સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવાહની શિક્ષાને હંમેશાં સ્વીકારો

યહોવાહની શિક્ષાને હંમેશાં સ્વીકારો

યહોવાહની શિક્ષાને હંમેશાં સ્વીકારો

“યહોવાહની શિક્ષાને તુચ્છ ન ગણ.”—નીતિવચનો ૩:૧૧.

૧. આપણે કેમ યહોવાહ પાસેથી મળતી શિક્ષાનો સ્વીકાર કરવો જોઈએ?

 અગાઉના ઈસ્રાએલના રાજા સુલેમાન, યહોવાહ ઈશ્વર પાસેથી મળતી કોઈ પણ શિક્ષાને સ્વીકારવાનું ઉત્તેજન આપે છે. એનું કારણ જણાવતા તે કહે છે: “મારા દીકરા, યહોવાહની શિક્ષાને તુચ્છ ન ગણ; અને તેના ઠપકાથી કાયર ન થા; કેમ કે જેમ પિતા પોતાના માનીતા પુત્રને ઠપકો દે છે તેમ યહોવાહ જેના પર પ્રેમ રાખે છે તેને ઠપકો દે છે.” (નીતિવચનો ૩:૧૧, ૧૨) યહોવાહ આપણને બધાને જીવની જેમ ચાહે છે. એટલે જ જરૂર પડ્યે તે આપણને શિક્ષા પણ કરે છે.

૨. “શિક્ષા” એટલે શું? આપણને કેવી કેવી રીતે શિક્ષા મળે છે?

“શિક્ષા” એટલે શું? એ વ્યક્તિને સુધારવા માટે આપવામાં આવતી સજા, શિખામણ કે શિક્ષણ છે. ઈશ્વરભક્ત પાઊલે લખ્યું, “શિક્ષા થાય ત્યારે આનંદ નહિ પણ દુઃખ થાય છે, પણ પાછળથી આપણને ખબર પડે છે કે શિક્ષાને પરિણામે આપણે કૃપા અને સદ્‍ગુણોમાં વૃદ્ધિ પામીએ છીએ.” (હિબ્રૂ ૧૨:૧૧, IBSI) ઈશ્વર પાસેથી મળતી શિક્ષા સ્વીકારીને, એ પ્રમાણે જીવીએ છીએ ત્યારે એનાથી ઘણા આશીર્વાદ મળે છે. જેમ કે, આપણે સચ્ચાઈના માર્ગે ચાલતા રહીશું. યહોવાહ, પવિત્ર ઈશ્વરની દિલથી ભક્તિ કરી શકીશું. (ગીતશાસ્ત્ર ૯૯:૫) પણ આપણને સુધારો કરવા કેવી કેવી રીતે શિખામણ, ઠપકો કે શિક્ષા મળી શકે? કોઈ ભાઈ-બહેન સલાહ-સૂચન કે ઠપકો આપે. મંડળની મિટિંગોમાં એવું કંઈ શીખવા મળે. કે પછી બાઇબલમાંથી અને ‘વિશ્વાસુ કારભારી’ જે સાહિત્ય આપે છે, એની સ્ટડી કરતી વખતે પણ આપણને સુધારો કરવા મદદ મળે છે. (લુક ૧૨:૪૨-૪૪) ઘણી વાર એમ બને કે આપણને અમુક રીતે ખાસ સુધારો કરવાની જરૂર હોય, એવા સમયે જ ઉપર જોઈ ગયા એવી કોઈ રીતે શિખામણ મળે છે. એ માટે આપણે યહોવાહની દિલથી કદર કરીએ છીએ, ખરું ને? પરંતુ જો વ્યક્તિએ મોટી ભૂલ કરી હોય, કોઈ પાપ કર્યું હોય, તો કેવી શિક્ષાની જરૂર પડી શકે?

અમુકને કેમ મંડળમાંથી કાઢી મૂકવા પડે છે?

૩. વ્યક્તિને ક્યારે મંડળમાંથી કાઢી મૂકવામાં આવે છે?

યહોવાહના ભક્તો બાઇબલ અને એના સાહિત્યની સ્ટડી કરે છે. મિટિંગો, ઍસેમ્બલી, અને સંમેલનોમાં તેઓ યહોવાહનાં ઊંચાં ધોરણો વિષે શીખે છે. એટલે યહોવાહના બધા ભક્તોને ખબર છે કે પોતાનું જીવન કેવું હોવું જોઈએ. તેથી કોઈ ભાઈ કે બહેન ગંભીર ભૂલ કરીને પાપ કરી બેસે અને પસ્તાવો પણ ન કરવા માંગે તો, તેઓને મંડળમાંથી બહિષ્કૃત એટલે કે કાઢી મૂકવા પડે છે.

૪, ૫. કોઈને મંડળમાંથી કાઢી મૂકવામાં આવ્યા હોય એવો દાખલો બાઇબલમાંથી બતાવો. પાઊલે શા માટે તેને પાછો મંડળમાં લેવાની વિનંતી કરી?

બાઇબલ એવા અમુક લોકો વિષે જણાવે છે, જેઓને મંડળમાંથી કાઢી મૂકવા પડ્યા હતા. કોરીંથ મંડળનો વિચાર કરો. એ મંડળમાં એક વ્યભિચારી માણસ સામે કોઈ પગલાં લેવાયાં ન હતાં. અરે, ‘એવો વ્યભિચાર તો વિધર્મીઓમાં પણ ચાલતો ન હતો. એટલે કે તેણે પોતાની સાવકી મા’ સાથે ઘર માંડ્યું હતું. પાઊલે કોરીંથીઓને સૂચના આપી કે “તમારે એવા માણસને દેહના નાશને સારૂ શેતાનને સોંપવો, કે જેથી પ્રભુ ઈસુના દિવસમાં [મંડળનો] આત્મા તારણ પામે.” (૧ કોરીંથી ૫:૧-૫) જ્યારે તેને શેતાનને સોંપવામાં આવ્યો, એટલે કે મંડળમાંથી કાઢી મૂકવામાં આવ્યો, ત્યારે એ પાપી ફરીથી શેતાનની દુનિયાનો ભાગ બની ગયો. (૧ યોહાન ૫:૧૯) આમ, મંડળમાંથી તેની ખરાબ અસર દૂર થઈ. એનાથી મંડળ પર ઈશ્વરની કૃપા રહી. બધા જ ઈશ્વર જેવા ગુણો બતાવતા રહ્યા, જાણે કે મંડળનો ‘આત્મા’ બચી ગયો.—૨ તીમોથી ૪:૨૨; ૧ કોરીંથી ૫:૧૧-૧૩.

આ વાતને હજી બહુ સમય થયો ન હતો. પાઊલે કોરીંથના ભાઈઓને અરજ કરી કે જેને મંડળમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો, તેને પાછો મંડળમાં લેવામાં આવે. શા માટે? પાઊલે કહ્યું કે જેથી મંડળના ભાઈઓ પર ‘શેતાન ફાવી ન જાય.’ એ વ્યભિચારી વ્યક્તિએ પસ્તાવો કરીને, જીવનમાં સુધારો કર્યો હતો. (૨ કોરીંથી ૨:૮-૧૧) પણ જો કોરીંથના ભાઈઓ તેને પાછો મંડળમાં લેવાની ના પાડે તો શું બની શકે? શેતાન તેઓ પર ફાવી જઈ શકે. એટલે કે શેતાન ચાહે છે તેમ તેઓ કઠોર બની જાય. બીજાને માફ જ ન કરે. પણ એવું લાગે છે કે જલ્દી જ ભાઈઓએ એ પસ્તાવો કરનાર ભાઈને ‘માફી આપીને દિલાસો’ આપ્યો.—૨ કોરીંથી ૨:૫-૭.

૬. વ્યક્તિને મંડળમાંથી કાઢી મૂકવામાં આવે તો એનાથી શું ફાયદો થાય છે?

વ્યક્તિને કેમ મંડળમાંથી કાઢી મૂકવામાં આવે છે? એક તો એનાથી યહોવાહનું પવિત્ર નામ બદનામ ન થાય. બીજું કે એનાથી યહોવાહના લોકોમાં કોઈ સડો ન પેસે, તેઓ શુદ્ધ રહે. (૧ પીતર ૧:૧૪-૧૬) પસ્તાવો ન કરનારને મંડળમાંથી દૂર કરવાથી યહોવાહનાં ઊંચાં ધોરણો પણ જળવાઈ રહે છે. એ મંડળને યહોવાહની ભક્તિ માટે પવિત્ર રાખે છે. એને ભ્રષ્ટ થવા દેતું નથી. બીજો ફાયદો એ કે વ્યક્તિને પોતાના પાપનો અહેસાસ કરવા અને સુધરવા એ મદદ કરી શકે છે.

વ્યક્તિએ પસ્તાવો કરવો જ જોઈએ

૭. દાઊદે પોતાનાં પાપ કબૂલ ન કર્યાં ત્યારે તેમની હાલત કેવી થઈ?

મોટા ભાગે પાપ કરનારા તરત એનો પસ્તાવો કરે છે, એટલે તેઓને મંડળમાંથી કાઢી મૂકવામાં આવતા નથી. જોકે, અમુક માટે દિલથી પસ્તાવો કરવો સહેલો નથી. ઈસ્રાએલના રાજા દાઊદનો વિચાર કરો, જેમણે ગીતશાસ્ત્રનું બત્રીસમું ગીત રચ્યું. એ ગીત બતાવે છે કે પહેલા તો દાઊદે પાપની કબૂલાત કરી ન હતી. કદાચ એ પાપ બાથશેબા સાથેનો વ્યભિચાર હોઈ શકે. એ ગીત બતાવે છે કે દાઊદ પર પોતાનાં પાપોની કેવી અસર પડી હતી. ભર ઉનાળામાં ગરમીથી વૃક્ષો સૂકાઈ જાય છે તેમ, દાઊદની બધી શક્તિ જાણે સૂકાઈ ગઈ હતી. તેમના તન-મન પર એની ઘણી અસર પડી. તોપણ જ્યારે તેમણે ‘પોતાનાં પાપ કબૂલ કર્યાં, ત્યારે યહોવાહે તેમને માફ કર્યા.’ (ગીતશાસ્ત્ર ૩૨:૩-૫) દાઊદે ગીતમાં કહ્યું: ‘જેને યહોવાહ અન્યાયી ગણતો નથી, તે માણસને ધન્ય છે.’ (ગીતશાસ્ત્ર ૩૨:૧, ૨) દાઊદે પોતે યહોવાહની દયાનો આવો અનુભવ કર્યો!

૮, ૯. વ્યક્તિને કેવો પસ્તાવો થવો જોઈએ? મંડળમાં પાછા આવવા સાચો પસ્તાવો કેમ બહુ જરૂરી છે?

આપણે જોઈ ગયા તેમ વ્યક્તિ મોટી ભૂલ કરે, પાપ કરે ત્યારે, પસ્તાવો કરવો જ જોઈએ. પરંતુ પસ્તાવો કેવો હોવો જોઈએ? પોતે પાપ કર્યું છે એની ફક્ત શરમ આવવી? કે પછી બીજાઓ જાણી જશે તો શું, એવો ડર લાગવો? ના, એ સાચો પસ્તાવો નથી. પસ્તાવો તો દિલમાંથી થવો જોઈએ. “પસ્તાવો કરવો” એટલે “વ્યક્તિનું મન બદલાવું.” પોતે કરેલી ભૂલ માટે દિલ બહુ દુઃખી થતું હોવાથી, ખોટાં કામ છોડી દેવાં. પસ્તાવો કરી રહેલી વ્યક્તિનું દિલ એકદમ નરમ કે ચૂરચૂર થઈ ગયું હોય છે. તે “નમ્ર” બને છે અને શક્ય હોય તો પોતાની ભૂલ સુધારવા માંગે છે.—ગીતશાસ્ત્ર ૫૧:૧૭; ૨ કોરીંથી ૭:૧૧.

વ્યક્તિને મંડળમાં પાછી લેવા એ ખાસ જોવું પડે કે તેણે દિલથી પસ્તાવો કર્યો છે કે નહિ. એવું નથી કે અમુક સમય પછી તેને આપોઆપ પાછી મંડળમાં લેવામાં આવે. ના. તેને અહેસાસ થવો જોઈએ કે તેણે કેટલું ખરાબ કામ કર્યું છે. યહોવાહનું નામ કેવું બદનામ થયું છે, મંડળ પર કેવો દોષ લાગ્યો છે. તેના દિલમાંથી પસ્તાવાનું ઝરણું ફૂટી નીકળવું જોઈએ. યહોવાહની માફી માટે તેણે તેમને કાલાવાલા કરવા જોઈએ. તેના જીવનમાં સુધારો દેખાઈ આવવો જોઈએ. પોતે ઈશ્વરના માર્ગે જ ચાલે એનું ધ્યાન રાખવું જોઈએ. પછી મંડળમાં પાછા આવવા તે વિનંતી કરે. આમ, તે બતાવી આપે કે પોતે સાચે જ ‘પસ્તાવો કરનારને શોભે એવાં કામો’ કરે છે.—પ્રેરિતોનાં કૃત્યો ૨૬:૨૦.

શા માટે પાપ કબૂલ કરવા જોઈએ?

૧૦, ૧૧. આપણે કેમ પોતાના પાપને સંતાડવું ન જોઈએ?

૧૦ પાપ કરનાર કદાચ વિચારશે કે, ‘જો હું કોઈને કહીશ તો, તે મને ઘણા સવાલો પૂછશે. મને તકલીફમાં મૂકી દેશે. અરે, મને મંડળમાંથી કાઢી મૂકવામાં પણ આવે. એને બદલે હું કોઈને કંઈ કહું જ નહિ તો, કોઈને ખબર નહિ પડે. મને પણ કોઈ તકલીફ નહિ પડે.’ જો આવું વિચારીએ, તો આપણે પોતાને છેતરીએ છીએ. અમુક હકીકતો આપણે ભૂલીએ છીએ. એ શું છે?

૧૧ ‘યહોવાહ, દયાળુ અને કૃપાળુ ઈશ્વર છે. કોપ કરવામાં ધીમા અને અનુગ્રહ કે કૃપા અને સત્યથી ભરપૂર છે. હજારો પર કૃપા રાખનાર, અન્યાય અને ઉલ્લંઘન તથા પાપની ક્ષમા કરનાર છે.’ તોપણ તે પોતાના લોકોને ‘ન્યાયની રૂએ શિક્ષા કરે છે.’ (નિર્ગમન ૩૪:૬, ૭; યિર્મેયાહ ૩૦:૧૧) હવે જો આપણે મોટું પાપ કરી બેઠા હોઈએ, તો એને સંતાડીને કેવી રીતે ઈશ્વરની દયા પામી શકીએ? એ શક્ય જ નથી. આપણે કંઈ ખોટું કરીએ તો યહોવાહ એ જુએ છે. વ્યક્તિએ કરેલાં ખોટાં કામ તરફ યહોવાહ આંખ આડા કાન કરતા નથી.—નીતિવચનો ૧૫:૩; હબાક્કૂક ૧:૧૩.

૧૨, ૧૩. જો આપણે પોતાનાં પાપ છુપાવીએ તો શું બની શકે?

૧૨ જો આપણે કોઈ મોટું પાપ કરી બેસીએ, તો એ કબૂલ કરીને દિલ સાફ રાખી શકીશું. (૧ તીમોથી ૧:૧૮-૨૦) પણ જો એમ નહિ કરીએ, તો આપણું દિલ કપટી બની શકે. આપણે હજુ વધારે પાપ કરતા જઈશું. એ પણ ન ભૂલીએ કે આપણે ફક્ત કોઈ વ્યક્તિ કે મંડળ વિરુદ્ધ પાપ નથી કરતા. આપણે તો યહોવાહની વિરુદ્ધ પણ પાપ કરીએ છીએ. એક કવિ ગીતશાસ્ત્રમાં જણાવે છે: ‘યહોવાહ પોતાના પવિત્રસ્થાનમાં છે, યહોવાહનું રાજ્યાસન આકાશમાં છે; તેની આંખો મનુષ્યોને જુએ છે અને તેનાં પોપચાં પારખે છે. યહોવાહ ન્યાયીઓને અને સાથે સાથે દુષ્ટ તથા જુલમીને પણ પારખે છે.’—ગીતશાસ્ત્ર ૧૧:૪, ૫.

૧૩ યહોવાહ એવી વ્યક્તિને માફ નહિ કરે, જે પોતાનાં પાપ છુપાવે છે. જે માણસને છેતરીને, યહોવાહના પવિત્ર મંડળમાં રહે છે. (યાકૂબ ૪:૬) એટલે જો આપણે કોઈ પાપ કરી બેસીએ, પણ જે ખરું છે એ જ કરવા ચાહતા હોઈએ તો શું કરીશું? આપણી ભૂલ કબૂલ કરીએ. નહિ તો આપણું દિલ ડંખશે. વિચાર કરો કે મંડળમાં ખોટાં કામ વિષે શિખામણ મળે અથવા તો આપણાં પુસ્તકોમાં આપણે એના વિષે કંઈક વાંચીએ તો શું મન નહિ ડંખે? રાજા શાઊલને યાદ કરો. જો આપણે તેના જેવા બનીશું, તો યહોવાહ પોતાનો પવિત્ર આત્મા કે શક્તિ લઈ લેશે. (૧ શમૂએલ ૧૬:૧૪) આપણને યહોવાહની મદદ નહિ મળે તો, બીજા પાપમાં પડી જઈ શકીએ.

ભાઈઓમાં ભરોસો મૂકો

૧૪. ખોટું કરનારે શા માટે યાકૂબ ૫:૧૪, ૧૫ની સલાહ પાળવી જોઈએ?

૧૪ હવે જો કોઈએ પોતાની ભૂલ, પાપનો પસ્તાવો કરવો હોય, તો તેણે શું કરવું જોઈએ? “તમારામાં શું કોઈ માંદો છે? જો હોય તો તેણે મંડળીના વડીલોને બોલાવવા; અને તેઓએ પ્રભુના [યહોવાહના] નામથી તેને તેલ ચોળીને તેને માટે પ્રાર્થના કરવી; અને વિશ્વાસ સહિત કરેલી પ્રાર્થના માંદાને બચાવશે, ને પ્રભુ [યહોવાહ] તેને ઉઠાડશે; અને જો તેણે પાપ કર્યાં હશે તો તે તેને માફ કરવામાં આવશે.” (યાકૂબ ૫:૧૪, ૧૫) ‘પસ્તાવો કરનારાને શોભે એવાં ફળ આપવા’ પહેલા તો વ્યક્તિ વડીલોમાં ભરોસો મૂકીને તેઓને વાત કરશે. (માત્થી ૩:૮) પછી આ વિશ્વાસુ અને પ્રેમાળ ભાઈઓ ‘પ્રભુ યહોવાહના નામથી જાણે તેને તેલ ચોળીને તેને માટે પ્રાર્થના કરશે.’ બાઇબલમાંથી શિખામણ આપશે. વ્યક્તિએ સાચો પસ્તાવો કર્યો હશે તો, જેમ માથે તેલ ચોળવાથી સારું લાગે છે તેમ એનાથી તેને દિલાસો મળશે.—યિર્મેયાહ ૮:૨૨.

૧૫, ૧૬. વડીલો કઈ રીતે હઝકીએલ ૩૪:૧૫, ૧૬ પ્રમાણે યહોવાહને પગલે ચાલે છે?

૧૫ યહોવાહે ઈ.સ. પૂર્વે ૫૩૭માં ઈસ્રાએલી પ્રજાને બાબેલોનની ગુલામીમાંથી છોડાવી હતી. પછી ૧૯૧૯માં “મહાન બાબેલોન,” એટલે કે માણસોએ બનાવેલા સર્વ જૂઠા ધર્મોની ગુલામીથી બીજી સર્વ જાતિમાંથી પસંદ કરેલા નવા ‘ઈસ્રાએલને’ છોડાવ્યું. યહોવાહે કેવો સરસ દાખલો બેસાડ્યો! (પ્રકટીકરણ ૧૭:૩-૫; ગલાતી ૬:૧૬) તેમણે આ વચન પાળ્યું: ‘હું પોતે મારાં ઘેટાંનું પોષણ કરીશ, ને હું તેમને સુવાડીશ, ખોવાઈ ગયેલાને હું શોધીશ, ને હાંકી મૂકેલાને હું પાછું લાવીશ, ને હાડકું ભાંગી ગયેલાને હું પાટો બાંધીશ, ને માંદાને હું સાજા કરીશ.’—હઝકીએલ ૩૪:૧૫, ૧૬.

૧૬ યહોવાહે પોતાના ઘેટાંનું, એટલે કે પોતાના લોકોનું પોષણ કર્યું. તેઓનું રક્ષણ કર્યું. ખોવાઈ ગયેલાઓને પણ શોધ્યા. એ જ રીતે, આજે મંડળમાં વડીલો ધ્યાન રાખે છે કે ઈશ્વરના ટોળાંને સારું પોષણ મળતું રહે. તેઓ ટોળાંને રક્ષણ આપે છે. વડીલો એવા ભાઈ-બહેનોને પણ શોધે છે, જેઓ મંડળથી છૂટા પડીને ખોટે રસ્તે ચડી ગયા છે. યહોવાહે જાણે ‘હાડકું ભાંગી ગયેલા ઘેટાંને પાટો બાંધ્યો.’ એ જ રીતે વડીલો પણ કોઈના કડવા બોલથી કે પોતાની જ ભૂલને લીધે ઘાયલ થયેલાને ‘પાટો બાંધે છે.’ ઈશ્વર ‘માંદાને સારો કરે છે’ તેમ, વડીલો ભક્તિમાં ઠંડા પડી ગયેલા ભાઈ-બહેનોને સાજા થવા મદદ કરે છે.

વડીલો કઈ રીતે મદદ પૂરી પાડે છે?

૧૭. આપણે કેમ વડીલોની મદદ લેતા ગભરાવું ન જોઈએ?

૧૭ વડીલો ખુશીથી આ સલાહ પાળે છે: “ભયસહિત દયા રાખો.” (યહુદા ૨૩) અમુક ભાઈ-બહેનો વ્યભિચાર જેવા ફાંદામાં પડીને પાપ કરી બેસે છે. પણ જો તેઓ દિલથી પસ્તાવો કરે, તો ખાતરી રાખી શકે કે તેઓને દયા બતાવવામાં આવશે. વડીલો તેઓ સાથે પ્રેમથી વર્તશે. વડીલો તો તેઓને હોંશથી ભક્તિ કરવા મદદ કરવા તૈયાર છે. ઈશ્વરભક્ત પાઊલ પણ આવા એક વડીલ હતા. તેમણે કહ્યું: “તમારા વિશ્વાસ પર અમે અધિકાર ચલાવીએ છીએ એમ તો નહિ, પણ તમારા આનંદના સહાયકારીઓ છીએ; કેમ કે વિશ્વાસથી તમે દૃઢ રહો છો.” (૨ કોરીંથી ૧:૨૪) તેથી, વડીલોની મદદ લેતા ગભરાશો નહિ.

૧૮. કોઈ ભાઈ કે બહેને મોટી ભૂલ કરી હોય ત્યારે વડીલો એને કઈ રીતે મદદ આપશે?

૧૮ ભલે આપણે કોઈ મોટું પાપ કર્યું હોય, તોપણ શા માટે વડીલોમાં ભરોસો મૂકી શકીએ? એ માટે કે તેઓ ઈશ્વરના ટોળાની, આપણી સંભાળ રાખે છે. (૧ પીતર ૫:૧-૪) માનો કે ઘેટું જે ન કરવાનું હોય એ કરીને ક્યાંય ફસાઈ જાય. પછી બેં બેં કરીને બૂમો પાડવા લાગે, તો તેનો ઘેટાંપાળક તેને ધમકાવવા કે મારવા નહિ લાગે. એ જ રીતે, ભૂલ કરનાર ભાઈ કે બહેન મદદ માટે વડીલો પાસે આવે ત્યારે, વડીલો તેઓની ભૂલો યાદ કરાવી કરાવીને ઠપકો કે સજા આપવાનો વિચાર કરતા નથી. તેઓ તો એ જુએ છે કે વ્યક્તિએ ભૂલ કરી છે, પાપ કર્યું છે. એટલે શક્ય હોય ત્યાં તેને ફરીથી યહોવાહને માર્ગે કઈ રીતે લાવી શકાય. યહોવાહ સાથે તેનો નાતો બાંધવા કેવી મદદ કરી શકાય. (યાકૂબ ૫:૧૩-૨૦) વડીલોએ અદલ ઇન્સાફ કરવો જોઈએ અને ‘ટોળા પર દયા રાખવી’ જોઈએ. (પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૨૯, ૩૦; યશાયાહ ૩૨:૧, ૨) બીજા બધા ખ્રિસ્તીઓની જેમ વડીલોએ પણ ‘ન્યાયથી વર્તવું, દયાભાવ રાખવો, તથા ઈશ્વરની સાથે નમ્રતાથી ચાલવું જોઈએ.’ (મીખાહ ૬:૮) આવા ગુણો યહોવાહનાં ‘ઘેટાંમાંથી’ કોઈના જીવનને કે તેઓની ભક્તિને અસર કરતા નિર્ણય લેવા ખૂબ મદદ કરશે.—ગીતશાસ્ત્ર ૧૦૦:૩.

૧૯. વડીલો શું ધ્યાનમાં રાખીને વ્યક્તિને મદદ કરે છે?

૧૯ મંડળમાં વડીલોને યહોવાહે પવિત્ર આત્મા કે શક્તિથી પસંદ કર્યા છે. તેઓ યહોવાહના કહેવા પ્રમાણે ચાલે છે. તેથી, જો એમ બને કે ભૂલથી ‘કોઈ માણસ કંઈ અપરાધ કરી બેસે,’ એટલે કે તેને ભાન થાય એ પહેલાં ભૂલ કરી બેસે તો શું કરી શકાય? યહોવાહના કહેવા પ્રમાણે ચાલતા વડીલો, એવા સંજોગોમાં ‘તેને નમ્ર ભાવે પાછો ઠેકાણે લાવવા’ બનતું બધું જ કરશે. (ગલાતી ૬:૧; પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૨૮) એક સારા ડૉક્ટર ભાંગેલા હાડકાંને ખૂબ કાળજીથી પાછું બેસાડે છે, જેથી દરદીને બહુ દુઃખે નહિ. તે જલદી સાજો થઈ જાય. એ જ રીતે, વડીલો પણ યહોવાહના ઊંચા ધોરણોમાં તો મક્કમ રહે જ છે. પણ સાથે સાથે પ્રેમથી વ્યક્તિને સુધારવાની કોશિશ કરે છે. (કોલોસી ૩:૧૨) જે કોઈ મદદ આપવામાં આવે એ વડીલો પ્રાર્થના કરીને, બાઇબલને આધારે જ આપતા હોવાથી, એ યહોવાહ પાસેથી આવતી મદદ હશે.—માત્થી ૧૮:૧૮.

૨૦. વ્યક્તિને તેની ભૂલ માટે ઠપકો આપવામાં આવ્યો છે, એવી મંડળમાં જાહેરાત કરવાની જરૂર ક્યારે પડી શકે?

૨૦ જો વ્યક્તિએ કરેલા પાપ વિષે ઘણા જાણતા હોય, કે પછી એ ચોક્કસ જાહેર થવાનું જ હોય, તો મંડળમાં એની જાહેરાત કરવી સારું રહેશે. એનાથી મંડળની શાખ જળવાઈ રહેશે. જો મંડળને જણાવવાની જરૂર હોય તો એ વિષે એક સાદી જાહેરાત કરી શકાય. આવી વ્યક્તિને જ્યુડિશિયલ કમિટિ ઠપકો આપીને, જીવનમાં ફેરફાર કરવા સમય આપશે. તે ફરીથી પહેલાંની જેમ યહોવાહની ભક્તિ કરવા માંડે, એને સમય લાગશે. એ દરમિયાન તે પહેલાંના જેમ બધું નહિ કરી શકે. માનો કે તમારો પગ ભાંગી ગયો હોય તો, સારું થતા વાર તો લાગશે જ. ત્યાં સુધી તમે પહેલાંની જેમ હરી-ફરી નહિ શકો. પહેલાં જેવું બધું કરી નહિ શકો. એ જ રીતે, વ્યક્તિ યહોવાહની ભક્તિમાં ‘સાજી’ ન થાય ત્યાં સુધી અમુક બાબતો નહિ કરે તો સારું. થોડા સમય માટે પસ્તાવો કરનાર વ્યક્તિ મિટિંગોમાં જવાબ ન આપે, પણ ફક્ત સાંભળે તો તેના માટે સારું. વડીલો એ વ્યક્તિ સાથે બાઇબલ સ્ટડી ચલાવવાની ગોઠવણ કરી શકે. એનાથી વ્યક્તિને સુધારો કરવા મદદ મળશે. પછી તે ‘વિશ્વાસમાં દૃઢ’ થઈ શકશે. (તીતસ ૨:૨) આ બધું જ સજા કરવાના ઇરાદાથી નહિ, પણ પ્રેમથી પ્રેરાઈને કરવું જોઈએ.

૨૧. અમુક કિસ્સામાં વ્યક્તિને કેવી રીતે મદદ આપવામાં આવે છે?

૨૧ વડીલો ઘણી રીતોએ વ્યક્તિને મદદ કરી શકે છે. દાખલા તરીકે, કોઈ ભાઈને પહેલાં દારૂની બૂરી લત હતી. તે ઘરે એકલા હોય છે ત્યારે એક-બે વાર વધારે પડતો દારૂ પી લે છે. અથવા તો પહેલાં જે ભાઈ સિગારેટ પીતા હતા, તે એક બે વાર કોઈ જુએ નહિ એમ સિગારેટ પી લે છે. ખરું કે પછી તે યહોવાહને પ્રાર્થના કરે છે, અને માને છે કે યહોવાહે તેમને માફ કર્યા છે. તોપણ તેમણે વડીલોને એ વિષે જણાવવું જોઈએ. એનાથી તેમને મદદ મળી શકે, જેથી એવી ભૂલ ફરીથી ન કરે, એની ટેવ પડી ન જાય. એક કે બે વડીલો એ વ્યક્તિને મદદ કરશે. પરંતુ તેઓએ એ વિષે પ્રીઝાઈડીંગ ઓવરસિયરને જણાવવું જોઈએ. કદાચ એ વ્યક્તિના કિસ્સામાં બીજી બાબતો પણ ધ્યાનમાં રાખવા જેવી હોય.

યહોવાહ તરફથી મળતી શિક્ષા લેતા રહીએ

૨૨, ૨૩. શા માટે ઈશ્વર તરફથી મળતી શિક્ષા કાયમ સ્વીકારવી જોઈએ?

૨૨ યહોવાહની કૃપા પામવા આપણે બધા તેમના તરફથી મળતી શિક્ષા લેતા રહીએ. (૧ તીમોથી ૫:૨૦) આપણે બાઇબલ વાંચીએ, આપણાં પુસ્તકો વાંચીએ કે પછી મિટિંગો, ઍસેમ્બલી અને સંમેલનોમાં સાંભળતા હોઈએ. એમાંથી આપણને સુધારો કરવા જે કંઈ સલાહ મળે, એ જીવનમાં ઉતારીએ. આપણા ભલા માટે યહોવાહની મરજી પ્રમાણે જ જીવીએ. આમ, ઈશ્વર તરફથી મળતી શિક્ષા આપણને યહોવાહ સાથે પાકો નાતો બાંધવા મદદ કરશે. એ કોઈ પણ પાપ સામે દીવાલની જેમ આપણું રક્ષણ કરશે.

૨૩ ઈશ્વર તરફથી કોઈ પણ શિક્ષા સ્વીકારીને, આપણે તેમના પ્રેમની છાયામાં રહી શકીશું. ખરું કે અમુકને મંડળમાંથી કાઢવા પડ્યા છે. પણ જો ‘આપણા હૃદયની સંભાળ રાખીશું’ અને ‘ડાહ્યા માણસની જેમ ચાલીશું,’ તો આપણા એવા હાલ નહિ થાય. (નીતિવચનો ૪:૨૩; એફેસી ૫:૧૫) જો કોઈને એવો કડવો અનુભવ થયો હોય, તો કેમ નહિ કે મંડળમાં પાછા આવવા પગલાં લો? યહોવાહ ચાહે છે કે જે કોઈએ તેમને સમર્પણ કર્યું છે, તેઓ પૂરી શ્રદ્ધાથી અને “હૃદયના ઉલ્લાસથી,” ખુશીથી તેમની ભક્તિ કરે. (પુનર્નિયમ ૨૮:૪૭) જો આપણે કાયમ યહોવાહની શિક્ષા, શિખામણ સ્વીકારીએ, તો સદાને માટે આનંદથી તેમની ભક્તિ કરતા રહીશું.—ગીતશાસ્ત્ર ૧૦૦:૨. (w 06 11/15)

તમે કેવો જવાબ આપશો?

• મંડળમાંથી અમુકને કેમ કાઢી મૂકવામાં આવે છે?

• સાચો પસ્તાવો કરવામાં શાનો સમાવેશ થાય છે?

• વ્યક્તિએ પોતે કરેલાં પાપ શા માટે કબૂલ કરવા જોઈએ?

• મંડળના વડીલો કઈ રીતે પસ્તાવો કરનારને મદદ આપે છે?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૧૬ પર ચિત્ર]

ઈશ્વરભક્ત પાઊલે એક વ્યક્તિને મંડળમાંથી કાઢવા વિષે કોરીંથીઓને કેમ સૂચના આપી?

[પાન ૧૯ પર ચિત્ર]

અગાઉના ઘેટાંપાળકોની જેમ, મંડળના વડીલો ઈશ્વરના જખમી ઘેટાં કે લોકોને ‘પાટો બાંધે છે’