સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ખ્રિસ્ત રાજા હોવાથી તેમને વફાદાર રહીએ

ખ્રિસ્ત રાજા હોવાથી તેમને વફાદાર રહીએ

ખ્રિસ્ત રાજા હોવાથી તેમને વફાદાર રહીએ

“તેને [ખ્રિસ્તને] સત્તા, મહિમા તથા રાજ્ય આપવામાં આવ્યાં કે, જેથી બધા લોકો, પ્રજાઓ તથા સર્વ ભાષાઓ બોલનાર માણસો તેના તાબેદાર થાય.”—દાનીયેલ ૭:૧૪.

૧, ૨. આપણે કઈ રીતે કહી શકીએ કે ૩૩ની સાલમાં ઈસુ ખ્રિસ્ત સ્વર્ગમાં પૂરેપૂરી રીતે રાજ કરતા ન હતા?

 શું તમે એવા કોઈ રાજાને ઓળખો છો જે પોતાની પ્રજા માટે સ્વર્ગ છોડીને પૃથ્વી પર આવ્યા હોય? તેમણે પ્રજાને ભરોસો બંધાવ્યો હોય, જેથી તેઓ તેમને વફાદાર રહે? અરે, તેઓ માટે મરણ પામ્યા હોય? મરણમાંથી પાછા જીવતા થયા હોય? જીવતા થયા પછી પાછા સ્વર્ગમાં ગયા હોય? ત્યાંથી પોતાની પ્રજા પર ફરી રાજ કરતા હોય? થોડામાં બતાવ્યું હોય કે પોતાની પ્રજા માટે તે હજી શું કરવાના છે? એવું તો ફક્ત એક જ રાજા કરી શકે. કોણ? ઈસુ ખ્રિસ્ત! (લુક ૧:૩૨, ૩૩) ઈસુને મારી નાખવામાં આવ્યા, ત્રીજે દિવસે યહોવાહે તેમને સજીવન કર્યા ને પછી તે પાછા સ્વર્ગમાં ગયા. એ પછી પેન્તેકોસ્તને દિવસે ઈસવીસન ૩૩માં યહોવાહે ‘તેમને સર્વ મંડળીના શિર બનાવ્યા.’ (એફેસી ૧:૨૦-૨૨; પ્રેરિતોનાં કૃત્યો ૨:૩૨-૩૬) યહોવાહે પોતાની પવિત્ર શક્તિથી ખ્રિસ્તીઓમાંથી અમુકને અભિષિક્ત કર્યા છે. ઈસુ સ્વર્ગમાં ગયા પછી તે અમુક અંશે રાજ કરવા લાગ્યા. તે યહોવાહે અભિષિક્ત કરેલા ખ્રિસ્તીઓ પર રાજ કરવા લાગ્યા. આમ તેઓ “દેવના ઈસ્રાએલ” બન્યા.—ગલાતી ૬:૧૬; કોલોસી ૧:૧૩.

પેન્તેકોસ્ત ૩૩ના આશરે ત્રીસેક વર્ષ પછી પ્રેરિત પાઊલે લખીને જણાવ્યું કે ઈસુ ખ્રિસ્ત સ્વર્ગમાં પૂરેપૂરી રીતે હજી રાજ કરતા નથી. પણ તે “દેવની જમણી તરફ બિરાજેલો છે; અને હવે પછી તેના વૈરીઓને તેનું પાદાસન કરવામાં આવે ત્યાં સુધી તે વાટ જુએ છે.” (હેબ્રી ૧૦:૧૨, ૧૩) પહેલી સદીના લગભગ અંતમાં પ્રેરિત યોહાનને તેમના ઘડપણમાં સ્વર્ગનું દર્શન થયું. તેમણે જોયું કે વિશ્વના રાજા યહોવાહે નવી સરકાર ઊભી કરીને ઈસુ ખ્રિસ્તને એના રાજા બનાવ્યા છે. (પ્રકટીકરણ ૧૧:૧૫; ૧૨:૧-૫) આપણી પાસે એના આજે પૂરતા પુરાવા છે કે ૧૯૧૪માં, ઈસુ ખ્રિસ્ત સ્વર્ગમાં યહોવાહની સરકારના રાજા બન્યા છે. તેમણે રાજાની જવાબદારી ઉપાડી લીધી છે. *

૩. (ક) ૧૯૧૪થી ઈશ્વરના રાજ્યના પ્રચારમાં કયું નવું પાસું ઉમેરવામાં આવ્યું? (ખ) આપણે પોતાને કયા પ્રશ્ન પૂછવા જોઈએ?

૧૯૧૪થી ઈશ્વરના રાજ્યના પ્રચારમાં આનંદભર્યું નવું પાસું ઉમેરવામાં આવ્યું. એ શું છે? એ જ કે ઈસુ સ્વર્ગમાં ઈશ્વરના રાજ્યના રાજા બન્યા. અને તેમના “શત્રુઓ ઉપર રાજ” કરે છે. (ગીતશાસ્ત્ર ૧૧૦:૧, ૨; માત્થી ૨૪:૧૪; પ્રકટીકરણ ૧૨:૭-૧૨) વધુમાં, દુનિયા ફરતે તેમની વફાદાર પ્રજા પણ રાજીખુશીથી બધા લોકોને બાઇબલમાંથી શીખવી રહી છે, જેથી તેઓ પણ એ રાજ્યની પ્રજા બને. અરે, આવું કામ તો ઇતિહાસમાં કદી થયું નથી. (દાનીયેલ ૭:૧૩, ૧૪; માત્થી ૨૮:૧૮) ઈશ્વરે પોતાની પવિત્ર શક્તિથી ખ્રિસ્તીઓમાંથી અમુકને અભિષિક્ત કર્યા છે. આમ તેઓ ઈશ્વરના રાજ્યનાં “છૈયાં” કે પ્રજા બન્યા. હવે તેઓ “ખ્રિસ્તના એલચી” કે ઍમ્બેસૅડર તરીકે સેવા આપી રહ્યા છે. તેઓની સાથે ઈસુનાં “બીજાં ઘેટાં પણ છે.” જેઓ તન-મનથી ઈશ્વરના રાજ્યના પ્રતિનિધિ તરીકે સેવા આપે છે. (માત્થી ૧૩:૩૮; ૨ કોરીંથી ૫:૨૦; યોહાન ૧૦:૧૬) તોપણ દરેકે પોતાને પૂછવું જોઈએ કે શું હું યહોવાના મનપસંદ રાજા ઈસુ ખ્રિસ્તના કહેવા પ્રમાણે જીવું છું? શું હું પૂરા દિલથી તેમને વફાદાર છું? સ્વર્ગમાંથી રાજ કરતા રાજાને આપણે વફાદાર છીએ એ કઈ રીતે બતાવી શકીએ? આ પ્રશ્નોની ચર્ચા કરતાં પહેલાં ચાલો જોઈએ કે ઈસુ ખ્રિસ્તને વફાદાર રહેવા આપણી પાસે કયા કારણો છે.

પ્રજાને રાજાના ગુણો ગમવાથી તેમને વફાદાર છે

૪. ઈસુ પૃથ્વી પર હતા ત્યારે તેમણે કઈ રીતે બતાવી આપ્યું કે પોતે રાજા બનશે ત્યારે શું કરશે?

ઈસુ ખ્રિસ્તે આપણા માટે જે કંઈ કર્યું છે અને હજી જે કરવાના છે એના માટે આપણને ઊંડી કદર હોવી જોઈએ. તો જ તેમને વફાદાર રહેવાનું આપણને મન થશે. (૧ પીતર ૧:૮) ઈસુ પૃથ્વી પર હતા ત્યારે તેમણે ભૂખ્યાને ખવડાવ્યું, બીમાર અને અપંગ લોકોને સાજા કર્યા. આંધળાને દેખતા કર્યા. બહેરાને સાંભળતા કર્યા. મૂંગાને બોલતા કર્યા. અરે, ગુજરી ગયેલાઓને પણ જીવતા કર્યા. તેમણે આ રીતે નાના પાયે બતાવ્યું હતું કે પોતે ઈશ્વરના રાજ્યના રાજા બનશે ત્યારે મનુષ્ય પર કેવા આશીર્વાદો વરસાવશે. (માત્થી ૧૫:૩૦, ૩૧; લુક ૭:૧૧-૧૬; યોહાન ૬:૫-૧૩) આપણે જાણવું જોઈએ કે ઈસુ પૃથ્વી પર હતા ત્યારે તેમણે કેવાં કામો કર્યાં હતાં. તે સ્વભાવે કેવા છે. ખાસ તો તેમણે કેવો નિઃસ્વાર્થ પ્રેમ બતાવ્યો છે. એ જાણવું ખૂબ જ મહત્ત્વનું છે. (માર્ક ૧:૪૦-૪૫) એના વિષે નેપોલિયન બોનાપાર્ટે કહ્યું: “કાઈસાર, ચાર્લમેગન, સિકંદર અને હું કઈ રીતે મોટું સામ્રાજ્ય ઊભું કરી શક્યા? બળજબરીથી. જ્યારે ઈસુ ખ્રિસ્ત એવા ન હતા. તે એકલા જ એવા હતા જેમણે પોતાનું રાજ્ય પ્રેમના પાયા પર ઊભું કર્યું હતું. એ જ કારણથી આજે પણ લાખો લોકો તેમના માટે મરવા રાજી છે.”

૫. બધાને કેમ ઈસુનો સ્વભાવ ગમતો હતો?

ઈસુ દીન અને નમ્ર સ્વભાવના હતા. એટલે જીવનના દબાણોથી થાકી ગયેલા લોકો તેમની પાસે દોડી જતા. લોકોને તેમના શિક્ષણ, બોધ અને પ્રેમથી તાજગી મળતી. (માત્થી ૧૧:૨૮-૩૦) અરે, બાળકોને પણ તેમની સાથે ખૂબ જ મજા આવતી. નમ્ર સ્વભાવના અને સમજુ પુરુષો હોંશે હોંશે તેમના શિષ્ય બનતા. (માત્થી ૪:૧૮-૨૨; માર્ક ૧૦:૧૩-૧૬) ઈસુ બધાની સાથે પ્રેમથી અને સમજી-વિચારીને વર્તતા. એટલે ઈશ્વરને ભજવા સ્ત્રીઓ પણ ઈસુના પગલે ચાલવા લાગી. તેઓએ ઈસુને અનેક રીતે મદદ કરી હતી. જેથી ઈસુ ઉપદેશ કરીને લોકોને ઈશ્વરનું સત્ય શીખવી શકે.—લુક ૮:૧-૩.

૬. લાજરસ મરણ પામ્યો ત્યારે ઈસુને કેવું લાગ્યું?

એક બનાવ પરથી જોવા મળે છે કે, ઈસુને લોકો પ્રત્યે કેવી લાગણી હતી. લાજરસ તેમનો જિગરી દોસ્ત હતો. લાજરસ મરણ પામ્યો ત્યારે તેમની બહેનો મરિયમ અને માર્થાને દિલમાં બહુ જ લાગી આવ્યું. તેઓના દુઃખથી ઈસુને પણ બહુ જ દુઃખ થયું. પોતે એ છુપાવી ન શક્યા. તેમણે ‘મનમાં નિસાસો મૂક્યો. વ્યાકુળ થયા. અને રડ્યા.’ ઈસુ જાણતા હતા કે પોતે લાજરસને થોડી જ વારમાં જીવતા કરશે. તોપણ મિત્રના મરણથી તેમનું હૈયું ભરાઈ આવ્યું. ઈસુને લાજરસ અને તેમની બહેનો માટે ખૂબ જ પ્રેમ હતો. એટલે ઈશ્વરે આપેલી શક્તિથી તેમણે લાજરસને જીવતો કર્યો.—યોહાન ૧૧:૧૧-૧૫, ૩૩-૩૫, ૩૮-૪૪.

૭. આપણે કેમ ઈસુને વફાદાર રહેવું જ જોઈએ? (પાન ૩૧ પરનું બૉક્સ જુઓ.)

ઈસુને ઢોંગ અને દુષ્ટતા જરાય પસંદ નથી. તેમને ફક્ત ઇન્સાફ અને શાંતિ પસંદ છે. એનાથી આપણા દિલમાં તેમના માટે માન વધે છે. ઈસુએ બે વાર મંદિરમાંથી લોભી વેપારીઓને હાંકી કાઢ્યા હતા. (માત્થી ૨૧:૧૨, ૧૩; યોહાન ૨:૧૪-૧૭) એ ઉપરાંત ઈસુ પૃથ્વી પર હતા ત્યારે તેમણે અનેક દુઃખ તકલીફો સહી હતી. તેથી તે જોઈ શક્યા કે મનુષ્ય પર કેવાં કેવાં દબાણો અને મુશ્કેલીઓ આવે છે. (હેબ્રી ૫:૭-૯) ઈસુ એ પણ જાણતા હતા કે નિર્દોષ વ્યક્તિની નફરત કરવામાં આવે અથવા તેની સાથે ખરાબ રીતે વર્તવામાં આવે ત્યારે, તેને કેવું લાગે છે. (યોહાન ૫:૧૫-૧૮; ૧૧:૫૩, ૫૪; ૧૮:૩૮–૧૯:૧૬) છેવટે પોતાના પિતાની ઇચ્છા પૂરી કરવા અને લોકોને હંમેશાનું જીવન મળે માટે ઈસુ મરણ પામ્યા. (યોહાન ૩:૧૬) ઈસુના પ્રેમાળ ગુણો જોઈને તેમને વફાદાર રહેવાનું કોને ન ગમે? (હેબ્રી ૧૩:૮; પ્રકટીકરણ ૫:૬-૧૦) પણ સવાલ છે કે રાજા ઈસુ ખ્રિસ્તને વફાદાર રહેવા આપણે શું કરવું જોઈએ?

રાજા ઈસુની પ્રજા બનવા લાયકાત કેળવીએ

૮. આપણે રાજા ઈસુની પ્રજા બનવું હોય તો શું કરવું જોઈએ?

જરા કલ્પના કરો: જો તમારે બીજા કોઈ દેશના નાગરિક બનવું હોય તો, એ દેશની અમુક માંગો તમારે પૂરી કરવી જ પડે. જેમ કે, તમારી પાસે થોડું ઘણું ભણતર કે આવડત હોવી જોઈએ. તમારા વાણી-વર્તન સારાં હોવા જોઈએ. તમારી તંદુરસ્તી એ દેશના ધોરણો પ્રમાણે સારી હોવી જરૂરી છે. એવી જ રીતે આપણે ખ્રિસ્તની પ્રજા બનવું હોય તો તેમના ઊંચા ધોરણો અને સારા સંસ્કાર પ્રમાણે કાયમ જીવવાની જરૂર છે.—૧ કોરીંથી ૬:૯-૧૧; ગલાતી ૫:૧૯-૨૩.

૯. ઈસુ ખ્રિસ્તને આપણે વફાદાર છીએ એ કઈ રીતે બતાવી શકીએ?

ઈસુ ખ્રિસ્ત ચાહે છે કે તેમની પ્રજા તેમને અને તેમના રાજ્યને વફાદાર રહે. તેમ જ, ભાવિ રાજા તરીકે પૃથ્વી પર આવીને તેમણે જે શીખવ્યું હતું એ પ્રમાણે આપણે રહીએ. દાખલા તરીકે, પૈસા કે માલ-મિલકત પાછળ પડવાને બદલે આપણે ઈશ્વરના રાજ્યને આપણા જીવનમાં પ્રથમ મૂકવું જોઈએ. તેમ જ આપણે કપરા સંજોગોમાં પણ ખ્રિસ્ત જેવા ગુણો કેળવવા બનતું બધું જ કરવું જોઈએ. (૧ પીતર ૨:૨૧-૨૩) આપણે પણ તેમની જેમ બીજાનું ભલું કરવા પહેલ કરવી જોઈએ.—માત્થી ૭:૧૨; યોહાન ૧૩:૩-૧૭.

૧૦. કુટુંબ અને મંડળમાં કઈ રીતે બતાવી શકાય કે આપણે ખ્રિસ્તને વફાદાર છીએ?

૧૦ કુટુંબમાં પણ આપણે ઈસુ જેવા ગુણો બતાવવા જોઈએ. એનાથી આપણે તેમને વફાદાર છીએ એમ બતાવીશું. દાખલા તરીકે, પતિ પોતાની પત્ની અને બાળકો સાથે ખ્રિસ્તની જેમ વર્તશે તો, એ બતાવે છે કે પોતે રાજા ખ્રિસ્તને વફાદાર છે. (એફેસી ૫:૨૫, ૨૮-૩૦; ૬:૪; ૧ પીતર ૩:૭) એ જ રીતે પત્ની પણ ગુણિયલ બનીને ‘દીન તથા નમ્ર’ ગુણો કેળવશે તો એ બતાવે છે કે પોતે ખ્રિસ્તને વફાદાર છે. (૧ પીતર ૩:૧-૪; એફેસી ૫:૨૨-૨૪) ઈસુની જેમ બાળકો પણ પોતાના મા-બાપનું કહેવું સાંભળે તો, તેઓ ખ્રિસ્તને વફાદાર છે. ઈસુ પૃથ્વી પર હતા ત્યારે તે યહોવાહના નિયમો પ્રમાણે જીવ્યા હતા. જ્યારે કે તેમનાં મા-બાપ અપૂર્ણ હતા. તેથી યહોવાહના નિયમો પ્રમાણે જીવી શકતા ન હતાં. તોપણ ઈસુ નાનપણથી તેઓનું કહેવું કરતા. (લુક ૨:૫૧, ૫૨; એફેસી ૬:૧) આપણે પણ ‘એક-બીજાના સુખ-દુઃખમાં ભાગીદાર થવું’ જોઈએ. ભાઈ-બહેનોને પ્રેમ બતાવવો જોઈએ. એમ કરવાથી આપણે બતાવીશું કે ખ્રિસ્તની પ્રજા બનવા, આપણે બનતું બધું જ કરી રહ્યાં છીએ. તેમ જ ખ્રિસ્ત જેવા નમ્ર બનીશું. અને ‘ભૂંડાઈને બદલે ભૂંડું કે નિંદાને બદલે નિંદા’ નહિ કરીએ.—૧ પીતર ૩:૮, ૯; ૧ કોરીંથી ૧૧:૧.

રાજાની વફાદાર પ્રજા

૧૧. આપણે ખ્રિસ્તની પ્રજા બનવું હોય તો કયા નિયમો પાળવા જોઈએ?

૧૧ આપણે જો બીજા કોઈ દેશના નાગરિક બનવું હોય તો તે દેશના કાયદા-કાનૂન પાળવા પડશે. એ જ રીતે ખ્રિસ્તની પ્રજા બનવા માટે આપણે તેમણે શીખવેલા ‘નિયમો’ અને આજ્ઞાઓ પ્રમાણે જીવવું જોઈએ. (ગલાતી ૬:૨) ખાસ તો આપણે પ્રેમના ‘રાજમાન્ય નિયમ’ પ્રમાણે જીવવું જોઈએ. (યાકૂબ ૨:૮) એ નિયમોમાં શું સમાયેલું છે?

૧૨, ૧૩. ‘ખ્રિસ્તના નિયમને’ વફાદાર રહેવા આપણે શું કરવું જોઈએ?

૧૨ યહોવાહના નિયમો પ્રમાણે ખ્રિસ્તની પ્રજામાંથી આજે કોઈ પણ સંપૂર્ણ રીતે જીવી શકતું નથી. આપણે દરેક નાની-મોટી ભૂલો કરીએ છીએ. (રૂમી ૩:૨૩) તોપણ આપણે દરેકે ‘ભાઈઓ પ્રત્યે નિષ્કપટ પ્રીતિ’ કેળવવી જોઈએ. જેથી સાચા દિલથી આપણે ‘એકબીજાને આગ્રહથી પ્રેમ’ બતાવી શકીએ. (૧ પીતર ૧:૨૨) “જો કોઈને [આપણને] કોઈની સાથે કજિયો હોય તો” ‘ખ્રિસ્તના નિયમ’ પ્રમાણે “એકબીજાનું સહન કરીને” તેમને પૂરા દિલથી માફ કરવું જોઈએ. એ નિયમ પ્રમાણે જીવીશું તો ભાઈ-બહેનોની ભૂલો શોધવાને બદલે તેઓના સારા ગુણો શોધીશું. આમ એકબીજાને ઊંડો પ્રેમ બતાવવાનું કારણ મળશે. જો કોઈ ખ્રિસ્તના પગલે ચાલતું હોય, તેમના જેવા ગુણો કેળવતું હોય, તેમના જેવો પ્રેમ બતાવતું હોય તો આપણને તેઓની સાથે જ રહેવાનું ગમશે ખરું ને? કેમ કે પ્રેમ “સંપૂર્ણતાનું બંધન છે.”—કોલોસી ૩:૧૩, ૧૪.

૧૩ ઈસુએ સમજાવ્યું કે લોકો એકબીજાને જે પ્રેમ બતાવે છે એનાથી ચડિયાતો તેમણે પ્રેમ બતાવ્યો છે. (યોહાન ૧૩:૩૪, ૩૫) આપણને જેઓ પ્રેમ બતાવે છે તેઓને જ આપણે પ્રેમ બતાવીએ તો એમાં કંઈ નવાઈ નથી. એમ કરવાથી આપણા પ્રેમમાં ખામી દેખાઈ આવે છે. તેથી ઈસુએ આગ્રહ કરતાં કહ્યું કે ‘યહોવાહે તમને જેવો પ્રેમ બતાવ્યો એવો જ તમે તમારા દુશ્મનોને પણ બતાવો.’ (માત્થી ૫:૪૬-૪૮) આપણામાં પણ એવો જ પ્રેમ હશે તો, તેમના રાજ્યને વફાદાર રહેવા અને આપણને સોંપેલું કામ પૂરું કરવાની હોંશ જાગશે. એ કામ શું છે?

આપણી વફાદારીની કસોટી થશે જ

૧૪. પ્રચાર કાર્ય શા માટે મહત્ત્વનું છે?

૧૪ આજે યહોવાહના સેવકો તેમના રાજ્યની પ્રજા છે. તેઓ પાસે સૌથી મહત્ત્વનું કામ છે. એ છે, તેમના રાજ્ય વિષે પૂરેપૂરો પ્રચાર કરવો. (પ્રેરિતોનાં કૃત્યો ૨૮:૨૩) એમ કરવું ખૂબ મહત્ત્વનું છે. કેમ કે મસીહી રાજ્ય સાબિત કરશે કે યહોવાહને જ વિશ્વ પર રાજ કરવાનો હક્ક છે. (૧ કોરીંથી ૧૫:૨૪-૨૮) ઈશ્વરના રાજ્યનો પ્રચાર કરીને આપણે લોકોને તેમના રાજ્યની પ્રજા બનવા તક આપીએ છીએ. તેઓ પછી શું કરે છે એના આધારે રાજા ઈસુ ખ્રિસ્ત તેઓનો ન્યાય કરશે. (માત્થી ૨૪:૧૪; ૨ થેસ્સાલોનીકી ૧:૬-૧૦) એટલે ઈસુના કહેવા પ્રમાણે આપણે યહોવાહના રાજ્યનો પ્રચાર કરવો જોઈએ. એમ કરવાથી આપણે પુરાવો આપીએ છીએ કે તેમને વફાદાર છીએ.—માત્થી ૨૮:૧૮-૨૦.

૧૫. શા માટે દરેક ખ્રિસ્તીની વફાદારીની કસોટી થશે?

૧૫ શેતાન આપણું પ્રચાર કાર્ય અટકાવવા તેનાથી બનતું બધું જ કરે છે. તેમ જ આ જગતના રાજા કે નેતાઓ પણ સ્વીકારતા નથી કે યહોવાહે પસંદ કરેલા રાજા ઈસુ ખ્રિસ્ત છે. (ગીતશાસ્ત્ર ૨:૧-૩, ૬-૮) એટલે ઈસુએ તેમના શિષ્યોને ચેતવ્યા હતા: ‘નોકર પોતાના શેઠ કરતાં મોટો નથી. જો એ લોકોએ મને દુઃખ દીધું, તો તેઓ તમને પણ દુઃખ દેશે.’ (યોહાન ૧૫:૨૦) એ કારણથી જેઓ ખ્રિસ્તના પગલે ચાલે છે તેઓ પર દુઃખ-તકલીફો આવશે જ. તેઓની સતાવણી થશે. તેઓની વફાદારીની કસોટી થશે.—૨ કોરીંથી ૧૦:૩-૫; એફેસી ૬:૧૦-૧૨.

૧૬. આપણે કઈ રીતે “દેવનાં છે તે દેવને” પાછાં ભરી આપીએ છીએ?

૧૬ ભલે ગમે એવી કસોટી આવે, આપણે ઈશ્વરના રાજ્યની પ્રજા હોવાથી તેમના રાજાને વફાદાર રહીશું. તેમ જ આ દુનિયાના અધિકારીઓ સાથે માનથી વર્તીશું. (તીતસ ૩:૧, ૨) ઈસુએ કહ્યું: “જે કાઈસારનાં છે તે કાઈસારને, ને જે દેવનાં છે તે દેવને ભરી આપો.” (માર્ક ૧૨:૧૩-૧૭) એટલે જ સરકારના નિયમ ઈશ્વરના નિયમની વિરુદ્ધમાં ન હોય તો આપણે એને પાળીએ છીએ. (રૂમી ૧૩:૧-૭) પરંતુ ઈશ્વરના નિયમની વિરુદ્ધમાં હોય તો? યહુદી સુપ્રિમ કોર્ટે ઈસુના શિષ્યોને હુકમ કર્યો કે પ્રચાર કરવાનું બંધ કરો ત્યારે, ઈસુના શિષ્યોએ પૂરી હિંમતથી અને માનથી તેઓને કહ્યું કે “માણસોના કરતાં દેવનું અમારે વધારે માનવું જોઈએ.”—પ્રેરિતોનાં કૃત્યો ૧:૮; ૫:૨૭-૩૨.

૧૭. આપણી વફાદારીની કસોટી થાય ત્યારે શા માટે ડરવું ન જોઈએ?

૧૭ આપણે જાણીએ છીએ કે ખ્રિસ્તના પગલે ચાલવાથી આપણા પર સતાવણી આવશે. તેવા સમયે રાજાને વફાદાર રહેવા આપણને હિંમતની જરૂર પડશે. એટલે ઈસુએ કહ્યું: “જ્યારે લોક તમારી નિંદા કરશે, ને પૂઠે લાગશે, ને મારે લીધે તમારી વિરુદ્ધ તરેહ તરેહની ભૂંડી વાત અસત્યતાથી કહેશે, ત્યારે તમને ધન્ય છે. તમે આનંદ કરો તથા ઘણા હરખાઓ; કેમ કે આકાશમાં તમારો બદલો મોટો છે.” (માત્થી ૫:૧૧, ૧૨) પહેલી સદીમાં ઈસુના શિષ્યો સતાવણી અનુભવ્યા પછી આ શબ્દોનો ખરો અર્થ સમજ્યા હતા. તેઓ ઈસુનો પ્રચાર કરતા હોવાથી ધર્મગુરુઓએ તેઓને માર માર્યો. તોપણ “તેઓ તે નામને લીધે અપમાન પામવા જોગ ગણાયા, તેથી હરખાતા હરખાતા તેઓ સભામાંથી ચાલ્યા ગયા. તેઓએ નિત્ય મંદિરમાં તથા ઘેર ઈસુ તે જ ખ્રિસ્ત છે તે વિષે શીખવવાનું તથા પ્રગટ કરવાનું છોડ્યું નહિ.” (પ્રેરિતોનાં કૃત્યો ૫:૪૦-૪૨) તમે પણ તેઓની જેમ અનેક દુઃખ-તકલીફો સહન કરો છો. જેમ કે બીમારી, સતાવણી અને સગાં-વહાલાંને મરણમાં ગુમાવ્યાનું દુઃખ પણ સહન કરીને ઈશ્વરને વફાદાર રહો છો. એ માટે અમે તમને શાબાશી આપીએ છીએ.—રૂમી ૫:૩-૫; હેબ્રી ૧૩:૬.

૧૮. ઈસુએ પીલાતને જે કહ્યું એમાંથી આપણે શું શીખી શકીએ?

૧૮ ઈસુ પૃથ્વી પર હતા ત્યારે, ઈશ્વરના ભાવિ રાજા હતા. તોપણ તેમણે રોમન સમ્રાટ પીલાતને સમજાવ્યું: “મારું રાજ્ય આ જગતનું નથી; જો મારું રાજ્ય આ જગતનું હોત, તો મને યહુદીઓને સ્વાધીન કરવામાં ન આવે, માટે મારા સેવકો લડાઈ કરત; પણ મારું રાજ્ય તો અહીંનું નથી.” (યોહાન ૧૮:૩૬) એ કારણથી ઈશ્વરના રાજ્યની પ્રજા લડાઈ, ઝગડા કે રાજકારણમાં કોઈનો પક્ષ લેતી નથી. તેઓ ‘શાંતિના સરદારને’ વફાદાર હોવાથી દુનિયાની લેવડ-દેવડમાં કે રાજકારણમાં જરાય ભાગ લેતા નથી.—યશાયાહ ૨:૨-૪; ૯:૬, ૭.

વફાદાર રહેવાથી આવતા અનંત આશીર્વાદો

૧૯. શા માટે ખ્રિસ્તની પ્રજાને આવનાર દિવસોની જરાય ચિંતા નથી?

૧૯ “રાજાઓનો રાજા તથા પ્રભુઓનો પ્રભુ” ખ્રિસ્તની આપણે પ્રજા છીએ. એટલે તેમને વફાદાર રહેવું જોઈએ. તેમનામાં અતૂટ ભરોસો મૂકવો જોઈએ. આ રાજા હવે અજોડ રીતે પોતાની શક્તિ વાપરશે. એની આપણે ધીરજથી રાહ જોવી જોઈએ. (પ્રકટીકરણ ૧૯:૧૧–૨૦:૩; માત્થી ૨૪:૩૦) ઈશ્વરે પોતાની શક્તિથી અભિષિક્ત ખ્રિસ્તીઓને ઈસુ સાથે સ્વર્ગમાં રાજ કરવા પસંદ કર્યા છે. તેઓમાંના થોડાક હજી પૃથ્વી પર છે. તેઓ ઈસુની સાથે રાજાઓ તરીકે રાજ કરવા કાગને ડોળે રાહ જોઈ રહ્યા છે. તેઓ માટે એ અમૂલ્ય આશીર્વાદ છે. (માત્થી ૧૩:૩૮; લુક ૧૨:૩૨) ઈસુનાં “બીજાં ઘેટાં” પણ તેમને વફાદાર છે. તેઓનો રાજા તેઓને ક્યારે આમ કહે: “મારા બાપના આશીર્વાદિતો આવો, જે રાજ્ય જગતનો પાયો નાખ્યા અગાઉ તમારે સારુ તૈયાર કરેલું છે તેનો વારસો લો.” એની તેઓ પણ કાગને ડોળે રાહ જુએ છે. (યોહાન ૧૦:૧૬; માત્થી ૨૫:૩૪) ઈસુ ખ્રિસ્ત આપણા રાજા છે. તેથી ચાલો આપણે બધા તેમને વફાદાર રહેવા બનતું બધું જ કરીએ. (w06 5/1)

[ફુટનોટ]

^ ઈસુ ખ્રિસ્ત ૧૯૧૪માં સ્વર્ગમાં યહોવાહની સરકારના રાજા બન્યા છે. એના વિષે વધારે જાણવા ફેબ્રુઆરી ૧, ૨૦૦૪નું ચોકીબુરજ પાન ૧૯-૨૦, ફકરા પ-૮ જુઓ.

તમે સમજાવી શકો?

• આપણે શા માટે ખ્રિસ્તને વફાદાર રહેવું જોઈએ?

• આપણે ઈસુ ખ્રિસ્તને વફાદાર છીએ એ કઈ રીતે બતાવી શકીએ?

• આપણે શા માટે રાજા ખ્રિસ્તને વફાદાર રહેવા માંગીએ છીએ?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૩૧ પર બોક્સ]

ખ્રિસ્તના અજોડ ગુણો

ભેદભાવ રાખતા નથીયોહાન ૪:૭-૩૦.

દયાળુમાત્થી ૯:૩૫-૩૮; ૧૨:૧૮-૨૧; માર્ક ૬:૩૦-૩૪.

નિઃસ્વાર્થ પ્રેમયોહાન ૧૩:૧; ૧૫:૧૨-૧૫.

વફાદારમાત્થી ૪:૧-૧૧; ૨૮:૨૦; માર્ક ૧૧:૧૫-૧૮.

આપણું દુઃખ સમજે છેમાર્ક ૭:૩૨-૩૫; લુક ૭:૧૧-૧૫; હેબ્રી ૪:૧૫, ૧૬.

વાજબીમાત્થી ૧૫:૨૧-૨૮.

[પાન ૨૯ પર ચિત્ર]

‘ખ્રિસ્તના નિયમ’ પ્રમાણે આપણે દરેકે એકબીજાને પ્રેમ બતાવવો જોઈએ

[પાન ૩૧ પર ચિત્ર]

ખ્રિસ્તના ગુણો જોઈને શું તમને તેમની સેવા કરવાનું મન થાય છે?