સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બાળકોના દિલ સુધી પહોંચે એવું શિક્ષણ આપો

બાળકોના દિલ સુધી પહોંચે એવું શિક્ષણ આપો

બાળકોના દિલ સુધી પહોંચે એવું શિક્ષણ આપો

બાળકો ઘણી વાર બંદૂક કે પિસ્તોલ જેવા હથિયાર લઈને યુદ્ધ કરતા હોય એવી રમતો રમે છે. શું આવું જોઈને તમને કદી દુઃખ થયું છે? હવે તો નાનાં બાળકોમાં પણ આવી રમત સામાન્ય થઈ ગઈ છે. એનું કારણ, ટી.વી. કે ફિલ્મોમાં જ્યાં જુઓ ત્યાં હિંસા બતાવાય છે. તમે કઈ રીતે બાળકને હિંસક રમતને બદલે સારી રમતો રમવા મદદ કરી શકો? વોલટ્રુડનો અનુભવ લો. તે યહોવાહની સાક્ષી છે ને આફ્રિકામાં લાંબા સમયથી મિશનરી સેવા આપે છે. તેણે વર્નર નામના પાંચ વર્ષના છોકરાને સારી રમત રમવા શિખામણ આપી.

યુદ્ધોના લીધે વોલટ્રુડને પોતાનો દેશ છોડી, આફ્રિકાના બીજા દેશમાં જવું પડ્યું. ત્યાં તે વર્નરની માતાને બાઇબલમાંથી શીખવવા લાગી. વોલટ્રુડ તેઓના ઘરે જતી ત્યારે, વર્નર પ્લાસ્ટિકની બંદૂક સાથે રમતો જ હોય. તેનું એ એકનું એક રમકડું હતું. જો કે, વોલટ્રુડે કદી પણ તેને નિશાન તાકતો જોયો ન હતો. પણ તે જાણે ગોળીઓ ભરતો હોય એમ હંમેશાં બંદૂકને ખોલ-બંધ કરતો.

વોલટ્રુડે એક વાર છોકરાને કહ્યું: “વર્નર, તને ખબર છે હું શા માટે તારા દેશમાં રહું છું? મારા દેશમાં લડાઈ ચાલે છે. તારી પાસે છે એવી બંદૂકથી ત્યાંના ખૂંખાર લોકો બીજાઓ પર ગોળીઓ ચલાવે છે. એટલે મારે જીવ બચાવવા એ દેશ છોડવો પડ્યો. શું તને લાગે છે કે બંદૂક ચલાવવી એ સારી વાત કહેવાય?”

વર્નરે ઉદાસ થઈને કહ્યું, “ના.”

વોલટ્રુડે કહ્યું, “તેં સાચું કહ્યું.” પછી પૂછ્યું: “તને ખબર છે હું શા માટે દર અઠવાડિયે તારા ઘરે આવું છું? એટલા માટે કે યહોવાહના સાક્ષીઓ બીજા લોકોને મદદ કરવા ચાહે છે, જેથી તેઓ પરમેશ્વર અને પડોશીઓ સાથે સારા સંબંધ બાંધી શકે. બધા સાથે શાંતિથી રહી શકે.” વર્નરની મમ્મીની રજા લઈને વોલટ્રુડે કહ્યું: “જો તું મને તારી બંદૂક આપી દે, તો હું એને દૂર ફેંકી દઈશ. પછી તને નવું રમકડું લઈ આપીશ. એ પણ ચાર પૈડાંવાળી ગાડી.”

વર્નરે પોતાની રમકડાંની બંદૂક આપી દીધી. પછી તેણે ચાર અઠવાડિયાં માટે રાહ જોઈ. આખરે, લાકડાની નાની ગાડીનું રમકડું આવી ગયું. એ જોઈને તે ખુશખુશાલ થઈ ગયો અને ગાડી જોડે રમવા લાગ્યો.

શું તમે પણ સમય કાઢીને તમારા બાળકો સાથે દિલથી વાત કરો છો? બાળકોને બંદૂક જેવા રમકડાં ફેંકી દેવા શિક્ષણ આપો છો? જો એમ કરતા હો તો, તમે તેઓને સરસ પાઠ શીખવી રહ્યાં છો. એ તેઓને જીવનભર કામ લાગશે. (w06 5/1)