ભલાઈ પર રાજ કરતી બૂરાઈ
ભલાઈ પર રાજ કરતી બૂરાઈ
ભલે એવું લાગે કે આજે અમુક લોકો જ બીજાને મદદ કરવા હાથ લાંબો કરે છે. તોપણ એવા લોકો છે જેઓ એક કે બીજી રીતે લોકોને મદદ કરે છે. તેઓ દર વર્ષે ઘણા લોકોને મદદ કરવા ધર્માદામાં કે ચેરીટીને અબજો ડૉલર આપે છે. ૨૦૦૨માં લોકોએ બ્રિટનની ચેરીટીને સૌથી વધારે દાન આપ્યું હતું. તેઓએ ૧૩ અબજ (અમેરિકન) ડૉલર આપ્યા હતા. ૧૯૯૯થી દસ દાનવીરોએ ૩૮ અબજ ડૉલરથી પણ વધારે દાન કરવાનું વચન આપ્યું છે અથવા એટલું દાન કર્યું છે. એનાથી તેઓ ગરીબને મદદ આપવા માંગે છે.
અમુક ચેરીટી લોકોને અનેક રીતે મદદ કરે છે. ગરીબ કુટુંબોની સારવાર માટેના બિલ ચૂકવે છે. મા કે બાપ એકલે હાથે મોટા કરતા હોય એવાં બાળકોને શિક્ષણ આપે છે. ગરીબ દેશોમાં રોગો સામે લડવા રસીનું સંશોધન કરવા ફંડ આપે છે. બાળકો લખતાં-વાંચતાં શીખે એ માટે મફત પુસ્તકો આપે છે. ગરીબ દેશોના ખેડૂતોને પ્રાણીઓના ઉછેર માટે ગાય, ભેંસ જેવા પ્રાણીઓ આપે છે. જ્યારે કુદરતી આફતો આવે, ત્યારે પણ તેઓ લોકોને મદદ કરે છે. જોઈતી ચીજ-વસ્તુઓ આપે છે.
આ બતાવે છે કે માણસ ધારે તો બીજાનું ભલું કરી શકે છે. છતાંય એવા લોકો પણ છે જેઓ ઠંડા કલેજે નિર્દય કામો કરે છે.
દુષ્ટતા વધી રહી છે
બીજું વિશ્વયુદ્ધ પૂરું થયા પછી, એવા પચાસેક બનાવો બન્યા છે, જેમાં ક્યાં તો વેરભાવને કારણે આખી ને આખી જાતિઓની કતલ થઈ છે. અથવા રાજનીતિને કારણે ઘણા લોકોની કતલ થઈ છે. એના વિષે અમેરિકન પોલિટિકલ સાયન્સ રિવ્યુ મેગેઝીન કહે છે, ‘૧૯૪૫માં બીજું વિશ્વયુદ્ધ પૂરું થયા પછી પણ, અમુક દેશો એકબીજા સાથે અથવા અંદરો-અંદર લડતા હતા. એમાં ઓછામાં ઓછા એક કરોડ વીસ લાખ સૈનિકો માર્યા ગયા. અને બે કરોડ વીસ લાખ જેટલા લોકો પણ મરણ પામ્યા.’
છેલ્લા પચાસેક વર્ષનો વિચાર કરો. કંબોડિયામાં રાજનીતિને લીધે ૨૨ લાખ જેટલા લોકોને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા. રુવાન્ડામાં પણ બે જાતિ વચ્ચેની લડાઈમાં ૮ લાખથી વધારે સ્ત્રી-પુરુષો, બાળકોની કતલ થઈ. ધર્મ અને રાજનીતિની લડાઈને લીધે બોસ્નિયામાં બે લાખથી પણ વધારે લોકોને મારી નાખવામાં આવ્યા.
યુનાઈટેડ સ્ટેટ્સના સેક્રેટરી-જનરલે ૨૦૦૪માં કહ્યું: ‘આજે ઇરાકમાં લોકોને ઠંડે કલેજે મારી નાખવામાં આવે છે. રાહતકામમાં મદદ આપનારા, ન્યૂઝ રિપોર્ટરો અને નિર્દોષ લોકોને ઉપાડી જઈને, નિર્દય રીતે મારી નાખવામાં આવે છે. ઇરાકી કેદીઓ સાથે પણ ક્રૂર વર્તાવ કરવામાં આવ્યો છે. એવું જ સુદાનના દારફૂર ગામના લોકો પર વીત્યું. તેઓને ત્યાંથી ભગાડી મૂકવા ભારે જુલમ થયો.
તેઓનાં ઘરો બાળી મૂકાયાં. બળાત્કાર થયો. એવું જ ઉત્તર યુગાન્ડામાં પણ બન્યું. બાળકોને જાણીજોઈને અપંગ બનાવી દેવાયાં. પછી બળજબરીથી તેઓ પાસે એવાં કામો કરાવાયાં કે એ સાંભળીને રુવાંટાં ઊભા થઈ જાય. રશિયાના બેસ્લાનમાં પણ લોકો બાળકોને ઉપાડી જાય છે અને બેરહેમીથી મારી નાખે છે.’અરે, અમીર દેશોમાં પણ જાતિભેદ કે રંગભેદના કારણે ખૂન-ખરાબી વધી રહી છે. ૨૦૦૪માં ઇન્ડિપેન્ડન્ટ ન્યૂઝે આમ જણાવ્યું: ‘બ્રિટનમાં ગયા દસ વર્ષમાં જાતિભેદ કે રંગભેદના કારણે જેટલા ગુનાઓ થયા, એનાથી અગિયાર ગણા વધારે ગુનાઓ આ વર્ષે થયા છે.’
માણસ ધારે તો બીજાનું ભલું કરી શકે છે. તોય તે શા માટે બીજા પર આવા જુલમ ગુજારે છે? શું કદીયે એવો સમય આવશે, જ્યારે જુલમ નહિ હોય? હવે પછીનો લેખ બાઇબલમાંથી એવો જવાબ આપશે, જેનાથી દિલને ઠંડક વળે છે.
[પાન ૨ પર ચિત્રની ક્રેડીટ લાઈન]
COVER: Mark Edwards/Still Pictures/Peter Arnold, Inc.