સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યશાયાહના પુસ્તકના મુખ્ય વિચારો—૧

યશાયાહના પુસ્તકના મુખ્ય વિચારો—૧

યહોવાહનો શબ્દ જીવંત છે

યશાયાહના પુસ્તકના મુખ્ય વિચારો—૧

“હું કોને મોકલું? અમારે સારૂ કોણ જશે?” યહોવાહે આ સવાલ પૂછ્યો. આમોસના પુત્ર યશાયાહે જવાબ આપ્યો કે “હું આ રહ્યો; મને મોકલ.” (યશાયાહ ૧:૧; ૬:૮) પછી યહોવાહે યશાયાહને પોતાના પ્રબોધક કે પયગંબર બનાવ્યા. યશાયાહના જ નામ પરથી લખાયેલા પુસ્તકમાં તેમના કામ વિષે વાંચવા મળે છે.

યશાયાહ પોતે જ એ પુસ્તકના લેખક હતા. એ પુસ્તકમાં લગભગ ઈ.સ. પૂર્વે ૭૭૮-૭૩૨ સુધીના સમયની, કુલ ૪૬ વર્ષોની વાત થાય છે. ખરું કે પુસ્તકમાં યહુદાહ, ઈસ્રાએલ અને તેઓની આજુબાજુની પ્રજાઓ માટે ચેતવણીઓ છે, પણ એનો મુખ્ય વિષય શિક્ષા નથી. એ પુસ્તકનો મુખ્ય વિષય છે, ‘યહોવાહ આપણને છોડાવશે.’ (યશાયાહ ૨૫:૯) યશાયાહ નામનો અર્થ એ જ થાય કે “યહોવાહ તરફથી તારણ.” આ લેખમાં યશાયાહ ૧:૧–૩૫:૧૦માંથી મુખ્ય વિચારો લેવામાં આવ્યા છે.

“થોડા જ પાછા આવશે”

(યશાયાહ ૧:૧–૧૨:૬)

યશાયાહના પુસ્તકના પહેલા પાંચ અધ્યાયોનો સંદેશો, યશાયાહને પ્રબોધક બનાવ્યા પહેલાં અપાયો કે પછી, એના વિષે બાઇબલ કંઈ જણાવતું નથી. (યશાયાહ ૬:૬-૯) તોપણ એક વાતની કોઈ શંકા નથી કે યહુદાહ અને યરૂશાલેમના લોકોની ભક્તિ એકદમ ભેળસેળવાળી થઈ ગઈ હતી. તેઓ જાણે ‘પગના તળિયાથી તે માથા સુધી’ બીમાર હતા. (યશાયાહ ૧:૬) જ્યાં જુઓ ત્યાં મૂર્તિપૂજા થતી હતી. ગુરુઓ લોભી હતા. સ્ત્રીઓ અભિમાની હતી. લોકો ઈશ્વરની મરજી પ્રમાણે નહિ, પણ મન ફાવે તેમ ભજતા હતા. યશાયાહને એવા લોકોને વારંવાર સંદેશો આપવાનું કામ મળ્યું, જેઓ નથી સમજવા તૈયાર કે નથી જાણવા તૈયાર.

યહુદાહ પર ઈસ્રાએલ અને અરામ કે સિરિયા ભેગા મળીને ચડાઈ કરવાની તૈયારી કરે છે. યશાયાહ અને તેમનાં બાળકોને ‘ચિહ્‍નો તથા અદ્‍ભુત કામો’ કે ચમત્કારો તરીકે વાપરીને, યહોવાહ ખાતરી આપે છે કે ઈસ્રાએલ અને સિરિયા પોતાના મકસદમાં કામયાબ નહિ થાય. (યશાયાહ ૮:૧૮) ખરું કે શાંતિનું રાજ તો ‘શાંતિના સરદારના’ રાજમાં જ આવશે. (યશાયાહ ૯:૬, ૭) યહોવાહ આશ્શૂરને પોતાના “રોષનો દંડ” તરીકે વાપરે છે. પણ યહોવાહ ટાઈમ આવ્યે એનો પણ હિસાબ લેશે. યહુદાહ આખરે ગુલામીમાં જશે, તોપણ ‘તેમાંના થોડા પાછા આવશે.’ (યશાયાહ ૧૦:૫, ૨૧, ૨૨) જાણે કે “યિશાઈના ઠૂંઠામાંથી ફણગો ફૂટશે,” એના રાજમાં ન્યાયનો સૂરજ ઊગશે.—યશાયાહ ૧૧:૧.

સવાલ-જવાબ:

૧:૮, ૯—કઈ રીતે “સિયોનની દીકરી દ્રાક્ષાવાડીના માંડવા જેવી, કાકડીની વાડીના માળા જેવી છે”? આશ્શૂર હુમલો કરશે ત્યારે, યરૂશાલેમની હાલત એકદમ ખરાબ હશે. એવી રીતે કે જાણે દ્રાક્ષાવાડીનો માંડવો અને કાકડીની વાડીનો માળો પડું-પડું થતો હોય. પણ યહોવાહ એની મદદે આવે છે. એના હાલ સદોમ અને ગમોરાહ જેવા થવા દેતા નથી.

૧:૧૮—“આવો, આપણે વિવાદ કરીએ,” આ શબ્દોનો શું અર્થ થાય છે? આ કલમ બે પક્ષો વચ્ચે સમાધાન કરવા ભેગા થવાનું સૂચવતી નથી. પણ એ કલમ બતાવે છે કે અદલ ઇન્સાફ કરવા, સાચા જજ યહોવાહ પોતે ઈસ્રાએલી લોકોને મોકો આપે છે કે તેઓ સુધરે. યહોવાહની ભક્તિ શુદ્ધ દિલથી કરે.

૬:૮ક—અહીં “હું” અને “અમારે” સર્વનામો કેમ વપરાયાં છે? “હું” સર્વનામ યહોવાહને માટે વપરાયું છે. “અમારે” સર્વનામ જણાવે છે કે યહોવાહ સાથે બીજું કોઈ પણ છે. એ બીજું કોઈ નહિ, યહોવાહના ‘એકના એક પુત્ર’ ઈસુ છે.—યોહાન ૧:૧૪; ૩:૧૬.

૬:૧૧—“હે પ્રભુ, તે ક્યાં સુધી?” એવું યશાયાહે કેમ પૂછ્યું? યશાયાહ એમ પૂછવા માંગતા ન હતા કે ક્યાં સુધી પોતાને કઠણ મનના લોકોને યહોવાહનો સંદેશો આપવો પડશે. એના બદલે તે તો જાણવા માંગતા હતા કે લોકોની આવી હાલત ક્યાં સુધી રહેશે, જેનાથી યહોવાહનું નામ બદનામ થતું હતું.

૭:૩, ૪—યહોવાહે કેમ દુષ્ટ રાજા આહાઝને બચાવ્યો? અરામ કે સિરિયા અને ઈસ્રાએલના રાજાઓ યહુદાહના રાજા આહાઝની ગાદી ઝૂંટવી લેવા માંગતા હતા. જેથી તેઓ પોતાનું કહેવું માને એવા, ટાબએલના દીકરાને રાજા બનાવે. પણ તે દાઊદનો વંશજ ન હતો. આ બધી શેતાનની ચાલ હતી, જેથી દાઊદ સાથે કરેલા રાજ્યના કરારનો ભંગ થાય. યહોવાહે આહાઝને બચાવ્યો જેથી દાઊદનો વંશ ચાલતો રહે, જેમાંથી “શાંતિનો સરદાર” આવવાનો હતો.—યશાયાહ ૯:૬.

૭:૮—કઈ રીતે ૬૫ વર્ષમાં એફ્રાઈમ ‘નાશ પામ્યું’? યશાયાહે આ ભવિષ્યવાણી કરી એના થોડા સમયમાં, “ઇસ્રાએલના રાજા પેકાહના દિવસોમાં” દસ કુળના રાજ્યમાંથી ઈસ્રાએલીઓને ગુલામ બનાવીને લઈ જવામાં આવ્યા. પછી ત્યાં પરદેશીઓને વસાવવા લાગ્યા. (૨ રાજાઓ ૧૫:૨૯) ત્યારથી લઈને છેક આશ્શૂરના રાજા અને સાન્હેરીબના પુત્ર, એસાર-હાદ્દોનના રાજ સુધી એમ ચાલ્યું. (૨ રાજાઓ ૧૭:૬; એઝરા ૪:૧, ૨; યશાયાહ ૩૭:૩૭, ૩૮) આમ આશ્શૂરીઓનું લોકોને સમરૂનમાં લાવવું-લઈ જવું ૬૫ વર્ષો સુધી ચાલ્યું. એ રીતે યશાયાહ ૭:૮ના શબ્દો સાચા પડ્યા.

૧૧:૧, ૧૦—કઈ રીતે ઈસુ ખ્રિસ્ત ‘યિશાઈના ઠૂંઠામાંથી ફૂટેલો ફણગો અને તેની જડ કે તેનું થડ’ બની શકે? (રૂમી ૧૫:૧૨) ઈસુ “યિશાઈના ઠૂંઠામાંથી” એટલે કે યિશાઈના વંશમાંથી જન્મ્યા હતા. એટલે કે યિશાઈના દીકરા, દાઊદના કુટુંબમાં ઈસુ જન્મ્યા હતા. (માત્થી ૧:૧-૬; લુક ૩:૨૩-૩૨) પણ જ્યારે ઈસુને સ્વર્ગમાં રાજા બનાવવામાં આવ્યા, ત્યારે તેમના વંશજો સાથેના સંબંધમાં ફેરફાર થયો. ઈસુને સત્તા અને અધિકાર આપવામાં આવ્યા કે જે કોઈ વ્યક્તિ યહોવાહની દિલથી ભક્તિ કરે, તેને અમર જીવનનો આશીર્વાદ આપવો. એટલે ઈસુ એવા લોકોના “સનાતન પિતા” બને છે. (યશાયાહ ૯:૬) આમ ઈસુ યિશાઈ જેવા બાપ-દાદાઓનું પણ “થડ” બને છે.

આપણે શું શીખી શકીએ?

૧:૩. આપણને બનાવનારનું કહેવું ન માનીએ તો આપણામાં બળદ કે ગધેડા જેટલી પણ બુદ્ધિ નથી. એને બદલે, યહોવાહે આપણા માટે જે કર્યું છે, એના પર વિચાર કરીએ. પછી આપણે તેમના દિલને દુઃખી નહિ કરીએ. તેમનો સાથ નહિ છોડી દઈએ.

૧:૧૧-૧૩. ઢોંગી રીત-રિવાજો અને ઢોંગી પ્રાર્થનાથી યહોવાહને નફરત છે. આપણે પ્રાર્થના અને ભક્તિ દિલથી ને સારા ઇરાદાથી કરવી જોઈએ.

૧:૨૫-૨૭; ૨:૨; ૪:૨, ૩. યહુદાહની ગુલામી અને એનો વિનાશ થયો. જ્યારે પસ્તાવો કરીને બચેલા લોકો યરૂશાલેમ પાછા આવ્યા અને યહોવાહની ભક્તિ ત્યાં શરૂ કરી ત્યારે, એ હાલતનો અંત આવ્યો. પસ્તાવો કરનારને દયાના સાગર યહોવાહ માફ કરે છે.

૨:૨-૪. પૂરી હોંશ ને જોશથી યહોવાહના રાજ્ય વિષે જણાવીને, લોકોને યહોવાહના ભક્તો બનાવીએ. એનાથી ઘણી નાત-જાતના લોકોને શાંતિના માર્ગે ચાલવા, હળી-મળીને રહેવા મદદ મળે છે.

૪:૪. યહોવાહ ખોટાં કે અશુદ્ધ કામો, ખૂન-ખરાબી બધું જ ધોઈ નાખશે, બંધ કરાવી દેશે.

૫:૧૧-૧૩. વ્યક્તિ જ્યારે મોજશોખમાં લિમિટ બહાર જાય છે, ત્યારે તે જાણીજોઈને જ્ઞાનની વિરુદ્ધ વર્તે છે.—રૂમી ૧૩:૧૩.

૫:૨૧-૨૩. મંડળમાં વડીલો કે ઓવરસિયરો ‘પોતાની નજરમાં બુદ્ધિમાન’ ન થાય. તેઓ ‘દારૂ’ પીવામાં લિમિટ રાખે. કોઈના માટે ભેદભાવ ન રાખે.

૧૧:૩ક. યહોવાહનો ડર રાખીને જીવવામાં જ ખુશી છે, એ આપણે ઈસુના જીવનથી, તેમના શિક્ષણથી જોઈએ છીએ.

“યહોવાહ યાકૂબ પર દયા કરશે”

(યશાયાહ ૧૩:૧–૩૫:૧૦)

૧૩-૨૩ અધ્યાયોમાં જુદા જુદા દેશોને યહોવાહે આપેલો વિનાશનો સંદેશો છે. પણ ઈસ્રાએલનાં બધાં કુળોને વતન પાછા ફરવા દઈને, “યહોવાહ યાકૂબ પર દયા કરશે.” (યશાયાહ ૧૪:૧) ૨૪-૨૭ અધ્યાયોમાં યહુદાહના વિનાશના સંદેશા સાથે સાથે એ ફરીથી બંધાવાનું વચન પણ છે. ઈસ્રાએલ કે ‘એફ્રાઈમના છાકટાઓ’ એટલે દારૂડિયાઓએ અરામ સાથે દોસ્તી કરી. યહુદાહના ‘યાજક અને પ્રબોધકે’ આશ્શૂરનો સાથ લીધો. એટલે તેઓ પર યહોવાહનો ક્રોધ સળગી ઊઠે છે. (યશાયાહ ૨૮:૧,) “અરીએલ” એટલે યરૂશાલેમ પર અફસોસ! એ પોતાના રક્ષણ માટે મદદ માગવા ‘મિસરમાં ચાલ્યું જાય છે.’ (યશાયાહ ૨૯:૧; ૩૦:૧, ૨) તોપણ જે કોઈ યહોવાહમાં શ્રદ્ધા રાખશે, તેઓ બચી જવા પામશે.

‘સિંહનો બચ્ચો પોતાના શિકાર પર ઘૂરકે’ તેમ, યહોવાહ ‘સિયોન પર્વતનું’ રક્ષણ કરશે. (યશાયાહ ૩૧:૪) આ વચન પણ આપવામાં આવ્યું: “જુઓ, એક રાજા ન્યાયથી રાજ કરશે.” (યશાયાહ ૩૨:૧) યહુદાહ પર આશ્શૂરીઓની ધમકીને લીધે “સલાહ કરનારા એલચીઓ” પોક મૂકીને રડે છે. તોપણ યહોવાહ વચન આપે છે કે તેઓ સાજા કરાશે, “લોકોની દુષ્ટતા માફ કરવામાં આવશે.” (યશાયાહ ૩૩:૭, ૨૨-૨૪) “સર્વ પ્રજાઓ પર ને તેનાં સર્વ સૈન્યો પર યહોવાહને ક્રોધ ચઢ્યો છે.” (યશાયાહ ૩૪:૨) યહુદાહની તબાહી એવી ને એવી રહેશે નહિ. “અરણ્ય તથા સૂકી ભૂમિ હરખાશે; વન આનંદ કરશે ને ગુલાબની પેઠે ખીલશે.”—યશાયાહ ૩૫:૧.

સવાલ-જવાબ:

૧૩:૧૭—કઈ રીતે માદીઓએ રૂપાને ગણકાર્યું નહિ અને સોનાથી રીઝ્યા નહિ? માદી અને ઈરાનીઓને મન યુદ્ધમાં મળેલી જીતનું જેટલું મહત્ત્વ હતું, એટલું એમાં મળેલી લૂંટનું ન હતું. કોરેશના કિસ્સામાં એ સાચું સાબિત થયું. તેણે ઈસ્રાએલી ગુલામોને પાછા જવા દીધા. તેણે તેઓને સોના-ચાંદીનાં વાસણો પણ પાછાં આપ્યાં, જે નબૂખાદનેસ્સાર યહોવાહના મંદિરમાંથી લૂંટી લાવ્યો હતો.

૧૪:૧, ૨—કઈ રીતે યહોવાહના લોકો “પોતાને બંદીવાન કરનારાઓને બંદીવાન કરી લેશે; અને તેમના પર જુલમ કરનારાઓ પર તેઓ અધિકાર ચલાવશે”? આ દાનીયેલ જેવા ઈશ્વરભક્તોના કિસ્સામાં પૂરું થયું. માદી-ઈરાનના રાજમાં દાનીયેલ બાબેલોનમાં મોટા અધિકારી હતા; એસ્તેર ઈરાનની રાણી બની; મોર્દખાયને ઈરાનના રાજમાં વડાપ્રધાન બનાવવામાં આવ્યા.

૨૦:૨-૫—શું યશાયાહ ત્રણ વર્ષ સુધી સાવ નગ્‍ન ફર્યા હતા? ના. “ઉઘાડું” ભાષાંતર થયેલા હેબ્રી શબ્દનો અર્થ એ પણ થાય કે સાવ થોડાંક કપડાં પહેરવાં. યશાયાહે ફક્ત પોતાનાં ઉપરના વસ્ત્રો કાઢી નાખ્યાં હશે, જ્યારે કે અંદરનાં કપડાં પહેરી રાખ્યાં હશે.

૨૧:૧—‘સમુદ્ર પાસેનું અરણ્ય,’ એ ક્યાં આવ્યું હતું? બાબેલોન સમુદ્ર પાસે ન હતું તોપણ, એના વિષે એમ કહેવાયું હતું. દર વર્ષે યુફ્રેટીસ અને તાઇગ્રિસ નદીઓમાં પૂર આવતું. જેને કારણે ત્યાં કાદવવાળી જમીનનો જાણે “સમુદ્ર” બની જતો.

૨૪:૧૩-૧૬—કઈ રીતે યહુદીઓ ‘પૃથ્વીમાં ઝૂડાએલા જૈતવૃક્ષ જેવા, દ્રાક્ષાની મોસમ થઈ રહ્યા પછી બાકી રહેલી દ્રાક્ષા જેવા થશે’? જેમ ફળ ઝૂડી લેવાય અને દ્રાક્ષો વીણી લેવાય પછી પણ અમુક રહી જાય, એમ યરૂશાલેમ અને યહુદાહના વિનાશ પછી ફક્ત થોડાક જ બચવા પામશે. બચી જનારાને જ્યાં પણ મોકલવામાં આવે, એટલે ‘પૂર્વ’ અથવા બાબેલોન કે પછી ભૂમધ્ય ‘સમુદ્રના બેટો’ એટલે ટાપુઓ પર મોકલવામાં આવે, ત્યાં ઈસ્રાએલીઓ યહોવાહનો જયજયકાર કરશે.

૨૪:૨૧—‘ઉચ્ચસ્થાનનું સૈન્ય’ અને ‘પૃથ્વીના રાજાઓ’ કોણ છે? ‘ઉચ્ચસ્થાનનું સૈન્ય’ ખરાબ દૂતો હોઈ શકે. ‘પૃથ્વીના રાજાઓ’ એ સરકારો કે સત્તાઓ હોઈ શકે, જેઓ પર દુષ્ટ દૂતોની જોરદાર પકડ છે.—૧ યોહાન ૫:૧૯.

૨૫:૭—‘સઘળી પ્રજાઓ પર ઓઢાડેલો ઘૂંઘટ અને સર્વ પ્રજાઓ પર પસારેલું આચ્છાદન’ શું છે? આ બે ચીજની સરખામણી મનુષ્યના બે જાની દુશ્મનો સાથે થાય છે: પાપ અને મરણ.

આપણે શું શીખી શકીએ?

૧૩:૨૦-૨૨; ૧૪:૨૨, ૨૩; ૨૧:૧-૯. યહોવાહે પહેલેથી જે જણાવ્યું છે, એ બધુંય ચોક્કસ પૂરું થશે જ. બાબેલોન એનો દાખલો છે.

૧૭:૭, ૮. ખરું કે મોટા ભાગના ઈસ્રાએલી લોકોએ યહોવાહનું ન સાંભળ્યું, પણ અમુક તેમના માર્ગ પર ચાલ્યા. એ જ રીતે આજે ચર્ચ કે કહેવાતા ખ્રિસ્તીઓમાંથી પણ અમુક સાંભળશે.

૨૮:૧-૬. ઈસ્રાએલની આશ્શૂર સામે હાર થશે, પણ યહોવાહ પોતાને વળગી રહેનારાને બચાવશે. યહોવાહ વિનાશ લાવે ત્યારે, એવા લોકો માટે ચોક્કસ આશા હોય છે.

૨૮:૨૩-૨૯. યહોવાહ સાચા ભક્તોને જરૂર હોય એમ સંજોગો પ્રમાણે ઘડે છે. સુધારે છે.

૩૦:૧૫. યહોવાહ આપણને પણ બચાવે એવું ચાહતા હોઈએ તો, ‘શાંત રહેવાની’ જરૂર છે. એટલે કે બચાવ માટે માણસો પાસે દોડી ન જઈએ. “શાંત રહેવાથી” કે ગભરાઈ ન જઈને, આપણા રક્ષણ માટે યહોવાહમાં પૂરી શ્રદ્ધા રાખીશું.

૩૦:૨૦, ૨૧. આપણે જાણે યહોવાહને ‘જોઈએ’ છીએ. તેમનો અવાજ ‘સાંભળીએ’ છીએ. કઈ રીતે? યહોવાહ બાઇબલમાંથી અને “વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર” દ્વારા જે શીખવે છે, એ પ્રમાણે જીવીને.—માત્થી ૨૪:૪૫.

યશાયાહની ભવિષ્યવાણી બાઇબલમાં આપણી શ્રદ્ધા વધારે છે

યશાયાહના પુસ્તકમાંથી જે શીખવા મળે છે, એ માટે આપણે યહોવાહની દિલથી કદર કરીએ છીએ! જે જે ભવિષ્યવાણીઓ પૂરી થઈ છે, એનાથી આપણી શ્રદ્ધા વધે છે કે ‘યહોવાહના મુખમાંથી જે વચન નીકળ્યું છે તે સફળ થયા વિના, ફોકટ તેમની પાસે પાછું વળશે નહિ.’—યશાયાહ ૫૫:૧૧.

યશાયાહ ૯:૭ અને ૧૧:૧-૫, ૧૦ જેવી મસીહ વિષેની ભવિષ્યવાણીનું શું? એ યહોવાહે બચાવ માટે કરેલી ગોઠવણમાં આપણો ભરોસો વધારે છે. યશાયાહના પુસ્તકમાં હજુ એવી ઘણી ભવિષ્યવાણી છે, જે મોટા પાયે આપણા સમયમાં પૂરી થાય છે. કે પછી નજીકમાં પૂરી થશે. (યશાયાહ ૨:૨-૪; ૧૧:૬-૯; ૨૫:૬-૮; ૩૨:૧, ૨) સાચે જ યશાયાહનું પુસ્તક એ હકીકતની સાબિતી આપે છે કે “દેવનો શબ્દ જીવંત” છે!—હેબ્રી ૪:૧૨. (w 06 12/1)

[પાન ૧૨ પર ચિત્ર]

યશાયાહ અને તેમનાં બાળકો ‘ઈસ્રાએલમાં ચિહ્‍નો અને અદ્‍ભુત કામોને’ માટે હતા

[પાન ૧૩ પર ચિત્ર]

યરૂશાલેમ ‘દ્રાક્ષાવાડીના માંડવા જેવું’ બની જવાનું હતું

[પાન ૧૪ પર ચિત્ર]

પ્રજાઓના લોકોને કઈ રીતે “પોતાની તરવારોને ટીપીને કોશો” બનાવવા મદદ મળી રહી છે?