સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

તમે કઈ રીતે સુખી બની શકો?

તમે કઈ રીતે સુખી બની શકો?

તમે કઈ રીતે સુખી બની શકો?

આપણા માબાપ તન-મન-ધનથી આપણી દેખભાળ કરે છે. તેઓનું સૌથી મોટું સપનું એ જ છે કે આપણે મોટા થઈને સુખી બનીએ. એક પિતાની જેમ આપણા સરજનહાર પણ એ જ ચાહે છે. તે પ્રેમથી આપણને સમજાવે છે કે જીવનમાં શાનાથી દુઃખી થઈશું, શાનાથી સુખી થઈશું. જેઓ ઈશ્વરનું કહ્યું માને છે, તેઓ વિષે બાઇબલ કહે છે: “જે કંઈ તે કરે છે તે સફળ થાય છે.”—ગીતશાસ્ત્ર ૧:૩.

જો એ સાચું હોય, તો શા માટે લાખો લોકો દુઃખી છે? એવું કેમ લાગે છે કે સફળતા તેઓથી કોસો દૂર છે? આનો જવાબ બાઇબલના ગીતશાસ્ત્ર પુસ્તકમાંથી મળશે. એ બતાવશે કે આપણે કઈ રીતે જીવનમાં સફળ થઈ શકીએ. સુખી બની શકીએ.

“દુષ્ટોની સલાહ”

બાઇબલના એક કવિએ “દુષ્ટોની સલાહ” વિષે ચેતવણી આપી હતી. (ગીતશાસ્ત્ર ૧:૧) સર્વ દુષ્ટ લોકોમાં સૌથી ‘ભૂંડો’ તો શેતાન છે. (માત્થી ૬:૧૩) બાઇબલ કહે છે કે તે ‘જગતનો અધિકારી’ છે. ‘આખું જગત તેની સત્તામાં છે.’ (યોહાન ૧૬:૧૧; ૧ યોહાન ૫:૧૯) આથી આ દુનિયાની સલાહ-સૂચના દુષ્ટ શેતાનના જ વિચારો રજૂ કરે છે.

દુનિયાના દુષ્ટ લોકો કેવા વિચારોને ફેલાવે છે? સામાન્ય રીતે તેઓ ‘દેવની નિંદા’ કરે છે. (ગીતશાસ્ત્ર ૧૦:૧૩) તેઓની સલાહ તો ઈશ્વરનો અનાદર કરે છે. ઈશ્વર તરફથી મોં ફેરવી લેવા ઉશ્કેરે છે. તેઓની સલાહ બધે સાંભળવા મળે છે. આજનો જમાનો ‘વાસના તથા આંખોની લાલસા તથા જીવનના અહંકારનો’ પણ પ્રચાર કરે છે. (૧ યોહાન ૨:૧૬) ટીવી, રેડિયો, જાહેરખબરો બસ એક જ સંદેશો ફેલાવે છે: ‘મસ્ત જીવો.’ દર વર્ષે દુનિયાભરની કંપનીઓ ઍડવર્ટાઇઝીંગમાં ૫૦૦ બિલિયન અમેરિકન ડૉલર (આશરે ૨૩.૧ લાખ કરોડ રૂપિયા) વેડફે છે. તેઓનો મકસદ? એ જ કે તમે તેઓની ચીજ-વસ્તુઓ ખરીદો, પછી ભલેને તમને એની જરૂર હોય કે નહિ. દિન ને રાત તેઓની જાહેરાતો સાંભળી સાંભળીને લોકો હવે એક જ કંપનીની નહિ, પણ જુદી જુદી કંપનીની ચીજ-વસ્તુ ખરીદવા માંડે છે. એટલું જ નહિ, આ કંપનીઓએ લોકોના કાન ભંભેરીને ખરી સફળતાનો અર્થ સાવ વિકૃત કરી નાખ્યો છે.

આનું પરિણામ શું આવ્યું? લોકો પાસે હવે એવી ચીજો છે જે તેઓ વર્ષો પહેલાં બસ સપનામાં જોતા હતા. તેમ છતાં, તેઓ સંતોષી નથી. તેઓની લેટેસ્ટ વસ્તુઓની ભૂખ હજી મટતી નથી. જાણે જ્યાં સુધી તમને એ ન મળે, ત્યાં સુધી તમે સુખી બની શકશો નહિ. પણ આ તો એક જૂઠ છે. આ વિચાર “[યહોવાહ] પિતાથી નથી, પણ જગતથી છે.”—૧ યોહાન ૨:૧૬.

આપણા સરજનહાર તો સાફ બતાવે છે કે સુખી થવા માટે આપણને શાની જરૂર છે. તેમની અને “દુષ્ટોની સલાહ” વચ્ચે આભ-જમીનનો ફરક છે. આપણે બેમાંથી એક જ રસ્તા પર ચાલી શકીએ. એટલે બાઇબલ આ ચેતવણી આપે છે: “આ જગતનું રૂપ તમે ન ધરો.”—રૂમી ૧૨:૨.

જગતનું રૂપ તમે ન ધરો

આ દુનિયા એવું બતાવવા માંગે છે કે એને તમારી ચિંતા છે, એ તમને સુખી જોવા માંગે છે, તમારું ભલું જ ચાહે છે. પણ આપણે સાવધાન રહેવાની જરૂર છે કેમ કે આ દુનિયા શેતાનના હાથમાં છે. પહેલી સ્ત્રી હવાનો વિચાર કરો. શેતાને ચાલાકીથી તેને પોતાની સ્વાર્થી ઇચ્છા સંતોષવા દોરી. પછી શેતાને હવા દ્વારા આદમને પણ એ માર્ગ પર દોર્યો. આજે પણ શેતાન તેની સલાહ, દુષ્ટ ઇન્સાન દ્વારા રજૂ કરે છે.

ગયા લેખમાં ડેવિડનો દાખલો જોઈ ગયા એના પર ફરી વિચાર કરો. તેના શેઠ ચાહતા હતા કે તે ખૂબ ઓવરટાઇમ કરે ને વારંવાર જુદી જુદી જગ્યાઓએ જઈને ધંધો વિસ્તારે. ડેવિડ કહે છે: ‘હું સોમવારે વહેલી સવારે નીકળી જતો ને ઘરે પાછો છેક ગુરૂવારે સાંજે આવતો.’ ડેવિડના દોસ્તો, સગાંવહાલાં ને સાથે કામ કરનારા તેને એમ કરવાનું ઉત્તેજન આપતા. તેઓ કહેતા કે જીવનમાં કંઈક કરવું હોય, તો આવા ભોગ તો આપવા જ પડશે. પોતાનું ભૂલી જાવ, તમારા ‘કુટુંબ માટે કરો.’ તેઓ કહેતા કે આવું રૂટીન ફક્ત થોડાંક જ વર્ષો ચાલશે. નામ, પદવી ને સત્તા મળે ત્યારે એ બધું છોડી દેજે. ડેવિડ કહે છે: ‘તેઓ વારંવાર કહેતા કે ભલે હમણાં ભોગ આપવો પડે, ભાવિનો વિચાર કર. કુટુંબનો વિચાર કર. સુખી જીવનનો વિચાર કર. મારા દોસ્તો દર વખતે કહેતા કે હું કુટુંબથી દૂર હોઉ તોપણ હું ખરેખર કુટુંબને લાભ કરું છું.’ ડેવિડની જેમ, આજે ઘણી વ્યક્તિઓ રાત-દિન કામ કરે છે. કેમ? તેઓ માને છે કે એમ કરવાથી કુટુંબને લાભ થશે. અરે, જીવન સુખી બનશે. પણ શું એ સાચું છે? પણ કુટુંબને ખરેખર શાની જરૂર છે?

એક વખત ડેવિડ ધંધાના કામસર બહાર ગયો હતો ત્યારે જ તેને ખબર પડી કે કુટુંબને ખરેખર શાની જરૂર છે. તેણે કહ્યું: ‘ફોન પર હું મારી દીકરી એંજેલિકા સાથે વાત કરતો હતો. તેણે કહ્યું: “પપ્પા, તમે કેમ ઘડી ઘડી બીજી જગ્યાએ રહેવા જાવ છો? તમને અમારી સાથે ઘરે રહેવું ગમતું નથી?”’ ડેવિડે કહ્યું કે ‘આ સાંભળીને મારા દિલના ટુકડેટુકડા થઈ ગયા.’ તેની દીકરીની વિનંતી સાંભળીને ડેવિડે રાજીનામું આપવાનું નક્કી કર્યું. તેને ખ્યાલ આવ્યો કે તેના કુટુંબને ખરેખર તો તેની પોતાની જરૂર હતી.

ઈશ્વરનું સાંભળવાથી તમે સુખી બનશો

દુનિયાના ખૂણે ખૂણેથી સુખી થવાના ખોટા વિચારો સાંભળવા મળે છે. આપણે શું કરી શકીએ જેથી એમાં ફસાઈ ન જઈએ? ગીતશાસ્ત્રના એક કવિએ કહ્યું કે સુખી વ્યક્તિ, ‘યહોવાહના નિયમશાસ્ત્રથી હર્ષ પામે છે; અને રાતદિવસ તેનું મનન કરે છે.’—ગીતશાસ્ત્ર ૧:૨.

હજારો વર્ષો પહેલાં, યહોવાહે યહોશુઆને ઈસ્રાએલ પ્રજાના આગેવાન બનાવ્યા ત્યારે, તેમને કહ્યું: “દિવસે તથા રાત્રે [મારા શાસ્ત્રનું] મનન કર.” સુખી જીવન માટે, પવિત્ર શાસ્ત્રમાંથી વાંચવું ને એનો વિચાર કરવો બહુ મહત્ત્વનું છે. પણ આનો અર્થ એ નથી કે બાઇબલમાં કંઈક જાદુ છે ને એને વાંચવાથી તમે તરત જ સુખી બનશો. યહોશુઆએ ‘એમાં જે બધું લખેલું હતું તે કાળજીથી પાળવાનું’ હતું. ત્યાર પછી તે સફળ થવાના હતા. આપણે પણ એમ જ કરવું જોઈએ. જો કરીશું તો ‘આપણો માર્ગ આબાદ થશે, અને ત્યારે જ આપણે ફતેહ પામીશું.’—યહોશુઆ ૧:૮.

માની લો કે એક બાળક તેની મા કે બાપના ખોળામાં બેઠું છે. બાળકના ચહેરા પર મોટું સ્માઇલ છે. મા કે બાપ બાળક સાથે તેને ખૂબ ગમતી વાર્તા વાંચે છે. ભલે તેઓએ એ વાર્તા હજાર વખત વાંચી હોય, માબાપ અને બાળક માટે એ વખત અનમોલ છે. આવી જ રીતે, જો કોઈ વ્યક્તિ ઈશ્વરને દિલથી ચાહતી હોય, તો તે દરરોજ બાઇબલ વાંચશે. એ વખત દરમિયાન તે જાણે આપણા પિતા યહોવાહને ચરણે બેસે છે. આ તો એક અનમોલ પ્રસંગ છે. એ વ્યક્તિ યહોવાહના સલાહ-સૂચનો પાળે ત્યારે તે “નદીની પાસે રોપાએલા ઝાડના જેવો થશે, જે પોતાનાં ફળ પોતાની ઋતુ પ્રમાણે આપે છે, અને જેનાં પાંદડાં કદી પણ ચીમળાતાં નથી; વળી જે કંઈ તે કરે છે તે સફળ થાય છે.”—ગીતશાસ્ત્ર ૧:૩.

ગીતશાસ્ત્રના એક કવિએ એ સુંદર ઝાડ વિષે લખ્યું હતું. એ ઝાડ આપમેળે આવી ગયું ન હતું. કોઈ ખેડૂતે નદીની પાસે બી વાવ્યું હતું. એની સંભાળ રાખી હતી. ત્યાર પછી એ બી ઊગ્યું ને વિકસ્યું. એ જ રીતે, યહોવાહ બાઇબલ દ્વારા આપણને સલાહ આપે છે ને આપણી સંભાળ રાખે છે. આપણા વિચારો સુધારે છે. ત્યાર પછી આપણામાં ઈશ્વર ચાહે છે એવા સદ્‍ગુણો વિકસવા માંડે છે.

પણ “દુષ્ટો એવા નથી.” ઉપર ઉપરથી એવું લાગતું હોય કે તેઓ સુખી છે. મસ્ત જીવે છે. પણ ઊજળું એટલું દૂધ નથી. યહોવાહના “ન્યાયાસન આગળ દુષ્ટો ટકશે નહિ.” છેવટે “દુષ્ટોના માર્ગનો નાશ થશે.”—ગીતશાસ્ત્ર ૧:૪-૬.

આથી તમે આ દુનિયાના રંગે રંગાઈ ન જાઓ. એના સપનાઓ અને વિચારોમાં ફસાઈ ન જાઓ. ભલે તમારી પાસે કોઈ ખાસ ક્ષમતા હોય, ભલે તમે મોટી પદવી મેળવી શકતા હો, બે વાર વિચાર કરો. આ દુનિયાને ઇશારે નાચો નહિ. ભૌતિક ચીજ-વસ્તુઓ મેળવવાની દોડ નકામી છે. એનાથી વ્યક્તિનું જીવન બસ ‘કરમાઈ’ જશે. પણ એનાથી ઊલટું, ઈશ્વર સાથે સારો નાતો, મજબૂત નાતો બાંધો. એનાથી તમે ખરી રીતે જીવનમાં સફળ થશો.

તમે કઈ રીતે સુખી બની શકો?

વ્યક્તિ ઈશ્વરની સલાહ પાળે છે ત્યારે તે હંમેશાં સુખી રહે છે. એમ કઈ રીતે? ગીતશાસ્ત્રના કવિ દુન્યવી સફળતા વિષે વાત કરતા ન હતા. તેમનું કહેવું હતું કે ઈશ્વર જે કંઈ કહે કે કરે એ હંમેશાં સફળ થાય છે. તેથી ઈશ્વરનો ડર રાખીને ચાલનારા તેમનું સાંભળે છે ત્યારે તેઓ જીવનમાં સફળ થાય છે. તો ચાલો જોઈએ કે બાઇબલના સિદ્ધાંતો પાળવાથી તમે કઈ રીતે સુખી બની શકો.

કુટુંબમાં સુખ: બાઇબલ કહે છે: “પતિઓએ જેમ પોતાનાં શરીરો પર તેમ પોતાની પત્નીઓ પર પ્રેમ રાખવો જોઈએ.” બાઇબલ પત્નીઓને કહે છે: ‘પોતાના પતિનું માન રાખો.’ (એફેસી ૫:૨૮, ૩૩) બાઇબલ એ પણ કહે છે કે માબાપે બાળકો માટે દરરોજ સમય કાઢવો જોઈએ. તેઓ સાથે મોજમજા કરવી જોઈએ. વાતો કરવી જોઈએ. સારા સંસ્કાર શીખવવા જોઈએ. (પુનર્નિયમ ૬:૬, ૭; સભાશિક્ષક ૩:૪) ઈશ્વર એમ પણ કહે છે: “તમારાં છોકરાંને ચીડવો નહિ.” આ સલાહ પાળવાથી બાળકો વધુ સહેલાઈથી ‘માબાપની આજ્ઞાઓ માનશે’ ને તેઓનું ‘સન્માન કરશે.’ (એફેસી ૬:૧-૪) આમ ઘર સુખથી ભરાઈ જશે.

મિત્રો: આપણ બધાને જિગરી દોસ્તોની જરૂર છે. ઈશ્વરે આપણને એવી રીતે બનાવ્યા છે કે આપણે બીજાને પ્રેમ બતાવી શકીએ, અને પ્રેમ અનુભવી પણ શકીએ. એટલે ઈસુએ તેમના શિષ્યોને કહ્યું: “એકબીજા પર પ્રેમ રાખો.” (યોહાન ૧૩:૩૪, ૩૫) આપણે યહોવાહના સાક્ષીઓમાંથી દોસ્ત બનાવી શકીએ. એવા દોસ્ત જેમના પર તમે પૂરો ભરોસો મૂકી શકો. અમુક સમય બાદ એ દોસ્તી એટલી મજબૂત બનશે કે તમે એકબીજાને દિલની વાતો કહી શકશો. (નીતિવચનો ૧૮:૨૪) પણ ઈશ્વરની સલાહ પાળવાનો સૌથી મોટો આશીર્વાદ કયો છે? એ જ કે આપણે ‘ઈશ્વરની નજીક જઈ શકીશું.’ ઈબ્રાહીમની માફક આપણે પણ યહોવાહના “મિત્ર” બની શકીશું!—યાકૂબ ૨:૨૩; ૪:૮.

જીવનમાં મકસદ: બાઇબલની આ સલાહ પાળવાથી આપણને જીવનમાં ખરી મંજિલ મળે છે, એનો મકસદ મળે છે: “દેવનું ભય રાખ અને તેની આજ્ઞાઓ પાળ; દરેક મનુષ્યની સંપૂર્ણ ફરજ એ છે.” (સભાશિક્ષક ૧૨:૧૩) આ સલાહ પાળીએ છીએ ત્યારે રોજબરોજના જીવનમાં ફાંફાં મારવાને બદલે આપણને જીવનની ખરી મંજિલ મળે છે. એ આપણને ખરા સુખ તરફ લઈ જાય છે. પછી આપણું જીવન આ લથડતી દુનિયા પર નહિ, પણ ઈશ્વરનાં વચનો પર ઘડાયેલું હશે. એ જ તો આપણું જીવન સફળ કરે છે.

ભાવિ માટે આશા: જો ઈશ્વર સાથે પાક્કો નાતો હોય, તો ભાવિ માટે સુંદર આશા પણ હશે. એના વિષે ઈશ્વરભક્ત પાઊલે કહ્યું: ‘પોતાના ધન પર આધાર ન રાખ, પણ ઈશ્વર પર ભરોસો રાખ.’ એમ કરશો તો તમે ‘સ્વર્ગમાં પોતાને માટે સાચો ખજાનો ભેગો કરી શકશો. અનંતકાળને માટે ફક્ત એ જ એક માત્ર સલામત રોકાણ છે.’ (૧ તિમોથી ૬:૧૭-૧૯, IBSI) જ્યારે ઈશ્વરની સરકાર પગલાં લેશે ને દુનિયાની બધી બૂરાઈ એકદમ મિટાવી દેશે ત્યારે પૃથ્વી સ્વર્ગ જેવી સુંદર બનશે. ત્યારે આપણે ખરેખર સુખી જીવન જીવીશું.—લુક ૨૩:૪૩.

બાઇબલની સલાહ પાળવાથી શું તમે બધા દુઃખ-તકલીફોથી બચી જશો? ના, એવું હમણાં તો નહિ થાય. પણ તમે ઘણા કડવા અનુભવોથી જરૂર બચશો જે દુષ્ટો પર ઘડી ઘડી આવી પડે છે. ડેવિડ જેવા લાખો લોકો બાઇબલની સલાહ જીવનમાં પાળતા શીખ્યા છે. અમુક હદ સુધી તેઓ સુખી બન્યા છે. હવે ડેવિડ પાસે બીજી એક નોકરી છે જેના લીધે તે કુટુંબ અને ઈશ્વરભક્તિમાં સારો એવો સમય આપી શકે છે. તે કહે છે: ‘હવે મારી પત્ની ને બાળકો સાથે મારો સારો નાતો છે. યહોવાહના મંડળમાં હું એક વડીલ પણ છું. આ આશીર્વાદોથી હું બહુ જ ખુશ છું.’ તો એમાં કોઈ શંકા નથી કે વ્યક્તિ ઈશ્વરની સલાહ પાળે છે ત્યારે ગીતશાસ્ત્ર કહે છે તેમ, ‘તે જે કંઈ કરે છે તે સફળ થાય છે!’ (w 07 1/1)

[Chart on page 6]

જીવનમાં સફળ થવાના પાંચ પગલાં

૧ આ દુનિયાને રંગે રંગાઈ ન જાઓ.

ગીતશાસ્ત્ર ૧:૧; રૂમી ૧૨:૨

૨ દરરોજ બાઇબલ વાંચો ને એનો વિચાર કરો.

ગીતશાસ્ત્ર ૧:૨, ૩

૩ બાઇબલની સલાહ જીવનમાં ઉતારો.

યહોશુઆ ૧:૭-૯

૪ ઈશ્વર સાથે પાક્કો નાતો બાંધો.

યાકૂબ ૨:૨૩; ૪:૮

૫ ઈશ્વર પર શ્રદ્ધા રાખો ને તેમનું સાંભળો.

સભાશિક્ષક ૧૨:૧૩

[Pictures on page 7]

જીવનમાં સફળ થવા શું તમે આ પગલાં લીધાં છે?