સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઈસુની જેમ ગરીબોને મદદ કરો

ઈસુની જેમ ગરીબોને મદદ કરો

ઈસુની જેમ ગરીબોને મદદ કરો

ઇન્સાન પેદા થયો ત્યારથી જ તે ગરીબી અને જુલમ સહેતો આવ્યો છે. પરંતુ ઈશ્વરને એ પસંદ ન હતું. તેમણે ઈઝરાયેલી પ્રજાને નિયમ આપ્યો હતો: ગરીબ અને નિરાધારનું ધ્યાન રાખજો. તોપણ તેઓએ કાયમ એમ કર્યું નહિ. (આમોસ ૨:૬) ઈઝરાયેલીઓ ગરીબો પર દયા રાખતા ન હતા. એટલે ઈશ્વરે તેમના ભક્ત હઝકીએલ દ્વારા તેઓને ઠપકો આપ્યો: ‘ઈઝરાયેલી લોકોએ જુલમ ગુજાર્યો છે, ને લૂંટ કરી છે; હા, તેઓએ ગરીબોને તથા કંગાલોને હેરાન કર્યા છે, ને પરદેશીઓ ઉપર નાહક જુલમ ગુજાર્યો છે.’—હઝકીએલ ૨૨:૨૯.

એના ઘણા વર્ષો પછી ઈસુ પૃથ્વી પર આવ્યા. ત્યારે પણ ગરીબી હતી. લોકો જુલમ કરતા હતા. એ સમયના યહુદી ધર્મગુરુઓ પણ ગરીબ અને નિરાધાર લોકોનો ફાયદો ઉઠાવતા હતા. બાઇબલ કહે છે કે તેઓ “દ્રવ્યલોભી” કે પૈસાના પ્રેમી હતા. અરે, ‘વિધવાઓનાં ઘર ખાઈ જતા.’ ઘરડા કે ગરીબને મદદ કરવાને બદલે તેઓ પોતાના રીતરિવાજોને વળગી રહેતા. (લુક ૧૬:૧૪; ૨૦:૪૭; માત્થી ૧૫:૫, ૬) ઈસુએ એક વાર ઉપદેશ આપતાં સમરૂની, યહુદી ધર્મગુરુ, અને એક લેવી ગુરુની વાર્તા કહી હતી. એ વાર્તામાં રસ્તા પર એક ઘાયલ માણસ પડ્યો હતો. તેને જોઈને યહુદી ધર્મગુરુ અને લેવી ગુરુ રસ્તો ઓળંગીને ચાલ્યા ગયા. જ્યારે કે સમરૂનીએ તે માણસને મદદ કરી.—લુક ૧૦:૩૦-૩૭.

ઈસુએ ગરીબોને મદદ

બાઇબલમાં માત્થી, માર્ક, લુક અને યોહાન નામના પુસ્તકમાં ઈસુની જીવનકથા છે. એ બતાવે છે કે ઈસુએ પૃથ્વી પર જન્મ લીધો એ પહેલા સ્વર્ગમાં હતા. તે પૃથ્વી પર મનુષ્ય તરીકે જન્મ્યા. એ પણ ગરીબ કુટુંબમાં. એટલે ગરીબ પર શું શું વીતે છે એ તે સારી રીતે જાણતા હતા. તેથી ઈસુ તેઓ સાથે પ્રેમથી વર્તતા. (૨ કોરીંથી ૮:૯) “લોકોને જોઈને તેને [ઈસુને] તેઓ પર દયા આવી; કેમ કે તેઓ પાળક વગરનાં ઘેટાંના જેવા હેરાન થયેલા તથા વેરાઈ ગયેલા હતા.” (માત્થી ૯:૩૬) બાઇબલમાં એક ગરીબ વિધવાનો અહેવાલ છે. તે વખતે અમીર લોકોએ મંદિરમાં ઘણું દાન કર્યું. પણ તે વિધવાએ મંદિરમાં જઈને તેની પાસે જેટલા પૈસા હતા, એ બધા દાનમાં નાંખી દીધા. એ જોઈને ઈસુના દિલ પર ઊંડી અસર થઈ.—લુક ૨૧:૪.

ગરીબ અને દુખિયારા લોકો પર ઈસુને ખૂબ જ દયા આવતી. તેમણે તેઓને મદદ પણ કરી. ઈસુ અને તેમના શિષ્યો પાસે અમુક ફંડ હતું. એમાંથી તેઓ ગરીબ ઈઝરાયલીઓને મદદ કરતા હતા. (માત્થી ૨૬:૬-૯; યોહાન ૧૨:૫-૮; ૧૩:૨૯) જેઓ ઈસુના શિષ્યો બનવા ચાહતા હતા તેઓને ઈસુએ ઉત્તેજન આપ્યું કે ગરીબોને મદદ કરવી એ તેઓની ફરજ છે. તેમણે એક યુવાન અધિકારીને કહ્યું: “તારું જે છે તે બધું વેચી નાખીને, તે દરિદ્રીઓને આપી દે, અને આકાશમાં તને દ્રવ્ય મળશે; અને પછી મારી પાછળ ચાલ.” તે યુવાન એમ કરવા ચાહતો ન હતો. ઈશ્વર અને માણસો કરતાં તેને પોતાની મિલકત વધારે વહાલી હતી. એ બતાવે છે કે ઈસુના શિષ્ય બનવા માટે તેની પાસે યોગ્ય ગુણો ન હતા.—લુક ૧૮:૨૨-૨૩.

ગરીબોને જોઈને ઈસુના શિષ્યોનું હૈયું વીંધાય છે

ઈસુના મરણ પછી તેમના શિષ્યો પણ ગરીબોને મદદ કરતા. તેઓમાંથી એક પાઊલ હતા. તે ૪૯મી સાલમાં ઈસુના બીજા શિષ્યો, યાકૂબ, પીતર, અને યોહાનને મળ્યા. પાઊલે તેઓને જણાવ્યું કે ઈસુએ મને ઈશ્વરના રાજ્ય વિષે ‘વિદેશીઓને’ એટલે બીજા દેશોના લોકોને પણ પ્રચાર કરવાનું કામ સોંપ્યું છે. તેઓ પાઊલની સાથે સહમત થયા અને તેમની સાથે બાર્નાબાસને પણ મોકલ્યા. તેઓએ પાઊલ અને બાર્નાબાસને યાદ કરાવ્યું કે ‘દરિદ્રીઓની સંભાર’ રાખજો. પાઊલ પણ ‘એ કામ કરવા આતુર હતા.’—ગલાતી ૨:૭-૧૦.

પહેલી સદીમાં ક્લોદિયસ રોમન રાજ્યનો રાજા હતો. તેના રાજ્યના અનેક દેશોમાં ભારે દુકાળ પડ્યો હતો. ત્યારે અંત્યોખમાં રહેતા ખ્રિસ્તીઓએ તેઓના ખ્રિસ્તી ભાઈ-બહેનોને મદદ કરવા આ ગોઠવણ કરી: “આપણામાંના દરેક માણસે પોતપોતાની શક્તિ પ્રમાણે યહૂદિયામાં રહેનાર ભાઈઓને કંઈક મદદ મોકલવી. તેઓએ તેમ કર્યું, અને બાર્નાબાસ તથા શાઊલની હસ્તક વડીલો પર તે મોકલી.”—પ્રેરિતોનાં કૃત્યો ૧૧:૨૮-૩૦.

તેઓની જેમ આજે યહોવાહના સાક્ષીઓ પણ પોતાની જવાબદારી સમજે છે. તેઓ જાણે છે કે ગરીબ, નિરાધાર લોકોને અને બીજા ખ્રિસ્તીઓને મદદ કરવી જોઈએ. (ગલાતી ૬:૧૦) તેથી તેઓમાં ગરીબ અને લાચાર છે એવા લોકોની કાયમ ચિંતા કરતા રહે છે. દાખલા તરીકે, ૧૯૯૮માં ઉત્તર બ્રાઝિલમાં ભારે દુકાળ પડ્યો હતો. વરસાદ પડ્યો ન હોવાથી ચોખા, વટાણા, અને મકાઈનો પાક નાશ પામ્યો હતો. પંદર વર્ષોમાં આવો દુકાળ ક્યારેય પડ્યો ન હતો. અરે, અમુક જગ્યાએ તો પીવાનું પાણી પણ મળતું ન હતું. ઉત્તર બ્રાઝિલમાં રહેતા યહોવાહના સાક્ષીઓને મદદ કરવા એ દેશના બીજા સાક્ષીઓએ શું કર્યું? તેઓએ તાત્કાલિક અમુક સહાય કમિટીની રચના કરી. અને તેઓએ થોડા જ સમયમાં મોટા પ્રમાણમાં અનાજ અને જરૂરી વસ્તુઓ ભેગી કરીને તેઓને મોકલી આપ્યા.

તેઓને મદદ આપતા સાક્ષીઓએ આમ લખ્યું: ‘અમારા વહાલા ભાઈ-બહેનોને, આ રીતે મદદ કરવાનો અમને ખૂબ જ આનંદ થાય છે. અમને ખાતરી છે કે અમે જે કંઈ કર્યું, એ જોઈને યહોવાહ પરમેશ્વરને ચોક્કસ આનંદ થયો હશે. યાકૂબ ૨:૧૫, ૧૬ના શબ્દો અમે ભૂલ્યા નથી. જે કહે છે: “જો કોઈ ભાઈ અથવા બહેન ઉઘાડાં હોય અને તેમને રોજનો પૂરતો ખોરાક ન હોય, અને તમારામાંનો કોઈ તેઓને કહે કે, શાંતિથી જાઓ, તાપો, અને તૃપ્ત થાઓ; તોપણ શરીરને જે જોઈએ તે જો તમે તેઓને ન આપો, તો તેથી શો લાભ થાય?”’

સાઓ પાઊલો શહેરમાં યહોવાહના સાક્ષીઓના અનેક મંડળો છે. એમાંના એક મંડળમાં એક ગરીબ બહેન છે. તે રોજી-રોટી મેળવવા કાળી મજૂરી કરે છે. તોપણ યહોવાહની સેવામાં તે બહુ ઉત્સાહી છે. તે કહે છે: “હું ગરીબ છું. પણ બાઇબલમાંથી જે શીખી એનાથી મને જીવવાનું સારું કારણ મળ્યું છે. જો ભાઈ-બહેનોએ મને મદદ ન કરી હોત તો, ખબર નથી કે મારું શું થાત.” થોડાં વર્ષો પહેલાં આ બહેનને સર્જરી કરાવવાની જરૂર પડી. પણ તેમની પાસે પૈસા ન હતા. ત્યારે તેમના મંડળના ભાઈ-બહેનોએ ભેગા થઈને તેમની સારવારનો ખર્ચો ઉપાડ્યો હતો. આ રીતે આખી દુનિયામાં યહોવાહના સાક્ષીઓ એક બીજાને મદદ કરતા રહે છે.

આવા તો ઘણા અનુભવો છે. તોપણ એક કડવું સત્ય એ છે કે કોઈ પણ માણસ ગરીબી દૂર કરી શકતો નથી. એનો અર્થ એ નથી કે મોટી મોટી સરકારો અને ચૅરિટીએ કશું જ કર્યું નથી. તેઓએ ઘણું કર્યું છે. તોપણ તેઓ સદીઓથી પુરાતન દુશ્મન, ગરીબીને દફનાવી શક્યા નથી. તેથી સવાલ થાય છે કે મનુષ્ય પર આવતી તકલીફો અને ગરીબીને જડમૂળથી કાઢી નાખવાનો શું કોઈની પાસે ઇલાજ છે?

બાઇબલનું સત્ય, એકમાત્ર ઉકેલ

બાઇબલના માત્થી, માર્ક, લુક અને યોહાનનું પુસ્તક બતાવે છે કે ઈસુએ ગરીબ અને નિરાધાર લોકોને ઘણી વાર મદદ કરી હતી. (માત્થી ૧૪:૧૪-૨૧) એ સિવાય પણ તેમની પાસે એક મહત્ત્વનું કામ હતું. એક વાર દુખિયારાઓને મદદ કર્યા પછી ઈસુએ તેમના શિષ્યોને કહ્યું: “આપણે પાસેનાં ગામોમાં જઈએ કે, હું ત્યાં પણ ઉપદેશ કરું.” સવાલ થાય કે બીમાર અને દુખિયારાઓને મદદ આપવાનું છોડીને ઈસુ કેમ ઉપદેશ કરવા લાગ્યા? તે કહે છે: “કેમ કે એ જ માટે હું આવ્યો છું.” (માર્ક ૧:૩૮, ૩૯; લુક ૪:૪૩) લોકોને મદદ કરીને તેઓનું ભલું કરવું એ ઈસુ માટે મહત્ત્વનું તો હતું. તોપણ એના કરતાં વધારે મહત્ત્વનું તો, ઈશ્વરના રાજ્યનો પ્રચાર કરવાનો હતો.—માર્ક ૧:૧૪.

તેથી બાઇબલ દરેક ખ્રિસ્તીઓને ‘ઈસુને પગલે ચાલવાનો’ આગ્રહ કરે છે. ગરીબોને મદદ કરવાની વાત આવે છે ત્યારે બાઇબલ આપણને સલાહ આપે છે કે પોતાના જીવનમાં સૌથી મહત્ત્વનું શું હોવું જોઈએ. (૧ પીતર ૨:૨૧) ઈસુની જેમ યહોવાહના સાક્ષીઓ પણ આજે ગરીબ લોકોને મદદ કરી રહ્યાં છે. એ ઉપરાંત તેઓ લોકોને બાઇબલમાંથી ઈશ્વરના રાજ્યનો શુભસંદેશો શીખવે છે. તેઓના જીવનમાં એ સૌથી મહત્ત્વનું કામ છે. (માત્થી ૫:૧૪-૧૬; ૨૪:૧૪; ૨૮:૧૯, ૨૦) સવાલ થાય કે લોકોને મદદ આપવા કરતાં, બાઇબલનું સત્ય શીખવવું કેમ એટલું મહત્ત્વનું છે?

આખી દુનિયામાંથી આવતા અનુભવો બતાવે છે કે લોકો બાઇબલનું સત્ય શીખ્યા પછી જીવનની મુશ્કેલીઓ, અરે ગરીબીનો સારી રીતે સામનો કરી શકે છે. આજે યહોવાહના સાક્ષીઓ ઈશ્વરના રાજ્ય વિષે બાઇબલમાંથી પ્રચાર કરે છે. એ વિષે શીખવાથી લોકોનું જીવન ખુશીઓથી ભરાઈ જાય છે. તેઓના જીવનમાં ગમે તેવા દુઃખ તકલીફો આવે તોપણ, તેઓ પાસે ભાવિ માટે એક સોનેરી આશા છે. (૧ તીમોથી ૪:૮) એ શું છે?

ઈશ્વરે બાઇબલમાં ભાવિ વિષે આપણને ખાતરી આપી છે: “આપણે તેના [યહોવાહના] વચન પ્રમાણે નવાં આકાશ તથા નવી પૃથ્વી જેમાં ન્યાયીપણું વસે છે, તેની વાટ જોઈએ છીએ.” (૨ પીતર ૩:૧૩) બાઇબલ ઘણી વાર ‘પૃથ્વી’ વિષે વાત કરે છે ત્યારે એ પૃથ્વી પર રહેતા લોકોની વાત કરે છે. (ઉત્પત્તિ ૧૧:૧) યહોવાહનું વચન છે કે તેમની સરકાર ન્યાયી સમાજ પર રાજ કરશે. બાઇબલમાં આ સમાજને ‘નવી પૃથ્વી’ કહેવામાં આવે છે. બાઇબલ એમ પણ કહે છે એ સરકારના રાજા ઈસુ છે. યહોવાહ વચન આપે છે કે તેમની નજરમાં જે ન્યાયી છે, તેઓને તે સ્વર્ગ જેવી પૃથ્વી પર કાયમ જીવવા આપશે. જ્યાં તેઓ ખાશે-પીશે ને રાજ કરશે. (માર્ક ૧૦:૩૦) એ આશીર્વાદ કોણ પામી શકે? આપણે બધા જ. ગરીબો પણ. એ ‘નવી પૃથ્વીમાં’ કોઈ કદી ગરીબ થશે જ નહિ. (w06 5/1)

[પાન ૭ પર બોક્સ/ચિત્ર]

ઈસુ લોકોને ગરીબીમાંથી કેવી રીતે “છોડાવશે”?—ગીતશાસ્ત્ર ૭૨:૧૨

ઇન્સાફ: “તે લોકોમાંના દીનોનો ન્યાય કરશે, તે દરિદ્રીઓના દીકરાઓને તારશે, અને જુલમગારને છૂંદી નાખશે.” (ગીતશાસ્ત્ર ૭૨:૪) આજે ભ્રષ્ટાચારના લીધે દેશો ગરીબ બની જાય છે. પણ ઈસુના રાજમાં બધાને ઇન્સાફ મળશે. કેમ કે ભ્રષ્ટાચાર નહિ હોય.

શાંતિ: “તેના દિવસોમાં ન્યાયીઓ ખીલશે; અને ચંદ્ર જતો રહેશે, ત્યાં સુધી શાંતિ પુષ્કળ થશે.” (ગીતશાસ્ત્ર ૭૨:૭) આજે દુનિયામાં મોટા ભાગની ગરીબી લડાઈના કારણે આવે છે. પણ ઈસુના રાજમાં એકદમ શાંતિ હશે. દુનિયામાં લડાઈ-ઝગડા નહિ હોય, તો ગરીબી ક્યાંથી હશે!

દયા: ‘તે અબળ તથા દરિદ્રી ઉપર દયા કરશે, તે દરિદ્રીઓનું તારણ કરશે. જુલમ તથા બળાત્કારમાંથી તે તેઓને છોડાવશે; તેની દૃષ્ટિમાં તેઓનું રક્ત મૂલ્યવાન થશે.’ (ગીતશાસ્ત્ર ૭૨:૧૨-૧૪) જેઓને આ દુનિયામાં જુલમ સહેવો પડ્યો છે, તેઓ ઈસુ ખ્રિસ્તના રાજમાં સંપથી એક કુટુંબ તરીકે રહેશે.

ગરીબી નહિ હોય: ‘પૃથ્વી પર પુષ્કળ ધાન પાકશે.’ (ગીતશાસ્ત્ર ૭૨:૧૬) ઈસુના રાજમાં બધા પાસે પૂરતી ચીજ-વસ્તુઓ હશે. આજે ઘણા દેશોમાં દુકાળના કારણે લોકો ભૂખે ટળવળે છે. એવું ઈસુના રાજમાં ક્યારેય બનશે નહિ.

[પાન ૫ પર ચિત્ર]

ઈસુ પોતે ગરીબ લોકોને મદદ કરતા

[પાન ૬ પર ચિત્ર]

બાઇબલનો સંદેશો સુખી જીવનની આશા આપે છે