સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ગીતશાસ્ત્રના પાંચમા ભાગના મુખ્ય વિચારો

ગીતશાસ્ત્રના પાંચમા ભાગના મુખ્ય વિચારો

યહોવાહનો શબ્દ જીવંત છે

ગીતશાસ્ત્રના પાંચમા ભાગના મુખ્ય વિચારો

અમીર લોકો કહેશે: ‘અમારા દીકરા પોતાની યુવાવસ્થામાં વધેલા રોપા જેવા થયા છે; અમારી દીકરીઓ રાજમહેલમાં શણગારેલી ખૂણાની થાંભલીઓ જેવી થઈ છે; અમારી વખારો ભરપૂર છે. અમારાં ઘેટાં હજારો ને દશ હજારો બચ્ચાં જણનારાં છે. જે લોકો આવા હોય છે તેઓ સુખી હોય છે.’ તેમ છતાં કવિ એનાથી સાવ અલગ કહે છે: “જેઓનો દેવ યહોવાહ છે તેઓને ધન્ય છે.” (ગીતશાસ્ત્ર ૧૪૪:૧૨-૧૫) યહોવાહ ચાહે છે કે તેમના ભક્તો પોતાની જેમ હંમેશાં ખુશ રહે. તેઓનાં જીવનમાં ખુશીઓનો પાર ન રહે. એ સત્ય ઈશ્વરની પ્રેરણાથી લખાયેલા ૧૦૭-૧૫૦ ભજનોમાં જોવા મળે છે.

ભજન ૧૦૭-૧૫૦માં આપણને યહોવાહના અનમોલ ગુણો જોવા મળે છે. જેમ કે અતૂટ પ્રેમ, સત્યતા અને ભલાઈ. આપણે જેમ જેમ યહોવાહનો સ્વભાવ જાણતા જઈશું, તેમ તેમ તેમની ભક્તિ માટે આપણો પ્રેમ વધતો જશે. આપણે એવી રીતે જીવીશું કે આપણા લીધે તેમને શરમાવું ન પડે. એમ કરવાથી આપણે ખરેખર સુખી થઈશું. ગીતશાસ્ત્રના પાંચમા ભાગમાંથી સાચે જ આપણને અમૂલ્ય સંદેશો મળે છે!—હેબ્રી ૪:૧૨.

યહોવાહની કૃપાથી સુખી થતા ભક્તો

(ગીતશાસ્ત્ર ૧૦૭:૧–૧૧૯:૧૭૬)

બાબેલોનની ગુલામીમાંથી આઝાદ થયા પછી, પાછા ઈસ્રાએલ જતા યહુદીઓએ ભજનમાં ગાયું: “તેની કૃપા તથા માણસજાતને સારુ તેનાં આશ્ચર્યકારક કૃત્યો ધ્યાનમાં રાખીને માણસો યહોવાહની સ્તુતિ કરે તો કેવું સારું!” (ગીતશાસ્ત્ર ૧૦૭:૮, ૧૫, ૨૧, ૩૧) યહોવાહના ગુણો ગાતા દાઊદે કહ્યું: “તારી કૃપા આકાશ કરતાં મોટી [મહાન] છે.” (ગીતશાસ્ત્ર ૧૦૮:૪) પછીના ગીતમાં તેમણે પ્રાર્થના કરી કે “હે યહોવાહ મારા દેવ, મને મદદ કર; તારી કૃપા પ્રમાણે મારું તારણ કર.” (ગીતશાસ્ત્ર ૧૦૯:૧૮, ૧૯, ૨૬) ૧૧૦મું ભજન મસીહી રાજાના રાજ વિષે એક ભવિષ્યવાણી છે. ગીત ૧૧૧:૧૦ કહે છે: “યહોવાહનું ભય તે બુદ્ધિનો આરંભ છે.” ગીત ૧૧૨:૧IBSI) કહે છે: ‘જે યહોવાહનો ડર રાખે છે તેને ધન્ય છે.’

ગીત ૧૧૩-૧૧૮માં વારંવાર “યહોવાહની સ્તુતિ કરો” એમ કહેવામાં આવે છે. યહુદીઓ પોતાના નિયમો, રીત-રિવાજો અને માન્યતાઓ એક પેઢીથી બીજી પેઢીને શીખવતા. એ નિયમોને આજથી લગભગ સોળસો-સત્તરસો વર્ષો પહેલાં એક પુસ્તકમાં લખી લેવામાં આવ્યા. એ પુસ્તક મિશનાહથી ઓળખાય છે. મિશનાહ પ્રમાણે, પાસ્ખાપર્વ અને વર્ષનાં ત્રણ યહુદી પર્વમાં એ ભજનો ગવાતાં. બાઇબલમાં ગીતશાસ્ત્ર ૧૧૯ સૌથી લાંબું ગીત છે. એ યહોવાહના અનમોલ વચનોથી ભરપૂર છે.

સવાલ-જવાબ:

૧૦૯:૨૩—“હું નમી ગયેલી છાયાના જેવો થઈ ગયો છું.” દાઊદના એમ કહેવાનો શું અર્થ હતો? કવિની ભાષામાં દાઊદ કહેવા માગતા હતા કે જાણે તેમનું મોત નજીક છે.—ગીતશાસ્ત્ર ૧૦૨:૧૧.

૧૧૦:૧, ૨—“[દાઊદના] પ્રભુ” ઈસુ ખ્રિસ્ત, યહોવાહને જમણે હાથે બેસીને શું કરતા હતા? ઈસુ સજીવન થયા પછી સ્વર્ગમાં ગયા. તે યહોવાહને જમણે હાથે બેસીને રાજ કરવાની રાહ જોતા હતા. એ સમય ૧૯૧૪માં આવ્યો. ત્યાં સુધી તે પોતાના અભિષિક્ત શિષ્યો પર રાજ કરતા હતા. તેઓને પ્રચાર કાર્યમાં અને શિષ્યો બનાવવામાં માર્ગદર્શન આપતા રહ્યા. પોતાના રાજ્યમાં રાજાઓ તરીકે રાજ કરવા પણ તેઓને તૈયાર કરતા હતા.—માત્થી ૨૪:૧૪; ૨૮:૧૮-૨૦; લુક ૨૨:૨૮-૩૦.

૧૧૦:૪—યહોવાહે શાના સમ ખાધા, જેનો તેમને પસ્તાવો નથી? યહોવાહે સમ ખાઈને ઈસુ ખ્રિસ્ત સાથે કરાર કર્યો હતો કે તે રાજા અને પ્રમુખ યાજક બનશે.—લુક ૨૨:૨૯.

૧૧૩:૩—કઈ રીતે “સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી” યહોવાહના નામની સ્તુતિ થશે? એનો અર્થ એ જ નથી કે દરરોજ કોઈ એક સમૂહ તરીકે લોકો ઈશ્વરની ભક્તિ કરે છે. સૂરજ પૂર્વમાંથી ઊગીને પશ્ચિમમાં આથમી જાય છે. એ રીતે આખી પૃથ્વી પર સૂરજનાં કિરણો ફેલાય છે. એ જ રીતે યહોવાહનું નામ આખી દુનિયામાં રોશન કરવાનું છે. એ ત્યારે જ શક્ય બને જ્યારે લોકો હળીમળીને કામ કરે. આપણે યહોવાહના સાક્ષીઓ છીએ. એટલે પૂરા જોશથી તેમના રાજ્યનો પ્રચાર કરવાનું આપણને મોટું સન્માન મળ્યું છે.

૧૧૬:૧૫—યહોવાહની નજરે તેમના ભક્તોનું મરણ કેવી રીતે કીમતી છે? એનાથી યહોવાહને ખૂબ જ દુઃખ થાય છે, કેમ કે તેમની નજરમાં તેઓ બહુ જ કીમતી છે. એટલે તે પોતાના બધા જ ભક્તોને કદીયે મરવા નહિ દે. જો તે તેઓને મરવા દે તો એમ પુરવાર થાય કે યહોવાહના દુશ્મનો વધારે શક્તિશાળી છે. એટલું જ નહિ, પણ યહોવાહની નવી દુનિયા આવશે ત્યારે, એમાં રહેવા માટે કોઈ જ બચ્યું નહિ હોય.

૧૧૯:૭૧—દુઃખ-તકલીફો સહેવાથી કેવી રીતે આપણું ભલું થઈ શકે? દુઃખ-તકલીફો આવે ત્યારે આપણે એમાંથી ઘણું શીખીએ છીએ. જેમ કે, યહોવાહ પર પૂરો ભરોસો રાખવો. પૂરા દિલથી પ્રાર્થના કરવી. હોંશથી બાઇબલ વિષે શીખવું. જે શીખીએ એ જીવનમાં ઉતારવું. મુશ્કેલીઓમાં આપણે જે રીતે વર્તીએ, એનાથી આપણી નબળાઈઓ દેખાઈ આવે છે. પછી એમાં સુધારો કરીએ. તેથી જો આપણે દુઃખોમાં પણ યહોવાહને હાથે ઘડાઈએ, તો આપણા દિલમાં કડવાશ નહિ હોય.

૧૧૯:૯૬—‘સર્વ સંપૂર્ણતાની સીમા છે.’ એનો શું અર્થ થાય? અહીંયા કવિ ઇન્સાનની સમજણ પ્રમાણે સંપૂર્ણ શું છે, એની વાત કરતા હતા. કદાચ તેમના મનમાં એ વિચાર હતો કે સંપૂર્ણતા વિષે ઇન્સાનની સમજણ બહુ મર્યાદિત છે. જ્યારે કે ઈશ્વરની આજ્ઞાની કોઈ સીમા જ નથી. એ જીવનના દરેક પાસામાં લાગુ પડે છે. આ કલમ આમ વંચાય છે: “મેં સર્વ સંપૂર્ણતાની સીમા તો જોઈ છે; પણ તારી આજ્ઞાની સીમા જ નથી.”

૧૧૯:૧૬૪—‘રોજ ઈશ્વરની સાત વાર સ્તુતિ’ કરીશ. એનો શું અર્થ થાય? મોટે ભાગે સાતનો અર્થ સંપૂર્ણતા થાય છે. કવિ કહેવા માગે છે કે આપણે ફક્ત યહોવાહની જ ભક્તિ કરવી જોઈએ.

આપણે શું શીખી શકીએ?

૧૦૭:૨૭-૩૧. આર્માગેદન આવશે ત્યારે આ જગતની બુદ્ધિ ‘બહેર મારી’ જશે. (પ્રકટીકરણ ૧૬:૧૪, ૧૬) એ કોઈને પણ નાશમાંથી બચાવી શકશે નહિ. ફક્ત જેઓ સાચા દિલથી યહોવાહની ભક્તિ કરશે, તેમની છાયામાં રક્ષણ લેશે, તેઓ જ બચશે. તેઓ યહોવાહની અપાર કૃપાને લીધે તેમની સ્તુતિ કરશે.

૧૦૯:૩૦, ૩૧; ૧૧૦:૫. સામાન્ય રીતે લડાઈમાં સૈનિકના ડાબા હાથમાં ઢાલ અને જમણા હાથમાં તલવાર રહેતી. એ કારણથી તેને ઢાલથી જમણી બાજુ રક્ષણ ન મળતું. પણ અહીંયા યહોવાહ જાણે તેમના સેવકોને જમણે હાથે ઊભા રહીને, તેઓ માટે લડતા હોય એવું દર્શાવે છે. તે તેઓને રક્ષણ આપીને મદદ કરે છે. તેમનો બહુ જ આભાર માનવાને આપણી પાસે અજોડ કારણ છે!

૧૧૩:૪-૯. યહોવાહ મહાન છે છતાં, તેમનામાં કોઈ જાતની મોટાઈ નથી. સ્વર્ગ જોવા માટે પણ જાણે કે તે નમે છે. તે નિરાધાર, ગરીબ અને વાંઝણીને દયા બતાવવા તત્પર છે. યહોવાહ વિશ્વના માલિક હોવા છતાં નમ્ર છે. તે ચાહે છે કે તેમના ભક્તો પણ તેમની જેમ નમ્રતાથી વર્તે.—યાકૂબ ૪:૬.

૧૧૪:૩-૭. યહોવાહે પોતાના લોકો માટે લાલ સમુદ્ર, યરદન નદી અને સિનાઈ પહાડ પાસે કેવા મોટા ચમત્કારો કર્યા! એના વિષે શીખ્યા પછી આપણા દિલ પર એની ઊંડી અસર થવી જોઈએ. યહોવાહની આગળ “પૃથ્વી” એટલે સર્વ મનુષ્યોએ ‘કાંપવું’ જોઈએ.

૧૧૯:૯૭-૧૦૧. બાઇબલની સમજણથી આપણને ઈશ્વર તરફથી બુદ્ધિ મળે છે. ખરું-ખોટું પારખી શકીએ છીએ. આપણી શ્રદ્ધા અડગ બને છે.

૧૧૯:૧૦૫. બાઇબલ આપણા પગ માટે દીવા જેવું છે. એ આપણી તકલીફોમાં પણ મદદ કરે છે. જીવનની મંજિલે લઈ જતો માર્ગ બતાવે છે. એમાં લખ્યું છે કે યહોવાહ આવતા દિવસોમાં પૃથ્વી માટે તેમનો હેતુ પૂરો કરશે.

દુઃખ-તકલીફોમાં પણ ખુશ રહીએ

(ગીતશાસ્ત્ર ૧૨૦:૧–૧૪૫:૨૧)

જીવનમાં આકરી કસોટી આવે ત્યારે, આપણે શું કરી શકીએ? ૧૨૦-૧૩૪ ભજનો એનો જવાબ આપે છે. આપણે મદદ માટે યહોવાહને પોકારીશું તો, આકરી કસોટીમાં પણ અડગ અને ખુશ રહીશું. આ ગીતોને ‘ચઢવાનાં ગીતો’ કહેવાય છે. ઈસ્રાએલીઓ પર્વતો ઉપર આવેલા યરૂશાલેમમાં દર વર્ષે પર્વો ઊજવવા જતા ત્યારે કદાચ આ ગીતો ગાતાં હતાં.

૧૩૫ અને ૧૩૬ ગીતો બતાવે છે કે યહોવાહ નિર્જીવ મૂર્તિઓ જેવા નથી. યહોવાહ ધારે એ કરી શકે છે. જ્યારે કે મૂર્તિઓ કંઈ જ કરી શકતી નથી. ૧૩૬માં ભજનમાં દરેક કડીનો પહેલો ભાગ જે કહે છે, તેને ટેકો આપવા કડીનો બીજો ભાગ વારંવાર ગાવામાં આવતો હતો. ભજન ૧૩૭માં જોવા મળે છે કે યહુદીઓ બાબેલોનની ગુલામીમાં કેટલા દુઃખી હતા. તેઓ સિયોનમાં જઈને યહોવાહની ભક્તિ કરી શકતા ન હતા. ૧૩૮-૧૪૫ ગીતો દાઊદે લખ્યાં. તેમને ‘ખરા હૃદયથી યહોવાહની ઉપકારસ્તુતિ કરવી હતી.’ શા માટે? દાઊદ કહે છે કે “ભય તથા આશ્ચર્ય પમાડે એવી રીતે મને રચવામાં આવ્યો છે.” (ગીતશાસ્ત્ર ૧૩૮:૧; ૧૩૯:૧૪) ૧૪૦-૧૪૪ ગીતમાં દાઊદે પ્રાર્થના કરી કે પરમેશ્વર તેમને દુષ્ટ લોકોથી બચાવે, સતાવનારાઓથી છોડાવે, ઈશ્વરભક્તો દ્વારા ઠપકો આપે અને સારું વર્તન કેળવવા માર્ગદર્શન આપે. એમાં તેમણે યહોવાહના લોકોની ખુશીનું પણ વર્ણન કર્યું. (ગીતશાસ્ત્ર ૧૪૪:૧૫) યહોવાહ કેટલા મહાન છે, કેટલા સારા છે એ યાદ કરીને, દાઊદના દિલમાંથી ગીતના આ શબ્દો નીકળ્યા: “મારું મોઢું યહોવાહની સ્તુતિ કરશે; સર્વ માણસો સદા તેના પવિત્ર નામને સ્તુત્ય માનો.”—ગીતશાસ્ત્ર ૧૪૫:૨૧.

સવાલ-જવાબ:

૧૨૨:૩—યરૂશાલેમ કેવી રીતે ‘હારબંધ જેવું નગર હતું’? પહેલાંના જમાનાના શહેરોમાં ઘરો લગોલગ બાંધવામાં આવતાં. એ જ રીતે યરૂશાલેમમાં પણ ઘરો હારબંધ બાંધવામાં આવ્યાં હતાં. આ રીતે શહેરનું રક્ષણ કરવું સહેલું બનતું. એટલું જ નહિ, શહેરોમાં ઘરો પાસે-પાસે હોવાથી લોકોને એકબીજા પાસેથી રક્ષણ અને મદદ સહેલાઈથી મળતા. એ બતાવે છે કે ઈસ્રાએલનાં ૧૨ કુળો યહોવાહને ભજવા એકઠા મળતા ત્યારે તેઓમાં કેટલો સંપ હતો.

૧૨૩:૨—દાસો અને દાસીની આંખોના ઉદાહરણનો શું અર્થ થાય? દાસો અને દાસી પોતાના શેઠ કે શેઠાણીના હાથ તરફ બે કારણથી જોતા. એક કે શેઠ-શેઠાણીની ઇચ્છા જાણવા. બીજું કે તેઓ પાસેથી જીવનની જરૂરિયાતો અને રક્ષણ મેળવવા. તેઓની જેમ આપણે પણ યહોવાહની ઇચ્છા જાણવા અને કૃપા પામવા તેમની તરફ જોઈએ છીએ.

૧૩૧:૧-૩—‘ધાવણ છોડી દેનાર બાળકની’ જેમ દાઊદ કેવી રીતે દિલાસો અને શાંતિ પામ્યા? જેમ કે ધાવણ છોડી દેનાર બાળક માની ગોદમાં દિલાસો અને શાંતિ અનુભવે છે, તેમ દાઊદના દિલમાં ટાઢક વળતી હતી. કેવી રીતે? એક તો, તેમના દિલમાં અભિમાન ન હતું. તેમની આંખો મોટી મોટી બાબતો મેળવવા કે મહાન બનવા ભૂખી ન હતી. દાઊદ મહાન બનવાને બદલે નમ્ર બનવાનો પ્રયત્ન કરતા. તે પોતાની મર્યાદા જાણતા હતા. આપણે પણ દાઊદ જેવો સ્વભાવ કેળવવો જોઈએ. ખાસ કરીને ભાઈઓ મંડળમાં વધારે જવાબદારીઓ સંભાળવા માટે કાબેલ બનવા મહેનત કરે ત્યારે. એમાં જ આપણું ભલું છે.

આપણે શું શીખી શકીએ?

૧૨૦:૧, ૨, ૬, ૭. કોઈના વિષે જૂઠું બોલીને તેમનું નામ બદનામ કરીએ કે તેમને વીંધી નાખે એવા શબ્દો બોલીએ તો, તેમને ખૂબ જ દુઃખ થશે. પોતાની જીભ પર લગામ રાખીને, આપણે ‘શાંતિચાહક’ બની શકીશું.

૧૨૦:૩, ૪. કોઈની ‘કપટી જીભને’ કારણે આપણે દુઃખ સહેવું પડે. તોપણ એ ન ભૂલીએ કે યહોવાહ પોતાના સમયે તેઓ પાસેથી હિસાબ લેશે. ખોટો આરોપ મૂકનારાએ ‘પરાક્રમીનાં’ હાથે વિપત્તિ સહેવી પડશે. તેઓ પર ‘કોયલાના અંગારાની’ જેમ યહોવાહનો ન્યાય આવી પડશે.

૧૨૭:૧, ૨. દરેક બાબતમાં નિર્ણય લેવા આપણે યહોવાહનું માર્ગદર્શન લેવું જોઈએ.

૧૩૩:૧-૩. યહોવાહના ભક્તોમાં સંપ હોવાથી દિલને ઠંડક થાય છે. એનાથી ઉત્તેજન મળે છે, તાજગી મળે છે. તેથી આપણે એકબીજાની ભૂલો ન કાઢીએ, ઝગડા કે ફરિયાદો ન કરીએ. એનાથી આપણો સંપ તૂટી શકે છે.

૧૩૭:૧, ૫, ૬. ઈસ્રાએલીઓ ગુલામીમાં હતા ત્યારે સિયોન જવા ચાહતા હતા. એ સમયે સિયોન યહોવાહની સંસ્થાને દર્શાવતું હતું. શું આજે આપણને ઈસ્રાએલીઓની જેમ યહોવાહની ભક્તિ વહાલી છે? શું તમે યહોવાહની સંસ્થાને વળગી રહો છો?

૧૩૮:૨, IBSI. યહોવાહે ‘તેમના નામને અને તેમના વચનને સર્વ કરતાં ઊચ્ચ સ્થાને મૂક્યાં છે.’ કેવી રીતે? તેમણે પોતાના નામને ખાતર જે વચનો આપ્યાં છે, એ જરૂર સાચાં પડશે. આપણી ધારણાઓ કરતાં પણ તે વધારે કરશે. યહોવાહ સાચે જ આપણને અજોડ આશીર્વાદો આપવા રાહ જોઈ રહ્યા છે.

૧૩૯:૧-૬, ૧૫, ૧૬. આપણે બોલીએ એ પહેલાં યહોવાહ આપણા વિચારો, ભાવનાઓ અને કામો જાણે છે. માના પેટમાં આપણો ગર્ભ રહ્યો, આપણું અંગ હજી રચાયું ન હતું, ત્યારથી તે આપણને ઓળખે છે. યહોવાહ આપણા દરેક વિષે બધું જ જાણે છે! એ આપણે સમજી શકીએ એમ નથી. આપણે જે મુસીબતો અનુભવીએ છીએ, એની આપણા પર કેવી અસર થશે, એ પણ તે જાણે છે. એ જાણવાથી આપણને તેમના માર્ગે ચાલવાની ખૂબ જ હિંમત મળે છે!

૧૩૯:૭-૧૨. આપણે ભલે દુનિયામાં ગમે ત્યાં હોઈએ, ગમે એવી હાલતમાં હોઈએ, યહોવાહ આપણને મદદ કરી શકે છે.

૧૩૯:૧૭, ૧૮. શું તમને યહોવાહના વિચારો શીખવા ગમે છે? (નીતિવચનો ૨:૧૦) એમ હોય તો આનંદ આપતો એ ઝરો કદી ખૂટશે નહિ. યહોવાહના અમૂલ્ય વિચારો “રેતીના કણ કરતાં વધારે” છે. તેમના વિષે આપણને કાયમ કંઈને કંઈ નવું શીખવા મળશે.

૧૩૯:૨૩, ૨૪. આપણે હંમેશાં એવી પ્રાર્થના કરવી જોઈએ કે યહોવાહ આપણું દિલ, ભાવનાઓ, વિચારો પારખતા રહે. જેથી એમાં “કંઈ દુરાચાર” હોય તો, એ મૂળમાંથી કાઢી નાખવા આપણને મદદ કરે.

૧૪૩:૪-૭. આપણા પર ભારે મુસીબતો આવી પડે ત્યારે પણ એને કેવી રીતે સહી શકીએ? દાઊદ રાજા જણાવે છે: યહોવાહનાં મહાન કાર્યો, એટલે કે તેમણે દાઊદને અને પોતાના બીજા ભક્તોને કેવી રીતે બચાવ્યા, એના પર મનન કરીએ. સાથે સાથે યહોવાહને મદદ માટે પ્રાર્થના કરતા રહીએ.

‘સર્વ લોકો યાહની સ્તુતિ કરો’

ગીતશાસ્ત્રના પહેલા ચાર ભાગના અંતે કહેવામાં આવ્યું કે યહોવાહની સ્તુતિ કરો, તેમના ગુણ ગાઓ. (ગીતશાસ્ત્ર ૪૧:૧૩; ૭૨:૧૯, ૨૦; ૮૯:૫૨; ૧૦૬:૪૮) પાંચમો ભાગ પણ યહોવાહની સ્તુતિ કરવા સાથે પૂરો થાય છે. ગીતશાસ્ત્ર ૧૫૦:૬ કહે છે: “શ્વાસોચ્છ્‌વાસ લેનારાં સર્વ [લોકો] યાહની સ્તુતિ કરો. તમે યહોવાહની સ્તુતિ કરો.” યહોવાહનું રાજ્ય પૃથ્વી પર આવશે ત્યારે નવી દુનિયામાં સાચે જ એવું બનશે.

એ સમય આવે ત્યાં સુધી યહોવાહના ગુણગાન ગાવા આપણી પાસે અનેક કારણો છે. આપણે યહોવાહને ઓળખીએ છીએ અને તેમની સાથે પાકો નાતો બાંધ્યો છે. એનાથી આપણને ખૂબ જ આનંદ થાય છે. આપણે એના પર વિચાર કરીએ છીએ ત્યારે, શું આપણને પૂરા દિલથી ને પૂરા જોશથી તેમનાં ગીતો ગાવાનું મન થતું નથી? (w 06 9/1)

[પાન ૧૯ પર ચિત્ર]

યહોવાહનાં કામો કેવાં મહાન છે!

[પાન ૨૦ પર ચિત્ર]

યહોવાહના વિચારો “રેતીના કણ કરતાં વધારે” છે