સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

હા, તમે પણ સુખી થઈ શકો

હા, તમે પણ સુખી થઈ શકો

હા, તમે પણ સુખી થઈ શકો

સાચું સુખ! એ પણ કાયમ માટે? એવું સુખ મેળવવું સહેલું નથી. આજે ઘણા એવું સુખ શોધી રહ્યા છે, પણ તેઓને એ મળતું નથી. કેમ કે તેઓ ખોટી જગ્યાએ શોધે છે. જો કોઈ જાણતું હોય કે સાચું સુખ ક્યાંથી મળી શકે અને તે પોતાના મિત્રને એ મેળવવા રસ્તો બતાવે તો, કેટલું સારું! એવું છે કોઈ?

હા, જરૂર છે. ધર્મશાસ્ત્ર બાઇબલ. એ સાચા સુખનો રસ્તો બતાવે છે. એમાં ગીતશાસ્ત્ર નામના પુસ્તકમાં યહોવાહ માટે ગવાયેલા ૧૫૦ ભજનો છે. યહોવાહની પ્રેરણાથી ઈઝરાયેલના દાઊદ રાજાએ એમાંના પંચોતેર જેટલાં ભજનો લખ્યાં હતાં. બાકીનાં બીજા ઈશ્વરભક્તોએ ઈશ્વરની પ્રેરણાથી લખ્યાં. અત્યારે એ બધાનાં નામ જાણવા એટલું મહત્ત્વનું નથી. પણ એક વસ્તુ ચોક્કસ છે: એ ભજન યહોવાહ પરમેશ્વરની પ્રેરણાથી લખાયાં છે. એ આપણને સાચા સુખનો રસ્તો બતાવે છે.

એના લેખકો જાણતા હતા કે યહોવાહ સાથે અતૂટ નાતો બાંધવાથી જ સાચું સુખ મળે છે. એક ઈશ્વરભક્તે લખ્યું: ‘જે યહોવાહનો ભક્ત છે, તેને ધન્ય છે.’ (ગીતશાસ્ત્ર ૧૧૨:૧) ‘જેઓનો દેવ યહોવાહ છે તેઓ ખરેખર સુખી છે.’ આવું સુખ કોઈ જિગરી દોસ્ત, માલ-મિલકત કે પછી પોતાની સફળતા નહિ આપી શકે. (ગીતશાસ્ત્ર ૧૪૪:૧૫) આજે તેમના ઘણા ભક્તો એની સાથે સહમત થશે.

દાખલા તરીકે, ચાળીસેક વર્ષના સુસાનાબહેનનો વિચાર કરો. * તે કહે છે: ‘આજે ઘણા લોકો સરખા ધ્યેયો કે શોખ પૂરા કરવા કોઈને કોઈ ગ્રૂપમાં જોડાય છે. તોપણ ભાગ્યે જ તેઓ પોતાના ગ્રૂપના લોકોને દોસ્ત ગણશે. યહોવાહના ભક્તોમાં એવું નથી. તેઓને યહોવાહ માટે ખૂબ જ પ્રેમ છે. એ કારણથી યહોવાહના ભક્તો એકબીજાને પ્રેમ બતાવે છે. યહોવાહના ભક્તોને તમે ગમે ત્યાં, ગમે ત્યારે મળો, તમને તેઓ સાથે એક કુટુંબ જેવું જ લાગશે. જરાય અજાણ્યું નહિ લાગે. તમે તેઓને ઓળખતા નહિ હો તોપણ તેઓ તમને પ્રેમ બતાવશે. તેઓ એકબીજાને દોસ્ત ગણે છે. એવા પ્રેમથી દિલને ઠંડક મળે છે. પછી ભલેને તમે ગમે તે જાતિના, ગમે તે દેશના, રંગના, અમીર કે ગરીબ, ભણેલા-ગણેલા કે અભણ હોવ. એવું આજે કયા ધર્મમાં જોવા મળે છે! છે એવું? હું પોતાના વિષે જ કહું તો, યહોવાહના ભક્ત બન્યા પછી હું બહુ જ ખુશ છું.’

મારીનો વિચાર કરો: તે સ્કૉટલૅન્ડમાં જન્મી હતી. તે શીખી કે યહોવાહ સાથે અતૂટ નાતો બાંધવાથી સાચી ખુશી મળે છે અને એ ખૂબ જરૂરી છે. તે કહે છે: ‘હું બાઇબલમાંથી યહોવાહ વિષે શીખી એ પહેલાં બીક લાગે એવી ફિલ્મો જોતી હતી. એમાં ખૂબ મજા આવતી. પણ રાતે સૂઈ ન શકતી. હું હાથમાં ક્રોસ પકડીને સૂતી. જેથી ભૂતો અને શેતાનના દૂતો મને હેરાન ન કરે. બાઇબલમાંથી યહોવાહ વિષે શીખ્યા પછી એવી ફિલ્મો જોવાનું મેં છોડી દીધું. યહોવાહ સાથે નાતો બાંધ્યો. હવે હું બરાબર સૂઈ શકું છું. હું સાચા ઈશ્વરની ખુશીથી સેવા કરું છું. યહોવાહ તો કહેવાતા ભૂતો અને શેતાનથી ખૂબ જ શક્તિશાળી છે.’

યહોવાહમાં ભરોસો મૂકવાથી મળતી ખુશી

આપણા સર્જનહાર પાસે અપાર શક્તિ અને જ્ઞાન છે. એમાં કોઈ શંકા નથી. એટલે જ દાઊદ રાજાને યહોવાહમાં પૂરો ભરોસો હતો. તેમને યહોવાહનું રક્ષણ હતું. દાઊદે લખ્યું: ‘જે યહોવાહ પર ભરોસો રાખે છે, તેને ધન્ય છે.’—ગીતશાસ્ત્ર ૪૦:૪.

મારિયા કહે છે: ‘મેં સ્પેઇન અને બીજી જગ્યાએ સેવા આપી છે. મને શીખવા મળ્યું કે યહોવાહની રીતે તેમની સેવા કરવાનું મન ન થતું હોય તોપણ આપણે તેમની રીતે જ સેવા કરવી જોઈએ. એનાં સારાં પરિણામો આવે છે. એનાથી આપણો આનંદ વધે છે. કારણ કે યહોવાહના માર્ગો હંમેશાં સૌથી સારા હોય છે.’

યહોવાહના એક મંડળમાં એન્ડ્રીઆસ વડીલ તરીકે સેવા આપે છે. તેમણે યુરોપના ઘણાં દેશોમાં સેવા આપી હતી. તે અનુભવથી જાણે છે કે યહોવાહમાં ભરોસો મૂકવા જેવું બીજું કાંઈ જ નથી. તે કહે છે: “મારા મોટા ભાઈ યહોવાહને ભજતા નથી. હું યુવાન હતો ત્યારે તે મને દબાણ કરતા કે ‘તારે સારી નોકરી કે ધંધો કરવો જોઈએ. કરિયર બનાવવી જોઈએ. જેથી રિટાયર થયા પછી સારું પેન્શન મળતું રહે.’ એવી કરિયર પસંદ કરવાને બદલે મેં પૂરો સમય યહોવાહની સેવા કરવાનું નક્કી કર્યું. એનાથી મારા મોટા ભાઈ દુઃખી થયા. ખરું કહું તો, પૂરો સમય યહોવાહનો પ્રચાર કરવાથી મને કશાની ખોટ પડી નથી. એના બદલે મને ઘણા જ આશીર્વાદો મળ્યા છે. એવા આશીર્વાદો પામવા લોકો ફક્ત સપના જ જુએ છે.”

જર્મનીના સેલ્ટર શહેરમાં યહોવાહનાં સાક્ષીઓની એક બ્રાંચ છે. એમાં તેઓ બાઇબલને લગતું છાપકામ કરે છે. ૧૯૯૩માં એ બ્રાંચ નાની પડવા લાગી એટલે વધારે બાંધકામની જરૂર પડી. એ કામમાં ફેલીક્સને પણ ત્યાં બોલાવ્યો હતો. કામ પૂરું થતા જ તેને એ બેથેલમાં કાયમ સેવા આપવાનું આમંત્રણ મળ્યું. ફેલીક્સે શું કર્યું? તે કહે છે: ‘મેં બે મનથી હા પાડી. મારા મનમાં ઘણી શંકાઓ હતી. હવે દસેક વર્ષથી હું અહીંયા સેવા આપી રહ્યો છું. મને ખાતરી થઈ છે કે યહોવાહે મારી પ્રાર્થનાઓ સાંભળીને બધી શંકાઓ દૂર કરી છે. તે જાણે છે કે મારા માટે શું સારું છે. તેમનામાં પૂરો ભરોસો રાખવાથી અને તેમના માર્ગદર્શન પ્રમાણે ચાલવાથી હું યહોવાહને કહી શકું છું, કે મારા માટે શું સારું છે એ તમે નક્કી કરો.’

આપણે સુસાનાબહેનની આગળ વાત કરી હતી. તેમને પૂરો સમય યહોવાહની સેવા કરવી હતી. તેમનો પ્રચાર કરવો હતો. પણ એમ કરવા તેમને પાર્ટ-ટાઈમ નોકરીની જરૂર હતી. પાર્ટ-ટાઈમ નોકરી શોધતા શોધતા એક વર્ષ થઈ ગયું. પછી તેમણે બધું યહોવાહના હાથમાં છોડી દીધું. તે કહે છે: “યહોવાહનો પૂરો સમય પ્રચાર કરવા માટે મેં ફૉર્મ ભરીને મંડળના ભાઈઓને આપી દીધું. મારી પાસે ખીસા-ખર્ચ માટે એક મહિનો ચાલે એટલા જ પૈસા હતા. તોય મેં આખો મહિનો યહોવાહનો પ્રચારમાં કરવામાં પસાર કર્યો. એની સાથે સાથે નોકરી માટે ઘણા ઇન્ટર્વ્યૂં આપતી રહી. નોકરીની શોધ ચાલુ રહી. પણ પ્રચારમાં ખૂબ જ મજા આવી! ખૂબ જ ઉત્તેજન મળ્યું. હું બાઇબલમાંથી શીખી હતી કે આપણે યહોવાહની સેવા જીવનમાં પ્રથમ મૂકીશું તો તે આપણી જરૂરિયાતો પૂરી પાડશે. એ વચન સાચું પડ્યું. એ મહિનાના છેલ્લા દિવસે મને પાર્ટ-ટાઈમ નોકરી મળી. મને ખાતરી થઈ કે યહોવાહ તેમનું વચન નિભાવે છે! હું હજી તો યહોવાહની પૂરો સમય સેવા કરવાની શરૂઆત કરતી હતી. એવામાં આ અનુભવ થયો. એનાથી મને તેમની સેવા કરવાની ખૂબ જ હિંમત મળી. ઘણા જ આશીર્વાદો મળ્યા. એનાથી મારું આખું જીવન ખુશીથી ભરાઈ ગયું.”

યહોવાહનું માનવાથી સુખી થઈશું

દાઊદ રાજાએ અમુક ગંભીર ભૂલો કરી હતી. અમુક વખતે તેમને સારી સલાહની જરૂર પડતી. દાઊદની જેમ શું આપણે પણ સારી સલાહ લેવા અને એ પ્રમાણે કરવા તૈયાર છીએ?

આઈડાબહેનનો દાખલો લઈએ. તે ફ્રાંસમાં રહે છે. એક વાર તેમણે ગંભીર ભૂલ કરી હતી. તે જણાવે છે: “મારા દિલમાં એક જ ચિંતા હતી. યહોવાહ સાથે તૂટી ગયેલો નાતો હું કેવી રીતે સાંધી શકું? એના સિવાય મને કશાની પડી ન હતી.” તેમણે પોતાના મંડળના વડીલો પાસે મદદ માગી. પોતે સુધારા કર્યા. તેમણે ૧૪ વર્ષથી ઉપર પૂરો સમય યહોવાહનો પ્રચાર કર્યો. તે હવે કહે છે: “યહોવાહે મારું ગંભીર પાપ માફ કર્યું એ જાણીને દિલને ઠંડક વળે છે.”

યહોવાહનું કહ્યું કરીશું તો આપણે કદી ભૂલ કરીશું નહિ. જ્યુડિથબહેનનો વિચાર કરો. તે કહે છે: “હું જર્મન કંપનીમાં કામ કરતી હતી. ત્યાં એક છોકરો મારો પ્રેમ જીતવા બધું જ કરતો. મને પણ એ છોકરો ગમી ગયો હતો. હું તેના પ્રેમમાં હતી. ત્યારે હું ૨૦ વર્ષની હતી. બધાને તેના માટે બહુ માન હતું. તેની સરસ પોસ્ટ હતી. પણ તે પરણેલો હતો! હું જાણતી હતી કે મારે બેમાંથી એક પસંદગી કરવી પડશે. યહોવાહ ઈશ્વરને વફાદાર રહું કાં તો તેમનાથી મોં ફેરવી લઉં. મેં મારા મમ્મી-પપ્પાને દિલ ખોલીને વાત કરી. પપ્પાએ મને સાફ-સાફ જણાવ્યું કે યહોવાહને એ જરાય પસંદ નથી. એનાથી મારું મગજ ઠેકાણે આવ્યું. મને એવી જ કડક સલાહની જરૂર હતી! છતાંય મારું દિલ પોતાને ન્યાયી ઠરાવવા કંઈને કંઈ બહાનાં શોધતું હતું. અઠવાડિયાં સુધી દરરોજ સાંજે મારી મમ્મી મને સમજાવતી કે યહોવાહના નિયમો પાળવામાં જ મારું ભલું છે. એનાથી મારું જીવન બચશે. એ પાળવી આપણા માટે ખૂબ જ મહત્ત્વનું છે. ધીમે ધીમે મારું દિલ યહોવાહનું કહ્યું માનવા લાગ્યું. યહોવાહે જે રીતે મને શિસ્ત અને શિખામણ આપી છે એનાથી મારું જીવન આજે ખુશીઓથી ભરેલું છે. પછી હું ઘણાં વર્ષો સુધી પૂરો સમય યહોવાહનો પ્રચાર કરી શકી છું. મને સારા પતિ પણ મળ્યા. તેમને પણ યહોવાહની ભક્તિ માટે ખૂબ જ પ્રેમ છે. તે મને પણ ચાહે છે.”

આ અનુભવો દાઊદના આ શબ્દોને સાચા સાબિત કરે છે: ‘જેને તેના દોષની માફી મળી છે તે સાચે જ સુખી છે! જેનાં પાપ ઢાંકી દેવામાં આવ્યાં છે તેને ધન્ય છે! યહોવાહે જેનો હિસાબ ચૂકતે ગણ્યો છે તે આશીર્વાદિત છે.’—ગીતશાસ્ત્ર ૩૨:૧, ૨, IBSI.

બીજાનું ભલું કરવાથી મળતો આનંદ

દાઊદ રાજાએ લખ્યું: “જે દરિદ્રીની [દુખિયારાની] ચિંતા કરે છે તેને ધન્ય છે; સંકટને સમયે યહોવાહ તેને છોડાવશે. યહોવાહ તેનું રક્ષણ કરશે તથા તેને જીવતો રાખશે; તે સુખી થશે.” (ગીતશાસ્ત્ર ૪૧:૧, ૨) દાઊદ રાજાનો એક જિગરી દોસ્ત હતો. યોનાથાન. યોનાથાનનો દીકરો મફીબોશેથ હતો. તે લંગડો હતો. તેથી દાઊદે મફીબોશેથની પ્રેમથી કાળજી રાખી. આપણે પણ એ જ રીતે ગરીબ, દુખિયારા કે નિરાધારને મદદ કરવી જોઈએ.—૨ શમૂએલ ૯:૧-૧૩.

માર્લીસબહેનનો વિચાર કરો. તેમણે ૪૭ વર્ષ મિશનરી સેવા આપી છે. જેમ કે આફ્રિકા, એશિયા અને પૂર્વ યુરોપમાં. લડાઈ-ઝગડાને કારણે ભાગી છૂટતા લોકોને તેમણે યહોવાહના રાજ્યનો પ્રચાર કર્યો છે. તેઓ વિષે તે કહે છે: ‘તેઓ અનેક મુશ્કેલીઓ અનુભવે છે. લોકો તેઓ સાથે પરદેશી જેવો વ્યવહાર કરે છે. ભેદભાવ રાખે છે. એવા લોકોને મદદ કરવાથી મને ખૂબ જ આનંદ મળે છે.’

મારીનાબહેનનો વિચાર કરો. તે ચાલીસેક વર્ષની છે. તે લખે છે: ‘મેં હજી લગ્‍ન નથી કર્યા. એ જોઈને મને ઘણી ખુશી થાય છે કે યહોવાહના સેવકો હંમેશાં મને મદદ કરવા તૈયાર હોય છે. નહિ તો મારા જેવી એકલીને ઘણી તકલીફો પડે. તેઓનો દાખલો જોઈને હું બીજાઓને ફોન કરીને અથવા પત્રો લખીને ઉત્તેજન આપું છું. ઘણા લોકોએ પત્ર લખીને એ માટે કદર બતાવી છે. બીજાઓને મદદ કરવાથી મને ખૂબ જ આનંદ મળે છે.’

દિમિતર પચ્ચીસેક વર્ષનો છે. તે કહે છે: ‘મારી મમ્મીએ એકલે હાથે મને મોટો કર્યો છે. હું નાનો હતો ત્યારે અમારા મંડળના એક વડીલ દર અઠવાડિયે મને પ્રચારમાં લઈ જતા. મને પ્રચાર કરતા શીખવતા. તે મંડળના બુકસ્ટડી ઓવરસીયર હતા. હું જાણું છું કે મને શીખવવું તેમના માટે હંમેશાં સહેલું ન હતું. તેમણે જે રીતે મને મદદ કરી એ હું કદી નહિ ભૂલું.’ દિમિતર પોતાને મળેલી મદદ માટે ઘણો ઉપકારી છે. તેથી તે હવે બીજાઓને મદદ કરે છે: ‘હું યુવાન અને ઘરડા ભાઈ-બહેનોને ઓછામાં-ઓછું મહિનામાં એક વાર મારી સાથે પ્રચારમાં લઈ જવાનો પ્રયત્ન કરું છું.’

ગીતશાસ્ત્રનું પુસ્તક જીવનને આનંદ આપતી અનેક બાબતો વિષે જણાવે છે. જેમ કે, આપણે પોતા પર આધાર રાખવાને બદલે યહોવાહ પર આધારિત રહેતા શીખવું જોઈએ. એ સૌથી મહત્ત્વનું છે: ‘જે યહોવાહ પાસેથી શક્તિ લે છે, તેને ધન્ય છે.’—ગીતશાસ્ત્ર ૮૪:૫.

કોરિનાબહેનનો વિચાર કરો. તે એવા દેશમાં જઈને પ્રચાર કરવા લાગી જ્યાં એની ખૂબ જરૂર હતી. તે કહે છે, ‘હું પ્રચાર કરવા ગઈ ત્યાં લોકોની ભાષા જુદી હતી. સંસ્કાર જુદા. તેઓના વિચારો પણ જુદા. મને થયું કે હું બીજી જ કોઈ દુનિયામાં આવી ગઈ છું. નવા વિસ્તારમાં પ્રચાર કરવાનો વિચાર આવતા જ હું ગભરાઈ જતી. હું યહોવાહને હિંમત માટે પ્રાર્થના કરતી. તેમની શક્તિથી હું એકલી એકલી પ્રચાર કરી શકી. અહીં બીજા શહેરો જેવું ન હતું. બધા જ લોકો છૂટા-છવાયા રહેતા. સમય જતાં હું ત્યાં પ્રચાર કરતા ટેવાઈ ગઈ. પછી બહુ જ મજા આવવા લાગી. ઘણા લોકો બાઇબલમાંથી યહોવાહ વિષે શીખવા લાગ્યા. એ અનુભવમાંથી મને આજે પણ ઘણો લાભ થાય છે. મને શીખવા મળ્યું કે યહોવાહની શક્તિથી આપણે પહાડ જેવી તકલીફો દૂર કરી શકીએ છીએ.’

સાચે જ જીવનમાં ખુશી લાવતા અનેક ઘટકો છે. જેમ કે યહોવાહ સાથે નાતો બાંધવાથી. તેમના ભક્તો સાથે દોસ્તી કરવાથી. યહોવાહમાં અતૂટ શ્રદ્ધા રાખવાથી. તેમનું કહેવું માનવાથી. બીજાઓનું ભલું કરવાથી. યહોવાહના માર્ગમાં પૂરા દિલથી ચાલીશું તો આપણા સુખનો પાર નહિ હોય.—ગીતશાસ્ત્ર ૮૯:૧૫; ૧૦૬:૩; ૧૧૨:૧; ૧૨૮:૧, ૨. (w 06 6/15)

[ફુટનોટ]

^ અમુક નામો બદલ્યા છે.

[પાન ૮ પર ચિત્ર]

મારિયા

[પાન ૯ પર ચિત્ર]

મારી

[પાન ૯ પર ચિત્ર]

સુસાના અને એન્ડ્રીઆસ

[પાન ૧૧ પર ચિત્ર]

કોરિના

[પાન ૧૧ પર ચિત્ર]

દિમિતર