મનન કરવાની મજા માણો
મનન કરવાની મજા માણો
અમુકને લાગે છે કે કોઈ બાબત પર મનન કરવું સહેલું નથી. એ માટે પૂરું ધ્યાન આપવાની જરૂર છે. પણ બાઇબલ આપણને મનન કરવાનું ઉત્તેજન આપે છે. તેથી, જેઓ મનન કરતા નથી તેઓનું દિલ ડંખે છે. (ફિલિપી ૪:૮) પરંતુ ઘણી બાબતોનો ઊંડો વિચાર કરવાની આપણે મજા માણી શકીએ. આપણે બાઇબલમાંથી યહોવાહ વિષે જે શીખ્યા એના પર મનન કરી શકીએ. જેમ કે, યહોવાહના ગુણો, તેમની રચના અને જે રીતે તે પોતાના લોકોની સંભાળ રાખે છે. તેમ જ, યહોવાહના માર્ગમાં આપણે કઈ રીતે ચાલવું. અને ભાવિમાં તે કયા ફેરફારો લાવશે. પણ શા માટે મનન કરવું જોઈએ?
યહોવાહ વિશ્વના માલિક છે. તે ભાવિમાં જે ફેરફારો લાવવાના છે, એની પૂરેપૂરી ગોઠવણ કરવામાં લાગી ગયા છે. (યોહાન ૫:૧૭) તોપણ તે તેમના બધા ભક્તોના વિચારો પર પૂરું ધ્યાન આપે છે. ઈશ્વરભક્ત દાઊદ એ જાણતા હતા. એના લીધે તેમણે આમ લખ્યું હતું કે “હે યહોવાહ, તેં મારી પરીક્ષા કરી છે, અને તું મને ઓળખે છે. મારૂં બેસવું તથા ઊઠવું તું જાણે છે; તું મારો વિચાર વેગળેથી સમજે છે.”—ગીતશાસ્ત્ર ૧૩૯:૧, ૨.
એ શબ્દો વાંચીને અમુક નિરાશ થઈ જઈ શકે. શા માટે? કેમ કે ‘યહોવાહ “વેગળેથી” એટલે સ્વર્ગમાંથી મારા દરેક ખોટા વિચારો જાણે છે.’ ખરું કે યહોવાહ આપણા દરેક વિચારો જાણે છે. પણ એ જાણવાથી આપણને મદદ મળે છે. એક રીતે આપણે બહું ખોટા વિચારોએ ચડી જઈશું નહિ. જો ખોટા વિચારો મનમાં આવે ત્યારે, પ્રાર્થનામાં આપણે યહોવાહની આગળ એ કબૂલ કરીશું. એમ કરવાથી આપણને ખાતરી મળે છે કે યહોવાહ આપણે જરૂર માફી આપશે, કેમ કે આપણે ઈસુ ખ્રિસ્તના બલિદાનમાં શ્રદ્ધા રાખીએ છીએ. (૧ યોહાન ૧:૮, ૯; ૨:૧, ૨) એ જ સમયે આપણે ભૂલવું ન જોઈએ કે યહોવાહ આપણા સારા વિચારો પણ યાદ રાખે છે. આપણે યહોવાહની કરામત પર મનન કરીએ છીએ, ત્યારે તેમને આનંદ થાય છે.
તમને થશે કે “શું ખરેખર યહોવાહ લાખો ભક્તોના વિચારો જાણે છે?” હા ચોક્કસ. ઈસુએ ચકલીનો દાખલો વાપરીને પુરાવો આપ્યો કે જો યહોવાહ ચક્લીનું ધ્યાન રાખે, તો આપણું પણ ચોક્કસ રાખશે. આપણે ‘ચકલીઓ કરતાં મૂલ્યવાન છીએ.’ (લુક ૧૨:૬, ૭) ચકલીઓ આપણી જેમ યહોવાહ વિષે વિચારી શકતી નથી. તોપણ , યહોવાહ ચકલીઓની સંભાળ રાખે છે. એનાથી આપણને સો ટકા ખાતરી મળે છે કે તે આપણી પણ સંભાળ રાખે છે. એટલું જ નહિ, આપણે તેમના વિષે વિચારીએ છીએ ત્યારે, તેમને એનાથી બહુ જ આનંદ થાય છે. તો ચાલો દાઊદની જેમ આપણે પણ પ્રાર્થનામાં કહીએ કે, ‘યહોવાહ, મારા ખડક તથા મને ઉદ્ધારનાર, મારા હૃદયના વિચારો તારી આગળ માન્ય થાઓ.’—ગીતશાસ્ત્ર ૧૯:૧૪.
બાઇબલમાં માલાખીનું પુસ્તક પુરાવો આપે છે કે યહોવાહના ભક્તો તેમના કાર્યો અને વિચારો પર ઊંડો વિચાર કરે છે ત્યારે પરમેશ્વર એમાં રસ લે છે. ઈશ્વરભક્ત માલાખી આપણા દિવસો વિષે જણાવતા કહે છે કે, “યહોવાહનો ભય રાખનારાઓએ એકબીજા સાથે વાત કરી; અને યહોવાહે તે ધ્યાન દઈને સાંભળ્યું, અને યહોવાહનું ભય રાખનારાઓને સારૂ તથા તેના નામનું ચિંતન કરનારાઓને સારૂ યાદીનું પુસ્તક તેની હજુરમાં લખવામાં આવ્યું.” (માલાખી ૩:૧૬) આપણે યાદ રાખીશું કે યહોવાહ વિષેના આપણા ઊંડા વિચારોને તે ‘ધ્યાન દઈને સાંભળે’ છે, તો મનન કરવું આપણને અઘરું નહિ લાગે. અને આપણે મનન કરવાની મજા માણી શકીશું. ચાલો આપણે ગીતશાસ્ત્રના કવિની જેમ પોકારીએ કે, “હું તારા સર્વ કામોનું મનન કરીશ, અને તારાં કૃત્યો વિષે વિચાર કરીશ.”—ગીતશાસ્ત્ર ૭૭:૧૨.