સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

“તમે અયૂબની સહનતા વિષે સાંભળ્યું છે”

“તમે અયૂબની સહનતા વિષે સાંભળ્યું છે”

“તમે અયૂબની સહનતા વિષે સાંભળ્યું છે”

“તમે અયૂબની સહનતા વિષે સાંભળ્યું છે, અને પ્રભુથી જે પરિણામ આવ્યું તે ઉપરથી તમે જોયું છે કે, પ્રભુ ઘણો દયાળુ તથા કૃપાળુ છે.”—યાકૂબ ૫:૧૧.

૧, ૨. પોલૅન્ડમાં એક યુગલે કેવી સતાવણી સહી?

 ઉત્તર પોલૅન્ડ ડેન્ઝીગ (હમણાંનું ગડન્સ) પર હિટલરના લશ્કરે કબજો જમાવ્યો ત્યારે, હેરલ્ડ આપ્ટ હજી માંડ એકાદ વર્ષથી યહોવાહનો સાક્ષી બન્યો હતો. એનાથી પોલૅન્ડમાં રહેતા યહોવાહના સાક્ષીઓ માટે કપરો સમય શરૂ થયો. હિટલરની જર્મન પોલીસ, ગેસ્ટેપો હેરલ્ડ પર બળજબરી કરવા લાગી કે તે પોતાનો ધર્મ છોડી દે. પણ હેરલ્ડે એમ કરવાની ઘસીને ના પાડી. હેરલ્ડને જેલની સજા થઈ. થોડા અઠવાડિયાં પછી તેને સક્સેનહુસેન જુલમી છાવણીમાં મોકલવામાં આવ્યો. ત્યાં તેની ખૂબ મારપીટ થતી અને ધમકી આપવામાં આવતી. એક વાર તો એક પોલીસે તેને સ્મશાન (ક્રિમીટોરીયમ) બતાવીને કહ્યું: ‘હું તને ૧૪ દિવસનો સમય આપું છું. જો તું તારો ધર્મ નહિ છોડે તો, તને તારા ઈશ્વર યહોવાહ પાસે ઉપર મોકલી દઈશ.’

હેરલ્ડ અને તેની પત્ની એલ્સાને દસ મહિનાની ધાવણી દીકરી પણ હતી. હેરલ્ડની ધરપકડ થયા પછી એલ્સા ગેસ્ટેપોની નજરથી બચી શકી નહિ. થોડા જ દિવસોમાં તેની દીકરીને તેની પાસેથી છીનવી લેવામાં આવી. એલ્સાને આઉશવિટ્‌ઝની સંહારક છાવણીમાં મોકલવામાં આવી. તેણે અને હેરલ્ડે વર્ષો સુધી ઘણું સહન કર્યું. પણ આખરે તેઓ બચી ગયા. એપ્રિલ ૧૫, ૧૯૮૦ના વૉચટાવરમાં તેઓનો અનુભવ છે. તેઓ જણાવે છે કે પોતે કેવી રીતે મુશ્કેલીઓ સહન કરી. હેરલ્ડે લખ્યું: “મને યહોવાહમાં બહુ શ્રદ્ધા હતી. તેથી મેં જીવનના ૧૪ વર્ષ જેલમાં અને જુલમી છાવણીમાં કાઢ્યા. મને પૂછવામાં આવ્યું: ‘શું તારી પત્નીએ તને આ બધું સહન કરવા મદદ કરી?’ ચોક્કસ, મારી પત્નીએ મને મદદ કરી! હું શરૂઆતથી જાણતો હતો કે તે યહોવાહની ભક્તિમાં ક્યારેય તડજોડ નહિ કરે. એ કારણે મને પણ બધું સહન કરવામાં મદદ મળી. મને ખબર હતી કે તડજોડ કરીને જેલમાંથી છૂટી જઉં એના કરતાં યહોવાહની ભક્તિમાં હું મરી જઉં એ એલ્સાને વધારે ગમશે. એલ્સાએ જર્મન જુલમી છાવણીઓમાં ઘણાં વર્ષો સતાવણી સહી.”

૩, ૪. (ક) કોના દાખલાઓ આપણને સહન કરવા ઉત્તેજન આપે છે? (ખ) શા માટે બાઇબલ આપણને અયૂબનો દાખલો તપાસવા ઉત્તેજન આપે છે?

આવું તો ઘણા ભાઈ-બહેનોએ દુઃખ સહન કર્યું છે. તેઓ પોતે કહે છે કે દુઃખ સહન કરવું સહેલું નથી. એ કારણે બાઇબલ આપણ સર્વને સલાહ આપે છે: “મારા ભાઈઓ, દુઃખ સહન કરવામાં તથા ધીરજ રાખવામાં જે પ્રબોધકો પ્રભુના નામથી બોલ્યા, તેઓનો દાખલો લો.” (યાકૂબ ૫:૧૦) સદીઓથી યહોવાહના ભક્તોની કોઈ કારણ વિના સતાવણી થઈ છે. “મોટી વાદળારૂપ ભીડ” જેવા ભક્તોએ દુઃખ-તકલીફોમાં પણ યહોવાહને વળગી રહેવામાં સરસ દાખલો બેસાડ્યો છે. એ આપણને સહન કરીને યહોવાહને જ વળગી રહેવા ખૂબ ઉત્તેજન આપે છે.—હેબ્રી ૧૧:૩૨-૩૮; ૧૨:૧.

બાઇબલ આપણને અયૂબ વિષે જણાવે છે. તેમણે દુઃખ તકલીફો સહન કરવામાં જોરદાર દાખલો બેસાડ્યો હતો. યાકૂબે લખ્યું: “જુઓ, જેઓએ સહન કર્યું હતું, તેઓને ધન્ય છે, એમ આપણે માનીએ છીએ: તમે અયૂબની સહનતા વિષે સાંભળ્યું છે, અને પ્રભુથી જે પરિણામ આવ્યું તે ઉપરથી તમે જોયું છે કે, પ્રભુ ઘણો દયાળુ તથા કૃપાળુ છે.” (યાકૂબ ૫:૧૧) અયૂબના દાખલામાંથી શીખવા મળે છે કે યહોવાહમાં અતૂટ શ્રદ્ધા રાખીશું તો, કેવા પુષ્કળ આશીર્વાદો મળશે. સૌથી મહત્ત્વનું તો, એ આપણને દુઃખ તકલીફો સહન કરવા મદદ કરશે. અયૂબનું પુસ્તક આપણને આ સવાલોના જવાબ જાણવા મદદ કરશે: આપણે તકલીફમાં હોઈએ ત્યારે એની પાછળ રહેલું કારણ સમજવા શા માટે કોશિશ કરવી જોઈએ? કયા ગુણો અને કેવું વલણ આપણને સહન કરવા મદદ કરશે? તકલીફમાં હોય તેઓને આપણે કેવી રીતે મદદ કરી શકીએ?

પરિસ્થિતિને બધી બાજુથી જોવી

૫. તકલીફો કે લાલચનો સામનો કરતી વખતે શું યાદ રાખવું જોઈએ?

મુશ્કેલીમાં પણ યહોવાહની સેવામાં ઠંડા ન પડીએ માટે શું કરી શકીએ? આપણે સમજવાની જરૂર છે કે શા માટે તકલીફો આવે છે. એની પાછળના બધાં કારણો જાણવાની જરૂર છે. જો એ નહિ સમજીએ તો, આપણે જીવનની ચિંતાઓમાં ખોવાઈ જઈશું. આખરે યહોવાહની સેવામાં ઠંડા પડી જઈશું. આપણે તકલીફોમાં કદી ન ભૂલીએ કે યહોવાહને વળગી રહેવું કેટલું જરૂરી છે. યહોવાહની આ વિનંતીને આપણે દિલથી લઈએ: “મારા દીકરા, જ્ઞાની થા, અને મારા હૃદયને આનંદ પમાડ, કે મને મહેણાં મારનારને હું ઉત્તર આપું.” (નીતિવચનો ૨૭:૧૧) વિચાર કરો, આપણે અપૂર્ણ છીએ. ઘણી ભૂલો કરી બેસીએ છીએ. તોપણ આપણે યહોવાહના હૃદયને આનંદ પમાડી શકીએ. કેવી રીતે? ખ્રિસ્ત જેવો પ્રેમ કેળવીને. એમ કરીશું તો કોઈ પણ મુશ્કેલી કે લાલચનો આપણે સારી રીતે સામનો કરી શકીશું. પછી કોઈ પણ મુશ્કેલી સહીને યહોવાહને વળગી રહીશું.—૧ કોરીંથી ૧૩:૭, ૮.

૬. શેતાને યહોવાહને કયું મહેણું માર્યું છે?

અયૂબના પુસ્તકમાં આપણને જોવા મળે છે કે શેતાન યહોવાહને મહેણાં મારે છે. એ પણ જોવા મળે છે શેતાન કેટલો દુષ્ટ છે. તે પૂરી કોશિશ કરે છે કે યહોવાહ સાથેનો આપણો નાતો તૂટી જાય. તેણે અયૂબની સાથે બીજા સર્વ ઈશ્વરભક્તો પર આરોપ મૂક્યો છે કે તેઓ સ્વાર્થને લીધે તેમની ભક્તિ કરે છે. તે હજારો વર્ષોથી યહોવાહને આ મહેણું મારતો આવ્યો છે. મુશ્કેલીઓમાં આપણે યહોવાહની ભક્તિમાં ઠંડા પડી જઈશું એ સાબિત કરવા શેતાન તનતોડ મહેનત કરે છે. શેતાનને સ્વર્ગમાંથી નીચે ફેંકવામાં આવ્યો ત્યારે સ્વર્ગમાં અવાજ આવ્યો કે તે ‘ભાઈઓ પર દોષ મૂકનાર’ છે. અને ‘ઈશ્વરની આગળ રાતદહાડો તેઓના પર દોષ મૂકે છે.’ (પ્રકટીકરણ ૧૨:૧૦) આપણે યહોવાહને વફાદાર રહીશું તો બતાવીશું કે શેતાનના આરોપો જૂઠા છે.

૭. આપણે બીમારી કે ઘડપણ જેવી તકલીફોને કેવી રીતે સહન કરી શકીશું?

આપણે હંમેશા યાદ રાખવું જોઈએ કે આપણે કોઈ મુશ્કેલીનો સામનો કરતાં હોઈએ ત્યારે શેતાન એનો ફાયદો ઉઠાવે છે. મુશ્કેલીઓમાં તે આપણને યહોવાહથી દૂર કરવાની કોશિશ કરે છે. યાદ કરો કે તેણે ઈસુને ક્યારે લાલચ આપી? ચાળીસ દિવસ સુધી ઈસુએ કંઈ ખાધું ન હતું અને તે બહુ ભૂખ્યા હતા ત્યારે. (લુક ૪:૧-૩) પણ ઈસુનો યહોવાહ સાથે પાકો નાતો હતો. એટલે તે શેતાનની લાલચમાં આવી ગયા નહિ. આપણો પણ યહોવાહ સાથે પાકો નાતો હશે તો, બીમારી કે ઘડપણ જેવી તકલીફોને સહન કરી શકીશું. ભલે આપણું “શારીરિક જીવન ધીમે ધીમે નાશ પામતું જાય છે,” તોપણ આપણે હિંમત હારતા નથી. કેમ કે, આપણું “આત્મિક જીવન દરરોજ તાજગી પામતું જાય છે.”—૨ કોરીંથી ૪:૧૬, પ્રેમસંદેશ.

૮. (ક) નિરાશાને લીધે જે વિચાર આવે એનાથી શું થઈ શકે? (ખ) ઈસુનું વલણ કેવું હતું?

આપણે ખોટા વિચારોમાં ડૂબી જઈએ તો, એની અસર પરમેશ્વરની ભક્તિ પર પડી શકે. આપણને કદાચ થશે કે, ‘શા માટે યહોવાહે મારા પર આમ વીતવા દીધી?’ મંડળમાં કોઈએ આપણી સાથે ખરાબ વર્તન કર્યું હોય તો આપણને થાય કે, ‘એ ભાઈ કે બહેન મારી સાથે આવું વર્તન કરી જ કેમ શકે?’ આવા વિચારો આવે ત્યારે એની પાછળ રહેલું મુખ્ય કારણ આપણે ભૂલી જઈ શકીએ. અને પોતાના સંજોગો પર વધારે ધ્યાન આપી બેસીએ. જેમ બીમારીને લીધે અયૂબની તબિયત પર ખૂબ અસર પડી તેમ પોતાના દોસ્તોના કડવા વેણ સાંભળીને તેમની લાગણીઓ પર બહુ ખરાબ અસર થઈ. (અયૂબ ૧૬:૨૦; ૧૯:૨) પ્રેરિત પાઊલે કહ્યું કે મનમાં ગુસ્સો ભરી રાખીશું તો, આપણે ‘શેતાનને સ્થાન આપીશું.’ (એફેસી ૪:૨૬, ૨૭) મનમાં ગુસ્સો ભરી રાખવાને બદલે અથવા આપણી સાથે અન્યાય થયો હોય તો એના વિષે વિચારવાને બદલે આપણે ઈસુનું અનુકરણ કરવું જોઈએ. ઈસુએ ઘણું સહન કર્યું અને તેમણે પોતાને યહોવાહ પરમેશ્વરને, ‘અદલ ન્યાય કરનારને સોંપી દીધા.’ (૧ પીતર ૨:૨૧-૨૩) આપણે ઈસુ જેવું “મન રાખીને” તેમને પગલે ચાલીશું તો, શેતાન જે તકલીફો લાવે છે એનો સામનો કરી શકીશું.—૧ પીતર ૪:૧.

૯. કોઈ પણ તકલીફ કે લાલચનો સામનો કરવા યહોવાહ શું ખાતરી આપે છે?

આપણા પર તકલીફો આવે તો એમ ન વિચારવું કે યહોવાહે આપણને છોડી દીધા છે. અયૂબના મિત્રોએ તેમને કડવાં વેણ સંભળાવ્યાં. તેથી એક સમયે અયૂબને પણ લાગ્યું કે યહોવાહે તેમને છોડી દીધા છે. (અયૂબ ૧૯:૨૧, ૨૨) પણ બાઇબલ આપણને ખાતરી આપે છે: “દુષ્ટતાથી દેવનું પરીક્ષણ થતું નથી, અને તે કોઈને પરીક્ષણમાં નાખતો પણ નથી.” (યાકૂબ ૧:૧૩) યહોવાહ ખાતરી આપે છે કે આપણા પર આવતી મુશ્કેલીઓને સહન કરવા તે મદદ કરશે. તેમ જ કોઈ પ્રકારની લાલચનો સામનો કરવા મદદ કરશે. (ગીતશાસ્ત્ર ૫૫:૨૨; ૧ કોરીંથી ૧૦:૧૩) આપણે મુશ્કેલીઓમાં યહોવાહને વળગી રહીશું તો, મુશ્કેલીઓનું મૂળ સમજી શકીશું, અને શેતાનની સામા થઈ શકીશું.—યાકૂબ ૪:૭, ૮.

સહન કરવા મદદ

૧૦, ૧૧. (ક) અયૂબને શેનાથી સહન કરવામાં મદદ મળી? (ખ) અયૂબનું દિલ સાફ હોવાથી તેમને કેવી રીતે મદદ મળી?

૧૦ અયૂબને ‘દિલાસો’ આપવા આવેલા મિત્રોએ તેમને કડવાં વેણ કહ્યાં. તેમના પર ખોટા આરોપ મૂક્યા. અયૂબને એ પણ સમજાતું ન હતું કે શા માટે તેમની સાથે આમ થઈ રહ્યું છે. તોપણ અયૂબ યહોવાહને વફાદાર રહ્યાં. તેમણે ધીરજથી સહન કર્યું. એમાંથી આપણે શું શીખી શકીએ? તેમને યહોવાહમાં પૂરી શ્રદ્ધા હતી એટલે તે ધીરજથી સહન કરી શક્યા. ‘તે ઈશ્વરભક્ત હતા તથા ભૂંડાઈથી દૂર રહેનારા હતા.’ (અયૂબ ૧:૧) જીવનમાં ઈશ્વરનો ડર રાખતા અને ખોટાં કામોથી દૂર રહેતા. તે જાણતા ન હતા કે શા માટે તેમના પર તકલીફો આવી પડી. તોપણ તેમણે યહોવાહથી મોં ફેરવી લીધું નહિ. અયૂબ સારા કે કપરાં સંજોગોમાં યહોવાહની ભક્તિ કરવામાં માનતા હતા.—અયૂબ ૧:૨૧; ૨:૧૦.

૧૧ અયૂબનું દિલ સાફ હતું. એ કારણે પણ તેમને દિલાસો મળ્યો. પોતાના જીવનનો અંત આવી રહ્યો છે એવું લાગ્યું ત્યારે તેમણે શું કર્યું? તેમણે પોતે કરેલી સારી બાબતો પર વિચાર કરીને દિલાસો મેળવ્યો. જેમ કે, બીજાઓને મદદ કરવા તેમણે બનતું બધું જ કર્યું. યહોવાહના ન્યાયી ધોરણોને વળગી રહ્યાં. કોઈ જાતની જૂઠી ભક્તિ ન કરી.—અયૂબ ૩૧:૪-૧૧, ૨૬-૨૮.

૧૨. અલીહૂની સલાહ સાંભળીને અયૂબે શું કર્યું?

૧૨ ખરું કે અયૂબનું દિલ સાફ હતું પણ અમુક બાબતોમાં તેમણે પોતાના વિચારોમાં સુધારો કરવાની જરૂર હતી. અયૂબને મદદ કરવામાં આવી ત્યારે, તેમણે ખુશી ખુશી પોતાના વિચારોમાં સુધારો કર્યો. એ કારણે પણ તે ધીરજથી સહન કરી શક્યા. અયૂબે અલીહૂની સલાહને ધ્યાનથી સાંભળી. યહોવાહે અયૂબમાં સુધારો કરવા જે મદદ કરી એને તેમણે ખુશીથી સ્વીકારી. અયૂબે કબૂલ્યું: હું કશુંય સમજ્યા વિના બધું બોલ્યો છું. એથી હવે હું જે કંઈ બોલ્યોચાલ્યો છું એની પર મને નફરત થાય છે. મને પસ્તાવો થાય છે. હું ધૂળ અને રાખ માથે ચડાવું છું. (યોબ ૪૨:૩,, સંપૂર્ણ) અયૂબ બીમારીથી પીડાતા હતા તોપણ તે ખુશ હતા. શા માટે? કેમ કે તેમણે પોતાના વિચારોમાં સુધારો કર્યો હતો. એનાથી પરમેશ્વર સાથે તેમનો નાતો પાક્કો થયો. અયૂબે કહ્યું: “હું જાણું છું કે તું [યહોવાહ] સઘળું કરી શકે છે.” (અયૂબ ૪૨:૨) યહોવાહે જે રીતે તેમને મદદ કરી, એનાથી તે જોઈ શક્યા કે યહોવાહ કેટલા મહાન છે. અયૂબ સમજી શક્યા કે સર્જનહારની સરખામણીમાં પોતે કંઈ જ નથી.

૧૩. અયૂબે કેવી રીતે દયા બતાવી, અને એનાથી શું લાભ થયો?

૧૩ અયૂબે દયા બતાવવામાં પણ સારો દાખલો બેસાડ્યો. તેમના મિત્રોએ તેમને કડવાં વેણ સંભળાવ્યાં અને તેમના પર ખોટા આરોપ મૂક્યા. તોપણ યહોવાહના કહેવાથી અયૂબે તેઓના ભલા માટે પ્રાર્થના કરી. એ પછી યહોવાહે અયૂબને સાજા કર્યા. (અયૂબ ૪૨:૮, ૧૦) આ બતાવે છે કે મનમાં ખાર રાખવાથી કે માઠું લગાડવાથી આપણે તકલીફ સહન નહિ કરી શકીએ. પણ આપણામાં પ્રેમ અને દયા હશે તો, આપણે ખુશીથી સહન કરી શકીશું. ખાર નહિ રાખીએ તો, આપણે યહોવાહની ભક્તિમાં મજબૂત થઈશું. અને યહોવાહ પણ આપણને આશીર્વાદો આપશે.—માર્ક ૧૧:૨૫.

સારી સલાહ સહન કરવામાં મદદ કરે છે

૧૪, ૧૫. (ક) સલાહ આપનારે બીજાઓને મદદ કરતી વખતે કયા ગુણો બતાવવા જોઈએ? (ખ) શા માટે અલીહૂ અયૂબને સારી રીતે મદદ કરી શક્યા?

૧૪ અયૂબના અનુભવમાંથી બીજું શું જોવા મળે છે? સલાહ આપનારાઓ એમાંથી ઘણું શીખી શકે છે. સલાહ આપતા ભાઈઓ “જરૂરના સમયે મદદરૂપ” સાબિત થાય છે. (નીતિવચનો ૧૭:૧૭) અયૂબના કિસ્સામાં થયું તેમ, સલાહ આપનારા અમુક લોકો દિલાસાને બદલે દુઃખ પહોંચાડી શકે. સારી સલાહ આપનારે અલીહૂની જેમ દયા, સહાનુભૂતિ અને માન બતાવવાની જરૂર છે. વડીલો અને અનુભવી ભાઈ-બહેનોએ તકલીફમાં હોય એવા ભાઈ-બહેનોના વિચારોમાં સુધારો કરવા મદદ કરવી પડે. આ વિષે સલાહ આપનાર ભાઈ કે બહેન અયૂબના પુસ્તકમાંથી ઘણું શીખી શકે છે.—ગલાતી ૬:૧; હેબ્રી ૧૨:૧૨, ૧૩.

૧૫ અલીહૂએ જે રીતે વાત કરી એમાંથી આપણે ઘણું શીખી શકીએ. અલીહૂએ પહેલાં તો, અયૂબના ત્રણ મિત્રોનું ધ્યાનથી સાંભળ્યું. એ પછી તે બોલ્યા. (અયૂબ ૩૨:૧૧; નીતિવચનો ૧૮:૧૩) અલીહૂએ અયૂબને નામથી બોલાવ્યા. તેમની સાથે એક સારા મિત્રની જેમ વાત કરી. (અયૂબ ૩૩:૧) અયૂબના ત્રણ મિત્રો પોતાને અયૂબ કરતાં ચઢિયાતા ગણતા હતા. પણ અલીહૂ પોતાને એમ સમજતા ન હતા. તેમણે કહ્યું: “હું પણ માટીનો ઘડેલો છું.” તે વગર વિચાર્યું બોલીને અયૂબની પીડા વધારવા ચાહતા ન હતા. (અયૂબ ૩૩:૬, ૭; નીતિવચનો ૧૨:૧૮) અયૂબના ખોટા વિચારો પર અલીહૂએ ધ્યાન આપ્યું નહિ. તેમને ઠપકો આપવાને બદલે, અલીહૂએ અયૂબની ભલાઈના વખાણ કર્યા. (અયૂબ ૩૩:૩૨) સૌથી મહત્ત્વનું તો, અલીહૂએ યહોવાહની નજરે બાબતોને જોઈ. તેમણે અયૂબને એ સમજવા મદદ કરી કે યહોવાહ અન્યાયી નથી. (અયૂબ ૩૪:૧૦-૧૨) તેમણે અયૂબને ઉત્તેજન આપ્યું કે પોતાને ન્યાયી ઠરાવવાને બદલે યહોવાહ પર ભરોસો રાખે. (અયૂબ ૩૫:૨; ૩૭:૧૪, ૨૩) મંડળના વડીલો અને ભાઈ-બહેનો પણ આમાંથી ઘણું શીખી શકે છે.

૧૬. અયૂબના મિત્રો કેવી રીતે શેતાનનું હથિયાર બન્યાં?

૧૬ અલીહૂની સલાહ અલીફાઝ, બિલ્દાદ અને સોફારના કડવા વેણથી એકદમ અલગ હતી. યહોવાહે તેઓને કહ્યું: “તમે મારા વિષે ખરું બોલ્યા નથી.” (અયૂબ ૪૨:૭) જો તેઓ એમ કહે કે ‘અમારો ઇરાદો સારો હતો’ તોપણ તેઓ વિશ્વાસુ મિત્ર સાબિત થવાને બદલે શેતાનનું હથિયાર બન્યાં હતાં. ત્રણેને લાગ્યું કે અયૂબે ખોટાં કામ કર્યા હશે એટલે તેના પર દુઃખોનો પહાડ તૂટી પડ્યો. (અયૂબ ૪:૭, ૮; ૮:૬; ૨૦:૨૨, ૨૯) અલીફાઝના કહેવા પ્રમાણે પરમેશ્વરને પોતાના ભક્તો પર ભરોસો નથી. અને તેમના ભક્તો ખરું કે ખોટું કરે, એની તેમને કંઈ પડી નથી. (અયૂબ ૧૫:૧૫; ૨૨:૨, ૩) અયૂબે કોઈનું બૂરું કર્યું ન હતું. તોપણ અલીફાઝે તેમના પર ખોટા આરોપ મૂક્યા. (અયૂબ ૨૨:૫,) જ્યારે કે અલીહૂએ અયૂબને યહોવાહ સાથે મજબૂત નાતો બાંધવા મદદ કરી. આજે મંડળમાં સલાહ આપનારાનો પણ એ જ ધ્યેય હોવો જોઈએ.

૧૭. આપણે તકલીફોમાં શું યાદ રાખવું જોઈએ?

૧૭ અયૂબના પુસ્તકમાંથી સહન કરવા વિષે બીજી એક બાબત પણ આપણને શીખવા મળે છે. આપણા પ્રેમાળ સર્જનહાર આપણી હાલત સારી રીતે જાણે છે. તે આપણને જુદી જુદી રીતોએ મદદ કરવા ચાહે છે અને તે કરે પણ છે. આપણે શરૂઆતના બે ફકરામાં એલ્સા આપ્ટનો અનુભવ જોયો. તેણે શું કહ્યું એના પર વિચાર કરો: “મને પોલીસ પકડી ગઈ એ પહેલાં મેં એક બહેનનો પત્ર વાંચ્યો હતો. એ બહેને લખ્યું હતું કે ભયંકર દુઃખોમાં પણ યહોવાહની શક્તિથી તેમના મનને શાંતિ મળી હતી. એ વખતે મને સમજાયું નહિ. મને લાગ્યું કે બહેન બઢાઈ-ચઢાઈને કહે છે. પણ હું તકલીફોમાં હતી ત્યારે મેં અનુભવ્યું કે બહેને જે કહ્યું એ સાચું હતું. યહોવાહની શક્તિથી મારા મનને પણ શાંતિ મળી. જો તમે અનુભવ્યું ન હોય તો એ વિષે વિચારવું થોડું અઘરું છે. પણ ખરેખર યહોવાહ મદદ કરે છે.” અહીં એલ્સા એમ કહેતી ન હતી કે યહોવાહ હજારો વર્ષ પહેલાં અયૂબ માટે શું કરી શક્યા હોત, કે તેમણે શું કર્યું હતું. તે તો આપણા સમય વિષે વાત કરતી હતી કે આજે પણ “યહોવાહ મદદ કરે છે!”

સહન કરે છે તે સુખી છે

૧૮. અયૂબે ધીરજથી સહન કર્યું એનાથી કયા લાભો થયા?

૧૮ અયૂબ જેવું આકરું દુઃખ આજે બહુ થોડા લોકોએ સહન કરવું પડે છે. ભલે આ જગત આપણા પર ગમે તેવી તકલીફો લાવે, અયૂબની જેમ યહોવાહને જ વફાદાર રહેવા આપણી પાસે ઘણા કારણો છે. અયૂબે સહન કર્યું હોવાથી તેમનું જીવન સુખી થયું. તેમની શ્રદ્ધા મજબૂત થઈ અને આવનાર કોઈ પણ કસોટી માટે તે તૈયાર થયા. (યાકૂબ ૧:૨-૪) એનાથી પરમેશ્વર સાથે તેમનો નાતો પાકો થયો. અયૂબે જણાવ્યું: “મેં મારા કાનથી તારા વિષે સાંભળ્યું હતું; પણ હવે હું તને પ્રત્યક્ષ જોઉં છું.” (અયૂબ ૪૨:૫) અયૂબે યહોવાહની ભક્તિ કરવાનું છોડ્યું નહિ. તેથી શેતાન જૂઠો સાબિત થયો. એની સદીઓ પછી પણ યહોવાહે અયૂબને તેમની વફાદારી માટે યાદ કર્યા. (હઝકીએલ ૧૪:૧૪) અયૂબે ધીરજથી સહન કર્યું અને યહોવાહને વળગી રહ્યાં. આજે પણ અયૂબનો દાખલો આપણને તકલીફો સહન કરીને યહોવાહને વફાદાર રહેવાનું ઉત્તેજન આપે છે.

૧૯. તમને શા માટે એવું લાગે છે કે તકલીફોમાં સહન કરવું સારું છે?

૧૯ યાકૂબે પહેલી સદીના ભાઈ-બહેનોને સહન કરવા વિષે લખ્યું. એ વખતે તે સહન કરવાથી મળતા સંતોષની વાત કરતા હતા. તેમણે અયૂબનો દાખલો આપ્યો. અને યાદ કરાવ્યું કે યહોવાહ પોતાના વફાદાર ભક્તોને પુષ્કળ આશીર્વાદો આપે છે. (યાકૂબ ૫:૧૧) અયૂબ ૪૨:૧૨માં આપણે વાંચીએ છીએ: “યહોવાહે અયૂબના આગલા સમય કરતાં પાછલા સમયને વધારે સમૃદ્ધિવાન કર્યો.” અયૂબે જે ગુમાવ્યું એનાથી બમણું યહોવાહે તેમને આપ્યું. અયૂબ લાંબું અને સુખી જીવન જીવ્યા. (અયૂબ ૪૨:૧૬, ૧૭) આ દુનિયાના અંતના સમયમાં આપણે કોઈ પણ દુઃખ, તકલીફ, કે ઊંડો આઘાત સહન કરવા પડી શકે. પણ પરમેશ્વરની દુનિયામાં એનું નામ-નિશાન મિટાવી દેવામાં આવશે. એ ગુજરી ગયેલી વાત બની જશે. (યશાયાહ ૬૫:૧૭; પ્રકટીકરણ ૨૧:૪) આપણે અયૂબની સહનતા વિષે ઘણું જોઈ ગયા. યહોવાહની મદદથી અયૂબને પગલે ચાલવાનો આપણો નિર્ણય હવે વધારે મજબૂત થયો છે. બાઇબલ વચન આપે છે: “જે માણસ પરીક્ષણમાં પાર ઊતરે છે તેને ધન્ય છે; કેમ કે પાર ઊતર્યા પછી, જીવનનો જે મુગટ પ્રભુએ પોતાના પર પ્રેમ રાખનારાઓને આપવાને કબૂલ કર્યું છે તે તેને મળશે.”—યાકૂબ ૧:૧૨. (w 06 8/15)

તમે શું શીખ્યા?

• આપણે યહોવાહના હૃદયને કેવી રીતે આનંદ પમાડી શકીએ?

• તકલીફો આવી પડે ત્યારે, શા માટે એમ ન વિચારવું કે યહોવાહે આપણને છોડી દીધા છે?

• શા કારણે અયૂબ સહન કરી શક્યા?

• ભાઈ-બહેનોને સલાહ આપતી વખતે આપણે અલીહૂમાંથી શું શીખી શકીએ?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૧૬ પર ચિત્ર]

સલાહ આપનાર દયા, સહાનુભૂતિ અને માન બતાવે છે

[પાન ૧૭ પર ચિત્રો]

એલ્સા અને હેરલ્ડ આબ્ટ