સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પરમેશ્વરની ઇચ્છા પૂરી કરતી ગોઠવણ

પરમેશ્વરની ઇચ્છા પૂરી કરતી ગોઠવણ

પરમેશ્વરની ઇચ્છા પૂરી કરતી ગોઠવણ

ઈશ્વર “પોતાની ઇચ્છાના સંકલ્પ પ્રમાણે સર્વ કરે છે.”—એફેસી ૧:૧૧.

૧. એપ્રિલ ૧૨, ૨૦૦૬ની સાંજે શા માટે યહોવાહના સાક્ષીઓના બધા જ મંડળો ભેગા મળશે?

 એપ્રિલ ૧૨, ૨૦૦૬ બુધવારની સાંજ બહુ ખાસ છે. એ સાંજે કંઈક ૧ કરોડ ૬૦ લાખ લોકો દુનિયામાં જુદી જુદી જગ્યાએ મેમોરિયલ ઉજવવા ભેગા મળશે. દરેક જગ્યાએ એક ટેબલ પર મોવણ નાખ્યા વગરની કડક રોટલી અને લાલ દ્રાક્ષદારૂ મૂકવામાં આવશે. કડક રોટલી ઈસુ ખ્રિસ્તના શરીરને અને દ્રાક્ષદારૂ તેમના લોહીને રજૂ કરે છે. એ મિટિંગમાં ઈસુના મરણની યાદમાં થતી ઉજવણી પર એક પ્રવચન આપવામાં આવશે. છેલ્લે રોટલી અને પછી દ્રાક્ષદારૂ ત્યાં હાજર સર્વ લોકો આગળથી પસાર કરવામાં આવશે. જોકે યહોવાહના સાક્ષીઓના મંડળના મોટાભાગના લોકો રોટલી ખાવામાં કે દ્રાક્ષદારૂ પીવામાં ભાગ લેશે નહિ. સ્વર્ગમાં જવાની આશા છે એ લોકો જ એમાં ભાગ લેશે. પણ એ લોકો બહુ ઓછા હશે. ઉજવણીમાં આવનારા મોટાભાગના પૃથ્વી પર જીવવાની આશા રાખે છે. તો સવાલ થાય કે સ્વર્ગની આશા ધરાવનારા જ શા માટે ભાગ લે છે?

૨, ૩. (ક) યહોવાહે પોતાના મકસદ પ્રમાણે શાનું સર્જન કર્યું? (ખ) યહોવાહે શા માટે પૃથ્વી અને મનુષ્યનું સર્જન કર્યું?

યહોવાહ પરમેશ્વર દરેક કામ મકસદથી કરે છે. તેથી તે પોતાનો હેતુ પૂરો કરવા “પોતાની ઇચ્છાના સંકલ્પ [નિર્ણય] પ્રમાણે સર્વ કરે છે.” (એફેસી ૧:૧૧) તેમણે સૌથી પહેલાં પોતાના એકના એક દીકરાને બનાવ્યો. (યોહાન ૧:૧, ૧૪; પ્રકટીકરણ ૩:૧૪) પછી દીકરાને તેમની શકિત આપીને તેઓએ સ્વર્ગદૂતોનું કુટુંબ બનાવ્યું. તેમણે પૃથ્વી અને મનુષ્યનું પણ સર્જન કર્યું.—અયૂબ ૩૮:૪, ૭; ગીતશાસ્ત્ર ૧૦૩:૧૯-૨૧; યોહાન ૧:૨, ૩; કોલોસી ૧:૧૫, ૧૬.

ચર્ચના ખ્રિસ્તીઓ માને છે કે યહોવાહે પૃથ્વી એટલા માટે બનાવી છે જેથી તે જોઈ શકે કે મનુષ્યો સ્વર્ગમાં તેમની સાથે રહેવાને લાયક છે કે નહિ. પરંતુ, એ માન્યતા સાવ ખોટી છે. કેમ કે તેમણે મનુષ્યોને રહેવા માટે પૃથ્વી બનાવી છે. (યશાયાહ ૪૫:૧૮) પરમેશ્વરે પૃથ્વીને માણસના રહેવા માટે બનાવી. અને માણસને પૃથ્વી માટે રચ્યો છે. (ગીતશાસ્ત્ર ૧૧૫:૧૬) પરમેશ્વર ચાહતા હતા કે પૃથ્વી સારા લોકોથી ભરપૂર થાય. તેઓ આખી પૃથ્વીને બગીચા જેવી સુંદર બનાવે અને એની સંભાળ રાખે. પ્રથમ યુગલ આદમ અને હવાને સ્વર્ગમાં જવાની કોઈ આશા આપવામાં આવી ન હતી.—ઉત્પત્તિ ૧:૨૬-૨૮; ૨:૭, ૮, ૧૫.

યહોવાહના મકસદ આડે આવતો એક દુશ્મન

૪. પ્રથમ માણસના સર્જનથી જ યહોવાહના રાજ કરવાના હક પર કોણે પડકાર ફેંક્યો? કઈ રીતે?

પરમેશ્વરે સ્વર્ગદૂતોને બનાવ્યા ત્યારે તેમણે દરેક દૂતોને પસંદ કરવાની શક્તિ આપી. જેનાથી તેઓ જાતે નિર્ણય લઈ શકતા કે પોતે શું કરવું અને શું નહિ. પરંતુ એક દૂત જે શેતાન બન્યો તેણે પસંદ કરવાની શક્તિ ખોટી રીતે વાપરી. કેવી રીતે? તે પરમેશ્વરની સામે થયો અને યહોવાહના હેતુને તોડવાની કોશિશ કરી. એના લીધે યહોવાહને વિશ્વના રાજા માનનાર અને દિલથી ભક્તિ કરનાર લોકોની શાંતિમાં ખલેલ પડી. વળી, માણસજાતની શરૂઆતમાં શેતાને પ્રથમ યુગલ, આદમ અને હવાને ઉશ્કેર્યા કે તેઓ યહોવાહને છોડી દઈને પોતાની રીતે જીવશે તો સુખી થશે. (ઉત્પત્તિ ૩:૧-૬) શેતાને યહોવાહની અપાર શક્તિ સામે વાંધો ઉઠાવ્યો ન હતો. તેણે એ વાંધો ઉઠાવ્યો કે આખી પૃથ્વી પર રાજ કરવાની યહોવાહની રીત યોગ્ય નથી. આમ કરીને તેણે યહોવાહના રાજ કરવાના હક સામે આંગળી ઉઠાવી. આ રીતે પ્રથમ માણસના સર્જનથી જ તેણે યહોવાહની સત્તા સામે પડકાર ફેંક્યો.

૫. શેતાને બીજો કયો આરોપ મૂક્યો? એમાં કોનો કોનો સમાવેશ થાય છે?

અયૂબના દિવસોમાં શેતાને બીજો એક આરોપ મૂક્યો. આ આરોપ મૂકીને તેણે ફરીથી જાણે યહોવાહની સત્તા સામે આંગળી ચીંધી હતી. કઈ રીતે? શેતાને દાવો કર્યો કે યહોવાહના સેવકો સ્વાર્થને લીધે તેમને ભજે છે. તેઓ પર મુસીબતો આવી પડે તો, તેઓ પરમેશ્વરને ભજવાનું છોડી દેશે. (અયૂબ ૧:૭-૧૧; ૨:૪, ૫) ખરું કે તેણે આ આરોપ પૃથ્વી પરના ઈશ્વરભક્ત અયૂબ પર મૂક્યો હતો. પરંતુ એમાં તેણે યહોવાહના સર્વ સેવકો, સ્વર્ગદૂતો અને પરમેશ્વરના એકના એક દીકરા સામે પણ આંગળી ચીંધી હતી.

૬. પોતાનો મકસદ પૂરો કરવા યહોવાહ તેમના નામના અર્થ પ્રમાણે શું બન્યા?

હવે યહોવાહ પોતાના નામના અર્થ મુજબ પોતાનો મકસદ પૂરો કરીને જ રહે છે. તેથી તે પોતે પ્રબોધક અને તારણહાર બન્યા. * તેમણે શેતાનને કહ્યું: “તારી ને સ્ત્રીની વચ્ચે, તથા તારાં સંતાનની ને તેનાં સંતાનની વચ્ચે હું વેર કરાવીશ; તે તારૂં માથું છૂંદશે, ને તું તેની એડી છૂંદશે.” (ઉત્પત્તિ ૩:૧૫) આમ, યહોવાહે જણાવ્યું કે તે ‘સ્ત્રીના’ સંતાન દ્વારા, એટલે કે પોતાના સ્વર્ગીય સંગઠન દ્વારા શેતાને ફેંકેલા પડકારનો જવાબ આપશે. તેમ જ આદમના સંતાનો માટે હંમેશ માટેનું જીવન અને છુટકારાની આશા આપશે.—રૂમી ૫:૨૧; ગલાતી ૪:૨૬, ૩૧.

‘ઈશ્વરની ઇચ્છાનો મર્મ’

૭. પ્રેરિત પાઊલ દ્વારા યહોવાહે શું જાહેર કર્યું?

પ્રેરિત પાઊલે એફેસસ શહેરના ખ્રિસ્તીઓને પત્ર લખીને સમજાવ્યું કે યહોવાહે પોતાના હેતુઓ પૂરા કરવા માટે કેવી ગોઠવણ કરી છે. પાઊલે લખ્યું: “તેણે તેનામાં પોતાના સંકલ્પથી પોતાની પ્રસન્‍નતા પ્રમાણે, પોતાની ઇચ્છાનો મર્મ આપણને જણાવ્યો, કે સમયોની સંપૂર્ણતાની વ્યવસ્થામાં, સ્વર્ગમાંનાં તથા પૃથ્વી પરનાં સઘળાં વાનાંનો ખ્રિસ્તમાં તે સમાવેશ કરે હા, ખ્રિસ્તમાં.” (એફેસી ૧:૯, ૧૦) યહોવાહનો શાનદાર હેતુ એ જ છે કે સર્વ મનુષ્યો અને દેવદૂતો સંપમાં રહે અને રાજી-ખુશીથી તેમની સત્તાને આધીન રહે. (પ્રકટીકરણ ૪:૧૧) એનાથી યહોવાહનું નામ પવિત્ર થશે અને શેતાન જૂઠો સાબિત થશે. તેમ જ, ‘સ્વર્ગમાં અને પૃથ્વી પર’ તેમની ઇચ્છા પૂરી થશે.—માત્થી ૬:૧૦.

૮. પાઊલે વાપરેલા ‘વ્યવસ્થા’ શબ્દનો અર્થ શું છે?

યહોવાહ પોતાનો “હેતુ” એક ‘વ્યવસ્થા’ દ્વારા પૂરો કરવાના છે. પાઊલે વ્યવસ્થા શબ્દ પસંદ કર્યો કેમ કે એ જમાનામાં એનો અર્થ હતો કે ‘ઘરની સંભાળ રાખવી.’ તેથી, એ શબ્દ સરકારને એટલે કે મસીહી રાજ્યને રજૂ કરતો નથી. પણ એનો અર્થ બાબતો સંભાળવાની એક રીત થાય છે. * યહોવાહે એવી ગોઠવણ કરી હતી જેથી એક “મર્મ” દ્વારા તેમનો હેતુ પૂરો કરી શકે. સદીઓ પસાર થઈ તેમ એ “મર્મ” ખરેખર શું છે એ જાણવા મળ્યું.—એફેસી ૧:૧૦; ૩:૯, NW ફૂટનોટ્‌સ.

૯. યહોવાહે કઈ રીતે ધીરે ધીરે મર્મ પ્રગટ કર્યો?

યહોવાહે એદન બાગમાં વચન આપ્યું કે સંતાન આવશે. સમય જતા એક પછી એક કરાર દ્વારા યહોવાહે ધીમે ધીમે બતાવી આપ્યું કે એ સંતાન કેવી રીતે આવશે. દાખલા તરીકે, ઈબ્રાહીમ સાથે કરેલા કરાર દ્વારા તેમણે બતાવ્યું કે એ સંતાન ઈબ્રાહીમના વંશમાંથી આવશે. તેના દ્વારા “પૃથ્વીના સર્વ લોક” આશીર્વાદ પામશે. આ કરારથી એ પણ જોવા મળ્યું કે સંતાન સાથે બીજા લોકો હશે. (ઉત્પત્તિ ૨૨:૧૭, ૧૮) યહોવાહે ઈસ્રાએલીઓ સાથે નિયમ કરાર કર્યો એનાથી આપણે જાણી શકીએ કે યહોવાહના હેતુમાં “યાજકોનું રાજ્ય” હશે. (નિર્ગમન ૧૯:૫, ૬) દાઊદ સાથે કરેલા કરારમાં યહોવાહે બતાવ્યું કે એ સંતાન હંમેશ માટે ટકે એવા રાજ્યનો રાજા બનશે. (૨ શમૂએલ ૭:૧૨, ૧૩; ગીતશાસ્ત્ર ૮૯:૩, ૪) નિયમ કરારથી યહુદીઓએ મસીહને ઓળખ્યા. એ પછી યહોવાહે પોતાના હેતુના બીજા પાસાઓ પણ બતાવ્યા. (ગલાતી ૩:૧૯, ૨૪) સંતાન સાથે જે લોકો હશે તેઓ ભવિષ્યવાણી પ્રમાણે રાજ્યના “યાજકો” બનશે. અને નવા “ઈસ્રાએલ” સાથે “નવો કરાર” કરવામાં આવશે.—યિર્મેયાહ ૩૧:૩૧-૩૪; હેબ્રી ૮:૭-૯. *

૧૦, ૧૧. (ક) યહોવાહે કઈ રીતે બતાવી આપ્યું કે ભવિષ્યવાણી પ્રમાણેનું સંતાન કોણ છે? (ખ) શા માટે પરમેશ્વરનો એકનો એક પુત્ર પૃથ્વી પર આવ્યો?

૧૦ પરમેશ્વરની વ્યવસ્થા અથવા ગોઠવણ પ્રમાણે એદન બાગમાં યહોવાહે જણાવેલા સંતાનનો પૃથ્વી પર આવવાનો સમય આવી પહોંચ્યો હતો. યહોવાહે ગાબ્રીએલ દૂતને મરિયમ પાસે મોકલ્યા. દૂતે મરિયમને કહ્યું કે તેને દીકરો જન્મશે. તેનું નામ ઈસુ પાડવામાં આવશે. “તે મોટો થશે, ને પરાત્પરનો દીકરો કહેવાશે; અને દેવ પ્રભુ તેને તેના પિતા દાઊદનું રાજ્યાસન આપશે. તે યાકૂબના ઘર પર સર્વકાળ રાજ કરશે, ને તેના રાજ્યનો અંત આવશે નહિ.” (લુક ૧:૩૨, ૩૩) આ દૂતની વાત પરથી જાણી શકીએ છીએ કે વચનનું સંતાન ઈસુ ખ્રિસ્ત છે.—ગલાતી ૩:૧૬; ૪:૪.

૧૧ યહોવાહના એકના એક પુત્રની ધરતી પર પૂરી રીતે કસોટી થવાની હતી. ઈસુ જે રીતે સહન કરવાના હતા એનાથી શેતાનના પડકારનો જવાબ મળવાનો હતો. તેથી સવાલ ઊભો થયો કે ઈસુ ખરેખર પોતાના પિતાને વફાદાર રહેશે? એનો જવાબ મર્મની એક વિગત છે. પછીથી પાઊલે ઈસુની ભૂમિકા સમજાવતા કહ્યું કે “બેશક સતધર્મનો મર્મ મોટો છે; તે મનુષ્યસ્વરૂપમાં પ્રગટ થયો, આત્મામાં ન્યાયી ઠરાવાયો, દૂતોના દીઠામાં આવ્યો, તેની વાત વિદેશીઓમાં પ્રગટ થઈ, તેના પર જગતમાં વિશ્વાસ કરવામાં આવ્યો, અને તેને મહિમામાં ઉપર લેવામાં આવ્યો.” (૧ તીમોથી ૩:૧૬) ઈસુએ મરતા સુધી ઈશ્વરને વફાદાર રહીને શેતાનના પડકારનો જોરદાર જવાબ આપ્યો. પરંતુ મર્મની અમુક વિગતો પરથી પડદો ઊઠવાનો હજુ બાકી હતો.

‘ઈશ્વરના રાજ્યનો મર્મ’

૧૨, ૧૩. (ક) ‘દેવના રાજ્યના મર્મમાં’ એક વિગત શું છે? (ખ) યહોવાહે નિર્ણય કર્યો કે અમુક માણસો સ્વર્ગમાં જશે તો, એના માટે શાની જરૂર પડી?

૧૨ ઈસુ એક વાર ગાલીલમાં પ્રચાર કરતા હતા. એ વખતે તેમણે શિષ્યોને સમજાવ્યું કે મર્મ અને મસીહી રાજ્યની સરકાર વચ્ચે સંબંધ છે. તેમણે શિષ્યોને કહ્યું કે “આકાશના રાજ્યના [“દેવના રાજ્યનો,” માર્ક ૪:૧૧] મર્મો જાણવાનું તમને આપેલું છે, પણ તેઓને નથી આપેલું.” (માત્થી ૧૩:૧૧) મર્મમાં એક વિગત આ હતી કે યહોવાહે માણસજાતમાંથી ૧,૪૪,૦૦૦ની “નાની ટોળી” પસંદ કરી. તેઓ ઈસુ સાથે સ્વર્ગમાં રાજ કરશે અને એવી રીતે તેઓ સંતાનનો ભાગ બનશે.—લુક ૧૨:૩૨; પ્રકટીકરણ ૧૪:૧,.

૧૩ પરમેશ્વરે મનુષ્યોને પૃથ્વી પર કાયમ જીવવા બનાવ્યા હતા. તેથી તેમણે નિર્ણય કર્યો કે અમુક લોકો સ્વર્ગમાં જશે તો, એ માટે તેમને એક “નવી ઉત્પતિ” કરવાની જરૂર પડી. (૨ કોરીંથી ૫:૧૭) સ્વર્ગમાં જવાની અદ્‍ભુત આશા રાખનાર પ્રેરિત પીતરે લખ્યું: “આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના દેવ તથા બાપને ધન્યવાદ હો; તેણે પોતે ઘણી દયા રાખીને મૂએલાંમાંથી ઈસુ ખ્રિસ્તનું પુનરુત્થાન કરીને સજીવન આશાને સારૂ, અવિનાશી, નિર્મળ તથા કરમાઈ ન જનારા વતનને માટે આપણને પુનર્જન્મ આપ્યો છે, તે વતન તમારે સારૂ આકાશમાં રાખી મૂકેલું છે.”—૧ પીતર ૧:૩, ૪.

૧૪. (ક) ‘ઈશ્વરના રાજ્યના રહસ્યમય મર્મમાં’ બિનયહુદીઓને કઈ રીતે સમાવવામાં આવ્યા? (ખ) શા માટે આપણે પરમેશ્વરના ‘ઊંડા વિચારો’ સમજી શકીએ છીએ?

૧૪ આવનાર રાજ્ય સાથે જોડાએલા મર્મમાં બીજી એક બાબત પણ છે. પરમેશ્વર ચાહે છે કે સ્વર્ગમાં ઈસુ સાથે રાજ કરનારા લોકોમાં બિનયહુદીઓ પણ હોય. પાઊલે યહોવાહની ‘વ્યવસ્થા’ અથવા તેમના હેતુને પૂરો કરવાની રીત સમજાવતા કહ્યું કે, “જેમ હમણાં તેના પવિત્ર પ્રેરિતોને તથા પ્રબોધકોને આત્માથી પ્રગટ થએલો છે, તેમ આગલા જમાનાઓમાં માણસોના જાણવામાં આવ્યો નહોતો, એટલે કે વિદેશીઓ, ખ્રિસ્ત ઈસુમાં સુવાર્તા દ્વારા, અમારી સાથે વતનમાં ભાગીદાર, તેના શરીરના અવયવો, તથા તેના વચનના સહભાગી છે.” (એફેસી ૩:૫, ૬) મર્મની બીજી બાબતોની સમજ પહેલાં ‘પ્રેરિતોને’ આપવામાં આવી. એવી જ રીતે આજે પણ યહોવાહની પવિત્ર શક્તિની મદદથી આપણે પરમેશ્વરના ‘ઊંડા વિચારો’ સમજી શકીએ છીએ.—૧ કોરીંથી ૨:૧૦; ૪:૧; કોલોસી ૧:૨૬, ૨૭.

૧૫, ૧૬. યહોવાહે શા માટે માણસોને ઈસુ ખ્રિસ્ત સાથે રાજ કરવા પસંદ કર્યા?

૧૫ સ્વર્ગીય “સિયોન પહાડ પર હલવાન” એટલે કે ઈસુની સાથે “એક લાખ ચુમ્માળીસ હજાર” ઊભેલા જોવા મળે છે. તેઓને ‘પૃથ્વી પરથી ખરીદવામાં આવ્યા છે. તેઓને દેવને સારૂ તથા હલવાનને એટલે કે ઈસુ ખ્રિસ્તને સારૂ પ્રથમફળ થવાને માણસોમાંથી ખરીદવામાં આવ્યા છે.’ (પ્રકટીકરણ ૧૪:૧-૪) યહોવાહે એદન બાગમાં જણાવેલા સંતાન માટે સ્વર્ગમાંથી પોતાના એકનાએક દીકરાને પસંદ કર્યા. પરંતુ, તેમની સાથે રાજ કરવા માણસોને કેમ પસંદ કર્યા? પ્રેરિત પાઊલે સમજાવ્યું કે એ પસંદ કરાએલા લોકોને ‘ઈશ્વરના ઇરાદા પ્રમાણે આમંત્રણ આપવામાં આવ્યું’ અને એ ‘તેમની ઇચ્છા પ્રમાણે હતું.’—રોમ ૮:૧૭, ૨૮-૩૦, પ્રેમસંદેશ; એફેસી ૧:૫, ૧૧; ૨ તીમોથી ૧:૯.

૧૬ યહોવાહ પોતાના હેતુ પ્રમાણે પોતાના નામને પવિત્ર કરશે. એ જ નહિ આખી દુનિયામાં બતાવશે કે તે વિશ્વના રાજા છે. તેથી, તેમણે ‘વ્યવસ્થાથી’ અથવા ગોઠવણથી પોતાના એકના એક દીકરા, ઈસુને પૃથ્વી પર મોકલ્યા. ત્યાં ઈસુની મરતા સુધી કસોટી થઈ. તેમ જ યહોવાહે નક્કી કર્યું કે તેમના પુત્રના મસીહી રાજ્યની સરકારમાં માણસોને લેવામાં આવે. અને એ માણસો પણ મરતા સુધી યહોવાહને વફાદાર હોય.—એફેસી ૧:૮-૧૨; પ્રકટીકરણ ૨:૧૦, ૧૧.

૧૭. શા માટે આપણને ખુશી થવી જોઈએ કે ઈસુ અને તેમની સાથે રાજ કરનારા એક સમયે પૃથ્વી પર મનુષ્ય તરીકે જીવતા હતા?

૧૭ યહોવાહે પોતાના દીકરાને ધરતી પર મોકલ્યા. તેમ જ માણસોમાંથી કેટલાક લોકોને તેમની સાથે રાજ્યનો વારસો પામવા પસંદ કર્યા. એનાથી યહોવાહે આદમના વંશજો માટે અદ્‍ભુત પ્રેમની સાબિતી આપી. પણ હાબેલના સમયથી યહોવાહને વફાદાર રહ્યાં છે એવાં લોકોને શું લાભ થશે? આદમના પાપને લીધે માણસજાત જન્મથી પાપ અને મૃત્યુની ગુલામીમાં છે. એના લીધે યહોવાહનો હેતુ પૂરો કરવા તેઓએ યહોવાહનું જ્ઞાન શીખવાની જરૂર છે. શારીરિક રીતે સાજા થવાની જરૂર છે. છેવટે તેઓને યહોવાહના નિયમો પાળવાની ક્ષમતા મળશે. (રૂમી ૫:૧૨) ઈસુ રાજ કરશે ત્યારે તે માણસજાત સાથે પ્રેમ અને સમજદારીથી વર્તશે. એ જાણીને પૃથ્વી પર હંમેશાં જીવવાની આશા રાખનારાઓને કેવી રાહત મળે છે! (માત્થી ૧૧:૨૮, ૨૯; હેબ્રી ૨:૧૭, ૧૮; ૪:૧૫; ૭:૨૫, ૨૬) આપણને એ જાણીને પણ કેટલું સારું લાગે છે કે ઈસુ ખ્રિસ્ત અને ૧,૪૪,૦૦૦ એક સમયે પૃથ્વી પર જીવતા હતા. અને તેઓમાં પણ આપણા જેવી જ નબળાઈઓ હતી. તેઓએ પણ જીવનની મુશ્કેલીઓનો સામનો કર્યો છે.—રૂમી ૭:૨૧-૨૫.

યહોવાહનો અફર હેતુ

૧૮, ૧૯. એફેસી ૧:૮-૧૧માં પાઊલના શબ્દો શા માટે આપણે સારી રીતે સમજી શકીએ છીએ? પછીના લેખમાં શાની ચર્ચા કરીશું?

૧૮ હવે આપણે એફેસી ૧:૮-૧૧માં પાઊલે અભિષિક્તોને કહેલા શબ્દો સારી રીતે સમજી શકીએ છીએ. પાઊલે કહ્યું કે યહોવાહે ‘પોતાની ઇચ્છાનો મર્મ’ તેઓને સમજાવ્યો છે કે, તેઓ પણ ઈસુ ખ્રિસ્ત સાથે રાજ કરવાના છે. અને ઈશ્વર ‘પોતાની ઇચ્છાના સંકલ્પ પ્રમાણે સર્વ કરે છે. તેના સંકલ્પ પ્રમાણે આપણે અગાઉથી નિર્મિત થયા હતા.’ આપણે જાણીએ છીએ કે યહોવાહનો હેતુ પૂરો કરવા આ ‘વ્યવસ્થા’ એકદમ યોગ્ય છે. એ આપણને સમજવામાં મદદ કરે છે કે મેમોરિયલમાં શા માટે થોડાક જ લોકો રોટલી ખાવામાં અને દ્રાક્ષદારૂ પીવામાં ભાગ લે છે.

૧૯ પછીના લેખમાં આપણે જોઈશું સ્વર્ગની આશા રાખનારા માટે મેમોરિયલનો શું અર્થ છે. અને એ પણ શીખીશું કે પૃથ્વી પર હંમેશ માટે જીવનારા લાખો લોકો માટે મેમોરિયલનો શું અર્થ છે. (w06 2/15)

[ફુટનોટ્‌સ]

^ ‘યહોવાહ’ નામનો અર્થ છે, “તે ચાહે તે બને છે.” એટલે કે યહોવાહ પોતાનો હેતુ પૂરો કરવા કંઈ પણ બની શકે છે. (નિર્ગમન ૩:૧૪) જ્ઞાન જે અનંતજીવન તરફ દોરી જાય છે, પુસ્તકના અધ્યાય ત્રણમાં પાન ૨૫ ફકરો ૭ જુઓ.

^ બાઇબલ બતાવે છે કે મસીહી રાજ્ય ૧૯૧૪માં સ્થપાયું હતું. તેમ છતાં પાઊલના શબ્દોથી જોવા મળે છે કે તેમના દિવસોમાં પણ યહોવાહની ‘વ્યવસ્થા’ દ્વારા કામ થતું હતું.

^ પરમેશ્વરના હેતુઓ પૂરા કરવામાં કરારોએ કેવો ભાગ ભજવ્યો છે એના વિષે વધારે જાણકારી મેળવવા ફેબ્રુઆરી ૧, ૧૯૯૦નું ચોકીબુરજ પાન ૧૦-૧૫ પર જુઓ.

યાદ રાખવાના મુદ્દા

• યહોવાહે શા માટે પૃથ્વી બનાવી અને એમાં માણસને મૂક્યો?

• યહોવાહના એકનાએક દીકરાની કસોટી થાય એ શા માટે જરૂરી હતું?

• યહોવાહે શા માટે માણસોને ઈસુ ખ્રિસ્ત સાથે રાજ કરવા પસંદ કર્યા?

[અભ્યાસ પ્રશ્નો]