બાળકોને સારી રીતે ઉછેરવાં માટે ઉપયોગી સલાહ
બાળકોને સારી રીતે ઉછેરવાં માટે ઉપયોગી સલાહ
“હું ફક્ત ૧૯ વર્ષની હતી. મારાં સગાં-વહાલાં મારાથી ખૂબ દૂર રહેતાં હતાં. મા બનવા હું જાણે તૈયાર જ ન હતી,” રૂથ પહેલી વાર મા બનવાની હતી ત્યારે તેણે આમ કહ્યું. તેને કોઈ ભાઈ-બહેન ન હોવાથી બાળકને ઉછેરવાની જવાબદારી વિષે તેણે કંઈ વિચાર્યું જ ન હતું. તેને સારી સલાહ ક્યાંથી મળી શકે?
હવે જાનભાઈનો વિચાર કરો. તેમનાં બંને બાળકો મોટાં થઈ ગયાં છે. માબાપની જવાબદારી વિષે તે યાદ કરતા કહે છે: ‘શરૂઆતમાં મને લાગ્યું કે હું બધી જવાબદારી નિભાવી શકીશ. પણ થોડા વખત પછી મને ભાન થયું કે આ જવાબદારી માટે મારું જ્ઞાન ને આવડત બહુ ઓછા છે.’ હકીકત એ છે કે અમુક માબાપ શરૂઆતથી જ મૂંઝાઈ જાય છે. જ્યારે બીજાઓને બાળકો મોટાં થતાં જાય તેમ એનું ભાન થાય છે. તો પછી, માબાપો બાળકોને સારી રીતે ઉછેરવાં ક્યાંથી મદદ મેળવી શકે?
આજે ઘણાં માબાપ ઇંટરનેટ પર સલાહ શોધે છે. પણ શું ઇંટરનેટ પરની સલાહ ભરોસાપાત્ર છે? શું તમને ખરેખર ખબર છે કે સલાહ આપનાર કોણ છે? શું તેમનાં બાળકો સારી વ્યક્તિ બન્યાં છે? આ પ્રશ્ન પર વિચાર કરવો ખૂબ મહત્ત્વનું છે. તમારા પોતાના કુટુંબની વાત આવે ત્યારે તમારે બહુ જ ધ્યાન રાખવાની જરૂર છે. પહેલા લેખમાં જોયું તેમ, ઍક્સ્પર્ટની સલાહ પણ નિરાશાજનક હોઈ શકે. તો સારી સલાહ ક્યાંથી મેળવી શકીએ?
ઈશ્વર પાસેથી, કારણ કે તે આપણા સર્જનહાર છે. કુટુંબની શરૂઆત પણ તેમણે જ કરી છે. તે જાણે છે કે સારાં માબાપ બનવા માટે આપણે શું કરવું જોઈએ. (એફેસી ૩:૧૫) આ બાબતમાં ફક્ત ઈશ્વર જ ઍક્સ્પર્ટ છે. બાઇબલ દ્વારા તે આપણને સચોટ માર્ગદર્શન આપે છે. એ સલાહ પાળવાથી આપણને પોતાને અને પરિવારને લાભ થાય છે.—ગીતશાસ્ત્ર ૩૨:૮; યશાયાહ ૪૮:૧૭, ૧૮.
અમુક યુગલને પૂછવામાં આવ્યું કે તેઓએ બાળકોનો ઉછેર કેવી રીતે કર્યો, જેથી તેમને ઈશ્વરભક્ત બનાવી શક્યા. સર્વએ એક જ જવાબ આપ્યો: બાઇબલની સલાહ પાળવાથી. ભલે બાઇબલ હજારો વર્ષો પહેલાં લખાયું હતું, એ માબાપ માને છે કે એની સલાહ હજી પણ એટલી જ ઉપયોગી છે.
બાળકો સાથે સમય કાઢો
કેથરિન બે છોકરાંની મા છે. તેને પૂછવામાં આવ્યું કે બાઇબલની કઈ સલાહ તેને સૌથી ઉપયોગી લાગી. તેણે તરત પુનર્નિયમ ૬:૭ની કલમ બતાવી, જે કહે છે: “તું ખંતથી તારાં છોકરાંને [યહોવાહનું શિક્ષણ] શીખવ, ને જ્યારે તું ઘરમાં બેઠો હોય, ને જ્યારે તું રસ્તે ચાલતો હોય, ને જ્યારે તું સૂઈ જાય ને જ્યારે તું ઊઠે, ત્યારે તે વિષે વાત કર.” કેથરિન જોઈ શકી કે આ સલાહ પાળવા માટે તેણે બાળકો માટે સમય કાઢવો જ પડશે.
કદાચ તમે વિચારતા હશો કે ‘એ કહેવું સહેલું છે, પણ કરવું મુશ્કેલ છે. રોજી-રોટી માટે આજે માતા અને પિતા બંન્નેએ નોકરી કરવી પડે છે. આટલા બીઝી છીએ, તો બાળકો માટે ક્યાંથી સમય કાઢીએ?’ એક દીકરાના પિતા ટોર્લિફભાઈ કહે છે કે પુનર્નિયમની સલાહમાં એનો જવાબ છે. એ સલાહ પાળવી ખૂબ મહત્ત્વની છે. શક્ય હોય તો તમે જ્યાં જાવ ત્યાં બાળકોને લઈ જાવ. આમ, રોજબરોજ તમને બાળકો સાથે વાત કરવાનો વધારે મોકો મળશે. તે આગળ કહે છે કે ‘ઘરમાં કોઈ કામ કરવાનું થતું, ત્યારે હંમેશાં હું અને મારો દીકરો સાથે કરતા. આખો પરિવાર સાથે હૉલીડેમાં જતા. દરરોજ ભેગા જમતા.’ ટોર્લિફભાઈ કહે છે કે ‘આ બધું કરવાથી મારા દીકરાને મારી સાથે વાત કરવામાં કદીયે સંકોચ ન થતો. કોઈ પણ સમયે તે દિલ ખોલીને વાત કરતો.’ ટોર્લિફભાઈનો દીકરો હવે પોતે એક પિતા છે.
અમુક કિસ્સામાં બાળકો મોટાં થતાં જાય તેમ માબાપ સાથે તેઓને બનતું નથી. તેઓ ભાગ્યે જ પરાણે એકબીજા સાથે વાત કરશે. આવું કંઈક થાય તો શું કરવું જોઈએ? આવા સમયે પણ બાળકો સાથે બને તેટલો સમય કાઢો. કેથરિનના પતિ કેનભાઈને યાદ છે કે તેમની દીકરી તરુણ વયે પહોંચી ત્યારે તે હંમેશાં ફરિયાદ કરતી કે પપ્પા કદી મારું સાંભળતા નથી. ઘણા યુવાનો આવી ફરિયાદ કરે છે. આવા સંજોગમાં માબાપ શું કરી શકે? કેનભાઈ કહે છે: નીતિવચનો ૨૦:૫) કેનભાઈ કહે છે કે ઘરમાં રોજ અમે બંને કોઈ ને કોઈ વાત કરતા. એટલે જ ‘અમારા બંને વચ્ચે હંમેશાં સારો નાતો હતો. મુશ્કેલીઓ આવી ત્યારે તે મારી સાથે દિલ ખોલીને વાત કરી શકી.’
‘મેં મારી દીકરી સાથે વાત કરવા વધુ સમય કાઢવાનું નક્કી કર્યું. ખાસ કરીને તેની સાથે એકલા વાત કરવાનું નક્કી કર્યું, જેથી તે પોતાનું દિલ ઠાલવી શકે. એ પ્રમાણે કરવાથી ઘણો લાભ થયો.’ (હાલમાં યુવાનો અને માબાપોનો એક સર્વે કરવામાં આવ્યો. રિપોર્ટે બતાવ્યું કે આજે માબાપ અને બાળકો એકબીજાં સાથે બહુ સમય કાઢતા નથી. એમાં માબાપ કરતાં બાળકોની ફરિયાદ ત્રણ ગણી વધારે હતી. તો કેમ નહિ કે બાઇબલની સલાહ પાળીએ. તમારાથી થાય એટલો સમય બાળકો સાથે કાઢો. ક્યારે? આરામ કરતા હો, નોકરી પર હો, ઘરે હો કે પછી મુસાફરી કરતા હો. સવારે ઊઠો ત્યારે કે સાંજના સૂવા જતા પહેલાં. શક્ય હોય તો તમે જ્યાં જાવ ત્યાં તેઓને લઈ જાવ. પુનર્નિયમ ૬:૭ પ્રમાણે બીજા કશા કરતાં બાળકો સાથે સમય વિતાવવાની વધારે જરૂર છે.
સારા સંસ્કાર શીખો
મારિયોભાઈ વકીલ છે અને બે બાળકોના પિતા છે. તે કહે છે: ‘બાળકોને ખૂબ પ્રેમ કરો અને તેમને વાર્તાઓ વાંચી સંભળાવો.’ પણ બાળકના માનસિક વિકાસ માટે જ એમ કરવું ન જોઈએ. તેઓને ભલું ને ભૂંડું પારખતા શીખવવું જોઈએ. મારિયોભાઈ કહે છે: ‘તેઓને બાઇબલમાંથી શીખવતા રહો.’
એ વિષે બાઇબલ માબાપને આમ કહે છે: “વળી, પિતાઓ, તમારાં છોકરાંને ચીડવો નહિ; પણ પ્રભુના શિક્ષણમાં તથા બોધમાં તેઓને ઉછેરો.” (એફેસી ૬:૪) આજે ઘણા પરિવારમાં માબાપ બાળકોને સારા સંસ્કાર આપતા નથી. અમુકને લાગે છે કે બાળક મોટું થાય ત્યારે તે જાતે જ શીખશે. શું તેઓનું કહેવું સાચું છે? ના. જેમ બાળકના સારા વિકાસ માટે પોષણયુક્ત ખોરાક જરૂરી છે, તેમ બાળકનાં મન અને હૃદયને સારા માર્ગદર્શનની જરૂર છે. જો તમે તેઓને નહિ શીખવો તો તેઓ સ્કૂલના મિત્રો, શિક્ષકો કે મૅગેઝિનોના વિચારો અપનાવી લેશે.
સારા સંસ્કાર આપવા માટે બાઇબલ ખૂબ ઉપયોગી છે. બાઇબલ દ્વારા બાળકો ભલું ને ભૂંડું પારખી શકે છે. (૨ તીમોથી ૩:૧૬, ૧૭) જેફભાઈનો વિચાર કરો. તે એક અનુભવી વડીલ છે અને બે બાળકોને મોટાં કર્યાં છે. તે કહે છે કે બાળકોમાં સારા સંસ્કાર સિંચવા માટે બાઇબલનો ઉપયોગ કરો. ‘બાઇબલનો ઉપયોગ કરવાથી બાળકો એમ નહિ વિચારે કે મમ્મી-પપ્પા કહે છે એટલે કરવું પડે છે. તેઓ જોઈ શકશે કે ઈશ્વર એમ કહે છે. આ રીતે બાઇબલ બાળકોનાં મન અને દિલને અસર કરે છે. જો તેમના વિચારો ખોટા હોય કે કંઈ ખોટું કર્યું હોય, તો અમે બાઇબલમાંથી કોઈ સરસ કલમ શોધી કાઢીએ. પછી તેમની પાસે બેસીને એ કલમ વાંચીએ. કલમ વાંચ્યા પછી ઘણી વખત તેમની આંખમાંથી એક-બે નહિ, પણ ઘણાં આંસુ પડ્યાં છે. પણ જો અમે પોતાના વિચારો જણાવ્યા હોત કે બીજું કંઈક કર્યું હોત, તો તેમના પર બહુ અસર પડી ન હોત.’
હેબ્રી ૪:૧૨ કહે છે: ‘ઈશ્વરનો શબ્દ જીવંત, સમર્થ છે, તે હૃદયના વિચારોને તથા ભાવનાઓને પારખનાર છે.’ આ શબ્દો કોઈ માણસના વિચારો કે અનુભવ પરથી લખાયા નથી. એ ઈશ્વરના વિચારો છે. એટલા માટે એ સલાહ બીજા કોઈ માનવી સલાહ-સૂચનોથી ચઢિયાતી છે. તમે બાઇબલમાંથી બાળકોને શીખવો ત્યારે ઈશ્વરના વિચારો તેમના મનમાં મૂકો છો. તેથી એમાં કોઈ શંકા નથી કે એ શિક્ષણ છેક બાળકના દિલ સુધી પહોંચશે.
કેથરિનબહેન એ જ માને છે. તે કહે છે: ‘જ્યારે વધારે તકલીફ આવી પડતી ત્યારે અમે ઈશ્વરના વચનમાંથી વધારે સલાહ શોધતા. આ રીતે સમય જતાં તકલીફમાં સુધારો થતો!’ બાળકોને ભલું-ભૂંડું પારખતા શીખવવા, શું તમે બાઇબલનો વધુ ઉપયોગ કરી શકો?
વાજબી બનો
ઈશ્વરભક્ત પાઊલ કહે છે કે એવી રીતે વર્તવું જોઈએ જેથી “તમારી સહનશીલતા સર્વ માણસોના જાણવામાં આવે.” (ફિલિપી ૪:૫) અહીંયા મૂળ ભાષામાં પાઊલ વાજબી બનવા કહે છે. તેથી, બાળકો આપણને વાજબીપણે વર્તતા જુએ એ કેટલું જરૂરી છે. આપણે બહુ કડક કે ચુસ્તતાના આગ્રહી નહિ બનીએ. આમ આપણે “જે જ્ઞાન ઉપરથી છે” એ જીવનમાં લાગુ પાડી શકીશું.—યાકૂબ ૩:૧૭.
બાળકોને ઉછેરવામાં આપણે કેવી રીતે વાજબી બની શકીએ? એક રીત એ છે કે ભલે તેઓને ગમે એટલો સથવારો આપીએ, આપણે તેઓને બધી રીતે મુઠ્ઠીમાં પકડી ન રાખીએ. દાખલા તરીકે, આપણે આગળ જોઈ ગયા એ મારિયોભાઈનો વિચાર કરો. તે યહોવાહના એક સાક્ષી છે. તે યાદ કરતા કહે છે: ‘અમે હંમેશાં બાળકો આગળ બાપ્તિસ્મા લેવાનો, ફૂલ-ટાઈમ સેવા કરવાનો કે
યહોવાહની ભક્તિ માટે બીજા કોઈ ધ્યેયો મૂકતા. પણ તેઓને એ કરવા કદી દબાણ કર્યું નહિ. આ રીતે સમજાવ્યું કે સમય આવ્યે તેઓએ જ યોગ્ય પસંદગી કરવાની છે.’ આનું પરિણામ? બંને બાળકો હવે મોટાં થઈને ફૂલ-ટાઇમ યહોવાહ વિષેની ખુશખબરીનો પ્રચાર કરે છે.બાઇબલ કોલોસી ૩:૨૧માં પિતાઓને આ ચેતવણી આપે છે: “પિતાઓ, તમે તમારાં છોકરાંને ન ચીડવો, રખેને તેઓ નિરાશ થાય.” ઘણી વાર એવું બને કે માબાપ કંટાળેલા હોય ત્યારે બાળક પર ગુસ્સો ઠાલવી દેશે. અથવા વધુ કડક બનશે. એટલે કેથરિનબહેને ખાસ કરીને એ કલમ દિલમાં સાચવી રાખી છે. તે પણ યહોવાહની એક સાક્ષી છે. જ્યારે તેમને બાળકો ઉપર ગુસ્સો કે કંટાળો આવે ત્યારે તે પોતાને કહે છે: ‘પોતાની જે અપેક્ષા હોય એ પ્રમાણે બાળકો પાસેથી માંગવું ન જોઈએ. ઘરમાં એવું વાતાવરણ હોવું જોઈએ જેથી બાળકો રાજી-ખુશીથી યહોવાહની ભક્તિ કરે.’
આપણે અગાઉ જોઈ ગયા એ જેફભાઈ એક ઉપયોગી સલાહ આપતા કહે છે: ‘અમારાં બાળકો મોટાં થતાં ગયાં તેમ, મારા એક દોસ્તે મને તેનો અનુભવ કહ્યો. તેનાં બાળકો મોટાં થતાં ગયાં તેમ તેણે ઘણી વાર તેઓને “ના” કહેવું પડતું. એનાથી તેનાં બાળકો કંટાળી જતાં. તેઓને લાગતું કે પપ્પા અમને કોઈ છૂટ આપતા નથી. એવું મારા કિસ્સામાં ન થાય એ માટે તેણે અમને એવી પ્રવૃત્તિઓ શોધવા કહ્યું કે જેમાં અમે બાળકોને ખુશીથી “હા” પાડી શકીએ.’
જેફભાઈ કહે છે કે ‘મારા દોસ્તની આ સલાહ બહુ સારી હતી. અમે બાળકો માટે એવી પ્રવૃત્તિઓ શોધવા લાગ્યા જેમાં અમને કંઈ વાંધો ન હતો. તેથી અમે બાળકોને પૂછતા, “તમને ખબર છે કે ફલાણી વ્યક્તિ, આમ કે તેમ કરે છે? કેમ નહિ કે તું પણ તેની સાથે જા.” અથવા બાળકોને ક્યાંક જવું હોય તો અમે લઈ જતા. પછી ભલેને અમને ગમે તેટલી આળસ આવતી હોય, કે ગમે એટલા થાકેલા હોય. અમે બને તેમ “ના” કહેવાને બદલે એવી બાબતો કરતા કે શોધતા જેમાં “હા” કહી શકતા.’ વાજબી બનવા એ ખૂબ જરૂરી છે. એટલે કે આપણે વધારે પડતા કડક ન બનીએ. બાળકોને માન આપીએ. તેઓની સારી સંભાળ રાખીએ. જો કોઈ પ્રવૃત્તિ બાઇબલની સલાહ વિરુદ્ધ ન હોય તો થોડું જતું કરીએ.
સારી સલાહથી લાભ મેળવો
આ લેખમાં ઉલ્લેખ કર્યો છે એ માબાપો હવે દાદા-દાદી, નાના-નાની બની ગયા છે. તેઓ બહુ ખુશ છે કે તેઓનાં બાળકો પણ એ જ બાઇબલ સલાહ પાળીને સારાં માબાપ બન્યાં છે. શું તમે બાઇબલની સલાહમાંથી લાભ મેળવી શકો?
આ લેખની શરૂઆતમાં જોઈ ગયા એ રૂથ મા બની ત્યારે, તેને અને તેના પતિને અમુક વાર લાગતું કે સારી સલાહ ક્યાંય મળી શકતી નથી. પણ એવું ન હતું. તેઓ પાસે બાઇબલ હતું. એમાં સૌથી સારી સલાહ છે. માબાપને મદદ કરવા માટે યહોવાહના સાક્ષીઓએ બાઇબલમાંથી માર્ગદર્શન આપતા ઘણાં સારાં પુસ્તકો તૈયાર કર્યાં છે. એમાંનાં અમુક આ છે: લર્ન ફ્રોમ ધ ગ્રેટ ટીચર, બાઇબલ વાર્તાઓનું મારું પુસ્તક, પ્રશ્નો જે યુવાન લોકો પૂછે છે—જવાબો જે સફળ થાય છે અને કદી પણ થયા હોય એવા સૌથી મહાન માણસ. રૂથના પતિ ટોર્લિફભાઈ કહે છે: ‘માબાપને જોઈએ એટલી પુષ્કળ સલાહ બાઇબલમાં છે. જો તેઓ એ સલાહ તપાસે, પાળે, તો તેઓ બાળકોને નાનપણથી સારી રીતે ઉછેરી શકશે.’ (w 06 11/1)
[પાન ૫ પર બોક્સ/ચિત્ર]
ઍક્સ્પર્ટ શું કહે છે? બાઇબલ શું શીખવે છે?
પ્રેમ બતાવવામાં:
ધ સાઇકોલૉજિકલ કેર ઑફ ઇન્ફન્ટ એન્ડ ચાઇલ્ડ (૧૯૨૮) નામના પુસ્તકમાં ડૉક્ટર જોન બ્રોડ્સ વોટ્સને માબાપને આ અરજ કરી: ‘કદી બાળકોને પપ્પી ન કરો, ભેટશો નહિ કે ગોદમાં ન બેસાડો.’ ઘણાં વર્ષો પછી, ડૉક્ટર વિરા લેન અને ડોરાથી મોલાન્યોએ, અવર ચિલ્ડ્રન મૅગેઝિનમાં (માર્ચ ૧૯૯૯) આમ કહ્યું: ‘અનેક અભ્યાસ બતાવે છે કે જો માબાપ બાળકોને પ્રેમ ન બતાવે, ભેટે નહિ, પપ્પી ન કરે, તો બાળકોનો વિકાસ થશે નહિ.’
દુનિયાની આવી બદલાતી સલાહથી સાવ અલગ, યશાયાહ ૬૬:૧૨ કહે છે કે એક પિતાની જેમ ઈશ્વર તેમના ભક્તોને ખૂબ પ્રેમ બતાવે છે. એવી જ રીતે ઈસુ પણ તેમને અનુસરે છે. બાળકો ઈસુ પાસે દોડી આવ્યાં અને શિષ્યોએ તેઓને રોક્યાં ત્યારે ઈસુએ કહ્યું: “બાળકોને મારી પાસે આવવા દો, ને તેઓને વારો મા.” પછી “તેણે તેઓને બાથમાં લીધાં, ને તેઓ પર હાથ મૂકીને તેઓને આશીર્વાદ દીધો.”—માર્ક ૧૦:૧૪, ૧૬.
સારા સંસ્કાર શીખવવામાં:
૧૯૬૯માં ન્યૂ યોર્ક ટાઇમ્સ મૅગેઝિનમાં ડૉક્ટર બ્રુનો બેટેલહાઇમે આમ કહ્યું: ‘બાળકે માબાપના કહેવાથી કે ભલામણ મુજબ નહિ, પણ પોતાના અનુભવથી નિર્ણયો લેવા જોઈએ. એ બાળકનો હક્ક છે.’ પણ લગભગ ત્રીસેક વર્ષ પછી, ધ મૉરલ ઇન્ટેલિજન્સ ઑફ ચિલ્ડ્રન (૧૯૯૭) નામના પુસ્તકમાં ડૉ. રોબર્ટ કોલ્ઝે કહ્યું: ‘બાળકોને જીવનમાં સારા સંસ્કાર, માર્ગદર્શન અને હેતુની જરૂર છે.’ એ બધું તો ફક્ત માબાપ કે બીજા મોટી ઉંમરના જ આપી શકે છે.
નીતિવચનો ૨૨:૬ માબાપને આ અરજ કરે છે: “બાળકે જે માર્ગમાં ચાલવું જોઈએ તેમાં ચાલવાનું તેને શિક્ષણ આપ, એટલે તે વૃદ્ધ થશે ત્યારે તેમાંથી તે ખસશે નહિ.” મૂળ હિબ્રૂ ભાષામાં “શિક્ષણ” શબ્દનો અર્થ ‘બાળપણથી શિક્ષણ આપવા માંડવું પણ થાય છે.’ તેથી, માબાપે બાળકોને બાળપણથી જ શિક્ષણ આપવાનું શરૂ કરવું જોઈએ. (૨ તીમોથી ૩:૧૪, ૧૫) આ સમય દરમિયાન તેઓ જે પણ શીખશે, એ જિંદગીભર તેઓ સાથે રહેશે.
શિસ્ત આપવામાં:
ડૉ. જેમ્સ ડોબસને ધ સ્ટ્રોંગ-વીલ્ડ ચાઇલ્ડ (૧૯૭૮) પુસ્તકમાં લખ્યું: ‘માબાપ બાળકો પર હાથ ઉગામે છે ત્યારે તેઓ બાળકને પ્રેમ બતાવે છે. એમ કરીને તેને સીધું રાખે છે.’ પણ આ સલાહથી ઊલટું, બેબી એન્ડ ચાઇલ્ડ કેર નામના જાણીતા પુસ્તકની સાતમી આવૃત્તિમાંથી ડૉ. બેન્જામીન સ્પોકે (૧૯૯૮) લેખ લખ્યો. એમાં તેમણે કહ્યું: ‘બાળકોને મારો ત્યારે તમે તેઓને બસ એક જ પાઠ શીખવો છો. એ જ કે તેનાથી જે કોઈ મોટું હોય, એનું જ રાજ ચાલે છે. પછી ભલેને તેઓ ખોટા હોય.’
બાઇબલ કહે છે કે બાળકને જરૂર પડે ત્યારે શિક્ષા કરવી જોઈએ. નીતિવચનો ૨૯:૧૫ કહે છે: “સોટી તથા ઠપકો જ્ઞાન આપે છે.” પણ એનો અર્થ એ નથી કે સર્વ બાળકોએ માર ખાવો જ પડે. નીતિવચનો ૧૭:૧૦ કહે છે: “મૂર્ખને સો ફટકાના કરતાં, બુદ્ધિમાનને ઠપકાનો ઘા વધારે ઊંડી અસર કરે છે.”
[ચિત્ર]
બાળકના દિલ સુધી પહોંચવા બાઇબલનો ઉપયોગ કરો
[પાન ૭ પર ચિત્ર]
સમજુ માબાપ બાળકોના આનંદપ્રમોદ માટે ગોઠવણો કરે છે