સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું તમે આ જગતના અંતમાંથી બચશો?

શું તમે આ જગતના અંતમાંથી બચશો?

શું તમે આ જગતના અંતમાંથી બચશો?

“તું ને તારા ઘરનાં બધાં માણસો વહાણમાં આવો; કેમ કે આ પેઢીમાં મેં તને જ મારી સમક્ષ ન્યાયી જોયો છે.”—ઉત્પત્તિ ૭:૧.

૧. નુહના સમયમાં જળપ્રલયમાંથી બચવા યહોવાહે કેવી ગોઠવણ કરી?

 યહોવાહ નુહના સમયમાં “અધર્મી જગત પર જળપ્રલય” લાવ્યા. એ સાથે તેમણે જળપ્રલયમાંથી બચવા માટેની ગોઠવણ પણ કરી. (૨ પીતર ૨:૫) પરમેશ્વરે ન્યાયી નુહને વહાણ બનાવવાની અને જળપ્રલય દરમિયાન કઈ રીતે જીવન ટકાવી રાખવું એની પણ સલાહ આપી. (ઉત્પત્તિ ૬:૧૪-૧૬) નુહ યહોવાહને વફાદાર રહ્યા. “તેને જે સર્વ આજ્ઞા આપી હતી, તે પ્રમાણે તેણે કર્યું.” ખરેખર “નુહે એમ જ કર્યું.” નુહે આજ્ઞા પાળી એટલે આજે આપણે જીવીએ છીએ.—ઉત્પત્તિ ૬:૨૨.

૨, ૩. (ક) નુહને વહાણ બનાવતા જોઈને તે સમયના લોકો કેવું વિચારતા હતા? (ખ) કયા ભરોસા સાથે નુહ અને તેમનું કુટુંબ વહાણમાં ગયા?

વહાણ બનાવવું કંઈ રમત વાત ન હતી. લોકો વિચારતા હતા કે નુહ અને તેના પરિવારને વહાણ બનાવવાથી શું ફાયદો થશે? વહાણ બની ગયું તોપણ, લોકો સમજ્યા નહિ કે વહાણમાં જવાથી તેઓનું જીવન બચી જશે. દુષ્ટ લોકો સુધર્યા નહિ ત્યારે યહોવાહ દુઃખી થઈ ગયા. આખરે તેમની ધીરજ ખૂટી ગઈ અને તે દુષ્ટોનો અંત લાવ્યા.—ઉત્પત્તિ ૬:૩; ૧ પીતર ૩:૨૦.

નુહ અને તેમના પરિવારે વર્ષો સુધી મહેનત કરી. પછી યહોવાહે નુહને કહ્યું: “તું ને તારા ઘરનાં બધાં માણસો વહાણમાં આવો; કેમ કે આ પેઢીમાં મેં તને જ મારી સમક્ષ ન્યાયી જોયો છે.” નુહને યહોવાહના વચનોમાં પૂરો ભરોસો હતો. તેથી “નુહ તથા તેના દીકરા તથા તેની સ્ત્રી તથા તેના દીકરાઓની સ્ત્રીઓ જળપ્રલયને લીધે વહાણમાં ગયાં.” યહોવાહે પોતાના ભક્તોનું રક્ષણ કરવા માટે વહાણનો દરવાજો બંધ કરી દીધો. પછી જળપ્રલય આવ્યો ત્યારે, વહાણમાં હતા એ સર્વ બચી ગયા. કારણ? તેઓ યહોવાહના કહેવા પ્રમાણે ચાલ્યા હતા.—ઉત્પત્તિ ૭:૧, ૭, ૧૦, ૧૬.

નુહના દિવસો જેવો આપણો સમય

૪, ૫. (ક) ઈસુએ તેમના આવવાની સરખામણી કોની સાથે કરી? (ખ) નુહ અને આપણા દિવસોમાં શું સરખાપણું જોવા મળે છે?

“જેમ નુહના સમયમાં થયું, તેમ જ માણસના દીકરાનું આવવું પણ થશે.” (માત્થી ૨૪:૩૭) આ શબ્દોથી ઈસુએ કહ્યું કે પોતે સ્વર્ગમાં રાજા બનશે ત્યારે નુહના દિવસોની જેમ જ બનશે. અને એમ જ બની રહ્યું છે. નુહના દિવસોમાં ચેતવણીનો સંદેશો આપવામાં આવ્યો હતો. એવી જ રીતે ૧૯૧૯થી સર્વ પ્રજાના લોકોને ચેતવણીનો સંદેશો જણાવવામાં આવે છે. નુહના દિવસોની જેમ મોટા ભાગના લોકો એ ચેતવણીને ધ્યાન આપતા નથી.

જળપ્રલય દ્વારા યહોવાહે ‘જુલમથી ભરેલી’ દુનિયાનો નાશ કર્યો. (ઉત્પત્તિ ૬:૧૩) નુહ અને તેમના પરિવારે કોઈના પર જુલમ કર્યો ન હતો. તેઓ શાંતિથી વહાણ બનાવતા હતા. બધા લોકો એ જાણતા હતા. આ મુદ્દે પણ આપણા સમયમાં એક સરખાપણું જોવા મળે છે. નેકદિલ લોકો “સદાચારીની તથા દુરાચારીની વચ્ચેનો, ઈશ્વરની સેવા કરનારની તથા તેની સેવા નહિ કરનારની વચ્ચેનો ભેદ” સમજી શકે છે. (માલાખી ૩:૧૮) જેઓ યહોવાહના સાક્ષીઓને નફરત નથી કરતા, તેઓ જાણે છે કે આપણે પ્રમાણિક, દયાળુ, શાંતિચાહક અને મહેનતુ લોકો છીએ. તેઓ દુનિયાના અને પરમેશ્વરના લોકો વચ્ચેનો ફરક જોઈ શકે છે. આપણે કોઈ જાતની હિંસા કે જુલમ કરતા નથી. આપણે યહોવાહના માર્ગદર્શન પ્રમાણે ચાલીએ છીએ, તેથી આપણામાં શાંતિ છે. સાથે સાથે આપણે ન્યાયથી વર્તીએ છીએ.—યશાયાહ ૬૦:૧૭.

૬, ૭. (ક) નુહના સમયમાં લોકોએ શેના પ્રત્યે ધ્યાન ન આપ્યું? આજના લોકો કઈ રીતે નુહના સમય જેવા જ છે? (ખ) કયા દાખલા બતાવે છે કે યહોવાહના સાક્ષીઓ બીજા લોકો ને ધર્મ કરતાં અલગ છે?

નુહના જમાનાના લોકો જાણતા ન હતા કે નુહ પરમેશ્વરના કહેવા પ્રમાણે ચાલે છે. તેથી લોકોએ નુહનો સંદેશો સાંભળ્યો નહિ. તેઓએ ચેતવણીથી મોં ફેરવી દીધું. આજે લોકો આપણા વિષે શું વિચારે છે? શું તેઓ આપણો પ્રચાર સાંભળે છે? આજે ઘણા લોકો આપણા વાણી-વર્તન અને પ્રચાર કામની કદર કરે છે. પણ બાઇબલની ચેતવણીને ધ્યાન આપતા નથી. પાડોશીઓ, નોકરી પર સાહેબ કે સાથે કામ કરનારા, અથવા સગાંવહાલાં આપણા સારા ગુણોની કદર કરે છે. પણ એ જ સમયે તેઓને ખૂંચે છે કે આપણે યહોવાહના સાક્ષીઓ છે. તેઓ ફરિયાદ કરે છે કે “તમે યહોવાહના સાક્ષીઓ ન હોત તો, કેવું સારું!” પણ તેઓ જાણતા નથી યહોવાહ આપણને જીવનના માર્ગમાં દોરે છે. એના લીધે આપણે પ્રેમ, શાંતિ, દયા, ભલાઈ, નમ્રતા અને સંયમ જેવા ગુણો જીવનમાં લાગુ પાડીએ છીએ. (ગલાતી ૫:૨૨-૨૫) આવા ગુણોથી લોકો આપણો સંદેશો સાંભળવા પ્રેરાવા જોઈએ.

દાખલા તરીકે, રશિયામાં યહોવાહના સાક્ષીઓ એક કિંગ્ડમ હૉલ બાંધતા હતા. એક માણસ એ બાંધકામ જોતો હતો. તેણે એક ભાઈને પૂછ્યું, “તમે લોકો સિગારેટ નથી પીતા, ખરાબ શબ્દો નથી બોલતા, અને શરાબ પણ પીતા નથી. શું તમે યહોવાહના સાક્ષી છો?” બાંધકામ કરતા ભાઈએ કહ્યું, “હું ના કહું તો, શું તમને મારી વાત સાચી લાગશે?” એ માણસે કહ્યું, “જરાય નહિ!” રશિયામાં બીજા એક શહેરમાં સાક્ષીઓ કિંગ્ડમ હૉલ બાંધતા હતા ત્યારે મેયરે એ જોઈને કદર કરી. મેયર કબૂલ્યું કે એક સમયે પોતે એમ માનતા હતા કે દરેક ધર્મો સરખા છે. પણ યહોવાહના સાક્ષીઓને કોઈ પણ સ્વાર્થ વગર કિંગ્ડમ હૉલ બાંધતા જોઈને તેમના વિચારો બદલાઈ ગયા. આ દાખલા બતાવે છે કે યહોવાહના સાક્ષીઓ બાઇબલના નિયમો અને સિદ્ધાંતો પ્રમાણે ચાલે છે. તેઓ બીજા લોકો, બીજા ધર્મ કરતાં જુદા છે.

૮. આપણે આ દુનિયાના વિનાશથી બચવા માટે શું કરવું જોઈએ?

જળપ્રલય આવ્યો એ પહેલાં ‘પુરાતન જગતના’ છેલ્લા દિવસોમાં, નુહ ‘ન્યાયીપણાનો ઉપદેશક’ હતો. (૨ પીતર ૨:૫) આ જગતના છેલ્લા દિવસોમાં યહોવાહના લોકો બીજાઓને પરમેશ્વરના ન્યાયી ધોરણો શીખવે છે. આ દુનિયાના વિનાશમાંથી બચીને નવી દુનિયામાં જઈ શકે એ માટે સુસમાચારનો પ્રચાર કરે છે. (૨ પીતર ૩:૯-૧૩) નુહ અને તેમનું કુટુંબ વહાણમાં હોવાથી બચી ગયા. એવી જ રીતે, લોકોને વિશ્વાસ હશે અને તેઓ યહોવાહના સંગઠનને વળગી રહેશે તો, તેઓ પણ આ દુનિયાનો વિનાશ થશે ત્યારે બચી જશે.

બચવા માટે વિશ્વાસ જરૂરી છે

૯, ૧૦. આ જગતના વિનાશમાંથી બચવું હોય તો, વિશ્વાસ શા માટે જરૂરી છે?

આજે આખી દુનિયા શેતાનની સત્તામાં છે. તો પછી, આ દુનિયાનો નાશ થાય ત્યારે એમાંથી બચવા શું કરવું જોઈએ? (૧ યોહાન ૫:૧૯) આપણને રક્ષણની જરૂર છે એ પહેલા સમજવું જોઈએ. પછી રક્ષણ મેળવવા પગલાં ભરવા જોઈએ. નુહના સમયમાં લોકો પોતાના રોજિંદા કામમાં રચ્યા-પચ્યા હતા. તેઓએ નાશમાંથી બચવા વિષે કંઈ વિચાર્યું ન હતું. પરમેશ્વરમાં વિશ્વાસ બતાવ્યો ન હતો.

૧૦ જ્યારે કે નુહ અને તેમનો પરિવાર સમજતા હતા કે તેઓને રક્ષણની જરૂર છે. વિનાશમાંથી બચવા કંઈક કરવાની જરૂર છે. તેથી તેઓએ વિશ્વના માલિક, યહોવાહ પર પૂરો વિશ્વાસ મૂક્યો હતો. પ્રેષિત પાઊલે લખ્યું: “વિશ્વાસ વગર દેવને પ્રસન્‍ન કરવો એ બનતું નથી; કેમ કે દેવની પાસે જે કોઈ આવે, તેણે તે છે, અને જેઓ ખંતથી તેને શોધે છે તેઓને તે ફળ આપે છે એવો વિશ્વાસ કરવો જોઈએ. નુહે જે વાત હજી સુધી તેના જોવામાં આવી નહોતી, તે વિષે ચેતવણી પામીને, અને ઈશ્વરનો ડર રાખીને વિશ્વાસથી પોતાના કુટુંબના તારણને સારુ વહાણ તૈયાર કર્યું; તેથી તેણે જગતને દોષિત ઠરાવ્યું, અને વિશ્વાસથી જે ન્યાયીપણું મળે છે તેનો તે વારસ થયો.”—હેબ્રી ૧૧:૬, ૭.

૧૧. યહોવાહે જૂના જમાનામાં પોતાના ભક્તોનું જે રીતે રક્ષણ કર્યું, એમાંથી આપણે શું શીખી શકીએ?

૧૧ આ દુષ્ટ જગતના અંતમાંથી આપણે કઈ રીતે બચી શકીએ? આપણે માનવું જોઈએ કે આ દુનિયાનો નાશ થશે. આપણે ઈસુના બલિદાનમાં વિશ્વાસ કરવો જોઈએ. (યોહાન ૩:૧૬, ૩૬) એની સાથે દુષ્ટ જગતમાંથી બચવા માટે યહોવાહે જે ગોઠવણ કરી છે એનો આપણે પૂરેપૂરો લાભ ઉઠાવવાની જરૂર છે. આ વિષે વધારે સમજવા, જૂના જમાનામાં યહોવાહે કઈ રીતે પોતાના લોકોને બચાવ્યા એ આપણે જોઈએ. નુહ અને તેમનું કુટુંબ બચી ગયા, કેમ કે તેઓ વહાણમાં હતા. હવે આશ્રયનગરોનો વિચાર કરો. ઈસ્રાએલીઓના સમયમાં કોઈ ભૂલથી બીજા કોઈને મારી નાખે તો, રક્ષણ મેળવવા માટે તેણે આશ્રયનગરમાં નાસી જવાનું હતું. પ્રમુખયાજક મરણ ન પામે ત્યાં સુધી તેણે એ નગરમાં રહેવાનું હતું. (ગણના ૩૫:૧૧-૩૨) હવે આપણે મુસાના સમયનો વિચાર કરીએ. ઇજિપ્તમાં યહોવાહ દસ મરકી કે આફતો લાવ્યા. દસમી આફતમાં ઇજિપ્તના સર્વ કુટુંબમાં સૌથી મોટો દીકરો માર્યો ગયો. પરંતુ ઈસ્રાએલીઓના કુટુંબમાં મોટો દીકરો બચી ગયો. શા માટે? યહોવાહે મુસાને કહ્યું હતું: ‘ઈસ્રાએલીઓ જે ઘરમાં હલવાન કે લવારું ખાય, તેના બારણાની બન્‍ને બારસાખો તથા ઓતરંગ પર એનું થોડુંક રક્ત છાંટે. તમારામાંના કોઈએ ઘરના બારણાની બહાર જવું નહિ.’ (નિર્ગમન ૧૨:૭, ૨૨) આ કલમ પ્રમાણે ઈસ્રાએલીઓએ ઘરના બારણાના ચોકઠાં પર લોહી છાંટવાનું હતું અને ઘરની બહાર જવાનું ન હતું. એમ કરવાથી દરેક કુટુંબનો મોટો દીકરો આફતમાંથી બચી ગયો.

૧૨. આપણે પોતાને કયો સવાલ પૂછવો જોઈએ? શા માટે?

૧૨ આ દાખલાઓ પરથી આપણે પોતાના વિષે વિચાર કરવાની જરૂર છે. યહોવાહે આપણો વિશ્વાસ મજબૂત કરવા બાઇબલ, એને લગતું સાહિત્ય, મિટિંગો, સંમેલનો અને ભાઈ-બહેનોની ગોઠવણ કરી છે. આપણે પ્રાર્થનામાં પણ યહોવાહનું રક્ષણ માંગી શકીએ. આપણે પોતાને પૂછવું જોઈએ કે શું હું યહોવાહના સંગઠનને વળગી રહીને આ બધા આશીર્વાદોનો લાભ ઉઠાવું છું? એમ કરીશું તો મહાન વિપત્તિ આવશે ત્યારે આપણી આંખોમાં ખુશીના આંસુ હશે. યહોવાહની ગોઠવણની પણ આપણે કદર કરીશું. પરંતુ જેઓ યહોવાહના સંગઠનમાં નહિ રહે, તેમણે કરેલી ગોઠવણનો લાભ નહિ ઉઠાવે, તેઓને પસ્તાવાનો વારો આવશે. તેઓ માટે દુઃખના આંસુ હશે.

સંગઠનમાં સુધારો આપણને બચવા માટે તૈયાર કરે છે

૧૩. (ક) યહોવાહના સંગઠનમાં સુધારા થવાથી શું થયું? (ખ) અમુક કેવા સુધારા થયા એ જણાવો.

૧૩ યહોવાહે પૃથ્વી પરના પોતાના સંગઠનમાં ઘણા ફેરફારો કર્યા છે. એ બહુ સારાં છે અને આપણા ભલા માટે છે. દાખલા તરીકે, ૧૮૭૦થી ૧૯૩૨ સુધી મંડળના ભાઈ-બહેનો વડીલો અને સેવકાઈ ચાકરોની (ડીકોન) પસંદગી વોટ નાખીને કરતા હતા. ૧૯૩૨થી ભાઈ-બહેનો વોટ આપીને સર્વિસ કમિટી પસંદ કરવા લાગ્યા. આ સર્વિસ કમિટી બ્રાંચમાંથી નીમવામાં આવેલા સર્વિસ ડાયરેક્ટરને મદદ કરતી હતી. આ ભાઈઓ પ્રચારમાં ઉત્સાહી હોય, એ ખૂબ જરૂરી હતું. ૧૯૩૮થી બાઇબલ સિદ્ધાંતોને આધારે મંડળમાં સેવકાઈ ચાકરો અને વડીલો પસંદ થવા લાગ્યા. યહોવાહના સાક્ષીઓની ગવર્નિંગ બૉડીના માર્ગદર્શન પ્રમાણે, ૧૯૭૨થી ઓવરસીયર અને સેવકાઈ ચાકર તરીકે ભાઈઓની પહેલાં ભલામણ કરવામાં આવે છે. જો તેઓ બધી રીતે યોગ્ય હોય તો, મંડળોને તેઓની નિમણૂક માટે પત્ર મોકલવામાં આવે છે. સમય પસાર થયો તેમ ગવર્નિંગ બૉડીના કામમાં વધારો થયો. તેથી, સારી રીતે અને સહેલાઈથી કામ થઈ શકે એ માટે બીજા ઘણા સુધારા કરવામાં આવ્યા.

૧૪. ૧૯૫૯માં કઈ સ્કૂલની શરૂઆત થઈ?

૧૪ ૧૯૫૦માં ગીતશાસ્ત્ર ૪૫:૧૬ પર ઊંડો વિચાર કરવાથી સતત ચાલુ રહે એવા તાલીમ કાર્યક્રમની શરૂઆત થઈ. કલમ આમ કહે છે: “તારા પિતૃઓને ઠેકાણે તારા દીકરા આવશે, તેઓને તું આખા દેશ પર સરદારો ઠરાવશે.” મંડળમાં આગેવાની લેતા વડીલોને હમણાં અને આર્માગેદન પછી પણ પરમેશ્વરે સોંપેલી જવાબદારી પૂરી કરી શકે એ માટે તાલીમ આપવામાં આવે છે. (પ્રકટીકરણ ૧૬:૧૪, ૧૬) ૧૯૫૯માં કિંગ્ડમ મિનિસ્ટ્રી સ્કૂલની શરૂઆત થઈ. એ સમયે મંડળમાં પ્રિઝાઈડિંગ ઑવરસિયરને તાલીમ આપવા માટે મહિનાનો કોર્સ રાખવામાં આવતો હતો. હવે આ સ્કૂલમાં બધા જ વડીલો અને સેવકાઈ ચાકરોને તાલીમ આપવામાં આવે છે. એના લીધે હવે ભાઈઓ પોત-પોતાના મંડળમાં ભાઈ-બહેનોને જોઈતી મદદ આપી શકે છે. એનાથી હવે મંડળના બધા ભાઈબહેનોને પરમેશ્વરના રાજ્ય વિષે લોકોને સારી રીતે જણાવવા મદદ મળી છે.—માર્ક ૧૩:૧૦.

૧૫. મંડળને શુદ્ધ રાખવા માટે કઈ બે બાબતો કરવામાં આવે છે?

૧૫ મંડળનો ભાગ બનવા ચાહતા દરેકે બાઇબલના નિયમો અને સિદ્ધાંતો પાળવા જોઈએ. નુહના સમયમાં ઠઠ્ઠા-મશ્કરી કરનારાઓ વહાણમાં આવી શક્યા નહિ. એવી જ રીતે, જે લોકો મંડળ કે સંગઠનની મશ્કરી કરે છે તેઓ મંડળમાં રહી શકતા નથી. (૨ પીતર ૩:૩-૭) ૧૯૫૨થી યહોવાહના સાક્ષીઓનાં મંડળમાં એક ગોઠવણ કરવામાં આવી છે. એમાં ખોટું કામ કરીને પણ પસ્તાવો ન કરનારને બહિષ્કૃત એટલે કે મંડળમાંથી બહાર કાઢી મૂકવામાં આવે છે. પણ સાચા દિલથી પસ્તાવો કરનારના ‘રસ્તા પાધરા કરવામાં’ આવે છે. એટલે કે સારા માર્ગે ચાલવા તેને મદદ કરવામાં આવે છે.—હેબ્રી ૧૨:૧૨, ૧૩; નીતિવચનો ૨૮:૧૩; ગલાતી ૬:૧.

૧૬. યહોવાહ તેમના લોકોને કેવી રીતે મદદ કરે છે?

૧૬ બાઇબલની વધારે સમજણ મેળવવા યહોવાહ પોતાના લોકોને ઘણી રીતે મદદ કરે છે. એ કંઈ નવાઈની વાત નથી. ઈશ્વરભક્ત યશાયાહ દ્વારા યહોવાહે કહ્યું: “જુઓ, મારા સેવકો ખાશે, પણ તમે તો ભૂખ્યા રહેશો; જુઓ, મારા સેવકો પીશે, પણ તમે તો તરસ્યા રહેશો; જુઓ, મારા સેવકો આનંદ કરશે, પણ તમે તો લજ્જિત થશો; જુઓ, મારા સેવકો હૃદયના ઉમળકાથી હર્ષનાદ કરશે, પણ તમે હૃદયના ખેદને લીધે શોક કરશો ને જીવના સંતાપને લીધે વિલાપ કરશો.” (યશાયાહ ૬૫:૧૩, ૧૪) યહોવાહ આપણને સમયસર બાઇબલ આધારિત પ્રકાશનો પૂરા પાડે છે. એનાથી આપણે તેમની સેવામાં મજબૂત થઈને સારી રીતે પ્રગતિ કરી શકીએ છીએ.—માત્થી ૨૪:૪૫.

બચવા માટે તૈયાર થાઓ

૧૭. મહાન વિપત્તિ અને આર્માગેદનમાંથી બચવા આપણે શું કરવું જોઈએ?

૧૭ હમણાં જ “પ્રેમ રાખવાને તથા સારાં કામ કરવા અરસપરસ ઉત્તેજન મળે માટે આપણે એકબીજાનો વિચાર કરીએ. જેમ કેટલાએક કરે છે તેમ આપણે એકઠા મળવાનું પડતું ન મૂકીએ, પણ આપણે એકબીજાને ઉત્તેજન આપીએ.” (હેબ્રી ૧૦:૨૩-૨૫) આજે યહોવાહના સાક્ષીઓના ૯૮,૦૦૦થી વધારે મંડળ છે. જો આપણે મંડળમાં સેવા કરતા રહીશું તો, મહાન વિપત્તિ અને આર્માગેદન આવશે ત્યારે એમાંથી બચવા મદદ મળશે. આપણે “નવો સ્વભાવ” કેળવવાનો પ્રયત્ન કરીશું તેમ ભાઈ-બહેનોનો ટેકો મળશે. તેમ જ આપણે બીજા લોકોને યહોવાહે કરેલી ગોઠવણ વિશે શીખવા મદદ કરીશું, જેથી તેઓ પણ બચી શકે.—એફેસી ૪:૨૨-૨૪, IBSI; કોલોસી ૩:૯, ૧૦; ૧ તીમોથી ૪:૧૬.

૧૮. શા માટે આપણે મંડળથી દૂર ન જવું જોઈએ?

૧૮ શેતાન અને તેની દુનિયા ચાહે છે કે આપણે યહોવાહના મંડળથી દૂર જતા રહીએ. તેથી શેતાન આપણા પર ઘણી લાલચો લાવે છે. પરંતુ જો આપણે મંડળના ભાઈ-બહેનો સાથે હળી મળીને રહીશું, તો આ જગતના અંતમાંથી બચી શકીશું. યહોવાહ માટેનો પ્રેમ અને તેમણે કરેલી જોગવાઈની કદર કરીશું તો, આપણે શેતાનની ચાલને નાકામ કરવામાં સફળ થઈશું. યહોવાહે આજે આપણને જે આશીર્વાદો આપ્યા છે એના પર વિચાર કરવાથી, મંડળને વળગી રહેવાનો આપણો નિર્ણય વધારે મજબૂત થશે. એમાંના અમુક આશીર્વાદો વિષે આપણે હવે પછીના લેખમાં જોઈશું. (w06 5/15)

તમે કેવો જવાબ આપશો?

• નુહ અને આપણા સમયમાં શું સરખાપણું જોવા મળે છે?

• આવનાર અંતમાંથી બચવા માટે આપણામાં કેવા ગુણો હોવા જરૂરી છે?

• આપણા રક્ષણ માટે યહોવાહના સંગઠનમાં કેવા સુધારા થયા છે?

• જગતના અંતમાંથી બચવા માટે આપણે પોતાને કઈ રીતે તૈયાર કરી શકીએ?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૧૧ પર ચિત્ર]

પરમેશ્વરે આપેલી ચેતવણીના સંદેશને ધ્યાન આપીએ. એમાં આપણું જ ભલું છે

[પાન ૧૨ પર ચિત્ર]

કિંગ્ડમ મિનિસ્ટ્રી સ્કૂલ કઈ તાલીમ આપે છે?

[પાન ૧૩ પર ચિત્ર]

મંડળમાં ભાઈ-બહેનો સાથે હળી-મળીને રહેવાનો હમણાં જ સમય છે