હિંમત રાખીને તમારા હાથ બળવાન કરો
હિંમત રાખીને તમારા હાથ બળવાન કરો
“પ્રબોધકોએ કહેલાં વચનો આ વખતે સાંભળનારાઓ, તમારા હાથ બળવાન થાઓ.”—ઝખાર્યાહ ૮:૯.
૧, ૨. આપણે હાગ્ગાય અને ઝખાર્યાહના પુસ્તકો પર કેમ વિચાર કરવો જોઈએ?
આજથી લગભગ ૨,૫૦૦ વર્ષ પહેલાં, હાગ્ગાય અને ઝખાર્યાહના પુસ્તકો લખાયાં હતાં. તોપણ, એ પુસ્તકો આપણા માટે બહુ મહત્ત્વનાં છે. આ પુસ્તકો ફક્ત ઇતિહાસમાં બની ગયેલી કોઈ વાર્તા નથી. એ તો ‘આપણને શિખામણ મળવાને માટે, જેટલું અગાઉ લખવામાં આવ્યું હતું,’ એનો એક ભાગ છે. (રૂમી ૧૫:૪) સ્વર્ગમાં ૧૯૧૪થી યહોવાહનું રાજ્ય શરૂ થઈ ગયું છે. ત્યારથી જે કંઈ બની રહ્યું છે, એ સમજવા આ બંને પુસ્તકો આપણને મદદ કરે છે.
૨ ઈશ્વરભક્ત પાઊલે જૂના જમાનામાં યહોવાહના ભક્તોના કેવા સંજોગો હતા, કેવા અનુભવો થયા, એની વાત કરી. પછી તેમણે લખ્યું કે “હવે એ સઘળું તેઓને વીત્યું તે તો દાખલો લેવા માટે થયું; અને જેઓના પર યુગોનો અંત આવી લાગ્યો છે એવો આપણને બોધ મળે તેને સારુ તે લખવામાં આવ્યું છે.” (૧ કોરીંથી ૧૦:૧૧) એટલે સવાલ થાય છે કે હાગ્ગાય અને ઝખાર્યાહના પુસ્તકો આપણા માટે કેટલા કીમતી છે?
૩. હાગ્ગાય અને ઝખાર્યાહે પૂરા દિલથી શાના પર ધ્યાન આપ્યું?
૩ આગળના લેખમાં આપણે હાગ્ગાય અને ઝખાર્યાહની ભવિષ્યવાણીઓ વિષે શીખ્યા. એ બાબેલોનની ગુલામીમાંથી આઝાદ થયેલા યહુદીઓના સમય વિષે હતી. એ યહુદીઓ ઈશ્વરે આપેલા વતનમાં પાછા આવ્યા હતા. હાગ્ગાય અને ઝખાર્યાહે પૂરા દિલથી મંદિરના બાંધકામ પર ધ્યાન આપ્યું. ઈ.સ. પૂર્વે ૫૩૬માં યહુદીઓએ મંદિરનો પાયો નાખ્યો. ખરું કે મોટી ઉંમરના અમુક યહુદીઓ પહેલાના જમાનાની યાદોમાં ખોવાઈ ગયા. પણ મોટા ભાગના યહુદીઓએ ‘હર્ષથી ઊંચે સ્વરે જયજયકાર કર્યો.’ આપણા જમાનામાં જોઈએ તો, એથીયે વધારે મહત્ત્વના બનાવો બન્યા છે. ચાલો આપણે એ જોઈએ.—એઝરા ૩:૩-૧૩.
૪. પહેલું વિશ્વ યુદ્ધ શરૂ થયા પછી તરત શું બન્યું?
૪ પહેલું વિશ્વ યુદ્ધ શરૂ થયા પછી યહોવાહના પસંદ કરાયેલા એટલે અભિષિક્ત ભક્તોને પણ આઝાદી મળી. શેમાંથી? મહાન બાબેલોન એટલે કે જૂઠા ધર્મોની જંજીરમાંથી. તેઓની આઝાદી બતાવતી હતી કે યહોવાહ તેઓને સાથ આપતા હતા. થોડા સમય પહેલાં યહોવાહ વિષે લોકોને શિક્ષણ આપવાનું કામ સાવ બંધ થઈ ગયું હતું. એવું લાગતું હતું કે ધર્મગુરુઓ અને રાજનેતાઓની જીત થઈ હતી. (એઝરા ૪:૮, ૧૩, ૨૧-૨૪) પરંતુ, યહોવાહે પોતાના પ્રચાર કામને આડે આવતાં નડતરોને દૂર કર્યાં. ૧૯૧૯થી યહોવાહના રાજ્ય વિષે લોકોને શિક્ષણ આપવાનું કામ કૂદકે ને ભૂસકે વધી રહ્યું છે. એને કોઈ એટલે કોઈ જ અટકાવી શક્યું નથી.
૫, ૬. ઝખાર્યાહ ૪:૭ કયા મહત્ત્વના બનાવ વિષે કહે છે?
૫ આપણને પૂરી શ્રદ્ધા છે કે લોકોને યહોવાહ વિષે શિક્ષણ આપવાનું કામ કદીયે બંધ નહિ થાય. આપણને તેમનો સાથ છે. ઝખાર્યાહ ૪:૭માં આપણે વાંચીએ છીએ કે “તેને કૃપા થાઓ, કૃપા થાઓ, એવા પોકાર સહિત તે મથાળાની શિલાને બહાર લાવશે.” આપણા સમયમાં આ ભવિષ્યવાણી કઈ રીતે પૂરી થાય છે?
૬ ઝખાર્યાહ ૪:૭ યહોવાહની સાચી ભક્તિ વિષે શું જણાવે છે? એ જણાવે છે કે એવો સમય આવશે, જ્યારે ધરતી પર બધા જ લોકો યહોવાહને જ ભજશે. તેમના મંદિરમાં જ ભક્તિ કરશે. એ મંદિર કોઈ જગ્યા નથી. એ તો યહોવાહે કરેલી ગોઠવણ છે. એમાં લોકો ઈસુ ખ્રિસ્તની કુરબાની દ્વારા યહોવાહની પવિત્ર ભક્તિ કરી શકે છે. આ ગોઠવણ વગર આપણે ઈશ્વરની નજરમાં અધૂરા છીએ. તેમની ભક્તિ કરવા લાયક નથી. યહોવાહની સાચી ભક્તિ શરૂ કરવાની ગોઠવણ પહેલી સદીથી શરૂ થઈ. પણ આખી ધરતી પર સર્વ લોકો એ મુજબ યહોવાહને ભજતા નથી. પણ એમ જરૂર થશે! આજે દુનિયામાં લાખો લોકો યહોવાહની ભક્તિ જાણે તેમના મંદિરમાં કરે છે. જ્યારે ઈસુ પૃથ્વી પર હજાર વર્ષ રાજ કરશે, ત્યારે ગુજરી ગયેલાઓ સજીવન થશે. પછી બધા લોકો ઈશ્વરની નજરમાં શુદ્ધ ને પવિત્ર બનશે. હજાર વર્ષના અંતે જેઓ યહોવાહને દિલોજાનથી ભજતા હશે, તેઓ જ સ્વર્ગ જેવી પૃથ્વી પર રહેતા હશે.
૭. આપણા જમાનામાં બધાય લોકો યહોવાહની ભક્તિ કરી શકે, એ માટે ઈસુએ શું કર્યું છે? એનાથી શા માટે આપણી હોંશ વધવી જોઈએ?
૭ ઈ.સ. પૂર્વે ૫૧૫માં યહોવાહના મંદિરનું બાંધકામ પૂરું થયું. અધિકારી ઝરુબ્બાબેલ અને પ્રમુખ યાજક યહોશુઆએ એ નજરે જોયું. લોકો ફરીથી પૂરા દિલથી યહોવાહની ભક્તિ કરવા લાગ્યા. એવી જ રીતે ઝખાર્યાહ ૬:૧૨, ૧૩ જણાવે છે કે ઈસુ પોતે વિશ્વમાં યહોવાહની ભક્તિ હંમેશાં માટે સ્થાપશે. એ કલમો કહે છે, ‘સૈન્યોનો દેવ યહોવાહ કહે છે કે જો, અંકુર નામનો પુરુષ! તે પોતાના સ્થાનમાંથી ઊગી નીકળશે, ને તે યહોવાહનું મંદિર બાંધશે; તે પ્રતાપી થશે, અને તે પોતાના રાજ્યાસન પર બેસીને રાજ કરશે; અને તેના રાજ્યાસન પર યાજક બેસશે.’ ઈસુ સ્વર્ગમાં છે ને તે દાઊદના રાજવંશને ચાલુ રાખે છે. તે યહોવાહના રાજ્યના પ્રચારને પૂરો સાથ આપે છે. તો પછી, શું તમને લાગે છે કે એ કામને કોઈ પણ અટકાવી શકશે? ચોક્કસ નહિ! એટલે ચાલો આપણે રોજની ચિંતાઓમાં અટવાઈ જઈએ નહિ. પણ પ્રચારના કામમાં જોર-શોરથી મંડી પડીએ.
મારા જીવનમાં શું મહત્ત્વનું છે?
૮. આપણે યહોવાહની ભક્તિ અને પ્રચાર કામ કેમ જોર-શોરથી કરવા જોઈએ?
૮ યહોવાહની કૃપા પામવા, તેમનો સાથ મેળવવા શું કરવું જોઈએ? તન-મન-ધનથી તેમની ભક્તિ અને પ્રચાર કામ કરવું જોઈએ. પહેલાના જમાનામાં યહુદીઓ કહેતા હતા કે યહોવાહની ભક્તિ કરવાનો “વખત આવ્યો નથી.” આપણે તેઓ જેવા ન બનીએ. એને બદલે યાદ રાખવું જોઈએ કે આપણે તો “છેલ્લા સમયમાં” જીવીએ છીએ. (હાગ્ગાય ૧:૨; ૨ તીમોથી ૩:૧) ઈસુએ પહેલેથી જણાવ્યું હતું કે તેમને પગલે ચાલનારાઓ ચોક્કસ યહોવાહના રાજ્યનો પ્રચાર કરશે. લોકોને યહોવાહની ભક્તિ કરવા મદદ કરશે. ધ્યાન રાખવું જોઈએ કે આપણે એ કામમાં બેદરકાર ન બનીએ. દુશ્મનોને કારણે, લોકોને યહોવાહનું શિક્ષણ આપવાનું કામ થોડા સમય માટે અટકી ગયું હતું. ૧૯૧૯થી એ કામે ફરીથી જોર પકડ્યું છે, પણ હજુ પૂરું થયું નથી. એમાં જરાય શંકા નથી કે એ ચોક્કસ પૂરું થશે જ!
૯, ૧૦. યહોવાહનો આશીર્વાદ મેળવવો હોય, તો આપણે શું કરવાની જરૂર છે?
૯ આપણે દરેક જેટલી ધગશથી યહોવાહની ભક્તિ અને પ્રચાર કરતા રહીશું, એટલા જ આશીર્વાદો મળશે. પહેલાના જમાનામાં પણ યહુદીઓને યહોવાહે એવું જ વચન આપ્યું હતું. એનાથી આપણને પણ હિંમત મળે છે! જ્યારે યહુદીઓ પૂરા દિલથી યહોવાહની ભક્તિ કરવા લાગ્યા, અને તેમનું મંદિર બાંધવા લાગ્યા, ત્યારે યહોવાહે લોકોને કહ્યું કે “આજથી હું તમને આશીર્વાદ આપીશ.” (હાગ્ગાય ૨:૧૯) સાચે જ, ફરીથી યહોવાહની અપાર કૃપા તેઓ પર રહેશે. પછી યહોવાહે આ આશીર્વાદનું વચન આપ્યું: “શાંતિના બીજરૂપે દ્રાક્ષાવેલો પોતાનું ફળ આપશે, ને ભૂમિ પોતાની ઊપજ આપશે, ને આકાશમાંથી ઓસ પડશે; અને આ લોકમાંના બચી રહેલાઓને હું આ સર્વ વાનાંનો વારસો અપાવીશ.”—ઝખાર્યાહ ૮:૯-૧૩.
૧૦ યહોવાહે એ યહુદીઓને સનાતન સત્ય અને ચીજ-વસ્તુઓનો આશીર્વાદ આપ્યો હતો. એ જ રીતે આપણને પણ આશીર્વાદ આપશે. પણ એને માટે આપણે પૂરા દિલથી, જોર-શોરથી તેમણે સોંપેલી જવાબદારી પૂરી કરીએ. યહોવાહ કેવા આશીર્વાદો આપશે? એકબીજાની સાથે શાંતિથી રહી શકીશું. કોઈ પણ જાતનો ડર નહિ હોય. સફળ જીવન જીવીશું ને ઈશ્વરનું સનાતન સત્ય વધુ સમજી શકીશું. પરંતુ આશીર્વાદ મેળવવો હોય, તો યહોવાહનું કહેવું સાંભળીએ. તેમની ભક્તિ ને પ્રચાર કામમાં મંડ્યા રહીએ.
૧૧. આપણે દરેકે પોતાને શું પૂછવાની જરૂર છે?
૧૧ ‘આપણા માર્ગો વિષે વિચાર કરવાનો’ સમય હમણાં જ છે. (હાગ્ગાય ૧:૫, ૭) આપણે દરેકે જોવાની જરૂર છે કે જીવનમાં આપણે શાને મહત્ત્વ આપીએ છીએ? યહોવાહના આશીર્વાદો મેળવવા આપણે દરેક તેમનું નામ રોશન કરીએ. તેમની ભક્તિ અને સોંપેલું પ્રચાર કામ કરીએ. આપણે દરેક આપણા દિલને પૂછીએ કે ‘મારા જીવનમાં સૌથી મહત્ત્વનું કામ શું છે? બાપ્તિસ્મા પામ્યો ત્યારે મને યહોવાહ, સત્ય અને તેમના કામ માટે જે હોંશ હતી, એથીયે વધારે આજે છે કે કેમ? યહોવાહની ભક્તિ ને પ્રચાર કામ કરવાને બદલે, શું હું એશઆરામી જીવન ચાહું છું? “લોકો શું કહેશે” એવો ડર મારા મનમાં ઘર કરી ગયો છે?’—પ્રકટીકરણ ૨:૨-૪.
૧૨. હાગ્ગાય ૧:૬, ૯ યહુદીઓની કેવી હાલત વિષે જણાવે છે?
૧૨ આપણે જો યહોવાહનું નામ રોશન કરવાના કામમાં ઠંડા પડી જઈશું, તો યહોવાહ પણ પોતાના આશીર્વાદો અટકાવી રાખશે. આપણે એ ચાહતા નથી. યહુદીઓએ પણ યહોવાહનું મંદિર બાંધવાનું કામ શરૂઆતમાં જોર-શોરથી ચાલુ કરી દીધું હતું. પણ પછી હાગ્ગાય ૧:૯ કહે છે તેમ, ‘સર્વ પોતપોતાના ઘરની પાછળ’ દોડવા લાગ્યા. તેઓએ યહોવાહની ભક્તિ બાજુએ મૂકી દીધી અને પોતાના રોજના જીવનમાં ડૂબી ગયા. એટલે તેઓ ‘ઘરે થોડું જ લાવતા.’ અનાજ-પાણી પૂરતા ન હતા. ગરમ કપડાંની ખોટ હતી. (હાગ્ગાય ૧:૬) યહોવાહે પોતાની કૃપાનો હાથ પાછો ખેંચી લીધો હતો. એમાંથી આપણે શું શીખી શકીએ?
૧૩, ૧૪. હાગ્ગાય ૧:૬, ૯માંથી આપણે શું શીખી શકીએ, એ કેમ મહત્ત્વનું છે?
૧૩ આપણે જો યહોવાહની ભક્તિને બદલે, આપણા પોતાનામાં જ ડૂબી જઈએ, તો કઈ રીતે યહોવાહના આશીર્વાદોની આશા રાખી શકીએ? આપણે એવી કોઈ પણ બાબતોને ઘસીને ના કહીએ, જે યહોવાહની ભક્તિમાં આડે આવતી હોય. પછી ભલે એ પૈસા પાછળની દોટ હોય. ધનવાન થવાની તરકીબો હોય. આ દુનિયામાં નામ મોટું કરવા માટે ઊંચી ઊંચી ડિગ્રીઓ કે નોકરી મેળવવાનો પ્લાન હોય. કે પછી પોતાનાં બીજાં કોઈ સપનાં હોય.
૧૪ ખરું કે એમાંની બધી જ બાબતો ખરાબ નથી. તોપણ, આપણે જો એને હંમેશ માટેના જીવન સાથે સરખાવીએ તો એ બધું કંઈ જ કામનું નથી. એ બધાં ‘નિર્જીવ કામો’ છે. (હેબ્રી ૯:૧૪) કઈ રીતે? યહોવાહની ભક્તિ અને તેમની સાથેના સંબંધ સાથે સરખાવીએ તો એ બધુંય નકામું છે. જો કોઈ વ્યક્તિ એવાં કામો કરતો રહે તો, યહોવાહ સાથેનો તેનો નાતો તૂટી જશે. પહેલી સદીમાં પણ સ્વર્ગમાં જનારામાંથી અમુક એવા જ કામોમાં ફસાઈ ગયા. (ફિલિપી ૩:૧૭-૧૯) આપણા જમાનામાં પણ અમુક એવી જ રીતે ફસાઈ ગયા છે. તમે પોતે કોઈને જાણતા હશો, જેઓ મંડળથી ધીમે ધીમે રોજિંદાં કામોમાં ડૂબી ગયા છે. હવે તેઓને જાણે યહોવાહ સાથેના પોતાના સંબંધની કશી જ પડી નથી. આપણે તો દિલથી ચાહીએ છીએ કે તેઓ જલદી જ પાછા યહોવાહને ચરણે આવે. તોપણ એવાં ‘નિર્જીવ કામો’ પાછળ પડી જવાથી, વ્યક્તિ યહોવાહની કૃપા ગુમાવી શકે છે. યહોવાહ તરફથી આનંદ અને શાંતિ ગુમાવી શકે. અરે, ભાઈ-બહેનોનો સાથ ને દોસ્તી પણ ગુમાવશે. ખરેખર, કેટલા અફસોસની વાત કહેવાય!—ગલાતી ૧:૬; ૫:૭, ૧૩, ૨૨-૨૪.
૧૫. હાગ્ગાય ૨:૧૪ પ્રમાણે, યહોવાહની ભક્તિ આપણા માટે કેમ બહુ મહત્ત્વની છે?
૧૫ આ વિચારવા જેવી વાત છે. યહુદીઓ યહોવાહનું મંદિર બાંધવાનું પડતું મૂકીને પોતાના ઘરોને સજાવવામાં લાગી ગયા. યહોવાહને એના વિષે કેવું લાગ્યું? હાગ્ગાય ૨:૧૪ કહે છે: “યહોવાહ કહે છે કે મારી નજરમાં આ લોક એવા જ છે, ને આ પ્રજા એવી જ છે; અને તેમના હાથોનું દરેક કામ એવું જ છે; અને ત્યાં જે કંઈ તેઓ અર્પણ કરે છે તે અશુદ્ધ છે.” ભલેને યહુદીઓ દેખાડો કરવા યરૂશાલેમની વેદી પર યહોવાહને અર્પણો ચડાવતાં. તોપણ જ્યાં સુધી તેઓએ દિલથી યહોવાહની ભક્તિ કરી નહિ, ત્યાં સુધી યહોવાહને એ અર્પણો મંજૂર ન હતાં.—એઝરા ૩:૩.
યહોવાહ પૂરો સાથ આપે છે
૧૬. ઝખાર્યાહને થયેલા સંદર્શનો પરથી યહુદીઓને શાની ગૅરંટી મળી હતી?
૧૬ જે યહુદીઓ યહોવાહના કહેવા પ્રમાણે જ ચાલ્યા ને મંદિરના બાંધકામમાં ડૂબી ગયા, તેઓને યહોવાહે સાથ આપવાનું વચન આપ્યું. યહોવાહે એ વચન ઝખાર્યાહને આઠ સંદર્શન દ્વારા બતાવ્યું. પહેલા તો એ ગૅરંટી આપવામાં આવી કે મંદિરનું કામ ચોક્કસ પૂરું થશે. યરૂશાલેમ અને યહુદાહમાં રહેતા યહુદીઓ દિલ લગાડીને પોતાનું કામ પૂરું કરે તો, ચોક્કસ સુખી થશે. (ઝખાર્યાહ ૧:૮-૧૭) બીજું એ વચન આપવામાં આવ્યું કે સાચી ભક્તિને આડે આવનાર બધી સરકારોનો નાશ થશે. (ઝખાર્યાહ ૧:૧૮-૨૧) એ સિવાય સંદર્શનોમાં બીજાં કયાં વચનો આપવામાં આવ્યાં? એ કે બાંધકામમાં યહોવાહ તરફથી રક્ષણ મળશે. મંદિર બંધાઈ જાય પછી, એમાં ઘણી નાત-જાતના લોકો યહોવાહની ભક્તિ કરવા આવશે. સર્વ લોકોમાં સંપ હશે, શાંતિ હશે. યહોવાહના કામમાં આડે આવનારા કોઈ પણ નડતરો, ભલે પર્વત જેવા ઊંચા હોય તોપણ, દૂર કરાશે. દુષ્ટ કામોનો અંત લાવવામાં આવશે. યહોવાહના કામમાં તેમના સ્વર્ગ દૂતો લોકોને દોરશે, રક્ષણ કરશે. (ઝખાર્યાહ ૨:૫, ૧૧; ૩:૧૦; ૪:૭; ૫:૬-૧૧; ૬:૧-૮) હવે આપણે સમજી શકીએ કે યહોવાહે આપેલી આ ગૅરંટીથી સાચા દિલથી ભજતા ઈશ્વરભક્તોએ જીવનમાં કેટલા ફેરફારો કર્યા હશે. યહોવાહે જે કામ માટે તેઓને ગુલામીમાંથી આઝાદ કર્યા હતા, એમાં મન મૂકીને તેઓ લાગી ગયા.
૧૭. આપણને જે આશીર્વાદોની ગૅરંટી મળી છે, એને જોતા, કેવા સવાલો પર વિચાર કરવો જોઈએ?
૧૭ આજે આપણે પણ જોઈએ છીએ કે યહોવાહની ભક્તિની જીત થતી જાય છે. એનાથી આપણી હોંશ પણ વધવી જોઈએ. યહોવાહની ભક્તિ માટે આપણે પણ જીવનમાં ફેરફારો કરવા તૈયાર હોવા જોઈએ. આપણે આના પર વિચાર કરીએ: ‘શું મને પાકી ખાતરી છે કે યહોવાહના રાજ્ય વિષે બધાને જણાવવાનો, શીખવવાનો આ જ સમય છે? શું મારા જીવનમાં એ પહેલું આવે છે? હું બાઇબલ વાંચવા, એના પર વિચાર કરવા માટે પૂરતો સમય આપું છું? મંડળના ભાઈ-બહેનો અને બીજા લોકો સાથે એ વિષે વાતચીત કરું છું?’
૧૮. ઝખાર્યાહના ચૌદમા અધ્યાય પ્રમાણે જલદી જ શું બનશે?
૧૮ ઝખાર્યાહે મહાન બાબેલોન એટલે કે સર્વ જૂઠા ધર્મોના નાશ વિષે જણાવ્યું. એના પછી આર્માગેદનના યુદ્ધ વિષે જણાવ્યું. ઝખાર્યાહ કહે છે કે “તે એવો દિવસ હશે કે જે વિષે યહોવાહ જ જાણે છે; એટલે દિવસ નહિ, તેમ રાત પણ નહિ; પણ એવું બનશે કે સાંજની વખતે અજવાળું હશે.” એ યહોવાહના દુશ્મનો માટે સાચે જ અફસોસનો સમય હશે! પણ યહોવાહના ભક્તો પર સૂરજ ઊગી નીકળશે. ઝખાર્યાહ એ પણ જણાવે છે કે કઈ રીતે નવી દુનિયામાં બધી જ વસ્તુઓ યહોવાહની પવિત્રતા પ્રગટ કરશે. આખી દુનિયામાં બધા લોકો ખુદ તેમની જ ભક્તિ કરશે! (ઝખાર્યાહ ૧૪:૭, ૧૬-૧૯) એનાથી વધારે ગૅરંટી શું હોય કે આપણે આ બધું પૂરું થતા જોઈશું. આપણે યહોવાહનો વિશ્વના રાજા તરીકે જયજયકાર થતા જોઈશું. યહોવાહનો એ દિવસ કેવો યાદગાર દિવસ હશે!
યહોવાહની કૃપા સદાય આપણા પર રહેશે
૧૯, ૨૦. ઝખાર્યાહ ૧૪:૮, ૯ કઈ રીતે તમને હિંમત બંધાવે છે?
૧૯ એ યાદગાર દિવસ પછી, શેતાન અને તેના ચેલાઓને એવી રીતે પૂરી દેવામાં આવશે કે તેઓ કોઈને કંઈ જ ન કરી શકે. (પ્રકટીકરણ ૨૦:૧-૩, ૭) પછી, ઈસુના હજાર વર્ષના રાજ દરમિયાન બસ આશીર્વાદો જ મળતા રહેશે. ઝખાર્યાહ ૧૪:૮, ૯ કહે છે કે “તે દિવસે યરૂશાલેમમાંથી જીવતાં પાણી નીકળીને વહેશે; એટલે અડધાં પૂર્વ સમુદ્ર તરફ ને અડધાં પશ્ચિમ સમુદ્ર તરફ; એમ ઉનાળામાં તથા શિયાળામાં પણ થશે. યહોવાહ આખી પૃથ્વી ઉપર રાજા થશે; તે દિવસે યહોવાહ એક જ મનાશે, ને તેનું નામ એક જ હશે.”
૨૦ “જીવતાં પાણી” કે “જીવનના પાણીની નદી” શું છે? આપણને જીવન મળે, એ માટે યહોવાહે જે ગોઠવણ કરી છે, તેને એ રજૂ કરે છે. એ પાણી ઈસુ અને ઈશ્વરના રાજ્યથી હંમેશાં વહેતું રહેશે. (પ્રકટીકરણ ૨૨:૧, ૨) યહોવાહના ભક્તોનાં ટોળેટોળાં આર્માગેદનની લડાઈમાંથી બચી જશે. તેઓ આદમથી મળેલા વારસાની સજામાંથી આઝાદ થશે. અરે, જેઓ મોતના મોંમાં ચાલ્યા ગયા છે, તેઓને પણ સજીવન કરવામાં આવશે. પછી પૃથ્વી પર યહોવાહના રાજનો નવો યુગ શરૂ થશે. પૃથ્વી પર રહેનારા સર્વ યહોવાહને જ વિશ્વના માલિક માનશે. ફક્ત તેમની જ ભક્તિ કરશે.
૨૧. આપણે પૂરા દિલથી શું કરવું જોઈએ?
૨૧ હાગ્ગાય અને ઝખાર્યાહે ઘણી ભવિષ્યવાણી કરી હતી અને એ પૂરી પણ થઈ. એ આપણી હોંશ વધારે છે, જેથી આપણે તેમનું સોંપેલું કામ જોર-શોરથી કરતા રહીએ. હવે એ સમય બહુ દૂર નથી જ્યારે આખી દુનિયામાં બધા લોકો યહોવાહની જ ભક્તિ કરશે. ત્યાં સુધી ચાલો આપણે જીવનમાં યહોવાહની ભક્તિ અને તેમના કામને પહેલા રાખીએ. ઝખાર્યાહ ૮:૯ આપણને હિંમત રાખવાની અરજ કરે છે: “તે સમયે પ્રબોધકોએ કહેલાં વચનો આ વખતે સાંભળનારાઓ, તમારા હાથ બળવાન થાઓ.” (w06 4/15)
આપણે શું શીખ્યા?
• હાગ્ગાય અને ઝખાર્યાહના પુસ્તકોમાં શું છે જે આપણા જમાનાને પણ લાગુ પડે છે?
• જીવનમાં શું મહત્ત્વનું હોવું જોઈએ, એ વિષે હાગ્ગાય અને ઝખાર્યાહનાં પુસ્તકો શું શીખવે છે?
• હાગ્ગાય અને ઝખાર્યાહનાં પુસ્તકો પર વિચાર કરવાથી આવતી કાલ માટે શું આશા મળે છે?
[અભ્યાસ પ્રશ્નો]
[પાન ૧૪ પર ચિત્ર]
હાગ્ગાય અને ઝખાર્યાહે યહુદીઓની હોંશ વધારી કે પૂરા દિલથી કામ કરો ને આશીર્વાદ પામો
[પાન ૧૫ પર ચિત્ર]
શું તમે ‘તમારા ઘરની પાછળ દોડો છો’?
[ચિત્ર વપરાયું નથી]
[ યહોવાહે આશીર્વાદનું વચન આપ્યું અને પૂરું પણ કર્યું ]