‘હાશ, હજી ઉપરવાળો બેઠો છે!’
‘હાશ, હજી ઉપરવાળો બેઠો છે!’
આ અનુભવ યુરોપનો છે. યુક્રેઈનની ઍલેક્ઝાંડ્રા નામની બહેન ચેક પ્રજાસત્તાકના પ્રાગ શહેરમાં રહે છે. તે જોબ પરથી ઘરે આવતી હતી ત્યારે તેણે બસ-સ્ટેન્ડ પર નાનું પર્સ પડેલું જોયું. એ લોકોના પગ નીચે આમથી તેમ ફંગોળાતું હતું. તેણે એ પર્સ ઉપાડીને અંદર જોયું. તેને પોતાની આંખો પર વિશ્વાસ ન બેઠો. અરે, આટલા બધા રૂપિયા! એમાં નોટોની થપ્પીને થપ્પી હતી. તેણે આજુ-બાજુ જોયું. પણ એવું લાગતું ન હતું કે કોઈ એ પર્સ શોધી રહ્યું હોય. તેને પોતાને પૈસાની તંગી હતી. હવે આટલા બધા રૂપિયા મળ્યા. તો શું તે પૈસા રાખી લેશે?
ઍલેક્ઝાંડ્રા એ પર્સ ઘરે લઈ ગઈ. તેણે પોતાની દીકરી વિક્ટોરિયાને એ બતાવ્યું. તેઓએ પર્સમાં શોધી જોયું કે અંદર કોઈનું નામ, એડ્રેસ છે કે કેમ. પણ કંઈ મળ્યું નહિ. ફક્ત એક કાગળ પર અમુક નંબર લખેલા હતા. એની એક બાજુ બૅન્કનો એક એકાઉન્ટ નંબર હતો અને બીજી બાજુ અમુક નંબર લખેલા હતા. પર્સમાં કોઈ બૅન્કનું નામ અને સરનામું લખેલો બીજો એક કાગળ પણ મળી આવ્યો. એમાં એ પણ લખેલું હતું કે પર્સમાં ૪,૫૦,૦૦૦ રૂપિયા (૩,૩૦,૦૦૦ કોરુની) છે. પર્સમાં હજી એટલા જ રૂપિયા હતા.
ઍલેક્ઝાંડ્રાએ એક નંબર જોઈને વિચાર્યું કે આ બૅન્કનો ફોન નંબર હશે. તેણે એના પર ફોન કર્યો, પણ એ નંબર ખોટો હતો. એટલે તે અને તેની દીકરી બૅન્કમાં ગયા અને સમજાવ્યું કે શું બન્યું. તેઓએ બૅન્કવાળાને પૂછ્યું કે આ એકાઉન્ટ નંબર કોનો છે? તેઓએ કહ્યું કે એ નંબરનો કોઈ રેકોર્ડ નથી. બીજા દિવસે ઍલેક્ઝાંડ્રા બીજો નંબર લઈને ફરીથી બૅન્કમાં ગઈ. આ નંબર સાચો હતો. એ એક સ્ત્રીનો એકાઉન્ટ નંબર હતો. ઍલેક્ઝાંડ્રા અને તેની દીકરીએ તે સ્ત્રીને ફોન કરીને પૂછપરછ કરી. એ સ્ત્રીએ જણાવ્યું કે તેના ૪,૫૦,૦૦૦ રૂપિયા ખોવાયા છે. જ્યારે તેઓ ભેગા મળ્યા ત્યારે તે સ્ત્રી ઍલેક્ઝાંડ્રા અને તેની દીકરીને થેન્ક યુ કહેતા થાકતી ન હતી. તેણે પૂછ્યું કે ‘બોલો હું તમને શું આપું?’
વિક્ટોરિયાએ કહ્યું, “અમને કંઈ નથી જોઈતું. અમે ચાહતા હોત તો આ પૈસા રાખી લીધા હોત.” વિક્ટોરિયાએ તેને ભાંગી-તૂટી ચેક ભાષામાં સમજાવ્યું કે “અમે યહોવાહના સાક્ષીઓ છીએ. બાઇબલ શીખવે છે કે જે વસ્તુ અમારી નથી એ અમે રાખી ન શકીએ. એટલે તમારી અમાનત આ તમને સોંપી.” (હેબ્રી ૧૩:૧૮) સ્ત્રી હરખાઈને બોલી ઊઠી, ‘હાશ, હજી ઉપરવાળો બેઠો છે!’ (w 06 7/15)