જ નક્કી કરો! એમ કરશો તો તમે પણ “મોટી વિપત્તિમાંથી” ‘મોટી સભાના’ લોકોની જેમ બચી શકશો. પછી તમે વીતી ગયેલા દિવસોનો વિચાર કરતા જઈને, યહોવાહના ગુણો ગાતા ગાતા ખુશીથી ઝૂમી ઊઠશો. એનું કારણ કે જે “મોટી વેશ્યાએ [જૂઠા ધર્મોએ] પોતાના વ્યભિચારથી [જૂઠી માન્યતાથી] પૃથ્વીને ભ્રષ્ટ કરી” હતી, તેનો યહોવાહે ન્યાય કર્યો છે. સ્વર્ગ દૂતોએ ગાયેલું સુંદર ગીત તમે પણ યહોવાહના ભક્તો સાથે ગાઈ શકશો: “હાલેલુયાહ; કેમ કે હવે સર્વશક્તિમાન પ્રભુ આપણો દેવ રાજ કરે છે.”—પ્રકટીકરણ ૭:૯, ૧૦, ૧૪; ૧૯:૧, ૨,.

વિચારવા માટેના પ્રશ્નો

• ઇઝરાયલ જૂઠા દેવ બઆલની ભક્તિમાં કેવી રીતે ફસાયું?

• જૂઠી ભક્તિનો ફેલાવો થશે, એ વિષે બાઇબલ પહેલેથી શું જણાવે છે? એ ભવિષ્યવાણી કઈ રીતે પૂરી થઈ છે?

• યેહૂએ કઈ રીતે બઆલની ભક્તિનું નામનિશાન મિટાવી દીધું?

• યહોવાહના ન્યાયના દિવસે બચી જવા આપણે શું કરવું જોઈએ?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૨૫ પર નકશા]

(લેખને છપાયો છે એવો જોવા એ પ્રકાશનમાં જુઓ)

સોખોહ

અફેક

હેલ્કાથ

યોકનઆમ

મગિદ્દો

તાઅનાખ

દોથાન

સમરૂન

એન-દોર

શૂનેમ

ઓફ્રાહ

યિઝ્રએલ

યિબ્લઆમ (ગાથ-રિમ્મોન)

તિર્સાહ

બેથ-શેમેશ

બેથ શેઆન (બેથ-શાનના)

યાબેશ-ગિલઆદ?

આબેલ-મહોલાહ

બેથઆર્બેલ

રામોથ-ગિલઆદ

Mountain Peaks

કાર્મેલ પર્વત

તાબોર પર્વત

મોરેહ

ગિલ્બોઆ પર્વત

[Bodies of water]

ભૂમધ્ય સમુદ્ર

ગાલીલ સમુદ્ર

[River]

યરદન નદી

[Spring and well]

હારોદનો કૂવો

[ક્રેડીટ લાઈન]

Based on maps copyrighted by Pictorial Archive (Near Eastern History) Est. and Survey of Israel

[પાન ૨૬ પર ચિત્રો]

નિયમિત પ્રચાર કરવો અને સભામાં જવું એ યહોવાહની ભક્તિનો મહત્ત્વનો ભાગ છે

[પાન ૨૮, ૨૯ પર ચિત્ર]

આવનાર વિનાશમાંથી બચવા યેહૂની જેમ હમણાં જ નક્કી કરો કે તમે યહોવાહને ભજશો