સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

સભાશિક્ષકના મુખ્ય વિચારો

સભાશિક્ષકના મુખ્ય વિચારો

યહોવાહનો શબ્દ જીવંત છે

સભાશિક્ષકના મુખ્ય વિચારો

કુટુંબના વડા અયૂબે કહ્યું: “સ્ત્રીજન્ય મનુષ્ય અલ્પાયુ, અને સંકટથી ભરપૂર છે.” (અયૂબ ૧૪:૧) આપણું જીવન પલ-બે-પલનું છે. એટલે નકામી ચિંતા કે ખોટાં કામોમાં એને વેડફી ન નાખવું જોઈએ! તો કેવાં કામોમાં આપણે સમય, શક્તિ અને સંપત્તિ વાપરવા જોઈએ? કેવાં કામોથી દૂર રહેવું જોઈએ? એનો જવાબ આપણને સભાશિક્ષકના પુસ્તકમાં મળે છે, કેમ કે એમાં યહોવાહના વિચારો છે. એમાં સૌથી સારી સલાહ અને માર્ગદર્શન મળે છે. એના સંદેશાથી આપણા ‘હૃદયના વિચારો અને ભાવનાઓ પારખી શકાય’ છે. એમાં આપેલી સલાહ આપણને જીવનમાં અનેક રીતે મદદ કરે છે.—હેબ્રી ૪:૧૨.

સભાશિક્ષકનું પુસ્તક ઈસ્રાએલના રાજા સુલેમાને લખ્યું હતું. તે પોતાના જ્ઞાન અને બુદ્ધિ માટે ખૂબ જાણીતા હતા. આપણે કેવું જીવન જીવવું જોઈએ અને કેવું નહિ, એના વિષે આ પુસ્તકમાં વ્યવહારુ સલાહ મળે છે. સભાશિક્ષકનું પુસ્તક ક્યારે લખાયું હતું? સુલેમાનના જણાવ્યા પ્રમાણે તેમણે અમુક બાંધકામો કરાવ્યાં હતાં. એના પરથી એવું લાગે છે કે એ બાંધકામ પૂરું થયું એના પછી અને યહોવાહની ભક્તિથી તેમણે પીઠ ફેરવી લીધી એના પહેલાં એ લખાયું હોવું જોઈએ. (નહેમ્યાહ ૧૩:૨૬) એટલે કે ઈ.સ. પૂર્વે ૧,૦૦૦ પહેલાં. તેમણે ઈસ્રાએલમાં ચાલીસ વર્ષ રાજ કર્યું. એમના રાજના અંતિમ ભાગમાં એ લખાયું હોવું જોઈએ.

શું વ્યર્થ નથી?

(સભાશિક્ષક ૧:૧–૬:૧૨)

‘સભાશિક્ષક કહે છે કે સઘળું વ્યર્થ છે.’ એમ કહીને તે પૂછે છે: “જે બધો શ્રમ મનુષ્ય પૃથ્વી પર ઉઠાવે છે, તેથી તેને શો લાભ છે?” (સભાશિક્ષક ૧:૨, ૩) આ પુસ્તકમાં વારંવાર આવા શબ્દો જોવા મળે છે: “વ્યર્થતા” અને “પૃથ્વી પર.” “વ્યર્થતા” માટેના મૂળ હેબ્રી શબ્દનો અર્થ, “શ્વાસ” કે “વરાળ” થાય છે. એનો અર્થ થાય કે લાંબો સમય નહિ ટકે. એ બતાવે છે કે પૃથ્વી પર મનુષ્ય યહોવાહની નહિ, પણ પોતાની ઇચ્છા પ્રમાણે જે કંઈ સિદ્ધ કરવાનો પ્રયત્ન કરે છે એ બધું વ્યર્થ છે.

સુલેમાન કહે છે: ‘ઈશ્વરના મંદિરમાં તું જાય ત્યારે તારો પગ સંભાળ; અને શ્રવણ કરવાને પાસે જવું તે સારું છે.’ (સભાશિક્ષક ૫:૧) યહોવાહની ભક્તિમાં તલ્લીન રહેવું એ વ્યર્થતા નથી! ખરું કહીએ તો, તેમની સાથે પાક્કો નાતો બાંધતા રહેવું એ સૌથી મહત્ત્વનું છે! એમ કરવાથી આપણે તેમના હેતુ પ્રમાણે જીવીશું.

સવાલ-જવાબ:

૧:૪-૧૦—કુદરતી ચક્રનો અભ્યાસ કરવો એ કઈ રીતે ‘કંટાળો આપનાર છે’? પૃથ્વી પર જીવન શાને આધારે ટકે છે? એના વિષે સભાશિક્ષક ત્રણ પાયાની બાબતો જણાવે છે: સૂર્ય, પવન, અને જળચક્ર. ખરું કહીએ તો, આનાં જેવાં અનેક કુદરતી ચક્રો છે. તમે આખું જીવન એનો અભ્યાસ કરો તોપણ એના વિષે બધું જ જાણી નહિ શકો. એનો અભ્યાસ કરીને થાકી જશો, “કંટાળો” આવશે. એટલે આપણા જીવનની કુદરતી ચક્રો સાથે કદી સરખામણી ન કરવી. કુદરતી ચક્રો ચાલ્યા જ કરે છે, જ્યારે કે આપણું જીવન બહુ જ ટૂંકું છે. એની સાથે આપણા જીવનને સરખાવીશું તો, નિરાશ થઈશું. એ ચક્રો વિષે નવી શોધ કરવાથી આપણે થાકી જઈશું. એના વિષે જો આપણે કંઈક નવું શોધી કાઢીએ તો, એમાં કંઈ નવું નથી. યહોવાહે સૃષ્ટિના નિયમો રચ્યા એ પહેલેથી તે એના વિષે જાણે છે. તેમણે જ એ નિયમો સૃષ્ટિ ચલાવવા અમલમાં મૂક્યા છે.

૨:૧, ૨—શા માટે વિનોદ કે હાસ્ય “ગાંડપણ” છે? કદાચ હસીને મજા માણવાથી થોડા સમય પૂરતી પોતાની વ્યાધિ-ઉપાધિ ભૂલી જઈશું. તોપણ એમ કરવાથી આપણી તકલીફો કાયમ જતી નહિ રહે. તેથી વિનોદ કે હાસ્ય માણીને જ સુખી થવાનો પ્રયત્ન કરીશું તો, એ “ગાંડપણ” કહેવાશે.

૩:૧૧—યહોવાહે ‘તેના સમયે શું સુંદર’ બનાવ્યું છે? યહોવાહે ઘણી વસ્તુઓ “સુંદર” ને યોગ્ય રીતે બનાવી હતી. તેમણે યોગ્ય સમયે આદમ ને હવાને ઉત્પન્‍ન કર્યા હતા. સમય જતાં યહોવાહે નુહ સાથે મેઘધનુષ્ય દ્વારા કરાર કર્યો. પછી યોગ્ય સમયે તેમણે ઈબ્રાહીમ અને દાઊદ સાથે કરાર કર્યો કે તેમના વંશમાંથી એક રાજા આવશે. તે સર્વ મનુષ્યો પર ખૂબ આશીર્વાદો વરસાવશે. એ રાજા ઈસુ ખ્રિસ્ત છે જેમને યહોવાહે રાજગાદીએ બેસાડ્યા. તે હવે ઈશ્વરના રાજ્યના રાજા છે. આવનાર દિવસોમાં યહોવાહ હજી બીજું કંઈક સૌથી “સુંદર” બનાવશે. આપણને ખાતરી છે કે યહોવાહ નક્કી કરેલા સમયે પૃથ્વી પર તેમનું રાજ્ય ચોક્કસ લાવશે. એમાં ફક્ત ન્યાયી લોકો જ વસશે!—૨ પીતર ૩:૧૩.

૫:૯—કઈ રીતે “પૃથ્વીની ઊપજ તો સર્વને કાજે છે”? સર્વ મનુષ્ય “પૃથ્વીની ઊપજ” પર જીવે છે. રાજાઓ પણ. તેમની વાડીઓમાં પણ ખેડીને બી વાવવું પડે છે.

આપણે શું શીખી શકીએ?

૧:૧૫. આજે દુનિયામાં બધે જ જુલમ અને અન્યાય જોવા મળે છે. એ સુધારવા પોતાની શક્તિ વેડફવી ન જોઈએ. ફક્ત યહોવાહનું રાજ્ય એ બધાનો અંત લાવશે.—દાનીયેલ ૨:૪૪.

૨:૪-૧૧. પોતાની સંસ્કૃતિને લગતી પ્રવૃત્તિઓ, જેમ કે બાંધકામને લગતું કામ, બગીચાઓ બનાવવા, સંગીત શીખવું કે બાદશાહી જીવન જીવવું, એ બધું “પવનમાં બાચકા ભરવા જેવું” છે. એનાથી સંતોષ કે કાયમ માટે સુખ મળતું નથી.

૨:૧૨-૧૬. મનુષ્યનું જ્ઞાન એટલે કે બુદ્ધિ, મૂર્ખાઈ કરતાં ચડિયાતી છે. એનો ઉપયોગ કરીને વ્યક્તિ અમુક મુશ્કેલીઓ દૂર કરી શકે છે. પણ મરણ વિષે કોઈની પાસે બુદ્ધિ કે ખરું જ્ઞાન નથી. ધારો કે કોઈ વ્યક્તિ પાસે આવું કોઈ જ્ઞાન હોય અને તે એનાથી નામ કમાય તોપણ લોકો તેને થોડા સમયમાં જ ભૂલી જશે.

૨:૨૪; ૩:૧૨, ૧૩, ૨૨. જાત મહેનત કરીને આનંદ માણવામાં કંઈ ખોટું નથી.

૨:૨૬. “જે માણસ પર ઈશ્વર પ્રસન્‍ન છે તેને” તે બુદ્ધિ, જ્ઞાન, ડહાપણ અને આનંદ આપે છે. પણ જેઓનો ઈશ્વર સાથે નાતો નથી તેઓને એ ક્યારેય મળશે નહિ.

૩:૧૬, ૧૭. આપણને દરેક સંજોગમાં ઇન્સાફ મળે એવી આશા રાખવી ન જોઈએ. દુનિયાની હાલત જોઈને ખોટી ચિંતા ન કરવી જોઈએ. પણ યહોવાહ એ બધું થાળે પાડે એની આપણે રાહ જોવી જોઈએ.

૪:૪. બુદ્ધિ વાપરીને સખત મહેનત કરવાથી સંતોષ મળે છે. પણ જો બીજાના કરતાં ચડિયાતા થવાનો પ્રયત્ન કરીશું તો, આપણે જાણે બીજાઓ સાથે હરીફાઈ કરીએ છીએ. એનાથી એકબીજા પ્રત્યે નફરત, ઈર્ષા ને અદેખાઈ જેવા અવગુણો વિકસશે. તેથી યહોવાહ અને લોકો માટેના પ્રેમથી પ્રેરાઈને આપણે પ્રચારમાં સખત મહેનત કરવી જોઈએ.

૪:૭-૧૨. માલમિલકત કરતાં એકબીજા સાથેનો આપણો સંબંધ સૌથી મહત્ત્વનો છે. કોઈ પણ ભોગે એ જાળવી રાખવો જોઈએ.

૪:૧૩. ઊંચી પદવી હોવી યા મોટી ઉંમરના હોવાથી હંમેશાં માન મળે એ જરૂરી નથી. તેથી જેઓ પાસે જવાબદારીઓ છે તેઓએ સમજી-વિચારીને વર્તવું જોઈએ.

૪:૧૫, ૧૬. ‘બીજો જુવાન’ જે રાજા પછી ગાદી પર આવવાનો છે તેની માટે શરૂઆતમાં કદાચ સર્વ લોકો હરખાશે. પણ ગાદીએ આવ્યા પછી તેઓ તેનાથી હરખાશે નહિ. તે બહુ લાંબા સમય સુધી લોકપ્રિય રહેશે નહિ.

૫:૨. આપણે પ્રાર્થના કરતા હોઈએ ત્યારે મનમાં જે આવે એ બોલબોલ ન કરવું જોઈએ. પણ સમજી-વિચારીને પૂરા માનથી યહોવાહને પ્રાર્થના કરવી જોઈએ.

૫:૩-૭. આપણે જો પૈસા કે માલ-મિલકતની જ ચિંતા કરતા રહીશું તો, દિવસે પણ સપના જોવા લાગીશું. એટલું જ નહિ, પણ એનાથી પોતાની ઊંઘ હરામ થઈ જશે. વધારે પડતું બોલ-બોલ કરવાથી આપણે મૂર્ખ દેખાઈશું. એવું કરીશું તો આપણે કદાચ ઉતાવળે વગર વિચાર્યે યહોવાહની આગળ કોઈ માનતા લઈ બેસીશું. આપણને ‘ઈશ્વરનો ડર’ હશે તો, આપણે એવું કંઈ જ નહિ કરીએ.

૬:૧-૯. આપણી પાસે જો પૈસા, માલ-મિલકત, લોકોમાં માન, હર્યું-ભર્યું કુટુંબ હોય, પણ એનો આનંદ માણી શકતા ન હોઈએ તો એ બધું શું કામનું? ‘ભટકતી આંખોની ઇચ્છાઓ’ સંતોષવી શક્ય નથી. પણ ‘આંખોથી જોઈને’ હકીકત સ્વીકારવી એ સૌથી સારું કહેવાય. એ રીતે જીવીશું તો, આપણી પાસે જે કંઈ રોટી-કપડાં હોય એમાં સંતોષી રહીશું અને જીવનનો આનંદ માણીશું. તેમ જ યહોવાહની સાથે પાકો નાતો બાંધવા બનતું બધું જ કરતા રહીશું.—૧ તીમોથી ૬:૮.

બુદ્ધિમાનોને સલાહ

(સભાશિક્ષક ૭:૧–૧૨:૮)

આપણે કઈ રીતે પોતાની સારી શાખ જાળવી શકીએ? દુનિયાના નેતાઓ અને થઈ રહેલા અન્યાય પ્રત્યે આપણું કેવું વલણ હોવું જોઈએ? મૂએલાં તો કંઈ જાણતાં નથી. પણ આપણે જાણીએ છીએ. તો આપણે કઈ રીતે જીવવું જોઈએ? યુવાનો કઈ રીતે પોતાનો સમય અને શક્તિ સારી રીતે વાપરી શકે? એ અને એના જેવી બીજી બાબતો વિષે સભાશિક્ષકના ૭-૧૨ અધ્યાયમાં સૌથી સારી સલાહ આપવામાં આવી છે.

સવાલ-જવાબ:

૭:૧૯—કઈ રીતે બુદ્ધિ “દશ અમલદારો” કરતાં વધારે શક્તિમાન છે? બાઇબલમાં “દશ” નંબર લાક્ષણિક રીતે પૂર્ણતા કે કોઈ પણ રીતે સંપૂર્ણતા બતાવવા વાપરવામાં આવે છે. સુલેમાન કહે છે કે દશ સૈનિકો શહેરનું રક્ષણ કરે છે એના કરતાં બુદ્ધિ વધારે રક્ષણ આપે છે.

૧૦:૨—“બુદ્ધિમાન માણસનું હૃદય તેને જમણે હાથે છે; પણ મૂર્ખનું હૃદય તેને ડાબે હાથે છે.” એનો શું અર્થ થાય? એમ કહેવામાં આવે છે કે જમણો હાથ કૃપા કે મહેરબાનીને બતાવે છે. એટલે વ્યક્તિનું હૃદય તેને જમણે હાથે છે, એનો અર્થ થાય કે તેનું હૃદય તેને સારું કરવા પ્રેરે છે. જો તેનું હૃદય તેને ભૂંડું કે ખોટું કરવા પ્રેરે તો, વ્યક્તિનું હૃદય તેને ડાબે હાથે છે.

૧૦:૧૫—કઈ રીતે “મૂર્ખોની મહેનત તેઓમાંના દરેકને થકવે છે”? જો કોઈ સમજી-વિચારીને કામ ન કરે તો, તે કાળી મજૂરી કરીને થાકીને લોથપોથ થઈ જાય છે. તેની મહેનત પર પાણી ફરી વળે છે. એનાથી તેને કોઈ ફાયદો થતો નથી.

૧૧:૭, ૮—“અજવાળું રમણીય છે, ને સૂર્ય જોવો એ આંખને ખુશકારક લાગે છે.” એનો શું અર્થ થાય? દરેકને સૂર્યમાંથી નીકળતું અજવાળું કે પ્રકાશ ખૂબ જ ગમે છે. સુલેમાન કહે છે કે જીવન જીવવા જેવું બીજું કાંઈ જ નથી. ઘડપણમાં અંધકારના દિવસો આવે, એટલે કે નજર ખૂટી જાય, શક્તિ ખૂટી જાય એ પહેલાં આપણે જીવનનો ‘આનંદ’ માણવો જોઈએ.

૧૧:૧૦—“યુવાવસ્થા તથા ભરજુવાની” કેમ વ્યર્થ છે? આપણે જો યુવાનીના દિવસોનો સારી રીતે ઉપયોગ નહિ કરીએ તો, જેવી રીતે વરાળ ઝડપથી ઊડી જાય છે તેમ ભરજુવાની પણ ઝડપથી જતી રહેશે.

આપણે શું શીખી શકીએ?

૭:૬. કારણ વગર કે અયોગ્ય સમયે હસ-હસ કરવું, રસોઈ કરતી વખતે ચૂલામાં બળતા ઝાંખરાના તડતડાટ જેવું છે. એ નકામું છે, કંટાળો આપે છે. આપણે એવું ખોટે-ખોટું હસવાનું ટાળવું જોઈએ.

૭:૨૧, ૨૨. લોકો આપણા વિષે કેવી વાતો કરે છે, એની આપણે ખોટી ચિંતા ન કરવી જોઈએ.

૮:૨, ૩; ૧૦:૪. આપણા માલિક કે ઉપરી આપણા કામ વિષે કચકચ કરે કે ઠપકો આપે તો, આપણે શાંત રહેવું જોઈએ. ‘તેની રૂબરૂમાંથી બહાર જવાને ઉતાવળ ન કરવી’ જોઈએ. એટલે કે કામ છોડી દેવાની ઉતાવળ ન કરવી જોઈએ.

૮:૮; ૯:૫-૧૦, ૧૨. જેવી રીતે માછલાં ને પક્ષી અણધાર્યાં જાળ કે ફાંદામાં ફસાઈને મરી જાય છે, એ જ રીતે આપણું પણ મોત થઈ શકે. જોકે એવો કોઈ ઇન્સાન નથી જે બીજાને જીવતો રાખી શકે, કે તેને મનુષ્યના દુશ્મન મોતના પંજામાંથી છોડાવી શકે. આપણે કદી જેમ-તેમ પોતાનો સમય બરબાદ ન કરવો જોઈએ. યહોવાહ ચાહે છે કે આપણે જીવનની કદર કરીને સુખેથી જીવીએ. એ માટે આપણે યહોવાહની સેવા પોતાના જીવનમાં સૌથી પ્રથમ મૂકવી જોઈએ.

૮:૧૬, ૧૭. યહોવાહે આજ સુધી જે કર્યું છે, અને મનુષ્ય પર જે વીતવા દીધું છે, એના વિષે આપણે ઊંઘ વેચીને જાણવાનો પ્રયત્ન કરીશું તોય, એ કદી જાણી નહિ શકીએ. મનુષ્યએ આજ સુધી જે જુલમ વેઠ્યો છે એની આપણે ચિંતા કરીશું તો, જીવનનો આનંદ ગુમાવી દઈશું.

૯:૧૬-૧૮. લોકોને બુદ્ધિ કે ડહાપણની કોઈ કદર કે કિંમત ન હોય તોપણ આપણે એની કદર કરતા રહેવું જોઈએ. મૂર્ખની જેમ આપણે બૂમાબૂમ ન કરવી જોઈએ. પણ શાંતિથી અને પ્રેમથી બોલવું જોઈએ.

૧૦:૧. આપણે પોતાના વાણી-વર્તન સંભાળવા જોઈએ. આપણે જો કોઈની સાથે વગર વિચાર્યું બોલીશું, બૂમબરાડા કરીશું, વધુ પડતો દારૂ પીશું અથવા પોતાના લગ્‍નસાથી સિવાય પારકી વ્યક્તિ સાથે ગંદા ચેનચાળા કરીશું તો, એનાથી આપણી શાખ પર પાણી ફરી વળશે!

૧૦:૫-૧૧. જો કોઈને કામ આવડતું ન હોય તોપણ તે ઊંચા હોદ્દા પર હોય તો, એની અદેખાઈ ન કરવી જોઈએ. એવા સંજોગમાં તે સાદું કામ કરવામાં પણ નિષ્ફળ જશે. એને બદલે આપણે “સીધા ચાલવાને માટે બુદ્ધિ” વાપરતા શીખવું જોઈએ. એ “લાભકારક” છે. આપણે યહોવાહના રાજ્યનો સારી રીતે પ્રચાર કરતા શીખીએ એ સૌથી મહત્ત્વનું છે! એમ કરીશું તો આપણે જરૂર સફળ થઈશું.

૧૧:૧, ૨. આપણે ઉદાર બનવું જોઈએ. તો બીજાઓ પણ આપણી સાથે ઉદારતાથી વર્તશે.—લુક ૬:૩૮.

૧૧:૩-૬. આપણે જાણતા નથી કે કાલે શું થશે. પરંતુ એના લીધે આપણા નિર્ણયો અચોક્કસ નહિ, પણ ચોક્કસ હોવા જોઈએ.

૧૧:૯; ૧૨:૧-૭. યહોવાહ યુવાનો પાસેથી પણ હિસાબ લેશે. ઘડપણમાં તમારી પાસે સમય ને શક્તિ નહિ હોય. માટે હમણાં જ યહોવાહની સેવામાં તમારું જીવન વાપરો.

“બુદ્ધિમાનનાં વચનો” આપણને દોરશે

(સભાશિક્ષક ૧૨:૯-૧૪)

‘સભાશિક્ષકે દિલપસંદ વચનોથી’ જે લખ્યું છે એના વિષે આપણને કેવું લાગવું જોઈએ? દુનિયાના લેખકો પોતાના વિચારો પ્રમાણે “ઘણાં પુસ્તકો” લખે છે. એના કરતાં આ પુસ્તક તદ્‍ન જુદું છે. “બુદ્ધિમાનનાં વચનો આર જેવાં છે અને સભાપતિઓનાં વચનો કે જે એક પાળક તરફથી આપવામાં આવેલાં છે, તેઓ બરાબર જડેલા ખીલા જેવાં છે.” (સભાશિક્ષક ૧૨:૧૦-૧૨) એ “પાળક” યહોવાહ પરમેશ્વર છે. તેમના શબ્દોથી આપણા જીવન પર ઊંડી અસર પડે છે.

સભાશિક્ષકના પુસ્તકમાં આપેલી સલાહ પોતાના જીવનમાં ઉતારીશું તો સુખી થઈશું. જીવવાની ઇચ્છા જાગશે. એ ઉપરાંત યહોવાહે આપણને વરદાન આપ્યું છે: “જેઓ દેવનો ડર રાખે છે તથા તેની સમક્ષ બીહે છે તેમનું ભલું થશે જ.” ચાલો આપણે મનમાં ગાંઠ વાળીએ કે આપણે ‘ઈશ્વરનો ભય રાખીને તેમની આજ્ઞાઓ પાળીશું.’—સભાશિક્ષક ૮:૧૨; ૧૨:૧૩. (w 06 11/1)

[પાન ૧૦ પર ચિત્ર]

યહોવાહ આપણને અન્‍ન-પાણી આપે છે, જેથી આપણે પોતાની મહેનતનું ફળ ખાઈએ

[પાન ૧૧ પર ચિત્ર]

યહોવાહ ઈશ્વરના સમયે તેમના હાથનું કામ અતિ સુંદર બનશે