સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

એક્સ્પર્ટની સલાહ આજે ઉપયોગી, કાલે નકામી

એક્સ્પર્ટની સલાહ આજે ઉપયોગી, કાલે નકામી

એક્સ્પર્ટની સલાહ આજે ઉપયોગી, કાલે નકામી

જો તમે ઇંટરનેટ પર અંગ્રેજીમાં ‘પેરેન્ટીંગ’ (બાળઉછેર) અને ‘ઍડવાઇઝ’ (સલાહ) ટાઇપ કરશો, તો પળવારમાં તમને ૨ કરોડ ૬૦ લાખ કરતાં વધારે સંદર્ભ મળશે. હવે ધારો કે બાળક જન્મે ત્યારથી જ તમે દરેક સંદર્ભને તપાસવા માટે એક મિનિટ ફાળવો છો. તમે દિન-રાત એ જ કરતા રહો છો. એ ૨ કરોડ ૬૦ લાખ સંદર્ભો વાંચતા તમને કેટલો સમય લાગશે? બાળક મોટું થઈને પોતાનું ઘર વસાવે ત્યાં સુધી તમે હજી માહિતી વાંચતા જ રહેશો!

આજે બાળકો માટે ગણ્યા ગણાય નહિ એટલા ડૉક્ટરો, સાઇકોલૉજિસ્ટ છે. ઇંટરનેટ પણ બાળઉછેરને લગતી પુષ્કળ સલાહ આપે છે. પણ પહેલાના સમયમાં માબાપ સલાહ માટે ક્યાં જતાં? કુટુંબના બીજા સભ્યો પાસે. તેઓ માતા, પિતા, માસી, મામા, કાકી, કાકા વગેરે પાસેથી માર્ગદર્શન મેળવતાં. કુટુંબના આ સભ્યો જરૂર પડ્યે પૈસેટકે મદદ કરતા. રોજ અમુક કલાક બાળકોનું ધ્યાન પણ રાખતા. જોકે ઘણા દેશોમાં હવે, લાખો લોકો ગામડાં છોડીને શહેરોમાં રહેવા ગયા છે. પરિણામે તેઓ કુટુંબોથી દૂર થઈ ગયા છે ને પહેલાના જેવો સંબંધ રહ્યો નથી. અફસોસ, આજે મોટા ભાગનાં માબાપ એકલા હાથે બાળકોને મોટાં કરે છે. તેઓને કોઈનો સથવારો નથી.

તેથી દુનિયાભરમાં બાળ-ઉછેર વિષે સલાહ-સૂચનો આપવાનો ધંધો ખૂબ ઝડપથી ફૂલ્યો-ફાલ્યો છે. ઘણા લોકોને વિજ્ઞાનમાં ભરોસો હોવાને લીધે પણ આ ધંધો ખૂબ વિકસ્યો છે. જેમ કે, ૧૮૮૦ પછીનાં વર્ષોમાં અમેરિકનો માનવા લાગ્યા કે વૈજ્ઞાનિકો જીવનની મોટા ભાગની તકલીફો સુધારી શકે છે તો, બાળ-ઉછેરને લગતી તકલીફો પણ સુધારી શકશે. એટલે જ્યારે ૧૮૯૯માં અમેરિકન નેશનલ કૉંગ્રેસ ઑફ મધર્સ નામની સંસ્થાએ જાહેરમાં કહ્યું કે “આજનાં માબાપો નકામા છે,” ત્યારે અનેક “વૈજ્ઞાનિક” ઍક્સ્પર્ટે વચન આપ્યું કે તેઓ માબાપનો બોજો હલકો કરવા મદદ કરશે. તેઓને સારું માર્ગદર્શન આપશે.

સારાં માબાપ બનવાની સલાહ, પુસ્તકોમાંથી

તો પછી, આ ઍક્સ્પર્ટોએ માબાપ માટે શું કર્યું છે? શું તેઓની ચિંતા ઓછી કરી છે? શું તેઓ પહેલાનાં સમયનાં માબાપ કરતાં બાળકોને વધારે સારી રીતે ઉછેરી શકે છે? બ્રિટનના હાલના સર્વે મુજબ એનો જવાબ ‘ના’ છે. આ સર્વે મુજબ તરુણોના ૩૫ ટકા માબાપ હજુ ભરોસાપાત્ર માર્ગદર્શન શોધી રહ્યા છે. જ્યારે બીજાઓને લાગે છે કે તેઓને જે ઠીક લાગે એ જ કરવું જોઈએ.

એન હલબર્ટે એક (રેઈઝિંગ અમેરિકા: ઍક્સ્પર્ટ્‌સ, પેરેન્ટ્‌સ, ઍન્ડ એ સેન્ચૂરી ઑફ ઍડ્‌વાઇસ અબાઉટ ચિલ્ડ્રન) પુસ્તક લખ્યું છે. એમાં તેમણે બાળ-ઉછેર પર આધારિત ધંધાકીય સાહિત્યના ઇતિહાસ વિષે જણાવ્યું છે. એન હલબર્ટ પોતે બે બાળકોની માતા છે. તે જણાવે છે કે સાવ થોડાક જ ઍક્સ્પર્ટની સલાહ વિજ્ઞાનની નજરે ખરી હતી. તે કહે છે કે મોટા ભાગની સલાહ કોઈ પુરાવા પર નહિ, પણ વ્યક્તિને ઠીક લાગે એમ આપવામાં આવી હતી. એ સલાહ જાણે દુનિયાની બદલાતી ફૅશન જેવી હતી. ઘણી વખત એ બીજા કોઈ ઍક્સ્પર્ટ વિરુદ્ધ, તો અમુક કિસ્સામાં તેઓની સલાહ વિચિત્ર હતી.

આજે એટલા બધા ઍક્સ્પર્ટ છે કે તેઓની સલાહનો અંત નથી. એકબીજા વચ્ચેનો વાદવિવાદ પણ કદી ખૂટતો નથી. આ જોઈને ઘણાં માબાપ સાવ મૂંઝાઈ ગયાં છે. તેઓને ખબર નથી કે શું કરવું. પણ એવાં ઘણાં માબાપ છે જેઓએ એક ખૂબ જૂના પુસ્તકમાંથી ખૂબ ઉપયોગી સલાહ મેળવી છે. એમાંથી તેઓને ઘણો લાભ થયો છે. એ કયું પુસ્તક છે? એ કેવી સલાહ આપે છે? હવે પછીનો લેખ એ જણાવશે. (w 06 11/1)