સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

તમારા જીવનથી બતાવો કે તમને ઈશ્વરમાં પૂરો વિશ્વાસ છે

તમારા જીવનથી બતાવો કે તમને ઈશ્વરમાં પૂરો વિશ્વાસ છે

તમારા જીવનથી બતાવો કે તમને ઈશ્વરમાં પૂરો વિશ્વાસ છે

‘વિશ્વાસ, જો તેની સાથે કરણીઓ ન હોય, તો તે એકલો હોવાથી નિર્જીવ છે.’—યાકૂબ ૨:૧૭.

૧. પહેલી સદીના ખ્રિસ્તીઓએ વિશ્વાસ સાથે કાર્યો પર પણ શા માટે ધ્યાન આપ્યું?

 પહેલી સદીના ખ્રિસ્તીઓ પોતે જે રીતે જીવ્યા એનાથી બતાવી આપ્યું કે તેમને ઈશ્વરમાં પૂરો વિશ્વાસ હતો. શિષ્ય યાકૂબે સર્વ ખ્રિસ્તીઓને અરજ કરી: ‘તમે વચનના પાળનારા થાઓ, કેવળ સાંભળનારા જ નહિ.’ પછી તેમણે કહ્યું: “જેમ શરીર આત્મા વગર નિર્જીવ છે, તેમ જ વિશ્વાસ પણ કરણીઓ વગર નિર્જીવ છે.” (યાકૂબ ૧:૨૨; ૨:૨૬) તેમણે લખ્યું એના ૩૫ વર્ષ પછી પણ ઘણા ભાઈ-બહેનોએ પોતાના કાર્યોથી વિશ્વાસની સાબિતી આપી. એ માટે ઈસુએ સ્મર્ના મંડળના વખાણ કર્યા. પણ અમુક ભાઈ-બહેનો વિશ્વાસમાં ઠંડા પડી ગયા. એટલે ઈસુએ સાર્દિસ મંડળના ઘણાને લખ્યું: “તારાં કામ હું જાણું છું કે તું નામનો જીવે છે, પણ તું મૂએલો છે.”—પ્રકટીકરણ ૨:૮-૧૧; ૩:૧.

૨. ભાઈ-બહેનોએ પોતાને કેવા સવાલ પૂછવાની જરૂર છે?

ઈસુએ સાર્દિસના ભાઈ-બહેનોને ઉત્તેજન આપ્યું કે પરમેશ્વર સાથે સારો સંબંધ જાળવી રાખે. એ બહુ જરૂરી છે. તે શબ્દો આજે પણ આપણને એવું જ ઉત્તેજન આપે છે. (પ્રકટીકરણ ૩:૨, ૩) આપણે સર્વએ આ સવાલો પર વિચાર કરવો જોઈએ: ‘મારાં કાર્યો વિષે શું? શું હું મારાં કાર્યોથી બતાવું છું કે મને પરમેશ્વરમાં પૂરો વિશ્વાસ છે? શું હું ફક્ત નિયમિત પ્રચાર અને મિટિંગમાં જઈને નહિ, પણ સર્વ કાર્યોમાં બતાવું છું કે મને યહોવાહમાં પૂરી શ્રદ્ધા છે?’ (લુક ૧૬:૧૦) જીવનના ઘણાં પાસાઓમાં આપણે બતાવી શકીએ કે આપણને ઈશ્વરમાં પૂરો વિશ્વાસ છે. પણ આ લેખમાં આપણે નાની-મોટી પાર્ટી વિષે જોઈશું, એમાં લગ્‍ન પછીના રિસેપ્શનનો પણ સમાવેશ થાય છે.

અમુક લોકોને બોલાવી નાની પાર્ટી કરીએ ત્યારે

૩. ભેગા મળવા વિષે બાઇબલ શું કહે છે?

મંડળના ભાઈ-બહેનો નાની પાર્ટી રાખે ત્યારે, ભેગા મળવાથી આપણને બધાને ખુશી થાય છે. યહોવાહ પરમેશ્વર આનંદી છે. તે ચાહે છે કે આપણે સર્વ આનંદ કરીએ. તેમણે બાઇબલમાં સુલેમાન રાજાને આમ લખવા પ્રેર્યા: ‘મેં મોજમઝામાં મારો સમય ગાળવાનું નક્કી કર્યું, કારણ કે મને લાગ્યું કે આ પૃથ્વી પર માણસ માટે ખાવું, પીવું અને આનંદ કરવો તેનાથી વધારે સારું કશું નથી. જીવનમાં સખત મહેનતના બદલામાં આટલું તો મળવું જોઈએ.’ (ઉપદેશક [સભાશિક્ષક] ૩:૧, ૪, ૧૩; ૮:૧૫, IBSI) આવી મોજમઝા માણવામાં શું આવી શકે? કુટુંબ સાથે ભેગા મળીને ભોજન લેવું, અથવા મંડળના ભાઈ-બહેનો સાથે ભેગા મળીને નાની પાર્ટી કરવી.—અયૂબ ૧:૪, ૫, ૧૮; લુક ૧૦:૩૮-૪૨; ૧૪:૧૨-૧૪.

૪. નાની પાર્ટી યોજનારે શું ધ્યાનમાં રાખવાની જરૂર છે?

આપણે આવી પાર્ટી રાખીએ તો એની બધી જવાબદારી આપણી છે. તેથી શું કરીશું એની યોજના પહેલેથી કરવી જોઈએ. પછી ભલેને ફક્ત થોડાક જ ભાઈ-બહેનોને જમવા માટે કે વાતચીત કરવા બોલાવતા હોય. (રૂમી ૧૨:૧૩) “બધું શોભતી રીતે” થાય એનું ધ્યાન રાખવું જોઈએ. એમ કઈ રીતે કરી શકીએ? ‘સ્વર્ગમાંથી આવતા જ્ઞાનને’ આધારે કરવું જોઈએ. (૧ કોરીંથી ૧૪:૪૦; યાકોબ ૩:૧૭, IBSI) પ્રેરિત પાઊલે લખ્યું: ‘તમે ખાઓ, કે પીઓ, કે જે કંઈ કરો તે સર્વ દેવના મહિમાને અર્થે કરો. દેવની મંડળીને ઠોકર ખાવાના કારણરૂપ ન થાઓ.’ (૧ કોરીંથી ૧૦:૩૧, ૩૨) કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ? શા માટે એનો પહેલેથી વિચાર કરવો જોઈએ? એમ કરીશું તો આપણે અને આપણા મહેમાનો જે કંઈ કરીશું એનાથી બતાવી આપીશું કે આપણને ઈશ્વરમાં પૂરી શ્રદ્ધા છે.—રૂમી ૧૨:૨.

ભેગા મળીએ ત્યારે શું કરી શકીએ?

૫. શરાબ અને સંગીત વિષે શું ધ્યાનમાં રાખવું જોઈએ?

ઘણા નિર્ણય લેતા મૂંઝાઈ જાય છે કે ભાઈ-બહેનો ભેગા મળીએ ત્યારે શરાબ પીરસવો જોઈએ કે નહિ. ભેગા મળીએ ત્યારે મઝા આવે માટે શરાબ આપવો જરૂરી નથી. તમને યાદ હશે કે ઘણા લોકો ઈસુને મળવા આવ્યા ત્યારે તેમણે શું કર્યું. તેમણે રોટલી અને માછલી પર આશીર્વાદ માંગીને ચમત્કારથી હજારો લોકોને ભરપેટ ખવડાવ્યું. ઈસુ ચમત્કારથી શરાબ બનાવી શકતા હતા. પણ એકેય અહેવાલ જણાવતો નથી કે તેમણે લોકોને શરાબ પીરસ્યો હોય. (માત્થી ૧૪:૧૪-૨૧) તમે નાની પાર્ટીમાં શરાબ આપવાનું વિચારતા હો તો, કેટલો આપવો એ ધ્યાનમાં રાખો. વધારે પડતો આપશો નહિ. તેમ જ, કોઈ શરાબ ન પીતું હોય તો તેઓ માટે બીજું કંઈ હોય એ પણ ધ્યાનમાં રાખો. (૧ તીમોથી ૩:૨, ૩, ૮; ૫:૨૩; ૧ પીતર ૪:૩) કોઈ શરાબ પીતું ન હોય તો, તેઓને પીવા માટે બળજબરી ન કરો, કેમ કે તેઓને એ ‘સર્પની જેમ કરડી’ શકે. (નીતિવચનો ૨૩:૨૯-૩૨) હવે સંગીત અને ગીત ગાવા વિષે શું? તમારી પાર્ટીમાં સંગીત હોય તો, કેવાં ગીત વગાડવાં એની પસંદગી કરો. એ પણ જુઓ કે ગીતના શબ્દો અને લય કેવા છે. (કોલોસી ૩:૮; યાકૂબ ૧:૨૧) ઘણા ભાઈ-બહેનોએ અનુભવ્યું છે કે કિંગડ્‌મ મેલડિશ અથવા આપણી સોંગબુકમાંથી સાથે ગીતો ગાવાથી માહોલ સારો બને છે. (એફેસી ૫:૧૯, ૨૦) એટલું જ નહિ, તમે સંગીત વગાડો તો ધ્યાન રાખો કે એના અવાજથી બીજા ભાઈ-બહેનોની વાતચીતમાં ખલેલ ન પડે. કે પછી પાડોશીઓ એ અવાજથી હેરાન ન થાય.—માત્થી ૭:૧૨.

૬. પાર્ટીની ગોઠવણ કરનાર વાતચીત અને બીજી બાબતોમાં કઈ રીતે બતાવશે કે તેમને ઈશ્વરમાં પૂરી શ્રદ્ધા છે?

ભાઈ-બહેનો ભેગા મળે ત્યારે તેઓ અલગ અલગ વિષય પર વાત કરી શકે. મોટેથી કોઈ માહિતી વાંચી શકે. અથવા કોઈ સારો અનુભવ બીજાઓને જણાવી શકે. એમ લાગે કે પાર્ટી ઈશ્વરનાં ધોરણોથી બીજે ફંટાઈ રહી છે તો શું? એ વખતે પાર્ટી રાખનારે પ્રેમથી અને કાળજીથી વાતને સીધે માર્ગે વાળી લેવી જોઈએ. એમ પણ ન થવું જોઈએ કે કોઈ એકાદ વ્યક્તિ જ પાર્ટીમાં બોલતી હોય અને બધાનું ધ્યાન ફક્ત તેના પર હોય. જો એવું લાગતું હોય કે બીજાને વાત કરવાનો મોકો જ મળતો નથી, તો પાર્ટી રાખનાર ભાઈએ પણ ધીરેથી વચ્ચે બોલવું જોઈએ. બીજાઓને વાત કરવાનો મોકો મળે એવું કંઈક કહેવું જોઈએ. એ માટે તે યુવાનોને કંઈક કહેવા ઉત્તેજન આપી શકે. અથવા એવી કોઈ વાત કરે જેનાથી બીજા લોકો પણ કંઈક કહેવા પ્રેરાય. આમ કરવાથી યુવાનો અને મોટાઓને પણ ઉત્તેજન મળશે. આમ, તમે પાર્ટી રાખો ત્યારે બધી બાબતોને કુનેહથી કરશો તો, ત્યાં આવનારા જાણશે કે તમે બહુ સમજદાર છો. (ફિલિપી ૪:૫) તેઓ જોઈ શકશે કે તમને ઈશ્વરમાં પૂરી શ્રદ્ધા છે. એની અસર તમારા જીવનની દરેક બાબતોમાં દેખાઈ આવશે.

લગ્‍ન અને રિસેપ્શન

૭. લગ્‍ન અને રિસેપ્શન વિષે શા માટે અગાઉથી યોજના કરવી જોઈએ?

આનંદ માણવાનો એક ખાસ પ્રસંગ લગ્‍ન છે. પહેલાના સમયમાં ઈશ્વરભક્તો, ઈસુ અને તેમના શિષ્યો પણ આવા ખુશીના પ્રસંગે ગયા હતા. એ પ્રસંગમાં મિજબાની પણ આવી જાય છે. (ઉત્પત્તિ ૨૯:૨૧, ૨૨; યોહાન ૨:૧, ૨) તોપણ હાલના સમયમાં જોવા મળ્યું છે કે લગ્‍નના રિસેપ્શનની તૈયારી સમજદારીથી કરવા અગાઉથી વિચારીને ખાસ મહેનત કરવાની જરૂર છે. એમ કરવાથી એમાં પરમેશ્વરનાં ધોરણો જળવાઈ રહેશે. લગ્‍ન અને રિસેપ્શન એ સામાન્ય જીવનનો એક ભાગ છે. આપણે આવી કોઈ ગોઠવણ કરીએ ત્યારે બતાવીએ છીએ કે આપણને ઈશ્વરમાં પૂરી શ્રદ્ધા છે.

૮, ૯. ૧ યોહાન ૨:૧૬, ૧૭ પ્રમાણે ઘણાં લગ્‍નોમાં જે જોવા મળે છે એ શું બતાવે છે?

બાઇબલમાં માનતા નથી તેઓને એનાં ધોરણોની કંઈ પડી નથી. તેઓને લાગે છે કે લગ્‍ન સમયે મન ફાવે તેમ કરી શકીએ. અઢળક પૈસો ખર્ચી શકીએ છીએ અને જેટલો જોઈતો હોય એટલો શરાબ પી શકીએ. યુરોપના એક મૅગેઝિનમાં નવી નવી દુલ્હને પોતાના ભવ્ય લગ્‍ન વિષે કહ્યું: ‘અમે ચાર ઘોડાવાળા રથમાં સવાર થયા હતા. અમારી પાછળ ઘોડાવાળા બાર રથો હતા. એક રથમાં બેન્ડવાળા સંગીત વગાડતા હતા. એ પછી અમે બહુ જ સ્વાદિષ્ટ ભોજન લીધું અને સંગીત તો એવું જોરદાર હતું કે ન પૂછો વાત. અમે બહુ ધામધૂમથી લગ્‍ન કર્યું હતું. હું ચાહતી હતી એમ, એ દિવસે હું રાણી હતી.’

જોકે દરેક દેશના રીતરિવાજો અલગ અલગ હોઈ શકે. પરંતુ ઉપર સ્ત્રીએ જે કહ્યું એ ખરેખર શું બતાવે છે? એ આપણને પ્રેરિત યોહાનના આ શબ્દોમાં જોવા મળે છે: “જગતમાં જે સર્વ છે, એટલે દૈહિક વાસના તથા આંખોની લાલસા તથા જીવનનો અહંકાર તે પિતાથી નથી, પણ જગતથી છે.” તમને શું લાગે છે? જરા વિચારો, યહોવાહની વર્ષોથી સેવા કરનારા ધામધૂમથી લગ્‍ન કરે છે અને ભવ્ય રિસેપ્શન આપે છે. એનાથી તેઓ શું બતાવે છે? જગતનું વલણ. એના બદલે, ‘ઈશ્વરની ઇચ્છા પૂર્ણ કરે છે તે સદા રહે છે,’ આપણે આ સલાહ મુજબ ચાલીએ તો કેટલું સારું!—૧ યોહાન ૨:૧૬, ૧૭.

૧૦. (ક) લગ્‍નમાં શા માટે અગાઉથી વિચાર કરવાની જરૂર છે? (ખ) કોને બોલાવવા એ વિષે કેવી રીતે નિર્ણય લેવો જોઈએ?

૧૦ યહોવાહના ભક્તોએ આ બાબતે વ્યવહારુ અને સમજદાર બનવાની જરૂર છે. એ માટે બાઇબલમાંથી તેઓને મદદ મળી શકે. લગ્‍ન એક ખાસ પ્રસંગ છે. યહોવાહના ભક્તો જાણે છે કે લગ્‍ન-જીવન તો ફક્ત એક શરૂઆત છે. તેઓની આગળ અનંતજીવનનું ભાવિ રહેલું છે. તેઓએ મોટું જમણવાર આપવાની જરૂર નથી. પણ તેઓ મોટું રિસેપ્શન આપવા ચાહતા હોય તો, તેઓએ એનો ખર્ચ ગણવાની જરૂર છે. તેમ જ, એમાં કેવી બાબતો કરશો એનો વિચાર કરવાની જરૂર છે. (લુક ૧૪:૨૮) તેઓના લગ્‍ન-જીવનમાં બાઇબલ પ્રમાણે પતિ ઘરની જવાબદારી ઉઠાવશે. (૧ કોરીંથી ૧૧:૩; એફેસી ૫:૨૨, ૨૩) તેથી વરરાજાએ વિચારવાની જરૂર છે કે લગ્‍નના રિસેપ્શનમાં શું કરશે. એમાં કેટલા લોકોને અને કોને બોલાવવા એ વિષે તેણે થનાર પત્ની સાથે પણ વાત કરવી જોઈએ. લગ્‍નમાં બધા જ સગાં અને મિત્રોને બોલાવવા શક્ય ન હોઈ શકે. તેથી સમજદારીથી નિર્ણય લેવાની જરૂર છે. પરણનાર યુગલને ભરોસો હોવો જોઈએ કે કોઈ ભાઈ-બહેનોને નહિ બોલાવે તો, તેઓ યુગલના સંજોગોને સમજશે અને ખોટું નહિ લગાડે.—સભાશિક્ષક ૭:૯.

જમણવારની દેખરેખ રાખનાર

૧૧. જમણવારનું ધ્યાન રાખનાર લગ્‍ન વખતે કેવો ભાગ ભજવી શકે?

૧૧ યુગલ ચાહતું હોય કે લગ્‍ન પછી રિસેપ્શન હોય તો, એ પ્રસંગે બધું શોભતી રીતે થાય એની કઈ રીતે ખાતરી રાખી શકે? ઘણાં વર્ષોથી યહોવાહના સાક્ષીઓ જોઈ શક્યા છે કે બાઇબલનું માર્ગદર્શન કેટલું ઉપયોગી છે. જેમ કે, લગ્‍ન વખતે શું કરવું. ઈસુ કાનામાં લગ્‍નમાં ગયા હતા ત્યાં જમણના કોઈ “કારભારી” કે એનું ધ્યાન રાખનાર હતા. કદાચ એ મંડળના કોઈ જવાબદાર ભાઈ હોઈ શકે. (યોહાન ૨:૯, ૧૦) એવી જ રીતે, સમજદાર વરરાજા કોઈ અનુભવી ભાઈને આ જવાબદારી નિભાવવાનું કહી શકે. જવાબદાર ભાઈ વરરાજાની ઇચ્છા જાણ્યા પછી રિસેપ્શન પહેલાં ને પછીની ગોઠવણ કરી શકે.

૧૨. શરાબ આપવાની ગોઠવણ કરવાના હોય તો, વરરાજાએ શું કરવું જોઈએ?

૧૨ પાંચમા ફકરામાં જોઈ ગયા તેમ અમુક યુગલ લગ્‍ન વખતે શરાબ આપવાનું ટાળે છે. જેથી તેઓનો આ ખુશીનો પ્રસંગ સારી રીતે સચવાઈ જાય. (રૂમી ૧૩:૧૩; ૧ કોરીંથી ૫:૧૧) પણ જો કોઈ યુગલ શરાબ આપવા ચાહતું હોય તો, તેઓએ ખાતરી કરવી જોઈએ કે કોઈને વધારે પડતો શરાબ ન આપે. ઈસુ કાનામાં જે લગ્‍નમાં ગયા હતા ત્યાં, દ્રાક્ષદારૂ આપવામાં આવ્યો હતો. આપણે જાણીએ છીએ કે ઈસુએ સૌથી સારો દ્રાક્ષદારૂ બનાવ્યો હતો. તેથી જમણવારના કારભારીએ કહ્યું: “હરેક માણસ પહેલાં સારો દ્રાક્ષારસ મૂકે છે; અને માણસોએ સારીપેઠે પીધા પછી નરસો; પણ તેં અત્યાર સુધી સારો દ્રાક્ષારસ રાખ્યો છે.” (યોહાન ૨:૧૦) ઈસુએ કોઈને છાકટા થવાનું ઉત્તેજન આપ્યું ન હતું. તેમની નજરે એ બહુ ખોટું છે. (લુક ૧૨:૪૫, ૪૬) દ્રાક્ષદારૂની ગુણવત્તા બહુ સારી છે એની કદર કરતા કારભારીએ કહ્યું કે અમુક લગ્‍નોમાં આવેલા મહેમાન બહુ દારૂ પીને છાકટા બનતા હોય છે. (પ્રેરિતોનાં કૃત્યો ૨:૧૫; ૧ થેસ્સાલોનીકી ૫:૭) વરરાજાએ અને જેમને તે જવાબદારી સોંપે તેમણે ધ્યાન રાખવું જોઈએ કે લગ્‍નમાં આવેલા સર્વ આ સલાહ પાળે: “મદ્યપાન કરીને મસ્ત ન થાઓ, એ દુર્વ્યસન છે.”—એફેસી ૫:૧૮; નીતિવચનો ૨૦:૧; હોશીઆ ૪:૧૧.

૧૩. લગ્‍નની મિજબાનીમાં સંગીત રાખવાના હોય તો, યુગલે કઈ બાબતોનો વિચાર કરવો જોઈએ અને શા માટે?

૧૩ બીજી પાર્ટીઓની જેમ લગ્‍નના રિસેપ્શનમાં પણ સંગીત વગાડવાના હોય તો શું ધ્યાનમાં રાખવું જોઈએ? સંગીતનો અવાજ ધીરો રાખો, જેથી આવેલા મહેમાનો એકબીજા સાથે આસાનીથી વાત કરી શકે. મંડળના એક વડીલે કહ્યું: “સાંજ ઢળતી જાય તેમ વાતચીતમાં રંગ આવતો જાય છે. અથવા ડાન્સની શરૂઆત થાય છે. એવા સમયે ઘણી વાર સંગીતનો અવાજ પણ વધી જાય છે. જે સંગીત પહેલાં ધીમા અવાજે વાગતું હતું એનો અવાજ વધી જતા બધા એકબીજા સાથે વાત કરતા અટકી જાય છે. લગ્‍નનું રિસેપ્શન એ ભાઈ-બહેનો સાથે સંગત માણવાની એક સારી તક છે. સંગીતનો અવાજ વધારે હોવાથી ભાઈ-બહેનો વાત ન કરી શકે તો એ કેટલું ખરાબ કહેવાય!” વરરાજા અને જવાબદાર ભાઈએ સમજદારીથી કામ લેવાની જરૂર છે. સંગીત વગાડવા બહારથી કોઈને બોલાવ્યા હોય તો, તેમને નિર્ણય લેવા ન દેશો કે કેવાં ગીત વગાડવા અને કેટલો અવાજ રાખવો. એ તમે જ નક્કી કરો. પાઊલે લખ્યું: “વચનથી કે કાર્યથી જે કંઈ તમે કરો, તે સર્વ પ્રભુ ઈસુને નામે કરો.” (કોલોસી ૩:૧૭) લગ્‍નની મિજબાની કે રિસેપ્શનમાંથી મહેમાનો ઘરે જાય ત્યારે તેઓને બસ સંગીતનો પડઘો જ સંભળાવો ન જોઈએ. તેઓને લાગવું જોઈએ કે યુગલે ઈસુના નામને માન મળે એ રીતે લગ્‍ન કર્યું છે.

૧૪. લગ્‍ન વિષે યહોવાહના ભક્તોએ શું યાદ રાખવું જોઈએ?

૧૪ સારી રીતે આયોજન કરેલું લગ્‍ન હંમેશાં યાદ રહી જાય છે. આદમ અને ઈડિટાનો વિચાર કરો. તેઓના લગ્‍નને ૩૦ વર્ષ થયા. તેઓ એક લગ્‍ન વિષે કહે છે: “ખરેખર લાગે કે આપણે યહોવાહના ભક્તો મધ્યે છીએ. યહોવાહને મહિમા મળે એવાં ગીતો હતાં. મનોરંજન માટે પણ બીજી ઘણી વ્યવસ્થા કરી હતી. ડાન્સ અને સંગીત હતા, પણ એને એટલું મહત્ત્વ આપ્યું ન હતું. એ લગ્‍ન બહુ જ સરસ અને ઉત્તેજન મળે એવું હતું. દરેક બાબતો બાઇબલ સિદ્ધાંતોના સુમેળમાં હતી.” ખરેખર, વર-કન્યા લગ્‍નની બાબતે ઘણું ધ્યાનમાં રાખી શકે. તેઓ પોતાનાં કાર્યોથી બતાવશે કે તેમને ઈશ્વરમાં પૂરી શ્રદ્ધા છે.

લગ્‍નમાં ભેટ આપવી

૧૫. લગ્‍નમાં મળતી ભેટ માટે બાઇબલની કઈ સલાહ ધ્યાનમાં રાખી શકીએ?

૧૫ ઘણા દેશોમાં લગ્‍ન કરતા હોય તેઓને મિત્રો અને સગાં-સંબંધી ભેટ આપતા હોય છે. તમે પણ લગ્‍ન વખતે ભેટ લેવાના હોય તો, શું ધ્યાનમાં રાખવું જોઈએ? પ્રેરિત યોહાને ‘જીવનના અહંકાર’ વિષે જે કહ્યું એનો વિચાર કરો. તેમણે જીવનના અહંકારને ‘જતા રહેનાર જગત’ સાથે જોડ્યું, પોતાનાં કામોથી વિશ્વાસ જાહેર કરે છે એવા ભાઈ-બહેનો સાથે નહિ. (૧ યોહાન ૨:૧૬, ૧૭) યોહાનના લખાણને ધ્યાનમાં રાખતા, શું નવ પરિણીત યુગલે ભેટ આપી હોય તેઓનું નામ જાહેર કરવું જોઈએ? મકદોનિયા અને આખાયાના ભાઈ-બહેનોનો વિચાર કરો. તેઓએ યરૂશાલેમના ગરીબ ભાઈઓ માટે દાન મોકલ્યું. પણ બાઇબલમાં ક્યાંય જોવા મળતું નથી કે તેઓનાં નામ જાહેર કર્યાં હોય. (રૂમી ૧૫:૨૬) ઘણા ભાઈ-બહેનો લગ્‍નમાં ભેટ આપવા ચાહે છે. પણ તેઓ ઇચ્છતા નથી કે જાહેરમાં તેઓનું નામ બોલાય, અને લોકોનું ખોટું ધ્યાન ખેંચાય. આ બાબતે ઈસુએ માત્થી ૬:૧-૪માં આપેલી સલાહને ધ્યાનમાં રાખવી જોઈએ.

૧૬. લગ્‍નની ગિફ્ટ બાબતે નવું યુગલ કઈ રીતે બીજાની લાગણીઓને માન આપી શકે?

૧૬ ભેટ આપનારનું નામ જાહેર કરવાથી શું થઈ શકે? એનાથી કોણે સારી કે મોંઘી ભેટ આપી છે એવી “અદેખાઈ” થઈ શકે. તેથી, લગ્‍ન કરનાર યુગલ ભેટ આપનારનું નામ જાહેર કરશે નહિ. એમ કરવાથી ભેટ આપવાની ક્ષમતા નથી તેઓને ખાલી હાથ આવ્યા એવું નહિ લાગે. (ગલાતી ૫:૨૬; ૬:૧૦) જોકે, વર-કન્યા જાણવા ચાહે કે તેઓને કોણે ગિફ્ટ આપી છે, તો એમાં કંઈ ખોટું નથી. તેઓ ચાહે તો પછીથી ગિફ્ટ પર લગાવેલા કાર્ડથી જાણી શકે કે કોણે ગિફ્ટ આપી. પણ તેઓએ એ જાહેરમાં જોવાની જરૂર નથી. આપણે લગ્‍નની ગિફ્ટ ખરીદીએ, આપીએ કે મેળવીએ ત્યારે પણ આપણને મોકો મળે છે કે આપણે કાર્યોથી વિશ્વાસ જાહેર કરીએ. *

૧૭. આપણે વિશ્વાસ અને એનાં કાર્યો માટે શું ધ્યેય રાખવો જોઈએ?

૧૭ આપણે જોઈ ગયા તેમ, પરમેશ્વરમાં પૂરેપૂરો વિશ્વાસ છે એ બતાવવા ઈશ્વરના નીતિ-નિયમો મુજબ જીવવું, નિયમિત મિટિંગમાં અને પ્રચારમાં જવું જ પૂરતું નથી. આપણે જે કંઈ કરીએ એ દરેક બાબતમાં બતાવીએ કે આપણને ઈશ્વરમાં વિશ્વાસ છે. આપણે દરેક કાર્ય “સંપૂર્ણ” કે સારી રીતે કરીને આપણો વિશ્વાસ જાહેર કરી શકીએ. દરેક કાર્યમાં ઉપર ચર્ચા કરી એ બાબતોનો પણ સમાવેશ થાય છે.—પ્રકટીકરણ ૩:૨.

૧૮. યોહાન ૧૩:૧૭ના શબ્દો, રિસેપ્શનમાં કે નાની પાર્ટીમાં આપણે કઈ રીતે લાગુ પાડી શકીએ?

૧૮ ઈસુએ પોતાના શિષ્યોના પગ ધોઈને સારો દાખલો બેસાડ્યો. એ પછી તેમણે કહ્યું: “તમે એ વાતો જાણીને તેઓને પાળો, તો તમને ધન્ય છે.” (યોહાન ૧૩:૪-૧૭) આજે અમુક દેશો અને જગ્યાઓએ મહેમાન ઘરે આવે ત્યારે તેમના પગ ધોવા જરૂરી નથી. પણ આ લેખમાં જોયા પ્રમાણે જીવનની ઘણી બાબતોમાં કાર્યોથી અને પ્રેમથી આપણા વિશ્વાસની ખાતરી આપી શકીએ. એમાં નાની નાની પાર્ટી રાખવી અને રિસેપ્શન જેવી બાબતોનો પણ સમાવેશ થાય છે. તો ચાલો આપણે લગ્‍ન કરવાના હોઈએ, કોઈના લગ્‍નમાં મહેમાન હોઈએ કે અમુક ભાઈ-બહેનો સાથે ભેગા મળીને નાની પાર્ટી કરીએ, આપણે કાર્યોથી વિશ્વાસ જાહેર કરીએ. (w 06 10/15)

[ફુટનોટ]

^ લગ્‍ન અને રિસેપ્શનને લગતી વધારે માહિતી હવે પછીના લેખમાં જોવા મળશે, “શોભતી રીતે લગ્‍ન કરવા શું કરવું જોઈએ?”

તમે શું કહેશો?

નીચેની બાબતોમાં તમે કઈ રીતે બતાવશો કે તમને ઈશ્વરમાં પૂરી શ્રદ્ધા છે?

• નાની પાર્ટી રાખી હોય ત્યારે

• લગ્‍નનું રિસેપ્શન રાખતી વખતે

• લગ્‍નની ગિફ્ટ આપતી કે લેતી વખતે

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૧૭ પર ચિત્ર]

આપણે થોડા ભાઈ-બહેનોને બોલાવીએ ત્યારે પણ જે કંઈ કરીએ એ ‘સ્વર્ગમાંથી આવતા જ્ઞાન’ મુજબ કરીએ