સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવાહની પ્રજામાં તેઓનો જન્મ થયો

યહોવાહની પ્રજામાં તેઓનો જન્મ થયો

યહોવાહની પ્રજામાં તેઓનો જન્મ થયો

‘યહોવાહ તારા ઈશ્વરે તને પોતાની ખાસ પ્રજા થવા સારૂ પસંદ કર્યો છે.’—પુનર્નિયમ ૭:૬.

૧, ૨. યહોવાહે પોતાના લોકો માટે ખાસ શું કર્યું? ઈસ્રાએલીઓ સાથે યહોવાહે કયો કરાર કર્યો?

 યહોવાહ ઈશ્વરે પોતાના ભક્ત મુસાને આમ જણાવ્યું: “ઈસ્રાએલપુત્રોને કહે, કે હું યહોવાહ છું, ને મિસરીઓની વેઠ તળેથી હું તમને કાઢીશ, ને હું તેમની ગુલામીમાંથી તમને મુક્ત કરીશ, ને લંબાવેલા હાથ વડે તથા મહાન ન્યાયકૃત્યો વડે હું તમને છોડાવીશ; અને હું તમને મારા લોક કરી લઈશ, ને હું તમારો દેવ થઈશ.” (નિર્ગમન ૬:૬, ૭; ૧૫:૧-૭, ૧૧) ઈસવીસન પૂર્વે ૧૫૧૩માં યહોવાહે એ સમયની મહાન સત્તા ઇજિપ્તને નીચું જોવડાવ્યું. ઈસ્રાએલી લોકોને ગુલામીમાંથી છોડાવ્યા. તેઓને બચાવ્યા. યહોવાહ તેઓના માલિક બન્યા અને તેઓ સાથે કરાર કર્યો.

ઇજિપ્તની ગુલામીમાંથી છૂટ્યા પછી, યહોવાહ અને ઈસ્રાએલી લોકો વચ્ચે કરાર થયો. ત્યારથી યહોવાહ કોઈ એક વ્યક્તિ, કુટુંબ કે કુળ સાથે વહેવાર રાખતા ન હતા. પણ યહોવાહે આખી પ્રજા, દેશજાતિ સાથે નાતો બાંધ્યો. (નિર્ગમન ૧૯:૫, ૬; ૨૪:૭) યહોવાહે ઈસ્રાએલી લોકોને રોજ-બ-રોજના નિયમો આપ્યા. ખાસ તો લોકો કઈ રીતે ભક્તિ કરે એને લગતા નિયમો આપ્યા. મુસાએ તેઓને કહ્યું: ‘એવી કઈ મોટી દેશજાતિ છે કે જેની સાથે કોઈ ઈશ્વર એટલો નિકટનો સંબંધ રાખે છે કે જેટલો યહોવાહ આપણો ઈશ્વર, તેની વિનંતી કરીએ છીએ ત્યારે આપણી સાથે રાખે છે? એવી કઈ મોટી દેશજાતિ છે કે જેને આ સર્વ નિયમો કે જે હું આજે તમારી આગળ પ્રગટ કરૂં છું, તેના જેવા અદલ વિધિઓ તથા કાનૂનો હોય?’—પુનર્નિયમ ૪:૭, ૮.

યહોવાહની પ્રજામાં જન્મ થવો

૩, ૪. કયા મુખ્ય કારણને લીધે ઈસ્રાએલીઓ ખાસ પ્રજા બન્યા?

સદીઓ પછી યહોવાહે ઈસ્રાએલીઓને યાદ અપાવ્યું કે તેઓ કેમ એક પ્રજા તરીકે ટકી રહ્યા છે. પયગંબર યશાયાહે જણાવ્યું: ‘હે યાકૂબ, તારો ઉત્પન્‍નકર્તા યહોવાહ, ને હે ઈસ્રાએલ, તારો બનાવનાર એવું કહે છે, કે તું બીશ મા, કેમ કે મેં તારો ઉદ્ધાર કર્યો છે; મેં તારૂં નામ લઈને તને બોલાવ્યો છે, તું મારો છે. કેમ કે હું યહોવાહ તારો ઈશ્વર છું, હું ઈસ્રાએલનો પવિત્ર ઈશ્વર તારો ઉદ્ધાર કરનાર છું, મારા દીકરાઓને વેગળેથી, ને મારી દીકરીઓને પૃથ્વીને છેડેથી લાવ; જે સર્વને મારૂં નામ આપેલું છે, ને જેને મેં મારા મહિમાને અર્થે ઉત્પન્‍ન કર્યો છે તેને લાવ; મેં તેને બનાવ્યો; હા, મેં તેને પેદા કર્યો છે. યહોવાહ કહે છે, તમે મારા સાક્ષી છો, ને મારા સેવકને મેં પસંદ કર્યો છે. મેં આ લોકને મારા પોતાને માટે બનાવ્યા છે, તેઓ મારી સ્તુતિ ગાશે.’—યશાયાહ ૪૩:૧, ૩, ૬, ૭, ૧૦, ૨૧.

ઈસ્રાએલી પ્રજા યહોવાહના નામથી ઓળખાતી. દુનિયામાં તેઓ યહોવાહના સાક્ષી તરીકે સાબિત કરતા હતા કે યહોવાહ જ વિશ્વના માલિક છે. તેઓ યહોવાહનું નામ રોશન કરવા ઉત્પન્‍ન થયા હતા. યહોવાહે તેઓને છોડાવવા જે મહાન કામો કર્યાં એ યાદ કરીને તેઓ ‘યહોવાહની સ્તુતિ ગાતા હતા,’ તેમનો જયજયકાર કરતા હતા. આમ, તેઓ યહોવાહના સાક્ષી બન્યા હતા.

૫. ઈસ્રાએલ પ્રજામાંની દરેક વ્યક્તિ કઈ રીતે યહોવાહને અર્પણ થયેલી હતી?

ઈસવીસન પૂર્વે ૧૧મી સદીમાં, સુલેમાન રાજાએ જણાવ્યું કે યહોવાહે ઈસ્રાએલીઓને એક ખાસ પ્રજા બનાવી હતી. સુલેમાને યહોવાહને પ્રાર્થના કરતા કહ્યું: “તેં તેઓને તારો વારસો થવા સારૂ પૃથ્વીના સર્વ લોકોથી જુદા કર્યાં છે.” (૧ રાજાઓ ૮:૫૩) ઈસ્રાએલી લોકોમાંથી દરેક વ્યક્તિનો પણ યહોવાહ સાથે ખાસ નાતો બંધાયો હતો. શરૂઆતમાં મુસાએ તેઓને જણાવ્યું કે ‘તમે યહોવાહ તમારા ઈશ્વરનાં છોકરાં છો. તું યહોવાહ તારા ઈશ્વરની પવિત્ર પ્રજા છે.’ (પુનર્નિયમ ૧૪:૧, ૨) એટલે ઈસ્રાએલીઓને બાળકો જન્મતાં, ત્યારથી જ યહોવાહની ખાસ પ્રજા બનતાં. યહોવાહના પોતાના લોક બનતાં. (ગીતશાસ્ત્ર ૭૯:૧૩; ૯૫:૭) દરેક નવી પેઢીને, બાળકોને યહોવાહના નીતિ-નિયમો શીખવવામાં આવતાં. યહોવાહે ઈસ્રાએલી લોકો સાથે કરેલા કરારને લીધે, બાળકો એ સર્વ પાળવા બંધાયેલાં હતાં.—પુનર્નિયમ ૧૧:૧૮, ૧૯.

પસંદગી કરવાની છૂટ

૬. દરેક ઈસ્રાએલીએ પોતે કેવી પસંદગી કરવાની હતી?

ખરું કે ઈસ્રાએલી લોકો યહોવાહની પ્રજા હતા, પણ ભક્તિની બાબતે તેઓને દરેકને પસંદગી કરવાની છૂટ હતી. યહોવાહે તેઓને જે દેશનો વારસો આપવાનું વચન આપ્યું હતું, એમાં જતા પહેલાં મુસાએ તેઓને કહ્યું: ‘હું આજ આકાશને તથા પૃથ્વીને તમારી સામે સાક્ષી રાખું છું, કે મેં આજે તારી આગળ જીવન તથા મરણ, આશીર્વાદ તથા શાપ મૂક્યાં છે; માટે જીવન પસંદ કર, કે તું તથા તારાં સંતાન જીવતાં રહે: યહોવાહ તારા દેવ પર પ્રીતિ રાખવાનું, તેની વાણી સાંભળવાનું, ને તેને વળગી રહેવાનું પસંદ કર; કેમ કે તે તારૂં જીવન તથા તારું આયુષ્ય છે; એ સારૂ કે જે દેશ તારા બાપ-દાદાઓને, એટલે ઈબ્રાહીમને, ઇસ્હાકને તથા યાકૂબને આપવાને યહોવાહે તેઓની આગળ સમ ખાધા, તેમાં તું જીવે.’ (પુનર્નિયમ ૩૦:૧૯, ૨૦) દરેક ઈસ્રાએલીએ પસંદગી કરવાની હતી કે પોતે યહોવાહને ખરા દિલથી ભજે. તેમનું માને અને તેમના જ માર્ગમાં ચાલે. તેઓ પોતાની મરજીથી એ પસંદગી કરતા હોવાને કારણે, જે કંઈ પરિણામ આવે એને માટે તેઓ પોતે જ જવાબદાર હતા.—પુનર્નિયમ ૩૦:૧૬-૧૮.

૭. યહોશુઆના જમાનાના લોક ગુજરી ગયા પછી શું બન્યું?

એ જમાનામાં યહોશુઆ નામના ઈશ્વરભક્ત હતા. ઈસ્રાએલીઓ તેમના દાખલામાંથી શીખ્યા અને આશીર્વાદ પામ્યા. “યહોશુઆની આખી જિંદગી સુધી, તથા તેના મરણ પછી જે વડીલો જીવતા રહ્યા હતા, અને જેઓએ ઈસ્રાએલને સારૂ જે સર્વ મોટાં કામ યહોવાહે કર્યાં હતાં તે દીઠાં હતાં, તેઓની આખી જિંદગી સુધી લોકોએ યહોવાહની સેવા કરી.” એ પછી યહોવાહે જવાબદાર માણસોને ન્યાયાધીશો તરીકે તેઓ પર નીમ્યા. એ ન્યાયાધીશો લોકોને યહોવાહનું માર્ગદર્શન આપતા. એ વખતે “એક એવી પેઢી ઉત્પન્‍ન થઈ, કે જે યહોવાહને તથા ઈસ્રાએલને સારૂ તેણે જે કામ કર્યું હતું તે પણ, જાણતી નહોતી. હવે ઈસ્રાએલપુત્રોએ યહોવાહની દૃષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું.” (ન્યાયાધીશો ૨:૭, ૧૦, ૧૧) નવી પેઢીના યુવાનિયાઓને અનુભવ ન હતો. તેઓએ પોતાના વારસાની જરાય કદર ન કરી કે તેઓ વિશ્વના માલિક યહોવાહના ખાસ લોક હતા. તેઓ માટે યહોવાહે કેવાં મોટાં મોટાં કામો કર્યાં હતાં, એ બધુંય ભૂલી ગયા. એના પરથી આપણે શીખી શકીએ કે યહોવાહને માર્ગે ચાલવાથી અને ન ચાલવાથી શું બની શકે છે.—ગીતશાસ્ત્ર ૭૮:૩-૭, ૧૦, ૧૧.

યહોવાહના નિયમો પ્રમાણે જીવવું

૮, ૯. (ક) દરેક ઈસ્રાએલી કઈ રીતે બતાવી શકતો કે પોતે યહોવાહને દિલથી ચાહે છે? (ખ) જેઓએ રાજી-ખુશીથી અર્પણો ચઢાવ્યાં તેઓને કયા આશીર્વાદ મળ્યા?

યહોવાહે પોતાના લોકોને નિયમશાસ્ત્ર આપ્યું હતું. એમાંના નિયમો પાળીને દરેક જણ બતાવી શકતા કે આખી પ્રજા તરીકે તેઓ યહોવાહના લોકો છે. જેમ કે, અર્પણો કે બલિદાનોની ગોઠવણ. એમાંનાં અમુક અર્પણો આપવાની ફરજ હતી, જ્યારે કે બીજાં રાજી-ખુશીથી આપવાનાં હતાં. (હેબ્રી ૮:૩) એવાં અર્પણોમાં દહનીયાર્પણો કે અગ્‍નિમાં દહન થતાં અર્પણો, ખાદ્યાર્પણો કે અનાજનાં અર્પણો અને શાંત્યર્પણો કે શાંતિનાં અર્પણો હતાં. એ રાજી-ખુશીથી આપવાનાં અર્પણો હતાં. એ યહોવાહની કૃપા પામવા અને તેમની કદર કરવા માટે આપવામાં આવતાં.—લેવીય ૭:૧૧-૧૩.

એવાં અર્પણો યહોવાહને બહુ ગમતાં. એમ કહેવામાં આવતું કે અગ્‍નિમાં દહન કરાતાં અર્પણો અને અનાજનાં અર્પણો જાણે ‘યહોવાહને સારૂ સુવાસિત’ કે ખુશબોદાર અર્પણો હતાં. (લેવીય ૧:૯; ૨:૨) શાંતિ માટેના અર્પણમાંથી લોહી અને ચરબી યહોવાહને અર્પણ કરાતા. જ્યારે કે માંસનો અમુક ભાગ યાજકો અને અર્પણ ચડાવનાર ખાતા. એ રીતે જાણે તેઓ યહોવાહ સાથે ભોજન લેતા હતા. યહોવાહ સાથે શાંતિનો નાતો ફરીથી બંધાતો. નિયમશાસ્ત્ર જણાવતું હતું કે ‘જ્યારે તમે યહોવાહની આગળ શાંતિના અર્પણોનો યજ્ઞ ચઢાવો, ત્યારે એવી રીતે તે ચઢાવવો કે તમે તેની આગળ માન્ય થાઓ.’ (લેવીય ૧૯:૫) ખરું કે બધા ઈસ્રાએલીઓ જન્મથી યહોવાહને અર્પણ થયેલા હતા. તોપણ જેઓએ રાજી-ખુશીથી અર્પણો ચઢાવ્યાં, તેઓએ યહોવાહ સાથે પાકો નાતો બાંધ્યો, ‘તેમની આગળ માન્ય થયા.’ યહોવાહે તેઓ પર બીજા ઘણા આશીર્વાદો વરસાવ્યા.—માલાખી ૩:૧૦.

૧૦. પયગંબર યશાયાહ અને માલાખીના જમાનામાં યહોવાહે કેવી રીતે બતાવ્યું કે તે લોકોની ભક્તિથી નારાજ છે?

૧૦ ઈસ્રાએલ લોકો, યહોવાહના ખાસ લોકો વારંવાર યહોવાહને બેવફા બન્યા. યહોવાહે પયગંબર યશાયાહ દ્વારા લોકોને જણાવ્યું: ‘તમારાં દહન અર્પણોનાં ઘેટાં તમે મારી પાસે લાવ્યાં નથી; તેમ તમારા યજ્ઞો વડે તમે મને માન આપ્યું નથી. મેં અર્પણ માગીને તમારા પર બોજો મૂક્યો નથી.’ (યશાયાહ ૪૩:૨૩) યહોવાહ દિલ જુએ છે. એટલે દિલથી, પ્રેમથી ન આપેલાં અર્પણો યહોવાહને મન નકામાં છે. યશાયાહ પયગંબરના લગભગ ૩૦૦ વર્ષો બાદ, માલાખી નામના પયગંબર આવ્યા. એ જમાનામાં ઈસ્રાએલીઓ લૂલાં-લંગડાં જાનવરો યહોવાહને અર્પણ કરતા. એટલે માલાખીએ તેઓને આમ જણાવ્યું: ‘સૈન્યોનો ઈશ્વર યહોવાહ કહે છે, કે હું તમારા પર બિલકુલ પ્રસન્‍ન નથી, તેમ જ હું તમારા હાથનું અર્પણ પણ સ્વીકારીશ નહિ. તમે જોરજુલમથી પડાવી લીધેલાં, લંગડાં તથા માંદાં પશુને લઈ આવીને તેનું બલિદાન આપો છો; એવાં અર્પણ તમે લાવો છો: શું હું તમારા હાથથી એવાંનો સ્વીકાર કરૂં? એમ યહોવાહ કહે છે.’—માલાખી ૧:૧૦, ૧૩; આમોસ ૫:૨૨.

યહોવાહે પસંદ કરેલી પ્રજાને છોડી દીધી

૧૧. ઈસ્રાએલી લોકોને કયો મોકો મળ્યો હતો?

૧૧ ઈસ્રાએલીઓ યહોવાહના ખાસ લોકો બન્યા. યહોવાહે તેઓને આ વચન આપ્યું હતું: “જો તમે મારૂં કહેવું માનશો, ને મારો કરાર પાળશો, તો સર્વ લોકોમાંથી તમે મારૂં ખાસ ધન થશો; કેમ કે આખી પૃથ્વી મારી છે; અને મારે સારૂ તમે યાજકોનું રાજ્ય તથા પવિત્ર દેશજાતિ થશો.” (નિર્ગમન ૧૯:૫, ૬) યહોવાહે આપેલા વચન પ્રમાણે, મસીહનો જન્મ એ દેશજાતિમાં થવાનો હતો. ઈસ્રાએલી લોકોને યહોવાહની સરકાર બનવાનો, રાજ કરવાનો મોકો પહેલા હતો. (ઉત્પત્તિ ૨૨:૧૭, ૧૮; ૪૯:૧૦; ૨ શમૂએલ ૭:૧૨, ૧૬; લુક ૧:૩૧-૩૩; રૂમી ૯:૪, ૫) પણ ઈસ્રાએલી લોકોમાંના મોટા ભાગના પોતાના વચન પ્રમાણે જીવ્યા નહિ. (માત્થી ૨૨:૧૪) અરે, તેઓએ ખુદ મસીહ, ઈસુનું કહેવું માન્યું નહિ. આખરે તેઓએ ઈસુને મારી નાખ્યા.—પ્રેરિતોનાં કૃત્યો ૭:૫૧-૫૩.

૧૨. ઈસુએ કઈ રીતે બતાવ્યું કે ઈસ્રાએલ પાસેથી ખાસ પ્રજા તરીકેનો યહોવાહનો આશીર્વાદ જતો રહ્યો હતો?

૧૨ ઈસુના મરણ પામ્યા, એના થોડા દિવસ પહેલાં જ તેમણે યહુદી ગુરુઓને કહ્યું: “જે પથ્થરનો નકાર ઘર બાંધનારાઓએ કર્યો, તે જ ખૂણાનો મુખ્ય પથ્થર થયો: એ પ્રભુથી બન્યું, અને આપણી નજરમાં આશ્ચર્યકારક છે. એ શું તમે શાસ્ત્રમાં કદી નથી વાંચ્યું? એ માટે હું તમને કહું છું, કે દેવનું રાજ્ય તમારી પાસેથી લઈ લેવાશે, ને જે પ્રજા તેનાં ફળ આપશે, તેઓને અપાશે.” (માત્થી ૨૧:૪૨, ૪૩) ઈસ્રાએલ પાસેથી ખાસ પ્રજા તરીકેનો યહોવાહનો આશીર્વાદ જતો રહ્યો હતો. એ બતાવવા ઈસુએ કહ્યું: “ઓ યરૂશાલેમ, યરૂશાલેમ, પ્રબોધકોને મારી નાખનાર, ને તારી પાસે મોકલેલાઓને પથ્થરે મારનાર! જેમ મરઘી પોતાનાં બચ્ચાંને પાંખો તળે એકઠાં કરે છે, તેમ તારાં છોકરાંને એકઠાં કરવાનું મેં કેટલી વાર ચાહ્યું, પણ તમે ચાહ્યું નહિ? જુઓ, તમારે સારૂ તમારૂં ઘર ઉજ્જડ મૂકાયું છે.”—માત્થી ૨૩:૩૭, ૩૮.

યહોવાહને અર્પણ થયેલી નવી પ્રજા

૧૩. પયગંબર યિર્મેયાહના જમાનામાં યહોવાહે શું જણાવ્યું હતું?

૧૩ પયગંબર યિર્મેયાહના જમાનામાં યહોવાહે એ પ્રજા વિષે શું જણાવ્યું હતું? ‘યહોવાહ કહે છે, કે જુઓ, એવો સમય આવે છે કે જે સમયે હું ઈસ્રાએલના વંશજોની સાથે તથા યહુદાહના વંશજોની સાથે નવો કરાર કરીશ; જે સમયે મેં તેઓના પૂર્વજોને મિસર દેશમાંથી કાઢી લાવવા સારૂ તેઓનો હાથ પકડ્યો, તે સમયે મેં તેઓની સાથે જે કરાર કર્યો હતો તેના જેવો તે કરાર નહિ થાય; હું તેઓનો ધણી થયા છતાં મારો કરાર તેઓએ તોડ્યો. હવે પછી જે કરાર હું ઈસ્રાએલના વંશજોની સાથે કરીશ, તે આ છે: હું મારો નિયમ તેઓનાં હૃદયમાં મૂકીશ, તેઓના હૃદયપટ પર તે લખીશ. હું તેઓનો ઈશ્વર થઈશ, ને તેઓ મારા લોક થશે.’—યિર્મેયાહ ૩૧:૩૧-૩૩.

૧૪. યહોવાહની નવી ખાસ પ્રજાનો જન્મ ક્યારે થયો? શાને આધારે? એ નવી પ્રજા કોણ છે?

૧૪ ઈસુ ૩૩મી સાલમાં મરણ પામ્યા. પછીથી સ્વર્ગમાં જ્યારે પોતાના લોહીની કિંમત યહોવાહને ચરણે ધરી, ત્યારે જાણે કે નવા કરારનો પાયો નંખાયો. (લુક ૨૨:૨૦; હેબ્રી ૯:૧૫, ૨૪-૨૬) પણ ઈસુ ૩૩મી સાલમાં સજીવન થયા એના પચાસમા દિવસે, અમુક લોકો યહોવાહની શક્તિથી ભરપૂર થયા. એ દિવસે ‘દેવનું ઈસ્રાએલ’ અથવા યહોવાહની નવી ખાસ પ્રજાનો જાણે જન્મ થયો. ત્યારથી નવો કરાર લાગુ પડ્યો. (ગલાતી ૬:૧૬; રૂમી ૨:૨૮, ૨૯; ૯:૬; ૧૧:૨૫, ૨૬) જે ભાઈ-બહેનો સ્વર્ગમાં જવાના છે, તેઓને લખતી વખતે ઈશ્વરભક્ત પીતરે કહ્યું: ‘તમે તો પસંદ કરેલી જાતિ, રાજમાન્ય યાજકવર્ગ, પવિત્ર પ્રજા તથા પ્રભુના ખાસ લોક છો, કે જેથી જેણે અંધકારમાંથી પોતાના પ્રકાશમાં આવવાનું આમંત્રણ આપ્યું છે, તેના સદ્‍ગુણો તમે પ્રગટ કરો. તમે પહેલાં પ્રજા જ ન હતા, પણ હાલ તમે ઈશ્વરની પ્રજા છો.’ (૧ પીતર ૨:૯, ૧૦) જન્મથી જ જેઓ ઈસ્રાએલ કે યહુદી હતા તેઓનો યહોવાહ સાથેનો ખાસ નાતો કપાઈ ગયો. ૩૩ની સાલથી યહોવાહના આશીર્વાદ તેઓ પાસેથી લઈને ખ્રિસ્તી મંડળને આપવામાં આવ્યા. એટલે કે ‘તેમના રાજ્યનાં ફળ આપતા’ બધી નાત-જાતના લોકોને આપવામાં આવ્યા.—માત્થી ૨૧:૪૩.

પોતાની મરજીથી યહોવાહને ભજવું

૧૫. ઈસુ સજીવન થયા એના પચાસમા દિવસે, પીતરે લોકોને કઈ રીતે બાપ્તિસ્મા લેવાની અરજ કરી?

૧૫ એ પચાસમા દિવસ પછી, વ્યક્તિએ યહોવાહના ભક્ત બનવા શું કરવાનું હતું? ભલે એ યહુદી હોય કે ન હોય, તેણે પોતે યહોવાહને પોતાનું જીવન અર્પણ કરવાનું હતું. “બાપ તથા દીકરા તથા પવિત્ર આત્માને નામે” બાપ્તિસ્મા લેવાનું હતું. * (માત્થી ૨૮:૧૯) પચાસમે દિવસે ઈશ્વરભક્ત પીતરે યહુદીઓને અને યહુદીઓ બનેલા લોકોને આમ જણાવ્યું: ‘પસ્તાવો કરો, અને ઈસુ ખ્રિસ્તને નામે તમારામાંનો દરેક બાપ્તિસ્મા પામો, કે તમારાં પાપ માફ થાય; અને તમને પવિત્ર આત્માનું દાન મળશે.’ (પ્રેરિતોનાં કૃત્યો ૨:૩૮) તેઓ બાપ્તિસ્મા લઈને બતાવતા હતા કે તેઓ હવેથી યહોવાહની જ ભક્તિ કરશે. સાથે સાથે ઈસુમાં પણ વિશ્વાસ મૂકતા હતા, જેમના દ્વારા યહોવાહ પાપોની માફી આપે છે. તેઓ યહોવાહના મુખ્ય યાજક અને પોતાના ગુરુ તરીકે ઈસુનો સ્વીકાર કરતા હતા, જે યહોવાહના ભક્તોની સંભાળ રાખે છે.—કોલોસી ૧:૧૩, ૧૪, ૧૮.

૧૬. પાઊલના જમાનામાં કઈ રીતે સર્વ ભક્તોને સ્વર્ગના જીવનનું વરદાન મળ્યું?

૧૬ ઈશ્વરભક્ત પાઊલે વર્ષો પછી કહ્યું: ‘પહેલાં દમસ્કના, યરૂશાલેમના, તથા યહુદાહના બધા પ્રાંતોના લોકોને તથા વિદેશીઓને પણ મેં એવો બોધ કર્યો કે તમારે પસ્તાવો કરીને તથા દેવ તરફ ફરીને પસ્તાવો કરનારને શોભે એવાં કામ કરવાં.’ (પ્રેરિતોનાં કૃત્યો ૨૬:૨૦) યહુદી હોય કે ન હોય, લોકોને પાઊલે પાક્કી ખાતરી કરાવી કે ઈસુ જ ખ્રિસ્ત કે મસીહ છે. પછી તેઓને પોતાનું જીવન યહોવાહને અર્પણ કરીને, બાપ્તિસ્મા લેવા મદદ કરી. (પ્રેરિતોનાં કૃત્યો ૧૬:૧૪, ૧૫, ૩૧-૩૩; ૧૭:૩, ૪; ૧૮:૮) યહોવાહની ભક્તિ કરવાથી, તેઓને આખરે સ્વર્ગના જીવનનું વરદાન મળવાનું હતું.

૧૭. જલદી જ સીલ કે મહોર મારવાનું કયું કામ પૂરું થશે? બીજું કયું કામ જોર-શોરથી ચાલી રહ્યું છે?

૧૭ આજે સ્વર્ગમાં જનારા જે ભાઈ-બહેનો પૃથ્વી પર છે, તેઓ પર આખરી સીલ કે મહોર મારવાનો સમય નજીક છે. એનો શું અર્થ થાય? એ જ કે તેઓની અગ્‍નિ-પરીક્ષા થઈ ચૂકી છે. એમાં તેઓ યહોવાહને જ વળગી રહ્યા છે. હવે તેમને કોઈ બદલી ન શકે. એ સીલ કે મહોર મારવાનું પૂરું થશે પછી શું થશે? ‘મોટી વિપત્તિમાં’ આવનારા વિનાશનો પવન ‘ચાર દૂતોએ’ રોકી રાખ્યો છે. એ પવન છોડવાની તેઓને સત્તા આપવામાં આવશે. ત્યાં સુધી ‘મોટી સભાના’ લોકોને જોર-શોરથી ભેગા કરવામાં આવે છે, જેઓને પૃથ્વી પર અમર જીવનની આશા છે. તેઓને “બીજાં ઘેટાં” પણ કહેવામાં આવે છે. તેઓ રાજી-ખુશીથી ઈસુના એટલે કે “હલવાનના રક્તમાં” પૂરો ભરોસો મૂકે છે. જીવનભર યહોવાહની ભક્તિ કરવા બાપ્તિસ્મા લે છે. (પ્રકટીકરણ ૭:૧-૪, ૯-૧૫; ૨૨:૧૭; યોહાન ૧૦:૧૬; માત્થી ૨૮:૧૯, ૨૦) તેઓમાં યહોવાહના ભક્તોમાં જન્મેલા ઘણા યુવાનો પણ છે. જો તમે એવા એક યુવાન હો, તો હવે પછીનો લેખ ખાસ તમારા માટે છે. (w 06 7/1)

[ફુટનોટ]

મુખ્ય મુદ્દા જણાવો

• ઈસ્રાએલી બાળકો કેમ જન્મથી જ યહોવાહના ખાસ લોકો ગણાતા?

• દરેક ઈસ્રાએલી કઈ રીતે બતાવી શકતો હતો કે પોતે યહોવાહને દિલથી ચાહે છે?

• યહોવાહે શા માટે પોતાની પ્રજાને છોડી દીધી? એના બદલે બીજી પ્રજાની પસંદગી કઈ રીતે કરી?

• ઈસુ સજીવન થયા એના પચાસમા દિવસથી, યહોવાહના દરેક ભક્તે સ્વર્ગના જીવનનું વરદાન મેળવવા શું કરવાની જરૂર હતી?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૨૨ પર ચિત્ર]

ઈસ્રાએલી બાળકો યહોવાહે પસંદ કરેલા લોકોમાં જ જનમ્યાં હતાં

[પાન ૨૫ પર ચિત્ર]

દરેક ઈસ્રાએલીએ પોતે પસંદ કરવાનું હતું કે તે યહોવાહની ભક્તિ કરશે કે નહિ

[પાન ૨૫ પર ચિત્ર]

રાજી-ખુશીથી અર્પણો આપીને, ઈસ્રાએલી લોકો યહોવાહ પર પ્રેમ બતાવી શકતા હતા

[પાન ૨૬ પર ચિત્ર]

૩૩મી સાલમાં પચાસમા દિવસ પછી, દરેક ભક્તે જીવનભર યહોવાહની ભક્તિ કરવાનો નિર્ણય લઈને બાપ્તિસ્મા લેવાનું હતું