સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ન્યાયીપણું શોધવાથી આપણું રક્ષણ થશે

ન્યાયીપણું શોધવાથી આપણું રક્ષણ થશે

ન્યાયીપણું શોધવાથી આપણું રક્ષણ થશે

‘તમે પહેલાં યહોવાહના ન્યાયીપણાને શોધો.’—માત્થી ૬:૩૩.

૧, ૨. યુવાન ખ્રિસ્તી બહેને નોકરી વિષે કેવો નિર્ણય લીધો અને શા માટે?

 એશિયામાં એક યુવાન બહેન સરકારી ઑફિસમાં સેક્રેટરીનું કામ કરતી હતી. તે સમયસર નોકરી પર આવતી. તે સમય ન બગાડતી અને પૂરા દિલથી કામ કરતી. તેણે પોતાને સોંપેલી જવાબદારી સારી રીતે ઉપાડી લીધી હતી. જોકે આ બહેનની નોકરી ટેમ્પરરી હતી. તેથી થોડા સમય પછી તેના કામની તપાસ કરવામાં આવી. એ ઑફિસના માલિકે આ યુવાન બહેનને કહ્યું, ‘જો તું મારી સાથે જાતીય સંબંધ બાંધીશ તો, હું તને કાયમ માટે નોકરી પર રાખી લઈશ. એટલું જ નહિ, તને સેક્રેટરીથી પણ ઊંચો હોદ્દો આપીશ.’ શું બહેને માલિકની વાત માની? બિલકુલ નહિ! તે જાણતી હતી કે પોતે નોકરી ગુમાવવી પડશે, તોપણ તેણે ઘસીને માલિકને ના પાડી દીધી.

શું આ બહેને બરાબર નિર્ણય લીધો હતો? ચોક્કસ! તેણે ઈસુની સલાહ પાળી: ‘તમે પહેલાં યહોવાહના ન્યાયીપણાને શોધો.’ (માત્થી ૬:૩૩) બહેન માટે ન્યાયીપણાના સિદ્ધાંતો મૂલ્યવાન હતા. તેથી તેમણે નોકરી મેળવવા માલિક સાથે જાતીય સંબંધ બાંધવા કરતાં, જીવનમાં યહોવાહની ઇચ્છા પ્રમાણે કરવાને મહત્ત્વ આપ્યું.—૧ કોરીંથી ૬:૧૮.

ન્યાયીપણાનું મહત્ત્વ

૩. ન્યાયીપણાનો અર્થ શું છે?

‘ન્યાયીપણાનો’ અર્થ સારા સંસ્કારો પ્રમાણે જીવવું થાય છે. બાઇબલમાં ન્યાયીપણા માટે જે હિબ્રૂ અને ગ્રીક શબ્દો વાપરવામાં આવ્યા છે એનો અર્થ “પ્રમાણિકપણું” કે “નેકી” થાય છે. એનો અર્થ એ નથી કે આપણે પોતાના વિચારો પ્રમાણે ચાલવું જોઈએ. (લુક ૧૬:૧૫) પણ આપણે યહોવાહના સિદ્ધાંતો પ્રમાણે ચાલવું જોઈએ. યહોવાહ ન્યાયી હોવાથી ફક્ત તે જ એવા નિયમો બનાવી શકે છે.—રૂમી ૧:૧૭; ૩:૨૧.

૪. શા માટે આપણે યહોવાહની ઇચ્છા પ્રમાણે ચાલવું જોઈએ?

શા માટે યહોવાહની ઇચ્છા પ્રમાણે ચાલવું જોઈએ? કેમ કે, “યહોવાહ ન્યાયી છે.” તેમની ઇચ્છા પ્રમાણે ચાલવાથી ચોક્કસ તે આપણા પર આશીર્વાદ વરસાવશે. (ગીતશાસ્ત્ર ૪:૧; નીતિવચનો ૨:૨૦-૨૨; હબાક્કૂક ૧:૧૩) અન્યાયના કામો કરનારા ક્યારેય યહોવાહ સાથે સારો સંબંધ બાંધી નહિ શકે. (નીતિવચનો ૧૫:૮) તેથી પ્રેષિત પાઊલે તીમોથીને અરજ કરી: ‘જુવાનીના વિષયોથી નાસી જા, ન્યાયીપણું પ્રાપ્ત કરવાને યત્ન કર.’ તેમ જ પાઊલે તીમોથીને બીજા સારાં ગુણો કેળવવાની પણ અરજ કરી. (૨ તીમોથી ૨:૨૨) પાઊલે કહ્યું કે આપણે સત્યનું બખ્તર પહેરવું જોઈએ. એટલે એમાં ‘ન્યાયીપણાનું બખ્તર પહેરવાનો’ સમાવેશ થાય છે.—એફેસી ૬:૧૪.

૫. આપણે કઈ રીતે ન્યાયીપણાને શોધી શકીએ?

આદમના પાપને લીધે બધાને વારસામાં પાપ મળ્યું છે. એ કારણે આપણે અમુક વાર ન્યાયના માર્ગમાં ચાલતા નથી. તોપણ ઈસુએ કહ્યું કે આપણે ન્યાયીપણાને શોધવું જોઈએ. આપણે કેવી રીતે એમ કરી શકીએ? ઈસુએ આપણને પાપના પંજામાંથી છોડાવવા પોતાનું જીવન આપ્યું હતું. આપણે ઈસુના બલિદાનમાં ભરોસો મૂકીશું તો, યહોવાહ આપણા પાપને જરૂર માફ કરશે. (માત્થી ૨૦:૨૮; યોહાન ૩:૧૬; રૂમી ૫:૮, ૯, ૧૨, ૧૮) તેથી, આપણે યહોવાહના ન્યાયી સિદ્ધાંતો શીખીને એ પ્રમાણે જીવનમાં લાગુ પાડવા બનતું બધું કરીશું. તેમ જ આપણી કમજોરીઓ પર કાબૂ મેળવવા યહોવાહને પ્રાર્થના કરીશું તો, યહોવાહ પોતાના દીકરા ઈસુના બલિદાનને આધારે આપણી ભક્તિ સ્વીકારશે. (ગીતશાસ્ત્ર ૧:૬; રૂમી ૭:૧૯-૨૫; પ્રકટીકરણ ૭:૯, ૧૪) એ જાણીને આપણા દિલને કેવી શાંતિ મળે છે!

અન્યાયથી ભરેલી દુનિયામાં ન્યાય

૬. કઈ રીતે કહેવાય કે પહેલી સદીના ભાઈ-બહેનો માટે દુનિયા ખતરાથી ભરેલી હતી?

ઈસુએ શિષ્યોને આજ્ઞા આપી કે “પૃથ્વીના છેડા સુધી તમે મારા સાક્ષી થશો.” શિષ્યોએ આ આજ્ઞાને પાળવામાં ઘણી મુશ્કેલીઓ અનુભવી. (પ્રેરિતોનાં કૃત્યો ૧:૮) શા માટે? તેઓનો પ્રચાર વિસ્તાર શેતાન કે “દુષ્ટની સત્તામાં” હતો. (૧ યોહાન ૫:૧૯) શેતાને ખરાબ હવા ફેલાવી હતી અને આખી દુનિયા એ ખરાબ હવાથી ભરેલી હતી. તેથી પહેલી સદીના ભાઈબહેનો માટે એવી હવામાં શ્વાસ લેવો મુશ્કેલ હતું. (એફેસી ૨:૨) તેઓ ખતરનાક દુનિયામાં જીવતા હતા. યહોવાહની ઇચ્છા પ્રમાણે જીવવાથી તેઓ ધીરજ ધરી શકતા અને પ્રમાણિકતા જાળવી શકતા હતા. મોટા ભાગના ભાઈબહેનો ધીરજ રાખી શક્યા. પણ અમુક ‘નેકીના માર્ગને’ બદલે ખોટા રસ્તા પર ચડી ગયા.—નીતિવચનો ૧૨:૨૮; ૨ તીમોથી ૪:૧૦.

૭. આ દુષ્ટ જગતમાં આપણી જવાબદારી શું છે?

શું આજે દુનિયામાં આપણા માટે કોઈ સલામતી છે? જરાય નહિ! આજની દુનિયાનું વાતાવરણ પહેલી સદીથી દસગણું ખરાબ છે. શેતાનને પૃથ્વી પર ફેંકી દેવામાં આવ્યો છે. તેથી “બાકીનાં સંતાન, [અભિષિક્ત ભાઈ-બહેનો] એટલે જેઓ દેવની આજ્ઞા પાળે છે, અને ઈસુની સાક્ષીને વળગી રહે છે” તેઓની શ્રદ્ધા તોડવા શેતાન પૂરી કોશિશ કરે છે. (પ્રકટીકરણ ૧૨:૧૨, ૧૭) ‘સંતાનને’ સાથ આપનારા લોકોની પણ શ્રદ્ધા તોડવા શેતાન રાત દિવસ લાગુ રહે છે. ભલે આપણે આ જગતનો ભાગ નથી પણ આપણે એમાં જીવવાનું છે. (યોહાન ૧૭:૧૫, ૧૬) એમાં પ્રચાર કરવાની જરૂર છે, કેમ કે યહોવાહે આપણને આખી દુનિયામાં પ્રચાર કરવાની જવાબદારી સોંપી છે. એનાથી આપણે નેકદિલ લોકોને ઈસુના પગલે ચાલવાનું શીખવી શકીએ. (માત્થી ૨૪:૧૪; ૨૮:૧૯, ૨૦) આપણે આ દુષ્ટ દુનિયામાં જીવતા હોવાથી મુશ્કેલીનો સામનો કરવાની જરૂર છે. ચાલો આપણે દુનિયામાં સામનો કરવા પડતા ચાર ફાંદાની ચર્ચા કરીએ.

વ્યભિચારનો ફાંદો

૮. શા માટે ઈસ્રાએલીઓ મોઆબી દેવ-દેવીઓને ભજવા લાગ્યા?

ઈસ્રાએલીઓ ૪૦ વર્ષથી અરણ્યમાં હતા. પણ એ ચાળીસ વર્ષને અંતે ઘણા ઈસ્રાએલીઓ યહોવાહના માર્ગમાંથી ભટકી ગયા. તેઓએ યહોવાહના ઘણા ચમત્કારો જોયા હતા અને થોડા સમય પછી તેઓ વચનના દેશમાં પહોંચવાના હતા. પણ છેલ્લી ઘડીએ ઘણા ઈસ્રાએલીઓ મોઆબી દેવ-દેવીઓને ભજવા માંડ્યા. શા માટે? કેમ કે તેઓ ‘ભૂંડી ઇચ્છાઓને’ તાબે થયા. (૧ યોહાન ૨:૧૬, IBSI) બાઇબલ જણાવે છે કે તેઓ, “મોઆબની દીકરીઓની સાથે વ્યભિચાર કરવા લાગ્યા.”—ગણના ૨૫:૧.

૯, ૧૦. શા માટે આપણે ધ્યાન રાખવું જોઈએ કે ખોટી ઇચ્છાઓ બરબાદ કરી શકે છે?

આ બનાવ પરથી આપણે જોઈ શકીએ છીએ કે વ્યક્તિ ભૂંડી ઇચ્છાઓને લીધે ખોટા માર્ગમાં ચાલી શકે છે. એમાંથી આપણે ઘણું શીખવું જોઈએ. કેમ કે આજની દુનિયાના લોકો માટે વ્યભિચાર જેવી બાબતો કરવી એકદમ સામાન્ય છે. (૧ કોરીંથી ૧૦:૬,) એ વિષે અમેરિકાનો એક અહેવાલ કહે છે, “અમેરિકામાં ૧૯૭૦ સુધી નિયમ હતો કે લગ્‍ન કર્યા વિના ઘરસંસાર માંડવો ગેરકાનૂની છે. પણ આજે તો ‘બિન ફેરે, હમ તેરેનો’ પવન ફૂંકાવા લાગ્યો છે. જેઓએ લગ્‍ન કર્યા છે તેઓમાંથી અડધાથી વધારે લગ્‍ન પહેલાં એક છત નીચે રહેતા હતા.” લગ્‍ન કર્યા વિના સાથે રહેવું અને બીજા ખોટા સંસ્કારો અમેરિકા પૂરતા જ નથી. આખી દુનિયામાં ખરાબ સંસ્કારો ફેલાયા છે. દુઃખની વાત છે કે અમુક ભાઈબહેનોએ આવા ખરાબ સંસ્કારો કેળવ્યા છે. અમુકે તો એટલી હદ સુધી કેળવ્યા છે કે તેઓને મંડળમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે.—૧ કોરીંથી ૫:૧૧.

૧૦ આજે આખી દુનિયામાં વ્યભિચાર કરવાનું ઉત્તેજન આપવામાં આવે છે. ટીવી અને ફિલ્મોમાં યુવાનોને શીખવવામાં આવે છે કે લગ્‍ન પહેલાં સેક્સ માણવામાં કંઈ ખોટું નથી. સ્ત્રી-સ્ત્રી અને પુરુષ-પુરુષ વચ્ચે જાતીય સંબંધ પણ બતાવવામાં આવે છે. ઘણા પ્રોગ્રામમાં તો સેક્સ બાબતે વિગતવાર બતાવવામાં આવે છે. ઇંટરનેટની ઘણી વેબસાઈટમાં પણ ગંદા સેક્સી ચિત્રો આપવામાં આવે છે. એક છાપાના લેખકે અહેવાલ આપ્યો, ‘સાત વર્ષનો એક છોકરો સ્કૂલમાંથી બહુ ખુશ થઈને ઘરે આવ્યો. છોકરાએ તેના પપ્પાને કહ્યું કે તેણે અને તેના એક મિત્રએ ઇંટરનેટની એક વેબસાઈટ પર નગ્‍ન સ્ત્રીઓને સેક્સ કરતા જોઈ.’ આ સાંભળીને તેના પપ્પાના રુવાંટાં ઊભા થઈ ગયા. પણ સવાલ થાય છે કે કેટલા છોકરાઓ આવી વેબસાઈટ જોઈને પોતાના માબાપને જણાવે છે? કેટલા માબાપ જાણે છે કે પોતાનાં છોકરાં કેવી વિડીયો ગેમ રમે છે? મોટા ભાગની વિડીયો ગેમમાં વ્યભિચાર, હિંસા અને પિશાચવાદ જેવી બાબતો બતાવવામાં આવે છે.

૧૧. કુટુંબ કઈ રીતે દુનિયાના ખરાબ મનોરંજનથી દૂર રહી શકે?

૧૧ કુટુંબો કઈ રીતે આવા ખરાબ મનોરંજનથી દૂર રહી શકે? તેઓએ યહોવાહની ઇચ્છા પ્રમાણે ચાલવા અને ખરાબ કામોથી દૂર રહેવાનો પાક્કો નિર્ણય કરવો જોઈએ. (૨ કોરીંથી ૬:૧૪; એફેસી ૫:૩) એ માટે સૌથી પહેલાં માબાપે બાળકોને યહોવાહને પ્રેમ કરવાનું શીખવવું જોઈએ. પછી તેઓએ યહોવાહના સિદ્ધાંતોને બાળકોના દિલમાં રોપવા જોઈએ. માબાપે બાળકોને એ પણ શીખવવું જોઈએ કે પોર્નોગ્રાફી અને એના જેવી વિડીયો ગેમ્સ ન જોવી જોઈએ. તેઓએ ધ્યાન રાખવું જોઈએ કે બાળકો કેવા કાર્યક્રમ જુએ છે.—પુનર્નિયમ ૬:૪-૯. *

સમાજના દબાણો

૧૨. પહેલી સદીમાં કેવી તકલીફો ઊભી થઈ?

૧૨ એશિયા માઈનોરના લુસ્ત્રા શહેરમાં પાઊલે એક માણસને ચમત્કારથી સાજો કર્યો. એ વિષે બાઇબલ કહે છે: “પાઊલે જે કર્યું હતું તે જોઈને લોકોએ લુકાનીની ભાષામાં પોકારીને કહ્યું, કે માણસોનું રૂપ લઈને દેવો આપણી પાસે ઊતરી આવ્યા છે. તેઓએ બાર્નાબાસને ઝૂસ કહ્યો; અને પાઊલને હેર્મેસ કહ્યો, કેમ કે તે મુખ્ય બોલનાર હતો.” (પ્રેરિતોનાં કૃત્યો ૧૪:૧૧, ૧૨) થોડા સમય પછી એ જ ટોળાંએ પાઊલ અને બાર્નાબાસને મારી નાખવાની કોશિશ કરી. (પ્રેરિતોનાં કૃત્યો ૧૪:૧૯) આ બતાવે છે કે લોકો બહુ જલદી તેઓના સમાજની વાતોમાં આવી ગયા. એમ લાગે છે કે લુસ્રામાં ખ્રિસ્તી ધર્મ અપનાવેલા અમુક લોકોએ હજુ પણ તેઓના સમાજની અંધશ્રદ્ધામાં માનવાનું પૂરી રીતે છોડ્યું ન હતું. તેથી પાઊલે કોલોસીના ખ્રિસ્તીઓને ચેતવણી આપી કે “દૂતોની સેવા” કરશો નહિ.—કોલોસી ૨:૧૮.

૧૩. કેવા રીત-રિવાજોમાં આપણે ભાગ ન લેવો જોઈએ અને એ કેવી રીતે કરી શકીએ?

૧૩ આજે ઘણા રીત-રિવાજો ખોટા ધર્મમાંથી આવે છે. એ રિવાજો સત્યની વિરુદ્ધ હોય છે, તેથી આપણે એનાથી દૂર રહેવું જોઈએ. દાખલા તરીકે, અમુક દેશોમાં લોકો માને છે કે આપણામાં આત્મા છે. અને મરણ પછી આત્મા જીવે છે. એના કારણે તેઓના ધર્મમાં જન્મ અને મરણના ઘણા રિવાજો છે. (સભાશિક્ષક ૯:૫, ૧૦) અમુક દેશોમાં સ્ત્રીઓની સુન્‍નત કરવામાં આવે છે. આમ કરવું ખરેખર ક્રૂરતા કહેવાય. આવો રિવાજ પરમેશ્વરના સિદ્ધાંતોની વિરુદ્ધ છે. કેમ કે માબાપને બાળકોની પ્રેમથી સંભાળ રાખવાની આજ્ઞા આપવામાં આવી છે. (પુનર્નિયમ ૬:૬, ૭; એફેસી ૬:૪) તો પછી, માબાપ કઈ રીતે સમાજના દબાણો અને રિવાજોનો સામનો કરી શકે? તેઓએ યહોવાહમાં અતૂટ ભરોસો રાખવાની જરૂર છે. (ગીતશાસ્ત્ર ૩૧:૬) યહોવાહ પરમેશ્વર ન્યાયી છે. આપણે દિલથી તેમને કહેવું જોઈએ કે તમે ‘મારો આશ્રય તથા કિલ્લો છો; તમે જ મારા ઈશ્વર છો, તમારા પર હું ભરોસો રાખું છું.’ આપણે આમ કહીશું તો, યહોવાહ ચોક્કસ આપણને હિંમત આપશે અને આપણી સંભાળ રાખશે.—ગીતશાસ્ત્ર ૯૧:૨; નીતિવચનો ૨૯:૨૫.

યહોવાહની ભક્તિ કરવામાં ઠંડા ન પડો

૧૪. ઈસ્રાએલીઓ વચનના દેશમાં ગયા એના પહેલાં યહોવાહે તેઓને કઈ ચેતવણી આપી હતી?

૧૪ ઈસ્રાએલીઓ વચનના દેશમાં ગયા એના પહેલાં યહોવાહે તેઓને ચેતવણી આપી હતી કે તેઓએ હંમેશા તેમની ભક્તિ કરવી જોઈએ. યહોવાહે તેઓને કહ્યું: “સાવધાન રહેજે, રખેને તેની આજ્ઞાઓ તથા તેના કાનૂનો તથા તેના વિધિઓ જે હું આજે તને ફરમાવું છું તે ન પાળતાં તું યહોવાહ તારા દેવને ભૂલી જાય; રખેને તું ખાઈને તૃપ્ત થાય ને સારાં સારાં ઘર બાંધીને તેમાં રહે; અને તારાં ઢોરનો તથા તારાં ઘેટાંબકરાંનો વિસ્તાર વધી જાય, ને તારૂં સોનુંરૂપું વધી જાય, ને તારી માલમિલકત ઘણી થાય: ત્યારે તારૂં મન ગર્વિષ્ઠ થાય, ને તું યહોવાહ તારા દેવને ભૂલી જાય.”—પુનર્નિયમ ૮:૧૧-૧૪.

૧૫. આપણે યહોવાહની સેવામાં ઠંડા પડ્યા નથી એવી ખાતરી કઈ રીતે કરી શકીએ?

૧૫ શું આજે આપણે પણ માલમિલકતના મોહમાં ફસાઈ શકીએ? ચોક્કસ! જો આપણે જીવનમાં યહોવાહની ભક્તિને પહેલી ન રાખીએ તો ફસાઈ શકીએ. આપણે યહોવાહની ઇચ્છા પ્રમાણે ચાલીશું તો, જીવનમાં સૌ પ્રથમ તેમની ભક્તિ કરીશું. આમ આપણે પાઊલની સલાહને ધ્યાન આપીશું કે “સમયનો સદુપયોગ કરો.” વળી એ પણ ધ્યાન રાખીશું કે આપણે છેલ્લા દિવસોમાં જીવી રહ્યાં છીએ, એ માટે વધારે પ્રચાર કરવો જોઈએ. (કોલોસી ૪:૫; ૨ તીમોથી ૪:૨) પરંતુ, મિટિંગ કે પ્રચારમાં જવા કરતાં આરામ કે મનોરંજન આપણા જીવનમાં વધારે મહત્ત્વના હોય તો શું બની શકે? આપણે યહોવાહની ભક્તિમાં ઠંડા પડી શકીએ છીએ. પાઊલે કહ્યું કે છેલ્લા દિવસોમાં લોકો ‘દેવ પર નહિ પણ વિલાસ પર પ્રીતિ રાખશે.’ (૨ તીમોથી ૩:૪) તેથી આપણે નિયમિત તપાસ કરવી જોઈએ કે આપણે જીવનમાં એવું વલણ કેળવતા તો નથી ને?—૨ કોરીંથી ૧૩:૫.

મન ફાવે એમ કરવાના વલણથી દૂર રહો

૧૬. હવા અને કોરીંથ મંડળમાં અમુક લોકોએ કેવું ખરાબ વલણ કેળવ્યું હતું?

૧૬ એદન બાગમાં શેતાને હવાને લલચાવી કે પોતે મન ફાવે એ રીતે જીવી શકે છે. હવાના મનમાં પણ એવી ઇચ્છા જાગી કે પોતાના માટે ખરું-ખોટું શું છે એ જાતે નક્કી કરે. (ઉત્પત્તિ ૩:૧-૬) પહેલી સદીમાં કોરીંથના અમુક મંડળોએ એવું વલણ કેળવ્યું હતું. તેઓને લાગતું હતું કે તેઓ પાઊલથી વધારે હોશિયાર છે. તેથી પાઊલે તેઓને કટાક્ષમાં “સહુથી ઉત્તમ પ્રેરિતો” કે કહેવાતા પ્રેરિતો કહ્યાં.—૨ કોરીંથી ૧૧:૩-૫; ૧ તીમોથી ૬:૩-૫.

૧૭. આપણે કેવી રીતે મન ફાવે એવું વલણ નહિ કેળવીએ?

૧૭ દુનિયામાં ઘણા લોકો “અવિચારી, અભિમાનથી ફૂલાઈ ગયેલા” થઈ ગયા છે. દુઃખની વાત છે કે અમુક ભાઈ-બહેનો પર એવા વલણની અસર થઈ છે. એટલી હદ સુધી કે તેઓ સત્યનો વિરોધ કરનારા બન્યા છે. (૨ તીમોથી ૩:૪, પ્રેમસંદેશ; ફિલિપી ૩:૧૮) તેથી, સાચી ભક્તિ કરવા માટે આપણે ફક્ત યહોવાહમાં ભરોસો મૂકવો જોઈએ. આપણે “વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર” અને વડીલો સાથે એક રાગથી ભક્તિ કરવી જોઈએ. એમ કરવાથી આપણે યહોવાહના કહેવા પ્રમાણે ચાલીએ છીએ. અને આપણે મન ફાવે એ રીતે જીવીશું નહિ. (માત્થી ૨૪:૪૫-૪૭; ગીતશાસ્ત્ર ૨૫:૯, ૧૦; યશાયાહ ૩૦:૨૧) ૧,૪૪,૦૦૦ના અભિષિક્ત ભાઈબહેનો “સત્યનો સ્તંભ તથા પાયો છે.” યહોવાહે આપણું રક્ષણ કરવા અને માર્ગદર્શન આપવા એની જોગવાઈ કરી છે. (૧ તીમોથી ૩:૧૫) તેઓની મદદથી આપણે “મિથ્યાભિમાન” કરવાને બદલે નમ્રતાથી યહોવાહની ઇચ્છા પ્રમાણે ચાલીશું.—ફિલિપી ૨:૨-૪; નીતિવચનો ૩:૪-૬.

ઈસુના પગલે ચાલો

૧૮. ન્યાયીપણા વિષે ઈસુએ આપણા માટે કેવો દાખલો બેસાડ્યો છે?

૧૮ ઈસુ પૃથ્વી પર આવ્યા એની સદીઓ પહેલાં બાઇબલમાં તેમના વિષે લખવામાં આવ્યું હતું કે “તને ન્યાયીપણા પર પ્રીતિ છે, અને દુષ્ટતા પર દ્વેષ છે.” (ગીતશાસ્ત્ર ૪૫:૭; હેબ્રી ૧:૯) કેવું સરસ વલણ! આપણે પણ ઈસુ જેવું વલણ બતાવવું જોઈએ. (૧ કોરીંથી ૧૧:૧) ઈસુ યહોવાહના સિદ્ધાંતોને ફક્ત જાણતા જ ન હતા. તે એ સિદ્ધાંતોને પૂરા દિલથી ચાહતા હતા. ઈસુ અરણ્યમાં હતા ત્યારે શેતાને તેમને લલચાવવાની કોશિશ કરી. પણ ઈસુ દૃઢ રહ્યાં. તે શેતાનની વાતમાં ન આવ્યા અને “નેકીના માર્ગમાં” ચાલતા રહ્યાં.—નીતિવચનો ૮:૨૦; માત્થી ૪:૩-૧૧.

૧૯, ૨૦. યહોવાહની ઇચ્છા પ્રમાણે ચાલવાથી શું લાભો થાય છે?

૧૯ જોકે અમુક વખતે આપણા મનમાં ખોટા વિચારો આવી શકે. (રૂમી ૭:૧૯, ૨૦) પરંતુ આપણા માટે યહોવાહની ઇચ્છા પ્રમાણે ચાલવું મૂલ્યવાન હશે, તો આપણે દુષ્ટ બાબતોથી દૂર ભાગીશું. (ગીતશાસ્ત્ર ૧૧૯:૧૬૫) યહોવાહના નિયમો અને સિદ્ધાંતો આપણા દિલમાં હશે તો, જીવનની લાલચોથી આપણું રક્ષણ થશે. (નીતિવચનો ૪:૪-૬) જો આપણે લાલચનો ભોગ બનીશું તો, એનાથી શેતાન બહુ ખુશ થશે. તેથી ચાલો આપણે લાલચોનો સામનો કરીએ અને યહોવાહને ખુશ કરીએ!—નીતિવચનો ૨૭:૧૧; યાકૂબ ૪:૭, ૮.

૨૦ આપણે યહોવાહની ઇચ્છા પ્રમાણે ચાલીશું તો, ‘દેવની સ્તુતિ તથા મહિમામાં વધવા માટે ઈસુ ખ્રિસ્ત દ્વારા ન્યાયીપણાનાં ફળોથી ભરપૂર થઈશું.’ (ફિલિપી ૧:૧૦, ૧૧) પછી આપણે ‘નવું માણસપણું જે દેવના મનોરથ પ્રમાણે ન્યાયીપણામાં તથા સત્યની પવિત્રતામાં સરજાએલું છે તે પહેરીએ છીએ.’ (એફેસી ૪:૨૪) આપણે યહોવાહના ભક્તો છીએ. તેથી મનફાવે એ રીતે જીવવાને બદલે યહોવાહને ખુશ કરીએ છીએ. (રૂમી ૧૪:૮; ૧ પીતર ૪:૨) એ આપણા વિચારો અને કાર્યોમાં દેખાઈ આવે છે ત્યારે, એ જોઈને યહોવાહના દિલને કેટલી ખુશી થતી હશે!—નીતિવચનો ૨૩:૨૪.

[ફુટનોટ]

^ દુનિયાના ખરાબ કામોથી દૂર રહેવા માટેના ઘણાં સૂચનો કૌટુંબિક સુખનું રહસ્ય પુસ્તકમાં જોવા મળે છે. આ પુસ્તક યહોવાહના સાક્ષીઓએ બહાર પાડ્યું છે.

શું તમે સમજાવી શકો?

• આપણે શા માટે યહોવાહની ઇચ્છા પ્રમાણે ચાલવું જોઈએ?

• આપણે કઈ રીતે યહોવાહની ઇચ્છા પ્રમાણે ચાલી શકીએ?

• દુનિયાના કયા ફાંદાઓથી આપણે દૂર ભાગવાની જરૂર છે?

• યહોવાહની ઇચ્છા પ્રમાણે ચાલવાથી કઈ રીતે આપણું રક્ષણ થશે?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૨૬ પર ચિત્ર]

ઈસુના શિષ્યો માટે દુનિયા ખતરાથી ભરેલી હતી

[પાન ૨૭ પર ચિત્ર]

યહોવાહને પ્રેમ કરવાનું શીખવ્યું હોય એવાં બાળકો વ્યભિચાર જેવા કામોથી દૂર નાસી જાય છે

[પાન ૨૮ પર ચિત્ર]

અમુક ઈસ્રાએલીઓ વચનના દેશમાં ગયા પછી યહોવાહની સેવામાં ઠંડા પડી ગયા

[પાન ૨૯ પર ચિત્ર]

ઈસુની જેમ આપણે પણ અન્યાયને ધિક્કારીએ છીએ