યુવાનો, યહોવાહને ભજવાનું હમણાં જ નક્કી કરો!
યુવાનો, યહોવાહને ભજવાનું હમણાં જ નક્કી કરો!
‘તમે કોની સેવા કરશો તે આજે જ પસંદ કરો.’—યહોશુઆ ૨૪:૧૫.
૧, ૨. ચર્ચના ખ્રિસ્તીઓ કઈ બે રીતે લોકોને બાપ્તિસ્મા આપીને ખ્રિસ્તી બનાવતા, અને એ કેમ ખોટું છે?
લગભગ ૧૯૮-૨૦૦ની સાલમાં ટર્ટુલિયને લખ્યું: ‘બાળકો ઈસુને ઓળખતાં થાય પછી તેઓને બાપ્તિસ્મા આપો.’ એ જમાનામાં ચર્ચના ખ્રિસ્તીઓ નવા જન્મેલા બાળકને બાપ્તિસ્મા આપતા હતા. એટલે એનો વિરોધ કરવા ટર્ટુલિયને એમ લખ્યું હતું. પરંતુ એ જમાનામાં ચર્ચના વડા ઑગસ્ટીન પોતે બાઇબલ અને ટર્ટુલિયનની સાથે સહમત ન હતા. ઑગસ્ટીનનું માનવું હતું કે આદમ પાસેથી આપણને વારસામાં મળેલું પાપ બાપ્તિસ્મા લેવાથી ધોવાઈ જાય. પણ બાપ્તિસ્મા લીધા વગર જો કોઈ મરણ પામે તો તે નર્કમાં જાય. એ માન્યતાને લીધે બાળકનો જનમ થતાં જ લોકો તેને બાપ્તિસ્મા આપતા.
૨ એટલે આજે પણ મોટા ભાગના ચર્ચ નવા જન્મેલા બાળકને બાપ્તિસ્મા આપે છે. ઇતિહાસ બતાવે છે કે ખ્રિસ્તી રાજાઓ રાજ કરતા ત્યારે, તેઓ અને પાદરીઓ પ્રજા પર બળજબરી કરીને ખ્રિસ્તી બનાવતા. લોકોને બાપ્તિસ્મા આપતા. પણ બાઇબલ શીખવતું નથી કે, નવા જન્મેલા બાળકને કે સ્ત્રી-પુરુષ પર બળજબરી કરીને તેઓને બાપ્તિસ્મા આપવું જોઈએ.
આજે જન્મથી જ બાળક ઈશ્વરનું ભક્ત બની જતું નથી
૩, ૪. બાળક મોટું થઈને યહોવાહને પૂરા દિલથી ભજવાનું પસંદ કરે એ માટે માબાપ શું કરી શકે?
૩ બાઇબલ શીખવે છે કે જે મા અને બાપ અથવા તો બેમાંથી એક યહોવાહના ભક્તો હોય, તેઓનાં નાના બાળકો યહોવાહની નજરે “પવિત્ર” ગણાય છે. માબાપને કારણે યહોવાહ એ બાળકોને જાણે પોતાના ભક્તો ગણે છે. (૧ કોરીંથી ૭:૧૪) શું એનો એવો અર્થ થાય કે મા કે બાપ યહોવાહના ભક્ત હોવાથી જન્મથી જ તેઓનું બાળક યહોવાહનું ભક્ત ગણાય? ના, એવું નથી. માબાપ યહોવાહના ભક્ત હોય તો, તેઓ પોતાના બાળકને નાનપણથી યહોવાહના માર્ગમાં ચાલતા શીખવશે. જેથી બાળક મોટું થાય ત્યારે એ માર્ગે જાતે ચાલવાનું પસંદ કરે. બુદ્ધિમાન રાજા સુલેમાને લખ્યું: ‘મારા દીકરા, તારા બાપની આજ્ઞા પાળ. તારી માની શિખામણનો ત્યાગ ન કર. તું ચાલતો હશે, ત્યારે તે તને દોરશે. તું સૂતો હશે, ત્યારે તે તારી ચોકી કરશે. તું જાગતો હશે, ત્યારે તે તારી સાથે વાતચીત કરશે. કેમકે આજ્ઞા દીપક છે. નિયમ પ્રકાશ છે. શિક્ષણ તથા નસીહત કે શિસ્ત એ જીવનનો માર્ગ છે.’—નીતિવચનો ૬:૨૦-૨૩.
૪ યહોવાહને ભજતાં માબાપ પોતાના નાના બાળકને યહોવાહ વિષે શીખવશે અને તેઓ ખુશીથી એ શીખશે તો, માબાપ તેઓને ખોટાં કામો કરતા રોકશે. સુલેમાન રાજાએ પણ કહ્યું: “જ્ઞાની દીકરો પોતાના બાપને હર્ષ ઉપજાવે છે; પણ મૂર્ખ દીકરો પોતાની માને ભારરૂપ છે.” “મારા દીકરા, તું સાંભળીને ડહાપણ પકડ, અને તારા હૃદયને ખરા માર્ગમાં ચલાવ.” (નીતિવચનો ૧૦:૧; ૨૩:૧૯) વહાલા યુવાનો, ખરું કે જન્મથી જ કોઈ “જ્ઞાની” કે બુદ્ધિમાન હોતું નથી. પણ જો તમે તમારાં મમ્મી-પપ્પા પાસેથી રાજી-ખુશીથી શિખામણ લેશો તો તમારું ભલું થશે. તમે રાજી-ખુશીથી યહોવાહને માર્ગે ચાલીને બુદ્ધિમાન બની શકશો.
યહોવાહના બોધમાં ઉછેરવાનો શું અર્થ થાય?
૫. પ્રેરિત પાઊલે માબાપને અને બાળકને કઈ સલાહ આપી?
૫ પ્રેરિત પાઊલે લખ્યું: “છોકરાં, પ્રભુમાં તમારાં માબાપની આજ્ઞાઓ માનો; કેમ કે એ યથાયોગ્ય છે. તારા બાપનું તથા તારી માનું સન્માન કર (તે પહેલી વચનયુક્ત આજ્ઞા છે), એ સારૂ કે તારૂં કલ્યાણ થાય, અને પૃથ્વી પર તારું આયુષ્ય લાંબું થાય. વળી, પિતાઓ, તમારાં છોકરાંને ચીડવો નહિ; પણ પ્રભુના [યહોવાહના] શિક્ષણમાં તથા બોધમાં તેઓને ઉછેરો.”—એફેસી ૬:૧-૪.
૬, ૭. બાળકને યહોવાહના શિક્ષણ અને બોધમાં ઉછેરવાનો શું અર્થ થાય? આપણે કઈ રીતે કહી શકીએ કે એમ કરવું એ બળજબરી નથી?
૬ યહોવાહને ભજતાં માબાપ બાળકને ‘યહોવાહના શિક્ષણ તથા બોધમાં ઉછેરે’ તો, એનો અર્થ એવો કે તેઓ બાળક પર બળજબરી કરે છે? જરાય નહિ. જો માબાપ પોતાનાં બાળકને સારા સંસ્કાર શીખવતા હોય તો, શું કોઈ તેઓનો દોષ કાઢી શકે? નાસ્તિક લોકો પોતાનાં બાળકોને શીખવે છે કે ઈશ્વર નથી. તોય તેઓનો કોઈ વાંક કાઢતું નથી. એ જ રીતે રોમન કૅથલિક ધર્મ પાળતા માબાપ માને છે કે બાળકોને પોતાના ધર્મ વિષે શીખવવાની તેઓની ફરજ છે. તેઓની પણ કોઈ ફરિયાદ કરતું નથી. તો પછી, સાક્ષીઓ પોતાનાં બાળકનાં દિલમાં યહોવાહના વિચારો અને તેમના સંસ્કારો રોપે છે, ત્યારે લોકો કેમ એવું કહે છે કે તેઓ બાળકને પોતાની મુઠ્ઠીમાં રાખે છે?
૭ એફેસી ૬:૪ કહે છે કે ‘યહોવાહના શિક્ષણ તથા બોધમાં’ બાળકોને ઉછેરો. એ માટે વપરાયેલા ગ્રીક શબ્દ વિષે થિઓલોજિકલ ડિક્ષનરી ઑફ ધ ન્યુ ટેસ્ટામેન્ટ કહે છે કે ‘મનમાંથી ખોટા વિચારો કાઢીને સારા વિચારો મૂકવા, જેથી તે ઈશ્વરમાં માને.’ ખરું કે માબાપ યુવાનોને જે શિખામણ આપે છે એ તેઓ હંમેશા નહિ સાંભળે. શા માટે? કારણ કે બીજા છોકરાંઓ પોતાની જેમ વર્તવા તેઓ પર દબાણ મૂકશે. જો બીજાં છોકરાંઓ તેઓ પર ડ્રગ્સ લેવા, શરાબ પીવા કે ગંદા કામો કરવા દબાણ મૂકે તો, માબાપ ચોક્કસ પોતાનાં બાળકોને કુટેવોથી દૂર રહેવા મદદ કરશે. આ રીતે માબાપ બાળકને સારા સંસ્કાર શીખવે, ખોટાં કામો કરવાથી અટકાવે તો, શું તેઓનો દોષ કાઢવો જોઈએ? તમને શું લાગે છે?
૮. તીમોથીને કઈ રીતે સત્ય શીખવવામાં આવ્યું?
૮ પ્રેરિત પાઊલે યુવાન તીમોથીને લખ્યું: “જે વાતો તું શીખ્યો ને જેના વિષે તને ખાતરી થઈ છે તેઓને વળગી રહે, કેમ કે તું કોની પાસે શીખ્યો એ તને માલૂમ છે; અને વળી તું બાળપણથી પવિત્ર શાસ્ત્ર જાણે છે, તે પવિત્ર શાસ્ત્ર ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસ દ્વારા તારણને સારૂ તને જ્ઞાન આપી શકે છે, તે પણ તું જાણે છે.” (૨ તીમોથી ૩:૧૪, ૧૫) તીમોથીની યહુદી મા અને દાદીમાએ તેમને નાનપણથી પવિત્ર શાસ્ત્રમાંથી યહોવાહ વિષે શીખવ્યું હતું. (પ્રેરિતોનાં કૃત્યો ૧૬:૧; ૨ તીમોથી ૧:૫) સમય જતાં તીમોથીની મા અને દાદીમા ખ્રિસ્તને પગલે ચાલવા માંડ્યાં. તેઓએ દબાણ કર્યા વગર તીમોથીને શાસ્ત્રમાંથી શીખવ્યું. શાસ્ત્રમાંથી તીમોથીએ પોતે પુરાવા જોયા. એનાથી તેમને ઈસુ વિષે સત્ય શીખવા મદદ મળી. આમ તેમણે પોતે ખ્રિસ્તને પગલે ચાલવાનું પસંદ કર્યું.
યહોવાહ તમને પસંદગી આપે છે
૯. (ક) યહોવાહે આપણને કેવી રીતે બનાવ્યા છે? અને શા માટે? (ખ) ઈસુ સૃષ્ટિના પ્રથમજનિત છે. તોપણ તેમણે કોને ભજવાનું પસંદ કર્યું? અને શા માટે?
૯ યહોવાહે આપણને રૉબોટ કે ઑટોમૅટિક મશીન જેવા બનાવ્યા નથી. તે આપણને તેમની ભક્તિ કરવાનું દબાણ કરતા નથી. પણ તેમણે ભક્તિ કરવાની પસંદગી આપી છે. તે ચાહે છે કે આપણે રાજી ખુશીથી તેમની ભક્તિ કરીએ. નાના-મોટા જેઓ પ્રેમથી તેમની ભક્તિ કરે છે, એ જોઈને તેમને ખૂબ જ આનંદ થાય છે. ઈસુ સૃષ્ટિના પ્રથમજનિત છે. તોપણ તે રાજી ખુશીથી યહોવાહના કહ્યા પ્રમાણે જીવ્યા. આપણા માટે કેવો સુંદર દાખલો! એટલે યહોવાહે તેમના વિષે આમ કહ્યું: “આ મારો વહાલો દીકરો છે, એના પર હું પ્રસન્ન છું.” (માત્થી ૩:૧૭) ઈસુ સૃષ્ટિના પ્રથમજનિત હોવાથી તેમણે યહોવાહને પ્રાર્થનામાં કહ્યું: “હે મારા દેવ, તારી ઈચ્છા પ્રમાણે કરવાને હું રાજી છું; તારો નિયમ મારા હૃદયમાં છે.”—ગીતશાસ્ત્ર ૪૦:૮.
૧૦. યહોવાહને પસંદ પડે એવી ભક્તિ કરવા આપણી પાસે કયું કારણ હોવું જોઈએ?
૧૦ આપણે યહોવાહની ભક્તિ કરવી હોય તો શું કરવું જોઈએ? એ જ કે રાજી ખુશીથી ઈસુની જેમ યહોવાહને ભજીએ. યહોવાહની દોરવણી પ્રમાણે ચાલીએ. એક ઈશ્વરભક્તે ભજનમાં એક ભવિષ્યવાણી કરી: “તારી સત્તાના સમયમાં તારા લોક ખુશીથી અર્પણ થાય છે; પવિત્ર વસ્ત્ર પહેરીને, અને મળસકાના ગર્ભસ્થાનમાંથી નીકળીને તું આવે છે, તારી પાસે તારી યુવાવસ્થાનો ઓસ છે.” (ગીતશાસ્ત્ર ૧૧૦:૩) સ્વર્ગ અને ધરતી પરના સર્વ ઈશ્વરભક્તોને યહોવાહની ભક્તિ માટે અનહદ પ્રેમ છે. એટલે રાજી ખુશીથી તેઓ યહોવાહના કહેવા પ્રમાણે તેમને ભજે છે.
૧૧. યહોવાહના ભક્તોનાં બાળકો પાસે કઈ પસંદગી છે?
૧૧ પ્યારા યુવાનો, તમને એ જાણીને આનંદ થશે કે તમારાં માબાપ કે મંડળના કોઈ વડીલ તમને બાપ્તિસ્મા લેવા દબાણ નહિ કરે. યહોવાહને ભજવું કે નહિ એ તમારી મરજી છે. બાઇબલના જમાનામાં યહોશુઆએ ઈસ્રાએલી લોકોને કહ્યું: ‘સાચા દિલથી ને સત્યતાથી યહોવાહની સેવા કરો; ને તમે કોની સેવા કરશો તે આજે જ પસંદ કરો.’ (યહોશુઆ ૨૪:૧૪-૨૨) એ જ રીતે વહાલા યુવાનો, જિંદગીભર યહોવાહને ભજશો કે નહિ, એ તમારે પોતે પસંદ કરવાનું છે.
યુવાનો, તમે પોતાની જવાબદારી ઉપાડો
૧૨. (ક) માબાપ બાળકને યહોવાહના સંસ્કાર શીખવે છે, પણ તેઓ માટે શું ન કરી શકે? (ખ) યહોવાહની નજરમાં બાળક ક્યારે જવાબદાર ગણાય?
૧૨ ભલે માબાપ યહોવાહને દિલથી ભજતા હોય, તોપણ બાળકો અમુક ઉંમરના થાય પછી યહોવાહ તેઓને જવાબદાર ગણે છે. માબાપને કારણે તેઓ કાયમ યહોવાહના ભક્તો ગણાતા નથી. (૧ કોરીંથી ૭:૧૪) ઈશ્વરભક્ત યાકૂબે લખ્યું: “જે ભલું કરી જાણે છે, પણ કરતો નથી, તેને પાપ લાગે છે.” (યાકૂબ ૪:૧૭) માબાપ પોતાનાં બાળક માટે કે બાળક પોતાના માબાપ માટે ઈશ્વરને ભજી શકતા નથી. (હઝકીએલ ૧૮:૨૦) તેથી યુવાનો, શું તમે જાણો છો કે યહોવાહ આવતા દિવસોમાં શું કરશે? શું તમે એ શીખો છો કે યાદ રાખી શકો છો? શું તમે ઈશ્વર સાથે નાતો બાંધ્યો છે? જો આ બધા સવાલોના તમે પોતે જવાબો આપી શકો તો, યહોવાહની નજરમાં તમે નિર્ણય લેવા તૈયાર છો કે તમે હવે જિંદગીભર તેમને જ ભજશો કે કેમ.
૧૩. બાપ્તિસ્મા પામ્યા ન હોય એવા યુવાનોએ પોતાને કેવા પ્રશ્નો પૂછવા જોઈએ?
૧૩ પ્યારા યુવાનો, શું તમારા મમ્મી-પપ્પા યહોવાહના ભક્તો છે? શું તમે તેઓ સાથે મિટિંગમાં જાવ છો? બાપ્તિસ્મા પામ્યા વગર પણ શું તમે તેઓ સાથે પ્રચારમાં જાવ છો? એમ હોય તો, પોતાને આ પ્રશ્નો પૂછો. પછી એનો સાચો જવાબ આપો: ‘હું શા માટે મિટિંગમાં જાઉં છું? શા માટે હું પ્રચારમાં જાઉં છું? મમ્મી-પપ્પા એમ કરવાનું દબાણ કરે છે એટલે? કે પછી મને પોતાને યહોવાહની ભક્તિ કરવી છે એટલે?’ શું તમે અભ્યાસ કરીને પારખી શક્યા છો કે યહોવાહને શું પસંદ છે અને શું નથી? શું તમે જાણો છો કે આજે આપણા માટે યહોવાહની શું ઇચ્છા છે?—રૂમી ૧૨:૨.
બાપ્તિસ્મા લેવાનું કેમ ટાળો છો?
૧૪. બાઇબલના કયા દાખલાઓ બતાવે છે કે બાપ્તિસ્મા લેવામાં આપણે મોડું ન કરવું જોઈએ?
૧૪ ફિલિપ પાસેથી ઈથિયોપિયાનો હબશી ખોજો કે અધિકારી શીખ્યો કે ઈસુ તે જ મસીહ છે. એટલે તેણે ફિલિપને પૂછ્યું કે “બાપ્તિસ્મા” લેતા મને શું રોકે છે? તેને બાઇબલ વિષે પૂરતું જ્ઞાન હતું. તે જાણતો હતો કે બાપ્તિસ્મા લેવા તેણે મોડું કરવું ન જોઈએ. તે ખુલ્લી રીતે બતાવવા માગતો હતો કે પોતે યહોવાહના ખ્રિસ્તી મંડળમાં સેવા આપશે. એનાથી તેને ખૂબ જ આનંદ થયો. (પ્રેરિતોનાં કૃત્યો ૮:૨૬-૩૯) એ જ રીતે, પાઊલ પ્રચાર કરતા હતા ત્યારે લુદીઆ નામની સ્ત્રી ધ્યાનથી તેમનું સાંભળતી હતી. ત્યારે યહોવાહે તેનું ‘અંતઃકરણ ઉઘાડ્યું.’ પાઊલનો સંદેશો સાંભળ્યા પછી તે અને તેનું કુટુંબ તરત જ ‘બાપ્તિસ્મા પામ્યા.’ (પ્રેરિતોનાં કૃત્યો ૧૬:૧૪, ૧૫) ફિલિપી શહેરમાં પાઊલ અને સીલાસ જેલમાં હતા ત્યારે, તેઓ ચોકીદારને યહોવાહ વિષે શીખવવા લાગ્યા. એ સાંભળીને “તરત તે [ચોકીદાર] તથા તેનાં સઘળાં માણસો બાપ્તિસ્મા પામ્યાં.” (પ્રેરિતોનાં કૃત્યો ૧૬:૨૫-૩૪) તમારા વિષે શું? શું તમે યહોવાહ વિષે પૂરતું જાણો છો? શું તમને ખબર છે કે તે આવતા દિવસોમાં શું કરવાના છે? તમે સાચા દિલથી તેમની સેવા કરવા ચાહો છો? તેમના કહેવા પ્રમાણે જીવવા ચાહો છો? શું તમે નિયમિત મિટિંગમાં અને પ્રચારમાં જાઓ છો? તો પછી તમને બાપ્તિસ્મા લેતા શું રોકે છે?—માત્થી ૨૮:૧૯, ૨૦.
૧૫, ૧૬. (ક) અમુક યુવાનો કયા કારણથી બાપ્તિસ્મા લેવાનું ટાળે છે? (ખ) યહોવાહની સેવા કરવાનું વચન આપીને બાપ્તિસ્મા લેવાથી યુવાનોને શામાંથી રક્ષણ મળશે?
૧૫ બાપ્તિસ્મા લેતા તમે અચકાતા હો તો, એની પાછળ કદાચ અમુક કારણ હશે. જેમ કે, ‘જો હું કોઈ પાપમાં પડું તો મને જવાબ આપવો પડશે.’ એમ હોય તો, જરા વિચાર કરો: તમને કાર કે સ્કૂટરનું લાઇસન્સ લેવું છે. પણ એ ચલાવવાથી કોઈ દિવસ ઍક્સિડન્ટ થવાનો ભય હોય તો, શું તમે ટેસ્ટ આપવાનું માંડી વાળશો? તમે એવું નહિ કરો, ખરું ને? એવી જ રીતે બાપ્તિસ્મા લેવા તમે તૈયાર હોવ તો, મોડું ન કરશો. યહોવાહના કહ્યાં પ્રમાણે જ ભજવાનું વચન આપશો તો તમને પોતાને ખોટાં કામોથી દૂર રહેવા હિંમત મળશે. (ફિલિપી ૪:૧૩) પ્યારા યુવાનો, એવું ન માનશો કે બાપ્તિસ્મા લેવાનું ટાળશો તો, ઈશ્વર તમારી પાસેથી હિસાબ નહિ લે. સમજણા થયા પછી ભલે તમે બાપ્તિસ્મા લો કે ન લો, જીવનમાં તમે જે કંઈ કરો એનો યહોવાહ તમારી પાસેથી હિસાબ માગશે.—રૂમી ૧૪:૧૧, ૧૨.
૧૬ યહોવાહના સાક્ષીઓનાં બાળકોનું માનવું છે કે બાપ્તિસ્મા લેવાનો નિર્ણય કરવાથી પોતાનું જ ભલું થાય છે. પશ્ચિમ યુરોપમાં રહેતા ૨૩ વર્ષના એક ભાઈનો વિચાર કરો. તેને યાદ છે કે પોતે ૧૩ વર્ષનો થયો ત્યારે બાપ્તિસ્મા લીધું હતું. એમ કરવાથી તેને ‘યુવાનીની વાસનાઓથી દૂર ભાગવા’ હિંમત મળી. (૨ તિમોથી , સંપૂર્ણ) તે નાનો હતો ત્યારે મનમાં નક્કી કર્યું હતું કે પોતે ફૂલ ટાઇમ યહોવાહની સેવા કરશે. આજે તે યહોવાહના સાક્ષીઓની એક બ્રાંચમાં સેવા આપી રહ્યો છે. યહોવાહની સેવા કરવાનું પસંદ કરશે એવા યુવાનો પર તેમના અપાર આશીર્વાદો આવશે. હા, તમારા પર પણ એ ચોક્કસ આવશે. ૨:૨૨
૧૭. જીવનના કયા પાસામાં આપણે પારખવાની જરૂર છે કે ‘યહોવાહને શું પસંદ છે?’
૧૭ યહોવાહની સેવા કરવાનું વચન આપીને બાપ્તિસ્મા લેવું, એ તો તેમની ભક્તિમાં પહેલું પગલું છે. પછી જીવનના દરેક પાસામાં યહોવાહની મરજી પ્રમાણે નિર્ણયો લેવા જોઈએ. યહોવાહને આપેલા વચન પ્રમાણે જીવવા આપણે ‘સમયનો સદુપયોગ કરવાની’ જરૂર પડશે. એમ કઈ રીતે કરી શકાય? આપણે કદાચ નકામી બાબતો કે શોખ પાછળ ઘણો સમય બગાડતા હોઈ શકીએ. એવી બાબતો પાછળ ઓછો સમય વાપરીશું તો, મન મૂકીને બાઇબલ વાંચી શકીશું. મિટિંગમાં જઈ શકીશું. તેમ જ દરેક રીતે યહોવાહના રાજ્યનો પ્રચાર કરવા વધારે સમય કાઢી શકીશું. (એફેસી ૫:૧૫,૧૬; માત્થી ૨૪:૧૪) યહોવાહને તેમની સેવા કરવાનું વચન આપ્યું હોવાથી, એની આપણા નિર્ણયો પર સારી અસર પડશે. જેમ કે શું ખાઈએ-પીઈએ? કેવી રીતે ટાઇમ પાસ કરીએ? કેવી પ્રવૃતિમાં ભાગ લઈએ? કેવું સંગીત સાંભળીએ? આપણે આનંદ માણવા એવી પ્રવૃત્તિઓમાં ભાગ લેવો જોઈએ જે યહોવાહની નવી દુનિયામાં પણ કાયમ કરી શકીએ. તમને શું લાગે છે? તમે આપણા હજારો યુવાનોને પૂછશો તો, તેઓ તમને કહેશે કે યહોવાહને પસંદ પડે એવી અનેક પ્રવૃત્તિઓ છે.—એફેસી ૫:૧૭-૧૯.
“અમે તારી સાથે આવીશું”
૧૮. યુવાનોએ પોતાને કેવા પ્રશ્ન પૂછવા જોઈએ?
૧૮ યહોવાહે પોતાની ભક્તિ કરવા અને પોતાના વિષે સાક્ષી આપવા ઈસ્રાએલી પ્રજાને પસંદ કરી હતી. યહોવાહે તેઓને ઈસવીસન પૂર્વે ૧૫૧૩થી ઈસવીસન ૩૩ના પેન્તેકોસ્તના દિવસ સુધી પસંદ કર્યા હતા. (યશાયાહ ૪૩:૧૨) ઈસ્રાએલીઓને ત્યાં બાળકો જન્મતાં, ત્યારથી જ તેઓ યહોવાહની ખાસ પ્રજા બનતા, યહોવાહના પોતાના લોક બનતા. પરંતુ પેન્તેકોસ્તના દિવસથી યહોવાહે “પોતાના નામની ખાતર એક પ્રજાને પસંદ કરી છે.” યહોવાહે યહુદીઓ અને બીજી જાતિઓમાંથી ૧,૪૪,૦૦૦ને સ્વર્ગમાં રાજ કરવા પસંદ કર્યા છે. આમ તેઓ તેમની મનપસંદ નવી પ્રજા બન્યા છે. (૧ પીતર ૨:૯, ૧૦; પ્રેરિતોનાં કૃત્યો ૧૫:૧૪; ગલાતી ૬:૧૬) ઈશ્વરભક્ત પાઊલે જણાવ્યું કે ખ્રિસ્તે પોતાને સારું એવા લોકોને શુદ્ધ કર્યા છે જેઓ “સર્વ સારાં કામ કરવાને આતુર” હોય. (તીતસ ૨:૧૪) તેઓ કોણ છે? એના વિષે યુવાનો તમે જાતે નિર્ણય લઈ શકો. ‘સત્યનું પાલન કરનારી ન્યાયી પ્રજામાં’ કોનો સમાવેશ થાય છે? આજે કોણ બાઇબલના શિક્ષણ પ્રમાણે જીવે છે? યહોવાહના વફાદાર સાક્ષી તરીકે કોણ તેમની સેવા કરે છે? યહોવાહના રાજ્યનો કોણ પ્રચાર કરે છે, જે સર્વ ઇન્સાન માટે સાચું સુખ લાવશે? (યશાયાહ ૨૬:૨-૪) ચર્ચના ખ્રિસ્તીઓ અને દુનિયાના ધર્મોના લોકોના વાણી-વર્તન જુઓ. બાઇબલના સંસ્કાર પ્રમાણે રહેતા યહોવાહના ભક્તો સાથે એને સરખાવો.
૧૯. યહોવાહના લાખો ભક્તોને શાની ખાતરી થઈ છે?
૧૯ આખી દુનિયામાં યહોવાહના લાખો સાક્ષીઓમાં ઘણા જ યુવાનો છે. તેઓ બધાને ખાતરી છે કે યહોવાહે પસંદ કરેલા અભિષિક્ત ભાઈ-બહેનો એ “ન્યાયી પ્રજા” બને છે. યહોવાહના બધા સાક્ષીઓ આ અભિષિક્તોને કહે છે કે “અમે તારી સાથે આવીશું, કેમ કે અમે સાંભળ્યું છે કે દેવ તમારી સાથે છે.” (ઝખાર્યાહ ૮:૨૩) પ્યારા યુવાનો, અમારી પ્રાર્થના અને આશા છે કે તમે પણ યહોવાહના ભક્ત બનો. એમ કરશો તો યહોવાહની નવી દુનિયામાં તમે કાયમ જીવશો.—પુનર્નિયમ ૩૦:૧૫-૨૦; ૨ પીતર ૩:૧૧-૧૩. (w 06 7/1)
આપણે શું શીખ્યા?
• બાળકોને યહોવાહના બોધમાં ઉછેરવા શું કરવું જોઈએ?
• યહોવાહને કેવી ભક્તિ પસંદ છે?
• યહોવાહના ભક્તોનાં બાળકો પાસે કઈ પસંદગી છે?
• બાપ્તિસ્મા લેવામાં કેમ મોડું ન કરવું જોઈએ?
[અભ્યાસ પ્રશ્નો]
[પાન ૨૮ પર ચિત્ર]
તમે કોનું સાંભળશો?
[પાન ૨૯ પર ચિત્ર]
યહોવાહની સેવા કરવાનું વચન આપીને બાપ્તિસ્મા લેવાથી યુવાનોને શામાંથી રક્ષણ મળશે?
[પાન ૩૦ પર ચિત્ર]
બાપ્તિસ્મા લેતા તમને શું રોકે છે?