સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

‘દરેકે પોતાનો બોજો ઊંચકવો પડશે’

‘દરેકે પોતાનો બોજો ઊંચકવો પડશે’

‘દરેકે પોતાનો બોજો ઊંચકવો પડશે’

‘એ માટે આપણે દરેકે પોતપોતાનો હિસાબ ઈશ્વરને આપવો પડશે.’—રૂમી ૧૪:૧૨.

૧. ત્રણ હેબ્રી યુવાનોએ કયો નિર્ણય લેવાનો હતો?

 બાબેલોન શહેર. એમાં રહેતા ત્રણ હેબ્રી યુવાનો, શાદ્રાખ, મેશાખ અને અબેદ-નગો. તેઓની જિંદગી અને મોતનો સવાલ છે. કાયદા પ્રમાણે, શું તેઓ મોટી મૂર્તિને નમન કરશે? કે પછી નહિ નમે અને ધગધગતી ભઠ્ઠીમાં બળી મરવાનું પસંદ કરશે? સંજોગો એવા હતા કે કોને જઈને પૂછે? પણ તેઓએ કોઈને પૂછવાની જરૂર ન હતી. ત્રણેય યુવાનોએ તરત જ જવાબ આપ્યો: ‘હે રાજા, આપે ચોક્કસ જાણવું, કે અમે આપના દેવોની ઉપાસના કરીશું નહિ, તેમ જ આપે ઊભી કરેલી સોનાની મૂર્તિને પૂજીશું નહિ.’ (દાનીયેલ ૩:૧-૧૮) આ રીતે તેઓએ પોતે નિર્ણય લેવાની પોતાની જવાબદારી ઉપાડી.

૨. ઈસુ વિષે પીલાત માટે કોણે નિર્ણય લીધો? શું એનાથી પીલાત પોતાની જવાબદારીમાંથી છટકી જઈ શક્યો?

એ બનાવની છએક સદીઓ પછી, એક રોમન રાજ્યપાલ પીલાતે ઈસુ સામેના આરોપો સાંભળ્યા. આખો કેસ જોયો. તેને ખાતરી હતી કે ઈસુમાં કોઈ દોષ નથી. પણ લોકોને એ ફેંસલો મંજૂર ન હતો. તેઓની માંગ એક જ હતી: ઈસુનું મોત! થોડીવાર તો પીલાતે હા-ના કરી. પણ પછી પોતાની જવાબદારી પોતે ઉપાડવાને બદલે, લોકોના હાથમાં ફેંસલો છોડ્યો. તેણે પોતાની જવાબદારીથી હાથ ધોઈ નાખતા કહ્યું, ‘એના લોહી સંબંધી હું નિર્દોષ છું.’ પછી પીલાતે ઈસુને મારી નાખવાની લોકોને રજા આપી. પીલાતે ઈસુની બાબતમાં પોતાની જવાબદારી ઉપાડવાને બદલે, લોકોને નિર્ણય લેવા દીધો. એક નિર્દોષ માણસને મોતની સજા આપી, એ શું ઇન્સાફ કહેવાય? ભલે ગમે એટલા પાણીથી હાથ ધુએ, પીલાત પોતે એ નિર્ણય માટે જવાબદાર હતો.—માત્થી ૨૭:૧૧-૨૬; લુક ૨૩:૧૩-૨૫.

૩. શા માટે કોઈને આપણા માટે નિર્ણયો ન લેવા દઈએ?

આપણા દરેક વિષે શું? કોઈ નિર્ણય લેવાનો થાય ત્યારે, શું આપણે ત્રણ હેબ્રી યુવાનો જેવા છીએ? કે પછી આપણે એ જવાબદારી કોઈ બીજા પર ઢોળી દઈએ છીએ? જોકે નિર્ણય લેવાનું કામ બહુ જ અઘરું છે. એમાંય વળી ખરો નિર્ણય બહુ સમજી-વિચારીને લેવો પડે છે. જેમ કે, મમ્મી-પપ્પા પોતાનાં બાળકો માટે કેટલું વિચારી વિચારીને નિર્ણય લે છે. અટપટા અને મોટા નિર્ણયો લેવા તો એનાથીયે અઘરું કામ છે. તોપણ, એ જવાબદારી એટલી બધી ભારે નથી કે આપણે મંડળના જવાબદાર ભાઈઓ પર, એટલે કે ‘પવિત્ર આત્મા કે શક્તિથી દોરાતા માણસો’ પર નાખી દઈએ. (ગલાતિયા ૬:૧, ૨, સંપૂર્ણ) ‘આપણે દરેકે પોતપોતાનો હિસાબ ઈશ્વરને આપવો પડશે.’ (રૂમી ૧૪:૧૨) બાઇબલ જણાવે છે કે “દરેક માણસને પોતાનો બોજો [કે જવાબદારી] ઊંચકવો પડશે.” (ગલાતી ૬:૫) હવે સવાલ એ થાય કે આપણે કઈ રીતે યોગ્ય નિર્ણયો લઈ શકીએ? મનુષ્યમાં ખામીઓ રહેલી છે એ તો કબૂલવું જ પડશે. એ પણ શીખવું જ પડશે કે તેને કેવી રીતે દૂર કરી શકાય.

ખાસ શાની મદદ જરૂરી છે?

૪. આદમ અને હવાના દાખલામાંથી નિર્ણયો લેવા વિષે આપણે કયો સબક શીખી શકીએ?

મનુષ્યની શરૂઆતનો વિચાર કરો. પહેલો આદમી આદમ અને તેની પત્ની હવાએ જે નિર્ણય લીધો, એનાથી આખી માનવજાતનો સત્યાનાશ થઈ ગયો. તેઓએ ઈશ્વરની આજ્ઞા તોડીને ભલું-ભૂંડું જાણવાના ઝાડ પરથી ફળ તોડીને ખાવાનું પસંદ કર્યું. (ઉત્પત્તિ ૨:૧૬, ૧૭) શા માટે? બાઇબલ જવાબ આપે છે: ‘તે વૃક્ષનું ફળ ખાવાને વાસ્તે સારું, ને જોવામાં સુંદર, ને જ્ઞાન આપવાને ઇચ્છવાજોગ એવું એ વૃક્ષ છે, તે જોઈને સ્ત્રીએ ફળ તોડીને ખાધું; અને તેની સાથે પોતાનો પતિ હતો તેને પણ આપ્યું, ને તેણે ખાધું.’ (ઉત્પત્તિ ૩:૬) હવાએ પોતાના સ્વાર્થને લીધે એ પસંદગી કરી. એ જોઈને આદમે પણ ઈશ્વરની આજ્ઞા તોડી. આમ તે પાપી બન્યો. એની સજા મોત હતી. તેનાં બાળકો હોવાને કારણે ‘સઘળાં માણસોને’ પણ પાપ અને મરણનો વારસો મળ્યો. (રૂમી ૫:૧૨) આપણને આદમ-હવાના દાખલામાંથી એક મોટો સબક શીખવા મળે છે: માણસ ઈશ્વરથી આઝાદ થઈને મોટા ભાગે ખોટા જ નિર્ણયો લે છે.

૫. યહોવાહ આપણને કઈ રીતે મદદ કરે છે? આપણે કઈ રીતે એનો લાભ લઈ શકીએ?

યહોવાહ આપણને અંધારામાં નથી રાખતા, પણ પોતાનો માર્ગ બતાવે છે. શાસ્ત્ર જણાવે છે કે “જ્યારે તમે જમણી તરફ કે ડાબી તરફ ફરો, ત્યારે તમારા કાનો તમારી પછવાડેથી એવી વાત આવતી સાંભળશે, કે માર્ગ આ છે, તે પર તમે ચાલો.” (યશાયાહ ૩૦:૨૧) યહોવાહે આપણને બાઇબલ આપ્યું છે. આપણે એમાંથી શીખતા કદી થાકીએ નહિ. શીખતા જ રહીએ, શીખતા જ રહીએ! યોગ્ય નિર્ણયો લેવા માટે આપણે ‘ઈશ્વરનાં વચનોને લગતાં ઊંડાં સત્યો સમજીએ. વળી જે સારું છે તેને અમલમાં મૂકીને સારા-ખોટાનો ભેદ જાણતા શીખીએ.’ (હિબ્રૂ ૫:૧૪, IBSI) ચાલો આપણે બાઇબલમાંથી શીખીએ, સમજીએ, એ પ્રમાણે જીવીએ. પછી આપણે ખરુંખોટું પારખી શકીશું.

૬. આપણું દિલ સારી રીતે ઘડવા શાની જરૂર છે?

નિર્ણય લેવા માટે યહોવાહે આપણને અંતઃકરણ, દિલ કે મન આપ્યાં છે. એ આપણને મદદ કરે છે અને “દોષિત અથવા નિર્દોષ ઠરાવે છે.” (રૂમી ૨:૧૪, ૧૫) પણ એ માટે આપણે બાઇબલનું જ્ઞાન લઈએ. આપણું દિલ એના અજવાળાથી ભરી દઈએ. જેથી આપણે એ પ્રમાણે જ નિર્ણયો લઈએ. પણ જો આપણું દિલ એ પ્રમાણે ન ઘડીએ, તો આપણી આજુબાજુના રીત-રિવાજો, આદતો અને લોકોના કહેવા પ્રમાણે એ ઘડાશે. પછી એ આપણને ખોટા રસ્તે પણ ચડાવી દે તો નવાઈ નહિ. આપણું દિલ વારંવાર ડંખતું હોય, તોપણ આપણે એને ચૂપ કરી દેતા હોઈએ, યહોવાહના નિયમો વારંવાર તોડતા હોઈએ તો આખરે શું થશે? આખરે આપણું દિલ કે ‘અંતઃકરણ ડમાએલું’ બની જશે. જાણે બહેર મારી જશે. બુઠ્ઠું થઈ જશે. પછી, એના પર કશાની અસર નહિ થાય. (૧ તીમોથી ૪:૨) પણ જો આપણે આપણા દિલને યહોવાહના શિક્ષણથી ઘડીએ, તો તે આપણને સચ્ચાઈના માર્ગે ચલાવશે.

૭. યોગ્ય નિર્ણયો લેવા માટે ખાસ શાની જરૂર છે?

આપણે પોતે યોગ્ય નિર્ણયો લઈએ, એ માટે ખાસ શાની જરૂર છે? બાઇબલનું સાચું જ્ઞાન અને એ પ્રમાણે જીવવાની સૂઝ-સમજ. આપણે કોઈ પણ નિર્ણય લેવાનો હોય, પસંદગી કરવાની હોય તો ઉતાવળા ન થઈએ. પહેલાં તો વિચારીએ કે યહોવાહ આ વિષે શું શીખવે છે? પછી એ પ્રમાણે સમજી-વિચારીને નિર્ણય લઈએ. આ રીતે આપણે પણ શાદ્રાખ, મેશાખ અને અબેદ-નગો જેવા બની શકીશું. પછી ભલેને આપણે તરત જ કોઈ પસંદગી કરવાની હોય. જો આપણું દિલ યહોવાહના શિક્ષણ પ્રમાણે ઘડેલું હશે, તો ખરો નિર્ણય લેવા તૈયાર હોઈશું. ચાલો હવે જોઈશું કે યહોવાહના શિક્ષણથી દિલ ઘડતા જઈશું, એમ નિર્ણય લેવા કઈ રીતે મદદ મળે છે. આપણે જીવનના બે નિર્ણયોનો વિચાર કરીએ.

આપણે કોની દોસ્તી કરીશું?

૮, ૯. (ક) બૂરી સોબત ન રાખવા કયા કયા સિદ્ધાંતો આપણને મદદ કરી શકે? (ખ) શું ફક્ત ખરાબ કામ કરનારા જ બૂરી સોબત કહેવાય?

ઈશ્વરભક્ત પાઊલે સલાહ આપી કે “ભૂલશો મા; દુષ્ટ સોબત સદાચરણને [સારી આદતોને] બગાડે છે.” (૧ કોરીંથી ૧૫:૩૩) ઈસુએ પોતાના દોસ્તોને જણાવ્યું કે “તમે જગતના નથી.” (યોહાન ૧૫:૧૯) આપણે આ સિદ્ધાંત શીખ્યા. એના પરથી આપણે તરત જ નક્કી કરી શકીએ છીએ કે વ્યભિચારી કે ચોર કે દારૂડિયાની દોસ્તી કરવી નહિ. (૧ કોરીંથી ૬:૯, ૧૦) જેમ જેમ બાઇબલનું જ્ઞાન દિલમાં ઊંડું ઊતરતું જશે, તેમ તેમ શું થશે? આપણે એ પણ પારખી શકીશું કે એવી વ્યક્તિની ફિલ્મો જોવી કે તેઓને ટીવી કે કૉમ્પ્યુટર પર જોવા કે તેઓ વિષે પુસ્તકો વાંચવાથી પણ આપણા પર એટલી જ અસર પડી શકે છે. એવી જ અસર ઇંટરનેટ ચેટ રૂમમાં “કપટીઓની સાથે” સોબત રાખવાથી થઈ શકે છે, જેઓ પોતે અસલમાં કોણ છે એ સંતાડે છે.—ગીતશાસ્ત્ર ૨૬:૪.

આજે ઘણા યહોવાહમાં માનતા નથી. પણ તેઓ બહુ સારા છે. તો તેઓની સોબત રાખવામાં કોઈ વાંધો ખરો? શાસ્ત્ર જણાવે છે: “આખું જગત તે દુષ્ટની સત્તામાં રહે છે.” (૧ યોહાન ૫:૧૯) બૂરી સોબત ફક્ત તેઓ જ નથી, જેઓ મન ફાવે તેમ જીવતા હોય કે ખરાબ હોય, પણ આખું જગત છે. માટે આપણે ફક્ત યહોવાહના ભક્તોની સાથે જ દોસ્તી રાખીએ, હળીએ-મળીએ. એમાં આપણું જ ભલું છે.

૧૦. દુનિયા સાથે કેટલો વહેવાર રાખવો, એ નિર્ણય સમજી-વિચારીને લેવા આપણને શામાંથી મદદ મળે છે?

૧૦ એવું શક્ય નથી કે આપણે દુનિયાની સાથે કોઈ વહેવાર જ ન રાખીએ. એવું જરૂરી પણ નથી. (યોહાન ૧૭:૧૫) આપણે પ્રચારમાં જઈએ, સ્કૂલે જઈએ કે નોકરી પર જઈએ, દુનિયા સાથે વહેવાર તો રાખવો જ પડે છે. જે ભાઈ-બહેનના લગ્‍નસાથી યહોવાહના ભક્ત ન હોય, તેઓને દુનિયા સાથે વધારે વહેવાર રાખવો પડે છે. પણ આપણું દિલ જો યહોવાહના શિક્ષણ પ્રમાણે ઘડેલું હશે, તો આપણે આ સારી રીતે સમજી શકીશું: યહોવાહના ભક્તો નથી એવા લોકો સાથે જરૂરી વહેવાર રાખવો પડે, એ એક વાત છે. પણ તેઓ સાથે ઘર જેવો સંબંધ રાખવો એ જુદી જ વાત છે. (યાકૂબ ૪:૪) એટલે સ્કૂલમાં જે વધારાના કોર્સ કે સ્પોર્ટ્‌સ કે નાચ-ગાનના પ્રોગ્રામ થતા હોય, કે પછી નોકરી-ધંધામાં, જોબ પર સ્ટાફની પાર્ટી હોય. આપણે એમાં જવું કે કેમ, એ નિર્ણય આપણે સારી રીતે સમજી-વિચારીને લેવો જોઈએ.

હું કેવી નોકરી પસંદ કરું છું?

૧૧. રોજી-રોટી કમાવા કેવું કામ કરવું એનો નિર્ણય લેતા પહેલાં, શાનો વિચાર કરવો જોઈએ?

૧૧ આપણે ‘આપણા કુટુંબની સંભાળ રાખવી’ જોઈએ. (૧ તીમોથી ૫:૮) રોજી-રોટી કમાવા માટે કેવો વેપાર-ધંધો કે નોકરી કરવી? એનો સમજી-વિચારીને નિર્ણય લેવા માટે પણ બાઇબલના સિદ્ધાંતો મદદ કરે છે. પહેલા તો વિચારો કે એ કામમાં શું કરવું પડશે. બાઇબલ જેની ચોખ્ખી મનાઈ કરે છે, એવું કંઈ પણ કરીએ તે ખોટું કહેવાય. એટલે કે કોઈ પણ રીતે મૂર્તિપૂજા કે ચોરી થતી હોય. લોહી વપરાતું હોય કે એનાં જેવાં બીજાં કામો થતાં હોય. એવાં કામો યહોવાહના ભક્તો નથી કરતા. ભલે નોકરી પર આપણા બૉસ કહે તોપણ, આપણે જૂઠું નથી બોલતા કે કોઈને છેતરતા નથી.—પ્રેરિતોનાં કૃત્યો ૧૫:૨૯; પ્રકટીકરણ ૨૧:૮.

૧૨, ૧૩. રોજી-રોટી કમાવા માટે કામ સિવાય બીજી કઈ મહત્ત્વની બાબતોનો નિર્ણય લેવાનો હોય છે?

૧૨ આપણી નોકરી એવી હોય જેમાં બાઇબલના નિયમો તોડવાનો સવાલ ન હોય તો શું? આપણું દિલ બાઇબલથી ઘડાતું જશે, તેમ એ આપણને નોકરી પર જુદા જુદા સંજોગોમાં સારા નિર્ણયો લેવા મદદ કરશે. પણ એવું કંઈ કામ હોય, જે બાઇબલના સિદ્ધાંતો વિરુદ્ધ હોય, તો શું? જેમ કે, સટ્ટો રમતા બુકીઓ માટે ફોન લાઇન પર કામ કરવાનું હોય. એ પણ વિચારવું પડે કે નોકરી ક્યાં છે, પગાર કોણ ચૂકવે છે? જો તમે પોતે જ કૉન્ટ્રૅક્ટર હોવ, તો શું સામે ચાલીને ચર્ચ પેઇન્ટ કરવાનું કામ મેળવવા ફાંફાં મારશો? અને એ રીતે શું જૂઠા ધર્મને સાથ આપશો?—૨ કોરીંથી ૬:૧૪-૧૬.

૧૩ કોઈ વાર આપણો બૉસ જો એવા કામનો કૉન્ટ્રૅક્ટ લે, જેમાં જૂઠી ભક્તિ માટે વપરાતી બિલ્ડિંગ પેઇન્ટ કરવાની હોય, તો શું? આવા કિસ્સામાં, એ વિચારીએ કે એ કૉન્ટ્રૅક્ટની જવાબદારી કોની છે? બાઇબલના કોઈ નિયમ તૂટતા ન હોય એવા કામ વિષે શું? જેમ કે પોસ્ટમૅન કે ટપાલી, બધે જ પત્રો લઈ જાય છે. એમાં એવી જગ્યાઓ પણ હોઈ શકે, જેમાં ખોટાં કામો થતા હોય. અહીં માત્થી ૫:૪૫ના સિદ્ધાંતનો વિચાર કરીને, નિર્ણય લઈ શકાય. પણ એ ધ્યાન રાખવું જોઈએ કે દરરોજ એવું કોઈ પણ કામ કરવાથી, આપણા દિલો-દિમાગ પર કેવી અસર થશે? (હેબ્રી ૧૩:૧૮) સાચે જ, રોજી-રોટી કમાવા કેવું કામ કરવું, એ બાબતે આપણે પોતે સમજી-વિચારીને નિર્ણય લેવો પડે છે. એ માટે યહોવાહના શિક્ષણ પ્રમાણે આપણું દિલ ઘડવું પડે છે, તેજ બનાવવું પડે છે.

‘તારા સર્વ માર્ગોમાં તેની આણ કે આજ્ઞા સ્વીકાર’

૧૪. કોઈ પણ નિર્ણય લેતા પહેલાં શું કરવું જોઈએ?

૧૪ જીવનની બીજી કોઈ બાબતોમાં નિર્ણય લેવાનો આવે ત્યારે શું? જેમ કે, આગળ ભણવું કે નહિ? અથવા અમુક મેડિકલ સારવાર લેવી કે નહિ? કોઈ પણ નિર્ણય લેતી વખતે, આપણે એ વિષેના બાઇબલના સિદ્ધાંતો પર વિચાર કરવો જોઈએ. પછી, સમજી-વિચારીને નિર્ણય લેવો જોઈએ. જૂના જમાનાના ઈસ્રાએલનો રાજા સુલેમાન જણાવે છે કે “તારા ખરા હૃદયથી યહોવાહ પર ભરોસો રાખ, અને તારી પોતાની જ અક્કલ પર આધાર ન રાખ. તારા સર્વ માર્ગોમાં તેની આણ [આજ્ઞા] સ્વીકાર, એટલે તે તારા રસ્તાઓ પાધરા [સફળ] કરશે.”—નીતિવચનો ૩:૫, ૬.

૧૫. પહેલી સદીના ઈશ્વરભક્તો પાસેથી આપણે શું શીખીએ છીએ?

૧૫ આપણે ભૂલી ન જઈએ કે આપણા નિર્ણયોની બીજા પર અસર પડે છે. પહેલી સદીના ઈશ્વરભક્તોનો વિચાર કરો. તેઓએ મુસાને આપેલા નિયમો પાળવાના ન હતા કે આ ખાવું અને પેલું ન ખાવું. તેઓ ધારે તો મુસાના નિયમોમાં જે ખોરાકની મનાઈ હતી, જેને અશુદ્ધ ગણવામાં આવતો, એ હવે ખાઈ શકતા હતા. પણ ઈશ્વરભક્ત પાઊલે એ વિષે લખ્યું. સવાલ એવા માંસ વિષેનો હતો, જે અમુકના માનવા પ્રમાણે મૂર્તિને ચડાવવામાં આવ્યું હતું. પાઊલે સલાહ આપી કે “જો ખાવાની વસ્તુથી મારો ભાઈ ઠોકર ખાય, તો મારો ભાઈ ઠોકર ન ખાય એ માટે હું કદી પણ માંસ નહિ ખાઉં.” (૧ કોરીંથી ૮:૧૧-૧૩) પાઊલ ભાઈ-બહેનોને કહેવા માંગતા હતા કે બીજાનું દિલ ડંખે એવું કંઈ ન કરો. આપણા કોઈ પણ નિર્ણયથી કોઈ “ઠોકર ખાય” એવું ન કરીએ.—૧ કોરીંથી ૧૦:૨૯, ૩૨.

યહોવાહના માર્ગે ચાલીએ

૧૬. પ્રાર્થના આપણને નિર્ણયો લેવા કઈ રીતે મદદ કરી શકે?

૧૬ નિર્ણયો લેવા માટે પ્રાર્થના પણ ઘણી જ મદદ કરે છે. ઈશ્વરભક્ત યાકૂબે જણાવ્યું કે “તમારામાંનો જો કોઈ જ્ઞાનમાં અપૂર્ણ હોય, તો દેવ જે સર્વને ઉદારતાથી આપે છે, ને ઠપકો આપતો નથી, તેની પાસેથી તે માગે; એટલે તેને તે આપવામાં આવશે.” (યાકૂબ ૧:૫) આપણે પૂરી શ્રદ્ધાથી યહોવાહને પ્રાર્થના કરીએ. તે ચોક્કસ આપણને યોગ્ય નિર્ણયો લેવા જરૂરી સૂઝ-સમજ આપશે. કેવી રીતે? માનો કે અમુક બાબત વિષે યહોવાહને પ્રાર્થના કરીએ. એ માટે જે શાસ્ત્રવચનો આપણે વાંચતા હોઈશું, એ સારી રીતે સમજવા યહોવાહ પોતાની શક્તિ, એટલે કે પવિત્ર આત્માથી મદદ કરી શકે. અથવા તો બીજી કલમો યાદ કરાવી શકે, જે આપણે ભૂલી ગયા હોઈએ.

૧૭. નિર્ણય લેવા માટે આપણા ભાઈ-બહેનો કઈ રીતે મદદ કરી શકે?

૧૭ શું બીજા ભાઈ-બહેનો મદદ કરી શકે? હા, ચોક્કસ. યહોવાહના મંડળમાં અનુભવી ભાઈ-બહેનો હોય છે. (એફેસી ૪:૧૧, ૧૨) આપણે નિર્ણય લેવા, ખાસ કરીને કોઈ મહત્ત્વનો નિર્ણય લેવા તેઓની સલાહ માંગી શકીએ. યહોવાહના મૂળ શિક્ષણને તેઓ સારી રીતે સમજી શકે છે. તેઓને જીવનનો વધારે અનુભવ હોય છે. એટલે તેઓ આપણને હજુ એવા બીજા સિદ્ધાંતો જણાવી શકે, જેનાથી આપણને વધારે મદદ મળી શકે. પછી આપણે ‘જે શ્રેષ્ઠ છે તે પારખીને’ યોગ્ય નિર્ણય લઈ શકીએ. (ફિલિપી ૧:૯, ૧૦) તોપણ, એક વાત આપણે ન ભૂલીએ: આખરે તો આપણે પોતે નિર્ણય લેવાનો છે, કોઈ બીજાએ નહિ. નિર્ણય લેવાની એ જવાબદારી આપણી પોતાની છે.

હંમેશાં ભલું જ થશે?

૧૮. યોગ્ય નિર્ણય લેવાથી શું થઈ શકે?

૧૮ આપણે કોઈ પણ નિર્ણય લેતા પહેલાં, બાઇબલના સિદ્ધાંતો વિચારીએ. પછી સમજી-વિચારીને નિર્ણય લઈએ. તો શું હંમેશાં આપણું ભલું થશે? હા. ભલે કદાચ તરત જ આપણું નુકસાન થતું દેખાય, પણ સમય જતાં આપણે એના આશીર્વાદ જોઈ શકીશું. શાદ્રાખ, મેશાખ અને અબેદનગોનો કિસ્સો વિચારો. તેઓને ખબર હતી કે મૂર્તિને નહિ ભજવાનો અંજામ મોત આવી શકે. (દાનીયેલ ૩:૧૬-૧૯) પહેલી સદીમાં ઈશ્વરભક્તોએ યહુદી પંચ સામે હિંમતથી નિર્ણય કર્યો કે તેઓ માણસ કરતાં ઈશ્વરનું વધારે માનશે. એને લીધે તેઓને માર મારવામાં આવ્યો, પછી છોડ્યા. (પ્રેરિતોનાં કૃત્યો ૫:૨૭-૨૯, ૪૦) સાથે સાથે કોઈ પણ નિર્ણય પર ‘સમય અને સંજોગની’ ખરાબ અસર થઈ શકે છે. (સભાશિક્ષક ૯:૧૧, કોમન લેંગ્વેજ) આપણે યોગ્ય નિર્ણય લીધો હોય તોપણ, મુશ્કેલી આવી પડે તો શું? તો આપણે પૂરો ભરોસો રાખીએ કે યહોવાહ આપણને એ સહન કરવા મદદ કરશે. જલદી જ, એ યોગ્ય નિર્ણયના આશીર્વાદ પણ આપશે.—૨ કોરીંથી ૪:૭.

૧૯. આપણે કઈ રીતે નિર્ણય કરવાની આપણી જવાબદારી ઉપાડી શકીએ?

૧૯ ચાલો કોઈ પણ નિર્ણય લેતા પહેલાં, આપણે બાઇબલના સિદ્ધાંતો પર વિચાર કરીએ. સમજી-વિચારીને નિર્ણય લઈએ. કેવું સારું છે કે આપણને મદદ કરવા યહોવાહ પોતાની શક્તિ આપે છે. મંડળમાં અનુભવી ભાઈ-બહેનો પણ છે. આવી મદદ લઈને, આપણે આપણી જવાબદારી પૂરી કરતા ગભરાઈએ નહિ. આપણે પોતે પોતાના નિર્ણયો લઈએ! (w06 3/15)

આપણે શું શીખ્યા?

• યોગ્ય નિર્ણયો લેવા માટે ખાસ શાની જરૂર છે?

• બાઇબલનું શિક્ષણ સારી રીતે પચાવ્યું હશે તો, સોબતની પસંદગી કરવા કઈ રીતે મદદ મળશે?

• કેવો નોકરી-ધંધો કરવો એની પસંદગી કરતી વખતે, ખાસ કઈ બાબતોનો વિચાર કરવો જોઈએ?

• યોગ્ય નિર્ણયો લેવા આપણને કેવી મદદ મળી શકે છે?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૮ પર ચિત્ર]

આદમ-હવાએ ઈશ્વરની આજ્ઞા તોડી, એ આપણને સબક શીખવે છે

[પાન ૧૦ પર ચિત્ર]

કોઈ પણ મહત્ત્વનો નિર્ણય લેતા પહેલાં, જુઓ કે યહોવાહ શું કહે છે