સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ગીતશાસ્ત્રના ત્રીજા અને ચોથા ભાગના મુખ્ય વિચારો

ગીતશાસ્ત્રના ત્રીજા અને ચોથા ભાગના મુખ્ય વિચારો

યહોવાહનો શબ્દ જીવંત છે

ગીતશાસ્ત્રના ત્રીજા અને ચોથા ભાગના મુખ્ય વિચારો

એક ઈશ્વરભક્તે પ્રાર્થનામાં કહ્યું કે “શું કબરમાં તારી કૃપા, કે વિનાશમાં તારૂં વિશ્વાસુપણું, જાહેર કરવામાં આવશે?” (ગીતશાસ્ત્ર ૮૮:૧૧) જરાય નહિ! ફક્ત જીવતાઓ યહોવાહને ભજી શકે. અને યહોવાહને ભજવા જેવું જીવનમાં બીજું કંઈ જ નથી!

ભજન ૭૩થી ૧૦૬ ગીતશાસ્ત્રનો ત્રીજો અને ચોથો ભાગ બને છે. એ જણાવે છે કે ઈશ્વરનું નામ રોશન કરવા પાછળ અનેક કારણો છે. એ ભજનના વિચારો પોતાના દિલમાં ઉતારી લઈશું તો બાઇબલ માટે ઊંડું માન વધશે. ઈશ્વરના ગુણગાન ગાવા આપણા દિલમાં હોંશ જાગશે. (હેબ્રી ૪:૧૨) તો ચાલો આપણે ગીતશાસ્ત્રના ત્રીજા ભાગ પર ધ્યાન આપીએ.

‘ઈશ્વર પાસે આવવું, તેમાં મારૂં કલ્યાણ થશે’

(ગીતશાસ્ત્ર ૭૩:૧–૮૯:૫૨)

આસાફ અથવા તેમના કુટુંબમાંથી કોઈએ ૭૩-૮૩ ભજનો લખ્યા છે. ૭૩માં ભજનની શરૂઆત બતાવે છે કે આસાફ ખોટા વિચારોમાં ડૂબી ગયો હતો. એમાંથી બહાર નીકળવા તેમને શેનાથી મદદ મળી? તેમણે ભજનમાં ગાયું: “ઈશ્વર પાસે આવવું, તેમાં મારૂં કલ્યાણ છે.” (ગીતશાસ્ત્ર ૭૩:૨૮) યરૂશાલેમના નાશ વિષે ૭૪મું ગીત શોકનું ભજન છે. ગીત ૭૫, ૭૬ અને ૭૭ બતાવે છે કે યહોવાહ ન્યાયી છે. નમ્ર લોકોને બચાવનાર. પ્રાર્થના સાંભળનાર. મુસાથી લઈને દાઊદના જમાનામાં ઈસ્રાએલમાં જે બન્યું એના વિષે ૭૮ના ભજનમાં મુખ્ય વિચારો છે. ૭૯મું ગીત મંદિરના નાશ વિષેનું શોકનું ભજન છે. ૮૦મું ભજન ઇસ્રાએલીઓ બાબેલોનની ગુલામીમાંથી પાછા આવ્યા એનું છે. ૮૧મું ભજન યહોવાહને વફાદાર રહેવા ઉત્તેજન આપે છે. ભજન ૮૨ અને ૮૩માં ઈસ્રાએલીઓ યહોવાહને પોકાર કરે છે કે તેમના દુશ્મનો અને ભ્રષ્ટ ન્યાયાધીશોને (જજસાહેબને) સજા કરવામાં આવે.

કોરાહના દીકરાએ ભજનમાં ગાયું: ‘હું યહોવાહનાં આંગણાંની અભિલાષા રાખું છું.’ (ગીતશાસ્ત્ર ૮૪:૨) ૮૫મા ભજનમાં ગુલામીમાંથી પાછા ફરેલા ઈસ્રાએલીઓ યહોવાહના સાથ માટે પોકાર કરે છે. આ ગીત બતાવે છે કે માલમિલકત કરતાં યહોવાહનો આશીર્વાદ અતિ મૂલ્યવાન છે. ગીત ૮૬માં દાઊદ રક્ષણ અને શિક્ષણ માટે યહોવાહને પ્રાર્થના કરે છે. સિયોન કે યરૂશાલેમમાં જન્મેલા ઈસ્રાએલીઓ માટે ૮૭મું પ્રાર્થનાનું ગીત છે. ગીત ૮૮માં તેઓએ યહોવાહને કરેલી પ્રાર્થના જોવા મળે છે. ૮૯માં યહોવાહ વચન આપે છે કે દાઊદના વંશ કે કુટુંબમાંથી એક રાજા આવશે જે કાયમ ટકી રહેશે. એમાં આપણને યહોવાહની કૃપા જોવા મળે છે. એ ગીત ઈશ્વરભક્ત એથામે લખ્યું હતું. સુલેમાનના ચાર બુદ્ધિમાન કે જ્ઞાની માણસોમાંથી તે એક હોઈ શકે.—૧ રાજાઓ ૪:૩૧.

સવાલ-જવાબ:

૭૩:૯કઈ રીતે દુષ્ટો “ઈશ્વર વિરૂદ્ધ પોતાનું મોં ઊંચું રાખે છે, અને પૃથ્વીમાં તેઓની જીભ છૂટથી ચાલે છે”? દુષ્ટોને સ્વર્ગમાં કે પૃથ્વી પર કોઈની પડી જ નથી. તેઓ પોતાના મોંથી છૂટથી ઈશ્વરની નિંદા કરે છે. તેમ જ ઈશ્વરભક્તોને બદનામ કરવા છૂટથી જીભ વાપરે છે.

૭૪:૧૩, ૧૪યહોવાહે ક્યારે ‘સમુદ્રમાં મહા મત્સ્યોનાં માથાં ફોડી નાખીને મગરમચ્છનાં માથાંના કકડેકકડા કરી નાખ્યા હતાં’? યહોવાહ ‘મિસરના રાજા ફારૂનને, નાઈલ નદીના પાણીમાં પડી રહેનાર મહાન અજગર’ કે મગર સાથે સરખાવે છે. (હઝકીએલ ૨૯:૩) ફારૂનના લશ્કરને મગરમચ્છ સાથે સરખાવે છે. યહોવાહે ઈસ્રાએલીઓને મિસરની ગુલામીમાંથી છોડાવ્યા ત્યારે, ફારૂન અને તેના લશ્કરનો વિનાશ કરીને તેઓના માથાંના કકડેકકડા કર્યા હતા.

૭૫:૪, ૫, ૧૦આ કલમોમાં ‘શિંગનો’ અર્થ શું થાય? જાનવરનાં શિંગડાં ખૂબ શક્તિશાળી હોય છે. કવિની ભાષામાં શિંગડાંનો અર્થ શક્તિ કે તાકાત થાય છે. યહોવાહ દુષ્ટોનો નાશ કરીને પોતાના લોકોને શિંગડાંની જેમ શક્તિમાન બનાવે છે. એમાંથી આપણને ચેતવણી મળે છે કે અભિમાની ન બનવું જોઈએ. કેમ કે ફક્ત યહોવાહ જ તેમની શક્તિથી આપણે શક્તિમાન બનાવે છે. એ બતાવે છે કે આપણને મંડળમાં જે જવાબદારીઓ મળે છે, એ યહોવાહ પાસેથી આવે છે.—ગીતશાસ્ત્ર ૭૫:૭.

૭૬:૧૦કઈ રીતે “માણસનો કોપ” યહોવાહને મહાન બનાવે છે? આપણે યહોવાહના ભક્તો હોવાથી લોકો આપણા પર ક્રોધિત થાય છે. તેથી આપણને કડવા અનુભવો થાય છે. પણ યહોવાહ આ બધું ચાલવા દે છે, જેથી આપણને ઘડી શકે. (૧ પીતર ૫:૧૦) યહોવાહને વફાદાર રહેવાથી આપણે સતાવણીમાં ગુજરી જઈએ તો શું? એ જોઈને કદાચ લોકો યહોવાહની ભક્તિ કરવા લાગશે. એનાથી યહોવાહ માણસના ‘કોપથી’ પોતાને મહાન બનાવે છે.

૭૮:૨૪, ૨૫—માન્‍નાને કેમ “સ્વર્ગીય ભોજન” કહેવામાં આવે છે? અને શું એ “દેવદૂતોની રોટલી” હતી? માન્‍ના “દેવદૂતોની રોટલી” કે તેઓનો ખોરાક ન હતો. પણ યહોવાહે સ્વર્ગમાંથી માન્‍ના પૂરું પાડ્યું હતું. એટલે એને “દેવદૂતોની રોટલી” કે “સ્વર્ગીય ભોજન” કહેવામાં આવે છે. (ગીતશાસ્ત્ર ૧૧:૪; ૧૦૫:૪૦) યહોવાહે ઈસ્રાએલીઓને માન્‍ના પહોંચાડવા દેવદૂતોનો પણ ઉપયોગ કર્યો હોઈ શકે.

૮૨:૧, ૬—આ કલમમાં ‘દેવો’ કોણ છે? અને ‘પરાત્પરના દીકરાઓ’ કોણ છે? એ શબ્દો ઈસ્રાએલના ન્યાયાધીશોને લાગુ પડે છે. કેમ કે તેઓ યહોવાહનો સંદેશો કે ન્યાયચુકાદો જણાવતા.—યોહાન ૧૦:૩૩-૩૬.

૮૩:૨—‘માથું ઊંચું કરવાનો’ શું અર્થ થાય? માથું ઊંચું કરવાથી વ્યક્તિ બતાવતી હતી કે પોતે સત્તા વાપરવા કે લડાઈ કરવા તૈયાર છે.

આપણે શું શીખી શકીએ?

૭૩:૨-૫, ૧૮-૨૦, ૨૫, ૨૮. દુષ્ટો પાસે માલમિલકત જોઈને આપણે તેઓની અદેખાઈ ન કરવી જોઈએ. તેઓની જેમ આપણે જીવવું ન જોઈએ. કેમ કે તેઓ યહોવાહના કહેવા પ્રમાણે જીવતા નથી. એટલે તેઓ લપસણી જગ્યાએ છે. યહોવાહ તેઓનો “વિનાશ” કરશે. આજે આપણી પાસે દુષ્ટોને જડમૂળમાંથી કાઢી નાખવાની શક્તિ નથી. તેથી એની પાછળ મહેનત ન કરવી જોઈએ. આસાફની જેમ આપણે જુલમ સહન કરવા યહોવાહ સાથે પાકો નાતો બાંધવો જોઈએ.

૭૩:૩, ૬, ૮, ૨૭. આપણે અભિમાન ન કરીએ, બડાઈ ન હાંકીએ, દુષ્ટોની અદેખાઈ ન કરીએ, અને જુલમ ન કરીએ. ભલે એમ કરવાથી પોતાને ફાયદો થતો હોય તોપણ એમાંનું કશું ન કરીએ.

૭૩:૧૫-૧૭. આપણા વિચારો આમ-તેમ ભટકતા હોય ત્યારે એ બીજાઓને જણાવવા ન જોઈએ. જો જણાવીશું તો એનાથી તેઓને દુઃખ થશે. એના બદલે આપણા વિચારો કે ચિંતાઓ વિષે શાંતિથી વિચાર કરવો જોઈએ. પછી એને થાળે પાળવા મંડળના ભાઈ-બહેનોને વાત કરી શકાય.—નીતિવચનો ૧૮:૧.

૭૩:૨૧-૨૪. દુષ્ટોની ધનદોલત જોઈને આપણું “હૃદય વ્યાકુળ” કે દુઃખી ન થવું જોઈએ. આપણે દુઃખી થઈશું તો જાનવર જેવા ગણાઈશું. કેમ કે તેઓ વગર વિચાર્યે વર્તે છે. એના બદલે આપણે યહોવાહના કહેવા પ્રમાણે વર્તવું જોઈએ. આપણને પૂરો ભરોસો હોવો જોઈએ કે તે આપણો હાથ પકડીને દોરશે. તેમ જ આપણને તેમના “મહિમામાં સ્વીકાર કરશે.” એટલે કે યહોવાહ સાથે પાકો નાતો બંધાશે.

૭૭:૬. આપણે મન લગાડીને સત્યનો પ્રકાશ ફેલાવતા બાઇબલ અને બાઇબલ સમજાવતા પુસ્તકોની સ્ટડી કરવી જોઈએ. એ માટે સમય કાઢવો જોઈએ. જે વાંચીએ એ કેવી રીતે લાગુ પડે છે એનો વિચાર કરવો જોઈએ. એમ કરવું બહુ જ જરૂરી છે!

૭૯:૯. યહોવાહ આપણી દરેક પ્રાર્થનાઓ સાંભળે છે. ખાસ કરીને તેમનું નામ નિર્દોષ, પવિત્ર થાય એવી પ્રાર્થના કરીએ છીએ ત્યારે.

૮૧:૧૩, ૧૬. યહોવાહનું કહેવું સાંભળીશું અને એ પ્રમાણે આપણે ચાલીશું તો ચોક્કસ આશીર્વાદો પામીશું.—નીતિવચનો ૧૦:૨૨.

૮૨:૨, ૫. અન્યાય ‘પૃથ્વીના તમામ પાયા જેવી સરકારોને હલાવી’ નાખે છે. એનાથી સમાજમાં અશાંતિ ફેલાય છે.

૮૪:૧-૪, ૧૦-૧૨. અહીં ઈશ્વરભક્તો યહોવાહના મંદિર માટે ઊંડું માન બતાવતા હતા. તેઓને એમાં સેવા આપવાથી ખૂબ સંતોષ ને આનંદ થતો હતો. એમાંથી આપણને ઘણું શીખવા મળે છે.

૮૬:૫. યહોવાહ આપણને ‘ક્ષમા કે માફ કરવા તત્પર છે.’ ખોટું કર્યા પછી જેઓ દિલથી પસ્તાવો કરે છે તેઓને તે માફ કરવા તલપે છે. એ જાણીને આપણા દિલમાં કેટલી ઠંડક થાય છે!

૮૭:૫, ૬. નવી દુનિયામાં ધરતી પર રહેશે, તેઓને શું એ લોકોના નામ ખબર હશે જેઓ સજીવન થઈને સ્વર્ગમાં ગયા છે? આ કલમો બતાવે છે કે તેઓને કદાચ એ માહિતી મળશે.

૮૮:૧૩, ૧૪. યહોવાહ કોઈ વાર આપણી પ્રાર્થનાનો જલદીથી જવાબ આપતા નથી. કેમ કે તે જોવા માંગે છે કે આપણને તેમનામાં કેટલી શ્રદ્ધા છે.

“તેનો ઉપકાર માનીને તેના નામને ધન્યવાદ આપો”

(ગીતશાસ્ત્ર ૯૦:૧–૧૦૬:૪૮)

ગીતશાસ્ત્રનો ચોથો ભાગ આપણને યહોવાહના ગુણો ગાવા અનેક કારણો જણાવે છે. મુસાએ ગીત ૯૦માં જણાવ્યું કે, આપણું જીવન ટૂંકું છે. પણ યહોવાહ તો “સનાતન યુગોનો રાજા” છે. (૧ તીમોથી ૧:૧૭) ગીત ૯૧:૨માં મુસાએ કહ્યું કે યહોવાહ મારો “આશ્રય તથા કિલ્લો છે.” એનાથી તેમને રક્ષણ મળતું. એના પછીનું ભજન યહોવાહના અનોખા ગુણો, વિચારો અને તેમની કરામત વિષે જણાવે છે. ગીતશાસ્ત્ર ૯૩:૧; ૯૭:૧; ૯૯:૧માં કહે છે, “યહોવાહ રાજ કરે છે.” યહોવાહ આપણા સર્જનહાર છે. તેથી આ ગીતો રચનાર આપણને ઉત્તેજન આપતા કહે છે: “તેનો ઉપકાર માનીને તેના નામને ધન્યવાદ આપો.”—ગીતશાસ્ત્ર ૧૦૦:૪.

દાઊદ પોતે રાજા હતા. તે જાણતા હતા કે પોતે કેવી રીતે રાજ કરશે. એના વિષે તેમણે ભજન ૧૦૧માં જણાવ્યું છે. ગીત ૧૦૨:૧૭ જણાવે છે કે યહોવાહે “લાચારની પ્રાર્થના પર લક્ષ લગાડ્યું છે, અને તેઓની પ્રાર્થનાની અવગણના કરી નથી.” ગીત ૧૦૩ યહોવાહની અપાર કૃપા અને દયા વિષે જણાવે છે. યહોવાહની કરામત વિષે એક ઈશ્વરભક્ત પોકારી ઊઠ્યા કે, “હે યહોવાહ, તારાં કામ કેવાં તરેહતરેહનાં છે! તેં તે સઘળાંને ડહાપણથી પેદા કર્યાં છે.” (ગીતશાસ્ત્ર ૧૦૪:૨૪) યહોવાહે તેમના ભક્તો માટે જે કામો કર્યા હતા એના વિષે છેલ્લા બે ભજનો જણાવે છે.—ગીતશાસ્ત્ર ૧૦૫:૨, ૫; ૧૦૬:૭, ૨૨.

સવાલ-જવાબ:

૯૧:૧, ૨—‘પરાત્પરનું ગુપ્તસ્થાન’ શું છે? અને આપણે એમાં કઈ રીતે રહી શકીએ? અહીંયા ‘ગુપ્તસ્થાન’ શાબ્દિક રીતે કોઈ જગ્યાને બતાવતું નથી. એ તો યહોવાહ તરફથી તેમની ભક્તિમાં મળતા રક્ષણને બતાવે છે. આમ યહોવાહની ભક્તિમાં ઘણી રીતે રક્ષણ મળે છે. જેઓને યહોવાહમાં શ્રદ્ધા નથી તેઓ માટે એ ‘ગુપ્તસ્થાન’ છે. કેમ કે તેઓ એનાથી અજાણ છે. જ્યારે આપણે એનાથી અજાણ નથી. આપણે તેમના રાજ્યનો પ્રચાર કરીને પોકારી રહ્યા છીએ કે યહોવાહ જ વિશ્વના રાજા છે. એ રીતે આપણે તેમના ‘કિલ્લામાં’ આશરો લઈને રહીએ છીએ.—ગીતશાસ્ત્ર ૯૦:૧.

૯૨:૧૨—કઈ રીતે ‘ન્યાયી માણસ તાડની’ જેમ ફળ આપે છે? તાડ પુષ્કળ ફળ આપે છે. એવી જ રીતે ઈશ્વરભક્ત સારા કામ કરીને યહોવાહની નજરમાં “સારાં ફળ” આપે છે.—માત્થી ૭:૧૭-૨૦.

આપણે શું શીખી શકીએ?

૯૦:૭, ૮, ૧૩, ૧૪. આપણે યહોવાહના નિયમો તોડીને પાપ કરીએ છીએ ત્યારે તેમની સાથેનો નાતો નબળો થઈ જાય છે. આપણે યહોવાહથી કંઈ સંતાડી શકતા નથી. તોપણ આપણે ખોટો માર્ગ છોડીને પસ્તાવો કરીએ તો યહોવાહ તેમની ‘કૃપા’ બતાવશે.

૯૦:૧૦, ૧૨. આજે જીવન ટૂંકું છે. તેથી, આપણે સમજી વિચારીને સમય વાપરવો જોઈએ. કઈ રીતે? આપણે એવી રીતે જીવવું જોઈએ કે યહોવાહને પસંદ પડે. એમ કરીશું તો આપણે યહોવાહની નજરમાં “જ્ઞાનવાળું હૃદય” કેળવતા રહીશું.—એફેસી ૫:૧૫, ૧૬; ફિલિપી ૧:૧૦.

૯૦:૧૭. આપણે યહોવાહને પ્રાર્થનામાં કહી શકીએ કે “અમારા હાથનાં કામ” પર, એટલે પ્રચાર કામ પર આશીર્વાદ આપો.

૯૨:૧૪, ૧૫. મોટી ઉંમરના ભાઈ-બહેનો કઈ રીતે પોતાની શ્રદ્ધામાં મજબૂત રહીને મંડળ માટે આશીર્વાદ બની શકે? મન લગાડીને બાઇબલ સ્ટડી કરવાથી અને મંડળ સાથે સંગત રાખવાથી.

૯૪:૧૯. પોતાના દિલમાં “ચિંતા” હોય તો શું કરવું જોઈએ? બાઇબલ વાંચીને એના પર વિચાર કરવાથી આપણને જરૂર ઉત્તેજન અને ‘દિલાસો’ મળશે.

૯૫:૭, ૮. આપણને બાઇબલમાંથી સલાહ સૂચનો આપવામાં આવે ત્યારે કઠણ દિલના ન બનવું જોઈએ. પણ રાજી-ખુશીથી એ સ્વીકારવા જોઈએ.—હેબ્રી ૩:૭, ૮.

૧૦૬:૩૬, ૩૭. આ કલમો બતાવે છે કે મૂર્તિપૂજા કરવી એ શેતાનના સાથીદારોની પૂજા કરવી બરાબર છે. જો વ્યક્તિ એમ કરે તો તે શેતાનની અસર હેઠળ આવશે. બાઇબલ આપણને ઉત્તેજન આપે છે કે ‘મૂર્તિપૂજાથી દૂર રહો.’—૧ યોહાન ૫:૨૧.

“તમે યહોવાહની સ્તુતિ કરો”

ભજન ૧૦૪, ૧૦૫ અને ૧૦૬ની છેલ્લી કલમો આપણને ઉત્તેજન આપે છે કે “તમે યહોવાહની સ્તુતિ કરો.” તેમ જ ૧૦૬ની પહેલી કલમ પણ એ જ કહે છે. (ગીતશાસ્ત્ર ૧૦૪:૩૫; ૧૦૫:૪૫; ૧૦૬:૧, ૪૮) ગીતશાસ્ત્રના ચોથા ભાગમાં એ વિચાર વારંવાર આવે છે.

ગીતશાસ્ત્ર ૭૩થી ૧૦૬માંથી આપણે ઘણું શીખ્યા. એ જણાવે છે કે યહોવાહની સ્તુતિ કરવા અનેક કારણો છે. જે શીખ્યા એ દિલમાં ઉતારવાથી આપણને જોરશોરથી યહોવાહની ભક્તિ કરવા હોંશ જાગે છે. તેમણે આપણા માટે આજ સુધી જે કંઈ કર્યું છે અને હજી પણ આવતા દિવસોમાં જે કરશે એ માટે આપણું દિલ આનંદથી પોકારી ઊઠે છે કે ‘યહોવાહની જ સ્તુતિ કરો!’ (w 06 7/15)

[પાન ૪ પર ચિત્ર]

યહોવાહ સાથે પાકો નાતો બાંધવાથી આપણે આસાફની જેમ જુલમ સહી શકીશું

[પાન ૫ પર ચિત્ર]

લાલ સમુદ્રમાં ફારૂન અને તેના લશ્કરનો નાશ થયો

[પાન ૫ પર ચિત્ર]

માન્‍ના શા માટે “દેવદૂતોની રોટલી” કહેવાતી?

[પાન ૬ પર ચિત્ર]

આપણી “ચિંતા” દૂર કરવા શું કરવું જોઈએ?