સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પ્રેમથી હિંમત મળે છે

પ્રેમથી હિંમત મળે છે

પ્રેમથી હિંમત મળે છે

“ઈશ્વરે આપેલો પવિત્ર આત્મા આપણને બીકણ નહિ, પણ બળવાન, પ્રેમાળ અને સંયમી બનાવે છે.”—૨ તીમોથી ૧:૭, કોમન લેંગ્વેજ.

૧, ૨. (ક) પ્રેમને લીધે લોકો શું કરવા પ્રેરાઈ શકે? (ખ) આપણે શા માટે કહી શકીએ કે ઈસુમાં અસાધારણ હિંમત હતી?

 એક યુગલના નવા નવા લગ્‍ન થયેલાં. તેઓ ઑસ્ટ્રેલિયાના એક શહેર નજીક દરિયામાં પાણીની અંદર (સ્કૂબા ડાયવીંગ) તરી રહ્યા હતા. તેઓ પાણીની સપાટી પર આવતા જ હતા ત્યાં અચાનક એક મોટી સફેદ શાર્ક માછલી ધસી આવી. તે યુગલમાંથી પત્નીનો શિકાર કરવાની અણીએ જ હતી, ત્યાં જ તેના પતિએ હિંમતથી પત્નીને ધક્કો મારીને બાજુ પર ધકેલી દીધી. અને પોતે શાર્ક માછલીનો કોળિયો બની ગયો. પતિની દફનવિધિ વખતે વિધવા બહેને કહ્યું કે “તેમણે મારા માટે પોતાનો જીવ આપી દીધો.”

આ કિસ્સો બતાવે છે કે પ્રેમ લોકોને હિંમતવાન બનાવે છે. ઈસુએ પોતે કહ્યું કે “પોતાના મિત્રોને સારુ જીવ આપવો, તે કરતાં મોટો પ્રેમ કોઈનો નથી.” (યોહાન ૧૫:૧૩) ઈસુએ આ કહ્યું એને એક દિવસ પણ થયો ન હતો અને તેમણે આખી માણસજાત માટે પોતાનો જીવ આપી દીધો. (માત્થી ૨૦:૨૮) શું ઈસુએ એ જ દિવસે નક્કી કર્યું હતું કે તે પોતે લોકો માટે જીવ આપી દેશે? જરાય નહિ! તે ઘણાં વર્ષોથી જાણતા હતા કે પોતે પૃથ્વી પર જન્મ લેશે ત્યારે લોકો તેમની મશ્કરી કરશે. હેરાન કરશે. કારણ વગર તેમને મોતની સજા કરશે. છેવટે પોતે રિબાઈ રિબાઈને થાંભલા પર મરી જશે. અરે, તેમણે પોતાના પ્રેરિતોને પણ આ વિષે અગાઉથી તૈયાર કર્યા હતા. તેમણે તેઓને કહ્યું: “જુઓ, આપણે યરૂશાલેમ જઈએ છીએ; અને માણસનો દીકરો મુખ્ય યાજકોને તથા શાસ્ત્રીઓને સોંપાશે; અને તેઓ તેના પર મરણદંડ ઠરાવશે, ને તેને વિદેશીઓને સોંપાશે; અને તેઓ તેની મશ્કરી કરશે, ને તેના પર થૂંકશે, ને તેને કોરડા મારશે, ને તેને મારી નાખશે.”—માર્ક ૧૦:૩૩, ૩૪.

૩. ઈસુ શાના લીધે અજોડ હિંમત બતાવી શક્યા?

ઈસુમાં આવી અજોડ હિંમત કેવી રીતે આવી, જેનાથી તે પોતે આ બધું સહન કરી શક્યા? એક તો તેમણે ઈશ્વરનો ડર રાખ્યો. બીજું, તેમને ઈશ્વરમાં પૂરી શ્રદ્ધા હતી. (હેબ્રી ૫:૭; ૧૨:૨) પણ સૌથી મહત્ત્વનું તો, ઈશ્વર અને મનુષ્યો માટેના અપાર પ્રેમને લીધે ઈસુ આવી હિંમત બતાવી શક્યા. (૧ યોહાન ૩:૧૬) ઈસુની જેમ આપણે એવો પ્રેમ કેળવીશું, યહોવાહના માર્ગમાં ચાલીશું, અને તેમનામાં પૂરી શ્રદ્ધા રાખીશું, તો આપણે પણ તેમના જેવી હિંમત બતાવી શકીશું. (એફેસી ૫:૨) પણ આપણે કેવી રીતે એવો પ્રેમ કેળવી શકીએ? એ માટે આપણે પહેલાં એ જાણવું પડશે કે પ્રેમનો ગુણ ક્યાંથી આવ્યો?

‘પ્રેમ ઈશ્વર પાસેથી આવે છે’

૪. આપણે કેવી રીતે કહી શકીએ કે યહોવાહ તરફથી પ્રેમ આવે છે?

યહોવાહ પ્રેમ છે. તેમની પાસેથી જ પ્રેમ આવે છે. પ્રેરિત યોહાને લખ્યું કે, ‘વહાલાંઓ, આપણે એકબીજા પર પ્રેમ રાખીએ, કેમ કે પ્રેમ ઈશ્વરથી છે; અને જે પ્રેમ કરે છે તે દરેક ઈશ્વરથી જન્મેલો છે, અને ઈશ્વરને ઓળખે છે. જે પ્રેમ કરતો નથી, તે ઈશ્વરને ઓળખતો નથી; કેમ કે ઈશ્વર પ્રેમ છે.’ (૧ યોહાન ૪:૭, ૮) આ બતાવે છે કે ઈશ્વર જેવો પ્રેમ કેળવવા એ ખૂબ જરૂરી છે કે આપણે તેમના વિષે જ્ઞાન લઈએ. પછી એ જ્ઞાન દિલમાં ઉતારીને તેમના જ માર્ગમાં ચાલતા રહીએ.—ફિલિપી ૧:૯; યાકૂબ ૪:૮; ૧ યોહાન ૫:૩.

૫, ૬. પહેલા સદીના ખ્રિસ્તીઓને ઈસુ જેવો પ્રેમ કેળવવા શેનાથી મદદ મળી?

ઈસુએ તેમના ૧૧ વિશ્વાસુ પ્રેરિતો સાથે છેલ્લી પ્રાર્થના કરી ત્યારે, સમજાવ્યું કે યહોવાહને ઓળખવા અને તેમના પ્રેમમાં વધતા જવું કેટલું જરૂરી છે. તેમણે પ્રાર્થનામાં કહ્યું: “મેં તેઓને તારું નામ જણાવ્યું છે, અને જણાવીશ; જેથી જે પ્રેમથી તેં મારા પર પ્રેમ રાખ્યો છે, તે તેઓમાં રહે, અને હું તેઓમાં રહું.” (યોહાન ૧૭:૨૬) ઈસુ અને યહોવાહ વચ્ચે અતૂટ પ્રેમનું બંધન હતું. યહોવાહ માટે એવો જ પ્રેમ કેળવવા ઈસુએ શિષ્યોને મદદ કરી હતી. કેવી રીતે? તેમણે પોતાના શિક્ષણથી અને વાણી-વર્તનથી શીખવ્યું કે યહોવાહના નામનો અર્થ શું છે. એ તેમના અજોડ ગુણો બતાવે છે. એના લીધે જ ઈસુએ કહ્યું કે “જેણે મને જોયો છે તેણે બાપને જોયો છે.”—યોહાન ૧૪:૯, ૧૦; ૧૭:૮.

ઈસુ જેવો પ્રેમ યહોવાહના ‘પવિત્ર આત્માનું એક ફળ’ છે. (ગલાતી ૫:૨૨) ઈસુએ વચન આપ્યું હતું તેમ, પેન્તેકોસ્ત ૩૩ની સાલમાં ખ્રિસ્તીઓ યહોવાહની શક્તિથી ભરપૂર થયા. એનાથી તેઓ ઈસુએ જે શીખવ્યું હતું એ બધું યાદ કરી શક્યા. એટલું જ નહિ, તેઓએ પવિત્ર શાસ્ત્રની વધારે સમજણ મેળવી. એનાથી તેઓ યહોવાહ માટે વધારે પ્રેમ કેળવી શક્યા. (યોહાન ૧૪:૨૬; ૧૫:૨૬) પરિણામે, તેઓએ પૂરી હિંમત અને જોશથી શુભસંદેશનો પ્રચાર કર્યો. અરે, મોતના મુખમાં આવી પડ્યા તોપણ તેઓ ડર્યા નહિ.—પ્રેરિતોનાં કૃત્યો ૫:૨૮, ૨૯.

હિંમત અને પ્રેમ કામોથી દેખાઈ આવે છે

૭. પાઊલ અને બાર્નાબાસે પ્રચારમાં કેવી મુશ્કેલીઓ સહી?

પ્રેરિત પાઊલે લખ્યું: “ઈશ્વરે આપેલો પવિત્ર આત્મા આપણને બીકણ નહિ, પણ બળવાન, પ્રેમાળ અને સંયમી બનાવે છે.” (૨ તીમોથી ૧:૭, કોમન લેંગ્વેજ) પાઊલે પોતાના અનુભવથી આમ લખ્યું હતું. દાખલા તરીકે, પાઊલ અને બાર્નાબાસ અનેક શહેરોમાં પ્રચાર કરતા હતા ત્યારે તેઓને ઘણું સહન કરવું પડ્યું. તેઓએ અંત્યોખ, ઈકોની, લુસ્રા અને બીજા અનેક શહેરોમાં પ્રચાર કર્યો હતો. ત્યાં અમુક લોકોએ શુભસંદેશો સ્વીકાર્યો અને ઈસુને પગલે ચાલવા લાગ્યા. જ્યારે બીજાઓએ પાઊલ અને બાર્નાબાસનો સખત વિરોધ કર્યો. (પ્રેરિતોનાં કૃત્યો ૧૩:૨, ૧૪, ૪૫, ૫૦; ૧૪:૧,) લુસ્રામાં તો લોકો પાઊલ પર સાવ લાલ પીળા થઈ ગયા. તેઓએ પાઊલને મારી નાખવા તેમના પર પથ્થરમારો કર્યો. પછી તે મરી ગયા છે એમ સમજીને તેમને છોડી દીધા. પરંતુ પાઊલની “આસપાસ શિષ્યો ઊભા હતા તેવામાં તે ઊઠીને શહેરમાં આવ્યો; અને બીજે દિવસે બાર્નાબાસ સાથે દર્બે ગયો.”—પ્રેરિતોનાં કૃત્યો ૧૪:૬, ૧૯, ૨૦.

૮. પાઊલ ને બાર્નાબાસની હિંમતે કેવી રીતે બતાવી આપ્યું કે તેઓને લોકો માટે ખૂબ પ્રેમ હતો?

પાઊલ પર જીવલેણ હુમલો થયા બાદ, શું તે અને બાર્નાબાસ ડરી ગયા? પ્રચાર કામ બંધ કરી દીધું? જરાય નહિ! દર્બેમાં “ઘણા શિષ્યો કર્યા પછી તેઓ લુસ્રા તથા ઈકોની થઈને અંત્યોખ પાછા આવ્યા.” પણ શા માટે? જેથી ત્યાં નવા લોકોને વિશ્વાસમાં મજબૂત રહેવા હિંમત આપી શકે. પાઊલ અને બાર્નાબાસે તેઓને કહ્યું, “આપણને ઘણાં સંકટમાં થઈને દેવના રાજ્યમાં જવું પડે છે.” આનાથી સાફ જોવા મળે છે કે ઈસુના ‘ઘેટાં’ માટે પ્રેમ હોવાથી પાઊલ અને બાર્નાબાસને એટલી હિંમત મળી હતી. (પ્રેરિતોનાં કૃત્યો ૧૪:૨૧-૨૩; યોહાન ૨૧:૧૫-૧૭) પાઊલ અને બાર્નાબાસે એ શહેરોમાં ઊભા થયેલા નવાં મંડળોમાં અમુક ભાઈઓને વડીલની જવાબદારી માટે પસંદ કર્યા. પછી તેઓએ ‘પ્રાર્થના કરી અને તેઓને પ્રભુના હાથમાં સોંપ્યા જેમના પર તેઓએ વિશ્વાસ કર્યો હતો.’

૯. પાઊલનો પ્રેમ અનુભવીને એફેસસના વડીલોને કેવું લાગ્યું?

પાઊલ ખૂબ હિંમતવાળા હતા. સાથે સાથે પ્રેમાળ અને બીજાઓની સંભાળ પણ રાખતા. એટલે જ પહેલી સદીના ભાઈ-બહેનો પાઊલ પર બહુ જ પ્રેમ રાખતા. વિચાર કરો કે એફેસસથી આવેલા વડીલો સાથે પાઊલે જે મિટિંગ કરી એમાં શું બન્યું. પાઊલ એફેસસમાં ત્રણ વર્ષ રહ્યા હતા. ત્યાં તેમણે ઘણી મુશ્કેલીઓ સહી હતી. (પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૧૭-૩૧) એ મિટિંગમાં પાઊલે તેઓને ઉત્તેજન આપ્યું કે તેઓ મંડળના ભાઈ-બહેનોની સંભાળ રાખે. પછી તેઓ સાથે પાઊલે ઘૂંટણે પડીને પ્રાર્થના કરી. ત્યાર બાદ “તેઓ સઘળા બહુ રડ્યા, અને પાઊલની કોટે વળગીને તેઓએ તેને ચુંબન કર્યું. તમે મારું મોં ફરી જોનાર નથી એ વાત તેણે કહી હતી તેથી તેઓ વધારે ઉદાસ થયા.” ખરેખર, આ ભાઈઓને પાઊલ પ્રત્યે બહુ લગાવ હતો. એટલું જ નહિ, જુદા પડવાનો વખત આવ્યો ત્યારે પાઊલ અને તેમની સાથે મુસાફરીએ જનારાઓને એફેસસના વડીલો છોડવા તૈયાર જ ન હતા. એટલે તેઓ પરાણે ‘જુદા પડયા.’—પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૩૬–૨૧:૧.

૧૦. આજે કેવી રીતે યહોવાહના સાક્ષીઓએ પૂરી હિંમતથી એકબીજા માટે પ્રેમ બતાવ્યો છે?

૧૦ આજે પણ ટ્રાવેલીંગ ઓવરસિયરો, મંડળના વડીલો અને બીજા ઘણાને યહોવાહના લોકો બહુ પ્રેમ કરે છે, કેમ કે તેઓ ભાઈ-બહેનો માટે બહુ હિંમત બતાવે છે. દાખલા તરીકે, દેશમાં અંદરોઅંદર લડાઈ ચાલતી હોય અથવા સરકારે પ્રચારકામ પર પ્રતિબંધ મૂક્યો હોય એવા દેશોમાં સેવા આપતા ટ્રાવેલીંગ ઓવરસિયરનો વિચાર કરો. તે પોતાની પત્ની સાથે જીવ જોખમમાં મૂકીને, કે પછી જેલમાં જવાની તૈયારી સાથે ત્યાંના મંડળોની મુલાકાતે જાય છે. એ જ રીતે, બીજા અનેક ભાઈ-બહેનોએ જુલમી સરકારો અને તેઓના સાથીદારોને હાથે ઘણો જુલમ સહ્યો છે. તેઓ બીજા સાક્ષીઓનો વિશ્વાસઘાત કરવા તૈયાર નથી. તેમ જ બાઇબલ અને બાઇબલ શીખવતું સાહિત્ય ક્યાંથી મળે છે એ પણ બતાવવાની સાફ ના પાડે છે. બીજા હજારો ભાઈ-બહેનોને ખૂબ સતાવવામાં આવ્યા છે. રિબાવવામાં આવ્યા છે. અરે, અમુકને તો મોતને ઘાટ ઉતારી દીધા છે. શા માટે? કેમ કે તેઓએ પ્રચાર કામ બંધ કર્યું નથી. અથવા બીજા ભાઈ-બહેનો સાથે મિટિંગોમાં જવાનું છોડ્યું નથી. (પ્રેરિતોનાં કૃત્યો ૫:૨૮, ૨૯; હેબ્રી ૧૦:૨૪, ૨૫) આ હિંમતવાન ભાઈ-બહેનોએ પ્રેમ અને શ્રદ્ધાનો કેવો સરસ દાખલો બેસાડ્યો છે. આપણે પણ તેઓને પગલે ચાલીએ!—૧ થેસ્સાલોનીકી ૧:૬.

આપણા પ્રેમને ઠંડો પડવા ન દઈએ

૧૧. આપણે યહોવાહને છોડી દઈએ એ માટે શેતાન કેવી ચાલાકીઓ વાપરે છે? આપણે શું કરવાની જરૂર છે?

૧૧ શેતાનને પૃથ્વી પર ફેંકવામાં આવ્યો ત્યારથી તે યહોવાહના લોકો પર ગુસ્સાથી લાલચોળ થયો છે. શા માટે? કેમ કે ‘તેઓ ઈશ્વરની આજ્ઞા પાળે છે, અને ઈસુની સાક્ષીને વળગી રહે છે.’ (પ્રકટીકરણ ૧૨:૯, ૧૭) યહોવાહને છોડી દઈએ એ માટે શેતાન અનેક ચાલાકીઓ વાપરે છે. એમાંની એક છે, સતાવણી. પણ એનાથી યહોવાહના ભક્તો વધારે સંપમાં રહે છે. એકબીજા માટે વધારે પ્રેમ ખીલી ઊઠે છે. ઘણામાં તો યહોવાહની ભક્તિ માટે ખૂબ જ હોંશ વધે છે. શેતાન બીજી ચાલાકી પણ વાપરે છે. તે આપણી ખોટી ઇચ્છાઓને ભડકાવે છે. તેને ખબર છે કે આપણું “હૃદય સહુથી કપટી છે, તે અતિશય ભૂંડું છે.” તેથી તેની આ ચાલાકીનો સામનો કરવા આપણને ખાસ હિંમતની જરૂર છે. કેમ કે આપણે પોતાની જ ખોટી ઇચ્છાઓ સામે લડવાનું છે.—યિર્મેયાહ ૧૭:૯; યાકૂબ ૧:૧૪, ૧૫.

૧૨. યહોવાહ માટેના આપણા પ્રેમને ઠંડો પાડવા, શેતાન ‘જગતના આત્માનો’ કેવી રીતે ઉપયોગ કરે છે?

૧૨ શેતાનની ત્રીજી ચાલાકી છે, “જગતનો આત્મા.” એનો શું અર્થ થાય? એ દુન્યવી વિચારો ને વલણ છે. શેતાને જાણે આખી દુનિયાને પોતાની મુઠ્ઠીમાં કરી લીધી છે. એટલે મોટા ભાગના લોકો જાણીજોઈને યહોવાહની આજ્ઞાઓ અને સિદ્ધાંતો તોડે છે. (૧ કોરીંથી ૨:૧૨) જગતનો આત્મા ‘આંખોની લાલસાને’ ભડકાવે છે. એટલે કે લોભી બનવા, એશઆરામની વસ્તુઓ પાછળ દોડવા ઉશ્કેરે છે. (૧ યોહાન ૨:૧૬; ૧ તીમોથી ૬:૯, ૧૦) પૈસા ને માલમિલકત હોવી કંઈ ખોટું નથી. પણ જો આપણે ઈશ્વર કરતા વધારે પૈસાના પ્રેમી બની જઈશું તો, જીત શેતાનની થશે. આ દુનિયાનો ‘અધિકારી’ શેતાન આપણી પાપી ઇચ્છાઓને ભડકાવે છે. તેણે ચાલાકીથી ઝેરી હવા દુનિયામાં સર્વત્ર ફેલાવી દીધી છે. તે દિન-રાત કોશિશ કરે છે કે આપણે તેની જાળમાં ફસાઈએ. તેથી ચાલો આપણે નક્કી કરીએ કે જગતનો આત્મા આપણા હૃદયને ભ્રષ્ટ ન કરે.—એફેસી ૨:૨, ૩; નીતિવચનો ૪:૨૩.

૧૩. સારા સંસ્કાર જાળવી રાખવા કેવા સંજોગોમાં આપણી હિંમતની કસોટી થઈ શકે?

૧૩ દુનિયાની ખરાબ અસરનો સામનો કરવા અને એનાથી દૂર રહેવા હિંમતની જરૂર છે. તો જ આપણે સારા સંસ્કાર જાળવી શકીશું. દાખલા તરીકે, થિયેટરમાં કોઈ ફિલ્મ જોતા હોય અને અશ્લીલ સીન આવે ત્યારે, ઊઠીને બહાર નીકળી જવા હિંમતની જરૂર પડે છે. અથવા કૉમ્પ્યુટર કે ટીવી પર એવાં ગંદા સીન કે ચિત્ર આવે ત્યારે એને બંધ કરવા પણ હિંમતની જરૂર પડે છે. આપણા મિત્ર ખોટું કામ કરવા દબાણ લાવે ત્યારે, એનો નકાર કરવા અને ખોટી સોબત છોડી દેવા પણ હિંમતની જરૂર પડે છે. એ જ રીતે, સ્કૂલમાં સાથે ભણનારા, કામ પર, પડોશીઓ કે સગાં-વહાલાં આપણી મજાક ઉડાવે ત્યારે, એવા સંજોગોમાં યહોવાહના નીતિ-નિયમોને વળગી રહેવા માટે હિંમત જરૂરી છે.—૧ કોરીંથી ૧૫:૩૩; ૧ યોહાન ૫:૧૯.

૧૪. દુનિયાની ખરાબ હવા આપણા જીવનને અસર કરવા લાગી હોય તો, આપણે શું કરવું જોઈએ?

૧૪ દુનિયાની ખરાબ હવાથી દૂર રહેવું હોય તો, આપણે યહોવાહ અને મંડળના ભાઈ-બહેનો સાથે પ્રેમની ગાંઠ મજબૂત કરવી જોઈએ. આપણે સમયોસમય પારખવું જોઈએ કે યહોવાહની ભક્તિમાં આપણે આગળ જઈએ છીએ કે પાછળ. આપણે ધ્યાન રાખવું જોઈએ કે દુનિયાની હવા આપણા જીવનને અસર કરી રહી છે કે કેમ. જો આપણા જીવન પર એની થોડી ઘણી પણ અસર થઈ હોય તો, યહોવાહને મદદ માટે પ્રાર્થના કરીએ. જેથી આપણે એ અસરને દિલમાંથી કાઢી નાખીને સાવ દૂર રહી શકીએ. યહોવાહ પૂરા દિલથી કરેલી આજીજીને જરૂર સાંભળે છે. (ગીતશાસ્ત્ર ૫૧:૧૭) એટલું જ નહિ, તે આપણને શક્તિ આપશે જેથી દુનિયાની ખરાબ અસરથી આપણે સાવ દૂર રહી શકીએ.—૧ યોહાન ૪:૪.

જીવનની તકલીફોનો હિંમતથી સામનો કરીએ

૧૫, ૧૬. ઈસુ જેવો પ્રેમ કેવી રીતે આપણને તકલીફો સહેવા મદદ કરે છે? એક દાખલો આપો.

૧૫ આદમના પાપને લીધે આપણે અનેક તકલીફો સહન કરવી પડે છે. જેમ કે ઘડપણ, બીમારી, ડીપ્રેશન, અપંગતા વગેરે. (રૂમી ૮:૨૨) આપણામાં ઈસુ જેવો પ્રેમ હોય તો એ બધી તકલીફો સહન કરી શકીએ. ઝાંબિયામાં રહેતી નામાનગોલ્વાનો દાખલો લો. તેનો ઉછેર સાક્ષી કુટુંબમાં થયો હતો. તે બે વર્ષની હતી ત્યારે અપંગ બની ગઈ. તે કહે છે, ‘હું એ વિચારીને બેચેન થઈ જતી કે લોકો મને જોશે તો શું વિચારશે. પણ મંડળના ભાઈ-બહેનોએ એ ચિંતાઓ મનમાંથી કાઢી નાખવા મદદ કરી. એનાથી હું મારા વિષે સારું વિચારવા લાગી. થોડા સમય પછી મેં બાપ્તિસ્મા પણ લીધું.’

૧૬ ખરું કે નામાનગોલ્વા પાસે વ્હીલચેર છે. પરંતુ રસ્તામાં બહુ ધૂળ કે રેતી હોય ત્યારે તેણે હાથ ને ઘૂંટણને સહારે ચાલવું પડે છે. તોપણ તે દર વર્ષે બે મહિના ઓગ્ઝિલરી પાયોનિયરીંગ જરૂર કરે છે! એક વખતે તે કોઈ સ્ત્રીને પ્રચાર કરી રહી હતી ત્યારે તે સ્ત્રી રડી પડી. શા માટે? નામાનગોલ્વાની શ્રદ્ધા અને હિંમત જોઈને તેનું હૃદય પીગળી ગયું. નામાનગોલ્વા પર યહોવાહે ઘણા આશીર્વાદો વરસાવ્યા છે. તેણે પાંચ વ્યક્તિઓને યહોવાહના ભક્ત બનવા મદદ કરી છે. એમાંથી એક તો મંડળમાં વડીલ પણ છે. તે કહે છે, ‘ખરું કે મારા પગમાં ઘણી વાર બહુ દુઃખે છે. તોપણ હું કદી હિંમત નથી હારતી.’ નામાનગોલ્વા જેવા દુનિયામાં ઘણા ભાઈ-બહેનો છે, જેઓ શરીરથી ભલે નબળા હોય, પણ યહોવાહની ભક્તિમાં બહુ હોંશીલા છે. તેઓને લોકો અને યહોવાહ માટે અનહદ પ્રેમ છે. તેઓ યહોવાહની નજરમાં બહુ કીમતી છે.—હાગ્ગાય ૨:૭.

૧૭, ૧૮. ઘણા લોકોને બીમારી અને બીજી તકલીફોનો સામનો કરવામાં શું મદદ કરે છે? તમારા વિસ્તારના અમુક દાખલા જણાવો.

૧૭ ગંભીર બીમારી આવી પડે ત્યારે, દુઃખી દુઃખી થઈ જવાય છે. અરે, એનાથી વ્યક્તિ ડીપ્રેશનનો શિકાર પણ બની જઈ શકે. એક મંડળના વડીલ કહે છે, ‘મારા બુકસ્ટડી ગ્રૂપમાં એક બહેનને ડાયાબિટીસ છે અને કિડની નકામી થઈ ગઈ છે. બીજી એક બહેનને કૅન્સર છે. બીજી બે બહેનોને સંધિવા (આર્થાઈટિસ) છે. બીજી એક બહેનને લ્યુપસ (ચામડીનો એક રોગ, જેમાં ચાંદા પડી જાય છે) અને ફાઇબ્રોમાઇએલ્જીયા (સ્નાયુ અને સાંધાઓમાં દુખાવો) છે. તેઓ એનાથી અમુક વખતે નિરાશ થઈ જાય છે. પણ તેઓ મોટે ભાગે દરેક મિટિંગમાં આવે છે. તબિયત સાવ બગડી ગઈ હોય કે હૉસ્પિટલમાં રહેવું પડે ત્યારે જ તેઓ મિટિંગમાં નથી આવતા. તેઓ પ્રચારમાં નિયમિત ભાગ લે છે. તેઓને જોઈને મને પાઊલના શબ્દો યાદ આવે છે, “હું નિર્બળ છું, ત્યારે હું બળવાન છું.” આ બહેનોનો પ્રેમ અને હિંમતની હું બહુ કદર કરું છું. કદાચ એવી હાલતમાં જીવીને તેઓ વધારે સ્પષ્ટ જોઈ શકે છે કે જીવનમાં સૌથી વધારે મહત્ત્વનું શું છે.’—૨ કોરીંથી ૧૨:૧૦.

૧૮ જો તમે કોઈ બીમારી, નબળાઈ કે બીજી કોઈ તકલીફ સહેતા હો તો, યહોવાહને મદદ માટે સતત પ્રાર્થના કરો. એનાથી તમે નિરાશાનો શિકાર નહિ બનો. (૧ થેસ્સાલોનીકી ૫:૧૪, ૧૭) ખરું કે જીવનમાં સુખ-દુઃખ તો આવતા રહેશે. પણ આપણે અત્યારના આશીર્વાદો અને ખાસ કરીને ભાવિમાં યહોવાહ જે આશીર્વાદો આપવાના છે એના પર ધ્યાન રાખીશું તો આપણે વધારે ખુશ રહીશું. એક બહેને કહે છે, ‘પ્રચાર કામ મને આનંદી રહેવા મદદ કરે છે.’ આ બતાવે છે કે બીજાઓને યહોવાહ વિષે શીખવવામાં લાગુ રહેવાથી બહેનને ઘણો ફાયદો થયો છે. તે મોટે ભાગે જીવનમાં હવે સારું વિચારે છે.

સત્યથી દૂર ગયેલાઓ પ્રેમને લીધે યહોવાહ તરફ પાછા ફરી શકે

૧૯, ૨૦. (ક) પાપમાં ફસાઈ ગયા હોય તેઓને યહોવાહ તરફ પાછા ફરવા કેવી રીતે હિંમત મળી શકે? (ખ) હવે પછીના લેખમાં આપણે શેની ચર્ચા કરીશું?

૧૯ અમુક યહોવાહની ભક્તિમાં ઠંડા પડી ગયા છે અથવા પાપમાં ફસાઈ ગયા છે. તેઓ માટે યહોવાહ તરફ પાછા ફરવું સહેલું નથી. યહોવાહના માર્ગમાં ફરીથી ચાલવા તેઓને કેવી રીતે હિંમત મળી શકે? ખરા દિલથી પસ્તાવો કરીને યહોવાહને પ્રેમ કરવાથી. અમેરિકામાં રહેતા મારીયોનો * દાખલો લો. તે મંડળને છોડી દઈને દારૂડિયો બની ગયો. ડ્રગ્સ પણ લેવા લાગ્યો. વીસ વર્ષ પછી તેને જેલની સજા થઈ. તે કહે છે, ‘જેલમાં હું વિચારતો હતો કે મારી આગળની જિંદગી કેવી હશે. હું ફરીથી બાઇબલ વાંચવા લાગ્યો. અમુક સમય પછી હું યહોવાહના ગુણોની કદર કરવા લાગ્યો. ખાસ કરીને મેં તેમની દયાની બહુ કદર કરી. મેં ઘણી વાર પ્રાર્થનામાં યહોવાહ પાસે દયાની ભીખ માંગી. હું જેલમાંથી બહાર આવ્યો ત્યારે ખરાબ દોસ્તોથી સાવ દૂર રહ્યો. મંડળની મિટિંગોમાં પાછો જવા લાગ્યો. સમય જતા મને ફરીથી મંડળમાં લેવામાં આવ્યો. મારા ખરાબ કામોની મારી તબિયત પર ઘણી અસર પડી છે. તોપણ મારી પાસે ભવિષ્યની એક સુંદર આશા છે. એનાથી મને બહુ દિલાસો મળે છે. યહોવાહે મને જે દયા બતાવી છે, જે માફી આપી છે એને હું કોઈ દિવસ ભૂલીશ નહિ.’—ગીતશાસ્ત્ર ૧૦૩:૯-૧૩; ૧૩૦:૩, ૪; ગલાતી ૬:૭, ૮.

૨૦ જેઓ મારીયો જેવી હાલતમાં છે, તેઓએ યહોવાહ તરફ પાછા ફરવા તન-મનથી ખૂબ મહેનત કરવાની જરૂર છે. તેઓએ યહોવાહ માટે ફરીથી પ્રેમ કેળવવો પડશે. કેવી રીતે? બાઇબલ સ્ટડી, પ્રાર્થના અને મનન દ્વારા. એનાથી તેઓને હિંમત મળશે. મારીયોને ઈશ્વરના રાજ્યની આશાથી પણ હિંમત મળી હતી. આ બતાવે છે કે યહોવાહમાં પ્રેમ, શ્રદ્ધા અને તેમનો ડર રાખવાથી હિંમત મળે છે. સાથે સાથે ઈશ્વરે જે આશા આપી છે એના પર વિચાર કરવાથી આપણને જીવનમાં ઘણા ફાયદા થાય છે. હવે પછીના લેખમાં આપણે ઈશ્વરની આ સુંદર ભેટ પર વધારે ચર્ચા કરીશું. (w 06 10/1)

[ફુટનોટ]

^ નામ બદલ્યું છે.

તમે જવાબ આપી શકો?

• ઈસુને લોકો ને ઈશ્વર પ્રત્યે પ્રેમ હોવાથી તે કેવી અજોડ હિંમત બતાવી શક્યા?

• ભાઈ-બહેનો માટે પ્રેમ હોવાથી પાઊલ અને બાર્નાબાસ કેવી હિંમત બતાવી શક્યા?

• યહોવાહ પ્રત્યે આપણો પ્રેમ ઠંડો પાડવા માટે શેતાન કેવી ચાલાકીઓ વાપરે છે?

• યહોવાહ માટેનો પ્રેમ આપણને કેવા દુઃખ તકલીફો સહેવા હિંમત આપે છે?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૨૩ પર ચિત્ર]

લોકો માટેના પ્રેમને લીધે પાઊલને ઈશ્વરની સેવામાં લાગુ રહેવા હિંમત મળી

[પાન ૨૫ પર ચિત્ર]

યહોવાહના નીતિ-નિયમો પાળવા હિંમત જરૂરી છે

[પાન ૨૫ પર ચિત્ર]

નામાનગોલ્વા સુટુટુ