સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ભલાઈ કઈ રીતે બૂરાઈને મિટાવી દેશે?

ભલાઈ કઈ રીતે બૂરાઈને મિટાવી દેશે?

ભલાઈ કઈ રીતે બૂરાઈને મિટાવી દેશે?

દાઊદ રાજા બહુ સંસ્કારી માણસ હતા. તેમને ઈશ્વર પર અતૂટ પ્રેમ. ઇન્સાફના તે ચાહક. નિરાધાર અને ગરીબોના બેલી. તોપણ, તેમણે પોતાના વફાદાર માણસની પત્ની, બાથ-શેબા સાથે વ્યભિચાર કર્યો. પછી દાઊદને ખબર પડી કે બાથ-શેબા પોતાના બાળકની મા બનવાની છે. તેમણે પોતાનું પાપ સંતાડવા કાવતરું રચ્યું. બાથ-શેબાના પતિને મારી નંખાવ્યો અને તેની સાથે લગ્‍ન કરી લીધા.—૨ શમૂએલ ૧૧:૧-૨૭.

આ બતાવે છે કે ભલું કરી જાણતો માણસ પણ ઠંડા કલેજે નિર્દય કામો કરી શકે છે. પણ સવાલ થાય છે કે કેમ? બાઇબલ એનાં અમુક કારણો જણાવે છે અને એ પણ જણાવે છે કે ઈશ્વર યહોવાહે દુષ્ટતા મિટાવવાનું કામ ઈસુને સોંપ્યું છે.

ભૂંડાઈ તરફ ખેંચાતું મન

રાજા દાઊદે પોતે એક કારણ જણાવ્યું કે ભલા લોકો પણ કેમ બૂરાઈ કરે છે. તેમનાં પાપ ખુલ્લાં પાડવામાં આવ્યાં ત્યારે તેમણે બીજાનો વાંક કાઢ્યો નહિ, પણ તરત એ કબૂલ કર્યાં. દિલથી પસ્તાવો કર્યો. પછી ખૂબ જ દુઃખી હૈયે કહ્યું કે “હું જન્મથી જ પાપી છું; બલ્કે, મારી માતાના ઉદરે ગર્ભ રહ્યો તે પળથી જ હું પાપી છું.” (ગીતશાસ્ત્ર ૫૧:૫, કૉમન લૅંગ્વેજ) દાઊદે શા માટે કહ્યું કે “હું જન્મથી જ પાપી છું?” યહોવાહની ઇચ્છા તો એવી ન હતી. મનુષ્યની શરૂઆત આદમ અને હવાથી થઈ હતી. યહોવાહે તેઓને એવા બનાવ્યા હતા, જેઓના તન-મનમાં કોઈ ખામી ન હતી. પરંતુ આદમ અને હવાએ જાણીજોઈને યહોવાહનો નિયમ તોડ્યો. એટલે તેઓએ એવાં બાળકોને જન્મ આપવાની ક્ષમતા ગુમાવી, જેઓ પાપ ન કરે અથવા યહોવાહના નિયમ પ્રમાણે જ જીવે. (રૂમી ૫:૧૨) એટલે બધા “માણસના મનની કલ્પના તેના બાળપણથી ભૂંડી છે.”—ઉત્પત્તિ ૮:૨૧.

એટલે જો આપણે મન પર કાબૂ ન રાખીએ, તો એ આવાં ખરાબ કામો કરવા દોરી જઈ શકે: ‘વ્યભિચાર, વૈરભાવ, કજીઆકંકાશ, ઈર્ષા, ક્રોધ, ખટપટ, કુસંપ, પક્ષાપક્ષી અને અદેખાઈ,’ જે “દેહનાં કામ” છે. (ગલાતી ૫:૧૯-૨૧) દાઊદ રાજાએ પોતાના મન પર કાબૂ ન રાખ્યો, એટલે તે વ્યભિચાર કરી બેઠા. એનાથી તેમના કુટુંબમાં આફતો આવી. (૨ શમૂએલ ૧૨:૧-૧૨) દાઊદ પોતે એ વાસના પર કાબૂ મેળવી શક્યા હોત. એના બદલે દાઊદ તો બાથ-શેબાના વિચારોમાં ડૂબી ગયા. તેમણે જે કર્યું એ ફાંદાનું સદીઓ પછી, ઈશ્વરભક્ત યાકૂબે આ રીતે વર્ણન કર્યું: ‘માણસ પોતે પોતાની દુષ્ટ વાસનાથી ખેંચાઈને પરીક્ષણમાં પડે છે. દુષ્ટ વાસના પાપ કરાવે છે અને પાપ મોત નિપજાવે છે.’—યાકોબ ૧:૧૪, ૧૫, IBSI.

આગળના લેખમાં જોઈ ગયા તેમ, ઇન્સાન જ્યારે દુષ્ટ વિચારો પર કાબૂ નથી રાખતો, ત્યારે બહુ બૂરાં કામો કરે છે. ઠંડા કલેજે કતલ કરે છે. બળાત્કાર કરે છે. લૂંટફાટ કરે છે.

દુષ્ટતાનું બીજું કારણ

ભલા લોકો પણ કેમ બૂરાઈ કરે છે, એનું બીજું કારણ ઈશ્વરભક્ત પાઊલનો અનુભવ બતાવે છે. યુવાનીમાં તે શાઊલ નામથી ઓળખાતા હતા. ખ્રિસ્તી બન્યા પહેલાં તે યહૂદી હતા. તે ઈસુના પગલે ચાલતા ન હતા. અરે, તે તો ‘ઈસુના શિષ્યોને કતલ કરવાની ધમકીઓ આપતા હતા.’ (પ્રેરિતોનાં કૃત્યો ૯:૧, ૨) પણ પછી તે સાવ બદલાઈ ગયા. પાઊલ મરણ પામ્યા ત્યારે તેમની શાખ કોમળ અને પ્રેમાળ વ્યક્તિ તરીકેની હતી. તેમણે ઈસુના શિષ્યોના ભલા માટે કોઈ સ્વાર્થ વગર બનતું બધું જ કર્યું. (૧ થેસ્સાલોનીકી ૨:૭-૯) તો પછી સવાલ થાય કે ‘પાઊલે પહેલા કેમ ઈસુના શિષ્યોની સતાવણી કરી?’ તે પોતે જવાબ આપે છે: ‘મેં અજ્ઞાનતામાં એમ કર્યું.’ (૧ તીમોથી ૧:૧૩) પાઊલને પહેલાં ‘ઈશ્વર પ્રત્યે ઊંડો ભક્તિભાવ તો હતો, પણ સાચા જ્ઞાન પ્રમાણે નહિ.’—રોમનો ૧૦:૨, પ્રેમસંદેશ.

પાઊલની જેમ આજે પણ ઘણા લોકો પૂરા દિલથી ઈશ્વરમાં માને છે. પણ તેઓ જાણતા નથી કે ઈશ્વર કેવી ભક્તિ સ્વીકારે છે. આ જ્ઞાનના અભાવે તેઓ દુષ્ટ કામો કરે છે. ઈસુએ શિષ્યોને ચેતવણી આપી: ‘એવો સમય આવે છે કે જે કોઈ તમને મારી નાખે તે ઈશ્વરની સેવા કરે છે, એમ તેને લાગશે.’ (યોહાન ૧૬:૨) ઈસુએ જેમ કહ્યું હતું તેમ, આજે ઘણા દેશોમાં ધાર્મિક લોકો યહોવાહના સાક્ષીઓની સતાવણી કરે છે. અરે, તેઓને મારી પણ નાખે છે. ભલે એમ કરવાથી લોકોને લાગે કે તેઓ ઈશ્વરની ભક્તિ કરે છે, પણ એવી ભક્તિથી સાચા ઈશ્વર જરાય રાજી થતા નથી.—૧ થેસ્સાલોનીકી ૧:૬.

દુષ્ટતાને કોણે જન્મ આપ્યો?

ભલા લોકો પણ કેમ બૂરાઈ કરે છે, એનું મુખ્ય કારણ ઈસુએ જણાવ્યું. ઈસુ પૃથ્વી પર હતા ત્યારે, ધર્મગુરુઓએ તેમને મારી નાખવાનો પ્રયત્ન કર્યો. એટલે ઈસુએ કહ્યું: ‘તમે તમારા બાપ શેતાનના સંતાન છો. અને તમે તમારા બાપની મરજી પ્રમાણે ચાલવા માંગો છો. પહેલેથી જ તે ખૂની હતો.’ (યોહાન ૮:૪૪, સંપૂર્ણ) શેતાને પોતાના સ્વાર્થને કારણે, આદમ અને હવા પાસે ઈશ્વરનો નિયમ તોડાવ્યો. એટલે શરૂઆતમાં જોયું એમ, આદમ અને હવા પાપી બન્યા. પાપને કારણે મરણ આવ્યું. તેથી સર્વને પાપ અને મરણનો વારસો મળ્યો.

શેતાન ખરેખર ખૂની છે. એ ઈશ્વરભક્ત અયૂબના કિસ્સામાં પણ જોવા મળે છે. શેતાને દાવો કર્યો હતો કે અયૂબ સ્વાર્થના લીધે યહોવાહને ભજે છે. એટલે યહોવાહે તેને અયૂબની કસોટી કરવાની રજા આપી. શેતાનને અયૂબની માલ-મિલકત લૂંટીને જ સંતોષ ન થયો. તેણે તો અયૂબનાં દસેય બાળકોને પણ મારી નંખાવ્યાં. (અયૂબ ૧:૯-૧૯) એવી જ રીતે ગઈ સદીમાં ઇન્સાને બેહદ જુલમ સહન કર્યો છે. શા માટે? એક તો ઇન્સાનમાં બૂરાઈ વધી રહી છે. ઈશ્વરના નિયમોની સાચી સમજણ નથી. એટલું જ નહિ, પણ શેતાન મનુષ્યના જીવનમાં વધારે ને વધારે માથું મારે છે. બાઇબલ જણાવે છે કે શેતાનને ‘પૃથ્વી પર નાખી દેવામાં આવ્યો; અને તેની સાથે તેના દૂતોને પણ નાખી દેવામાં આવ્યા.’ બાઇબલ એ પણ જણાવે છે કે એનાથી ‘પૃથ્વીને અફસોસ,’ કેમ કે શેતાન પૃથ્વી પર વધારે દુષ્ટતા ભડકાવશે. ભલે શેતાન કોઈની પાસે બળજબરીથી દુષ્ટ કામો કરાવી શકતો નથી. પણ તે એટલો ચાલાક છે કે ‘આખા જગતને ભમાવી રહ્યો છે.’—પ્રકટીકરણ ૧૨:૯, ૧૨.

કઈ રીતે મન સાફ રાખી શકાય?

જો દુષ્ટતાનો કાયમ માટે અંત લાવવો હોય, તો ઇન્સાનના મનમાંથી બધી બૂરાઈ દૂર થવી જોઈએ. સર્વએ ઈશ્વરનું સાચું જ્ઞાન લઈને, એ પ્રમાણે તેમની ભક્તિ કરવી જોઈએ. શેતાનનો પણ નાશ થવો જ જોઈએ. પણ આપણા મનમાંથી કઈ રીતે બધી બૂરાઈ દૂર થઈ શકે? કઈ રીતે આદમથી વારસામાં મળેલું પાપ દૂર થઈ શકે?

એ કરવાની આવડત કે ઇલાજ કોઈ ડૉક્ટર પાસે નથી. પણ યહોવાહ પાસે છે. એ ઇલાજ વિષે ઈશ્વરભક્ત યોહાને લખ્યું: “ઈસુનું રક્ત આપણને સઘળાં પાપથી શુદ્ધ કરે છે.” (૧ યોહાન ૧:૭) ઈસુમાં આદમના પાપનો છાંટોય ન હતો. તેમણે રાજીખુશીથી આપણા માટે પોતાનું જીવન કુરબાન કરી દીધું. તેમણે ‘પોતાના શરીરમાં આપણાં પાપ માથે લીધાં, જેથી આપણે પાપો સંબંધી મરણ પામીએ,’ અને ઈશ્વરના માર્ગે ચાલીએ. (૧ પીતર ૨:૨૪) ઈસુની કુરબાની, આદમના પાપથી આવતી સર્વ દુષ્ટતાનું નામનિશાન મિટાવી દેશે. ઈશ્વરભક્ત પાઊલે જણાવ્યું કે ઈસુ ખ્રિસ્તે ‘સઘળાં માણસોના ઉદ્ધારને સારૂ પોતાની કુરબાની આપી.’ (૧ તીમોથી ૨:૬) આદમે પાપ કરીને યહોવાહ સાથે જે નાતો કાપી નાખ્યો હતો, એ ઈસુની કુરબાનીથી ફરીથી બંધાશે.

પણ તમને કદાચ આ સવાલ થશે: ‘ઈસુએ તો ૨,૦૦૦ વર્ષ પહેલાં કુરબાની આપી હતી. જો એ કુરબાની આદમના પાપથી આવતી સર્વ દુષ્ટતા દૂર કરવાની હોય, તો આજે કેમ દુષ્ટતા છે? આપણે હજુ કેમ મરીએ છીએ?’ એના જવાબથી આપણામાં ઈશ્વરના જ્ઞાનનો અભાવ દૂર થશે.

ઈશ્વરનું જ્ઞાન ભલું કરવા પ્રેરે છે

આજે ઘણા લોકો જાણે-અજાણે બૂરાઈ ચલાવી લે છે. અરે, અમુક તો જાણે ‘ઈશ્વરની સામે લડે’ છે. (પ્રેરિતોનાં કૃત્યો ૫:૩૮, ૩૯) એવા લોકોને કઈ રીતે મદદ મળી શકે? યહોવાહ અને ઈસુ દુષ્ટતા દૂર કરવા હમણાં શું કરી રહ્યા છે, એનું સાચું જ્ઞાન મેળવીને તેઓને બૂરાં કામ છોડવા મદદ મળી શકે. આપણે પહેલાં અજાણતા જે ખોટાં કામો કર્યા હોય, એ માફ કરવા યહોવાહ તૈયાર છે. ઈશ્વરભક્ત પાઊલે એથેન્સમાં આમ કહ્યું હતું: ‘માણસના અજ્ઞાનના સમયોમાં ઈશ્વરે એ ચલાવી લીધું, પણ હવે તે સર્વ જગ્યાએ વસતા માણસોને પોતાના બધા દુષ્ટ માર્ગોથી પાછા ફરવા આજ્ઞા કરે છે. કારણ, તેમણે એક પસંદ કરેલા માણસ દ્વારા આખી દુનિયાનો અદલ ન્યાય કરવા માટે એક દિવસ નક્કી કર્યો છે. એ માણસને મરણમાંથી સજીવન કરીને તેમણે બધાને એ વાતની સાબિતી આપી છે.’—પ્રેષિતોનાં કાર્યો ૧૭:૩૦, ૩૧, પ્રેમસંદેશ.

પાઊલ જાણતા હતા કે ઈસુને મરણમાંથી ઉઠાડવામાં આવ્યા છે. કેવી રીતે? પહેલી સદીમાં ઈસુ સજીવન થયા પછી, તેમણે પોતે પાઊલને કહ્યું હતું કે શિષ્યોની સતાવણી ન કરે. (પ્રેરિતોનાં કૃત્યો ૯:૩-૭) પાઊલે યહોવાહનું સાચું જ્ઞાન લીધું પછી, તેમનો સ્વભાવ એકદમ બદલાઈ ગયો. તે ઈસુના પગલે ચાલવા લાગ્યા. (૧ કોરીંથી ૧૧:૧; કોલોસી ૩:૯, ૧૦) તે પૂરા જુસ્સાથી ઈશ્વરના રાજ્યનો પ્રચાર કરવા લાગ્યા. (માત્થી ૨૪:૧૪) ઈસુ મરણમાંથી સજીવન થયા, એને હવે લગભગ ૨,૦૦૦ વર્ષ થાય છે. એ સમયમાં ઈસુએ પાઊલ જેવા ઈશ્વરભક્તોને પસંદ કર્યા છે, જેથી તેઓ ઈસુ સાથે સ્વર્ગમાંથી ધરતી પર રાજ કરે.—પ્રકટીકરણ ૫:૯, ૧૦.

ગયા સોએક વર્ષથી યહોવાહના સાક્ષીઓ પૂરા જોશથી ઈસુની આ આજ્ઞા પાળે છે: “સર્વ દેશનાઓને શિષ્ય કરો; બાપ તથા દીકરા તથા પવિત્ર આત્માને નામે તેઓને બાપ્તિસ્મા આપતા જાઓ; મેં તમને જે જે આજ્ઞા કરી તે સર્વ પાળવાનું તેઓને શીખવતા જાઓ.” (માત્થી ૨૮:૧૯, ૨૦) જેઓ આ સંદેશો સાંભળીને એ માર્ગે ચાલે, તેઓ ઈશ્વરના રાજ્યમાં પૃથ્વી પર કાયમ જીવશે. ઈસુએ કહ્યું: “અનંતજીવન એ છે કે તેઓ તને એકલા ખરા દેવને તથા ઈસુ ખ્રિસ્ત જેને તેં મોકલ્યો છે તેને ઓળખે.” (યોહાન ૧૭:૩) કોઈનું ભલું કરવા, તેઓને ઈશ્વર વિષે સત્ય શીખવવા જેવું બીજું કંઈ જ નથી.

આજે દુષ્ટતા વધી રહી છે. છતાંયે જે કોઈ યહોવાહના રાજ્યનો સંદેશ સાંભળીને એ માર્ગે ચાલે, તેઓ આવા ગુણો કેળવી શકશે: “પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, માયાળુપણું, ભલાઈ, વિશ્વાસુપણું, નમ્રતા તથા સંયમ.” (ગલાતી ૫:૨૨, ૨૩) તેઓ ઈસુના પગલે ચાલતા હોવાથી ‘બૂરાઈનો બદલો બૂરાઈથી આપતા નથી.’ (રોમ ૧૨:૧૭, સંપૂર્ણ) એના બદલે ‘ભલાઈથી બૂરાઈનો પરાજય કરે’ છે.—રોમ ૧૨:૨૧, સંપૂર્ણ; માત્થી ૫:૪૪.

દુષ્ટતાને જન્મ આપનારનો અંત

સર્વ દુષ્ટતા પાછળ શેતાનનો હાથ છે. ઇન્સાન પોતે તો કદીયે શેતાનનો નાશ કરી શકશે નહિ. પણ યહોવાહ ચોક્કસ શેતાનનો અંત લાવશે. તેમણે એ કામ ઈસુને સોંપ્યું છે. ઈસુ શેતાનનું “માથું છૂંદશે.” (ઉત્પત્તિ ૩:૧૫; રૂમી ૧૬:૨૦) યહોવાહે ઈસુને એ સત્તા પણ આપી છે કે તે બધી જ સરકારોને કાયમ માટે હટાવી દે. શા માટે? કેમ કે આખો ઇતિહાસ તેઓની દુષ્ટતાથી રંગાયેલો છે. (દાનીયેલ ૨:૪૪; સભાશિક્ષક ૮:૯) યહોવાહનો ન્યાયનો દિવસ ઝડપથી આવે છે. ત્યારે ‘જેઓ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સંદેશો’ માનતા નથી, એ સર્વનો હંમેશ માટે નાશ કરવામાં આવશે.—૨ થેસ્સાલોનીકી ૧:૮, ૯; સફાન્યાહ ૧:૧૪-૧૮.

શેતાન અને તેને પગલે ચાલનારા સર્વનો નાશ થશે. પણ યહોવાહના ભક્તોને ઈસુ સ્વર્ગમાંથી મદદ કરશે. તેઓ પૃથ્વીને ફરીથી સુંદર બનાવશે. ગુજરી ગયેલામાંથી જેઓ જીવવા માટે લાયક છે, તેઓને ઈસુ ફરીથી ઉઠાડશે. (લુક ૨૩:૩૨, ૩૯-૪૩; યોહાન ૫:૨૬-૨૯) શેતાને જે દુઃખોના ઘા મનુષ્યને માર્યા છે, એને ઈસુ આ રીતે એકદમ રુઝાવી દેશે.

યહોવાહ લોકોને પોતાના ભક્તો બનવા બળજબરી કરતા નથી. તોપણ તે મોકો આપે છે કે સર્વ તેમના વિષે શીખે, તેમના માર્ગે ચાલે અને જીવન મેળવે. તમે એ મોકો ચૂકશો નહિ! (સફાન્યાહ ૨:૨, ૩) જો તમે એનો લાભ ઉઠાવશો, તો ગમે એવી તકલીફો તમે સહન કરી શકશો. જ્યારે ઈસુ સર્વ દુષ્ટતા પર વિજય મેળવશે, ત્યારે એ જોવા તમે પણ જીવતા હશો!—પ્રકટીકરણ ૧૯:૧૧-૧૬; ૨૦:૧-૩, ૧૦; ૨૧:૩, ૪.

[પાન ૫ પર ચિત્ર]

સાચી ભક્તિ વિષે અજ્ઞાન હોવાથી, શાઊલે દુષ્ટ કામોમાં સાથ આપ્યો

[પાન ૭ પર ચિત્ર]

ઈશ્વર વિષે લોકોને જણાવો, એમાં જ તેઓનું ભલું છે