સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

“યોગ્ય સમયે યોગ્ય શબ્દો બોલવા કેવું સારું છે!”

“યોગ્ય સમયે યોગ્ય શબ્દો બોલવા કેવું સારું છે!”

“યોગ્ય સમયે યોગ્ય શબ્દો બોલવા કેવું સારું છે!”

યહોવાહના સાક્ષીઓના એક સંમેલનમાં કિમ નામની બહેને આખો દિવસ ધ્યાનથી સાંભળ્યું. મુખ્ય મુદ્દાઓ લખ્યા. કિમની સાથે તેની અઢી વર્ષની દીકરી પણ હતી. તેનું પણ ધ્યાન રાખ્યું, જેથી તે તોફાન-મસ્તી ન કરે. સંમેલન પૂરું થયા પછી, કિમની લાઈનમાં બેઠેલી એક બહેને આવીને કિમના અને તેના પતિના વખાણ કર્યા. બહેને કિમને કહ્યું કે તમે તમારી દીકરીનું ખૂબ સારી રીતે ધ્યાન રાખ્યું. તમારી દીકરી કેટલી શાંત બેઠી હતી. કિમને આ સાંભળીને બહુ સારું લાગ્યું. આજે પણ કિમ એ બહેનના બે મીઠાં બોલ યાદ કરે છે. તે કહે છે: “ઘણી વાર મિટીંગમાં હું થાકી-પાકીને આવું ત્યારે, મને એ બહેનના શબ્દો યાદ આવે છે. એટલે મારી દીકરીની સારી રીતે સંભાળ રાખવાની હોંશ વધે છે.” સંજોગ પ્રમાણે બે મીઠા બોલ બોલીએ તો સામેવાળાને કેટલું સારું લાગે છે! બાઇબલ જણાવે છે: “યોગ્ય સમયે યોગ્ય શબ્દો બોલવા કેવું સારું છે!”—નીતિવચનો ૧૫:૨૩, IBSI.

આપણે કદાચ બીજાઓના વખાણ કરવા ટેવાયેલા ન હોઈએ. આપણને લાગે કે આપણે સાવ નકામા છીએ. તેથી આપણને બીજાઓના વખાણ કરવા અઘરું લાગી શકે. આપણા એક ભાઈ કહે છે: ‘ખબર નહિ કેમ, બીજાઓના વખાણ કરવા મારા સ્વભાવમાં જ નથી. હું બીજા લોકોના વખાણ કરું તો, પોતાને નીચો પાડતો હોઉં એવું મને લાગે છે.’ અમુક વખત શરમાવાને લીધે, પોતાની જાત પર એટલો વિશ્વાસ ન હોવાથી કે પછી ગેરસમજ થશે એવા ભયને લીધે બીજાના વખાણ કરવા મુશ્કેલ લાગી શકે. એ ઉપરાંત, મોટા થયા હોય એ દરમિયાન ક્યારેય કોઈએ તમારા વખાણ કર્યા ન હોય તો, બીજાઓના વખાણ કરવાનું અઘરું લાગી શકે.

આપણે જો પારખી શકીએ કે વખાણ કરવાથી પોતાને અને બીજાને ફાયદો થાય છે તો, આપણે દરેક તકે બીજાના વખાણ કરવાની કોશિશ કરીશું. (નીતિવચનો ૩:૨૭) ચાલો આપણે ટૂંકમાં જોઈએ કે એનાથી શું ફાયદો થાય છે?

સારાં પરિણામો

સંજોગ પ્રમાણે પ્રશંસા કરવાથી વ્યક્તિનો પોતાનામાં ભરોસો વધે છે. ઈલેન નામની પત્ની કહે છે: “લોકો મારા વખાણ કરે તો, મને લાગે કે તેઓને મારા પર વિશ્વાસ છે, ભરોસો છે.” જેઓ પોતાને નકામા માનતા હોય, પોતાનામાં બહુ ભરોસો ન હોય, એવા લોકોની આપણે તારીફ કરીશું તો તેઓને ઉત્તેજન મળશે. તેઓ જીવનની મુશ્કેલીઓનો સામનો કરી શકે છે. તેઓનું જીવન ખુશીઓથી ભરાઈ જઈ શકે છે. ખાસ કરીને યુવાનોને તેઓની મહેનત માટે, સારાં કામની શાબાશી આપવામાં આવે તો, તેઓને ઘણો ફાયદો થશે. એક છોકરીએ કબૂલ કર્યું કે તે પોતા વિષેના ખોટા વિચારોને લીધે હિંમત હારી જાય છે. તે કહે છે: “યહોવાહને ખુશ કરવા હું હંમેશાં મારાથી બનતું બધું જ કરું છું. તોપણ, ઘણી વાર મને લાગે છે કે જાણે મારે હજુ વધારે કરવું જોઈએ. જો કોઈ મને શાબાશી આપે તો, મને બહુ સારું લાગે છે.” બાઇબલની આ કહેવત કેટલી સાચી છે: “પ્રસંગને અનુસરીને બોલેલો શબ્દ રૂપાની ટોપલીમાંનાં સોનાનાં ફળ જેવો છે.”—નીતિવચનો ૨૫:૧૧.

સામેવાળાની તારીફ કરો તો તેને કંઈ કરવાની હોંશ જાગશે. એક પાયોનિયર ભાઈ કહે છે: “કોઈ મને શાબાશી આપે ત્યારે, મને હજુ વધારે મહેનત કરવાનું, પ્રચાર કાર્યમાં વધારે સુધારો કરવાનું ઉત્તેજન મળે છે.” એક મમ્મીએ પોતાનાં બે બાળકો વિષે એક બાબત જોઈ. જ્યારે તેઓ મિટીંગમાં જવાબ આપે અને તેઓને શાબાશી આપવામાં આવે, ત્યારે તેઓ હજુ વધારે જવાબો આપવાની કોશિશ કરે છે. તારીફના બે-ચાર મીઠાં બોલથી બાળકો યહોવાહની સેવામાં વધારે હોંશીલાં બને છે. ખરું કહીએ તો, કોઈ આપણી કદર કરે છે, એવો અહેસાસ આપણને દરેકને ઉત્તેજન આપે છે. આપણે નકામા નથી, એવી ખાતરી કરાવે છે. જિંદગીમાં આપણે બધાય કોઈ વાર થાકી જઈએ છીએ. હિંમત હારી જઈએ છીએ. પણ બીજાઓ પાસેથી બે સારા બોલ સાંભળીને આપણી હિંમત બંધાઈ શકે. એક વડીલ કહે છે: “હું નિરાશ થઈ જાઉં ત્યારે, કોઈ મારા વિષે કંઈક સારું બોલે છે ત્યારે જાણે મારી પ્રાર્થનાનો જવાબ મળ્યો હોય એવું મને લાગે છે.” ઈલેન પણ કંઈક એવું જ કહે છે: “ઘણી વાર કોઈ મારા વિષે કંઈક સારું કહે, તો મને એમ લાગે છે કે જાણે યહોવાહ મારાથી ખુશ છે.”

આપણી તારીફ કરે તો, આપણું કોઈક છે એવો અહેસાસ થાય છે. આપણે સાચા દિલથી એકબીજાના વખાણ કરીને બતાવીએ છીએ કે આપણને એકબીજાની ચિંતા છે. એનાથી મંડળમાં પ્રેમનો માહોલ ઊભો થાય છે. મંડળમાં હૂંફ અનુભવીએ છીએ. આપણને એકબીજા વગર ચાલતું નથી. આપણને ભાઈબહેનો પર એટલો પ્રેમ છે કે તેમની કદર કરીએ છીએ. જોઈસી નામની એક બહેન કહે છે: “મારા કુટુંબમાં બધા જ યહોવાહની સેવા કરતા નથી. ઘણી વાર મારે સત્ય માટે અમુક નિર્ણયો લેવા પડ્યા. એ વખતે અનુભવી ભાઈબહેનોએ મારા વખાણ કર્યા. મારી હિંમત બંધાઈ અને હું મારા નિર્ણય પર અડગ રહી શકી.” ખરેખર, “આપણે એકબીજાના અવયવો છીએ.”—એફેસી ૪:૨૫.

બીજાઓના વખાણ કરીને તેઓના સારા ગુણ જુઓ. બીજાઓનાં વખાણ કરવા માટે આપણે તેઓના સારા ગુણો જોવા જોઈએ, તેઓની નબળાઈ નહિ. ડેવિડભાઈ એક વડીલ છે. તે કહે છે કે “જ્યારે કોઈના સારાં કામો પર ધ્યાન આપીશું, એની કદર કરીશું તો, આપણે તેઓના વખાણ કરીશું.” અરે, ખુદ યહોવાહ પરમેશ્વર અને તેમના પુત્ર ઈસુ, આપણા જેવા પાપી માણસોના દિલથી વખાણ કરે છે! એ યાદ રાખીશું તો, બીજાઓના વખાણ કરવામાં આપણે બે વાર વિચારવું નહિ પડે.—માત્થી ૨૫:૨૧-૨૩; ૧ કોરીંથી ૪:૫.

વખાણના ખરા હક્કદાર

યહોવાહ વિશ્વના માલિક છે. આપણા જીવનદાતા છે. આપણે તેમની જ સ્તુતિ કરવી જોઈએ. તે જ એના ખરા હક્કદાર છે. (પ્રકટીકરણ ૪:૧૧) ખરું કે યહોવાહને પોતામાં ભરોસો વધારવાની કે ઉત્તેજનની કોઈ જરૂર નથી. પરંતુ આપણે યહોવાહનાં મહાન કાર્યો અને તેમની અપાર કૃપાનાં ગીતો ગાઈએ ત્યારે, તેમની સાથે આપણો પાક્કો નાતો બંધાય છે. ઈશ્વરના ગુણોની વાતો કરવાથી, આપણે જોઈ શકીશું કે આપણે જે પણ કરીએ છીએ, એ પોતાની શક્તિથી નહિ, પણ યહોવાહની મદદથી જ કરી શકીએ છીએ. (યિર્મેયાહ ૯:૨૩, ૨૪) બીજી એક બાબત પણ આપણને યહોવાહની વાહ વાહ કરવા પ્રેરે છે. યહોવાહે તેમની સાચા દિલથી સેવા કરનારાઓને હંમેશ માટે સુખી જીવનનું વચન આપ્યું છે. (પ્રકટીકરણ ૨૧:૩, ૪) રાજા દાઊદ ‘ગીતોથી ઈશ્વરની સ્તુતિ કરવા, અને ઉપકાર માનીને તેમનું નામ મોટું મનાવવા’ આતુર હતા. (ગીતશાસ્ત્ર ૬૯:૩૦) ચાલો આપણે પણ દાઊદ જેવા બનીએ.

યહોવાહની સેવા કરનારા આપણા બધાય ભાઈબહેનો પણ પ્રશંસાના હક્કદાર છે. આપણે તેઓના વખાણ કરીએ ત્યારે આ આજ્ઞા પાળીએ છીએ: “અરસપરસ ઉત્તેજન મળે માટે આપણે એકબીજાનો વિચાર કરીએ.” (હેબ્રી ૧૦:૨૪) પ્રેષિત પાઊલે આપણા માટે સરસ દાખલો બેસાડ્યો. તેમણે રોમના મંડળને લખ્યું: ‘પ્રથમ હું તમારા સર્વને માટે ઈસુ ખ્રિસ્તની મારફતે મારા ઈશ્વરનો આભાર માનું છું; કારણ, આખી દુનિયામાં તમારા વિશ્વાસની વાત જાહેર થઈ છે.’ (રૂમી ૧:૮, પ્રેમસંદેશ) એવી જ રીતે, ઈશ્વરભક્ત યોહાને ગાયસ નામના ભાઈની પ્રશંસા કરી. તેમણે કહ્યું કે ‘સત્યમાં ચાલવા’ આપણા સર્વ માટે ગાયસભાઈ એક સારો દાખલો છે.—૩ યોહાન ૧-૪.

આજે પણ આપણા મંડળના વહાલા ભાઈબહેનોના વખાણ કરવાના ઘણા સંજોગો છે. દાખલા તરીકે, કોઈ ભાઈ કે બહેનમાં ઈસુના જેવાં સરસ ગુણો હોય. કોઈએ મિટિંગમાં પોતાનો ભાગ બહુ સારી તૈયારી કરીને આપ્યો હોય. મિટિંગ માટે સારી તૈયારી કરીને કોઈએ જવાબ આપ્યો હોય. આ દરેક સંજોગોમાં આપણે તેઓના વખાણ કરી શકીએ. મિટિંગમાં આપણે જોઈએ કે કોઈ બાળક બાઇબલમાંથી દરેક કલમ ખોલવાની કોશિશ કરે છે, તેને પણ આપણે શાબાશી આપવી જોઈએ. અગાઉ જણાવેલી બહેન ઇલેન કહે છે: “આપણા સર્વમાં જુદી જુદી કળા હોય છે. જો આપણે આપણા ભાઈબહેનોની આવડતના વખાણ કરીશું, તો એ બતાવશે કે આપણે તેઓની ખૂબ કદર કરીએ છીએ.”

કુટુંબમાં

શું પરિવારમાં આપણે એકબીજાના વખાણ કરીએ છીએ? પોતાનું કુટુંબ યહોવાહની સેવામાં પ્રગતિ કરે એ માટે પતિ-પત્ની બનતું બધું જ કરે છે. રોટી, કપડાં અને મકાન માટે ઘણી મહેનત કરે છે. તેઓએ એકબીજાને શાબાશી આપવી જોઈએ. બાળકોએ પણ મમ્મી-પપ્પાની બહુ જ કદર કરીને વખાણ કરવા જોઈએ. (એફેસી ૫:૩૩) જેમ કે, સદ્‍ગુણી સ્ત્રી વિષે બાઇબલ કહે છે કે ‘તેનાં છોકરાં ઊઠીને તેને ધન્યવાદ દે છે; અને તેનો પતિ પણ તેનાં વખાણ કરે છે.’—નીતિવચનો ૩૧:૧૦, ૨૮.

બાળકોને પણ શાબાશી મળવી જ જોઈએ. ઘણાં માબાપ પોતાનાં બાળકને શાબાશી આપવાનું ભૂલી જાય છે. માબાપ બાળકોને ફક્ત ‘આ કરો, પેલું કરો,’ એમ હુકમ આપતા હોય છે. બાળકો માબાપને માન આપે છે ત્યારે, માબાપના મોંમાંથી બે મીઠાં બોલ પણ નીકળતા નથી. (લુક ૩:૨૨) બાળપણથી બાળકોને શાબાશી આપવામાં આવે તો, તેઓને માબાપનાં પ્રેમનો અહેસાસ થાય છે. બાળકો જાણે માબાપની હૂંફ અનુભવે છે.

ખરું કે બીજાઓના વખાણ કરવા મહેનત કરવી પડે. પણ મહેનતનાં ફળ મીઠાં હોય છે. જેઓ વખાણને યોગ્ય છે, તેઓના વખાણ કરવાથી આપણી ખુશીમાં વધારો થશે.—પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૩૫.

દિલથી વખાણ કરો, સ્વીકારો

વખાણથી અમુક લોકોની જાણે પરીક્ષા થાય છે. (નીતિવચનો ૨૭:૨૧) કોઈનો સ્વભાવ એવો હોય કે વખાણ સાંભળીને જલદીથી ફુલાઈ જતા હોય. જો કોઈ તેમને જરા પણ શાબાશી આપે, એટલે જાણે હવામાં ઊડવા લાગે. (નીતિવચનો ૧૬:૧૮) એવા લોકોએ ઘણું ધ્યાન રાખવું પડે છે. ઈશ્વરભક્ત પાઊલે આ સલાહ આપી: “હું તમારામાંના દરેક જણને કહું છું, કે પોતાને જેવો ગણવો જોઈએ, તે કરતાં વિશેષ ન ગણવો; પણ દેવે જેટલે દરજ્જે દરેકને વિશ્વાસનું માપ વહેંચી આપ્યું છે, તેના પ્રમાણમાં નમ્રતાથી દરેકે પોતાને યોગ્ય ગણવો.” (રૂમી ૧૨:૩) આપણે બીજાઓને ઘમંડના ફાંદામાંથી બચાવવા શું કરી શકીએ? જો કોઈ બહુ હોશિયાર હોય અથવા બહુ સુંદર દેખાતું હોય તો, તેઓની ખોટી વાહ વાહ કરવી ન જોઈએ. પણ તેઓની સારી આવડતની દિલથી કદર કરવી જોઈએ.

જ્યારે સંજોગ પ્રમાણે કોઈના વખાણ કરીએ કે કોઈ આપણા વખાણ કરે, ત્યારે આપણા પર સારી અસર પડે છે. આપણે જે કંઈ સારાં કામ કરીએ, એ માટે યહોવાહનો આભાર માનવો જોઈએ. વધુમાં કોઈ આપણી તારીફ કરે ત્યારે એ આપણને દિવસે દિવસે સુધારો કરવાની હોંશ જગાડે છે.

પ્રશંસાના હક્કદાર છે તેઓની પ્રશંસા કરવી, એ એક ભેટ છે. બીજાને આવી ભેટ આપણે સર્વ આપી શકીએ છીએ. એટલે ચાલો જે કોઈ કંઈ સારું કરે, એના આપણે વખાણ કરીએ. આપણા બે મીઠાં બોલ તેઓ માટે ઘણા મૂલ્યવાન હોય છે!

[પાન ૧૮ પર બોક્સ/ચિત્ર]

હિંમત આપતો પત્ર

એક ટ્રાવેલીંગ ઑવરસિયરને એક વાક્ય આજે પણ યાદ છે. ઠંડીની મોસમ હતી. એક દિવસે કકડતી ઠંડીમાં પ્રચાર કર્યા પછી, તેમની પત્ની ઘરે પાછી આવી. ટ્રાવેલીંગ ઑવરસિયર કહે છે કે “મારી પત્ની ઠંડીથી ધ્રુજતી હતી. બહુ ઉદાસ હતી. તેણે મને કહ્યું કે ‘હવે મારાથી આવી રીતે વધારે સેવા થશે નહિ. આપણે કોઈ એક જ મંડળમાં રહીને પાયોનિયર સેવા આપીએ. આપણું પોતાનું ઘર હશે. બાઇબલ સ્ટડીઓ હશે.’ મેં કહ્યું કે ‘હમણાં કોઈ નિર્ણય લેવાને બદલે, આટલું અઠવાડિયું કામ ચાલુ રાખીએ. પછી જોઈએ કે તને કેવું લાગે છે. જો તારી ઇચ્છા ટ્રાવેલીંગ કામ છોડી દેવાની હશે, તો આપણે એમ જ કરીશું.’ એ જ દિવસે અમે પૉસ્ટ ઑફિસે ગયા. ત્યાં બ્રાંચ ઑફિસ તરફથી મારા પત્ની માટે એક પત્ર હતો. એ પત્રમાં મારી પત્નીની તારીફ થઈ હતી. એમાં લખ્યું હતું કે તે પ્રચારમાં ઘણી મહેનત કરે છે. ધીરજ રાખે છે. દર અઠવાડિયે અલગ અલગ જગ્યાએ રહેવાનું, જુદી જુદી પથારીમાં સૂવાનું. એ બધું સહેલું નથી તોપણ, તે બધી મુશ્કેલીઓ સહન કરે છે. એની ભાઈઓ ઘણી કદર કરે છે. આ પત્રથી મારી પત્નીને હિંમત મળી. એ પછી તેણે ક્યારેય ટ્રાવેલીંગ કામ છોડવાની વાત કરી નથી. જો મેં કોઈ વાર છોડવાની વાત કરી હોય, તો તે મને હિંમત આપતી.” આ પતિ-પત્નીએ લગભગ ૪૦ વર્ષ ટ્રાવેલીંગ કરીને સેવા આપી.

[પાન ૧૭ પર ચિત્ર]

તમારા મંડળમાં કોના વખાણ કરવા જોઈએ?

[પાન ૧૯ પર ચિત્ર]

બાળકોનું પ્રેમથી ધ્યાન રાખો, તેઓને શાબાશી આપો, તો તેઓની આવડતો ખીલી ઊઠશે