સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઈશ્વરનો ડર રાખનાર સુખી છે

ઈશ્વરનો ડર રાખનાર સુખી છે

ઈશ્વરનો ડર રાખનાર સુખી છે

‘જે માણસ યહોવાહનો ભક્ત છે, તેને ધન્ય છે.’—ગીતશાસ્ત્ર ૧૧૨:૧.

૧, ૨. યહોવાહનો ડર રાખવાથી કેવા આશીર્વાદો મળશે?

 આજે સુખી થવા લોકો કેટલા ફાંફાં મારે છે. પણ સુખ તો દૂર ને દૂર ભાગતું જાય છે. આપણે શું કદીયે સુખી થઈશું? એ એના પર આધાર રાખે છે કે આપણે કેવા નિર્ણયો લઈએ છીએ. ખરું હોય એ જ કરીએ અને ખોટાં કામો ન કરીએ. એ રીતે જીવવા માટે આપણા ઈશ્વર યહોવાહે બાઇબલ આપ્યું છે. એ શીખવે છે કે આપણે કેવી રીતે સુખી થઈ શકીએ. જો આપણે યહોવાહનો ડર રાખીને તેમને માર્ગે ચાલીશું, તો આપણું જીવન ખુશીઓથી ભરાઈ જશે.—ગીતશાસ્ત્ર ૨૩:૧; નીતિવચનો ૧૪:૨૬.

આ લેખમાં આપણે બાઇબલમાંથી અને આપણા સમયના અમુક દાખલા જોઈશું. એમાંથી શીખીશું કે યહોવાહનો ડર રાખીને ચાલનારાને કેવી હિંમત મળે છે. તેઓ કેવી રીતે તકલીફોમાં પણ ખોટે માર્ગે નહિ, પણ સાચે માર્ગે ચાલ્યા. આપણે એ પણ શીખીશું કે દાઊદની જેમ યહોવાહનો ડર રાખીશું તો ખોટું કર્યું હશે તોપણ, જીવન સુધારીને સુખી થઈ શકીશું. એ પણ જોઈશું કે માબાપ નાનપણથી બાળકોને યહોવાહનો ડર રાખતા શીખવે, તેમની ભક્તિ કરતા શીખવે તો સારું. એ જ બાળકો માટે કીમતી વારસો છે. શા માટે? ‘જે માણસ યહોવાહનો ભક્ત છે, તેને ધન્ય છે.’—ગીતશાસ્ત્ર ૧૧૨:૧.

સુખ પાછું મેળવવું

૩. દાઊદ પોતાનાં પાપમાંથી કેવી રીતે બહાર નીકળી શક્યા?

આપણે આગળના લેખમાં જોઈ ગયા તેમ, દાઊદે ત્રણ મોટી ભૂલો કરી. યહોવાહનો ડર ન રાખ્યો ને પાપમાં પડ્યા. તોપણ તેમણે યહોવાહે આપેલી સજા સ્વીકારી. એ બતાવે છે કે તે યહોવાહને દિલથી ચાહતા હતા, તેમનો ડર રાખતા હતા. યહોવાહની ભક્તિ અને પ્રેમને લીધે, દાઊદે પોતાના પાપ કબૂલ્યાં. પસ્તાવો કર્યો. યહોવાહ સાથેનો નાતો પાકો કર્યો. દાઊદે કરેલી ભૂલને લીધે તેમના માથે દુઃખોના ડુંગર તૂટી પડ્યા. તેમના સગાં-સંબંધીઓએ પણ ઘણું સહેવું પડ્યું. છતાં પણ તેમણે દિલથી પસ્તાવો કર્યો. એટલે યહોવાહની કૃપાનો હાથ તેમના પર રહ્યો, તેમને સાથ આપ્યો. દાઊદનો અનુભવ ખાસ કરીને એવા ભાઈ-બહેનોને હિંમત આપે છે, જેઓ પાપ કરી બેસે છે.

૪. યહોવાહનો ડર રાખીને ચાલવાથી વ્યક્તિને કેવી રીતે મદદ મળી શકે?

સોનિયા નામની આપણી એક બહેનનો વિચાર કરો. * તે પાયોનિયર હતી. તોપણ તે બૂરી સોબતમાં ફસાઈ ગઈ. ખોટાં કામ કર્યાં, જેને લીધે તેને મંડળમાંથી કાઢી મૂકવી પડી. સોનિયાને ભાન થયું કે પોતે કેવી ભૂલ કરી હતી. તેણે જીવનમાં ફેરફાર કર્યા અને યહોવાહ સાથેનો નાતો ફરી બાંધ્યો. સમય જતાં તેને ફરીથી મંડળમાં લેવામાં આવી. આ મુશ્કેલ સંજોગોમાં પણ સોનિયાના દિલમાં યહોવાહ માટેની શ્રદ્ધાની જ્યોત જલતી હતી. આખરે તે ફરીથી પાયોનિયર બની. અમુક સમય પછી તેણે મંડળના વડીલ સાથે લગ્‍ન કર્યા. હવે સોનિયા પોતાના પતિ સાથે મંડળમાં સુખી છે. સોનિયા થોડા સમય માટે યહોવાહના માર્ગમાંથી ભટકી ગઈ, એનો તેને બહુ જ અફસોસ છે. પણ તેને ખુશી છે કે યહોવાહના ડરને લીધે, તે ફરીથી તેમની ભક્તિ કરવા લાગી.

પાપ કરવાને બદલે સહન કરવું સારું

૫, ૬. દાઊદે કેવી રીતે બે વાર શાઊલનો જીવ બચાવ્યો? શા માટે દાઊદે એમ કર્યું?

જો આપણે યહોવાહનો ડર રાખીને, પાપમાં પડતા પહેલાં જ ચેતી જઈએ તો બહુ સારું કહેવાય. દાઊદનો દાખલો લો. શાઊલ ૩,૦૦૦ સૈનિકો લઈને દાઊદની પાછળ પડે છે. દાઊદ અને તેમના માણસો જે ગુફામાં સંતાયા હતા, એ જ ગુફામાં શાઊલ આવે છે. દાઊદને તેમના માણસો અરજ કરે છે કે ‘શાઊલને મારી નાખ. યહોવાહે જ તારા જાની દુશ્મનને તારા હાથમાં સોંપી દીધો છે.’ દાઊદે છાનામાના જઈને શાઊલના ઝભ્ભાની કોર કાપી લીધી. તોપણ દાઊદ યહોવાહનો ડર રાખનાર હતા. એટલે તેમનું દિલ ડંખ્યું. તેમણે પોતાના અધીરા માણસોને શાંત પાડતા કહ્યું: “મારો હાથ તેની વિરૂદ્ધ લંબાવીને મારા મુરબ્બી એટલે યહોવાહના અભિષિક્ત પ્રત્યે હું એવું કામ કરૂં, એવું યહોવાહ ન થવા દો.” *૧ શમૂએલ ૨૪:૧-૭.

બીજા એક પ્રસંગે, શાઊલ અને તેનું લશ્કર રાત્રે એક જગ્યાએ રોકાયું હતું. તેઓ પર ‘યહોવાહે ગાઢ નિદ્રા મોકલી,’ તેઓને ભરઊંઘમાં નાખ્યા. દાઊદ અને તેમનો નીડર ભાણિયો અબીશાય છાનામાના ત્યાં પહોંચી ગયા. અરે, જ્યાં શાઊલ સૂતો હતો ત્યાં જવાની હિંમત કરી. અબીશાયના મનમાં બસ એક જ વિચાર, કે આજે તો શાઊલને મારી જ નાખવો. દાઊદે અબીશાયને રોકતા પૂછ્યું કે “યહોવાહના અભિષિક્ત પર પોતાનો હાથ ઉગામીને કોણ નિર્દોષ રહી શકે?”—૧ શમૂએલ ૨૬:૯, ૧૨.

૭. દાઊદ કેવી રીતે પાપમાં પડતા બચી ગયા?

દાઊદને બે વાર મોકો મળ્યો છતાંયે કેમ શાઊલને મારી ન નાખ્યો? એટલા માટે કે દાઊદ શાઊલનો નહિ, પણ યહોવાહનો ડર રાખતા હતા. દાઊદે યહોવાહ વિરુદ્ધ પાપ કરવાને બદલે, પોતે સહન કરવાનું વધારે પસંદ કર્યું. (હેબ્રી ૧૧:૨૫) દાઊદને પૂરો ભરોસો હતો કે યહોવાહ પોતાના લોકોની અને પોતાની જરૂર સંભાળ રાખશે. દાઊદ જાણતા હતા કે યહોવાહનું કહેવું માનવાથી આશીર્વાદો આવે છે. પણ તેમની આજ્ઞા તોડવાથી યહોવાહની કૃપા જતી રહે છે. (ગીતશાસ્ત્ર ૬૫:૪) યહોવાહે દાઊદને રાજા બનાવવાનું વચન આપ્યું હતું. દાઊદને ખબર હતી કે યોગ્ય સમયે યહોવાહ પોતાનું વચન ચોક્કસ પાળશે.—૧ શમૂએલ ૨૬:૧૦.

ઈશ્વરનો ડર રાખીને સુખી થઈએ

૮. ગમે એવી તકલીફો સહન કરવા દાઊદનો દાખલો કેવી રીતે મદદ કરી શકે?

આપણે જાણીએ છીએ કે ઈશ્વરભક્તોની મશ્કરી થશે. સતાવવામાં આવશે. બીજી કસોટીઓ પણ થશે. (માત્થી ૨૪:૯; ૨ પીતર ૩:૩) આપણા ભાઈ-બહેનો સાથે પણ કોઈ વાર મન-દુઃખ થઈ જાય. પણ યહોવાહ બધુંય જુએ છે. આપણી વિનંતીઓ સાંભળે છે. તેમની મરજી પ્રમાણે યોગ્ય સમયે બધું સુધારશે. (રૂમી ૧૨:૧૭-૨૧; હેબ્રી ૪:૧૬) એટલે આપણે માણસોથી ડરવાને બદલે યહોવાહનો ડર રાખીને જીવીએ. તે આપણને કોઈ પણ તકલીફમાંથી છોડાવશે. આપણે દાઊદ જેવા બનીએ. મનમાં કોઈ વેરભાવ ન રાખીએ. દુઃખોથી બચવા યહોવાહના સિદ્ધાંતોને મન ફાવે તેમ લાગુ ન પાડીએ. જો એમ કરીશું તો આપણે છેવટે સુખી થઈશું. એમ કેવી રીતે?

૯. યહોવાહનો ડર રાખીને જીવીશું તો કેવી રીતે સુખી થઈશું? અનુભવ જણાવો.

વર્ષોથી આફ્રિકામાં મિશનરી સેવા આપતા એક ભાઈ જણાવે છે: ‘મને એક મા અને તેની યુવાન દીકરીનો અનુભવ યાદ આવે છે. યહોવાહના ભક્ત હોવાને લીધે તેઓએ સરકારની પાર્ટીના કાર્ડ વેચાતા ન લીધા. માણસોના ટોળાએ તેઓને ઢોર-માર માર્યો. પછી ઘરે ચાલ્યા જવા કહ્યું. માંડ માંડ ચાલતા ઘરે જતી વખતે મા પોતાની દીકરીને પ્રેમથી દિલાસો આપતી હતી. દીકરીને સમજાતું ન હતું કે આવું કેમ થયું. ખરું કે એ સમયે તેઓ બહુ દુઃખી હતા. પણ તેઓનું દિલ સાફ હતું. પછી મા-દીકરી એ વાતથી બહુ ખુશ હતા કે તેઓએ યહોવાહનો ડર રાખ્યો હતો. તેમની આજ્ઞા પાળી હતી. જો તેઓએ પાર્ટીના કાર્ડ લીધા હોત, તો માણસો રાજી રાજી થઈ જાત. એ લોકોએ મા-દીકરીને કોલ્ડ ડ્રિંક્સ પીવા આપ્યું હોત અને નાચતા નાચતા તેઓને ઘરે મૂકવા ગયા હોત. પણ મા-દીકરીનું દિલ તેઓને કોરી ખાત, કેમ કે તેઓએ યહોવાહની આજ્ઞા તોડી હોત.’ કેવું સારું કે યહોવાહનો ડર રાખીને તેઓ સારો નિર્ણય લઈ શક્યા.

૧૦, ૧૧. યહોવાહનો ડર રાખીને જીવનમાં નિર્ણયો લેવાથી એક સ્ત્રીને કેવા આશીર્વાદો મળ્યા?

૧૦ યહોવાહનો ડર રાખીને ચાલવાથી આપણે જીવનને પણ કીમતી ગણીશું, કેમ કે જીવન તેમની પાસેથી મળેલી ભેટ છે. મેરી નામની એક સ્ત્રીને ત્રીજું બાળક થવાનું હતું. ડૉક્ટરે અરજ કરી કે ‘આ વખતે તારા માટે મોટું જોખમ ઊભું થઈ શકે છે. તું ૨૪ કલાકમાં જ મરી જઈશ. પછી તો બાળક પણ મરી જશે. એના કરતાં તું ગર્ભપાત કરાવી નાખ. એ સિવાય બાળક નોર્મલ જન્મશે, એની કોઈ ગૅરંટી નથી.’ મેરી બાઇબલમાંથી યહોવાહના વિચારો શીખી રહી હતી. હજુ તે બાપ્તિસ્મા પામી ન હતી. મેરી જણાવે છે કે ‘મેં તો યહોવાહની જ ભક્તિ કરવાનું નક્કી કર્યું હતું. ભલે ગમે એ થાય, મારે તો તેમના કહેવા પ્રમાણે જ કરવું હતું.’—નિર્ગમન ૨૧:૨૨, ૨૩.

૧૧ બાળકનો જન્મ થતા સુધી, મેરી બાઇબલમાંથી શીખતી રહી. કુટુંબની સંભાળ પણ રાખી. આખરે બાળકનો જન્મ થયો. મેરી કહે છે કે ‘પહેલી બે ડિલિવરી કરતાં, આ વખતે જરા મુશ્કેલી પડી. પણ કોઈ મોટી મુશ્કેલી ન હતી.’ યહોવાહનો ડર રાખીને, મેરીએ તેમની આજ્ઞા પાળી. તેનું દિલ સાફ હતું. તેણે બાપ્તિસ્મા લીધું. તેનો નાનકડો મુન્‍નો મોટો થયો. તેણે પણ યહોવાહની જ ભક્તિ કરવાનું નક્કી કર્યું. હવે તે યહોવાહના સાક્ષીઓની એક બ્રાંચ ઑફિસમાં સેવા આપે છે.

દાઊદે યહોવાહ પાસેથી હિંમત મેળવી

૧૨. યહોવાહનો ડર રાખવાથી દાઊદને કેવી રીતે હિંમત મળી?

૧૨ દાઊદ યહોવાહનો ડર રાખીને ચાલ્યા, એટલે ખોટાં કામો ન કર્યાં. એટલું જ નહિ, મુસીબતોમાં પણ તે સમજી-વિચારીને ખરા નિર્ણયો લઈ શક્યા. દાઊદ અને તેમના માણસો શાઊલથી નાસતા-ફરતા હતા, ત્યારના એક બનાવનો વિચાર કરો. તેઓએ લગભગ સવા વર્ષ સુધી, દુશ્મન પલિસ્તીઓના દેશમાં સિક્લાગ શહેરમાં આશરો લીધો. (૧ શમૂએલ ૨૭:૫-૭) એક વાર દાઊદ અને તેના માણસો શહેરમાં ન હતા ત્યારે લુટારા અમાલેકીઓ આવ્યા. બધી સ્ત્રીઓ, દીકરા-દીકરીઓ, ઢોર-ઢાંક બધું લૂંટી ગયા અને શહેરને આગ લગાડી. દાઊદ અને તેના માણસોએ પાછા આવીને જે જોયું, એના લીધે તેઓ પોક મૂકીને રડ્યા. દાઊદના માણસોના મનમાં કડવાશ ભરાઈ ગઈ. તેઓ દાઊદને પથ્થરે મારવા ઊભા થયા. દાઊદ બહુ દુઃખી થયા પણ હિંમત ન હાર્યા. (નીતિવચનો ૨૪:૧૦) તેમણે યહોવાહને મદદનો પોકાર કર્યો, “દાઊદે પોતાના દેવ યહોવાહમાં બળ પકડ્યું.” યહોવાહની મદદથી દાઊદ અને તેમના માણસોએ અમાલેકીઓને પકડી પાડ્યા. તેઓ પોતાનું બધુંય પાછું જીતી લાવ્યા.—૧ શમૂએલ ૩૦:૧-૨૦.

૧૩, ૧૪. યહોવાહનો ડર રાખવાથી એક બહેનને ખરા નિર્ણયો લેવા કેવી રીતે મદદ મળી?

૧૩ આજે પણ યહોવાહના ભક્તો સામે એવા સંજોગો ઊભા થાય છે, જેમાં તેઓએ યહોવાહમાં પૂરો ભરોસો રાખવાની જરૂર પડે છે. હિંમતથી નિર્ણયો લેવા પડે છે. ક્રિસ્ટીના નામની બહેનનો દાખલો લો. તેને સંગીતનો બહુ શોખ. ખાસ કરીને પિયાનોના શૉ કે કૉન્સર્ટમાં પિયાનો વગાડવાનું તેનું સપનું. તે ઘણું સારું વગાડતા શીખી. નાની હતી ત્યારે તે બાઇબલમાંથી યહોવાહ વિષે શીખતી હતી. પણ તેને પ્રચારમાં જતા ગભરામણ થાય. તેને ખબર હતી કે બાપ્તિસ્મા લેશે તો પ્રચાર કરવાની જવાબદારી આવશે. તોપણ જેમ તે બાઇબલમાંથી વધારે શીખતી ગઈ, તેમ તેને હિંમત મળી. તે યહોવાહ પરના પ્રેમને કારણે, તેમનો ડર રાખતા શીખી. તેને ખબર પડી કે યહોવાહ ચાહે છે કે પોતાના બધાય ભક્તો દિલોજાનથી, તન-મનથી તેમની ભક્તિ કરે. (માર્ક ૧૨:૩૦) એટલે તેણે યહોવાહની જ ભક્તિ કરવાનું વચન લીધું અને બાપ્તિસ્મા પામી.

૧૪ ક્રિસ્ટીનાએ દિલથી ભક્તિ કરવા યહોવાહની મદદ માગી. તે સમજાવે છે: ‘મને ખબર છે કે મોટા મોટા શૉમાં પિયાનો વગાડવો, એક ભારે જવાબદારી છે. એકથી બીજી જગ્યાએ મુસાફરી કરવી પડે. વર્ષમાં લગભગ ૪૦૦ જેટલા શૉનો કૉન્ટ્રેક્ટ લેવો પડે. એટલે મેં નક્કી કર્યું કે હું ટીચરની નોકરી કરીશ. એનાથી મારો ખર્ચો પણ નીકળી જશે અને હું પાયોનિયર કામ પણ કરી શકીશ.’ એ સમયે ક્રિસ્ટીનાનું પહેલા શૉમાં પિયાનો વગાડવાનું બુકીંગ થઈ ચૂક્યું હતું. એ દેશના સૌથી જાણીતા હૉલમાં હતું. ક્રિસ્ટીના જણાવે છે કે ‘એ મારો પહેલો ને છેલ્લો શૉ હતો.’ ત્યાર પછી તેણે એક વડીલ સાથે લગ્‍ન કર્યા. તેઓ બંને હવે યહોવાહના સાક્ષીઓની એક બ્રાંચ ઑફિસમાં સેવા આપે છે. ક્રિસ્ટીના બહુ ખુશ છે કે યહોવાહે તેને ખરો નિર્ણય લેવા હિંમત આપી. એટલે જ તો હવે તે પોતાનો સમય ને શક્તિ યહોવાહની ભક્તિમાં વાપરી શકે છે.

કીમતી વારસો

૧૫. દાઊદ પોતાનાં બાળકોને કયો વારસો આપવા માંગતા હતા? તેમણે કેવી રીતે એમ કર્યું?

૧૫ દાઊદે લખ્યું કે “આવો, દીકરાઓ, મારૂં સાંભળો; હું તમને યહોવાહનું ભય રાખતાં શીખવીશ.” (ગીતશાસ્ત્ર ૩૪:૧૧) દાઊદ પોતાનાં બાળકોને એક કીમતી વારસો આપવા માંગતા હતા. એ યહોવાહની ભક્તિનો વારસો હતો. તેમણે બાળકોને શીખવ્યું કે યહોવાહનું દિલ ન દુભાય એ રીતે તેમનો ડર રાખીને કેવી રીતે જીવવું. દાઊદે અનુભવ કર્યો કે યહોવાહ પ્રેમના સાગર છે. દયાથી ભરપૂર છે. તે કંઈ બિલોરી કાચ લઈને આપણી ભૂલો શોધતા નથી. આપણે ભૂલ કરીએ તોપણ, દરિયા જેવા દિલથી તે માફી આપે છે. દાઊદે પોતે એ અનુભવ કર્યો હતો. એટલે જ યહોવાહમાં પૂરો ભરોસો બતાવતા તેમણે પૂછ્યું કે “પોતાની ભૂલો કોણ જાણી શકે? છાનાં પાપમાંથી તું મને મુક્ત કર.” દાઊદને ગળા સુધી ખાતરી હતી કે પોતે યહોવાહની ઇચ્છા પ્રમાણે ચાલવા બનતું બધું જ કરે તો, પોતાની વાણી ને વિચારો તેમને રાજી કરશે.—ગીતશાસ્ત્ર ૧૯:૧૨, ૧૪.

૧૬, ૧૭. માબાપ પોતાનાં બાળકોને કેવી રીતે યહોવાહનો ડર રાખતા શીખવી શકે?

૧૬ દાઊદનો દાખલો આજે માબાપ માટે કેટલો સારો છે. રાલ્ફ નામના એક ભાઈનો અનુભવ સાંભળો. તે અને તેમનો ભાઈ યહોવાહના સાક્ષીઓની એક બ્રાંચ ઑફિસમાં સેવા આપે છે. રાલ્ફ જણાવે છે કે ‘અમારાં માબાપે યહોવાહના ભક્તો તરીકે અમારું જીવન ખુશીઓથી ભરી દીધું હતું. એમાં અમને જરાય કંટાળો આવતો નહિ. અમે નાના હતા ત્યારથી જ તેઓ અમને કહેતા કે યહોવાહની ભક્તિ કરવાથી તેઓને કેવી ખુશી મળે છે. તેઓની જેમ જ અમારી હોંશ વધી. અમે પણ યહોવાહની ભક્તિમાં કેટલું બધું કરી શકીએ છીએ, એ તેઓએ અમને શીખવ્યું. જે દેશમાં પ્રચાર કરવા મદદ જોઈતી હતી, ત્યાં અમુક વર્ષો સુધી અમે બધા ગયા. ત્યાં નવાં મંડળ શરૂ કર્યાં.

૧૭ ‘અમને યહોવાહના જ માર્ગે ચાલવા શામાંથી મદદ મળી? કડક નિયમોથી? ના. પણ અમે જોયું કે અમારાં મમ્મી-પપ્પાને મન યહોવાહ જ તેમનું જીવન હતા. તેઓ યહોવાહનો પ્રેમ, ભલાઈ અનુભવતા. યહોવાહ વિષે જાણવાની તેઓની પ્યાસ કદી બૂઝાતી નહિ. તેઓ યહોવાહનો ડર રાખીને, તેમને દિલથી ચાહતા હતા. અમે કંઈ તોફાન કરીએ, ન કરવાનું કરીએ ત્યારે પણ, તેઓએ અમને યહોવાહની બીક બતાવી નહિ. તેઓએ મન ફાવે તેમ અમારા પર નિયમો પણ ઠોકી બેસાડ્યા નહિ. મોટે ભાગે તેઓ અમને પાસે બેસાડતા અને સમજાવતા. મમ્મીને તો અમારા પર એટલું વહાલ કે કોઈ વાર અમને સમજાવતા રડી પડતી. તેઓના પ્રેમને લીધે તેમની સલાહ અમારા દિલમાં ઊતરી જતી. તેઓએ વાણી-વર્તનથી અમને શીખવ્યું કે યહોવાહનો ડર રાખવામાં અમારું જ ભલું છે. યહોવાહની ભક્તિ કંઈ બોજ નથી, પણ એમાં જ અમારું સુખ છે.’—૧ યોહાન ૫:૩.

૧૮. યહોવાહનો ડર રાખવાથી આપણને કેવા આશીર્વાદો મળશે?

૧૮ ‘દાઊદનાં છેલ્લાં વચનોમાં’ આપણે આમ વાંચીએ છીએ: ‘મનુષ્ય પર જે ન્યાયથી રાજ કરે છે, યહોવાહનો ડર રાખીને રાજ કરે છે, તે સવારના એટલે સૂરજ ઊગે ત્યારના પ્રકાશ જેવો થશે.’ (૨ શમૂએલ ૨૩:૧, ૩, ૪) દાઊદનો દીકરો સુલેમાન તેમના પછી રાજા બન્યો. તેણે એ સલાહ જીવનમાં ઉતારી. સુલેમાને યહોવાહને વિનંતી કરી કે સમજુ કે “વિવેકી હૃદય આપ, કે જેથી ખરાખોટાનો ભેદ હું પારખી શકું.” (૧ રાજા ૩:૯) સુલેમાન જાણતો હતો કે યહોવાહનો ડર રાખવામાં જ તેનું ભલું થશે. વર્ષો પછી તેણે સભાશિક્ષકના પુસ્તકને અંતે આમ જણાવ્યું: “વાતનું પરિણામ આપણે સાંભળીએ; તે આ છે: દેવનું ભય રાખ અને તેની આજ્ઞાઓ પાળ; દરેક મનુષ્યની સંપૂર્ણ ફરજ એ છે. કેમ કે દરેક ભલી કે ભૂંડી ગુપ્ત વાત સુદ્ધાં દરેક કામનો દેવ ન્યાય કરશે.” (સભાશિક્ષક ૧૨:૧૩, ૧૪) આપણે પણ એ સલાહ જીવનમાં ઉતારીએ. પછી અનુભવ કરીશું કે “નમ્રતાનાં અને યહોવાહના ભયનાં ફળ” સુખ-શાંતિ જ નથી. એની સાથે સાથે ‘ધન, આબરૂ અને જીવન’ પણ છે.—નીતિવચનો ૨૨:૪.

૧૯. આપણને કેવી રીતે “યહોવાહના ભયની સમજણ” મળી શકે?

૧૯ આપણે જોઈ ગયા કે પહેલાના જમાનામાં યહોવાહના ભક્તો તેમનો ડર રાખીને સુખી થયા. આજે પણ એમ જ બને છે. યહોવાહનો ડર રાખીને ચાલવાથી, આપણે દિલથી તેમની ભક્તિ કરીએ છીએ. એનાથી આપણને દુઃખ-તકલીફોમાં પણ હિંમત મળે છે. કસોટીઓ સહન કરવા શક્તિ મળે છે. ચાલો આપણે નાના-મોટા બધાય બાઇબલ વાંચીએ, વિચારીએ અને એ પ્રમાણે જીવીએ. યહોવાહને પ્રાર્થનામાં આપણાં સુખ-દુઃખ બધુંય જણાવીએ. આ રીતે આપણને ‘યહોવાહનું જ્ઞાન મળશે.’ સાથે સાથે “યહોવાહના ભયની સમજણ પડશે.”—નીતિવચનો ૨:૧-૫. (w 06 8/1)

[ફુટનોટ્‌સ]

^ નામ બદલવામાં આવ્યાં છે.

^ દાઊદે ૫૭ અને ૧૪૨ નંબરનાં ગીતો લખ્યાં. એ લખવા પ્રેરણા આપનારા અનુભવોમાં આ એક અનુભવ પણ હોઈ શકે.

આપણે સમજાવી શકીએ?

• પાપ કરી બેસીએ તોપણ, કેવી રીતે યહોવાહનો ડર મદદ કરી શકે?

• યહોવાહનો ડર રાખીને આપણે દુઃખ-તકલીફો, કસોટીઓમાં પણ કેવી રીતે ખુશ રહી શકીએ?

• યહોવાહના માર્ગમાં ચાલવા કેવી રીતે તેમનો ડર આપણને હિંમત આપે છે?

• કેવી રીતે યહોવાહનો ડર રાખીને તેમની ભક્તિ કરવાનો વારસો આપણાં બાળકો માટે કીમતી છે?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૨૯ પર ચિત્રો]

યહોવાહનો ડર રાખીને તેમની ભક્તિ કરવાનો કીમતી વારસો માબાપ બાળકોને આપી શકે