સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવાહમાં આશા રાખો, હિંમત રાખો

યહોવાહમાં આશા રાખો, હિંમત રાખો

યહોવાહમાં આશા રાખો, હિંમત રાખો

“યહોવાહની વાટ જો; બળવાન થા, અને હિમ્મત રાખ; હા, યહોવાહની વાટ જો.”—ગીતશાસ્ત્ર ૨૭:૧૪.

૧. આશા કેટલી જરૂરી છે? શાસ્ત્ર પ્રમાણે એનો કેવો અર્થ થાય છે?

 આશા છે સૂરજના પ્રકાશ જેવી. દુઃખનાં વાદળો ઘેરાયાં હોય, તોયે એ અજવાળું ફેલાવે. ધીરજથી આવતી કાલની રાહ જોવા મદદ કરે. એવી આશા ફક્ત ઈશ્વર યહોવાહ જ આપી શકે. એ તેમણે બાઇબલમાં આપી છે. (૨ તીમોથી ૩:૧૬) બાઇબલમાં ‘આશા,’ ‘આશા રાખવી,’ ‘આશા રાખી’ જેવા શબ્દો ઘણી વાર આવે છે. એનો અર્થ થાય કે કંઈક સારું બનવાની જાણે કાગને ડોળે રાહ જોવી. એમ બનશે જ, એની ખાતરી હોવી. * એ કંઈ પોકળ આશા નથી, જે કદી પૂરી થાય જ નહિ.

૨. ઈસુના જીવનમાં કઈ રીતે આશા મહત્ત્વની હતી?

ઈસુના જીવનમાં દુઃખ-તકલીફો આવી ત્યારે પણ, તેમણે ફક્ત યહોવાહ પર આશા રાખી. ‘તેમણે પોતાની આગળ મૂકેલા આનંદને લીધે શરમને તુચ્છ ગણીને મરણસ્તંભનું દુઃખ સહન કર્યું, અને હવે ઈશ્વરના રાજ્યાસનની જમણી તરફ બેઠા છે.’ (હેબ્રી ૧૨:૨) ઈસુ દિલોજાનથી એ જ ચાહતા હતા કે ફક્ત યહોવાહ જ વિશ્વના માલિક સાબિત થાય. યહોવાહના નામનો જયજયકાર થાય. એટલે ઈસુ હંમેશાં યહોવાહને માર્ગે જ ચાલ્યા, પછી ભલે પોતાનું જે થવાનું હોય એ થાય.

૩. યહોવાહના ભક્તોના જીવનમાં આશાની કેવી અસર થાય છે?

આશા અને હિંમત એકબીજા સાથે જોડાયેલા છે. એના વિષે દાઊદ રાજાએ કહ્યું કે યહોવાહમાં આશા રાખ, અથવા “યહોવાહની વાટ જો; બળવાન થા, અને હિમ્મત રાખ; હા, યહોવાહની વાટ જો.” (ગીતશાસ્ત્ર ૨૭:૧૪) આપણે પૂરા દિલથી યહોવાહની ભક્તિ કરવી હોય તો, કદીયે આપણી આશા ઝાંખી પડવા ન દઈએ. એના ઝગમગાટથી આપણું જીવન ભરી દઈએ. એમ કરીને આપણે ઈસુને પગલે ચાલીશું. લોકોને સત્ય જણાવવાનું જે કામ તેમણે સોંપેલું છે, એ પૂરી હોંશ અને જોશથી કરીશું. (માત્થી ૨૪:૧૪; ૨૮:૧૯, ૨૦) બાઇબલમાં વિશ્વાસ કે શ્રદ્ધા અને પ્રેમ જેવા અનમોલ ગુણો સાથે આશાનો ગુણ પણ જણાવાય છે. એવા ગુણોથી યહોવાહના ભક્તો ઓળખાઈ આવે છે.—૧ કોરીંથી ૧૩:૧૩.

શું તમે આશાથી ભરપૂર છો?

૪. અભિષિક્તો અને ‘બીજાં ઘેટાંમાંના’ યહોવાહના ભક્તોને કેવી આશા છે?

યહોવાહના ભક્તોની આવતી કાલ આશાથી ભરેલી છે. અભિષિક્ત કે સ્વર્ગમાં જવા પસંદ થયેલા એની રાહ જુએ છે, જ્યારે તેઓ ઈસુ ખ્રિસ્ત સાથે રાજ કરશે. યહોવાહના બાકીના ભક્તો, “બીજાં ઘેટાં” રાહ જુએ છે કે ક્યારે તેઓ “નાશના દાસત્વમાંથી મુક્ત થઈને દેવનાં [પૃથ્વી પરનાં] છોકરાંના મહિમાની સાથે રહેલી મુક્તિ પામે.” (યોહાન ૧૦:૧૬; રૂમી ૮:૧૯-૨૧; ફિલિપી ૩:૨૦) એ ‘મુક્તિનો’ એક આશીર્વાદ એ પણ છે કે આપણે આદમથી વારસામાં મળેલા પાપથી છુટકારો પામીશું. પછી ન દુઃખ-તકલીફ હશે, ન બીમારી હશે. અરે કોઈ મરશે પણ નહિ! “દરેક ઉત્તમ દાન તથા દરેક સંપૂર્ણ દાન” આપનાર યહોવાહ પોતાના ભક્તોને ચોક્કસ એવા જ આશીર્વાદ આપશે.—યાકૂબ ૧:૧૭; યશાયાહ ૨૫:૮.

૫. આપણે આશાથી ભરપૂર થવા શું કરવાની જરૂર છે?

શું આપણું જીવન એવી જ આશાથી ભરેલું છે? રોમ ૧૫:૧૩માં આપણે આમ વાંચીએ છીએ: “સૌ આશાના મૂળરૂપ ઈશ્વર તમારી શ્રદ્ધાને કારણે તમને આનંદ અને શાંતિથી ભરી દો, જેથી પવિત્ર આત્માના પ્રભાવથી તમે આશાથી ઊભરાઈ જાઓ.” (સંપૂર્ણ) આ આશા કંઈ અંધકારમાં ટમકતી મીણબત્તીના પ્રકાશ જેવી નથી. ના, પણ એ તો ઊગતા સૂરજનાં કિરણો જેવી છે, જે આપણા જીવનને જીવવા જેવું બનાવે. એને હિંમત, શાંતિ, ખુશીઓથી ભરી દે. જ્યારે આપણે બાઇબલમાં પૂરી શ્રદ્ધા મૂકીએ, યહોવાહ તરફથી શક્તિ મેળવીએ, ત્યારે આપણું જીવન આશાથી ભરપૂર બને છે. રૂમી ૧૫:૪ આમ જણાવે છે: “જેટલું અગાઉ લખવામાં આવ્યું હતું, તે આપણને શિખામણ મળવાને માટે લખવામાં આવ્યું હતું, કે ધીરજથી તથા પવિત્ર શાસ્ત્રમાંના દિલાસાથી આપણે આશા રાખીએ.” એટલે આપણે આ સવાલો પર વિચાર કરીએ: ‘મારી આશા સૂરજનાં કિરણો જેવી રાખવા, શું હું દરરોજ બાઇબલ વાંચું છું? એના પર વિચાર કરું છું? હું વારંવાર યહોવાહની મદદ માંગું છું, તેમની શક્તિ માંગું છું?’—લુક ૧૧:૧૩.

૬. આપણી આશા સૂરજનાં કિરણો જેવી તેજ રાખવા શાનાથી એનું રક્ષણ કરવું જોઈએ?

આપણા ગુરુ ઈસુ, માનો કે યહોવાહનાં વચનો પર જ જીવતા હતા. આપણે પણ તેમને પગલે ચાલીશું તો, ‘આપણું મન ભાંગી નહિ પડે અને હિંમત હારી નહિ જઈએ.’ (હિબ્રૂઓ ૧૨:૩, સંપૂર્ણ) જો આપણી આશા જરાય ઝાંખી પડવા દઈએ, તો ધીમે ધીમે આપણું દિલ બીજા કશાકમાં ચોંટી જશે. કદાચ આપણે ધનદોલત, એશઆરામમાં પડી જઈએ. નોકરી-ધંધામાં ડૂબી જઈએ. પછી ધીમે ધીમે આપણી આશાનું તેજ ઘટતું જશે. એટલે સુધી કે સચ્ચાઈ માટે અડગ રહેવાની આપણી હિંમત તૂટી જશે. એ રીતે આપણા ‘વિશ્વાસનું વહાણ ભાંગી’ જઈ શકે. (૧ તીમોથી ૧:૧૯) એના બદલે આપણી આશા એવી તેજ રાખીએ કે એ આપણી શ્રદ્ધાને અડગ બનાવે.

આશાથી આપણી શ્રદ્ધા વધતી રહે છે

૭. આપણી શ્રદ્ધાને માટે આશા કેમ બહુ જ જરૂરી છે?

બાઇબલ જણાવે છે કે “વિશ્વાસ તો જે વસ્તુઓની આશા આપણે રાખીએ છીએ તેની ખાતરી છે, અને અદૃશ્ય વસ્તુઓની સાબિતી છે.” (હેબ્રી ૧૧:૧) એટલે વિશ્વાસ કે શ્રદ્ધા સાથે આશા આમને આમ જ મૂકવામાં આવી નથી. શ્રદ્ધા માટે આશા તો ખૂબ જ જરૂરી છે. ઈબ્રાહીમનો દાખલો લો. યહોવાહે ઈબ્રાહીમ અને સારાહને વચન આપ્યું કે તેઓને બાળક થશે. પણ તેઓ બંને માબાપ બનવાની ઉંમર વટાવી ચૂક્યા હતા. (ઉત્પત્તિ ૧૭:૧૫-૧૭) ઈબ્રાહીમે શું કર્યું? “ઇબ્રાહિમને ત્યાં બાળકો થાય એવી કોઈ આશા ન હતી. પરંતુ ઇબ્રાહિમને દેવમાં વિશ્વાસ હતો, અને આશા સેવવાનું તેણે ચાલુ રાખ્યું. તેથી જ તો ઘણી પ્રજાઓનો તે પૂર્વજ થયો.” (રોમનો ૪:૧૮, ERV) ઈબ્રાહીમને યહોવાહે આપેલી આશામાં પૂરી શ્રદ્ધા હતી કે પોતાને ત્યાં બાળક થશે જ. એ શ્રદ્ધાને લીધે ઈબ્રાહીમની આશા સૂરજનાં કિરણોની જેમ ચમકી ઊઠી. એ આશાને જોરે જ તો ઈબ્રાહીમ અને સારાહે પોતાનું સરસ મઝાનું ઘર છોડ્યું. આખી જિંદગી તંબૂમાં કાઢી. સગાં-વહાલાંને છોડ્યા ને પરદેશમાં રહ્યા!

૮. આપણે ધીરજથી સહન કરીશું તો કઈ રીતે આપણી આશા હજુ અડગ બનશે?

ઈબ્રાહીમે ગમે એવા સંજોગોમાં પણ યહોવાહની આજ્ઞા પાળી. આ રીતે તેમણે પોતાની આશા ઝળહળતી રાખી. (ઉત્પત્તિ ૨૨:૨, ૧૨) આપણે પણ દરેક સંજોગોમાં યહોવાહની આજ્ઞા પાળીએ. ધીરજ રાખીએ. પછી ચોક્કસ આપણી આશા પણ પૂરી થશે. ઈશ્વરભક્ત પાઊલે લખ્યું: “ધીરજ અનુભવને, અને અનુભવ આશાને ઉત્પન્‍ન કરે છે; અને આશા શરમાવતી નથી.” (રૂમી ૫:૪, ૫) પાઊલે આમ પણ લખ્યું: ‘અમે અંતઃકરણથી ઇચ્છા રાખીએ છીએ કે તમારામાંનો દરેક તમારી આશા પૂરી થવાને માટે, એવો જ ઉત્સાહ અંત સુધી દેખાડે.’ (હેબ્રી ૬:૧૧) યહોવાહ સાથે પાકો નાતો બાંધીને, આપણે એવું જ વલણ રાખીએ. પછી આપણે ગમે એવી તકલીફો હિંમતથી, ખુશીથી સહન કરી લઈશું.

“આશામાં આનંદ કરો”

૯. ‘આશામાં આનંદ કરવા’ આપણને શાનાથી મદદ મળી શકે?

યહોવાહે આપેલી આશા બેમિસાલ છે. દુનિયાની કોઈ ચીજ એની બરાબરી કરી શકે નહિ. ગીતશાસ્ત્ર ૩૭:૩૪ જણાવે છે કે યહોવાહમાં આશા રાખીને, ‘તેની વાટ જો, તેને માર્ગે ચાલ, અને દેશનો વારસો પામવાને તે તને મોટો કરશે; દુષ્ટોનો નાશ થશે તે તું જોશે.’ એટલે જ આપણે ‘આશામાં આનંદ કરવો’ જોઈએ. (રૂમી ૧૨:૧૨) આપણે આશાને પોતાના મનમાંથી પલવાર પણ દૂર થવા ન દઈએ. શું આપણે એના પર વારંવાર વિચાર કરીએ છીએ? શું આપણે પોતાને યહોવાહની આવનાર સુંદર દુનિયામાં જોઈએ છીએ? એવી દુનિયા જ્યાં કોઈ ચિંતા ન હોય. બધાની તબિયત સારી હોય. લોકો હળી-મળીને રહેતા હોય. જે કામ કરે એમાં પૂરો સંતોષ હોય. આપણાં પુસ્તકોમાં આવનાર નવી દુનિયાનાં ચિત્રો હોય છે. શું તમે એનો વિચાર કરો છો? એ બહુ જ જરૂરી છે. માનો કે તમારા ઘરમાં કાચની બારી છે. પણ જો એના પરની ધૂળ સાફ કરવામાં ન આવે, તો બહાર ચોખ્ખું દેખાશે નહિ. એ જ રીતે, આપણી આશા ઝાંખી પડી જાય તો, આપણું ધ્યાન આમ-તેમ ભટકી જઈ શકે. ચાલો આપણે એવું કદીયે થવા ન દઈએ!

૧૦. આપણે શા માટે યહોવાહ પાસેથી આશીર્વાદોની આશા રાખીએ છીએ?

૧૦ ખરું કે આપણે યહોવાહને દિલોજાનથી ચાહીએ છીએ, એટલે તેમને ભજીએ છીએ. (માર્ક ૧૨:૩૦) પણ યહોવાહના આશીર્વાદોની રાહ જોઈએ, એમાં કંઈ ખોટું નથી. યહોવાહ પોતે પણ ચાહે છે કે આપણે એ આશીર્વાદોની આશા રાખીએ. હિબ્રૂઓ ૧૧:૬ કહે છે કે ‘વિશ્વાસ કે શ્રદ્ધા વગર ઈશ્વરને પ્રસન્‍ન કરવો શક્ય નથી, કારણ, જે કોઈ ઈશ્વરની નિકટ જવા ઇચ્છતો હોય તેણે એવી શ્રદ્ધા રાખવી જ જોઈએ કે, ઈશ્વર છે અને તેની ખોજ કરનારને તે બદલો આપે છે.’ (સંપૂર્ણ) યહોવાહ પાસેથી શા માટે આપણે આશીર્વાદની આશા રાખીએ છીએ? એ માટે કે આપણે તેમને જાણીએ છીએ. તે ઉદાર છે, પોતાના ભક્તોને ખૂબ ચાહે છે. જો તેમણે આપણને ‘ભવિષ્યમાં આશા આપી’ ન હોત, તો આપણી હાલત કેવી હોત!—યિર્મેયાહ ૨૯:૧૧.

૧૧. યહોવાહે આપેલી આશાથી મુસાને ખરા નિર્ણયો લેવા કેવી રીતે મદદ મળી?

૧૧ પોતાની આશાને દિલોજાનથી વળગી રહ્યા હોય, એવો સરસ દાખલો મુસાનો છે. “ફારૂનની દીકરીના પુત્ર” તરીકે, મુસા પાસે ઇજિપ્તમાં સત્તા, અધિકાર અને ધનદોલત હતા. શું એની લાલચમાં તે પડ્યા કે પછી યહોવાહને જ વળગી રહ્યા? મુસાએ હિંમતથી યહોવાહની ભક્તિ પસંદ કરી, “કેમ કે ઈશ્વર તરફથી ભવિષ્યમાં તેને જે મહાન બદલો મળવાનો હતો તે તરફ તેણે લક્ષ રાખ્યું.” (હિબ્રૂ ૧૧:૨૪-૨૬, IBSI) યહોવાહે આપેલી આશા મુસાને જીવની જેમ વહાલી હતી.

૧૨. આપણી આશા કેમ હેલ્મેટ જેવી છે?

૧૨ ઈશ્વરભક્ત પાઊલે આશાને ‘ટોપ’ કે હેલ્મેટ સાથે સરખાવી. આશા આપણા મનનું, વિચારશક્તિનું રક્ષણ કરે છે. એના લીધે આપણે જીવનમાં ખરા નિર્ણયો લઈ શકીએ છીએ. ઈશ્વર ભક્તિને પહેલા રાખીને, આપણી શ્રદ્ધા અડગ રાખી શકીએ છીએ. (૧ થેસ્સાલોનીકી ૫:૮) શું તમે તમારી ‘હેલ્મેટ’ કાયમ પહેરો છો? જો હા, તો મુસા અને પાઊલની જેમ તમે ‘ચંચળ લક્ષ્મી ઉપર નહિ પણ આપણા સુખ માટે સર્વ કાંઈ મોકળે હાથે પૂરું પાડનાર ઈશ્વર ઉપર આધાર રાખો.’ ખરું કે બધાને જે ગમતું હોય, એની ના પાડવા હિંમત જોઈએ. મનગમતી સ્વાર્થી ઇચ્છાઓથી મોં ફેરવી લેવા હિંમત જોઈએ. પણ એમ કરશો તો, તમે કદીયે પસ્તાશો નહિ! યહોવાહને ચાહનારા, તેમનામાં જ આશા રાખનારાને, તે એવું જીવન ઑફર કરે છે, જે “સાચેસાચ જીવન” છે. તો પછી આ ટૂંકા જીવનથી જ કેમ સંતોષ માની લઈએ?—૧ તિમોથી ૬:૧૭, ૧૯, સંપૂર્ણ.

“હું તને કદી તજી દઈશ નહિ”

૧૩. યહોવાહ પોતાના ભક્તોને કયું વચન આપે છે?

૧૩ જે લોકો આ દુનિયા પર ભરોસો મૂકે છે તેઓએ બે વાર વિચાર કરવો જોઈએ. દુનિયામાં દિવસે દિવસે ‘દુઃખો’ વધતા જાય છે, લોકોની તકલીફો પણ વધતી જશે. (માત્થી ૨૪:૮) પણ યહોવાહમાં આશા રાખનારને એવો કોઈ ડર નથી. તેઓ “સહીસલામત રહેશે, અને નુકસાન થવાના ભય વગર શાંતિમાં રહેશે.” (નીતિવચનો ૧:૩૩) આ દુનિયાની કોઈ પણ ચીજ-વસ્તુઓમાં તેઓ આશા રાખતા નથી. એટલે તેઓ આ સલાહ ખુશીથી માને છે: “દ્રવ્યલોભથી દૂર રહો: જેટલું હોય તેટલામાં સંતોષ માનો. કેમ કે ઈશ્વરે કહ્યું છે, ‘હું તને કદી તજી દઈશ નહિ.’”—હિબ્રૂ ૧૩:૫, IBSI.

૧૪. જીવન માટે જરૂરી ચીજો વિષે આપણે કેમ વધારે પડતી ચિંતા કરવી ન જોઈએ?

૧૪ એ યહોવાહનું વચન છે. તે ચોક્કસ આપણી સંભાળ રાખશે, એમાં કોઈ જ શંકા નથી. ઈસુએ પણ યહોવાહના પ્રેમની ખાતરી આપતા કહ્યું: “તમે પહેલાં તેના રાજ્યને તથા તેના ન્યાયીપણાને શોધો, એટલે એ બધાં વાનાં [રોટી, કપડાં, મકાન] પણ તમને અપાશે. તે માટે આવતી કાલને સારૂં ચિંતા ન કરો, કેમ કે આવતી કાલ પોતાની વાતોની ચિંતા કરશે.” (માત્થી ૬:૩૩, ૩૪) યહોવાહના રાજ્ય માટે હોંશથી કામ કરીએ અને જીવન જરૂરી ચીજો પણ પૂરી પાડીએ, એ બંને કરવા સહેલું નથી, એ યહોવાહ જાણે છે. એટલે જ યહોવાહ આપણી સંભાળ રાખવા માગે છે. તો કેમ નહિ કે તેમની શક્તિ, તેમની આવડતમાં આપણે પૂરો ભરોસો મૂકીએ!—માત્થી ૬:૨૫-૩૨; ૧૧:૨૮-૩૦.

૧૫. આપણે કઈ રીતે આપણી “આંખ નિર્મળ” રાખી શકીએ?

૧૫ યહોવાહ પર પૂરા દિલથી ભરોસો રાખવા આપણી “આંખ નિર્મળ” રાખીએ, એટલે કે તેમની ભક્તિમાં તલ્લીન રહીએ. (માત્થી ૬:૨૨, ૨૩) પછી આપણું મન અને દિલ સાફ હશે. કોઈ લોભ કે સ્વાર્થ નહિ હોય. એનો અર્થ એવો પણ નથી કે આપણે ગરીબડા બની જઈએ. આપણા માટે જરૂરી ચીજ-વસ્તુઓ પૂરી પાડવાની જવાબદારી પણ ન ઉપાડીએ. ના, એવું નહિ. પણ જીવનમાં યહોવાહને પહેલા રાખીને, ‘બુદ્ધિથી’ સમજી-વિચારીને નિર્ણયો લઈએ.—૨ તીમોથી ૧:૭.

૧૬. જીવનમાં યહોવાહને જ પહેલા રાખવા કેમ શ્રદ્ધા અને હિંમતની જરૂર છે?

૧૬ જોકે, એમ કરવા માટે શ્રદ્ધા અને હિંમત જોઈએ. માનો કે આપણી મિટિંગ હોય એવા સમયે જ અમુક કામ પૂરું કરવા બૉસ દબાણ કરે. એ વારંવાર એમ કરે. તમે શું કરશો? શું તમે હિંમતથી યહોવાહની ભક્તિનો સમય સાચવશો? આપણને જો શંકા હોય કે ‘યહોવાહ મારી સંભાળ નહિ રાખે તો શું થશે?’ તો પછી બસ શેતાન થોડું વધારે દબાણ લાવે કે આપણે મિટિંગમાં જવાનું જ બંધ કરી દઈશું. આપણું મન જરા પણ ડગમગે તો, શેતાન આપણને તેના ઇશારે નચાવવા તૈયાર જ બેઠો છે. તે ધમપછાડા કરી રહ્યો છે કે આપણે યહોવાહની નહિ, પણ તેની વાત માનીએ. જો તેની ચાલમાં ફસાયા, તો બસ અફસોસ જ અફસોસ!—૨ કોરીંથી ૧૩:૫.

યહોવાહમાં આશા રાખો

૧૭. યહોવાહમાં ભરોસો રાખનારાને હમણાં પણ કેવા આશીર્વાદ મળે છે?

૧૭ શાસ્ત્ર જણાવે છે કે જેઓને યહોવાહ પર શ્રદ્ધા છે, તેઓને કદીયે પસ્તાવું પડતું નથી. (નીતિવચનો ૩:૫, ૬; યિર્મેયાહ ૧૭:૭) ખરું કે આપણે હમણાં થોડી જ ચીજ-વસ્તુઓથી સંતોષ માની લેવો પડે. પણ યહોવાહના કેટલા બધા આશીર્વાદો આપણને મળે છે, એનો તો વિચાર કરો. એટલે ચાલો આપણે યહોવાહમાં આશા રાખીને તેમની રાહ જોઈએ. આપણને પૂરો ભરોસો છે કે તે ચોક્કસ પોતાના ભક્તોના દિલની તમન્‍ના પૂરી કરશે. (ગીતશાસ્ત્ર ૩૭:૪, ૩૪) આ રીતે આપણે હમણાં પણ ખુશીથી, સંતોષથી જીવી શકીએ. “સદાચારીઓની આશાનું પરિણામ આનંદ છે; પણ દુષ્ટોની અપેક્ષા [આશા] નિષ્ફળ જશે.”—નીતિવચનો ૧૦:૨૮.

૧૮, ૧૯. (ક) યહોવાહ આપણને કેવી ગૅરંટી આપે છે? (ખ) કઈ રીતે યહોવાહને આપણા “જમણે હાથે” રાખી શકીએ?

૧૮ નાનકડું બાળક પપ્પાનો હાથ પકડીને ચાલે ત્યારે, તેને કશાની ચિંતા હોતી નથી. આપણે પણ યહોવાહનો હાથ પકડીને જીવનની રાહ પર ચાલીએ ત્યારે, કશાની ચિંતા કરવાની જરૂર નથી. યહોવાહે ઈસ્રાએલી પ્રજાને કહ્યું કે ‘તું બીશ મા, કેમ કે હું તારી સાથે છું; વળી મેં તને સહાય કરી છે; કેમ કે હું યહોવાહ તારો ઈશ્વર તારા જમણા હાથને પકડી રાખીને તને કહું છું, કે તું બીશ મા; હું તને સહાય કરીશ.’—યશાયાહ ૪૧:૧૦, ૧૩.

૧૯ યહોવાહનો હાથ પકડીને ચાલવું, એ કેટલો મોટો આશીર્વાદ કહેવાય! ઈશ્વરભક્ત દાઊદે લખ્યું કે ‘મેં મારી સામે યહોવાહને નિત્ય રાખ્યો છે; તે મારે જમણે હાથે છે, તેથી મને ખસેડનાર કોઈ નથી.’ (ગીતશાસ્ત્ર ૧૬:૮) યહોવાહને કઈ રીતે આપણા “જમણે હાથે” રાખી શકીએ? બે રીતે. એક તો આપણે બાઇબલની સલાહ પ્રમાણે જ જીવીએ. બીજું કે યહોવાહ જે મોટો આશીર્વાદ આપવાના છે, એના પરથી આપણી નજર ખસવા ન દઈએ. એક કવિએ આમ લખ્યું: “હું નિત્ય તારી પાસે રહું છું; તેં મારો જમણો હાથ ઝાલ્યો છે. તું તારા બોધથી મને માર્ગ બતાવશે, અને પછી તારા મહિમામાં મારો સ્વીકાર કરશે.” (ગીતશાસ્ત્ર ૭૩:૨૩, ૨૪) આપણને આટલી બધી ખાતરી હોય તો પછી જીવનમાં ડર શાનો?

“તમારો ઉદ્ધાર પાસે આવ્યો છે”

૨૦, ૨૧. યહોવાહમાં આશા રાખનારાને કેવા આશીર્વાદો મળશે?

૨૦ દરરોજ એ વધારે જરૂરી બનતું જાય છે કે યહોવાહને આપણા જમણે હાથે રાખીએ. જલદી જ માણસોએ બનાવેલા બધા જ જૂઠા ધર્મોનો નાશ થશે. ત્યારથી શેતાનની દુનિયાને માથે એવી આફત આવી પડશે, એના જેવી આજ સુધી આવી નથી. (માત્થી ૨૪:૨૧) યહોવાહમાં નહિ માનનારા ડરના માર્યા થર-થર કાંપશે. એવા સમયે પણ, યહોવાહમાં આશા રાખીને તેમના ભક્તો આનંદ કરશે! ઈસુએ કહ્યું હતું કે “આ વાતો થવા લાગે ત્યારે તમે નજર ઉઠાવીને તમારાં માથાં ઊંચાં કરો; કેમ કે તમારો ઉદ્ધાર પાસે આવ્યો છે.”—લુક ૨૧:૨૮.

૨૧ ચાલો આપણે શેતાનની ચાલાકીઓમાં ફસાઈ ન જઈએ. છેતરાઈ ન જઈએ. યહોવાહે આપેલી આશામાં આનંદ કરીએ. યહોવાહમાં દિલથી શ્રદ્ધા રાખીએ. પ્રેમ રાખીએ. કોઈ પણ રીતે તેમને દુઃખી ન કરીએ. આમ કરીશું તો ગમે એવા સંજોગો આવે, આપણે હિંમતથી યહોવાહને જ વળગી રહીશું. શેતાનને ઘસીને ના પાડી દઈશું. (યાકૂબ ૪:૭, ૮) “હે યહોવાહની આશા રાખનારા, તમે સર્વ બળવાન થાઓ, અને તમારાં હૃદય હિમ્મત પકડો.”—ગીતશાસ્ત્ર ૩૧:૨૪. (w 06 10/1)

[ફુટનોટ]

^ ગ્રીક શાસ્ત્રવચનોમાં “આશા” શબ્દ મોટે ભાગે સ્વર્ગમાંના જીવનની આશાને લાગુ પડે છે. પણ આ લેખમાં બધી રીતની આશા વિષે વાત થઈ છે.

આપણે શું શીખ્યા?

• આશા રાખવાથી ઈસુને કઈ રીતે હિંમત મળી?

• આશા અને શ્રદ્ધા કે વિશ્વાસ કઈ રીતે એકબીજાની સાથે જોડાયેલા છે?

• આશા અને શ્રદ્ધા કઈ રીતે આપણને જીવનમાં ખરા નિર્ણયો લેવા મદદ કરી શકે?

• યહોવાહમાં આશા રાખનારા કઈ રીતે હિંમતથી આવતી કાલની રાહ જુએ છે?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૨૯ પર ચિત્ર]

શું તમે પોતાને યહોવાહની નવી દુનિયામાં જુઓ છો?