સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

મંડળ માટે સારો દાખલો બેસાડતા વડીલો

મંડળ માટે સારો દાખલો બેસાડતા વડીલો

મંડળ માટે સારો દાખલો બેસાડતા વડીલો

‘ઈશ્વરે તમને સોંપેલા ટોળાના ઘેટાંપાળક બનો, રાજીખુશીથી અને સાચી ભાવનાથી કરો. ટોળાને નમૂનારૂપ બનો.’—૧ પિતર ૫:૨, ૩, કોમન લેંગ્વેજ.

૧, ૨. (ક) ઈસુએ પ્રેરિત પીતરને કઈ જવાબદારી સોંપી, અને શું ઈસુનો તેમના પર ભરોસો કરવો યોગ્ય હતો? (ખ) મંડળના વડીલો વિષે યહોવાહને કેવું લાગે છે?

 પેન્તેકોસ્ત ૩૩ની સાલના થોડા વખત પહેલાં સજીવન થયેલા ઈસુએ તેમના શિષ્યો માટે ગાલીલના દરિયા કાંઠે સવારનો નાસ્તો તૈયાર કર્યો હતો. ત્યાં પીતર અને ઈસુના બીજા છ શિષ્યો જમતા હતા. પીતરે સજીવન થયેલા ઈસુને પહેલાયે અમુક વખત જોયા હતા. ઈસુને જોઈને તે ખૂબ ખુશ હતા. પણ સાથે સાથે તે કદાચ ચિંતામાં પણ પડી ગયા હશે. કેમ? કારણ કે થોડા જ દિવસો પહેલાં, તેમણે જાહેરમાં ઈસુને ત્રણ વાર દગો દીધો હતો. (લુક ૨૨:૫૫-૬૦; ૨૪:૩૪; યોહાન ૧૮:૨૫-૨૭; ૨૧:૧-૧૪) શું ઈસુએ પીતરને ઠપકો આપ્યો કે તેમણે શા માટે તેમનામાં શ્રદ્ધા ન રાખી? ના. એના બદલે, ઈસુએ પીતરને એક મોટી જવાબદારી સોંપી. તેમણે પીતરને કહ્યું: “મારાં ઘેટાંને પાળ.” (યોહાન ૨૧:૧૫-૧૭) ઈસુએ પીતરને આ જવાબદારી આપવામાં મોટી ભૂલ કરી ન હતી. પીતરે એને પૂરી રીતે નિભાવી. એની સાબિતી બાઇબલમાં છે, જેમાં પ્રથમ સદીના ખ્રિસ્તી મંડળ વિષે બધું જણાવેલું છે. એ વખતે ભાઈ-બહેનો પર ખૂબ જ સતાવણી આવી પડી હતી. છતાં મંડળોમાં ખૂબ વધારો થયો. આ સમય દરમિયાન, પીતરે બીજા પ્રેરિતો અને યરૂશાલેમના વડીલો સાથે મળીને મંડળોની ખૂબ દેખભાળ રાખી.—પ્રેરિતોનાં કૃત્યો ૧:૧૫-૨૬; ૨:૧૪; ૧૫:૬-૯.

આજે યહોવાહે ઈસુ ખ્રિસ્ત દ્વારા મંડળોમાં વડીલો પસંદ કર્યા છે. તેઓ જાણે પાળક જેવા છે, ને મંડળના ભાઈ-બહેનો જાણે ઘેટાં જેવા છે. આ પાળકો દુનિયાની સૌથી મોટી ઊથલ-પાથલમાંથી ઘેટાંને દોરે છે. (એફેસી ૪:૧૧, ૧૨; ૨ તીમોથી ૩:૧) શું યહોવાહ અને ઈસુએ વડીલોને આ જવાબદારી આપવામાં મોટી ભૂલ કરી છે? ના, જરાય નહિ. કેમ કે તેમના લીધે આખી દુનિયા ફરતે સાચા ખ્રિસ્તીઓ હળી-મળીને રહે છે. ખરું કે આ પાળકો એટલે વડીલો પણ પીતરની જેમ ભૂલને પાત્ર છે. (ગલાતી ૨:૧૧-૧૪; યાકૂબ ૩:૨) તોપણ યહોવાહે “પોતાના [પુત્રના] લોહીથી ખરીદી” લીધેલા ભક્તોને સાચવી રાખવા માટે તેઓને જવાબદારી સોંપી છે. (પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૨૮) યહોવાહ આ વડીલોને ખૂબ ચાહે છે. તે પોતે ચાહે છે કે આપણે તેઓને “બમણા માનપાત્ર” ગણીએ.—૧ તીમોથી ૫:૧૭.

૩. વડીલો રાજીખુશીથી મંડળની દેખભાળ કરવામાં કઈ રીતે પોતાનો ઉમંગ જાળવી રાખે છે?

વડીલો રાજીખુશીથી મંડળની દેખભાળ રાખે છે. એ માટે પૂરા ઉમંગથી પોતાની જવાબદારી નિભાવે છે અને મંડળ માટે સારો દાખલો બેસાડે છે. તેઓ કઈ રીતે પોતાનો ઉમંગ જાળવી શકે છે? પીતર અને પ્રથમ સદીના બીજા વડીલોની જેમ, તેઓ ઈશ્વરની શક્તિ પર નભે છે. આ શક્તિથી તેઓ પોતાની જવાબદારી સારી રીતે નિભાવી શકે છે. (૨ કોરીંથી ૪:૭) યહોવાહની શક્તિથી તેઓ પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, માયાળુપણું, ભલાઈ, વિશ્વાસુપણું, નમ્રતા તથા સંયમ જેવા ગુણો બતાવી શકે છે. (ગલાતી ૫:૨૨, ૨૩) મંડળમાં વડીલો, યહોવાહના ભક્તોની દેખભાળ રાખે છે. ચાલો જોઈએ કે વડીલો કઈ રીતે મંડળનું ધ્યાન રાખતી વખતે સદ્‍ગુણો બતાવે છે. આપણા માટે કેવો દાખલો બેસાડે છે.

આખું મંડળ અને દરેક ભાઈ-બહેનને ચાહો

૪, ૫. (ક) યહોવાહ અને ઈસુ કઈ રીતે મંડળ માટે પ્રેમ બતાવે છે? (ખ) વડીલો કઈ રીતે મંડળને પ્રેમ બતાવે છે?

યહોવાહની શક્તિથી આપણે સદ્‍ગુણો બતાવતા શીખીએ છીએ. પ્રેમ એ ગુણોમાં સૌથી પહેલા આવે છે. મંડળને સત્યનું પુષ્કળ જ્ઞાન પૂરું પાડીને યહોવાહે તેમના પ્રેમની સાબિતી આપી છે. (યશાયાહ ૬૫:૧૩, ૧૪; માત્થી ૨૪:૪૫-૪૭) પણ તે ફક્ત આપણા જ્ઞાનની તરસ જ છીપાવતા નથી. સાથે સાથે તે દરેક વ્યક્તિની ખૂબ જ કાળજી પણ રાખે છે. (૧ પીતર ૫:૬, ૭) ઈસુ પણ મંડળની દરેક વ્યક્તિને ચાહે છે. તે દરેકને “નામ લઈને બોલાવે છે.” એટલે જ તેમણે પોતાનું જીવન આપણા માટે અર્પી દીધું.—યોહાન ૧૦:૩, ૧૪-૧૬.

વડીલો પણ યહોવાહ અને ઈસુની જેમ પ્રેમ બતાવે છે. તેઓ યહોવાહના મંડળને પ્રેમ બતાવવા, ‘શાસ્ત્રવચન પર શિક્ષણ આપવા’ ખૂબ જ મહેનત કરે છે. બાઇબલમાંથી ટૉક આપીને તેઓ મંડળને યહોવાહનું જ્ઞાન આપે છે. તેઓને ઘણા જોખમોથી બચાવે છે. આમ તેઓ દરેક ભાઈ-બહેનને તેઓની શ્રદ્ધા જાળવી રાખવા મદદ કરે છે. મંડળ માટે તેઓએ કરેલું કામ સર્વ જોઈ શકે છે. (૧ તીમોથી ૪:૧૩, ૧૬) પણ તેઓ એવું ઘણું કામ કરે છે જેના વિષે ખાસ કોઈને ખબર નથી. જેમ કે મંડળના ફૉર્મ ભરવા, પત્ર વ્યવહાર કરવો, શેડ્યુલ બનાવવું. આવી અનેક જરૂરી બાબતો કરવાથી મંડળ ને મિટિંગ ‘વ્યવસ્થિત’ રીતે ચાલે છે. (૧ કોરીંથી ૧૪:૪૦) મંડળમાં વડીલો આવાં ઘણાં કામો કરે છે જેની બીજા ભાઈ-બહેનોને કંઈ ખબર હોતી નથી. તેથી બહુ ઓછા તેઓનો આભાર માને છે. એમાં કોઈ શંકા નથી, કે વડીલો પ્રેમને લીધે મંડળ માટે આ બધું કરે છે.—ગલાતી ૫:૧૩.

૬, ૭. (ક) વડીલો કઈ રીતે મંડળના ભાઈ-બહેનોને સારી રીતે ઓળખી શકે? (ખ) શા માટે આપણે અમુક વખતે વડીલો સામે દિલ ઠાલવવું જોઈએ?

વડીલો બને તેમ મંડળના દરેક ભાઈ-બહેનને પ્રેમ બતાવવા કોશિશ કરે છે. (ફિલિપી ૨:૪) તેઓ કઈ રીતે મંડળના ભાઈ-બહેનોને સારી રીતે ઓળખી શકે? એક રીત છે, તેઓ દરેક વ્યક્તિ સાથે પ્રચારમાં જાય. ઈસુ ઘણી વાર તેમના શિષ્યોને પ્રચારમાં લઈ ગયા, પ્રચાર દરમિયાન તેઓને ઉત્તેજન આપી શક્યા. (લુક ૮:૧) એક અનુભવી વડીલ કહે છે: ‘મને જોવા મળ્યું છે કે કોઈ પણ ભાઈ કે બહેનને સારી રીતે ઓળખવા હોય, કે તેઓને ઉત્તેજન આપવું હોય, તો તેઓ સાથે પ્રચારમાં જવું સૌથી સારું છે.’ શું તમે તાજેતરમાં મંડળના કોઈ પણ વડીલ સાથે પ્રચારમાં ગયા છો? જો ન ગયા હોય, તો કેમ નહિ કે આજે જ ગોઠવણ કરો.

પ્રેમના લીધે ઈસુ તેમના શિષ્યોના સુખ-દુઃખ અનુભવી શક્યા. દાખલા તરીકે, જ્યારે ૭૦ શિષ્યો પ્રચાર કર્યા પછી ખુશીથી ઈસુ પાસે પાછા આવ્યા ત્યારે ઈસુ પોતે ‘હરખાયા.’ (લુક ૧૦:૧૭-૨૧) પણ લાજરસના મરણ વખતે મરિયમ, તેના સગાંઓ ને મિત્રોનું દુઃખ જોયું, ત્યારે ‘ઈસુ રડ્યા.’ (યોહાન ૧૧:૩૩-૩૫) એવી જ રીતે, મંડળના વડીલો પણ ભાઈ-બહેનોની લાગણીઓ સમજવા કોશિશ કરે છે. પ્રેમના લીધે તેઓ ‘આનંદ કરનારાઓની સાથે આનંદ કરે છે. રડનારાઓની સાથે રડે છે.’ (રૂમી ૧૨:૧૫) જીવનમાં જો તમે ખુશી કે ગમ અનુભવો, તો એને છુપાવો નહિ. વડીલો સામે દિલ ઠાલવી નાખો. તમારી ખુશી વિષે સાંભળવાથી તેઓને ખૂબ ઉત્તેજન મળશે. (રૂમી ૧:૧૧, ૧૨) તમારા દુઃખો વિષે સાંભળીને તેઓ તમને ખૂબ જ ઉત્તેજન ને મદદ આપી શકશે.—૧ થેસ્સાલોનીકી ૧:૬; ૩:૧-૩.

૮, ૯. (ક) એક વડીલે કઈ રીતે તેમની પત્નીને પ્રેમ બતાવ્યો? (ખ) વડીલે પરિવારને પ્રેમ બતાવવો કેમ જરૂરી છે?

વડીલ પોતાના કુટુંબની પ્રેમથી સંભાળ રાખે છે ત્યારે મંડળના ભાઈ-બહેનોનું પણ પ્રેમથી ધ્યાન રાખી શકે છે. (૧ તીમોથી ૩:૧,) જો વડીલ પરણેલા હોય, તો તે પત્નીને ખૂબ પ્રેમ ને આદર આપે છે. આ રીતે તે મંડળના બીજા પતિઓ માટે એક સરસ દાખલો બેસાડે છે. (એફેસી ૫:૨૫; ૧ પીતર ૩:૭) લિંડા નામની બહેનનો વિચાર કરો. તેના પતિએ ગુજરી ગયા પહેલા, વીસથી વધારે વર્ષ વડીલ તરીકે સેવા આપી હતી. લિંડા કહે છે: ‘મંડળની દેખરેખમાં મારા પતિ હંમેશાં વ્યસ્ત રહેતા. છતાં પણ મારો સાથ તેમના માટે કેટલો જરૂરી છે એનો અહેસાસ કરાવતા. એટલે મારા સાથ માટે તેમણે ઘણી વખત મારો આભાર માન્યો. ફુરસદના સમયમાં અમે હંમેશાં ભેગા રહેતા. મને ખબર હતી કે તે મને ખૂબ ચાહે છે. એટલે તે મંડળ માટે કોઈ પણ કામ કરતા ત્યારે મને એવું ન લાગતું કે તે મને ભૂલી ગયા છે.’

જો વડીલને બાળકો હોય, તો તે પ્રેમથી તેઓને સુધારશે, શીખવશે. સમય સમય પર તેઓને શાબાશી આપશે. આ રીતે તે મંડળના બીજા માબાપ માટે એક સારો દાખલો બેસાડે છે. (એફેસી ૬:૪) જ્યારે વડીલ તેમના પરિવારને પ્રેમ બતાવે છે ત્યારે, તે સાબિતી આપે છે કે તે યહોવાહે આપેલી જવાબદારી નિભાવે છે.—૧ તીમોથી ૩:૪, ૫.

વાતચીતથી આનંદ અને શાંતિ ફેલાવો

૧૦. (ક) મંડળના આનંદ ને શાંતિ કઈ રીતે દબાઈ જઈ શકે? (ખ) પ્રથમ સદીના મંડળમાં કયો સવાલ ઊભો થયો, ને કઈ રીતે શાંતિ આવી?

૧૦ યહોવાહની શક્તિ, દરેક ખ્રિસ્તીના દિલમાં, વડીલો અને આખા મંડળમાં આનંદ ને શાંતિ પેદા કરી શકે છે. પણ જો મંડળમાં બધા દિલ ખોલીને વાત ન કરે તો આનંદ ને શાંતિ દબાઈ જાય છે. રાજા સુલેમાને કહ્યું હતું: “સલાહ [લીધા] વગરના ઇરાદા રદ જાય છે.” (નીતિવચનો ૧૫:૨૨) પણ જો બધા માનથી ને દિલથી એકબીજા સાથે વાત કરે તો બધે આનંદ ને શાંતિ ફેલાય છે. દાખલા તરીકે, પ્રથમ સદીના મંડળમાં સુન્‍નત વિષેનો સવાલ ઊભો થયો, ત્યારે યરૂશાલેમમાં આવેલી ગવર્નિંગ બૉડીએ યહોવાહનું માર્ગદર્શન શોધ્યું. બધા ભાઈઓએ આ બાબત વિષે પોતાના વિચારો જણાવ્યા. ઘણી બધી વાતચીત પછી તેઓ એક યોગ્ય ફેંસલો લઈ શક્યા. તેઓએ સંપથી મંડળોને ફેંસલો જણાવ્યો ત્યારે મંડળો “આપેલા દિલાસાથી આનંદ પામ્યા.” (પ્રેરિતોનાં કૃત્યો ૧૫:૬-૨૩, ૨૫, ૩૧; ૧૬:૪, ૫) મંડળમાં આનંદ ને શાંતિ ફેલાયા.

૧૧. મંડળમાં વડીલો કઈ રીતે આનંદ અને શાંતિ લાવી શકે?

૧૧ આજે પણ વડીલો સારા વાતચીત વ્યવહાર દ્વારા મંડળમાં આનંદ ને શાંતિ લાવે છે. કોઈ બાબત મંડળની શાંતિ છીનવી લે, ત્યારે વડીલો ભેગા મળીને એકબીજા સાથે દિલથી વાતચીત કરે છે. એકબીજાના વિચારો ધ્યાનથી સાંભળે છે. (નીતિવચનો ૧૩:૧૦; ૧૮:૧૩) યહોવાહના માર્ગદર્શન માટે પ્રાર્થના કર્યા પછી તેઓ બાઇબલ સિદ્ધાંતો અને ‘વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકરના’ સાહિત્યમાંથી માર્ગદર્શન શોધે છે. ત્યાર પછી જ તેઓ ફેંસલો લે છે. (માત્થી ૨૪:૪૫-૪૭; ૧ કોરીંથી ૪:૬) બાઇબલ અને યહોવાહના માર્ગદર્શન પર આધારિત ફેંસલો લીધા પછી વડીલો સંપથી એ ફેંસલાને નિભાવે છે. પછી ભલેને તેઓના વિચારો સાવ મળતા ના હોય. આવો નમ્ર સ્વભાવ રાખવાથી આનંદ અને શાંતિ વધે છે. વળી ઈશ્વર સાથે ચાલવામાં તેઓ ભાઈ-બહેનો માટે સારો દાખલો બેસાડે છે. (મીખાહ ૬:૮) વડીલો બાઇબલ મુજબ જે ફેંસલા લે છે, શું તમે નમ્ર રહીને એ પાળો છો?

સહનશીલ અને માયાળુ બનો

૧૨. ઈસુ કેમ તેમના શિષ્યો સાથે સહનશીલ અને માયાળુ બન્યા?

૧૨ શિષ્યોએ ભલે અનેક વાર ભૂલ કરી, ઈસુ હંમેશાં સહનશીલ અને માયાળુ રહ્યા. દાખલા તરીકે, ઈસુએ અનેક વખત શિષ્યોને નમ્ર રહેવાનું શીખવ્યું. (માત્થી ૧૮:૧-૪; ૨૦:૨૫-૨૭) ઈસુએ તેમના જીવનની આખરી રાતે નમ્રતાનો પાઠ શીખવવા શિષ્યોના પગ ધોયા. તોપણ એ જ સાંજે, ‘કોણ મોટો ગણાય છે તે સંબંધી તેઓમાં વાદવિવાદ શરૂ થયો.’ (લુક ૨૨:૨૪; યોહાન ૧૩:૧-૫) શું ઈસુએ ગુસ્સે થઈને તેઓને ઠપકો આપ્યો? ના. તેમણે માયાળુપણે કહ્યું: “આ બેમાં કયો મોટો છે, જમવા બેસનાર કે સેવા કરનાર? શું જમવા બેસનાર મોટો નથી? પણ હું તમારામાં સેવા કરનારના જેવો છું.” (લુક ૨૨:૨૭) ઈસુની સહનશીલતા અને માયાળુપણાના સારા દાખલાથી, છેવટે આ પાઠ શિષ્યોના દિલ સુધી પહોંચ્યો.

૧૩, ૧૪. કેવા સંજોગોમાં વડીલોએ માયાળુપણે વર્તવું જોઈએ?

૧૩ ઈસુની જેમ, વડીલોને પણ કદાચ અનેક વખત કોઈ ભાઈ કે બહેનને તેમની ભૂલ માટે વારંવાર સલાહ આપવી પડે. જો સલાહ માનવામાં ન આવે તો વડીલ પોતે તે વ્યક્તિથી કંટાળી જઈ શકે. પણ “તોફાનીઓને” એટલે જિદ્દીઓને “બોધ” કરતી વખતે વડીલે યાદ રાખવું જોઈએ કે તે પણ ભૂલને પાત્ર છે. ઈસુ અને યહોવાહ સર્વ ભાઈ-બહેનો અને વડીલો સાથે સહનશીલ અને માયાળુપણે વર્તે છે, તેમ વડીલોએ પણ ભાઈ-બહેનો સાથે એ સદ્‍ગુણો બતાવવા જોઈએ.—૧ થેસ્સાલોનીકી ૫:૧૪; યાકૂબ ૨:૧૩.

૧૪ અમુક વખતે જ્યારે કોઈ ભાઈ-બહેને ગંભીર ભૂલ કરી હોય, ત્યારે વડીલોએ તેઓને કડક સલાહ આપવી પડે છે. જો એ વ્યક્તિ પસ્તાવો કરવા તૈયાર ન હોય, તો વડીલોએ તેને મંડળમાંથી કાઢી મૂકવી જોઈએ. (૧ કોરીંથી ૫:૧૧-૧૩) આવા કિસ્સાઓમાં પણ વડીલો માયાળુ અને સહનશીલ બને છે. તેઓ બતાવે છે કે તેઓ વ્યક્તિને નહિ, પણ તેણે કરેલી ભૂલને ધિક્કારે છે. (યહૂદા ૨૩) વડીલો માયાળુપણે વર્તે છે ત્યારે, ભૂલ કરેલી વ્યક્તિને મંડળમાં પાછી લાવવી સહેલું બને છે.—લુક ૧૫:૧૧-૨૪.

વિશ્વાસ હશે, તો એકબીજાનું ભલું કરશો

૧૫. વડીલો કઈ રીતે યહોવાહની ભલાઈ પોતાના જીવનમાં બતાવી શકે છે? તેઓ કઈ રીતે થાક્યા વગર એમ કરતા રહી શકે છે?

૧૫ “પ્રભુ સર્વ પ્રત્યે ભલા છે.” પછી ભલેને લોકો એમની કદર કરતા હોય કે નહિ. (ગીતશાસ્ત્ર ૧૪૫:૯, કોમન લેંગ્વેજ; માત્થી ૫:૪૫) યહોવાહની ભલાઈ કઈ રીતે જોવા મળે છે? એક તો તે “રાજ્યની આ સુવાર્તા” પ્રચાર કરવા તેમના ભક્તોને મોકલે છે. (માત્થી ૨૪:૧૪) વડીલો પ્રચારમાં આગેવાની લે છે ત્યારે તેઓ યહોવાહની ભલાઈ પોતાના જીવનમાં બતાવે છે. તેઓ કઈ રીતે થાક્યા વગર એ કરતા રહી શકે છે? યહોવાહમાં પૂરી શ્રદ્ધા અને તેમના વચનોમાં પૂરો ભરોસો રાખીને.—રૂમી ૧૦:૧૦, ૧૩, ૧૪.

૧૬. વડીલો કઈ રીતે મંડળ માટે ‘સારાં’ કામો કરી શકે છે?

૧૬ પ્રચાર કરીને વડીલો ‘બધાંઓનું સારું કરે’ છે. પરંતુ ખાસ કરીને ‘વિશ્વાસના કુટુંબનાં જે છે તેઓનું સારું કરવાની’ તેઓની જવાબદારી છે. (ગલાતી ૬:૧૦) તેઓ કઈ રીતે ભાઈ-બહેનોનું સારું કરી શકે છે? તેઓને ઉત્તેજન આપવા મુલાકાત (શેપર્ડિંગ કૉલ) લઈને. એક વડીલ કહે છે: ‘ભાઈ-બહેનોને ઉત્તેજન આપવા જવાનું મને બહુ જ ગમે છે. ત્યારે તેઓની મહેનત માટે શાબાશી આપવાનો સરસ મોકો મળે છે. હું તેઓને ખાતરી આપી શકું છું કે, યહોવાહની સેવામાં તેઓની મહેનત પ્રશંસાને પાત્ર છે.’ અમુક મુલાકાતોમાં વડીલો કોઈ ભાઈ-બહેનને ભક્તિમાં સુધારો કરવા માટે સૂચનો આપી શકે. એ વખતે તેઓએ ઈશ્વરભક્ત પાઊલ જેવા બનવું જોઈએ. થેસ્સાલોનીકીના મંડળને તેમણે આ વિનંતી કરી: “જે આજ્ઞા અમે કરીએ છીએ તે તમે પાળો છો અને પાળશો, એવો તમારા વિષે અમે પ્રભુમાં ભરોસો રાખીએ છીએ.” (૨ થેસ્સાલોનીકી ૩:૪) જ્યારે વડીલો ભાઈ-બહેનમાં પૂરો ભરોસો મૂકે છે, ત્યારે તેઓને ‘આગેવાનોની આજ્ઞાઓ પાળીને તેઓને આધીન રહેવાનું’ વધારે સહેલું લાગે છે. (હેબ્રી ૧૩:૧૭) કોઈ વડીલ ઉત્તેજન આપવા તમારી મુલાકાત લે, તો કેમ નહિ કે તમે તેમનો આભાર માનો.

નમ્રતા બતાવવા સંયમ જરૂરી છે

૧૭. પીતર ઈસુ પાસેથી કયો પાઠ શીખ્યા?

૧૭ ઈસુના દુશ્મનોએ તેમની મશ્કરી કરી, ખૂબ ઉશ્કેર્યા ત્યારે પણ તે નમ્ર ને શાંત રહ્યા. (માત્થી ૧૧:૨૯) દગો કરીને તેમને ગિરફતાર કરવામાં આવ્યા, ત્યારે પણ તેમણે નમ્ર રહીને તન-મન પર સંયમ જાળવી રાખ્યો. એ વખતે પીતર સંયમ ગુમાવીને બીજા કોઈ પર તલવારથી હુમલો કરી બેઠા. પણ ઈસુએ તેમને કહ્યું: “શું તું એવું ધારે છે કે હું એવો શક્તિમાન નથી કે જો મારા બાપની પાસે માગું, તો તે હમણાં જ દૂતોની બાર ફોજ કરતાં વધારે મારી પાસે નહિ મોકલી દે?” (માત્થી ૨૬:૫૧-૫૩; યોહાન ૧૮:૧૦) આ સલાહ પીતરના દિલ સુધી પહોંચી ગઈ. વર્ષો બાદ, તેમણે ખ્રિસ્તીઓને કહ્યું: “ખ્રિસ્તે પણ તમારે માટે સહન કર્યું, અને તમે તેને પગલે ચાલો, માટે તેણે તમોને નમૂનો આપ્યો છે. . . . તેણે નિંદા સહન કરીને સામી નિંદા કરી નહિ; દુઃખો સહન કરીને ધમકી આપી નહિ.”—૧ પીતર ૨:૨૧-૨૩.

૧૮, ૧૯. (ક) વડીલોએ ખાસ કરીને કેવા સંજોગોમાં નમ્રતા અને તન-મન પર કાબૂ રાખવાની જરૂર છે? (ખ) હવે પછીના લેખમાં કયા પ્રશ્નોની ચર્ચા કરીશું?

૧૮ આજે પણ વડીલોને કોઈ અન્યાય થાય, ત્યારે તેઓ નમ્રતા બતાવીને શાંત રહે છે. દાખલા તરીકે, તેઓ કોઈ ભાઈ કે બહેનને મદદ કરવા ગયા હોય, પણ એ વ્યક્તિને ખીજ ચડે. જો એ વ્યક્તિની શ્રદ્ધા નબળી પડી ગઈ હોય તો કદાચ તે ‘તરવારના ઘા જેવું વગર વિચાર્યું બોલે.’ (નીતિવચનો ૧૨:૧૮) પણ ઈસુની જેમ, વડીલો આવા સંજોગોમાં ઈંટનો જવાબ પથ્થરથી આપતા નથી. તેઓ તન-મન પર કાબૂ જાળવી રાખે છે ને તેમને સમજવાની કોશિશ કરે છે. આ રીતે વર્તવાથી કદાચ એ વ્યક્તિનું દિલ પીગળી જઈ શકે. (૧ પીતર ૩:૮, ૯) તમને સલાહ મળે ત્યારે શું તમે વડીલોની જેમ નમ્રતા ને સંયમ જાળવી રાખો છો?

૧૯ દુનિયાભરમાં હજારો વડીલો રાજીખુશીથી મંડળોની દેખરેખ રાખે છે. કોઈ શંકા નથી કે યહોવાહ ને ઈસુ તેઓની બેહદ કદર કરે છે. આ વડીલોને સાથ આપવા હજારો સેવકાઈ ચાકરો પણ છે જેઓ ‘સાથી ખ્રિસ્તીઓને મદદ’ કરે છે. (હિબ્રૂ ૬:૧૦, કોમન લેંગ્વેજ) યહોવાહ અને તેમનો પુત્ર તેઓને બહુ જ ચાહે છે. પણ શા માટે અમુક બાપ્તિસ્મા પામેલા ભાઈઓ મંડળમાં સારું કે ‘ઉમદા કામ’ કરવા આગળ આવતા નથી? (૧ તીમોથી ૩:૧) યહોવાહ કઈ રીતે વડીલોને મંડળની દેખભાળ રાખવાનું શીખવે છે? હવે પછીના લેખમાં આપણે એના જવાબો મેળવીશું. (w06 5/1)

તમને યાદ છે?

• વડીલો કઈ રીતે મંડળને પ્રેમ બતાવે છે?

• મંડળમાં સર્વ કઈ રીતે આનંદ ને શાંતિ ફેલાવી શકે?

• સલાહ આપતી વખતે વડીલો કેમ સહનશીલ ને માયાથી વર્તે છે?

• વડીલો કઈ રીતે ભલાઈ ને વિશ્વાસ બતાવે છે?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૧૮ પર ચિત્ર]

પ્રેમના લીધે વડીલો મંડળની સેવા કરે છે

[પાન ૧૮ પર ચિત્ર]

પરિવાર સાથે આનંદ માણવા સમય ફાળવે છે . . .

. . . પરિવાર સાથે પ્રચારમાં પણ જાય છે

[પાન ૨૦ પર ચિત્ર]

વડીલો એકબીજા સાથે દિલથી વાત કરે ત્યારે, મંડળમાં આનંદ ને શાંતિ ફેલાય છે