“નવ વર્ષના છોકરાને કારણે”
“નવ વર્ષના છોકરાને કારણે”
વિસ્વાવા દક્ષિણ પોલૅન્ડમાં રહે છે. યહોવાહના સાક્ષીઓ તેના ઘરે જતા ત્યારે, તે તેઓ સાથે વાત ન કરતી. પણ હસીને ‘આવજો’ કહી દેતી. એક દિવસે નવ વર્ષનો શમૂએલ તેની મમ્મી સાથે વિસ્વાવાને ઘરે ગયો. આ વખતે તેણે તેઓની વાત સાંભળી. એક મૅગેઝિન પણ લીધું, જે બતાવતું હતું કે પૃથ્વી સ્વર્ગ જેવી સુંદર બનશે.
મેમોરિયલનો પ્રસંગ આવી રહ્યો હતો, જે ઈસુના મરણની યાદમાં ઊજવાય છે. શમૂએલને થયું કે પોતે વિસ્વાવાને પણ એ પ્રસંગમાં બોલાવે. તે અને તેની મમ્મી વિસ્વાવાને મળવા ગયા. એ પ્રસંગ ક્યારે અને ક્યાં રાખવામાં આવ્યો છે, એ જણાવતી પત્રિકા તેની માટે લઈ ગયા. વિસ્વાવાએ જોયું કે શમૂએલ કેટલો સરસ તૈયાર થઈને આવ્યો હતો. તેણે કહ્યું કે ‘હું હમણાં આવું છું.’ પછી તે અંદર જઈને બરાબર તૈયાર થઈને આવી અને શમૂએલની વાત સાંભળી. તેઓ પાસેથી મેમોરિયલ વિષેની પત્રિકા લઈને તેણે પૂછ્યું: “હું એકલી જ આવું કે મારા પતિ સાથે આવું?” પછી તેણે કહ્યું કે “મારા પતિ નહિ આવે તોપણ, હું શમૂએલ માટે જરૂર આવીશ.” શમૂએલને વચન આપ્યા પ્રમાણે તે આવી. તેને જોઈને શમૂએલ ખુશ ખુશ થઈ ગયો.
એ મેમોરિયલમાં એક પ્રવચન આપવામાં આવ્યું. એમાં શમૂએલે વિસ્વાવા સાથે બેસીને પોતાના બાઇબલમાંથી કલમો બતાવી. એનાથી વિસ્વાવા નવાઈ પામી. તેને ઘણું શીખવા મળ્યું. ઘણી અઘરી બાબતો સાદી રીતે સમજાવવામાં આવી હતી. મંડળના ભાઈ-બહેનોએ પણ તેની સાથે પ્રેમથી વાત કરી. એ તેને ખૂબ જ ગમ્યું. ત્યાર પછી તેને સાચા ઈશ્વરની ભક્તિ કરવાની હોંશ થઈ. હવે તે યહોવાહના સાક્ષીઓના મંડળમાં જાય છે. થોડા સમય પહેલાં તેણે કહ્યું: “મને દુઃખ થાય છે કે તમે પહેલાં મારા ઘરે આવતા ત્યારે, હું સાંભળતી નહિ. સાચું કહું તો નવ વર્ષના શમૂએલને જોઈને મને તમારી વાત સાંભળવાનું મન થયું.”
પોલૅન્ડમાં રહેતા શમૂએલની જેમ ઘણા યુવાનો યહોવાહના સાક્ષીઓ છે. તેઓ વાણી અને વર્તનથી ઈશ્વરનું નામ રોશન કરે છે. યુવાનો, તમે પણ શમૂએલની જેમ બીજાઓને ઈશ્વર વિષે શીખવા મદદ કરી શકો છો. (w 06 9/1)