સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

‘પ્રાર્થનાના સાંભળનારને’ કેવી રીતે અરજ કરીએ?

‘પ્રાર્થનાના સાંભળનારને’ કેવી રીતે અરજ કરીએ?

‘પ્રાર્થનાના સાંભળનારને’ કેવી રીતે અરજ કરીએ?

“હે પ્રાર્થનાના સાંભળનાર, તારી પાસે સર્વ લોક આવશે.”—ગીતશાસ્ત્ર ૬૫:૨.

૧. મનુષ્યો કઈ બાબતમાં પશુ-પંખીઓથી અલગ છે? આપણને કેવો લહાવો મળેલો છે?

 ધરતીના મનુષ્યો અને પશુ-પંખીઓમાં શું ફરક છે? ફક્ત મનુષ્યો ઈશ્વરને ભજી શકે છે. તેઓને એ રીતે જ બનાવવામાં આવ્યા છે. શું તમે કોઈ પશુ-પંખીને ભક્તિ કરતા જોયા છે? ના. ફક્ત મનુષ્યો જ એમ કરી શકે છે. બધા મનુષ્યોમાં ઈશ્વરને ભજવાની ઇચ્છા હોય છે. એ ઇચ્છા પૂરી કરવા તેઓ કંઈ પણ કરશે. એનાથી આપણે આપણા સર્જનહાર, ઈશ્વરપિતા સાથે એક નાતો બાંધી શકીએ છીએ. કેવો સુંદર લહાવો!

૨. આદમે પાપ કર્યું એની સર્જનહાર સાથેના મનુષ્યના સંબંધ પર શું અસર પડી?

ઈશ્વરે મનુષ્યને એ રીતે બનાવ્યો હતો, જેથી તે તેમની સાથે ખુલ્લા દિલથી વાત કરી શકે. ઈશ્વરે આદમ અને હવાને બનાવ્યા ત્યારે, તેઓ પવિત્ર હતા. તેઓમાં કોઈ પાપ ન હતું. જેમ બાળક પિતા સાથે ખુલ્લા દિલે વાત કરે છે તેમ, તેઓ ખુલ્લા મનથી ઈશ્વરને પોકારી શકતા, ગમે ત્યારે વાત કરી શકતા. પણ અફસોસ, આદમ અને હવાએ પાપ કર્યું. તેઓ ઈશ્વરને બેવફા થયા. તેમની સાથેનો નાતો તોડી બેઠા. હવે તેઓ ગમે એટલા કાલાવાલા કરે, ઈશ્વર તેઓનું સાંભળવાના ન હતા. (ઉત્પત્તિ ૩:૮-૧૩, ૧૭-૨૪) પણ આદમના બાળકોનું શું? તેઓને પણ આદમથી પાપ વારસામાં મળ્યું. એટલે શું ઈશ્વરે તેઓથી પણ મોં ફેરવી લીધું? ના. એવું નથી. યહોવાહે તેઓ માટે રસ્તો ખુલ્લો રાખ્યો, જેથી તેઓ ગમે ત્યારે તેમને પોકારી શકે. પણ એ માટે તેઓએ ઈશ્વરે જે કહ્યું એ સાંભળવાનું હતું. એ પ્રમાણે ચાલવાનું હતું. ઈશ્વરે તેઓને શું જણાવ્યું હતું?

ઈશ્વરને પ્રાર્થના કરીએ ત્યારે શું ધ્યાનમાં રાખવું જોઈએ?

૩. પાપી મનુષ્યોએ પ્રાર્થના સાથે બીજું શું કરવાની જરૂર છે? દાખલો આપો.

ચાલો પહેલાં એ જોઈએ કે આદમના પ્રથમ બે દીકરા, કાઈન અને હાબેલ સાથે શું બન્યું હતું. એનાથી જોવા મળશે કે ઈશ્વરને પ્રાર્થના કરે છે, તેઓ પાસેથી ઈશ્વર શું ચાહે છે. કાઈન અને હાબેલ ઈશ્વરને ખુશ કરવા ચાહતા હતા. એટલે તેઓએ અર્પણો ચઢાવીને ઈશ્વરને યાચના કરી. ઈશ્વરે હાબેલનું અર્પણ માન્ય કર્યું. જ્યારે કાઈનનું અર્પણ માન્ય કર્યું નહિ. (ઉત્પત્તિ ૪:૩-૫) શા માટે? હેબ્રી ૧૧:૪ એનો જવાબ આપતા કહે છે, ‘વિશ્વાસથી હાબેલે કાઈનના કરતાં વધારે સારું બલિદાન ઈશ્વરને આપ્યું, તેથી તે ન્યાયી છે, એવી તેના સંબંધમાં સાક્ષી પૂરવામાં આવી.’ હા, ઈશ્વર આપણી પ્રાર્થના સાંભળે એ માટે વિશ્વાસ હોવો ખૂબ જ જરૂરી છે. શું વિશ્વાસ હોવો જ પૂરતું છે? ના. યહોવાહે પછી કાઈનને શું કહ્યું એને ધ્યાન આપો: ‘જો તું સારું કરે, તો તું માન્ય નહિ થશે શું?’ જો કાઈને સારાં કામો કર્યા હોત તો, ઈશ્વર તેના અર્પણો પણ જરૂર માન્ય કરત. પણ કાઈને ઈશ્વરની એ સલાહ માની નહિ. તેણે હાબેલને મારી નાખ્યો. પરિણામે જિંદગીભર વન-વગડામાં તેણે ભટકવું પડ્યું. (ઉત્પત્તિ ૪:૭-૧૨) આમ, ઈશ્વરે માણસજાતની શરૂઆતથી જ જણાવી દીધું હતું કે પ્રાર્થના સાથે વિશ્વાસ અને સારાં કાર્યો ખૂબ જરૂરી છે.

૪. ઈશ્વરને પ્રાર્થના કરીએ ત્યારે, આપણે શું કબૂલવું જ જોઈએ?

પ્રાર્થનામાં આપણે એ પણ કબૂલ કરવું જોઈએ કે આપણે બધા અપૂર્ણ છીએ, જાણે-અજાણે ભૂલો કરી બેસીએ છીએ. આપણે પાપી છીએ. આ પાપ જાણે આપણી પ્રાર્થનાઓ અટકાવે છે. પ્રબોધક યિર્મેયાહે ઈસ્રાએલીઓ વિષે લખ્યું: ‘અમે અપરાધ કર્યો છે. અમારી પ્રાર્થના પેલે પાર જાય નહિ, માટે તેં વાદળથી પોતાને ઢાંકી દીધો છે.’ (યિર્મેયાહનો વિલાપ ૩:૪૨, ૪૪) આપણે અપૂર્ણ ને પાપી છીએ છતાં, ઈશ્વર આપણી પ્રાર્થનાઓ સાંભળે છે એ કેટલું સારું કહેવાય! ઇતિહાસ બતાવે છે કે જે કોઈ પૂરા વિશ્વાસથી અને ખરા હૃદયથી ઈશ્વરને વિનંતી કરે છે, તેમની આજ્ઞાઓ પાળે છે, તેઓનું તે જરૂર સાંભળે છે. (ગીતશાસ્ત્ર ૧૧૯:૧૪૫) એવા અમુક ઈશ્વરભક્તો કોણ હતા? તેઓની પ્રાર્થનામાંથી આપણે શું શીખી શકીએ?

૫, ૬. ઈબ્રાહીમ ઈશ્વરને જે રીતે પ્રાર્થના કરતા એનાથી આપણને શું શીખવા મળે છે?

એક ઈશ્વરભક્ત, ઈબ્રાહીમ હતા. ઈશ્વરે તેમની યાચના સાંભળી હતી. અરે, ઈશ્વરે તેમને “મારા મિત્ર” પણ કહ્યા. (યશાયાહ ૪૧:૮) ઈબ્રાહીમે ઈશ્વરને કરેલી યાચનામાંથી આપણે શું શીખી શકીએ? આ વિશ્વાસુ ઈશ્વરભક્તને કોઈ બાળક ન હતું. તેમણે ઈશ્વરને પૂછ્યું હતું: “તું મને શું આપીશ? કેમ કે હું નિઃસંતાન ચાલ્યો જાઉં છું.” (ઉત્પત્તિ ૧૫:૨, ૩; ૧૭:૧૮) બીજા એક પ્રસંગે તેમણે ઈશ્વરને પોતાની ચિંતા જણાવી હતી કે, તે દુષ્ટ શહેરો સદોમ અને ગમોરાહનો નાશ કરે ત્યારે એમાંથી કોણ બચી જશે. (ઉત્પત્તિ ૧૮:૨૩-૩૩) ઈબ્રાહીમે બીજાઓના હિતમાં પણ યહોવાહને અરજ કરી હતી. (ઉત્પત્તિ ૨૦:૭, ૧૭) અને હાબેલની જેમ, કોઈ કોઈ સમયે ઈબ્રાહીમ પોતાની પ્રાર્થનાઓમાં યહોવાહને અર્પણો પણ ચઢાવતાં હતાં.—ઉત્પત્તિ ૨૨:૯-૧૪.

આપણે જોઈ ગયા એ બધા બનાવોમાં ઈબ્રાહીમ યહોવાહ સાથે ખુલ્લા દિલે વાત કરતા હતા. તે પોતાના દિલની વાત કહી શકતા. ઈબ્રાહીમની પ્રાર્થનાથી એ પણ જોવા મળે છે કે તે કેટલા નમ્ર હતા. ઈશ્વરને પ્રાર્થના કરતી વખતે તે સાવ રાંક બની જતા. એ આપણને ઉત્પત્તિ ૧૮:૨૭માં જોવા મળે છે: “જો, હવે હું ધૂળ તથા રાખ છતાં પ્રભુની આગળ બોલવાની હિંમત ધરું છું.” આમ ઈબ્રાહીમ ખૂબ માનથી વાત કરતા. આપણા માટે કેવો સરસ દાખલો!

૭. જૂના જમાનાના ઈશ્વરભક્તોએ યહોવાહને શાના વિષે પ્રાર્થના કરી?

જૂના જમાનાના બીજા ઈશ્વરભક્તોએ બીજી ઘણી બાબતો વિષે પ્રાર્થના કરી હતી. યહોવાહ ઈશ્વરે એ સર્વની અરજ સાંભળી હતી. દાખલા તરીકે, યાકૂબે કોઈ માનતા લેવા પ્રાર્થના કરી હતી. ઈશ્વરની મદદ માટે અરજ કર્યા પછી તેમણે આમ વચન આપ્યું: “જે તું મને આપશે તે સર્વનો દશાંશ [દસમો ભાગ] હું તને ખચીત આપીશ.” (ઉત્પત્તિ ૨૮:૨૦-૨૨) થોડા સમય પછી પોતાના ભાઈ સાથે ભેટો થવાનો હતો ત્યારે, યાકૂબે યહોવાહના રક્ષણ માટે આજીજી કરતા કહ્યું: “મને મારા ભાઈના હાથથી એટલે એસાવના હાથથી બચાવજે; કેમ કે હું તેનાથી બીહું છું.” (ઉત્પત્તિ ૩૨:૯-૧૨) અયૂબ પણ પોતાના પરિવાર વતી પ્રાર્થના કરતા, તેઓ માટે બલિદાનો ચઢાવતાં. અયૂબના ત્રણ મિત્રોએ ખોટું બોલીને ઈશ્વરને નારાજ કર્યા ત્યારે પણ, અયૂબે તેઓ માટે પ્રાર્થના કરી. અને ‘યહોવાહે અયૂબની પ્રાર્થના સાંભળી.’ (અયૂબ ૧:૫; ૪૨:૭-૯) આ બનાવો બતાવે છે કે આપણે શાના વિષે પ્રાર્થના કરી શકીએ. આપણે એ પણ જોયું કે જેઓ ખરા હૃદયથી પ્રાર્થના કરે છે તેઓનું યહોવાહ સાંભળે છે.

નિયમ કરાર પ્રમાણે પ્રાર્થનાની ગોઠવણ

૮. નિયમ કરાર પ્રમાણે, યહોવાહને પ્રાર્થના કરવા માટે કેવી ગોઠવણ હતી?

યહોવાહે ઈસ્રાએલીઓને ઇજિપ્તની ગુલામીમાંથી છોડાવ્યા પછી, તેઓને નિયમ કરાર આપ્યો. એ નિયમોમાં ઈશ્વરને પ્રાર્થના કરવા માટેની ગોઠવણ વિષે વિગતવાર જણાવ્યું હતું. એમાં ઈશ્વરે પોતે અમુક લેવીઓને યાજકો તરીકે પસંદ કર્યા હતા. તેઓ દ્વારા જ યહોવાહને પ્રાર્થના કરી શકાતી. તેઓ લોકો માટે પ્રાર્થના કરતા. જ્યારે આખા દેશના હિતમાં કોઈ નિર્ણય લેવાનો હોય, ત્યારે લોકોનો પ્રતિનિધિ એ માટે ઈશ્વરને પ્રાર્થના કરતો. એ પ્રતિનિધિ કોઈ વાર રાજા કે પછી કોઈ પ્રબોધક રહેતો. (૧ શમૂએલ ૮:૨૧, ૨૨; ૧૪:૩૬-૪૧; યિર્મેયાહ ૪૨:૧-૩) દાખલા તરીકે, મંદિરના સમર્પણ વખતે રાજા સુલેમાને પૂરા હૃદયથી યહોવાહને પ્રાર્થના કરી. જવાબમાં યહોવાહે મંદિરને પોતાના ગૌરવથી ભરી દીધું. એનાથી તેમણે સુલેમાનની પ્રાર્થના સાંભળી છે એમ બતાવ્યું. પછી તેમણે કહ્યું: “આ સ્થળે કરેલી પ્રાર્થના તરફ મારી આંખો ઉઘાડી રહેશે ને મારા કાન ચકોર રહેશે.”—૨ કાળવૃત્તાંત ૬:૧૨-૭:૩, ૧૫.

૯. પવિત્રસ્થાનમાંથી યહોવાહને પ્રાર્થના કરવા માટે બીજું શું કરવાની જરૂર હતી?

ઈસ્રાએલીઓને આપેલા નિયમમાં યહોવાહે એ પણ જણાવ્યું હતું કે પવિત્રસ્થાનમાં તેઓની પ્રાર્થના સાંભળવામાં આવે એ માટે તેઓએ શું કરવાનું હતું. દરરોજ સવારે અને સાંજે, પ્રાણીઓનું બલિદાન ચઢાવવાની સાથે સાથે પ્રમુખ યાજકે યહોવાહ આગળ સુગંધીદાર ધૂપ પણ બાળવાનો હતો. પછીથી પ્રાયશ્ચિત્તના દિવસ સિવાય, પ્રમુખયાજકના હાથ નીચેના બીજા યાજકો પણ રોજ એ ધૂપ બાળતા હતા. જો યાજકો આ રીતે ધૂપ બાળીને ભક્તિ ન કરે તો, યહોવાહ તેઓની પ્રાર્થના ન સાંભળતા.—નિર્ગમન ૩૦:૭, ૮; ૨ કાળવૃત્તાંત ૧૩:૧૧.

૧૦, ૧૧. શું યહોવાહ વ્યક્તિગત પ્રાર્થના સાંભળતા હતા? પુરાવો આપો.

૧૦ શું પ્રાચીન ઈસ્રાએલમાં ફક્ત અમુક પસંદ કરેલી વ્યક્તિ દ્વારા જ ઈશ્વરને પ્રાર્થના થઈ શકતી? ના. બાઇબલ જણાવે છે કે લોકોની વ્યક્તિગત પ્રાર્થનાને પણ યહોવાહ સાંભળતા હતા. યહોવાહને મંદિર અર્પણ કરતી વખતે સુલેમાને યહોવાહને આજીજી કરતા કહ્યું હતું: ‘ગમે તે પ્રાર્થના કે યાચના હરકોઈ માણસ અથવા તારા સર્વ ઈસ્રાએલી લોક, પોતાના હાથો આ મંદિર તરફ પ્રસારીને કરે; તો તારા રહેઠાણ આકાશમાંથી તું તે સાંભળજે.’ (૨ કાળવૃત્તાંત ૬:૨૯, ૩૦) લુકનો અહેવાલ જણાવે છે કે યોહાન બાપ્તિસ્મકના પિતા ઝખાર્યાહ પવિત્રસ્થાનમાં ધૂપ ચઢાવતા હતા ત્યારે, યહોવાહના ભક્તો જેઓ યાજકો ન હતા, તેઓ ‘બહાર પ્રાર્થના કરતા હતા.’ એ દેખીતું છે કે સોનાની વેદી ઉપર ધૂપ ચઢાવવામાં આવતો ત્યારે, પવિત્રસ્થાનની બહાર ભેગા થઈને પ્રાર્થના કરવાનો લોકોમાં રિવાજ બની ગયો હતો.—લુક ૧:૮-૧૦.

૧૧ આપણે જોયું તેમ, યહોવાહને યોગ્ય રીતે પ્રાર્થના કરવામાં આવતી ત્યારે, તે એને જરૂર સાંભળતા. પછી ભલે એ આખા દેશ વતી કરવામાં આવી હોય કે પછી વ્યક્તિગત પ્રાર્થના કરવામાં આવી હોય. જોકે, આજે આપણને નિયમ કરાર લાગુ પડતો નથી. પરંતુ તે સમયના ઈસ્રાએલીઓ જુદી જુદી રીતે ઈશ્વરને પ્રાર્થના કરતા હતા એમાંથી આપણે જરૂર કંઈક શીખી શકીએ.

ઈસુ દ્વારા પ્રાર્થના કરવી

૧૨. આપણે યહોવાહને પ્રાર્થના કરી શકીએ એ માટે કેવી ગોઠવણ કરવામાં આવી?

૧૨ હવે આપણે ઈસુએ શરૂ કરેલી ગોઠવણ હેઠળ જીવીએ છીએ. આપણને એવા કોઈ મંદિરની જરૂર નથી, જ્યાંથી યાજકો લોકો માટે પ્રાર્થના કરે, કે પછી જેના તરફ ફરીને આપણે પ્રાર્થના કરી શકીએ. જોકે યહોવાહે હજી ગોઠવણ કરી છે, જેના દ્વારા આપણે તેમને પ્રાર્થના કરી શકીએ. એ શું છે? જ્યારે ઈસુ ઈસવીસન ૨૯માં અભિષિક્ત બન્યા અને પ્રમુખ યાજક તરીકે નિયુક્ત થયા, ત્યારે આધ્યાત્મિક મંદિરની શરૂઆત થઈ. * આ આધ્યાત્મિક મંદિર શું છે? એ યહોવાહની ભક્તિમાં તેમને પ્રાર્થના કરવાની એક નવી ગોઠવણ છે. આપણા પાપને દૂર કરવા ઈસુએ પોતાનું બલિદાન આપ્યું એને આધારે આ ગોઠવણ કરવામાં આવી હતી. ઈસુના બલિદાનને આધારે આપણે યહોવાહને પ્રાર્થના કરી શકીએ.—હેબ્રી ૯:૧૧, ૧૨.

૧૩. પ્રાર્થનાની બાબતે આધ્યાત્મિક મંદિર યરૂશાલેમના મંદિરને કેવી રીતે મળતું આવે છે?

૧૩ યરૂશાલેમનું મંદિર, આ આધ્યાત્મિક મંદિરને ઘણી રીતોએ મળતું આવે છે. એમાં પ્રાર્થના કરવાની રીત પણ આવી જાય છે. (હેબ્રી ૯:૧-૧૦) દાખલા તરીકે, દરરોજ સવારે અને સાંજે મંદિરના પરમ પવિત્રસ્થાનની ધૂપવેદી પર ધૂપ ચઢાવવામાં આવતો. એ શાને રજૂ કરતો હતો? પ્રકટીકરણનું પુસ્તક એનો જવાબ આપે છે: “એ ધૂપ સંતોની પ્રાર્થનાઓ છે.” (પ્રકટીકરણ ૫:૮; ૮:૩, ૪) દાઊદે પણ ઈશ્વરપ્રેરણાથી લખ્યું: “મારી પ્રાર્થના તારી સંમુખ ધૂપ જેવી થાઓ.” (ગીતશાસ્ત્ર ૧૪૧:૨) ઈસુના બલિદાનને આધારે થયેલી ગોઠવણમાં, સુગંધિત ધૂપ શાને રજૂ કરે છે? એ એવી પ્રાર્થનાઓ છે જેનાથી યહોવાહને મહિમા મળે છે. જેને તે કબૂલ કરે છે.—૧ થેસ્સાલોનીકી ૩:૧૦.

૧૪, ૧૫. (ક) “અભિષિક્ત ખ્રિસ્તીઓને” કેવો લહાવો છે? (ખ) “બીજાં ઘેટાં”ના લોકોને કેવો લહાવો છે?

૧૪ આ આધ્યાત્મિક મંદિરમાંથી યહોવાહને કોણ પ્રાર્થના કરી શકે? ફરીથી યરૂશાલેમના મંદિરનો વિચાર કરો. ત્યાં યાજકો અને લેવીયોને મંદિરના અંદરના આંગણામાં સેવા કરવાનો લહાવો મળ્યો હતો. એમાંય ફક્ત યાજકો પવિત્રસ્થાનમાં પ્રવેશી શકતા. આજે આધ્યાત્મિક મંદિરમાં પણ એવી ગોઠવણ છે. સ્વર્ગમાં જવા પસંદ થયેલા અભિષિક્ત ખ્રિસ્તીઓને આજે યાજકો અને લેવીયોની જેમ ખાસ રીતે યહોવાહની ભક્તિ કરવાનો લહાવો મળ્યો છે. એનાથી તેઓ ઈશ્વરને પ્રાર્થના કરી શકે છે, તેમની સ્તુતિ કરી શકે છે.

૧૫ પણ આ ધરતી પર જ જીવવાની આશા છે એ “બીજાં ઘેટાં” વિષે શું? (યોહાન ૧૦:૧૬) પ્રબોધક યશાયાહે જણાવ્યું કે અનેક દેશ અને જાતિના લોકો “છેલ્લા કાળમાં” યહોવાહની ભક્તિ કરવા આગળ આવશે. (યશાયાહ ૨:૨, ૩) તેમણે એમ પણ લખ્યું કે “પરદેશીઓ” યહોવાહની ભક્તિ કરવા લાગશે. તેઓની પ્રાર્થના સાંભળવા પોતે તૈયાર છે એ બતાવવા યહોવાહે કહ્યું: ‘હું મારા પ્રાર્થનાના મંદિરમાં તેમને આનંદિત કરીશ.’ (યશાયાહ ૫૬:૬, ૭) પ્રકટીકરણ ૭:૯-૧૫ વધારે માહિતી આપે છે. એ ‘સર્વ દેશોમાંથી આવેલી એક મોટી સભા’ વિષે જણાવે છે. તેઓ આધ્યાત્મિક મંદિરના બહારના આંગણામાં ઊભા રહીને “રાતદહાડો” ઈશ્વરની ભક્તિ અને પ્રાર્થના કરતા રહે છે. એ જાણીને કેટલી ખુશી થાય છે કે આજે આપણે બધા જ ઈશ્વરને ખુલ્લા દિલથી પ્રાર્થના કરી શકીએ છીએ! આપણને પૂરી શ્રદ્ધા છે કે ઈશ્વર જરૂર આપણી પ્રાર્થના સાંભળશે.

ઈશ્વર કેવી પ્રાર્થનાઓ સાંભળે છે?

૧૬. પહેલી સદીના ખ્રિસ્તીઓની પ્રાર્થનામાંથી આપણે શું શીખી શકીએ?

૧૬ પહેલી સદીના ખ્રિસ્તીઓ બહુ ધાર્મિક હતા. તેઓ અનેક બાબતમાં ઈશ્વરના માર્ગદર્શન માટે પ્રાર્થના કરતા. દાખલા તરીકે, એક વાર મંડળના વડીલોએ મોટી જવાબદારી માટે ભાઈઓને પસંદ કરવા પ્રાર્થનામાં ઈશ્વરનું માર્ગદર્શન માંગ્યું. (પ્રેરિતોનાં કૃત્યો ૧:૨૪, ૨૫; ૬:૫, ૬) એપાફ્રાસે બીજા ભાઈ-બહેનોના ભલા માટે પ્રાર્થના કરી. (કોલોસી ૪:૧૨) પીતર જેલમાં હતા ત્યારે, યરૂશાલેમની મંડળીએ તેમના માટે પ્રાર્થના કરી. (પ્રેરિતોનાં કૃત્યો ૧૨:૫) પહેલી સદીમાં ખ્રિસ્તીઓ પર સતાવણી આવી પડી ત્યારે, હિંમત માટે ઈશ્વરને પ્રાર્થના કરતા તેઓએ કહ્યું: “હે પ્રભુ, તું તેઓની ધમકીઓ ધ્યાનમાં લે, અને તારા સેવકોને તારી વાત પૂરેપૂરી હિંમતથી કહેવાનું સામર્થ્ય આપ.” (પ્રેરિતોનાં કૃત્યો ૪:૨૩-૩૦) શિષ્ય યાકૂબે પણ ઈશ્વરભક્તોને જણાવ્યું કે કસોટીઓમાં તેઓ જ્ઞાન કે ડહાપણ માટે ઈશ્વરને પ્રાર્થના કરે. (યાકૂબ ૧:૫) શું તમે પણ યહોવાહને આવા વિષયો પર પ્રાર્થના કરો છો?

૧૭. યહોવાહ કોની પ્રાર્થનાઓ સાંભળે છે?

૧૭ ઈશ્વર બધી પ્રાર્થનાઓ સાંભળતા નથી. તો પછી, આપણે કેવી રીતે પૂરી ખાતરી રાખી શકીએ કે ઈશ્વર આપણી પ્રાર્થનાઓ સાંભળે છે? જૂના જમાનામાં ઈશ્વર કેવા લોકોની પ્રાર્થના સાંભળતા હતા? જેઓ ખરા દિલથી અને પૂરી શ્રદ્ધાથી કરતા હતા તેઓની. તેઓએ સારાં કામો કરીને પોતાની શ્રદ્ધા બતાવી હતી. તેથી, આપણે પણ એ રીતે પ્રાર્થના કરીશું તો, પૂરી ખાતરી રાખી શકીએ કે યહોવાહ આપણી પ્રાર્થના સાંભળશે.

૧૮. ઈશ્વર આપણી પ્રાર્થનાઓ સાંભળે એ માટે બીજું શું કરવાની જરૂર છે?

૧૮ ઈશ્વર આપણી પ્રાર્થના સાંભળે એ માટે બીજું શું કરવાની જરૂર છે? પ્રેરિત પાઊલ એ સમજાવતા કહે છે: ‘તે દ્વારા એક આત્મા વડે આપણે પિતાની હજૂરમાં જવા પામીએ છીએ.’ “તે દ્વારા” કહીને પાઊલ અહીંયા કોના વિષે વાત કરે છે? ઈસુ ખ્રિસ્ત વિષે. (એફેસી ૨:૧૩, ૧૮) હા, આપણે ફક્ત ઈસુ ખ્રિસ્ત દ્વારા ઈશ્વરપિતાને પ્રાર્થના કરવી જોઈએ.—યોહાન ૧૪:૬; ૧૫:૧૬; ૧૬:૨૩, ૨૪.

૧૯. (ક) ઈસ્રાએલીઓએ ચઢાવેલા ધૂપથી યહોવાહ ક્યારે નારાજ થઈ જતા? (ખ) આપણી પ્રાર્થનાઓ સુગંધિત ધૂપ જેવી હોય એ માટે આપણે શું કરવું જોઈએ?

૧૯ આપણે જોઈ ગયા તેમ, ઈસ્રાએલી યાજકો જે ધૂપ ચઢાવતા, એ વિશ્વાસુ ભક્તોની પ્રાર્થનાને રજૂ કરતો હતો. એવી પ્રાર્થનાને યહોવાહ સાંભળતા. તોપણ, કોઈ વાર ઈસ્રાએલીઓએ ચઢાવેલા ધૂપથી યહોવાહ સખત નારાજ થઈ જતા. શા માટે? કેમ કે એક બાજુ તેઓ મંદિરમાં ધૂપ ચઢાવતા હતા, અને બીજી બાજુ મૂર્તિઓને પગે પડતા હતા. (હઝકીએલ ૮:૧૦, ૧૧) એ જ રીતે આજે પણ યહોવાહ અમુક લોકોની પ્રાર્થના સાંભળતા નથી. કેમ કે એક બાજુ તેઓ યહોવાહને ભજવાનો ડોળ કરે છે. એ જ સમયે તેઓ યહોવાહ ધિક્કારે છે એવાં કામો કરે છે. એવા લોકોની પ્રાર્થના એવા ધૂપ જેવી છે જેનાથી યહોવાહ મોં ફેરવી લે. (નીતિવચનો ૧૫:૮) તો પછી, આપણે જીવનની હરેક બાબતમાં નિર્દોષ રહીએ, મન સાફ રાખીએ એ કેટલું જરૂરી છે! આપણે દરેક રીતે ઈશ્વરના માર્ગે ચાલીશું તો જ આપણી પ્રાર્થનાઓ યહોવાહને ચઢાવેલા સુગંધિત ધૂપ જેવી થશે. સચ્ચાઈના માર્ગે ચાલે છે તેઓની પ્રાર્થનાથી યહોવાહને ઘણો આનંદ થાય છે. (યોહાન ૯:૩૧) જોકે હજી અમુક સવાલો તો રહે જ છે. આપણે કેવી રીતે પ્રાર્થના કરવી જોઈએ? શાના વિષે પ્રાર્થના કરી શકીએ? ઈશ્વર આપણી પ્રાર્થનાનો કેવી રીતે જવાબ આપે છે? હવે પછીનો લેખ આ પ્રશ્નોના જવાબ આપશે. (w 06 9/1)

[ફુટનોટ]

તમે કેવી રીતે સમજાવશો?

• આપણે અપૂર્ણ ને પાપી છીએ છતાં યહોવાહ સાંભળે એવી પ્રાર્થના કેવી રીતે કરી શકીએ?

• આપણે પ્રાર્થના કરીએ ત્યારે કેવી રીતે જૂના જમાનાના ઈશ્વરભક્તો જેવા બની શકીએ?

• પહેલી સદીના ખ્રિસ્તીઓની પ્રાર્થનામાંથી આપણે શું શીખી શકીએ?

• ઈશ્વર માટે આપણી પ્રાર્થના સુગંધીદાર ધૂપ જેવી ક્યારે બને છે?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૨૩ પર ચિત્ર]

ઈશ્વરે શા માટે હાબેલનું અર્પણ માન્ય કર્યું, અને કાઈનનું નહિ?

[પાન ૨૪ પર ચિત્ર]

‘હું ધૂળ તથા રાખ છું’

[પાન ૨૫ પર ચિત્ર]

‘તે સર્વનો દસમો ભાગ હું તને જરૂર આપીશ’

[પાન ૨૬ પર ચિત્ર]

શું તમારી પ્રાર્થનાઓ યહોવાહ માટે સુગંધીદાર ધૂપ જેવી છે?