તમારી અરજો ઈશ્વરને જણાવો
તમારી અરજો ઈશ્વરને જણાવો
‘કશાની ચિંતા ન કરો; પણ દરેક બાબતમાં પ્રાર્થના તથા વિનંતીઓ વડે ઉપકારસ્તુતિસહિત તમારી અરજો ઈશ્વરને જણાવો.’—ફિલિપી ૪:૬.
૧. આપણને કોની સાથે વાત કરવાનો લહાવો છે? શા માટે એ બહુ મોટો લહાવો છે?
માની લો કે તમને દેશના વડાપ્રધાન કે પ્રેસિડન્ટ સાથે વાત કરવી છે. એ માટે તેમને મળવાની વિનંતી કરો છો. તમને કેવો જવાબ મળશે? કદાચ તેમનો સ્ટાફ શાંતિથી જણાવશે કે તમે મળી શકશો કે નહિ. પણ વડાપ્રધાન પોતે તો જવાબ નહિ જ આપે. તમને સીધા વડાપ્રધાન સાથે વાત કરવા મળે એવું તો ભાગ્યે જ બને. હવે જરા વિચારો, આખા વિશ્વના રાજા, બધાથી ઉપર યહોવાહ પરમેશ્વર સાથે તમારે વાત કરવી છે. આપણે ગમે ત્યારે, ગમે ત્યાંથી તેમની સાથે વાત કરી શકીએ છીએ! આપણી યોગ્ય પ્રાર્થનાઓ તે જરૂર સાંભળે છે. (નીતિવચનો ૧૫:૨૯) એ જાણીને કેટલી ખુશી થાય છે! આ આશીર્વાદનો પૂરો લાભ ઉઠાવીને આપણે તેમને વારંવાર પ્રાર્થના કરીએ. કેમ નહિ, આખરે તો તે “પ્રાર્થનાના સાંભળનાર” છે.—ગીતશાસ્ત્ર ૬૫:૨.
૨. ઈશ્વર આપણી પ્રાર્થના સાંભળે એ માટે શું જરૂરી છે?
૨ પણ કોઈ કહેશે, ‘ઈશ્વર કેવી પ્રાર્થનાઓ સાંભળે છે?’ બાઇબલ સાફ સાફ જણાવે છે કે ઈશ્વર આપણી પ્રાર્થના સાંભળે એ માટે શું જરૂરી છે: ‘વિશ્વાસ વગર ઈશ્વરને પ્રસન્ન કરવો એ બનતું નથી; કેમ કે ઈશ્વરની પાસે જે કોઈ આવે, તેણે તે છે, અને જેઓ ખંતથી તેને શોધે છે તેઓને તે ફળ આપે છે એવો વિશ્વાસ કરવો જોઈએ.’ (હેબ્રી ૧૧:૬) હા, ગયા લેખમાં જોયું તેમ, ઈશ્વરમાં વિશ્વાસ હોવો ખૂબ જરૂરી છે. પણ વિશ્વાસ હોવો જ પૂરતું નથી. સાથે સાથે ઈશ્વરને ગમે એવાં કામો પણ કરીએ. ખરા મનથી અને સારા ઇરાદાથી પ્રાર્થના કરીએ. તો જ ઈશ્વર પોતાનો કાન ધરશે.
૩. (ક) જૂના જમાનાના ઈશ્વરભક્તોની જેમ આપણે પ્રાર્થનામાં શાના વિષે વાત કરી શકીએ? (ખ) આપણે કેવી પ્રાર્થના કરી શકીએ?
૩ પ્રેરિત પાઊલે તેમના દિવસોમાં ખ્રિસ્તીઓને અરજ કરી: ‘કશાની ચિંતા ન કરો; પણ દરેક બાબતમાં પ્રાર્થના તથા વિનંતીઓ વડે ઉપકારસ્તુતિસહિત તમારી અરજો ઈશ્વરને જણાવો. અને દેવની શાંતિ જે સર્વ સમજશક્તિની બહાર છે, તે ખ્રિસ્ત ઈસુમાં તમારાં હૃદયોની તથા મનોની સંભાળ રાખશે.’ (ફિલિપી ૪:૬, ૭) બાઇબલમાં એવા ઘણા લોકોના દાખલા છે જેઓએ પ્રાર્થનામાં ઈશ્વરને પોતાની ચિંતાઓ જણાવી હતી. જેમ કે, હાન્નાહ, એલીયાહ, હિઝકીયાહ અને દાનીયેલ. (૧ શમૂએલ ૨:૧-૧૦; ૧ રાજાઓ ૧૮:૩૬, ૩૭; ૨ રાજાઓ ૧૯:૧૫-૧૯; દાનીયેલ ૯:૩-૨૧) આપણે પણ તેઓના દાખલાને અનુસરવા જોઈએ. પાઊલના શબ્દોને ફરીથી ધ્યાન આપો. એ બતાવે છે કે આપણે ઘણી બાબતો વિષે પ્રાર્થના કરી શકીએ. જેમ કે તેમણે ઉપકારસ્તુતિ, વિનંતી અને અરજ વિષે જણાવ્યું. ઈશ્વર આપણા માટે જે કંઈ કરે છે એ બદલ આપણે તેમનો ઉપકાર માનવા પ્રાર્થના કરી શકીએ. સાથે તેમની સ્તુતિ પણ કરીએ. વિનંતી આપણી નમ્ર આજીજીને બતાવે છે. અરજમાં આપણે કોઈ ખાસ બાબત વિષે કાલાવાલા કરીએ છીએ. (લુક ૧૧:૨, ૩) ભલે આપણે કોઈ પણ વિષય પર પ્રાર્થના કરીએ, આપણા ઈશ્વરપિતા એને ખુશી ખુશી સાંભળે છે.
૪. યહોવાહ આપણી જરૂરિયાતો જાણે છે, તોપણ શા માટે પ્રાર્થનામાં એ જણાવવું જોઈએ?
૪ પણ કોઈને સવાલ થશે, ‘શું યહોવાહ આપણી બધી જરૂરિયાતો જાણતા નથી?’ હા, તે જરૂર જાણે છે. (માત્થી ૬:૮, ૩૨) તો પછી, તે શા માટે એવું ચાહે છે કે આપણે પ્રાર્થના કરીને તેમને બધું જણાવીએ? એના જવાબ માટે આ દાખલાનો વિચાર કરો: માની લો કે દુકાનદાર તેના અમુક ગ્રાહકોને ભેટ ઑફર કરે છે. પણ એ ભેટ લેવા ગ્રાહકોએ દુકાને જવું પડશે અને એ ભેટ માંગવી પડશે. જો કોઈ દુકાનમાં જાય જ નહિ, તો કેવી રીતે તેને ભેટ મળે? તેઓ ન જાય તો, એ બતાવે છે કે તેઓને ભેટની કંઈ પડી નથી. એ જ રીતે, આપણે પ્રાર્થનામાં યહોવાહને ન જણાવીએ કે આપણને શાની જરૂર છે તો, એ બતાવે છે કે યહોવાહ જે કંઈ પૂરું પાડે છે એની આપણને કોઈ કદર નથી. ઈસુએ કહ્યું: “માગો, ને તમને મળશે.” (યોહાન ૧૬:૨૪) આમ ઈશ્વરને વિનંતી કરીને આપણે તેમનામાં પૂરો ભરોસો બતાવીએ છીએ.
આપણે ઈશ્વરને કેવી રીતે પ્રાર્થના કરવી જોઈએ?
૫. આપણે શા માટે ઈસુને નામે પ્રાર્થના કરવી જોઈએ?
૫ આપણે કેવી રીતે પ્રાર્થના કરવી જોઈએ, એ વિષે કંઈ યહોવાહે અનેક નિયમો લાદી દીધા નથી. તોપણ આપણે એ જાણવાની જરૂર છે કે આપણે કેવી રીતે પ્રાર્થના કરવી જોઈએ જેથી ઈશ્વર જરૂર એને સાંભળે. બાઇબલમાં એ વિષે જણાવ્યું છે. દાખલા તરીકે, ઈસુએ તેમના શિષ્યોને આમ શીખવ્યું હતું: “જો તમે બાપ પાસે કંઈ માગશો તો તે તમને મારે નામે તે આપશે.” (યોહાન ૧૬:૨૩) આમ, આપણે ઈસુને નામે પ્રાર્થના કરવી જોઈએ. કેમ કે ફક્ત ઈસુ દ્વારા જ ઈશ્વર સર્વ માણસજાતને આશીર્વાદ આપે છે.
૬. આપણે કેવી રીતે પ્રાર્થના કરવી જોઈએ?
૬ શું આપણે હાથ જોડીને, ઘૂંટણે પડીને કે પછી માથું નમાવીને પ્રાર્થના કરવી જોઈએ? બાઇબલ એવું કંઈ જણાવતું નથી કે એમ કરવાથી જ ઈશ્વર સાંભળશે. (૧ રાજાઓ ૮:૨૨; નહેમ્યાહ ૮:૬; માર્ક ૧૧:૨૫; લુક ૨૨:૪૧) ઈશ્વર એ જ ચાહે છે કે આપણે સાચા દિલથી અને સારા ઇરાદાથી પ્રાર્થના કરીએ.—યોએલ ૨:૧૨, ૧૩.
૭. (ક) “આમેન”નો શું અર્થ થાય? (ખ) આપણે પ્રાર્થનામાં ‘આમેન’ કહીને શું બતાવીએ છીએ?
૭ આપણે પ્રાર્થનાને અંતે “આમેન” કહીએ છીએ. એનું શું મહત્ત્વ છે? બાઇબલ જણાવે છે કે આપણે પ્રાર્થનાને અંતે આમેન કહીએ એ યોગ્ય છે. ખાસ કરીને જાહેરમાં પ્રાર્થના કરાવતા હોય ત્યારે એ જરૂરી છે. (ગીતશાસ્ત્ર ૭૨:૧૯; ૮૯:૫૨) હિબ્રૂ શબ્દ આમેનનો અર્થ થાય, ‘એમ જ થાઓ.’ મેકક્લિંન્ટોક અને સ્ટ્રોંગનો સાઇક્લોપીડિયા પ્રાર્થનાને અંતે “આમેન” કહેવાનો અર્થ સમજાવતા જણાવે છે: ‘જે કંઈ કહેવામાં આવ્યું હોય એની સાથે સહમત છીએ. અને એ પ્રમાણે જ થાય એ માટે ઈશ્વરને અરજ કરીએ છીએ.’ આમ, પ્રાર્થના કરનાર છેલ્લે ખરા દિલથી “આમેન” કહે છે ત્યારે, બતાવે છે કે પોતે જે કંઈ કહ્યું છે એ ખૂબ જ મહત્ત્વનું છે. મંડળમાં કોઈ પ્રાર્થના કરાવતું હોય ત્યારે, છેલ્લે તેમની સાથે આપણે પણ “આમેન” કહીએ. પછી ભલે એ મનમાં કહીએ કે મોટેથી કહીએ. એમ કરીને આપણે બતાવીએ છીએ કે પ્રાર્થનામાં જે કંઈ કહેવામાં આવ્યું એની સાથે આપણે પૂરા દિલથી સહમત છીએ.—૧ કોરીંથી ૧૪:૧૬.
૮. આપણે કોઈ વાર યાકૂબ કે ઈબ્રાહીમની જેમ કેવી પ્રાર્થના કરી શકીએ? એ આપણા વિષે શું બતાવે છે?
૮ કોઈ વાર યહોવાહ જોવા ચાહે છે કે આપણે જેના વિષે પ્રાર્થના કરીએ, એના વિષે ખરેખર કેટલી ચિંતા છે. આપણે જૂના જમાનાના ઈશ્વરભક્ત યાકૂબ જેવા બનવું પડે. તેમણે આશીર્વાદ લેવા એક સ્વર્ગદૂત સાથે આખી રાત કુસ્તી કરી. (ઉત્પત્તિ ૩૨:૨૪-૨૬) તો કોઈ સંજોગોમાં આપણે ઈબ્રાહીમ જેવા બનવું પડે. તેમણે સદોમમાં રહેતા લોત કે બીજા કોઈ પણ સારા લોકના બચાવ માટે યહોવાહને એક પછી એક ઘણી અરજો કરી. (ઉત્પત્તિ ૧૮:૨૨-૩૩) આપણા માટે બહુ મહત્ત્વની હોય એવી કોઈ પણ બાબત વિષે યહોવાહને અરજ કરી શકીએ. અરજ કરતા આપણે એ ન ભૂલીએ કે યહોવાહ ન્યાયી છે. જે જરૂર દયા અને કૃપા બતાવશે.
આપણે પ્રાર્થનામાં શું માંગી શકીએ?
૯. પ્રાર્થના કરીએ ત્યારે આપણી મુખ્ય ચિંતા શું હોવી જોઈએ?
૯ યાદ કરો કે પાઊલે શું કહ્યું હતું: ‘દરેક બાબતમાં તમારી અરજો ઈશ્વરને જણાવો.’ (ફિલિપી ૪:૬) તેથી, આપણે એકલા પ્રાર્થના કરીએ ત્યારે, એમાં જીવનની બધી ચિંતાઓ, તકલીફો વિષે જણાવી શકીએ. જોકે, આપણે બસ પોતાને માટે જ માંગ માંગ ન કરવું જોઈએ. પ્રાર્થનામાં આપણી પહેલી ચિંતા તો યહોવાહ વિષે હોવી જોઈએ. તેમની ઇચ્છા પૂરી કરવા વિષે હોવી જોઈએ. દાનીયેલે આ બાબતમાં સારો દાખલો બેસાડ્યો હતો. ઈસ્રાએલીઓ તેઓના પાપની સજા ભોગવતા હતા ત્યારે, દાનીયેલે યહોવાહને દયા કરવા આજીજી કરી: ‘વિલંબ ન કર. હે મારા ઈશ્વર, તારી પોતાની ખાતર એ પ્રમાણે કર.’ (દાનીયેલ ૯:૧૫-૧૯) શું દાનીયેલની જેમ આપણી પ્રાર્થનાઓ પણ બતાવે છે કે યહોવાહનું નામ પવિત્ર મનાય, અને તેમની ઇચ્છા પૂરી થાય એ જ આપણી મુખ્ય ચિંતા છે?
૧૦. આપણે પોતાના માટે પ્રાર્થના કરીએ એ શા માટે યોગ્ય છે?
૧૦ આપણે પોતાના માટે પણ પ્રાર્થના કરવી જોઈએ. દાખલા તરીકે, ગીતકર્તાની જેમ આપણે બાઇબલમાંથી ઈશ્વર વિષે વધારે જાણવા, શીખવા માટે પ્રાર્થના કરી શકીએ. ગીતકર્તાએ પ્રાર્થના કરી: “મને સમજણ આપ, એટલે હું તારો નિયમ પાળીશ; હા, મારા ખરા હૃદયથી તેને માનીશ.” (ગીતશાસ્ત્ર ૧૧૯:૩૩, ૩૪; કોલોસી ૧:૯, ૧૦) ઈસુએ ‘પોતાને મરણથી છોડાવવાને જે શક્તિમાન હતા, તેમને પ્રાર્થના તથા કાલાવાલા કર્યા.’ (હેબ્રી ૫:૭) આમ કરીને તેમણે બતાવ્યું કે આપણે કોઈ ખતરામાં કે મુશ્કેલીમાં હોઈએ ત્યારે, યહોવાહ પાસે આ રીતે શક્તિ માંગવી જોઈએ. ઈસુએ તેમના શિષ્યોને નમૂનાની પ્રાર્થના શીખવી ત્યારે, એમાં જીવનની ચિંતાઓ વિષે પણ જણાવ્યું. જેમ કે, ભૂલો, પાપોની માફી અને રોજનો ખોરાક.
૧૧. પરીક્ષણમાં ફસાઈ ન જઈએ એ માટે પ્રાર્થના કેવી રીતે મદદ કરી શકે?
૧૧ ઈસુએ નમૂનાની પ્રાર્થનામાં આવી વિનંતી કરતા પણ શીખવ્યું હતું: “અમને પરીક્ષણમાં ન લાવ, પણ ભૂંડાથી અમારો છૂટકો કર.” (માત્થી ૬:૯-૧૩) એના થોડા સમય પછી તેમણે આ સલાહ આપી: “જાગતા રહો ને પ્રાર્થના કરો કે તમે પરીક્ષણમાં ન આવો.” (માત્થી ૨૬:૪૧) આપણે પરીક્ષણમાં હોઈએ ત્યારે પ્રાર્થના કરવી બહુ જ જરૂરી છે. કદાચ સ્કૂલમાં કે કામ પર બાઇબલના સિદ્ધાંતો તોડવા કોઈ આપણને લાલચ આવે. યહોવાહને ભજતા નથી તેઓ આપણને એવી કોઈ પ્રવૃત્તિમાં જોડાવા બોલાવે જે આપણા માટે યોગ્ય ન હોય. આપણને એવું કંઈક કરવાનું કહેવામાં આવે જેનાથી બાઇબલના નીતિ-નિયમો તૂટતા હોય. આવા સમયે આપણે ઈસુની સલાહ મુજબ પ્રાર્થના કરીએ એ જરૂરી છે. લાલચ કે પરીક્ષણમાં હોઈએ ત્યારે જ નહિ, એ પહેલાં પણ આપણે પ્રાર્થના કરવી જોઈએ. એમ આપણે ઈશ્વર પાસે મદદ માંગીએ કે આપણે કોઈ લાલચમાં ફસાઈ ન જઈએ.
૧૨. જીવનની કેવી ચિંતાઓમાં મદદ માટે પ્રાર્થના કરી શકીએ? આપણે યહોવાહ પાસેથી કેવી આશા રાખી શકીએ?
૧૨ આજે આપણા પર જીવનમાં ઘણા દબાણો આવે છે. એનાથી ઘણી ચિંતાઓ ઊભી થાય છે. ઘણા માટે એનું મુખ્ય કારણ, કોઈ બીમારી કે સ્ટ્રેસ છે. એનાથી તેઓ દુઃખી દુઃખી થઈ જાય છે. આપણી આસપાસ હિંસાથી ભરેલી હાલતથી પણ ઘણા જીવનમાં અશાંતિ અનુભવે છે. પૈસાની ખેંચને લીધે ઘણા કુટુંબો જીવન-જરૂરિયાતની વસ્તુઓ ખરીદી શકતા નથી. આવા સંજોગોમાં પણ આપણે ઈશ્વરને મદદ માટે પોકારીએ ત્યારે તે જરૂર સાંભળે છે. એ જાણીને કેટલો દિલાસો મળે છે! ગીતશાસ્ત્ર ૧૦૨:૧૭ યહોવાહ વિષે જણાવે છે: ‘તેમણે લાચારની પ્રાર્થના પર ધ્યાન આપ્યું છે, અને તેની પ્રાર્થનાની અવગણના કરી નથી.’
૧૩. (ક) આપણે પોતાના વિષે બીજી કઈ બાબતોની પ્રાર્થના કરી શકીએ? (ખ) પ્રાર્થનાથી મદદ મળી હોય એવો અનુભવ જણાવો.
૧૩ ઘણી વાર આપણે એવા નિર્ણયો લેવા પડે છે જેની આપણી ભક્તિ પર અને યહોવાહ સાથેના સંબંધ પર અસર પડે છે. એવા સમયે આપણે યહોવાહને મદદ માટે પ્રાર્થના કરી શકીએ. (૧ યોહાન ૫:૧૪) દાખલા તરીકે, લગ્ન વિષે, નોકરી કે કામધંધા વિષે, કે પછી યહોવાહની સેવામાં વધારે કરવા આપણે કોઈ નિર્ણય લેવાનો હોય. આવી કોઈ પણ બાબત વિષે ખુલ્લા મને યહોવાહને જણાવો. તેમનું માર્ગદર્શન માંગો. ફિલિપાઈન્સની એક યુવતીનો વિચાર કરો. તેને ફૂલટાઇમ યહોવાહની સેવા કરવી હતી. પણ તેની પાસે એવી કોઈ નોકરી ન હતી, જેનાથી તે પોતાનો ખર્ચો કાઢી શકે. તે કહે છે: “એક શનિવારે મેં યહોવાહને પ્રાર્થના કરી. પાયોનિયરીંગ કરવાની મારી ઇચ્છા વિષે તેમને જણાવ્યું. એ દિવસે હું પ્રચારમાં ગઈ અને પંદરેક વર્ષની છોકરીને પુસ્તક આપ્યું. અચાનક એ છોકરીએ મને કહ્યું: ‘એક કામ કરો, તમે સોમવારે સવારે મારી સ્કૂલે જરૂર જજો.’ મેં પૂછ્યું, ‘કેમ?’ તેણે સમજાવ્યું કે ત્યાં નોકરીની એક જગ્યા ખાલી છે, અને જલદીમાં જલદી એ ભરવાની છે. હું ત્યાં ગઈ, અને મને તરત નોકરી પર રાખી લીધી. બધું સાવ અચાનક બની ગયું.” આખી દુનિયામાં યહોવાહના સાક્ષીઓને આવા તો ઘણા અનુભવો થયા છે. તો પછી અચકાશો નહિ. તમારા દિલની ઇચ્છા ખુલ્લા મને યહોવાહને જરૂર જણાવો.
આપણે કોઈ પાપ કર્યું હોય તો કેવી રીતે પ્રાર્થના કરીએ?
૧૪, ૧૫. (ક) પાપ કર્યું હોય તો, શા માટે પ્રાર્થના કરતા અચકાવું ન જોઈએ? (ખ) કોઈએ પાપ કર્યું હોય તો, તેણે યહોવાહ સાથે ફરી નાતો જોડવા બીજું શું કરવું જોઈએ?
૧૪ જો કોઈએ પાપ કર્યું હોય તો, પ્રાર્થના કેવી રીતે મદદ કરી શકે? પાપ કર્યું હોવાથી કેટલાક મૂંઝાઈ જવાથી કે અંતર ડંખતું હોવાથી પ્રાર્થના કરતા નથી. પણ એમ કરવું સારું નથી. એક દાખલો લો: વિમાનનો પાઇલટ જાણે છે કે પોતે રસ્તો ભૂલી જાય તો, ઍરટ્રાફિક કન્ટ્રોલર પાસેથી મદદ લઈ શકે જે ઍરપોર્ટ પર હોય છે. પણ માની લો કે પાઇલટ પોતે રસ્તો ભૂલી ગયો હોવાથી ખૂબ શરમ અનુભવે છે. તે ટ્રાફિક કન્ટ્રોલરનો કોઈ રીતે સંપર્ક કરતો નથી. એનાથી તો વિમાન ગમે ત્યારે તૂટી પડશે. ઘણાનો વિનાશ નોતરશે! એ જ રીતે, કોઈ વ્યક્તિએ પાપ કર્યું હોય, અને ઈશ્વરને પ્રાર્થના કરતા તેને શરમ આવતી હોય તો, એનાથી તેને જ વધારે નુકસાન થશે. ખરું કે ભૂલ થઈ હોવાથી માથું શરમથી ઝૂકી જાય છે. પણ એનાથી આપણે યહોવાહને પ્રાર્થના કરવાનું છોડી ન દેવું જોઈએ. ખરું જોઈએ તો, જેઓએ મોટું પાપ કર્યું હોય તેઓને યહોવાહ પોતે પ્રાર્થના કરવા કહે છે. પ્રબોધક યશાયાહે તેમના દિવસોમાં પાપી ઈસ્રાએલીઓને યહોવાહને પોકાર કરવા અરજ કરી. “કેમ કે તે સંપૂર્ણ ક્ષમા કરશે.” (યશાયાહ ૫૫:૬, ૭) જોકે, યહોવાહની કૃપા માટે પ્રાર્થના કરતા પહેલાં આપણે નમ્ર થવું જોઈએ. ખરાબ કામો છોડી દેવા જોઈએ. તથા ખરા દિલથી પસ્તાવો કરવો જોઈએ. એ પછી જ યહોવાહની કૃપાની આશા રાખી શકીએ.—ગીતશાસ્ત્ર ૧૧૯:૫૮; દાનીયેલ ૯:૧૩.
૧૫ કોઈએ પાપ કર્યું હોય તો તેણે બીજા એક કારણથી પણ પ્રાર્થના કરવી જોઈએ. કોઈ પાપમાં પડ્યું હોય અને મદદની જરૂર હોય એવા લોકો વિષે શિષ્ય યાકૂબે લખ્યું: ‘તેણે મંડળીના વડીલોને બોલાવવા; અને તેઓએ તેને માટે પ્રાર્થના કરવી; ને પ્રભુ યહોવાહ તેને ઉઠાડશે.’ (યાકૂબ ૫:૧૪, ૧૫) હા, જે કોઈએ પાપ કર્યું હોય તેણે પોતે યહોવાહ આગળ પોતાના પાપ કબૂલ કરવા જોઈએ. એ સાથે તે મંડળીના વડીલોને પણ પોતાના માટે પ્રાર્થના કરવાનું કહી શકે. એનાથી તે ફરીથી ઈશ્વર સાથેનો નાતો જોડી શકશે.
પ્રાર્થનાનો જવાબ
૧૬, ૧૭. (ક) યહોવાહ કેવી રીતે પ્રાર્થનાનો જવાબ આપે છે? (ખ) કયા અનુભવો બતાવે છે કે યહોવાહ પ્રચાર માટેની પ્રાર્થનાઓ જરૂર સાંભળે છે?
૧૬ ઈશ્વર પ્રાર્થનાનો કેવી રીતે જવાબ આપે છે? અમુક પ્રાર્થનાનો યહોવાહ તરત જવાબ આપે છે. એનો તરત માર્ગ બતાવે છે. (૨ રાજાઓ ૨૦:૧-૬) અમુક પ્રાર્થનાનો ઈશ્વર તરત જવાબ આપતા નથી. અને કોઈ વાર તેમનો જવાબ પારખવો મુશ્કેલ લાગી શકે. ઈસુએ જે દૃષ્ટાંત કહ્યું એનો વિચાર કરો. એમાં એક વિધવા ન્યાય મેળવવા ન્યાયાધીશ પાસે વારંવાર જાય છે. એ જ રીતે, આપણે પણ ઈશ્વરને કોઈ બાબત વિષે વારંવાર પ્રાર્થના કરવાની જરૂર પડી શકે. (લુક ૧૮:૧-૮) પણ આપણે એક વાતની ખાતરી રાખીએ. આપણે ઈશ્વરની ઇચ્છા પ્રમાણે પ્રાર્થના કરીએ છીએ ત્યારે, યહોવાહ કદી એમ કહેતા નથી કે ‘મને હેરાન ન કર!’—લુક ૧૧:૫-૯.
૧૭ ઈશ્વરે પોતાની પ્રાર્થના સાંભળી હોય, એવું યહોવાહના લોકોએ ઘણી વાર અનુભવ્યું છે. ખાસ કરીને પ્રચાર કાર્યમાં. દાખલા તરીકે, ફિલિપાઈન્સમાં બે બહેનો દૂર દૂર ગામડાંમાં પ્રચાર કરીને લોકોને બાઇબલ સાહિત્ય આપતી હતી. તેઓએ એક સ્ત્રીને પત્રિકા આપી ત્યારે, તેની આંખો ભરાઈ આવી. તે સ્ત્રીએ કહ્યું: “મેં ગઈ રાતે જ ઈશ્વરને પ્રાર્થના કરી હતી કે કોઈને મારી પાસે બાઇબલમાંથી શીખવવા મોકલો. હવે મને થાય છે કે તમે આવ્યા એ જ મારી પ્રાર્થનાનો જવાબ છે.” એના થોડા સમય પછી એ સ્ત્રી કિંગ્ડમ હૉલમાં મિટિંગોમાં જવા લાગી. એશિયાના એક દેશમાં એક ભાઈ કડક સલામતીવાળા વિસ્તારમાં પ્રચાર કરતા અચકાતો હતો. પણ તે હિંમત ન હાર્યો. તેણે યહોવાહને પ્રાર્થના કરી. હિંમત ભેગી કરીને એક બિલ્ડિંગમાં ગયો. તેણે એક અપાર્ટમેન્ટનો દરવાજો ખખડાવ્યો. એક યુવતી બહાર આવી. ભાઈએ પોતાના આવવાનું કારણ જણાવ્યું ત્યારે, તે રડવા લાગી. તેણે કહ્યું કે તે યહોવાહના સાક્ષીઓને જ શોધતી હતી. તેઓ મળે એ માટે તેણે પ્રાર્થના પણ કરી હતી. પછી એ ભાઈએ યુવતીને ખુશી ખુશી મદદ કરી, જેથી તે નજીકના યહોવાહના સાક્ષીઓના મંડળમાં જઈ શકે.
૧૮. (ક) આપણી પ્રાર્થનાનો જવાબ મળે ત્યારે આપણે શું કરવું જોઈએ? (ખ) આપણે પ્રાર્થનાના આશીર્વાદનો પૂરો લાભ ઉઠાવીશું તો, શાની ખાતરી રાખી શકીએ?
૧૮ આપણે યહોવાહને કોઈ પણ વખતે પ્રાર્થના કરી શકીએ, એ કેટલો મોટો આશીર્વાદ છે! યહોવાહ કોઈ પણ સમયે આપણી પ્રાર્થના સાંભળવા, એનો જવાબ આપવા તૈયાર છે. (યશાયાહ ૩૦:૧૮, ૧૯) એ સાથે આપણે એ પણ પારખવાની જરૂર છે કે યહોવાહ કેવી રીતે આપણી પ્રાર્થનાનો જવાબ આપે છે. આપણે આશા રાખી હોય એ રીતે કંઈ તે હંમેશાં જવાબ આપતા નથી. તે ભલે ગમે તે રીતે આપણને મદદ કરે, કે માર્ગદર્શન આપે, આપણે ક્યારેય તેમનો ઉપકાર માનવાનું ચૂકીએ નહિ. તેમના હંમેશાં ગુણગાન ગાઈએ. (૧ થેસ્સાલોનીકી ૫:૧૮) આપણે પ્રેરિત પાઊલની આ સલાહને પણ યાદ રાખીએ: ‘દરેક બાબતમાં પ્રાર્થના તથા વિનંતીઓ વડે ઉપકારસ્તુતિસહિત તમારી અરજો ઈશ્વરને જણાવો.’ હા, યહોવાહને અરજ કરવાની, તેમની સાથે વાત કરવાની દરેક તકનો પૂરો લાભ લો. જો એમ કરશો તો, પાઊલે જે લખ્યું એની સચ્ચાઈ તમે પણ અનુભવશો. ઈશ્વર જેઓની પ્રાર્થના સાંભળે છે તેઓ વિષે તેમણે લખ્યું હતું: ‘ઈશ્વરની શાંતિ જે સર્વ સમજશક્તિની બહાર છે, તે ખ્રિસ્ત ઈસુમાં તમારાં હૃદયોની તથા મનોની સંભાળ રાખશે.’—ફિલિપી ૪:૬, ૭. (w 06 9/1)
તમે કેવો જવાબ આપશો?
• આપણે કેવી બાબતો વિષે પ્રાર્થના કરી શકીએ?
• આપણે કેવી રીતે પ્રાર્થના કરવી જોઈએ?
• આપણે પ્રાર્થનામાં શાના વિષે વાત કરી શકીએ?
• પાપ કર્યું હોય તો, પ્રાર્થનાથી કેવી મદદ મળે છે?
[અભ્યાસ પ્રશ્નો]
[પાન ૨૯ પર ચિત્રો]
ખરા દિલથી કરેલી પ્રાર્થના આપણને લાલચમાં ફસાતા બચાવે છે
[પાન ૩૧ પર ચિત્રો]
પ્રાર્થના દ્વારા આપણે ઈશ્વરનો ઉપકાર માનીએ છીએ, આપણી ચિંતાઓ જણાવીએ છીએ, કોઈ ખાસ બાબત વિષે અરજ કરીએ છીએ